Friday, January 15, 2010

દાધારંગી આ દુનિયા

પ્રિય મિત્રો,

પરમભક્ત તરીકે,ઇશ્વરને,આપણે આજે એક ફરીયાદ કરવી છે.
મને આ બેરંગી-દાધારંગી દુનિયામાં શા માટે મોકલ્યો?
જ્યારે ખરેખર મારું સ્થાન તો તારા ચરણોમાં છે..!!

તુંડે-તુંડે રંગ નિરાળા,કોને કોના કહેવા !
દાધારંગી આ દુનિયા માં,મારા કોને કહેવા !

કહેવા પુરતા તો,કરોળિયાના જાળા સમા,જાતજાતના સંબંધોનું આખું એક જાળું ઉભું કરી,
એમાં મને તો તેં ગોઠવી દીધો છે,પણ અહીં તો બધાના તુંડે-તુંડે રંગ નિરાળા છે,
વળી મારી જેમ એ સર્વે પણ આ જાળમાં જ ફસાયેલા છે,હવે તું જ મને કહે?
મારે કોને,કોના કહેવા ? કોને મારા કહેવા ?

હરએક શ્વાસ વિશ્વાસ વગર નો,મારા કોને કહેવા !
વનવગડા ના નિર્જન મારગ,ક્યાં જઈ કોને પુછવા !

જે દુનિયામાં તારા આશિષથી હું શ્વાસ લઉં છું,તે પ્રત્યેક શ્વાસનો જ મને જ્યાં વિશ્વાસ નથી તો..!!
મારી આસપાસ શ્વસતા અન્ય કોઇનો વિશ્વાસ હું કેવી રીતે કરું ?
જગતની આટલી ભીડભાડમાં પણ મને એકલતા એ,એવો તો ઘેરી લીધો છેકે,
લાગે છે..!! જાણે,જગત આખું વનવગડો છે,જેના આ નિર્જન મારગ ઉપર,
તારા સુધી પહોંચવાનો રસ્તો,મારે કોને જઇને પુછવો ?

શાથી તન માં પ્રાણ પૂર્યા ને ક્યાં છે મીઠા મેવા !
ઘોળી-ઘોળી વખ પીધાં ને,જીવતાં છતાં એ મુવા !

હે પ્રભુ,આ દેહના નશ્વરપણાની મને ખાત્રી થઇ ગઇ છે.
મને સત્કર્મના મીઠા મેવાની લાલચ આપી તેં તો રવાના કરી દીધો પણ,
અહી તો ડગલેને પગલે,દુનિયાના સ્વાર્થીપણાનું ઝેર ગટગટાવી,
હું, સાવ મરવાના વાંકે જીવતો હોઉં તેમ મને તો ભાસે છે.

દર્દ અગણિત ઠોકરો નાં,તમારે ઓછાં સહેવાં !
ફસડાયાં કે ફંગોળાયાં,આવવું છે ક્યાં જોવા !

બધા કહે છે તે સાવ સાચું લાગે છે કે,તું તારા ભક્તોની આકરી કસોટી કરે છે,
પણ પ્રભુ,ડગલેને પગલે લાગતી કારમી ઠોકરો ની,આવી આકરી કસોટીનું દર્દ,તારે નહી..!!
મારે સહન કરવું પડે છે,વળી આવી કારમી ઠોકરો લાગ્યા પછી,હું ફસડાયો કે ફંગોળાયો ?
તારે થોડું જ જોવા આવવું છે ? તારા ભકતનું તું આવું ધ્યાન રાખે છે ?

પળપળ જ્યાં છે મોત નો માતમ,નથી નવરું કોઈ રોવા,
કફન વગર ની લાશો રઝળે,નથી દફન કોઈ કરવા.

મને તો આ દુનિયા સહેજ પણ ગમતી નથી,જ્યાં તારા પ્રેમાળ સાંનિધ્ય ને બદલે,
જાણેકે,પ્રત્યેક પળ મોતનો માતમ છવાયેલો વર્તાય છે.
એ તો ઠીક,પણ આ માતમ પર સાચું કે ખોટું રડવા પણ કોઇ નવરું નથી,તેનું આશ્ચર્ય થાય છે..!!
જોકે,મોતને વરેલી લાશો દફન કર્યા વગર રઝળે છે અને તેને દફન કરવાની નવરાશ પણ કોઇને નથી.

હે પ્રભુ,જો મને તું તારો સાચો ભક્ત માનતો હોય તો જન્મજન્માન્તરના આ વિષ-કાલચક્રમાંથી મને શક્ય તેટલો ઝડપથી મૂક્ત કર.
મોક્ષ નું વરદાન બક્ષીને,સદૈવ તારા ચરણોનો દાસ બનાવી,મને શરણ આપ,હે દયાનિધાન પ્રભુ,મારો આર્તનાદ તને સંભળાશે ?

માર્કંડ દવે.તા.૦૪-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.