Saturday, February 12, 2011

જથરવથર ભાણું

જથરવથર ભાણું

" રાજાના આંગણે નાણું તર-બતર  કેમ છે..!!
   પ્રજાના બારણે  ભાણું જથરવથર કેમ છે?"

===========

જથરવથર ભાણું

લીફ્ટની રાહ જોયા વગરજ, હાથમાં રહેલી દવાઓ અને ગ્લુકૉઝની બોટલને જીવની માફક સાચવતો અવિનાશ, મહાકાય સરકારી જનરલ હોસ્પિટલનાં પગથિયાં સડસડાટ ચઢી ગયો. જાણે ડૉક્ટર તેનીજ રાહ જોતા હોય તેમ, તેના હાથમાંથી દવાઓ લઈને નર્સને દવા આપવાનો સમય તથા અન્ય સૂચનાઓ આપી ઝડપથી અન્ય દર્દીના ખાટલા તરફ ચાલતા થયા.

નર્સે ચહેરા પર કોઈજ ભાવ આવવા દીધા વગર, અવિનાશના બેભાન જેવા પડેલા પિતાને ગ્લુકોઝની બોટલ ચઢાવીને, અવિનાશને તેમનું ઘ્યાન રાખવા જણાવી, ડૉક્ટરસાહેબને અનુસરતી હોય તેમ લગભગ દોડતા પગલે તે પણ ચાલતી થઈ.પાસેના નાના સ્ટૂલ પર થાકના કારણે લગભગ ફસડાઈ પડીને, અવિનાશ પોતાના પિતાનો હાથ પકડીને ગઈકાલ સાંજની ડરામણી ઘટનાઓને વાગોળી રહ્યો.

એક તો રજાના દિવસે પણ બૉસની ગુલામીમાં હાજર રહેવાનું ઉપરાંત, મહીનાની આખર તારીખ, ગજવું ફેંફોસે તો તેમાં એક રૂપિયોય ન મળે તેવા ખરાબ સંજોગ અને એવામાંજ પોતાની નાનકડી દસ બાય દસની ઓરડીમાં દાખલ થતાંજ પોતાના વૃદ્ધ પિતાને શરીરમાં સુગર અત્યંત ઘટી જવાથી બેભાન પડીને આડાઅવળા અમળાતા જોયા. જોકે આ દ્રશ્ય જોતાંજ એકક્ષણતો અવિનાશ ગભરાઈ જ ગયો, પરંતુ બાએ તેને સધિયારો આપીને નજીકમાંથીજ કોઈ ડૉક્ટરને બોલાવી લાવવા જણાવ્યું તે સાથેજ, વળતા પગલે અવિનાશ બહાર દોડ્યો તો ખરો પણ, નજીકમાંજ આવેલા એક ઓળખીતા ડૉક્ટરસાહેબની ડીસ્પૅન્સરી બંધ હતી. તેને યાદ આવ્યું. અરે..!! આજે તો રવિવાર સાંજના સમયે કોઈપણ ડૉક્ટર મળવા મુશ્કેલ છે?

સાથે આવેલા પડોશી ભટ્ટભાઈએ સલાહ આપી," આજની રાત રાહ જોવી છે?"  અવિનાશે, ભટ્ટભાઈ સામે રોષમિશ્રિત, આશ્રર્યકારક નજર કરી, સલાહને સાંભળી ન સાંભળી કરીને, તરતજ સમયસૂચકતા વાપરી, પાનના ગલ્લેથી ઍમ્બ્યુલન્સને બોલાવવા કૉલ કરી દીધો.

કટોકટીના સમયે ખોટી, બેવકૂફીભરી સલાહ આપનાર પડોશી ભટ્ટભાઇ, પોતાની પાછળ આવે છેકે નહીં તેની પણ દરકાર રાખ્યા વગર, અવિનાશ ઝડપથી હૉસ્પિટલમાં પિતાજી માટે થોડી વસ્તુઓ લઈ જવાની તૈયારી કરવા માટે બા ને જણાવીને, બેભાન અવસ્થામાંય પિતાના વાંકાચૂકા થતા ચહેરા અને આંખના ચકળવકળ ડોળા સામે અછડતી નજર નાંખીને, પોતાની આંખમાં તગતગતાં આંસુને સંતાડતો, સોસાયટીના ઝાંપે ઍમ્બ્યુલન્સ વૅનની રાહ જોવા લાગ્યો.પાસેજ રહેતો એક મિત્ર નાનીસરખી પણ ખરાસમયે ખપ લાગે તેટલી રકમ અવિનાશના હાથમાં બોલ્યા વગર આપી ગયો. થોડીજવારમાં ઍમ્બ્યુલન્સ આવી જતાંજ, અર્ધબેભાન પિતાજીને, બા સાથે અવિનાશ હૉસ્પિટલ ભેગો થઈ ગયો.

અવિનાશના વિચારોમાં  વિક્ષેપ પડ્યો. પિતાજી થોડાક સળવળ્યા હોય તેમ અવિનાશને લાગ્યું. જાણે શરીરમાં ગ્લુકોઝ  જતાંજ બાપુજીને સારું લાગ્યું હોય તેમ તેમણે આંખ ખોલીને દીકરા અવિનાશ સામે નાના બાળકની માફક મધુર સ્મિત રેલાવ્યું. ખબર નહીં, પિતાજીને સાજાસમા જોઈને હર્ષથી કેપછી પોતાની આર્થિક લાચારીને કારણે,  એક અઠવાડીયાથી ડાયાબિટીસની દવા ન લાવી શકવાને કારણે બાપુજીને તકલીફ પડી, તે દુઃખને કારણે અવિનાશના ગાલેથી આંસુ સરવા લાગ્યાં.

વિલાપ કરતા અવિનાશના ખભે બાએ પ્રેમાળ હાથ મૂક્યો. આ પ્રેમાળ હાથના સંકેતમાં કેટકેટલું ભર્યું હતું. એક સાંત્વના, એક રાહત, તકદીર સામે લડવાની એક પ્રેરણા અને પોતાના ચૂડીચાંલ્લો અખંડ રાખવા બદલ, અનંત કોટી બ્રહ્માંડમાંય ન સમાય તેટલા આશીર્વાદ..!!

રૅસીડન્ટ ડૉક્ટરે આવી, તપાસી અવિનાશને ચીંધીને, બાપુજીને સવાલ કર્યો," દાદા, આ કોણ છે?"

અવિનાશ સામે જોઈને, પિતાજીએ કહ્યું," આ..? અવિનાશ, મારો શ્રવણ દીકરો છે..!!"

ત્યારબાદ, બા સામે આંગળી ચીંધીને ડૉક્ટરસાહેબે ફરી સવાલ કર્યો," અને આ કોણ છે?"

પિતાજીએ સંપૂર્ણ ભાનમાં હોય તેમ સ્વસ્થ અવાજે કહ્યું," મારા અવિનાશની મમ્મી છે."

અવિનાશે પૂછ્યું," સાહેબ, બાપુજીને કેટલા દિવસ રાખવા પડશે?"

ડૉક્ટર પલંગ પર પડેલા કાગળ તપાસીને કહ્યું," દાદાને આજની રાત ચેક કરી લઈએ, કાલે બરાબર હશે તો રજા આપવા વિચારીશું." એટલું કહી ડૉક્ટરસાહેબ નીકળી ગયા.

અવિનાશે બાને કહ્યું," બા, તમે એક કામ કરો, રાત્રે હું અને મારો મિત્ર રોકાઈ જઈએ છે. અહીં ગમેતે નાસ્તો અમે કરી લઈશું. તમે સવારે થરમોસમાં ચ્હા લઈને, શાંતીથી પૂજા-પાઠ કરીને આવજો."

સાથે આવેલો મિત્ર બાને રિક્ષામાં બેસાડી આવ્યો અને બંને મિત્રો હળવો નાસ્તો કરી આવીને, આરામથી ઊંઘ ખેંચી રહેલા, પિતાજી પાસે બેઠા. આખા દિવસનો થાકેલા અવિનાશની, જનરલ વોર્ડમાં પિતાજીના પલંગની બાજુમાં  બેઠા-બેઠાજ આંખ મીંચાઈ ગઈ.

સવારના આશરે પાંચેક વાગ્યા હશેને, એટલામાંજ  મોટો કોલાહલ અને ઝઘડવાના અવાજથી અવિનાશ સફાળો જાગી ગયો  ત્યારે તેણે પોતાના મિત્રને વોર્ડબૉય સાથે ઝઘડતો જોયો.

કશુંજ સમજ્યા વગર અવિનાશ મિત્રને પરાણે ઢસડીને વોર્ડની બહાર લઈ ગયો. વિગત પૂછતાં જાણ થઈકે,  સવાર-સવારમાં વોર્ડની સફાઈ માટે આવેલા વોર્ડબૉયે તોછડાઈથી, બાપુજીના પલંગની બાજુમાં ઘસઘસાટ ઊંઘતા અવિનાશને, પગ વડે જગાડવાની ચેષ્ટા કરવાને કારણે, ગરમ સ્વભાવના મિત્રએ વોર્ડબોયને ગુસ્સામાં  હળવો  ધક્કો માર્યો જેથી વાત વધી ગઈ.

સવાર થઈ ગઈ હોવાથી, અવિનાશે સમય પારખી, મિત્રને સમજાવી-પટાવીને ઘેર રવાના કરી દીધો, પરંતુ વાત વણસી ગઈ હતી. અવિનાશે બધા સ્ટાફની માફી માંગવા છતાં, હૉસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળની ધમકી આપવા લાગ્યા. છેવટે બાપુજીને તાત્કાલિક રજા આપવાની શરતે મામલો શાંત થયો.

જોકે, અડધા સાજા-અડધા માંદા બાપુજીની ભારે કાયાને, એકલા હાથે રિક્ષામાં લગભગ ફંગોળતાં, તુમાખીખોર વોર્ડબૉયનું છેલ્લું વાક્ય અવિનાશના હ્યદયને બહુ કઠ્યુકે, " બહુ ચરબી હોય તો, અહી દર્દીને લઈને આવો છો જ શું કામ? શહેરમાં આટલી બધી ખાનગી હૉસ્પિટલ છે, લઈ જાવ ત્યાં?"

દોડતી રિક્ષાની સાથે, અવિનાશના વિચારો પણ અત્યંત વેગથી  દોડતા હતા," હે ઈશ્વર..!! આતે કેવો ન્યાય છે, રાજાઓને ત્યાં નાણું સમાય નહી તેટલું તરબતર છે અને અહીં આંગણે ભાણું પણ જથરવથર છે?"

પોતાના ખભે ઢળેલા આખેઆખા બાપુજીના શરીરના ભાર કરતાંય, આજે વિચારોનો ભાર  અવિનાશને વધારે કેમ લાગતો હતો?

મિત્રો, આપની પાસે આ સવાલ નો જવાબ છે?

માર્કંડ દવે. તા.૧૨ - ૦૨ - ૨૦૧૧.
==========================   

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.