Friday, January 15, 2010

પોપટનાં બે બચ્ચાં - સ્મશાન જીર્ણોધ્ધાર

વિસરાતી વાર્તાઓ-૪.પોપટનાં બે બચ્ચાં

એક શિકારી,માળામાંથી પોપટનાં બે બચ્ચાં પકડીને લઇ ગયો.તેમાંનું એક બચ્ચું તેણે એક સારા માણસને વેચ્યું અને બીજું નઠારા માણસને વેચ્યું.
પેલા સારા માણસને ત્યાં વઢવાડ કે મારામારી થતી ન હતી;સૌ એકબીજા જોડે નરમાશથી તથા મીઠાશથી બોલે અને કોઇ મળવા આવે તો તેની સાથે વિનયથી અને માનથી વાત કરે.પેલો પોપટ એ બધું શીખ્યો,પણ પેલા નઠારા માણસને ત્યાં રોજ મારામારી ને ગાળાગાળી થતી તે સઘળું બીજો પોપટ શીખ્યો.

એક દહાડો એવું બન્યું કે,તે શહેરનો રાજા ત્યાં થઇને જતો હતો.તેને જોઇને પોપટ બોલ્યો,"તું ચોર છે,તું જૂઠો છે,નીકળ અહીંથી તું જતો રહે."
આ સાંભળીને રાજાને માઠું લાગ્યું,પણ તે કાંઇ બોલ્યો નહીં.આગળ જતાં સારા માણસનું ઘર આવ્યું,ત્યાં તેને જોઇને પોપટ બોલ્યો,"આવો રાજા સાહેબ,આપ ભલે પધાર્યા;આપના દર્શનથી અમને ઘણો આનંદ થયો છે,આપ સારી પેઠે છો,સાહેબ?" આ સાંભળીને રાજાને નવાઇ લાગી.પછી તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ બેઉ પોપટ એક જ માબાપનાં બચ્ચાં છે;પણ એક નઠારી સોબતમાં રહ્યું તેથી સારું નીકળ્યું.અને બીજું સારી સોબતમાં રહ્યું તેથી સારું નીકળ્યું.

ઉપસંહાર-.`સોબત તેવી અસર` એ કહેવત ખરી છે,માટે આપણે નઠારા માણસોથી દૂર રહેવું.
=================================

વિસ્તરતી વાર્તા-સ્મશાન જીર્ણોધ્ધાર.

મિત્રો,નાની સરખી તલાવડીના કિનારે આવેલું,અમારા વિસ્તારનુ સ્મશાનગૃહ એટલે જાણે કચરાપેટી,આખા ગામનો કચરો ત્યાં ઠલવાય..!!
આમતો,જેનું દુઃખદ અવસાન થાય તેની અંતિમક્રિયા માટે,અમારા વોર્ડના તમામ પ્રજાજનો સાબરમતી નદીકિનારે આવેલા સપ્તર્ષિ અંતિમધામમાં લઇ જતા.
વોર્ડના તમામ પ્રજાજનો,મ્યુ.કૉ.ના તમામ જવાબદાર માણસો પાસે રજૂઆત કરી થાક્યા હતા,તેવામાં એક પ્રસિધ્ધ સેવાભાવી ઈંટરનેશનલ સંસ્થાના પ્રમુખપદે મારા ભાગ્યવશ??? (આ દુઃખદ અનુભવની વાતો ફરી ક્યારેક.) વરણી થવાથી,"ભૂવો નાળીયેળ ઘર ભણી જ ફેંકેં," એ ન્યાયે મેં અમારા વિસ્તારના કૉર્પોરેટરશ્રીને લઇને મૅયરસાહેબની ઑફીસનાં પગથીયાં ઘસવાનું શરુ કર્યું,એક બે અનિર્ણાયક મુલાકાતો પછી,અમારા કોર્પોરેટરશ્રીએ બહાનાં કાઢીને મારી સાથે આવવાનું ટાળવા માંડ્યું,છેવટે મૅયરસાહેબે પણ કંટાળીને,મને સ્ટેડિંગ કમિટીના ચેરમેનશ્રીને મળવા જણાવ્યું.નસીબયોગે તેમની સાથે મારે અગાઉથી જ સારો પરિચય હતો.મારી રજૂઆતમાં કોઇ જ કચાસ ન રહી જાય,તે માટે આ ઉકરડા સમા સ્મશાનગૃહના કેટલાક ફોટા પણ પડાવી લીધા,જેમાં જ્યાં,ત્યાં પડેલો કચરો,સાવ ખૂલ્લામાં પડેલાં લાકડાં,અંદર પ્રવેશવાનો ગંદા પાણીના ખાબોચિયાંવાળો ઉબડખાબડ રસ્તો,વિગેરે,વિગેરે વિગત ફોટોસ્થ થયેલી હતી.તેને મેં સ્ટેંડિંગ કમિટીના ચેરમેનશ્રીને હાથોહાથ સોંપીને અમારા વોર્ડની આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા વિનંતી કરી.

ગોધરાકાંડનો ઘા પ્રજાના દિલ ઉપર સાવ તાજોજ હતો.અવારનવાર કર્ફ્યુની સ્થિતિને કારણે,આવા સંજોગોમાં કોઇના પણ ઘરમાં કુદરતી મૃત્યુના કેસમાં,સ્મશાનમાં પગમાં વાગતા કાચના ટૂકડાઓના ત્રાસને સહન કરીને ,નાછૂટકે આ ઉકરડા સ્મશાનમાં અંતિમક્રિયાઓ કરવાની નોબત આવી ગઇ હતી.આ તમામ પુરાવા સાથેના વર્ણન,ગોઘરાકાંડમાં પ્રજા-હાલાકીના અખબારી અહેવાલો,તથા થોડા અંગત પરિચય નો ફાયદો,સઘળું ભેગુ મળીને એક હકારાત્મક વાતાવરણ આ નેક કામ માટે ઉભું થઇ ગયું.

મ્યુ.કૉ.ની બૉર્ડ મિટિંગમાં જવાનું હોવાથી સ્ટેડિંગ કમિટીના ચેરમેનશ્રી,મને એમના અંગત સચિવને આ પ્રશ્ન સાથે સોંપી,રવાના થયા.અંગત સચિવે ચહેરા ઉપર અત્યંત અણગમા અને નારાજગીના ભાવ સાથે,"અમારા સાહેબને વળી જૂના પરિચિત ઘણા ફૂટી નીકળે છે..!!" જેવા વ્યંગબાણ છોડીને,અંગત સચિવે મને,અમારા વોર્ડના મૂખ્ય એન્જિનીયરસાહેબ પાસે રવાના કરી દીધા.અમે તેમને મળ્યા ત્યારે તેમણે લાચારી વ્યક્ત કરી,પહેલીજ મુલાકાતમાં પેટછૂટી વાત કરી દીધીકે,આ સ્મશાનગૃહના જીર્ણોધ્ધાર માટે અગાઉ ફાળવેલા આશરે બાવીસ લાખ રુપિયા,અમારા વોર્ડના કૉર્પોરેટરની ભલામણથી અન્ય કામે વપરાઇ ગયા છે.હવે નવું બજેટ પાસ કરે તો જ આ કામ થઇ શકે.અમારા વિસ્તારના કોર્પોરેટર મારી સાથે આવવા કેમ બહાનાં કાઢે છે?તે હવે મને સમજાઇ ગયું.

પણ હવે બીડું તો મેં ઉઠાવી લીધું હતું,પાછા વળવાનો પ્રશ્ન જ ઉપસ્થિત ન હતો થતો,વળી એવો સ્વભાવ પણ નથી.આશરે ચાર માસ સુધી"બાઇ-બાઇ ચારણી"ની જેમ હું આ અધિકારીથી તે અધિકારી પાસે અટવાતો,અથડાતો રહ્યો.મને દુઃખ એ વાતનું થતું હતુંકે,"ચા કરતાં કીટલી ગરમ હોય",તેમ ચેરમેનશ્રીના પેલા અંગત સચિવ મારી સાથે સાવ ઉધ્ધતાઇ,ને નફ્ફ્ટાઇની હદે આવીને વાત કરવા લાગ્યા હતા.પરંતુ હું સ્વસ્થતા ગુમાવ્યા વગર,મારા પરિચિત સ્ટેડિંગ કમિટીના ચેરમેનશ્રીને કોઇજ ફરિયાદ કર્યા વગર,સહેજ પણ કંટાળ્યા વગર,ધક્કા ખાતો રહ્યો,અમારી સેવાભાવી ઈંટરનેશનલ ક્લબના કેટલાક મિત્રોએ શરુઆતમાં લાગણીથી,પછી ઉપહાસથી મને,આ કાર્ય પડતું મુકવા,સમજાવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો.

છેવટે મારાથી આ બધા કંટાળ્યા હોયકે,નજીક આવતી ચૂંટણીના પ્રતાપ હોય,ગમેતે થયું,સ્મશાનના જીર્ણોધ્ધારનું કામ આખરે આરંભાઇ ગયું,આજુબાજુ લૅવલીંગ કરી,માટીપુરાણ વિગેરે થઈ,લાકડાં મૂકવાનો શૅડ,ડાઘુઓને બેસવા બાંકડા,અંતિમયાત્રા માટે લોખંડનાં સ્ટેન્ડ વિગેરે બનાવી સ્મશાન તૈયાર થઇ ગયું,
કામની પ્રગતિનું ધ્યાન રાખવા,મ્યુ.કોર્પો.તરફથી,ત્યાં એક પગી કમ ચોકીદાર પણ મુકાઇ ગયો.તેનું નામ રમેશ,સ્વભાવે એકદમ ભોળો તથા કોઇજ અપેક્ષા વગર અન્યને,મદદરુપ થનાર સેવાભાવી માનવ,સમજોને સાચા અર્થમાં જાણેકે રાજા હરિશ્ચંન્દ્રનો અવતાર.મારે તેના સારા સ્વભાવ ને કારણે તેની સાથે આત્મીયતા બંધાઇ ગઇ.અમારી શાળાના કેટલાક જાગૃત વાલીશ્રીઓની મદદ તથા સહયોગથી ધોરણ ૧૧,૧૨ ના વિદ્યાર્થીઓ સાથે સ્મશાનમાં ઝાડ-પાન,છોડ વાવીને,તથા આશરે દશ ફૂટ ઉંચી,ભગવાન શ્રીભોલેશંકરની મૂર્તિ ગોઠવીને સ્મશાનને એવું તો રુપાળું બનાવી દીધું...!!! કે, ચોકીદાર રમેશ ભોળાભાવે મારી પાસે બોલી ઉઠ્યો,"સાહેબ, હવે સ્મશાન એટલું સરસ થઇ ગયું છે..!! કે,લાશોની આવક વધી ગઈ છે,"

રમેશની વાત પર અમને હસવું આવ્યું,મેં મજાકમાં કહ્યું,"કાંકરિયા જોઇને તરવાનું મન થાય,પણ સુંદર સ્મશાન જોઇને મરવાનું મન થાય?નવાઇ લાગે છે."
રમેશે ભોળાભાવે કહ્યું,"મને પણ નવાઈ લાગે છે.!! પણ સારુ થયું,મારા મોટાભાઈએ મને અહી નોકરી અપાવી દીધી."મને કૂતુહલ થયું.એના ભાઇ વિષે વધારે પુછતાં જાણવા મળ્યું કે,પેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના અંગત સચિવનો,આ રમેશ સગો નાનો ભાઇ થતો હતો.રમેશ બીજે કશે ચાલે તેમ ના હોવાથી,આ સ્મશાનમાં તેને ચોકીદાર તરીકે ગોઠવીને,ઉધ્ધત પણ કુશળ સચિવશ્રીએ,અહી પણ પોતાની રાજકારણની કળા દર્શાવી હતી,જોકે મને કશો વાંધો ન હતો.પણ મને થયું,ભાઇ રમેશને તો ચાલોને..!! મડદાંની સારી સોબત મળી ગઈ,જ્યાં ખરાબ આદત પડવાનું કોઇ જોખમ જ નહીં,વળી પરાણે સ્મશાન વૈરાગ્ય ધારણ કરી કમને આવેલા,સજીવ ડાધુઓ પણ અહીંથી ઉતાવળે છટકવાની ફિરાકમાં હોય તેથી તેમના તરફથી પણ રમેશને કશુંજ જોખમ નહી.

મિત્રો,ભાઇ રમેશની મને સહેજ પણ ચિંતા નથી,પણ જડઅચેતન હ્યદય ધરાવતા,લાગણીવિહીન રાજકારણીઓના ઝૂંડ વચ્ચે ઘેરાયેલા,બગડીને બેહાલ થયેલા,પેલા અંગત સચિવશ્રીનું કોણ ? ઉપર કહેલી,પેલા બે પોપટ ભાઇઓ ની વિસરાતી વાર્તા સાવ સાચી હશે ?

બાય ધ વે,આપના વિસ્તારમાં સ્મશાનગૃહ બનાવવાનું બાકી છે ? પેલા અંગત સચિવશ્રીસાહેબનો એક નાનોભાઇ હજી ઠેકાણે પાડવાનો બાકી છે.

માર્કંડ દવે.તા.૧૧-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.