Friday, April 16, 2010

ઘરમંદિર

ઘરમંદિર

" વિશ્વાસ જીતે જો શ્રદ્ધાને,ઇશ્વર બાઅદબ ઝૂકે છે, ભક્તને ભેટવા ક્યારેક..!!"

==========

પ્રિય મિત્રો,

આપને જીવનમાં ક્યારેક એવો અનુભવ જરૂર થયો હશેકે, આપ ચારે બાજુથી હતાશ,નિરાશ અને માર્ગથી ભટકેલા હોય તેમ અનુભવો,તેવામાં આપની કલ્પનામાં ન હોય તેવી ગૅબી મદદ, ઈશ્વર દ્વારા મળે અને આપની ઈજ્જત આબરૂ સચવાઈ જાય.મન પરથી ચિંતાનો બોજો હળવો થઈ જાય, એ વાત અલગ છેકે, કેટલાક લોકો આવી ગૅબી મદદને જીવનનો એક આકસ્મિક ઘટનાક્રમ માનીને,તેનું  પૉસ્ટમોર્ટમ કરવાનું ટાળે છે.

દરેકના જીવનમાં ઘટતી, આવી ઘટનાઓનું જો પૉસ્ટમોર્ટમ કરવામાં આવેતો જતે દિવસે, કોઈ ગૅબી અલૌકિક શક્તિ પર શ્રદ્ધા વધતાં,આવી શક્તિ પરનો વિશ્વાસ દ્રઢ થતાંજ, જીવનમાં ડગલેને પગલે આ અનુભવ ધ્યાન પર આવે અને માનસિક તણાવ-ટેન્સન વગરનું જીવન પસાર થઈ શકે છે.

આવીજ મારી નજર સામે,સન ૧૯૫૯માં ઘટેલી એક ઘટના વર્ણવી રહ્યો છું જેણે મારી જીવન પ્રત્યે જોવાની, સમૂળગી દ્રષ્ટી, હકારાત્મક ભાવમાં, બદલી નાંખી.

========

"ઘરમંદિર-ભગવાનનો મહેલ."

"મનજીભાઈ,તમે તમારે કામ શરૂ કરો.ઘરમંદિરનું કામ પૂર્ણ થયેથી તમને પૈસા આપું તો ચાલશેને? આ રહ્યો ઘરમંદિરનો સ્કેચ." ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા ધરાવતા, સરકારી શાળામાંથી, હાલમાંજ નિવૃત્ત થયેલા, શિક્ષક શ્રીકેશવભાઈએ, સીમેન્ટનું કોતરકામ કરી, ઘરમંદિર બનાવતા,ઓળખીતા કલાકારને પ્રેમથી કહ્યું.(આ કલાકારને સામાન્ય `કડીયો` ન જ કહેવાયને?)

"અરે..!! એ શું બોલ્યા, માસ્તરસાહેબ? તમારા પૈસા તો બેંકમાં જ પડ્યા સમજોને..!!  તમતમારે મંદિર ગમે તોજ પૈસા આપજો,નહીંતો મારે એક પૈસો ના જોઈએ." મનજીભાઈ આટલું કહીને, ચા-પાણી પીને, `જે શ્રીકૃષ્ણ`,કહીને ઊભા થયા.

ખરા દિલના પ્રેમ અને ઈશ્વર પ્રત્યેની અનન્ય શ્રદ્ધા સાથે, બીજાજ દિવસથી,લોખંડના પાતળા સળીયા,સીમેન્ટ અને કલાકારીના માલસામાન -ઓજારો સાથે,કલાના કસબી મનજીભાઈએ હાથનો કસબ બતાવવાનું શરૂ કરી દીધું. કોતરણીવાળી નાની સુંદર થાંભલીઓ,કલાત્મક કમાનો,નાનકડો અર્ધગોળાકાર ગૂંબજ નો કાચો ફરમો  તૈયાર થયો ત્યારેજ, જોનાર તમામનું હૈયું,` વાહ કસબી વાહ`,બોલી ઉઠવા લાગ્યું.

પંદર દિવસમાં તો, ઘરના પૂર્વ દિશામાં આવેલા, એક ગોખલાની ચારેબાજુ, આ તમામ ફરમા ના સીમેન્ટના મોલ્ડને, એકબીજા પર, મનજીભાઈએ ગોઠવ્યા ત્યારેતો, તેના પર સફેદ પ્લાસ્ટર ઓફ પેરીસનું કૉટીંગ બાકી હોવા છતાં, મંદિર રૂડું રૂપાળું લાગતું હતું.

માસ્તરસાહેબે તો રાજી થઈને, મનજીભાઈની પીઠ થાબડીને શાબાશી આપતાં કહ્યું પણ ખરું," વાહ મનજીભાઈ, આખરે ભગવાનનો મહેલ, કોઈ રાજાના મહેલથીય અદકેરો લાગે છે હોં..!!"

પછી બીજા પંદર દિવસ, મંદિરનું ફીનીસીંગ કામ ચાલ્યું,બાલઠાકોરની નાના આરસની બેઠક,તેમની પાણીની ઝારી મૂકવાની જગ્યા, ભગવાનનો થાળ-આરતી,દીવો મૂકવાની જગ્યા..વગેરે-વગેરે..!!

આખરે આજે ઘરમંદિર..!! સોરી, ભગવાનના મહેલ નિર્માણનું કામ પૂર્ણ થયું.ઝગારા મારતા સાદા ૧૦૦ વૉટના બલ્બથી મંદિર,ઝળહળી ઉઠ્યું. કલાકાર મનજીભાઈની નજરમાં દિલથી કામ કર્યાનો સંતોષ તરવરતો હતો.

મનજીભાઈએ બે દિવસ બાદ, બીલ લેવા આવવાનું કહીને, માસ્તરસાહેબની વિદાય લીધી.માસ્તરસાહેબે મનજીભાઈને કેટલું બીલ થશે તેમ ન પૂછ્યુંકે, ન તો મનજીભાઈએ, કેટલા પૈસા લેવાના થશે તે,માસ્તરસાહેબને જણાવ્યું...!!

આજે સવારથીજ માસ્તરસાહેબનાં ધર્મપત્ની ચિંતામાં હતાં.આજે મનજીભાઈ ઘરમંદિરનું બીલ લેવા આવવાના હતા, ઘરમાં માત્ર બે રૂપિયાજ પડ્યા હતા અને ઓલિયા માસ્તરસાહેબ તો બેફીકર થઈને, આજે સારૂં મુહૂર્ત હોવાથી, ભગવાનને તેમના મહેલમાં, ધામધૂમથી પ્રવેશ કરાવવાની તૈયારીમાં પડ્યા હતા.

તાજેતરમાંજ પેન્શન પર ઉતરેલા શિક્ષકને,સરકારી લેણાં લેવા માટે,સરકારી કચેરીઓના, રાબેતા મુજબના, ધરમધક્કા શરૂ થઈ ગયા હતા. આ સરકારી કચેરીઓમાં,આજ માસ્તરસાહેબના હાથ નીચે એકડો ઘૂંટેલા, કેટલાય વિદ્યાર્થીઓ,નોકરી કરતા હોવા છતાં, પેન્શન અને બીજા લાભોની ફાઈલની મંજૂરીનું કામ ગોકળગાયની ગતિથી ચાલતું હતું.કદાચ ગુરૂ પાસે કોઈને  શિષ્ય-દક્ષિણાની  (લાંચ..!!) અપેક્ષા હશે?.

એ જે હોય તે,પણ માસ્તરસાહેબે, આશરે આઠ વર્ષ અગાઉ કરેલા, વધારાના સરકારી કામના રૂપિયા ૧૨૦ લેવા, આઠ આઠ વર્ષથી,લખેલા પત્રો અને રૂબરૂ ધરમધક્કાઓનું કોઈ પરિણામ નહતું આવ્યું,તો પછી કદાચ પેન્શન બાંધણીને તો કેટલાંય વર્ષ લાગશે? ઈશ્વર જાણે...!!

પણ ઈશ્વર તો બધુંજ જાણતોજ હતો.તેથીજ સવારે ૧૧.૦૦ વાગવા આવ્યા હશે,તેવામાં  ભગવાનનો મહેલ બનાવનારા કલાકાર-કસબી,મનજીભાઈ, ગરબડીયા અક્ષ્રરમાં લખેલું,ખર્ચ અને મજૂરીના ઉલ્લેખવાળું,  બીલ લઈને આવી પહોંચ્યા અને માસ્તરસાહેબના હાથમાં મૂકી દીધું.

માસ્તરસાહેબે , ગડી વાળેલા કાગળને ખોલ્યા વગરજ, આ બીલની રકમ સામે નજર નાખ્યા વગર,  નવા-નવા બનાવેલા મહેલમાં બીરાજેલા, બાલઠાકોરના ચરણોમાં તેને મૂકી દીધું અને ઘરમાં, પત્નીને મનજીભાઈ માટે ચ્હા-પાણી માટે સાદ કર્યો. ઘરમાં માસ્તરસાહેબનાં પત્નીએ ચ્હા તો મૂકી પણ, ચ્હા ઉકળવાની સાથે, મનમાં બીલનાં નાણાં કેવીરીતે ચૂકવવાં? તેની ફિકરમાં, લોહી પણ ઉકળવા લાગ્યું.

જોકે, માસ્તરસાહેબનાં પત્ની, મનજીભાઈ માટે ચ્હા લઈને જ્યારે રસોડામાંથી બહાર આવ્યાં ત્યારે, આંગણે ટપાલી રાધેશ્યામ ઉભો હતો  અને માસ્તરસાહેબ ટપાલી પાસેથી,આઠ વર્ષ અગાઉ કરેલા વધારાના સરકારી કામના રૂપિયા ૧૨૦ નું મનીઑર્ડર છોડાવી રહ્યા હતા.

મનીઑર્ડરના રૂપિયા ૧૨૦ લઈને,માસ્તરસાહેબે, તે રકમ સીધીજ મનજીભાઈના હાથમાં,મૂકી ત્યારે મનજીભાઈ આશ્ચર્યથી, માસ્તરસાહેબને કહેતા હતા," હેં માસ્તરસાહેબ? બીલમાં કેટલા રૂપિયા લખ્યા છે તે તો  તમે જોયું પણ નથી અને તમને કેવીરીતે ખબર પડી ગઈકે, મારૂં બીલ બરાબર રૂપિયા ૧૨૦ નું થયું છે?"

માસ્તરસાહેબે મંદમદ મલકાતા ચહેરે મનજીભાઈને કહ્યું," મનજીભાઈ, મારે બીલની રકમ જાણવાની શી જરૂર? જે બાલઠાકોરનો  મહેલ તમે બનાવ્યો છે,તેને તો બધી ખબર છેજને..!! " પછી પત્ની તરફ ફરીને, માસ્તરસાહેબે  કહ્યું," અરે...!! આ રાધેશ્યામભાઈ માટે પણ ચ્હા-પાણી લાવજો જરા."

જોકે, મનજીભાઈએ પોતાના હાથમાં રહેલા ચ્હાના કપમાંથી અડધી ચ્હા,આગ્રહ કરીને ટપાલી રાધેશ્યામભાઈના હાથમાં પકડાવી દીધી, ત્યારે માસ્તરસાહેબનાં પત્નીને, રાધેશ્યામભાઈ, ટપાલીના રૂપમાં, સાક્ષાત કાનુડો જાણે, શામળશા શેઠ બનીને, નરસૈંયાની વહારે દોડી આવ્યો હોય, તેમ લાગ્યું.

મનજીભાઈના ચહેરા પર પણ જાણેકે,પોતાનો નવો મહેલ બનાવી આપવા બદલ,આભાર માનવા માટે,પોતાના હાથે, પોતાની અડધી ચ્હા, સાક્ષાત બાલઠાકોર સ્વીકારતા હોય તેવો, અહોભાવ તરવરતો હતો.

મિત્રો, આ આખીય અલૌકિક ઘટનાને, નાસ્તિક અથવા તર્કવાદી માનવ, આકસ્મિક ગણીને, અવગણી શકે છે. પરંતુ જો  આપ જીવનમાં,ડગલેને પગલે, આપની મરજી મૂજબની કે નામરજી મૂજબની,ઘટનાઓને, તટસ્થભાવે  નિહાળીને, તેનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરીને, તે પ્રમાણે જીવવાની આદત પાડશો તો, એક દિવસ એવો આવશેકે, કોઈ પણ કામ કર્યા બાદ,તેના પરિણામની ચિંતા,સ્ટ્રેસ કે ટેન્શન, સતાવશે નહીં.

પૂર્ણ શરણાગતી....એજ તો છે આનંદમય જીવનનું રહસ્ય...!! "सर्व धर्मान्‍ परितज्य मामेकम्‍ शरण्म्‍ व्रजः॥"

ચાલો, આજથીજ આપના જીવનમાં બનેલી આવી ઘટનાઓને યાદ કરી તેનું તટસ્થ મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દો. કદાચ તમનેય રાધેશ્યામનાં સદેહે દર્શન થઈ જાય.!!

માર્કંડ દવે.તા.૧૬-૦૪-૨૦૧૦.

1 comment:

  1. સર,
    તમારી આ વાત સાવ સાચી છે અને હું પુરેપો સહમત થાઉં છું. હું જાતે એનો સાક્ષી છું. જો ઈશ્વર માં સાચી શ્રદ્ધા હોય તો એ ગમે ત્યાંથી ગમે તે સ્વરૂપે અણીના સમયે આપણને મદદ કરવા આવી પડે છે. મેં આ વસ્તુ મારા ખરાબ સમયમાં એક કરતા વધારે વાર અનુભવી છે એ આકસ્મિક ઘટના કે માત્ર નસીબ તો નજ હોઈ શકે.

    - કુમાર શાહ

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.