Saturday, January 16, 2010

શરાબ, યોગ - ભોગ કે પછી રોગ ?

શરાબ, યોગ - ભોગ કે પછી રોગ ?

પ્રિય મિત્રો,

નવા વર્ષના આગમનની ઉજવણીનો ઉત્સાહ,ઉલ્હાસ સમગ્ર વિશ્વમાં છવાઈ ગયો છે. સાથેજ તેને સુપેરે ઉજવવા ખાનપાનની તૈયારીઓ પણ થઈ ગઈ છે. આપણા ઉત્સવઘેલા ગુજરાતમાં પણ, નવા વર્ષની વધામણીનો ઉત્સાહ ચરમસીમા પર છે, જે પોલીસખાતા દ્વારા પકડાતા દારુના જથ્થાના અખબારી અહેવાલ પરથી જાણવા મળે છે.

તહેવારોની ઉજવણી સાથે ખાણી-પીણીને જોડવામાં,ગુજરાતી પ્રજાનો જગતમાં જોટો જડવો મૂશ્કેલ છે.નાગપાંચમનાં,ગળ્યા-મોળાં-તીખાં ખાજાં થી લઈ,દશેરાના ફાફડા જલેબી અને દિપાવલીની મીઠાઈ સુધી તો જાણે સમજ્યા..!! પણ ખ્રિસ્તીના નવા વર્ષની ઉજવણીમાં,આપણા અન્ય ધર્મોને,ખાસ લાગતું-વળગતું ન હોવા છતાં, "પીને વાલોં કો પીનેકા બહાના ચાહીયે.", ગીતને આત્મસાત કરીને, ગુજરાતમાં શરાબબંધીનો કાયદો અમલમાં હોવા છતાં,ખૂણેખાંચરે,ફાર્મ હાઉસના એકાંતમાં શરાબ અને સબાબની મહેફિલ,જમાવવાની તૈયારીઓ કેટલાય મહિનાઓ અગાઉથી થવા લાગે છે.

આ તમામ પ્રવૃત્તિમાં દર વર્ષે, જાણે સવિનય કાનૂનભંગ કરવાની હાકલ પડી હોય, ને બધા હઈસો-હઈસો કરીને આંદોલન કરવાના હોય, તેમ દેખાદેખી,એકમેકની સોબતથી,જોડાઈ જઈ,શરાબનું સેવન કરવા માટે, હિંમતબાજ નરનારીની સંખ્યામાં નિરંતર વધારો થતો જાય છે..!! આ જમાતે, જંગલમાં નવા વર્ષની ઉજવણીના,મંગલ કર્યા બાદ,જંગલી જાનવરોને પણ શરમાવે તેવી પ્રવૃત્તિઓ કરી હોવાના, અખબારી અહેવાલો, શાણા નાગરીકોને. વિચારતા કરી દે છે.

જંગલનાં જાનવરોની, આવીજ એક રમૂજી વાત આ તબક્કે માણવા જેવી છે.

એકવાર જંગલમાં એક ચિત્તો, સિગાર સળગાવીને,તેનો કસ મારવા જતો હતો, ત્યાંજ એક ઉંદરે દોડતા આવીને તેને કહ્યું," અરે ભાઈ,સિગાર તબીયત માટે નુકશાનકારક છે, સિગાર છોડી દો અને નશાબંધીના પ્રચારમાં જોડાઈ બીજાને સમજાવવા મારી સાથે ચાલો."

ચિત્તાને ખૂબ શરમ આવી,તેણે સિગાર ફેંકી દીધી અને ઉંદર સાથે,નશાબંધીની તરફેણમાં,નારાબાજી કરતો,કરતો જંગલમાં આગળ વધ્યો.

એટલામાં એ બંનેને એક હાથી અફીણનો નશો કરતો દેખાયો.તેને ઉંદરે કહ્યું," અરે ભાઈ, અફીણ તબીયત માટે નુકશાનકારક છે, અફીણ છોડી દો અને નશાબંધીના પ્રચારમાં જોડાઈ બીજાને સમજાવવા મારી સાથે ચાલો."
હાથીને ખૂબ શરમ આવી,તેણે અફીણ ફેંકી દીધું અને ઉંદર સાથે, નશાબંધીની તરફેણમાં, નારાબાજી કરતો,કરતો જંગલમાં આગળ વધ્યો.

આગળ જતાંજ, આ સહુએ એક સિંહ ને જોયો,જે દેશી લઠ્ઠો (દેશી શરાબ) ગટગટાવી રહ્યો હતો. સિંહને જોઈ ઉંદર ડરી ગયો,તે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. ઉંદરને ડરેલો જોઈ, હાથી અને ચિત્તાએ, સિહને સમજાવતાં કહ્યુ,".અરે ભાઈ, લઠ્ઠો પીવો તબીયત માટે નુકશાનકારક છે,લઠ્ઠો પીવાનું છોડી દો અને નશાબંધીના પ્રચારમાં જોડાઈ, બીજાને સમજાવવા અમારી સાથે ચાલો."

સિંહે ચિત્તાને પૂછ્યું," તમને આ પ્રચાર કરવાનું કોણે કહ્યું?'"

હાથીએ કહ્યું," અમને એક સજ્જ્ન ઉંદરે નશાબંધીના પ્રચારમાં જોડ્યા છે.જોકે,તે આપનાથી ડરીને સંતાઈ ગયો છે."

સિંહે અત્યંત ગુસ્સે થઈને કહ્યું," મિત્રો,એ સા...!! ઉંદરને ગમે ત્યાંથી પકડી લાવો.મારે તેને બે તમાચા મારવા છે.પહેલાં હું વ્હીસ્કી પીતો હતો, પણ તેણે મને નશાબંધીના પ્રચાર માટે, આ અગાઉ આખાયે જંગલમાં ચાર વખત ફેરવી, છેવટે દેશી લઠ્ઠાની ભઠ્ઠી પાસે છોડીને, મને લઠ્ઠાની લતે ચઢાવી દીધો છે.તે પોતે પણ લઠ્ઠાનો વ્યસની છે."

આપણા સમાજમાં આવા કેટલાય વ્યસની ઉંદરો, અન્ય અણસમજુ લોકોને,ફૂંકી-ફૂંકી ને કરડતા હોય તેમ,(ફાર્મહાઉસ) જંગલની સેર કરાવી,મંગલ માણવાના બહાને, દારુના અખંડ વ્યસની બનાવી બરબાદીના માર્ગે ધકેલી દે છે અને છેવટે સમાજમાં સિંહની આબરુ ધરાવતા માણસો, શારીરિક,આર્થિક અને સામાજીક રીતે પાયમાલ થઈ,ડરપોક ઉંદર જેવી જિંદગી વિતાવે છે.

આપણી વહેપારી આલમમાં, એમ કહેવાય છેકે, કોઈ સરકારી ખાતાનું જે કામ, દશ લાખની લાંચ આપવાથી ના પતે,તે કામ માત્ર અસલ ફૉરેનની વ્હીસ્કીની બોતલ,જેતે અધિકારીને ભેટ ધરવાથી ચપટી વગાડતામાં થઈ જાય છે ? ( આવા
લોકોનું સૂત્ર છે," ખીલાઓ નહીં પીલાઓ..!!)

શરાબ એક રોગ

આપણે શરાબની કોઈ નિશ્ચિત વ્યાખ્યાની પડોજણમાં પડ્યા વગર,ફક્ત એટલુંજ જાણવું પુરતું છેકે,

"શરાબ એટલે,અનાજ,ફળો અથવા શાકભાજીને કહોવડાવી,આથો લાવી,તેમાંથી ઈથેનોલ નામનું ઘટક અલગ પાડી તૈયાર કરાતું ,નશો લાવે તેવું એક પીણું."

છેક, ૧૨૨૫માં શરાબને માત્ર `પીણાં-પ્રવાહી-liquid.` નામ અપાયું હતું. ૧૬મી સદીમાં તેને “An intoxicating alcoholic drink” -(માદક પેય) તરીકે સંબોધવાનું શરુ કરાયું.સ્પીરીટની શોધ પણ અનાયાસે થઈ હતી.મધ્યયુગીન રસાયણ વિજ્ઞાનીઓ દ્વારા, સીસામાંથી (Lead) સોનું ઉત્પન્ન કરવાની પ્રક્રિયા દરમિયાન,નીકળતી વરાળને ઠંડી મળતાં,જે પ્રવાહી સ્વરુપ મળ્યું તેને સ્પીરીટનું નામ અપાયું.

પરદેશમાં તૈયાર થતી,બ્રાન્ડી,ફ્રૂટ બ્રાન્ડી, જિન, રમ,ટકિલા,વૉડકા, વ્હીસ્કી જેવી,શરાબની જાતમાં ,લગભગ Alcohol by volume (ABV) ૨૦% જેટલો હોય છે.

આપણે ત્યાં ભારતીય શરાબની( IMFL-Indian Made Foreign Liquor), નકલી બ્રાન્ડમાં,મોટાભાગે,સ્પીરીટ, શેરડી,સડેલો ગોળ, તથા શરીરને માટે હાનીકારક હોય,તેવાં અન્ય તત્વો હોય છે.આ શરાબને દેશી શરાબ કહે છે.જોકે, દેશી શરાબથી સાવ અલગ પદ્ધતિ અને ઝેરી રાસાયણિક પદાર્થો વડે,કિંમતમાં દેશી શરાબથી ખૂબજ સસ્તો, લઠ્ઠો, ખાનગીમાં,ચોરીછુપે બને છે.જેને કારણે,તાજેતરમાં જ,લઠ્ઠાકાંડથી અનેક માનવીઓએ જીવ ગુમાવ્યા અને સરકારના માથે માછલાં ધોવાયાં. હવે રહી-રહીને, ગુજરાત સરકારે, લઠ્ઠા ઉત્પાદન-સેવન અને અન્ય જવાબદાર તત્વો માટે ફાંસીની સજાની જોગવાઈ કરતો કાયદો,જનઆક્રોશને કારણે , ઘડવો પડ્યો છે.

શરાબ નો આદર

ઘરમાં મા-બાપનો આદર ન કરનારા, શરાબનો આદર એવો તો ઉત્કટતાથી કરે છેકે, શરાબના બંધાણીઓ ના મતે, શરાબ કેવીરીતે પીવો, કે પછી સર્વ કરવો, તે પણ એક કળા છે.

૧. નીટ અથવા સ્ટ્રેઈટ ; (અન્ય કોઈ પ્રવાહી,ઉમેર્યા વગર સર્વ કરવો કે પીવો.)

૨. સ્ટ્રેઈટ - અપ ; (બરફ સાથે ખાસ વાટકીવાળા ગ્લાસમાં હલાવીને .)

૩. ઑન ધ રૉક્સ ; (પહેલાં બરફ ક્યૂબ્સ નાંખીને.)

૪. પાણી સાથે.

૫. ક્લબ સોડા-ટોનિક વોટર,જ્યૂસ,કોલા સાથે.

૬. અલગ-અલગ પીણાંના કૉકટેલ સાથે.

૭.ખાંડ ઓગાળેલા પાણી સાથે. (ખાસ કરીને કડવા શરાબ માટે.)

શરાબની સંગાથી અન્ય આદત

ફિલ્મ શોલેમાં વિરુ (ધર્મેન્દ્ર) ના આગ્રહથી, બસંતી (હેમામાલિની) નો હાથ માંગવા, જય (અમિતાભ), મૌસી પાસે જાય છે.ત્યારે તે વિરુનાં વખાણ કરતાં કહે છેકે," આમ તો વિરુ સારો છોકરો છે,બસ ખાલી કોઈક વાર શરાબ પીએ છે. પણ એય શું કરે..!! જુગારમાં મોટી રકમ હારી જાય,ત્યારે દુઃખી થઈ,શરાબ પી લે છે.હવે નાચનારી કોઠાવાળી આગ્રહ કરે તો તેને,ના કેવીરીતે પાડી શકાય ?" - મૌસીએ કહ્યું," ભૈયા,બસ..ઈતને હી..!! ઔર કોઈ સદગુણ હો તો, વહ ભી બતા દો ?"

આ વાત આમતો ૧૦૦% સાચી છે,શરાબથી માણસના મન,શરીર ઉપર એવોતો નશો છવાઈ જાય છેકે,તે શરાબ પીને લડાઈ-ઝઘડા,જુગાર,વેશ્યાગમન અને છેલ્લે શરાબનો નશો ઓછો પડતાં,કૉકેઈન-હૅરોઈન-બ્રાઉન સુગર જેવા પદાર્થોના વિનાશકારી, નશાખોરીના રવાડે ચઢી જાય છે.

આમતો શરાબ પીનારા લગભગ,૭૫% લોકો ઘરમાં પત્ની અને બાળકોના કંકાસનું કારણ આગળ કરી,શરાબી બન્યાનું કહેતા હોય છે,પરંતુ એમાં ક્યારેક રમૂજી પ્રસંગ પણ બનતા હોય છે.

લગ્ન બાદ,એક ભાઈ, પત્નીના રોજ-રોજના કંકાસથી કંટાળીને,શરાબના સેવનમાં પોતાનો ગ઼મ ગલત કરવા (દુઃખ ભૂલવા) લાગ્યા.દરરોજ રાત્રે તેઓ દારુ પીને આવે,અને સવારે નશો ઉતરે એટલે, પત્ની તેમને રીતસર લાકડીથી ફટકારે.વળી સાંજ પડે એટલે ફરીથી પત્નીના મારનું દુઃખ તાજૂં કરી, પેલા ભાઈ દારુ પીને ઘેર જાય.

એક દિવસ,રોજની આદત મૂજબ, આ ભાઈ દારુ પીને રાત્રે ઘેર આવ્યા.સવારે પત્નીના હાથનો માર ખાવાની તૈયારી સાથે,તેઓ ઊઠ્યા,ત્યારે તેઓએ જોયુંકે, તેમને દારુથી પલળેલાં,ગંધાતાં વસ્ત્રોને સ્થાને નવાં વસ્ત્રો પહેરાવેલાં હતાં,સામે પત્ની પણ હાથમાં લાકડીને બદલે,સરસ મઝાનું,ડ્રાયફ્રૂટ નાંખેલું દુધ લઈને, મીઠુંમધ, મદ-મંદ હાસ્ય કરતી ઉભી હતી.પેલા ભાઈએ આંખો ચોળી,પોતાની જાતને એક થપ્પડ મારી,સ્વપ્નમાં નથીને તેની ખાત્રી કરી.

છેવટે ,પત્નીનો સારો મૂડ જોઈ પૂછીજ લીધું," ડાર્લિંગ,આજે બહુ મૂડમાં છે..!! સોરી, રાત્રે બેહોશીમાં, મેં કોઈ અજૂગતું વર્તન કર્યું હોય તો..!!"

પત્ની," હે...જી..!! તમે સોરી ના કહેશો. મને ખબર ન હતીકે, તમે મને આટલો બધો પ્રેમ કરો છો ? કાલે રાત્રે, તમારાં ગંધાતાં, શર્ટ અને પેન્ટ બદલવા, હું ઉતારતી હતી,ત્યારે તમે બેહોશીમાંય મને કરગરતા હતાકે, બહેન ,મને એકલો રહેવા દો.મારા ઉપર જબરદસ્તી ના કરો. હું પરણેલો છું, મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું..!!"

કદાચ,પેલા ભાઈની,શરાબની આદત ત્યારબાદ છૂટી ગઈ હશે ? રામ જાણે..!!

શરાબ પૌરાણિક દૂષણ

આપણા પ્રાચીન ગ્રંથોમાં, શરાબના સેવનને, મદ્યપાન અથવા સૂરાપાન કહેવાતું,ભૂતકાળમાં આખૂય યાદવ કૂળ, છેલ્લે સૂરાપાનમાં મત્ત બની, દુર્વાસા ઋષિના શ્રાપથી, એકમેક સાથે લડી-ઝગડી, નાશ પામ્યાનો ઉલ્લેખ છે.હકિકતમાં મહાભારતના યુધ્ધનું કારણ પણ, સૂરા અને જૂગારની, ખરાબ આદત જ હતી.

વિશ્વની શ્રેષ્ઠ ગણાય,તેવી રોમથી લઈને રાવણસુધીની સંસ્કૃતિઓનાં,અનેક સારાં,ઉજળાં પાસાંને પછાડીને, દારુના દૈત્યએ,આખાય કૂળ-સંસ્કૃતિઓને , દૈત્ય (રાક્ષસ) પ્રવૃત્તિમાં ધંધે લગાડી દઈ,તેનો કરુણ વિનાશ કરાવ્યો છે.

જોકે,આજે પણ ," વર મરો-કન્યા મરો પણ ગોરનાં તરભાણાં ભરો." ન્યાયે, આપણા કાનૂનના રક્ષકોનાં, દર માસે લાખોના હપ્તા (ભરણ) પહોંચાડી, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓનાં તરભાણાં ભરાતાં હોવાના,પુરાવા સાથેના આક્ષેપો થાય છે, ત્યારે દાનવકૂળ હજુપણ હયાત હોવાનો ભાસ થાય છે.

શરાબથી શરીર સુધી

ઑકલેન્ડ,કૅલિફોર્નિયા,અમેરિકાના-કૈસર પરમૅનન્ટ મેડિકલ સેન્ટરના, ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલના રિપોર્ટ પ્રમાણે, રેડ વાઈન,વ્હાઈટ વાઈન,લિકર,બીયર વિગેરે, ના રોજના માત્ર બે જ પૅગના સેવનથી પણ, કૉરોનરી આર્ટીલરી ડિસીઝ થઈ શકે છે.

આ ઉપરાંત,શરાબની,રોજના બે પેગની, લાંબી આદતથી પણ, લિવરને ગંભીર નુકશાન થાય છે,જેને "cirrhosis of liver- લિવરનું કેંન્સર" કહે છે.જેમાં નબળાઈ,ભૂખ ન લાગવી,ઉબકા-લોહીની ઉલ્ટી થવી,વજન ઘટવું,પેટમાં પાણી ભરાઈ જવું,પેટમાં ચાંદાં પડવાં,જેવાં લક્ષણો જોવા મળે છે.

આ બંને રોગનાં લક્ષણો,મોટાભાગે સાવ છેલ્લા તબક્કે બહાર આવતાં હોવાથી તથા શરાબની લત છોડવાની તૈયારી ન હોવાથી, શરાબીનું મૃત્યુ ઘણુંજ રિબાઈ-રિબાઈને થાય છે.જોકે ત્યારે માનવીને,પોતાની દયનીય અવસ્થામાં, " इतो व्याघ्रः इतः तटी।", अर्थात," આ તરફ વાઘ,પેલી બાજુ કોતર..!! (બંન્ને બાજુ મોત .) જેવો ઘાટ ઘડાય છે.

શરાબના માનમાં કવિ-શાયરોને,ખાસ શરાબીઓના મનોરંજન માટે, કાવ્યો,ગીતો, ગઝલ,શાયરીઓની રચના કરી છે.કેટલાક કવિ અને શાયર તો આવી રચના લખવા માટે, વળી પાછા ચિક્કાર પીને લખવા બેસતા હોય છે. આવાં ગીતોને કંઠ આપતા ગાયક-ગાયિકાઓ અને સંગીતબદ્ધ કરતા સંગીતકારો,આ રવાડે ચઢતાં અકાળે મૃત્યુ પામ્યાના, અનેક દાખલા,કલાજગતમાં મોજૂદ છે. સુપ્રસિદ્ધ ગાયક કે.એલ.સાયગલ. કુશળ અભિનેત્રી- મીનાકુમારી તેનાં ઉદાહરણ છે.તેઓ બંને અને આ ઉપરાંત, અન્ય કેટલાય કલાકારોનું, શરાબ સેવનને કારણે, "cirrhosis of liver- લિવરનું કેંન્સર" થવાથી અકાળે અવસાન થયું હતું.

શરાબની આદત જેને પોસાતી હોય,તેવા માલેતુજારોને પણ, ઉપર દર્શાવેલા, અતિશય ખર્ચાળ સારવાર માંગતા, રાજરોગ થતાં,તેઓ સાવ મુફલિસ અવસ્થામાં દર-દરની ઠોકર ખાઈને, છેલ્લે સારવારના નાંણાં વગર,રિબાઈને સાવ કમોતે મરતા આપણે ઘણીવાર જોઈએ છે.

શરાબથી છૂટકારો શક્ય?

શરાબના દૂષણથી અવશ્ય મૂક્ત થઈ શકાય છે.

આ માટે સ્વયંશિસ્ત અને સારા માણસોની સોબત રાખવી જરુરી છે. જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરનારા પણ એક દિવસ મૃત્યુને વરે છે, પરંતુ અકાળે, શારીરિક,આર્થિક અને સામાજીક આબરુની પાયમાલીના ભોગે મરવું તે શાણપણ નથી.

દિવસ-રાત જોયા વગર,અઢળક માત્રામાં શરાબ પીતા એક સજ્જન મિત્રને, "cirrhosis of liver- લિવરનું કેંન્સર" ,થી પિડાઈને,તાજેતરમાં જ, અકાળે મૃત્યુ પામતાં, મારી નજર સામે, જોયા હોવાથી, આજનો લેખ લખવાની પ્રબળ ઈચ્છા થઈ છે.

એ મિત્રને,શરાબ છોડી દેવા હું સમજાવતો ત્યારે તેઓ મને કહેતા," દવેભાઈ, કેટલાય વર્ષોની આદતને કારણે, મારું શરીર,આખા દિવસમાં ગમે ત્યારે,આલ્કોહોલ માંગે છે અને મને અફસોસ એ વાતનો છેકે,તે સમયે મારી સાથે,તમારા જેવા મિત્રને બદલે, દારુ ખરીદવા જનારા અને પીવામાં કંપની આપનારા મિત્રો સાથે હોય છે."

આ મિત્રને વ્યસનમૂક્તિ કેન્દ્રમાં પણ દાખલ કર્યા હતા,પરંતુ ત્યાં પણ તેઓએ ત્યાંના એક વૉર્ડ બોયને લાંચ આપી,શરાબ મંગાવી, અન્ય સુધરેલા દર્દીઓના કેસ બગાડવા માંડ્યા,તેથી ડૉક્ટરે એમને વેળાસર રજા આપી દીધી.

લેખના અંતમાં એટલુંજ કહીશ,જે ચીજ આપણા તન-મન-વર્તન-વાણી પર કાબૂ કરી લેતી હોય, તેવી તમામ ચીજવસ્તુઓથી દૂર રહેવામાં જ જીવનની મઝા છે.

ઘણા માણસો,કાયમ પોતાનું વાહન જાતેજ હંકારે છે.તેમનું દ્રઢપણે માનવું હોય છેકે," જે ઘોડાની લગામ આપણા હાથમાં ના હોય તે ઘોડા ઉપર સવારી કદી ના કરવી."

શરાબ પીનારાઓને તો લગામ નહી, મનનો ઘોડો પણ શરાબના નશાના કાબૂમાં (કે કાબૂ બહાર..!!) હોય છે.

આશા રાખીએ,આ ૩૧મી ડિસેમ્બરે કમસે કમ,ગુજરાતમાં એક પણ શરાબી નશો ન કરે અને પોલીસના હાથે ના ઝડપાય?

માર્કંડ દવે.તા.૨૯-૧૨-૨૦૦૯.

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.