Sunday, January 17, 2010

પદ્મભૂષણ-શ્રીપ્રાણ ક્રિશન સિકંદ

પદ્મભૂષણ-શ્રીપ્રાણ ક્રિશન સિકંદ

નામ - પ્રાણ ક્રિશન સિકંદ.

પિતાનું નામ - કેવલ ક્રિશન સિકંદ.(ગવર્નમેન્ટ સિવિલ એન્જીનીયર-કોન્ટ્રાક્ટર.)

માતાનું નામ - રામેશ્વરીજી સિકંદ.

જન્મ - ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦.(ઉંમર -૮૯)

જન્મસ્થળ - દિલ્હી.ભારત.

અભ્યાસ - ઓલ્ડ મેટ્રીક્યુલેશન (રઝા હાઈસ્કૂલ-રામપુર - U.P.)

પત્નીનુંનામ - શ્રીમતી શુક્લા સિકંદ (આહલુવાલિયા-લગ્ન તા.૧૮ એપ્રિલ ૧૯૪૫.)

સંતાન - ૧.અરવિંદ ૨. સુનિલ.૩. દીકરી પિંન્કી.

વ્યવસાય - અભિનય

કાર્યકાળ - ૧૯૪૨ થી ૨૦૦૩.(લગભગ ૩૫૦ ફિલ્મોમાં અભિનય.)

શોખ - અભિનય ઉપરાંત ફૂટબોલ (તેઓની પોતાની 'Bombay Dynamos Football Club' નામની ફૂટબોલ ટીમ હતી.)

એડ્રેસ- Mr. Pran Sikand, 7th Floor, 'Eden Roc' Building - 25, Union Park, Khar- Mumbai 400 052

વૅબસાઈટ - http://www.pransikand.com/
========================================

પ્રિય મિત્રો,

ભારતીય ફિલ્મજગતના એક કલાકારનું એક નામ એવું..!! જે નામ પોતાના બાળકનું પાડવા કોઈ માતાપિતા તૈયાર ન થાય.તે નામ છે,પ્રાણ. ફિલ્મજગતના મશહુર વિલન-ચરિત્ર અભિનેતાનું અસલી નામ પ્રાણ ક્રિશન સિકંદ.અસલી જિંદગીમાં કોઈ સમારંભમાં પ્રાણસાહેબ હાજર હોય ત્યારે નાનાંમોટાં સહુ એમની વિલનીયા છાપને કારણે ઘણા વર્ષો સુધી દૂર ભાગતા.યાદ છે ? ફિલ્મ `ગુડ્ડી` માં જયાભાદૂડીનો પ્રાણસાહેબ પ્રત્યેનો અણગમો ?

શ્રીપ્રાણસાહેબની વિલનગીરીમાં પણ દરેક ફિલ્મમાં સાવ અલગ દેખાવ,અલગ ખાસિયત,અલગ બોલચાલની લઢણ અને અલગ જ અંદાજ અપનાવવાને કારણે પાત્ર જીવંત થઇ ઉઠતું.જેની સફળ નકલ કરીને, આજે પણ ઘણા બધા વિલન,હિરો સારા એવા દામ કમાઈ રહ્યા છે.

જોકે, અસલ જિંદગીમાં તેઓ સ્વભાવે અતિ નમ્ર,વિનયી,વિશ્વાસપાત્ર,પ્રામાણિક,અને માયાળુ છે.જીવનમાં એકવાર પ્રાણસાહેબને મળનાર તેઓનો,કાયમી ચાહક થઈ જાય તેવો ઉમદા તેમનો સ્વભાવ છે.તેથીજ, તેઓના ભારતીય સિનેમામાં અમૂલ્ય યોગદાનની કદર સ્વરુપે,સન - ૨૦૦૧ માં ભારત સરકારે તેમને`પદ્મભૂષણ`ના ઈલ્કાબથી નવાજ્યા છે.
તેઓએ અભિનયની શરુઆત સિમલા ખાતે એક રામલીલામાં `સીતા`ના રોલથી કરી,જેમાં જાણીતા ચરિત્ર અભિનેતા શ્રીમદનપુરી `શ્રીરામ` બન્યા હતા.લેખક શ્રીવલી મહંમદ વલીએ,શ્રીપ્રાણસાહેબની મુલાકાત ૧૯૪૦માં હિરામંડી,લાહોર ખાતે, નિર્માતા શ્રીદલસુખ પંચોલી સાથે કરાવી,જેમણે તેઓને અત્યંત સફળ હીટ પંજાબી ફિલ્મ`યમલા જાટ`માં વિલનનો લીડ રોલ આપ્યો.ત્યારબાદ `ચૌધરી` અને `ખજાનચી` ફિલ્મ દ્વારા તેઓ વિલન તરીકે સ્થાપિત થઈ ગયા.તેમની ટક્કર તે સમયે સફળ વિલન શ્રી અજીત તથા શ્રી કે.એન.સિંગ સાથે હતી.૧૯૪૨માં પંચોલીસાહેબની હિન્દી ફિલ્મ `ખાનદાન`માં નૂરજહાઁ સાથે હિરોનો રૉલ સર્વ પ્રથમવાર કર્યો.

૧૯૪૭ના અખંડ ભારતના દુ:ખદ ભાગલાના સમય સુધીમાં, તેઓએ લગભગ ૨૨ ફિલ્મોમાં વિલન તરીકે અભિનય કર્યો.તારીખ - ૧૪ ઑગસ્ટ ૧૯૪૭ ના રોજ,તેઓ લાહોર ત્યજીને મુંબઈ આવી ગયા,પરંતુ અહી દુર્ભાગ્ય તેમની રાહ જોતું હતું,સંઘર્ષના દિવસો શરુ થયા,હાથખર્ચી ખૂટવા આવી, તેવામાં એક દિવસ,સુપ્રસિધ્ધ લેખક શ્રીસાદત હુસેન મન્ટો અને એક્ટર શ્રીશ્યામ ના પ્રયત્નથી,શ્રીપ્રાણસાહેબને ૧૯૪૮માં બોમ્બે ટૉકિઝની ફિલ્મ `ઝીદ્દી`માં,શ્રીદેવઆનંદ,કામિનીકૌશલ સાથે રૉલ મળ્યો.ત્યારબાદ તો એક અઠવાડીયાના ગાળામાં જ બીજી ત્રણ ફિલ્મો `ગૄહસ્થી`,`અપરાધી`,`પૂતલી` સાઈન કરી.તેઓની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં, `હલાકુ` (૧૯૫૬),`જીસ દેશમેં ગંગા બહેતી હૈ` (૧૯૬૦) `વિક્ટોરિયા નં.૨૦૩` (૧૯૭૨) ,`ઉપકાર`(૧૯૬૭),`પુરબ ઔર પશ્ચિમ` ,`ઝંઝીર` (૧૯૭૩), `અમર અકબર ઍન્થોની` (૧૯૭૭),અને અન્ય ગણાય નહીં તેટલી સફળ ફિલ્મો છે.

શ્રીપ્રાણસાહેબની વિલનગીરીમાં મોટું ગાબડું પાડતો,મનોજકુમારની ફિલ્મ `ઉપકાર` (૧૯૬૭),માં પોતાની સમૂળગી છાપ બદલી નાંખતો `મલંગ ચાચા` નો રૉલ સ્વીકાર્યો, ત્યારે પ્રેક્ષકોના પ્રતિભાવ અંગે સહુ કોઈ થોડા શંકા-કુશંકામાં અટવાયેલા હતા,પરંતુ તેઓએ આ પાત્રને એવી સફાઈથી જીવી જાણ્યુંકે, ઈતિહાસ રચાઈ ગયો.તેઓના અભિનય,ડાયલૉગને માણવા,આ ફિલ્મને પ્રેક્ષકો અનેકવાર નિહાળવા જતા,અમદાવાદમાં જ રુપમ સિનેમામાં `ઉપકાર` ચોપન (૫૪!!) અઠવાડીયાં સળંગ ચાલી. આ જ ફિલ્મથી શ્રીપ્રાણસાહેબ ચરિત્ર અભિનેતા તરીકે સ્થાપિત થઈ ગયા.

`મલંગ ચાચા` ઉપર ફિલ્માવાયેલું શ્રી કલ્યાણજી-આનંદજીએ સંગીતબધ્ધ કરેલું,શ્રીમન્નાડૅસાહેબે ગાયેલું, પ્રખ્યાત ગીત,` કસમે-વાદે પ્યાર વફા સબ,બાતેં હૈં બાતોં કા ક્યા ?` જ્યારે શ્રીપ્રાણસાહેબ ઉપર ફિલ્માવાઈ રહ્યું હતું ત્યારે તે ગીતના અંતરાના સ્વરો,હાઈ તાર સપ્તક સુધી પહોંચતા હોઈ, તે ગીત પરદા ઉપર ગાતી વખતે મલંગચાચા-શ્રી પ્રાણસાહેબની ગળાની નસો ફુલેલી જોઈ શકાતી હતી,તેટલી ઝીણવટભરીરીતે અભિનય કરેલો જોઈને શ્રીકલ્યાણજીભાઈ શ્રીપ્રાણસાહેબ ઉપર આફ્રીન પોકારી ઉઠેલા. આ ઉપરાંત ફિલ્મના ક્લાઈમેક્સમાં મનોજકુમારને બચાવવા, વચ્ચે આવી જતાં મદનપુરીના ચાકૂથી ઘવાયેલા, મલંગચાચાનો છેલ્લે તરફડાટ સાથે, એક પગ ઉપર,શ્રીપ્રાણસાહેબે કરેલો અભિનય મનઃપટલ ઉપર કાયમી અંકિત થઈ જાય તેવો છે.`ઉપકાર` બાદ તો હકારાત્મક ચરિત્ર અભિનેતા તરીકે ઘણી નોંધપાત્ર ફિલ્મો આવી,જેમાં જંજીર,ડૉન,અમર અક્બર ઍન્થોની,મજબૂર જેવી ફિલ્મોમાં શ્રીઅમિતાભ બચ્ચન સાથે સીધી ટક્કર હતી.(૧૯૭૦) `ડૉન` માં તો શ્રીપ્રાણસાહેબને,શ્રીઅમિતાભજી કરતાં અનેકગણૂં વધારે મહેનતાણૂં મળ્યું હતું.

શ્રીપ્રાણસાહેબને તેમની અભિનયપ્રતિભાને કારણે અધધધ ઍવોર્ડ પ્રાપ્ત થયા છે,જેમાં ૧૯૬૭,૧૯૬૯,અને ૧૯૭૨માં બેસ્ટ સપોર્ટીંગ એક્ટર તરીકે પ્રાપ્ત થયેલફિલ્મફૅઅર ઍવોર્ડ નોંધપાત્ર છે. સન ૧૯૯૭ માં લાઈફટાઈમ ઍચીવમેન્ટ ઍવોર્ડ સાથે , કુલ ચાર ફિલ્મફૅઅર ઍવોર્ડ્સ.

૧૯૬૧-૬૬-૭૩ માં બૅન્ગાલ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિયેશન ઍવોર્ડ્સ. આ ઉપરાંત ૧૯૭૩ અમદાવાદ-ચિત્રલોક સીને સર્કલ,

૧૯૭૬-૭૮-૮૪બોમ્બે ફિલ્મ ઍવોર્ડ્સ.સન - ૨૦૦૦ માં 'વિલન ઓફ ધ મિલેનીયમ" ઍવોર્ડ સ્ટારડસ્ટ તરફથી. સન

૨૦૦૪-લાઈફટાઈમ ઍચીવમેન્ટ ઍવોર્ડ મહારાષ્ટ્ર સરકાર તરફથી.

જોકે,શ્રીપ્રાણસાહેબના લગભગ છ દશકના `વિલન ઓફ ધ મિલેનીયમ` ના પ્રેક્ષકોએ આપેલા ઍવોર્ડને કોઈ આંબી શકે તેમ નથી,કોઈપણ ફિલ્મને સફળ કરવા માટે, તેમની લગભગ તમામ ફિલ્મોના ટાઈટલમાં તમામ કલાકારોનાં નામ બાદ સહુથી છેલ્લે શ્રીપ્રાણસાહેબને આગવી ક્રેડિટ આપતું ટાઈટલ આખાએ રુપેરી પરદાને ભરી દેતું.."............And PRAN.!!" , "કુછ સમજે બરર્ખૂદ્દાર ???"

ચાલો,આપણે અંતે પ્રભુને તેઓના લાંબા સુખમય આયુષ્યની પ્રાર્થના સાથે,તેમની `ઉપકાર` ફિલ્મના કેટલાક સંવાદ માણવા, સાથે કસમે વાદે કરીએ કે શ્રીપ્રાણસાહેબને આપણે ક્યારેય ભુલીશું નહી.આપણા માટે તે કાંઈ વિલન થોડા જ છે ??

http://www.zshare.net/audio/689842273537e100/

માર્કંડ દવે. તા.૨૫-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.