Sunday, October 24, 2010

વિષાદ

વિષાદ

" તમે પરથી`તું`પર,ઝટ આવને પ્રિયે?
  એકત્વની ઝરમર, `તું`  છાંટને  પ્રિયે..!!


=============

સાંજે ઑફિસેથી છૂટવાની અંતિમ ક્ષણે, માથાફરેલ બૉસે પદ્મજને, એક કવર આપ્યું," પદ્મજ, તમે અમદાવાદ-વડોદરા ઍક્સપ્રેસ વૅ પાસે રહો છો,આ કવરમાં અગત્યના ડૉક્યુમેન્ટસ છે, કાલે વહેલી સવારે પાંચથી છ માં, આપણી ઑફિસની ગાડી ત્યાંથી પસાર થાય ત્યારે ડ્રાઈવરને આપી દેશો?"  બૉસ તેને આવાં  સંપેતરાં સોંપે તે બાબત, પદ્મજને સહેજ પણ ગમી નહીં,પણ શું થાય? બૉસના આદેશમાં પ્રશ્નાર્થ જરૂર હતો,પરંતુ બૉસને ના કેવીરીતે પાડવી?

પદ્મજ, તાજોજ પોસ્ટગ્રેજ્યુએટ થઈને, આ કંપનીમાં તાજેતરમાંજ જોડાયેલો, એક હોનહાર,મહત્વાકાંક્ષી, તરવરીયો, કાચો કુંવારો, સ્માર્ટ યુવાન હતો. કોઈની ગુલામી કરવા કરતાં, નાનો પણ પોતાનો બિઝનેસ કરવાની, તેની પ્રબળ ઈચ્છા હતી. જોકે, તે બાબત એટલી સહેલી નહતી. ધંધા માટે પુરતાં નાણાં, કોઈનો સપોર્ટ અને થોડા અનુભવ વગર, ધંધાની શરૂઆત કરવી વ્યાજબી ન લાગતાં, પદ્મજ ના છૂટકે, મનને જેમતેમ મનાવીને, નોકરીએ જોડાયો હતો.

આમ પણ, કૉલેજના છેલ્લા વર્ષમાં, પદ્મજની હ્યદયેશ્વરી પ્રિયા પંક્તિએ, જેરીતે પદ્મજની ગરીબાઈ પર, ઉપહાસજનક  ચહેરે, આખરી સલામ કરી તેથી તે, ઘણા સમયથી ઉદાસ હતો કૉલેજમાં,. પંક્તિ સાથેના બે વર્ષના સહવાસમાં, પદ્મજે, પંક્તિ સાથેના સહજીવનનાં, કેટલાં બધાં સ્વપ્ન જોયાં હતાં..!!

પદ્મજના મોંઢેથી, લગ્નનો પ્રસ્તાવ સાંભળતાંજ, પંક્તિએ મોઢું બગાડીને, પદ્મજને, વાસ્તવિકતા સમજાવી દીધી," જો, પદ્મજ કૉલેજની દોસ્તી અલગ બાબત છે અને ત્યારબાદ સાથે જીવવું સાવ અલગ બાબત છે. તારી માફક મારી આર્થિક સ્થિતિ પણ ક્યાં સારી છે? મને પ્રથમ દિવસથીજ, સુખમાં રાખી શકે તેવા, અમીર જીવનસાથીની અપેક્ષા છે, અને તેમાં તું ફીટ બેસતો નથી?"

પદ્મજને એ સમજ ન પડીકે, અચાનક પંક્તિનું વલણ કેમ બદલાઈ ગયું..!! આખા મિત્રવર્તુળમાં એજ છાપ હતીકે, પદ્મજ અને પંક્તિ, એકમેક માટેજ સર્જાયાં છે..!!  તેમના કેટલાક મિત્રો તો, કૉલેજના છેલ્લા દિવસોમાં, બંનેને, તેમના લગ્નમાં યાદ કરીને બોલાવવાની, નિર્દોષ મજાકનો આનંદ પણ માણતા હતા.

પદ્મજને થયું,  " આ મિત્રોને હવે હું શું કહીશ?"

ઘરમાંય સદાય હસતા રહેતા આનંદી પદ્મજને, કૉલેજ છોડ્યા બાદ, કેટલાય દિવસ સુધી ગૂમસૂમ અને ઉદાસ જોઈને, મમ્મીએ, ચિંતાતુર થઈને, પદ્મજના વિષાદનું કારણ જાણવાનો પ્રયત્ન પણ કરી જોયો. પરંતુ નવી નોકરીના ટેન્શનના બહાના હેઠળ, પદ્મજે મમ્મીના સવાલને ટાળી દીધો. ઘરનું વાતાવરણ પોતાના વિષાદને કારણે ભારેખમ રહે તે, પદ્મજને પણ ગમતું નહ્તું, પરંતુ તે પોતાના મન પાસે,સાવ લાચાર હતો.

ઑફિસેથી, બૉસ પર ધૂંધવાયેલો, પદ્મજ મનમાં કચવાટ સાથે, ઘેર આવ્યો ત્યારે, તેનું ઘર મહેમાનથી ભરેલું જોયું. ગામડેથી પદ્મજના મમ્મી-પપ્પાને મળવા માટે, અત્યંત બોલકણા મામા અને તેમના મિત્ર આવ્યા હતા.

મામાને જોઈ પદ્મજે સહુને નમસ્કાર કર્યા, તે સાથેજ મામા શરૂ થઈ ગયા, " કેમ ભાણાભાઈ, નોકરી મળી ગઈને? હવે ઘરમાં છોકરી ક્યારે લાવવાની છે?" આટલું કહી, મામા, પોતે જાણે મહાન જોક કરી હોય તેમ, મોટેથી, 'હો..હો..હો..હો..!!` કરીને હસ્યા, સાથેજ તેમની સાથે આવેલા મિત્ર પણ..!!

એક તો, બૉસે અણગમતું નાનું સંપેતરું સોંપ્યું અને હવે મામા અણગમતું મોટું સંપેતરું (પત્ની) વળગાડવાની વાત કરતા હતા. પદ્મજના આક્રોશિત હ્યદયને આ વાત હજમ ન થઈ, તેણે અણગમા સાથે, મમ્મી સામે જોયું.

મમ્મીએ સમજીને, મામાને અન્ય વાતે વાળી લીધા. કશુંજ બોલ્યા વગર, પદ્મજ પોતાના રૂમમાં ચાલ્યો ગયો, તે મામા અને તેમના મિત્ર, વિદાય થયા ત્યાંસુધી, પોતાના રૂમમાંથી બહાર નીકળ્યોજ નહીં..!!

જોકે, રાત્રે સુતી વેળાએ, પદ્મજની ઉદાસ-વિષાદી, માનસિક  હાલતથી જ્ઞાત એવી, મમ્મીએ, પદ્મજને, લગ્નવાંચ્છુક કન્યાનો ફૉટો, બીતાં-બીતાં, બતાવ્યો, ત્યારે મામાના અટ્ટહાસ્યનું રહસ્ય, પદ્મજને સમજાઈ ગયું.

મામાની સાથે આવેલા, તેમના પેલા મિત્રની, ગ્રેજ્યુએટ થયેલી દીકરી, નામે ઉર્જાનું માગું, તેના માટે આવ્યું હતું..!!

પદ્મજને, ચૂપચાપ બેઠેલો જોઈને, વધારે વાત કર્યા વગર, `સવારે વાત કરીશું..!!` કહીને, તેનાં મમ્મી, પદ્મજના રીડીંગ ટેબલ પર ઉર્જાનો ફૉટો મૂકીને, સુવા માટે ચાલ્યાં ગયાં.

મમ્મીના ગયા પછી, શૂન્યમનસ્કે પદ્મજે ઉર્જાના ફૉટાને જોયો. ફૉટામાં ઉર્જા સાવ સાદી ઘરેલું કન્યા જેવી લાગતી હતી, જેને ફૉટો કેવીરીતે પડાવાય? તેનુંય જાણેકે  જ્ઞાન ન હોય તેમ, પદ્મજને લાગ્યું..!!

આવી મણીબહેનો, કૉલેજમાં જઈનેય સુધરતી નહીં હોય? પદ્મજે, અણગમો અને કંટાળાના ભાવ સાથે, ઉર્જાના ફૉટાને ટેબલ પર પરત મૂકી દીધો એક તો, પંક્તિની બેવફાઈ, ઘેર પહોંચતાંજ મામાની ભદ્દી મજાક અને માથાભારે બૉસનું સંપેતરૂં પહોંચાડવાની ચિંતામાં, પદ્મજને આખીરાત ઊંઘ ન આવી.

વહેલી સવારે,રાત્રે પહેરેલા નાઈટશુટમાંજ,  બૉસના સંપેતરાથી, વહેલી તકે, છૂટવા માટે, અમદાવાદ-વડોદરા ઍક્સપ્રેસ વૅ ના પ્રવેશદ્વાર પર, પદ્મજ આવીને ઉભો રહ્યો, ત્યારે સવારના પાંચ વાગ્યા હતા.

થોડીજ વારમાં, પદ્મજ પાસે, ઑફિસની કાર આવીને ઉભી રહી.આછા ઉજાસભર્યા, સવારના ધૂમિલ વાતાવરણમાં,પદ્મજના આશ્ચર્ય સાથેજ, કારમાંથી સ્વયં બૉસ નીચે ઉતર્યા," સૉરી, પદ્મજ, તમને તકલીફ આપી. મારે વડોદરા જવાનું નક્કી નહ્તું, પણ અચાનક પ્રોગ્રામ બની ગયો છે..!!"

પદ્મજે, આવા નક્કામા, અણઘડ બૉસ પરનો અણગમો છૂપાવવાના નિષ્ફળ પ્રયત્ન સાથે, પેલું સંપેતરા `કવર` બૉસને પરત આપ્યું, ત્યારે બૉસે કારમાં બેસતાં ફરી પદ્મજને કાર પાસે બોલાવ્યો, " કમ પદ્મજ, આઈ ઈન્ટ્રોડ્યુસ યુ માય સ્પૅશિયલ ગૅસ્ટ, આ છે મારા દીકરા સર્વજ્ઞની થનાર ભાવિ પત્ની અને મારી ભાવિ પૂત્રવધુ પંક્તિ..!!"

આટલા બધા દિવસ પછી, પંક્તિને અચાનક નજર સમક્ષ જોઈને, પદ્મજ ફરીથી આશ્ચર્ય સાથે અવાચક થઈ ગયો. તેને એ પણ ખ્યાલ ન રહ્યોકે, ક્યારે તેણે, પંક્તિને `હેલૉ` કહ્યું અને ક્યારે બૉસની કાર ઍક્સપ્રેસ વૅ પર, વહેતી થઈ ગઈ..!!

પદ્મજને આ આઘાતમાંથી કળ વળી ત્યારે, સવારના છ વાગ્યા હતા.ચિત્તમાં, વિચારોના તુમુલ યુદ્ધની મનઃસ્થિતિમાં અટવાતો, પદ્મજ, ઘેર પહોંચ્યો, ત્યારે તેને જોઈને,તેની મમ્મી, નયનમાં અશ્રુ સાથે, રડતા ચહેરે, રસોડામાંથી બહાર દોડી આવી,પદ્મજની સામે ઉભી રહી ગઈ.

મમ્મીને રડતી જોઈ, મમ્મીના,કશાય વાંક વગરજ, પોતે  મમ્મીને પરેશાન કરી રહ્યો હોવાના ગુન્હાહિતભાવ સાથે, પદ્મજે, મમ્મીને શાંત કરીને, તેના રડવાનું કારણ પૂછ્યું,જે જાણીને પદ્મજને, પોતાની જાત પર ખૂબ શરમ ઉપજી.

મમ્મીએ કહ્યું, " બેટા, તારે અમારી બતાવેલી કન્યા સાથે લગ્નની ઈચ્છા ન હોય તો કાંઈ વાંધો નહીં, પરંતુ આમ અચાનક, મને કશુંજ કહ્યા વગર સવાર-સવારમાં, તું ચાલ્યો ગયો તેથી, અમારાથી રિસાઈને, તું ઘર ત્યજવાનુંકે, આપઘાત કરવાનું ખોટું પગલું ભરી બેસે તેવા ડર અને ચિંતામાં, હું ક્યારની જીવ બાળું છું..!!" આટલું કહીને પદ્મજને ગળે વળગાડી, મમ્મી ફરી રડવા લાગી.

વિષાદની સ્થિતિમાંય, આંધળે બહેરું કુટાતું જોઈ, પદ્મજને જરા હસવું આવી ગયું.

બાજુમાં પડેલી ખુરશી પર મમ્મીને પ્રેમથી બેસાડી, તેણે સવાર-સવારમાં બૉસે પોતાને  આપેલા સંપેતરાવાળી કથા કહી અને તેજ કામે,પોતે એક્સપ્રેસ વૅ સુધી ગયો હતો, તેમ જ્યારે મમ્મીને પદ્મજે  જણાવ્યું ત્યારે, મમ્મીને હાશ થઈ, તેનો મ્લાન ચહેરો મલકી ઉઠ્યો.

જોકે, ઍક્સપ્રેસ વૅ પર, જુની પ્રેમિકા પંક્તિની બાબત, મમ્મીથી, તે દિવસે  છૂપાવી, તેનો અફસોસ આજની તારીખે, પદ્મજને નથી. કારણકે, તે દિવસ બાદ તો, મમ્મી-પપ્પાનો ચહેરો સદાય આનંદમાં, રહે, તેવા અનેક મોકા, પદ્મજે, તેઓને આપી દીધા છે.

પદ્મજ પણ, પંક્તિને ભૂલીને ખૂશ છે, કારણકે..!!

અત્યારેજ તેની સામે બેઠેલી, ફૉટામાં અસામાન્ય દેખાવની પણ, ફૉટા બહાર અત્યંત સ્વરૂપવાન ઉર્જા, પદ્મજને કહી રહી છે,

" પદ્મજ, આપણે એકબીજાને તમે ને બદલે `તું` કહીએ તો, આપણી વચ્ચે, વધારે ઐક્યભાવ લાધશે, તેમ તમે  માનો છો?

ઉર્જાનું કથન સાંભળીને, પોતાની અલ્પબુદ્ધિ પર, પદ્મજને ફરીથી શરમ આવી, ફૉટામા દેખાતી મણીબહેનો વાત્સવમાં, મણીબહેન ન પણ હોઈ શકે..!!

 ખેર...!! આજની તારીખે તો  પદ્મજ,  સસરાનો બિઝનેસ, સંભાળવા પંક્તિના પકાઉ સસરા, માથાભારે બૉસની કંપની છોડવીકે નહીં, તેની મૂંઝવણમાં પડ્યો છે..!!


મિત્રો, પદ્મજને આપ સહુની સલાહની જરૂર છે, શું પદ્મજે, તેના સસરાની ઑફર સ્વીકારી લેવી જોઈએ?

બૉસ,જવાબ જરા વિચારીને આપજો, કારણકે, સ્વમાની પદ્મજને, કાલ ઉઠીને, બૉર્ડ ઓફ ડાયરેક્ટર-બેવફા પંક્તિના હાથ નીચે પણ કામ કરવું પડે, જે પદ્મજને ન  પણ ગમે?

માર્કંડ દવે. તા.૨૪ ઑક્ટોબર ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.