Wednesday, September 22, 2010

માત્ર બે જ કલાક

માત્ર બે જ કલાક..!!


" નજીક  છે જે    તે,  ઓળખી શકું  તોય ઘણું..!!
  ઉરની નજર  થી,  નીરખી  શકું  તોય ઘણું..!!"

==========

સવાર-સવારમાં, નવેક વાગ્યાના સુમારે, માંડ - માંડ આંખો   ચોળતા, નાનકડા હાથને પહોળા કરી આળસ મરડતો, માત્ર આઠ વર્ષનો તનય, પોતાની જાતેજ, પથારીમાંથી ઉભો થયો ત્યારે, તેને ઘણુંજ આશ્ચર્ય થયું..!!

" રોજની માફક, આજે મમ્મી  મને ઉઠાડવા કેમ ન આવી?", તનયને મનમાં કુતૂહલ થયું,  તે આંખો ચોળતો, મમ્મીને શોધવા, આખા ઘરમાં ફરી વળ્યો.મમ્મી ઘરમાં ક્યાંય દેખાતી ન હતી. તનયનું આશ્ચર્ય હવે, આખા ઘરમાં એકલા હોવાના ભયથી ગ્રસિત થઈને, રડમસ ભાવ ધારણ કરવા લાગ્યું.

જોકે, તનય મમ્મીને ઘરમાં  ન જોઈને ખરેખર રડી પડે તેટલામાં તો, મમ્મીએજ જોરથી રડતાં-રડતાં, વરંડામાંથી દોડી આવીને, સોફામાં પડતું મૂક્યું અને પાછળને પાછળ આવ્યાં, નાનીમાઁ.(મમ્મીનાં મમ્મી)

નાનીમાઁએ  હળવેથી, મમ્મીની પીઠ પર હાથ ફેરવવાનું શરૂ કર્યું અને કાંઈક સમજાવવા લાગ્યાં, તે પરથી નાનકડા તનયને, માત્ર એટલી સમજ પડીકે, મમ્મી અને પપ્પાને રોજની માફક, કોઈ ઝઘડો થયો લાગે છે અને  પપ્પા અત્યારે ઘરમાં નથી..!!

હા, તનયની હાજરીની પરવા કર્યા વગરજ, પપ્પા રોજ મમ્મી સાથે ઝઘડતા, તે નાનકડા તનયને જરાપણ ગમતી બાબત નહતી. તેને પપ્પા ઉપર અપાર ગુસ્સો પણ આવતો હતો. એકાદ બે-વાર તો, રડતી મમ્મીનો પક્ષ  લઈને, મમ્મીની પાછળ સંતાઈને, ડોકી બહાર કાઢીને, તેણે પપ્પાને તતડાવી પણ નાંખ્યા હતા," કેમ? કેમ મારી મમ્મીને વઢો છો?"  પણ પછી, પપ્પાને, ગુસ્સાથી, ચકળ-વકળ ડોળા કાઢતા જોઈને, તનય ગભરાઈ ગયેલો. છેવટે આ કેસ  પોતાનાથી  સુધરે તેમ ન લાગતાં, તનયે મમ્મીનેજ રડતી છાની રાખવાના પ્રયત્ન કરવાનું મુનાસિબ માન્યું હતું..!!

હજી તો નાનીમાઁ, રડતી મમ્મી માટે ઉભા થઈને, પાણીનો ગ્લાસ ભરી લાવવા, રસોડામાં જાય, ત્યાંતો  ઘમઘમ, પગ પછાડતા, નાનામામા આવીને ગરજવા લાગ્યા," ક્યાં ગયો? ક્યાં છે, તે હરામખોર, આજ તો તેને માર્યા વગર નહીં મૂકું..!! તેના મનમાં સમજે છે શું સાલો?"

આ  સાંભળીને, તનયને જાણે, ખરા સમયે, નાનામામાના રૂપમાં, સાક્ષાત શક્તિમાન મમ્મીને  મદદ કરવા આવ્યા હોય તેમ લાગ્યું..!!

જોકે, મમ્મીએ, હિબકાં ભરતાં-ભરતાં, નાનામામાને સાફ-સાફ કહી દીધું," હું,  તેમના વગર, નહીં જીવી શકું? આપઘાત કરીને, હું  મરી જઈશ..!!"

તનયે જોયુંકે, પાણી લેવા ઉભાં થયેલા નાનીમાઁ, પાછા વળીને, નાનામામાને, ઘાંટા નહીં પાડવા, સમજાવવા લાગ્યાં.

જોકે, છતાંય, નાનામામા તો,  થોડા દબાતા અવાજે, ફરીથી પાછા  ગર્જ્યા,

" બહેન તું ગભરાતી નહીં. હું હજી બેઠો છું. કરવા દે, તે હરામખોરને મનમાની, હું ય જોઉં છુંકે, તે આ ઘરમાં હવે, કેવોક ટાંટિયો મૂકે છે? સા..લાના પગ ના તોડી નાખું તો મને કહેજે?  તેનો લખેલો કાગળ લાવ, મને આપ, સા..લ્લાને જેલમાં ફીટ ના કરાવી દઉં, તો મને ફટ  કહેજે..!!"

નાનામામાને થોડા નરમ પડેલા જોઈને, નાનીમાઁ, મમ્મી માટે પાણી લઈ આવ્યાં ને, મમ્મીને બેઠી કરીને, પ્રેમથી પાણી પીવડાવ્યું. મમ્મીને  થોડી કળ વળતાંજ, નાનીમાઁએ, મમ્મી પાસેનો કાગળ, નાનામામાના  હાથમાં મૂક્યો.

આટલું કર્યા  પછી જાણે,  ઘરના એક ખૂણે, ડઘાઈને ઉભા રહી ગયેલા, તનયનો ખ્યાલ, ચંદ્રાને (મમ્મીને)  આવ્યો હોય તેમ, તેણે નાનીમાઁને, તનયને દુધ અને નાસ્તો આપવાનું કહ્યું.

પણ એટલામાંજ, પપ્પાએ લખેલો પત્ર લઈને, નાનામામા, પોલીસ સ્ટેશન જવા ઉભા થયા હતા, તેમને તેવો અનર્થ કરતાં રોકવા માટે, નાનીમાઁએ, નાનામામાના હાથમાંથી પત્ર ઝૂંટવી લઈને, નાનામામાને, " ઘરની અંગત  વાત છે, તેને પોલીસ પાસે લઈ જવાની મૂર્ખાઈ ન કરાય..!! તું  ઘેર  જા, ચંદ્રાને શાંત પાડીને, હું  મોડેથી આવું છું." તેમ સમજાવીને, રવાના કરી દીધા.

નાનામામા, સ્વગત કશુંક, બબડતા-બબડતા ચાલતા થયા.

મમ્મી ફરીથી જાણે, તેનું આખુંય વિશ્વ લૂંટાઈ ગયું હોય તેમ, આંખો બંધ કરીને, સુકાયેલાં આંસુ સાથે, સોફા પર ધબાક દઈને પછડાતી, આડી પડી.

તનયે  જોયુંકે,  પપ્પાએ લખેલા, તે પત્રને,  ટીવીના કેબીનેટ પાસે, કોઈને ન મળી આવે તેમ, નાનીમાઁએ છુપાવ્યો, પછી રસોડામાં જઈને, તનયને  દુધ-નાસ્તો આપવાની, તેમણે  તૈયારી કરી.

જોકે, ખરેખર શું બન્યું છે તે, સમજવા, ત્રીજા ધોરણમાં, અભ્યાસ કરતા તનયે,  ટીવી કેબીનેટ પાસે, નાનીમાઁએ છૂપાવેલો  પેલો પત્ર, કોઈ ના જુવે તેમ હાથવગો કરીને, બ્રશ કરવાના, બહાને બાથરૂમમાં લઈ જઈને, વાંચ્યો.

મહામહેનતે, પપ્પાનો પત્ર વાંચતાજ, તનયને તેની અલ્પમતિ અનુસાર, એટલી સમજ જરૂર પડી ગઈકે, પપ્પા, તેમની કોઈ ગર્લફ્રેંડ સાથે, કાયમ માટે,  ક્યાંક ભાગી ગયા છે અને હવે પોતાની અને મમ્મી પાસે, ફરીથી પાછા ક્યારેય  નહીંજ  આવે..!!

અચાનક, નાનકડા તનયને, પત્ર વાંચીને, શૂરાતન ચઢ્યું હોયકે ગમેતે  થયું  હોય, પરંતુ  તે બ્રશ કરવાનું પડતું મૂકીને, પોતાના નાના અલાયદા રૂમમાં ગયો.

પોતાનાં ગણત્રીનાં પુસ્તકોની વચ્ચેથી, નાનકડી પેન્સીલ શોધીને, પપ્પાએ  લખેલા પત્રના અંતે વધેલી કોરી જગ્યામાં, ગરબડીયા અક્ષરે કશુંક લખ્યું અને ઘરના મૂખ્ય દરવાજા બહાર દોટ મૂકીને, દરવાજે ઉભા રહી, તનયે  લાં...બી  ડોરબેલ વગાડી.

ડોરબેલનો અવાજ સાંભળીને, ચંદ્રા સોફા પરથી, `એ` (પતિ) પરત આવ્યાના, આશાવાદી ભ્રમમાં, સફાળી જાગીને, મેઈન દરવાજે દોડી ગઈ. નાનીમાઁ પણ રસોડાનું કામ પડતું મૂકીને, બહાર દોડી આવ્યાં.

જોકે,  રોજની માફક, પોતાની સાથે  ટપાલી-ટપાલીની રમત કરતા, નાનકડા શરારતી તનયને, આજે પણ  હાથમાં કોઈ  પત્ર લઈને,   શરારત કરતો, ચંદ્રાએ જોયો.

આ તનાવપૂર્ણ  પરિસ્થિતિમાં, મજાકે ચઢેલા, નાનકડા રૂપાળા તનય પર, ગુસ્સો કરવો કે તેને વહાલ કરવું તે, ચંદ્રાને  ન સમજાતાં, ચંદ્રાએ તનયે આપેલો પત્ર  લઈને, તેને રાજી કરવા તેના તરફ, શૂન્યમનસ્કે સરસરાતી નજર ફેરવી...!!
જોકે, પત્ર તો એમણે લખ્યો હતો તેજ  હતો, પણ તેના અંતે,  તનયે ગરબડીયા અક્ષરે ઉમેરેલી નવી લાઈન વાંચીને, ચંદ્રાની આંખમાંથી સુકાઈ ગયેલાં આંસુ  ફરીથી ખળખળ વહેવા લાગ્યાં. તરતજ,  તે  નીચે ઉભડક બેસી ગઈ અને  તનયને વહાલથી બાથમાં લઈ,  ઘરમાં ગઈ.

તનયના ગાલ પર જોરદાર પપ્પી કરીને, તેને સોફા પર બેસાડી, આંખમાં અનેક પ્રશ્નો લઈને ઉભેલી પોતાની મમ્મી (નાનીમાઁ) ના હાથમાં કાગળ આપતાં, મમ્મીને, આત્મવિશ્વાસ સભર, મક્કમ અવાજે, ચંદ્રા  બોલી, મમ્મી, હવે તું  ઘેર જવું હોય તો, જા.. હું   હવે તમામ સંજોગો સામે, મર્દાનગીપૂર્વક લઢીશ."

નાનીમાઁએ, પત્રમાં તનયે લખેલાં વાક્ય વાચ્યાં, 

" તનય, તું  ચિંતા ના કરીશ, હું તો તારી મમ્મીને, ખાલી ચીઢવતો હતો.સાંજે પાછો આવીને તને  બહાર ફરવા લઈ જઈશ. તારી મમ્મીને કહેજેકે, રડે નહીં..!! - પપ્પા."

નાનીમાઁએ, પત્રમાં ઉમેરાયેલી નવી લાઈનો વાંચીને, પ્રથમ તનય અને બાદમાં ચંદ્રા સામે સૂચક નજરે જોયું. જાણે ચંદ્રાને કહેતાં ન હોય," જોયું, હું ક્યારની, તને સમજાવતી હતીકે, કાલે ઉઠીને તારો  તનય મોટો થશે તો તારી, બધીજ પીડા-દુઃખ દુર થઈ જશે? મારી વાત સાચી પડીને?"

ચંદ્રાએ, પોતાની સાડીના, પીઠ પાછળ લટકતા, પાલવના છેડાને પકડીને, કમર ફરતો આંટો મારીને, કમરના ભાગે, ચણીયા પર એટલા જોરથી ખેંચીને, ખોસ્યો, જાણે આવનાર ઝંઝાવાતી  ભવિષ્યનો સામનો કરવા, તે તૈયારી ના કરતી હોય..!!

અને નાનીમાઁ? નાનીમાઁ તો તનયને ઉંચકીને,  ઘરમંદિરમાં બિરાજેલા, બાલ ઠાકોરની સામે બેસીને, પોતાની દીકરી ચંદ્રાને ત્યાં, તનયના સ્વરૂપે, સાક્ષાત અવતાર લેવા બદલ, ભગવાન  પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યા હતાં..!!

મને પ્રશ્ન  થાય છેકે, આપને નાનીમાઁની ભક્તિ વ્યાજબી લાગે છે?

સવાર-સવારમાં, આટલો આઘાતજનક  પત્ર મળ્યા બાદ, માત્ર બે જ કલાકમાં, કોઇના ઘરમાં, તયનના સ્વરૂપે, સાક્ષાત  કાનુડો આવીને,  આટલી ગંભીર સમસ્યાનું સમાધાન કરી આપે, તે આપને  શક્ય લાગે છે ખરું?

જોકે, આમતો આપણને, શી ખબર? કાનુડાની લીલા, કાનુડો જાણે..!!

માર્કંડ દવેઃ ૨૨ - સપ્ટેમ્બર ૨૦૧૦.

1 comment:

  1. ઘણાં જ કુટુંબની આ કળવી વાસ્તવિકતા છે, પરંતુ તનય સ્વરૂપે ઈશ્વર હંમેશ કોઈ ને કોઈ યોગ્ય માર્ગ કાઢી આપતો હોય છે. દરેક જગ્યાએ બુદ્ધિ કે તર્ક ને સ્થાન આપવું જરૂરી હોતું નથી.

    અશોકકુમાર-'દાદીમાની પોટલી'

    http://das.desais.net

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.