Friday, January 15, 2010

૩૧.ડિસે.ગોઝારું સત્ય.

૩૧.ડિસે.ગોઝારું સત્ય.

પ્રિય મિત્રો,

૩૧.ડિસેમ્બરનું એક ગોઝારું નગ્ન સત્ય, મેં જાણ્યું છે, હું ઈચ્છું છુંકે, આપ પણ જાણો.

" માઁ, તું તો મને મૂકીને ચાલી ગઈ,એ વાતને બે વર્ષ થઈ ગયાં. પણ મને,તું કેવી દુનિયાને, સોંપીને ગઈ છે ? કાશ, તેં મને નાનપણથી સત્યના પાઠ જ ભણાવ્યા ન હોત તો.!! બેટા સાચું બોલવું,સાચું કરવું,સાચું વર્તવું, એવું તેં મને કાયમ શીખવ્યું,પણ માઁ, તેં મને કોઈ દિવસ એમ ન કહ્યુંકે, સત્યનું વ્રત પાળવું કઠણ છે.સત્યના રસ્તે તારે દુઃખ,દર્દ,આપદા વેઠવી પડશે.

મને યાદ છે,મારા બાપુ ગુજરી ગયા પછી, તું તો, લોકોના ઘરમાં વાસણ,કપડાં,કચરા-પોતાં કરીને મને ભણાવતી હતી. ત્યારે હું ૧૧-૧૨ વર્ષની હતી.તું બહુ રુપાળી હતી પણ તારા ચારિત્ર્ય માટે કોઈને કાંઈ કહેવાપણું ન હતું.રુપાળી તો હું ય બહુ છું,જોકે,મને હજીપણ દુનિયાદારીની સમજ ન હતી.તને મારી ચિંતા થતી હતી અને એટલે જ તારું એક-એક વચન, મારે મન, ભગવાનના આદેશથી, ઓછું મહત્વનું ન હતું.એટલે જ, તેં મને, સાચું બોલવાના, સોગન લેવડાવેલા,તેનું હું ખરા દિલથી પાલન કરતી હતી, પણ એમ કરવા જતાં ,મેં કાયમ માર ખાધો છે,તને ક્યાં નથી ખબર ? દારુણ ગરીબીને કારણે, મારાં કપડાંતો જર્જરિત હતાં જ,મારું મન પણ નાની ઉંમરમાં જ જર્જરિત થઈ ગયું.

જોને, છઠ્ઠા ધોરણનીજ વાત કરું, અમારી સ્કૂલમાં ઈતિહાસના સાહેબે,બ્લેકબોર્ડ ઉપર, એક પાઠના, સવાલ જવાબ લખ્યા,તેમાં એક બે જગ્યાએ,ઉતાવળમાં લખવાથી,તે શબ્દ - વાક્યનો ગંદો અર્થ થતો હતો, વર્ગમાં કેટલાય છોકરા,છોકરીનું ધ્યાન ગયું પણ કોઈ ન બોલ્યું,છેવટે મેં સાહેબનું ધ્યાન દોર્યું,તો સાહેબે, બધું લખેલું, ઝડપથી ભૂંસી નાંખી,મને ડસ્ટર વડે બહુ મારી.મને સમજ ના પડીકે,સાચું બોલવાથી મને માર કેમ પડ્યો? હું ઘેર આવી,ત્યારે તું કામ પર ગઈ હતી,હું ખૂબ રડી,પછી તો એ સાહેબે મને આખું વર્ષ હેરાન કરી,પણ તને મેં કશું કહ્યું નહી.

સ્કૂલમાં બીજા છોકરાંને સારું-સારું ખાતાં, પહેરતાં જોઈ મને પણ બહુ મન થતું. હું તારી પાસે આ બધી વસ્તુ માટે,જીદ કરું તો,તું મને કહેતી કે, આપણે સાચા રસ્તે ચાલીએ છે,એટલે આવી વસ્તુ જીવનમાં મહત્વની નથી.જોકે તારી આંખનાં ઝળઝળીયાં કાંઈક અલગજ વાત કહેવા મથતાં, તે જોઈને,હું જીદ છોડી દેતી.

આમને આમ હું દસમા ધોરણમાં આવી,એક દિવસ મારા ક્લાસમાં,મને અચાનક મારા પગમાં કોઈ પ્રવાહી રેલાતું લાગ્યું,મેં જોયું તો લોહી હતું હું ગભરાઈને છાનુમાનું રડવા લાગી. મને બહેનપણીઓએ, સમજાવીને, રિસેસમાં ઘેર મોકલી દીધી,તું ઘેર ન હતી.મેં ચોકડીમાં જઈને બધું સાફ કર્યું,એટલામાં તું આવી ગઈ.હું તને બાઝી પડીને ખૂબ રડી. જોકે, પછી તેં મને શાંતિથી સમજાવ્યુંકે, બધી છોકરીઓને આવું અમુક ઉંમરે થાય.

ખબર નહીં કેમ ..!! મને હવે, સ્કૂલે જવાનું બંધ કરાવી,તું તારી સાથે વાસણ-કપડાં કરવા લઈ જવા માંડી, હું વિનંતી કરતી રહી, માઁ,મારે આગળ ભણવું છે,પણ તું ધરાર ના માની.છેવટે બાજુમાં રહેતાં, કાકીએ બહુ કહ્યું તો, દસમાની પરીક્ષા આપવા દેવા તેં કમને સંમતી આપી.

સ્કૂલમાં જવાનું બંધ કર્યું તો,મને ગણીત,અંગ્રેજી જેવા વિષયના, અભ્યાસમાં ખૂબ તકલીફ પડવા લાગી.મને કશું સમજાતું નહી.એવામાં વળી એક બહેનપણી મળવા આવી, તેણે તારા દેખતાં એમ કહ્યુંકે, ઉત્તરાયણ પછી, ૨૦ જાન્યુઆરીથી સ્કૂલની પ્રિલિમીનરી પરીક્ષા આપે, તેનેજ દસમાની રિસીપ્ટ મળશે.હું ગભરાઈ ગઈ.મેં તને કહ્યું મને ગણીત આવડતું નથી.તેં તો મને કહી દીધું જેવું આવડે તેવું લખવાનું,પણ જોજે સાચા માર્ગે પાસ થજે,પરીક્ષામાં ચોરી કરીને પાસ નહીં થવાનું..!!

અડધો ડિસેમ્બર આમને આમ વીતી ગયો, છેવટે આપણે,જેમના બંગલે, કામ કરવા જઈએ છે,તે શેઠાણી ભણેલાં છે,તેમણે મને ગણીત અને તેમના મિસ્ટરે મને અંગ્રેજી શીખવવાનું શરુ કર્યું,હું, ભણવામાં, ખૂબ મહેનત કરવા લાગી.મારો આત્મવિશ્વાસ પણ હવે પાછો આવી ગયો.

એટ્લામાંજ ૩૧મી ડિસેમ્બર નજીક આવી ગઈ,આખુંએ શહેર, ૩૧મીની રાતે બાર વાગે,નવા વર્ષના,સ્વાગત માટે, ઉલ્લાસ-ઉત્સાહના હિલ્લોળે ચઢ્યું હતું. મને પરીક્ષાની તૈયારી કરવા વાંચવાનું ઘણું મન હોવા છતાં, તું મને પરાણે, આપણા આ શેઠ-શેઠાણીના બંગલે કામ કરવા લઈ ગઈ.

૩૧મીની એ રાતે,બધા આનંદમાં હતા, કોઈ ડીજે ના સંગીતના તાલે નાચતું હતું.કોઈ ખાણી-પીણીની જ્યાફત ઉડાવતું હતું.મને તો પરીક્ષા પણ ભૂલાઈ ગઈ,એટલામાં બારના ટકોરે ચારે બાજૂ ફટાકડા ફૂટવા લાગ્યા,પિપૂડાં વાગવાં લાગ્યાં.લોકો જાણે ગાંડા થઈ ગયા હોય તેમ ચિચિયારીઓ પાડીને ગગન ગજવતા હતા.તું તો, બંગલે જતામાં જ, રસોડામાં પેસી ગઈ,તે આ બધું જોવા બહાર જ ના આવી.

એટલામાં મને અંગ્રેજી ભણાવતા હતા, તે શેઠે મને,ચાર ડિશ નાસ્તો લઈને, તેમના રુમમાં બોલાવી. હું નાસ્તો લઈને,ત્યાં ગઈ તો ત્યાં દારુની વાસ આવતી હતી.હું પાછી વળું ત્યાંતો, શેઠના બીજા ત્રણ-મિત્રોએ મને જોઈને દરવાજો બંધ કરી મને સોફા પર પછાડી દીધી.જેમ કોબ્રાની સાથે નજર મળતાંજ શિકારીના વશમાં,શિકાર આવે અને વશીકરણ થાય તેમ,હું તો સોફા ઉપર પડતાની સાથેજ,અર્ધબેભાન થઈ ગઈ.

ઘરના કોઈ સદસ્યના આવી જવાની બીકે, બધા બહુ ઝડપમાં હતા.માત્ર અરધો કલાક પછી હું બહાર આવી ત્યારે દારુ પીને છાકટા થયેલા એ ચાર કામાંધ કોબ્રાએ ,તારા શરીરમાંથી પેદા થયેલા,આ જીવતાજાગતા સત્યને, સાવ નગ્ન કરી, ઠેર-ઠેર ડંખી લીધું હતું.

આ બધા મને ફરી પકડી પાડશે ? તે બીકથી, તને જણાવ્યા વગરજ,માંડ-માંડ શરીરે કપડાં લપેટીને, હું ઘેર દોડી ગઈ.ચોકડીની આડશે, આ લોકોના સ્પર્શને ભૂંસવા મથતી હોઉં,તેમ આખા શરીરે ઉઝરડા પડે એટલા જોરથી મેં, સાબુ દઈને, શરીરને ઘસ્યું અને સાફ કર્યું. પણ માઁ,મારા મનના ઉઝરડા ના મટ્યા તે ના જ મટ્યા. દુઃખની મારી હું પથારીમાં આડી પડી,એટલામાં તું ઘેર આવી ગઈ,મને થાકીને આડાપડખે થયેલી જાણી, મારા માથે તેં પ્રેમથી હાથ ફેરવ્યો અને તુંય સુવા ચાલી ગઈ.મારી ક્યારે આંખ મળી ગઈ મને જ ખબર નથી..!!

સવારે મારું આખું શરીર તુટતું હતું,તેથી હું મોડી ઉઠી,ત્યારે તું હજુપણ પથારીમાં હતી. મેં તને જગાડવા ઢંઢોળી,તો મારા કંઠમાંથી ચીસ નીકળી ગઈ.આ સત્ય પારખું દુનિયાને અને મને છોડીને તું ચાલી નીકળી હતી.બાજુમાંથી પડોશી દોડી આવ્યા.કોઈકે વળી પોલીસને ખબર કરતાં તે પણ આવી,તારા ઓશીકા નીચેથી ગણ્યાગાંઠ્યા શબ્દોમાં આપઘાત કર્યાનું લખ્યું હતું. મને બધાંએ કારણ પુછ્યું,પણ કોણજાણે..!! ગળે ડૂમો એવો ભરાયો હતોકે, હું કશું બોલી ના શકી.મને ખબર થઈ ગઈકે,મારા શરીરમાં વ્યાપી ગયેલા,કામાંધ કોબ્રાઓએ મારેલા ઝેરી દંશની ઘટનાની તને જાણ થઈ ગઈ છે.પણ આ ઝેરનું પારખું કરવાનું મને સોંપી, દુઃખી હ્યદય સાથે, તેં જ ઝેર ગટગટાવી લીધું.હું હૈયાફાટ આક્રંદ કરી ઉઠી.

જોકે બાજુવાળાં કાકી મને ફરી, સત્યની દૂહાઈ આપીને, સાંત્વન આપ્યુંકે, હવે તારી માઁ આ દુનિયામાં નથી એ સત્યને તારે સ્વીકારવું જ રહ્યું.

આ ઘટનાના ચાર માસ બાદજ , મને સત્ય સ્વીકારવાની સલાહ આપનારાં, કાકી સહીત, તમામ પડોશીઓ, મારા ફૂલેલા પેટમાંના, ઉભરતા ગર્ભના સત્યને સ્વીકારી ના શક્યા અને આજે, અન્ય ક્યાંય, આશરો ન મળવાથી, આ વનિતા આશ્રમમાં, એક વર્ષની થઈ ગયેલી તારી આ રુપાળી,દીકરીની દીકરી,સામે બેસી તેને, હસતાં-રમતાં જોઈ રહી છું,.

માઁ, આજે ફરી ૩૧મી ડિસેમ્બર છે. આ વનિતા આશ્રમમાં આવતા પુરુષ મુલાકાતીઓ, ક્યારેક આપણી આ એક વર્ષની રુપાળી દીકરીને,પપ્પી કરે કે તેના ભરાવદાર ગાલ ખેંચે...!! ત્યારે મને બહુ ડર લાગે છે.

માઁ, જરા મને કહેને, આપણી આ દીકરીને, હું સત્યના માર્ગે ચાલવાની સલાહ આપું કે ના આપું ? શાંતિથી વિચારીને કહેજે, ઉતાવળ નથી.તેના પગ ઉપર પણ લોહીની ભીનાશ વહેવાની હજુ ઘણીવાર છે.

મને તો આપણી દીકરીની બોલચાલ, રંગઢંગ બિલકુલ તારા જેવાં જ લાગે છે..!! માઁ, મારી દીકરી થઈને તું જ તો પાછી નથી આવીને ?

માઁ, તારી સાથે, હવે વધારે વાત નહીં થાય, આજે વનિતા આશ્રમના બાજૂના હૉલમાં ૩૧ ડિસેમ્બરની પાર્ટી છે અને અમારા વિસ્તારના બધા નેતાઓ આવવાના છે. મારે અને બીજી ચાર છોકરીઓએ, તેમની સરભરા-સેવા(..!!) ( હા..ક...થ્થૂ..!! ) કરવાની છે.

હા... માઁ, હવે વનિતા આશ્રમમાં,સારી રીતે જીવવા-રહેવા, તારું આ જીવતુંજાગતું, સત્ય ક્યારેક નગ્ન થાય છે,કદાચ આજે પણ...!! "

દોસ્તો,આ વાંચીને આપનું મન ભારે ન થયું હોય તો, કોઈ નગ્ન સત્ય કહેવાની ઈચ્છા ખરી..!!

માર્કંડ દવે.તા.૩૧-૧૨-૨૦૦૯.

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.