Monday, August 9, 2010

જાદુગીરી

જાદુગીરી

" કલા  કપરી   છે  ને,  ઠગારી પણ..!!
  ખીજે  કદીક? તો છે, નઠારી પણ..!!"


=========

જાણવા જેવું -

નામઃ- Franz Harary - ફ્રાન્ઝ હરારે.(American magician.)

જન્મઃ- ૧૯૬૨.

વતનઃ- અમેરિકા.

અભ્યાસઃ- `Eastern Michigan University`( સંગીત.)

કાર્યક્ષેત્ર અને સિદ્ધિઓઃ-

* બ્રૉડ વૅના, ગાયક - ડાન્સરથી પ્રેરણા મેળવીને, સંગીતનો અભ્યાસ કર્યા બાદ, ફ્રાન્ઝ હરારૅ એ, ફક્ત શોખ ખાતર, `ઈલ્યુઝન - છેતરામણા આભાસ - ભ્રમ` આધારિત, કેટલાંક સાધનો અને ટેકનીક વિકસાવી.

* સન - ૧૯૮૪માં, ફક્ત એકવીસ વરસની ઉંમરે, ફ્રાન્ઝને, જાહેરમાં પોતાની, ઈલ્યુઝનની  કળા રજુ કરવાની તક ( Breakthrough ),  પ્રથમ વાર, સ્વ. માઈકલ જૅક્સનની, જગપ્રસિદ્ધ, સંગીત યાત્રા, `Victory tour`, દરમિયાન મળી.

આ શૉમાં માઈકલ જૅક્સન, ફ્રાન્ઝ હરારૅનાં સાધનોની મદદથીજ, હવામાં ઉંચે ઉડતા અને એક બાજુથી ગાયબ થઈ, બીજી બાજુએથી તેમના ભાઈની મદદથી, પ્રગટ થઈ, પ્રેક્ષકોને પાગલપણાની હદ સુધી, પ્રભાવિત કરતા.

* ફ્રાન્ઝના ` illusion designed equipments` નો લાભ, માઈકલ જૅક્સન સિવાય અન્ય સુપ્રસિદ્ધ સંગીતના કાર્યક્રમ, જેવાકે,  N*SYNC, Cher, Snoop Dog, Tupac Shakur, Tone Loc, Styx, Dr. Dre, Usher, Boyz II Men, Queen Latifah, Hammer, Tina Turner, Reba McEntire and Missy Elliott, ને પણ મળ્યો હતો.

* ફ્રાન્ઝે, સહુથી વધારે પસિદ્ધિ, `NBC` ના, `The World's Greatest Magic` નામક ટીવી શૉમાં, એક કન્ટીન્યુઅસ શૉટમાં, આખેઆખા `Space Shuttle`ને  ગાયબ, અદ્રશ્ય કરીને, પ્રેક્ષકોને માથું ખંજવાળતા કરી મૂક્યા હતા.

* સન - ૧૯૯૬માં, બ્રૉડ વૅ થીયેટરના એક પ્રોડક્ષનમાં, સુપ્રસિધ્ધ જાદુગર, `હુડિની - Houdini`ના એક પાત્ર માટે, ફ્રાન્ઝે  જાદુનાં દ્રશ્યોનું, નિર્દેશન કર્યું હતું.

* અત્યારે, હાલમાં, અમેરિકાના સર્વોત્તમ ડાન્સ શૉ, ની સિઝન ૩ અને ૫ માં, `મૅજીકલ ચેલૅન્જીસ  ટેકનીકલ ઍડવાઈઝર` તરીકે   તથા આપણા ભારતમાં, `સ્ટાર વન`  ટીવીના લોકપ્રિય કાર્યક્રમ, `India's Magic Star`માં, મહાગુરુ જજ તરીકે, ફ્રાન્ઝ પોતાની સેવાઓ આપી રહ્યા છે.

===========

પ્રિય મિત્રો,

હાલમાં, સ્ટાર ઈન્ડિયા ચેનલ પર, દર શનિ-રવિવારે, "STAR INDIA`S  MAGIC STAR", નામક,  કાર્યક્રમ આવે છે. આ કાર્યક્રમ સ્વર-સંગીત અને નૃત્યના કાર્યક્રમ કરતાં, સાવ અલગ કલાને દર્શાવતો હોવાથી તે,  ફ્રેશ શૉ  લાગે  છે.

ખાસ કરીને, ઍક્સ્પર્ટ મૅજીશીયન તરીકે, મેજીક ગુરૂ - ફ્રાન્ઝ હરારૅના ( American magician,  Franz Harary ,  Born 1962),  હેરતઅંગેજ  જાદુ અને  " બાપ, ભારી હૈ..!! બહોત ભારી હૈ બીડુ..!!" જેવી બમ્બઈયા, ટપોરી સ્ટાઈલમાં, બોલતા,પીઢ અભિનેતા શ્રીજેકીશ્રોફ (જેકી દાદા) ને કારણે, આ શૉ બાળકોમાં ખાસ્સો લોકપ્રિય થયો છે.

મહાગુરૂ ફ્રાન્ઝ હરારૅના, ૧૦૦ કિ.મી.ની ઝડપે દોડતી કારને, અથડાઈ, ગાયબ થઈ, કારમાંથી નીકળવું..!!

સ્વીમીંગ પુલમાં, હાથકડીથી બંધાઈને, ભૂસકો મારી, ફાઉન્ટેઈનની જગ્યાએથી પ્રગટ થવું, તે હેરત પમાડે તેવા જાદુ છે..!!

આ બધી, આપણી બુદ્ધિની સમજની બહારની, ઘટનાઓ જોયા પછી, સ્વાભાવિકપણે, આપણને સવાલ થાયકે, "આખરે,  આ જાદુ શું  બલા છે?"

ખરેખર, શું જાદુ એ, સ્મશાનમાં જઈને સાધેલી, કોઈ  તાંત્રિક મંત્ર-તંત્ર વિદ્યા છે?

ખરેખર, શું જાદુ એ, કોઈ વશીકરણ કે સંમોહનની વિદ્યાનો ચમત્કાર છે?

ખરેખર, શું જાદુ એ, ફક્ત હાથની સફાઈ છે અથવા ટ્રીક્સ  છે?

ખરેખર, શું જાદુ એ,  કોઈ  વિજ્ઞાન  છે?

અમે નાના હતા ત્યારે, અમારા ફળિયામાં, શેરી જાદુગર, પોતાનાં જાદુનાં સાધનોના થેલા અને પટારો લઈને આવી, આખાય ફળિયાના રહેવાસીઓને, એકઠા કરી, જાતજાતના જાદુના કરતબ બતાવતો.

જોકે, આ જાદુ જોયા પછી, અમને સમજ ન પડવાથી, તેનું રહસ્ય સમજવા, અમે મોટાભાઈ અને બીજા સહુ વડીલોને, સવાલ કરી-કરીને થકવી નાંખતા.

મને યાદ છે, અમારા ફળિયામાં, પોતે બધુંજ જાણેછે, સમજે છે..!!  તેમ માનતા એક ભાઈ રહેતા હતા, તેમનું નામ પણ ચંપકલાલ.

એકવાર એક જાદુગરે આવીને, તેના જાદુના સામાનનો પટારો ખોલ્યો.નાનાં, મોટાં સહુ કોઈ, જાદુગરની આસપાસ, ટોળે વળ્યાં.  તે જાદુ કરવાના, શરૂ કરે તે પહેલાં, જાદુગરની બધીજ પોલ સમજવા, અમે દોડીને,  ચંપકલાલને બોલાવી લાવ્યા.

મઝા ત્યારે શરૂ થઈ, જ્યારે જાદુગર કોઈ વસ્તુ ગાયબ કરેકે, તરતજ, અમને સમજાવવા, જાદુગર સાંભળે તેમ, ચંપકલાલ  જોરથી  બોલે," એમાં શું? આ વસ્તુ તો, તેના ઝભ્ભાની બાંયમાં સંતાડી છે."

તેજ પ્રમાણે, તે વસ્તુ ફરીથી કાઢે ત્યારે,પણ આમજ કહે, "જોયું?  જાદુગરે, તેના ઝભ્ભાની બાંયમાંથી, વસ્તુ  કાઢીને?"

આમ જાદુગરનું રહસ્ય ઉઘાડું પડી જતાંજ, અમને તો, જાદુગરે, કોઈજ જાદુ ન કર્યો હોય તેમ લાગતું અને સહેજપણ આશ્ચર્ય ન થતું.

સરવાળે, જાદુગર, તેનાથીય અઘરો લાગે તેવો, જાદુ બતાવે. પણ આ તો, ચંપકલાલ, જેનું નામ? દર વખતે, બધાજ  પ્રેક્ષકોને," આ તો આમ થયું, ને આ તો, તેમાં સંતાડ્યું  કે કાઢ્યું..!!" જેમ બોલીને, જાદુગરનું પોલ બહાર પાડે..!!

છેવટે, જાદુગર, ચંપકલાલથી કંટાળ્યો, તેણે અકળાઈને, ચંપકલાલને પોતાની પાસે બોલાવ્યા અને તેમનું નામ પૂછ્યું.

પછી  બધા પ્રેક્ષકો તરફ ફરીને, જાદુગર બોલ્યો," સાહિબાન,કદરદાન, આજ મૈં આપકો, ઈક અઈસા જાદુ કરકે, દિખાઉંગા, જીસકો, યે ચંપકલાલ ભી, સમજ નહી પાયેગેં?  ચંપકલાલ,  આપ  તૈયાર  હૈ..ઐં..?"

આસપાસ, ઉભેલા સહુ મોટેરાઓએ, ચંપકલાલના માનમાં, તાળીઓ પાડી, સાથે સમજ્યા વગર અમે,  નાનેરાંઓએ પણ, તાળીઓ પાડી.

મને તો જોકે, બીક લાગીકે, " અકળાયેલો, આ જાદુગર, ચંપકલાલને, ચકલી,  કબૂતર કે ગધેડો બનાવી દેશે તો?"

મને એમ પણ  લાગ્યુંકે, મારી જેમ,ચંપકલાલ પણ ગભરાયા હતા," સાલું  હું  ક્યારનો, જાદુગરનાં પોલ બહાર પાડું છું, તે હવે આ કાંઈ આડુઅવળું કરીને, મારી આબરૂ જાય તેવું તો, કાંઈ નહીં કરેને?"

પણ હવે શું? લોકોએ, જાદુગર કરતાંય, સર્વજ્ઞ, મર્મજ્ઞ ચંપકલાલને, વધારે માન આપતી તાળીઓથી, વધાવી લીધા હતા. હવે  તેમનાથી  પારોઠનાં પગલાં થોડાંજ   ભરાય? આખાય ફળિયાની, આબરૂ ના  જાય?

પણ, પછી તો, ચંપકલાલની,  જે જોવા જેવી,   દશા  થઈ છે..!! બાપ..રે..બાપ..!!

જાદુગરે, એક મોટા સ્કાર્ફ જેવા રૂમાલમાં, ચંપકલાલનું ઘડીયાળ, તેમનાં ચશ્માં, તેમનું પાકીટ બધુંજ મૂકાવ્યું અને પહેલાં, તેણે, અમારાં બધાંજ ટાબરિયાઁ પાસે, જાદુઈ હથોડી પર,  ફૂંક મરાવીને, પછી તે જાદુઈ હથોડીથી, રૂમાલ પર પ્રહાર કરીને, બધીજ વસ્તુઓ ભાંગીને,ભૂક્કો કરી નાંખી. એટલું પાછું ઓછું  હોય તેમ, ચંપકલાલના દેખતાંજ, તે વસ્તુઓ પર, કેરોસીન છાંટીને, તેને સળગાવી દીધી.

અમને એમ થયુંકે, હવે જાદુગર, તુટેલી,સળગેલી, બધીજ વસ્તુઓ, તેના ઝભ્ભાની બાંયમાંથી, સાજીસમી પાછી કાઢશે..!! તેથી, અમે  બધાએ, જાદુગરના માનમાં, આગોતરીજ,  ખૂબ તાળીઓ પાડી.

પણ, આ શું? જાદુગર અને તેના સાગરીતે તો જાણે, જાદુનો શૉ સમેટતા હોય તેમ, તેની  બધી  વસ્તુઓ  પાછી તેના પટારામાં ભરીને, ચાલતી પકડી.

ડઘાઈ ગયેલા, ચશ્માં વગરના, ચંપકલાલ, પોતાની સળગી ગયેલી, ઉપયોગી,  વસ્તુઓ પાછી મેળવવા, જાદુગરની પાછળ દોડ્યા;

ત્યારે, ખડુસ જાદુગરે, તેના ઝભ્ભાની લાંબી બાંય વાળો હાથ, આગળ કરીને, ચંપકલાલ સામું, લાલચોળ ડોળા કાઢીને, ચંપકલાલને, એટલુંજ, કહ્યું," લે, મારી બાંયમાં  સંતાડી છે, તેમાં હોય તો, જાતેજ કાઢી લે...!!"

હું  સમજી ગયોકે, આ  બનાવ પછી, `અમે બાળકોએ, અમને અમૂલ્ય જ્ઞાન પ્રદાન કરનારા, ફળિયાના, એક સર્વજ્ઞને, સદાને માટે, ખોયો હતો`. હું સાવ નાનો હતો,  પણ એટલોય નાનો નહતો  કે, આટલી સમજ ન પડે..!!

જોકે, આપણને સર્વેને, સાવ નાનાં થી લઈને મોટી વયમાં પણ, જાદુના શૉ જોવા, શા માટે ગમે છે..!!

કદાચ, આપણને સહુને,   જાદુગર  જાદુ કર્યા બાદ, તે  જાદુનું રહસ્ય પકડી પાડવા, ચેલેન્જ આપતા હોય તેમ લાગે છે અને આથીજ આપણા દરેકમાં, હ્યદયના કોઈક ખૂણે, વસતા જિજ્ઞાસુ  ચંપકલાલ, અચાનક જ  જાગૃત થઈને, આ ચેલેન્જ ઉપાડી લે છે.

જોકે, આપણે, જાદુનું તે રહસ્ય ઉકેલવામાં, લગભગ, કાયમ નિષ્ફળ જઈએ છે, તે એક અલગ બાબત છે.

ઘણીવાર, જાદુગર કોઈ ખતરનાક જાદુ કર્યા  બાદ, જાહેરમાં ચેતવે છેકે, આ જાદુ કરવા માટે, કોઈએ ઘેર ટ્રાય કરવો નહીં, નહીંતર તે જાન લેનાર બની શકે છે..!! આવા જીવ ગુમાવવા સુધીના બનાવ, કેટલાક જાદુગરો સાથે, બનેલા પણ છે,.

જાદુ કરવાનાં સાધનોની ક્યારેક નિષ્ફળતાને કારણે, પાણીમાં ડૂબીને, ઘાયલ થઈને કે, ઉંચેથી પડીને, કેટલાય જાદુગર પોતાનો જીવ, સાચેજ ખોઈ ચૂક્યા છે.

આવાજ, એક શ્વાસ થંભાવી દે તેવા, જાદુગરનો જીવ ગુમાવવાના, બનાવનો વિડીઓ મારા બ્લોગ પર રજુ કર્યો છે જે, હ્યદયરોગના  પાઠકોએ જોવો નહીં તેવી, મારી ખાસ વિનંતી છે.

જોકે, મને ખાત્રી છેકે, આ વિડીઓ જોયા પછી, કોઈને પણ વિચાર આવશેકે,  "Why  would   anyone do  this?"

* Faces of death. when magic goes wrong.

લિંકઃ- http://www.youtube.com/watch?v=SWTaVjX9TR4&feature=related.

( Freeze the video a split second before it hits him...Notice the color of his face is much different? It is a dummy, dummy...Tape stopped and spliced...Camera trick ?)

આ ઉપરાંત, ઘણીવાર ટ્રીક્સ ફૅઈલ જવાથી, જાદુગરની મજાક સમાન, રમુજી બનાવ પણ, બનેલા છે. જેની પણ વિડીઓ લિંક્સ, મારા બ્લોગ પર આપેલ છે, જે જોઈને, સુજ્ઞ પાઠકશ્રીને, હસવું ન આવે તો, તે  જ બાબત, એક જાદુ સમાન ગણાશે..!!

* Funny Magician
http://www.metacafe.com/watch/586537/funny_magician/

* Britain's got talent - DUCK CANON failure
http://www.youtube.com/watch?v=zh4TJv53rCo

* MAGIC TRICK FAIL ! HAHAHA
http://www.youtube.com/watch?v=EJWc5HUgNNY&feature=related

* The Failure Of The Magic Trick
http://www.youtube.com/watch?v=Glw5D7loHko

આપણા હીન્દી સિનેમા અને પરદેશના અંગ્રેજી સિનેમા, ઉપરાંત વિશ્વના અનેક દેશ, અનેક ભાષાઓમાં, જાદુના વિષયને લઈને અનેક સફળ ફીલ્મો બની છે.

આપણી હાલમાંજ રજુ થયેલી, અક્ષયકુમાર, વિદ્યા બાલન, અને નામાંકિત ( !! ), સાઇની આહુજા અભિનિત,  સફળ હીન્દી ફીલ્મ, `ભૂલભૂલૈયા`માં છેલ્લે ક્લાઈમેક્સમાં, રાજાને મારવા માટે,  રાજાના વેશમાં, સાઈની આહુજાને, એક લાકડાના પાટિયા પર સુવડાવીને, અગ્નિમાં કોઈ   કૅમિકલ નાંખી, અત્યંત ધૂમાડો પેદા કરી, મેજીક ટ્રીક જેવી ટ્રીકથી, પાટિયાને ઉંધું ઉલટાવી, રાજા ઉર્ફે સાઈની આહુજાના સ્થાને, એક પુતળા ઉપર, મંજુલિકા ઉર્ફે વિદ્યાબાલન દ્વારા, તલવારના પ્રહાર કરાવાય છે. આ એક પ્રકારની મૅજીક ટ્રીક જ છે.


આવીજ,સન ૨૦૦૬માં રિલીઝ થયેલી,  Director - Christopher Nolan ની, એક નોંધપાત્ર અંગ્રેજી ફીલ્મ `The Prestige`, જેમાં  Hugh Jackman, Christian Bale, Michael Caine, Piper Perabo, Rebecca Hall, Scarlett Johansson, જેવા, કસાયેલા કલાકારોએ અભિનયનાં અજવાળાં પાથર્યાં છે.

આ ફીલ્મમાં, બે જાદુગરોની, ઈર્ષ્યાને કારણે, તેમની એકબીજાની જાદુઈ ટ્રીક્સની હરિફાઈ કરવાની હોડમાં, બંને જાદુગર  કેવા બરબાદ થાય છે ?  તે બાબતનું, આ ફીલ્મમાં, સચોટ નિરૂપણ કરેલું છે.

આ ફીલ્મને હીન્દીમાં પણ `ડબ` કરેલી છે. જેની લિંક આ સાથે આપી છે.  ( આ ફીલ્મ, ખાસ કરીને, વિદ્વાન પાઠકોએ, અચૂક માણવા જેવી છે.)

* The Prestige 2006 Hindi Dubbed Movie Watch Online

લિંકઃ- http://stage666.net/jy7a6wm7hy26

મિત્રો, આવીજ જાદુ અને તિલસ્મી ઘટનાઓને રજુ કરીને, લોકપ્રિય ( ..!!) બનેલી, `ઈંન્ડિયા ન્યૂઝ ટીવી` પર, એક રસપ્રદ ચર્ચા દરમિયાન, એક   હિપ્નોટાઈઝ ઍક્સ્પર્ટ દ્વારા, બહુજ સરસ  વાત  કહેવાઈ  હતી.

આ  હિપ્નોટાઈઝ  ઍક્સ્પર્ટસાહેબનું કહેવું હતુંકે,

" આપણા ઘ્યાનમાં ક્યારેય તે બાબત આવતી નથીકે, આપણે પ્રત્યેક ક્ષણે, આપણી જાતેજ, હિપ્નોટાઈઝ -સંમોહનની સ્થિતિમાં, મૂકાતા હોઈએ છે. દા.ત. અત્યંત વિચારોમાં, હોવા છતાં, રોજનો અભ્યાસ હોવાથી, આપણે, ઑફિસેથી વાહન ચલાવીને, બેધ્યાનપણે પણ, સીધા આપણાજ ઘેર પહોંચીએ છે, કોઈ બીજાના નહીં."


કદાચ, આજ વાત, જાદુગરોને પણ  લાગુ  પડે છે. આપણને ન સમજાય તેવાં, સાધનો અને ટ્રીક દ્વારા, અસંખ્યવાર  અભ્યાસ કરી,  અસીમ મહારત  હાસિલ કરીને  જાદુગર, આપણને સિફતપૂર્વક   મૂર્ખ બનાવે, તેને આપણે તાળીઓ પાડીને, જાદુ  માની લઈ, વધાવી  લઈએ છે?

સારું ભાઈ..!! બનાવો બેવકૂફ, બીજું શું?  

આ તણાવ અને ફાસ્ટ લાઈફમાં, બેવકૂફ બનાવીને પણ, કોઈ આપણને રોમાંચ, થ્રિલ કરાવે તો, આપણને કોઈજ વાંધો ન  હોવો જોઈએ, કેમ ખરુંને..!!

બાય ધ વૅ, બૉસ, આપ શું કહો છો?

માર્કંડ દવે. તા. ૦૯ ઑગસ્ટ ૨૦૧૦.

1 comment:

  1. Markandbhai, jadu par no tamaro article great lagyo.. ane maza pan padi gai.. tame je video aapva chhe e jovani pan maza aavi..

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.