Thursday, May 19, 2011

આતંકવાદી ગદર્ભરાજ


આતંકવાદી ગદર્ભરાજ

(સૌજન્ય-ગૂગલ)

क्षमिणं बलिन साधुर्मन्यते दुर्जनोऽन्यथा।
दुरुक॒तमप्यतः साधोः क्षमयेत॒ दुर्जनस्य न॥

અર્થાત-સજ્જનો, ક્ષમાશીલ મનુષ્યોને બળવાન અને દુષ્ટ લોકો, ક્ષમાશીલ મનુષ્યોને નિર્બળ માને છે.આવો ક્રમ હોઈ સજ્જનોનાં મહેણાં સહેવા,પણ દુષ્ટનાં કવેણનો ઉચિત જવાબ આપવો.

============

પ્રિય મિત્રો,

રવિવારની સવાર-સવારમાં મારા ઘરના ઓટલે બેસીને, હજુ તો હું છાપું હાથમાં પકડું ત્યાંતો અમારી સામે રહેતા ચંપકકાકાએ, તેમના ઘરના ઓટલેથી, પોતાનું છાપું ઉચું કરી હાથ હલાવતાં, ઉત્તેજનાથી ધૂજતા સાદે, મને પ્રશ્ન પૂછી નાખ્યો," દવેભાઈ, તમે વાંચ્યું..!! આ અમેરિકાએ છે..ક પાકિસ્તાનના એબટાબાદમાં જઈને,આતંકવાદ ના સૃજન કર્તા, આતતાયી ઓસામા બિન લાદેન પર, આતંકી હુમલો કરી, તેને સમુદ્ર ભેગો કરી દીધો..!! 

કેટલાય વરસોથી, આપણો આખો દેશ, આપણા માટે મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમને આપણને સોંપી દેવા પાકિસ્તાનને અવારનવાર પ્રેમ-પત્ર પાઠવ્યા કરે છે, તે હેં..!! આ અમેરિકા ની માફક આપણે દાદાગીરી કરીને પાકિસ્તાનમાં જઈને તેને જીવતો કે મરેલો પકડી ના શકીએ? આપણે કાંઈ અમેરિકાથી કમ છે? આ તે ભગતસિંહ નો દેશ છે,કે ઠગતસિંહનો?"

સવાર-સવારમાં મારા જેવા પ્રખર સાહિત્યકાર (?)ને,ચંપકકાકાએ ઉશ્કેરતાંની સાથેજ, મારામાં હતું તેટલું જોર,મારી અક્કલ પર અજમાવી, ચંપકકાકાના જ્ઞાન ભંડારમાં, હું મારી અગાધ જ્ઞાનની મૂડીનો, જરાક અંશ જમા કરાવવા જ્યાં હું, મારું મોઢું ઉઘાડું, ત્યાંતો ઓટલા પર આવીને મારી ધર્મપત્નીએ, મારી બાજુમાં જુના નક્કામા કાગળોનો ઢગલો કર્યો અને આદેશ કર્યો,

"લો, છાપું પછી વાંચજો, આ જુના નક્કામા કાગળ જોઈ લો, કાગળ કામના ન હોય તો ફાડીને પેલા કચરાવાળાને આપી દેજો, ઘર સાફ થઈ જાય..!!"

ચંપકકાકાનું જ્ઞાનવર્ધન કરવા ખોલેલા મારા મોંઢામાંથી, ભગતસિંહના "ઇન્કિલાબ  ઝિંદાબાદ", જેવોજ દેશભક્તિના સૂત્રનો કોઈ લલકાર બહાર નીકળે, તે પહેલાં પત્નીનો આદેશ સાંભળી, નતમસ્તકે મારા મોંઢામાંથી માત્ર `સૂ..સૂ..સૂ..હું..હું..હા..હા..જોઉં છું..!!` જેવા નમાલા શબ્દોનું સૂરસૂરિયું નીકળતું જોઈને, ચંપકકાકાના ચહેરા પર, તેમનાથી કોઈ ખોટા માણસને સવાલ પુછાઈ ગયો હોય તેવો, અફસોસ સાફ દેખાવા લાગ્યો..!!

છેવટે, રવિવારની સોહામણી સવારે, એક પત્નીપરાયણ-લાચાર પતિ(હું)ના હાવભાવ નિહાળી, મારી અવદશા પર દયા ઊપજી હોય તેમ, ચંપકકાકા કારણ વગર માથું ધૂણાવતા-ધૂણાવતા, છાપું લઈને તેમના ઘરમાં પેસી ગયા..!!

જોકે,પત્ની તો નક્કામો આદેશ કરીને અને ચંપકકાકા નક્કામો અફસોસ વ્યક્ત કરીને ચાલતા થઈ ગયા પરંતુ, મને ધોળે દહાડે દિવા-સ્વપ્નના ઘેનમાં ડુબાડતા ગયા..!!

" આહા..હા..હા..હા..!! અમેરિકાને બદલે આપણે જ, છે..ક પાકિસ્તાનમાં ઘૂસી જઈને, આપણા જવાંમર્દ કમાન્ડો, આતંકવાદી દાઉદને, જીવતો પકડી ઉપાડી લાવ્યા હોય તેવા સમાચાર, આજના છાપામાં છપાયા હોય તેવો મને ભ્રમ થયો અને ધોળા દિવસે દિવાસ્વપ્ન નિહાળતો, હું અત્યંત પોરસાવા લાગ્યો.

જિંદગીમાં પ્રથમવાર મને, આપણા રાષ્ટ્રપતિ, કેન્દ્રસરકાર તથા વડાપ્રધાન શ્રીમનમોહનસિંહમાં ખરેખર એશિયાઈ સિંહની અદમ્ય સાહસકથાનાં દર્શન થયાં..!!

આખું વિશ્વ આ સમાચારથી આશ્ચર્યચકિત થઈ આપણા પર અભિનંદનની વર્ષા કરી રહ્યું છે. કેન્દ્ર સરકારમાં, દિલ્હી ખાતે, અત્યારે કેબીનેટની મીટિંગ પર મીટિંગ થઈ રહી છે. આપણે પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરી દીધો છે,જે બાબતને આખા વિશ્વના દેશો વારાફરતી પોતાનો ટેકો જાહેર કરી રહ્યા છે..!! (જોકે, હજીસુધી ઇર્ષાળુ અમેરિકાએ ટેકો નથી જાહેર કર્યો? કશો વાંધો નહીં..!!) 

શ્રીમનમોહનસિંહના આટલા અદમ્ય સાહસિક પગલાંથી હરખીને, આખો દેશ અત્યંત ઉત્સાહની ચિચિયારીઓના નાદે ગગન ગજવી રહ્યો છે. ગઈકાલે રાત્રેજ, આપણા જવાંમર્દ સૈનિકો બે હેલિકૉપ્ટર સાથે, દાઉદ ઇબ્રાહિમને તેના ગુપ્ત વાસમાં જઈ, તેને ધરાર ઘાયલ કરીને જીવતો જ ઉઠાવી લાવ્યા છે અને દેશભરની ન્યૂઝ ચેનલ પર આજે આ એકજ સમાચારને, ફરી ફરીને પ્રસારિત કરાઈ રહ્યા છે.

 કેટલીક ન્યૂઝ ચેનલ તો વળી,આ અશક્ય લાગતું કાર્ય, આપણા કમાન્ડોએ કેવી રીતે પાર પાડ્યું, તે ઍનિમેશન વિઝ્યુલ્સ દ્વારા,અત્યંત રસાળ શૈલીમાં દર્શાવી રહી છે..!!

આપણે જેમને ક્યારેય જોયા ન હોય તેવા,આપણી મિલિટરીના નિવૃત્ત લાન્સનાયક થી માંડીને મેજર તથા તેનાથી પણ ઉપરની રેન્ક સુધીના કેટલાય કહેવાતા નિષ્ણાતોને,આપની ન્યૂઝ ચેનલ્સના સંવાદદાતાઓ, આતંકવાદી દાઉદ  પકડાયો ત્યારના વહેલી સવારના ચ્હા-નાસ્તાથી લઈને, આપણા કમાન્ડોએ, તેને બિચારાને સવાર-સવારમાં, સરખી રીતે, નહાવા-ધોવાનો મોકો આપ્યો હતોકે નહીં? ત્યાં સુધીના અત્યંત ઝીણવટભર્યા સવાલ કરી, દિલધડક `ઓપરેશન દાઉદ`ની વિગતો જાણવા અધીરી થયેલી આપણી જિજ્ઞાસાને સંતોષવા તથા સરવાળે આપણા અમૂલ્ય જ્ઞાનમાં વધારો કરવાની ચિક્કાર કોશિશ કરી રહ્યા છે..!!

જોકે,આપણી સરકારે આખાય દિલધડક ઓપરેશનના વિતરીત કરેલા વીડિયોના ક્લિપિંગ્સમાં, દાઉદના બાથરૂમમાં ધોવા નાખેલાં ચડ્ડી-બનિયનનું દ્ગશ્ય દર્શાવી, તે નાહી ધોઈને ચ્હા-નાસ્તો કરતો હતો તે સમયે જ ઝડપાઈ ગયો તે બાબત સાબિત કરવા, ચેનલ્સના સંવાદદાતા મરણિયા થઈને મથતા જણાય છે..!! 

આપણા નાનકડા ટીવીની ભીતર પાછી, ચાર-પાંચ નાની બારીઓમાં(Windows) ડોકિયાં કરીને, ટીવીના ફિલ્ડ સંવાદદાતા તેમના અદ્રશ્ય કેમેરામેનને `કૅમેરા આમ ફેરવો-તેમ ફેરવો` જેવી સૂચનાઓ આપતા, આખા દેશના લોકોના આઘાત-પ્રત્યાઘાત તથા ઢોલ-નગારાં-ત્રાસાં સહિત, આનંદ ઉત્સવના દ્ગશ્યો, આપણને વારંવાર દર્શાવી રહ્યા છે.

પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં, પૂર્વપ્રધાનમંત્રી શ્રીઅટલબિહારી વાજપાયીજી તેમના નિવાસસ્થાનની ઓસરીમાં, આરામ ખુરશીમાં બેઠા-બેઠા તેમની `હાર ન માનેંગે` વાળી કવિતા લલકારતા-લલકારતા, શ્રીઅડવાણીજીના હસ્તે,પોતાનું  મોઢું મીઠું કરાવી રહ્યા છે. 

શ્રીવાજપાયીજીના છેક મોંઢા પાસે માઇક ધરીને પત્રકારો શ્રી બાજપાઈજીને સવાલ પૂછી રહ્યા છે,

"બાંગ્લા દેશના વિજય સમયે,શ્રીમતી ઇંદિરા ગાંધીમાં આપને માં દુર્ગાનાં દર્શન થયાં હતાં, શું આજે ફરીથી આપને શ્રીમતી સોનિયા ગાંધીમાં, માં દુર્ગાનાં દર્શન થઈ રહ્યાં છે?"

શ્રીવાજપાયીજી સવાલ સમજવા પ્રયત્ન કરીને હજી મોં ઉઘાડીને ફરી બંધ કરે તેટલામાં તો બીજો પત્રકાર પૂછે છે," શું તે વાત સાચી છે કે, આપ વડાપ્રધાન હતા ત્યારે,પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રીપરવેઝ મુશર્રફ સાથે, તેમની ભારત યાત્રા સમયે, આપની `વન ટુ વન`, ખાનગી મંત્રણામાં દાઉદને જીવતા પકડવા અંગે, ખાનગી સમજૂતી થઈ હતી?"

આ સવાલ બાબત પણ, શ્રીવાજપાયીજીને જવાબ આપવામાં ખાસ્સી વાર લાગતાં, મેં  જે ચેનલ બદલી છે ત્યાં, શિવસેના પ્રમુખ શ્રીબાલાસાહેબ ઠાકરે તથા ગુજરાતના મૂખ્યમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજી પોતપોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા છે, 

"આપણી યુ.પી.એ.ની કેન્દ્ર સરકારે, આ હિંમતભર્યાં પગલાં,ઘણા સમય અગાઉ ભરવાની જરૂર હતી, કમસે કમ વિશ્વના નેતાઓ, એમ તો ન કહી શકત કે,આપણે અમેરિકાના કમાન્ડોના ઓપરેશન`Geronimo IKEA - enemy killed in action.` ની બેઠી નકલ મારી છે?"

અરે..!! એમ તો, અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પણ ફ્લૅશ થઈ રહ્યા છેકે, હુર્રિયત કૉન્ફરન્સના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાનીએ, ઓસામા બિન લાદેનની ગૈબાના નમાજ-એ-જનાજા પઢવા માટે કાશ્મીરના લોકોને આહ્વાન કર્યું હતું, તેવું જ આહ્વાન, ભારતે પકડેલા બેકસૂર દાઉદની મુક્તિ કરાવવા માટે, આગામી શુક્રવારે કાશ્મીરના લોકોને, `નમાજ-એ-આઝાદી` પઢવા માટે, કર્યું છે?

આટલું જાણે ઓછું હોય તેમ, ઇન્ડિયા ટીવીવાળા શ્રીરજત શર્મા,`જનતા કી અદાલત`માં યોગગુરુ પૂજ્ય બાબા શ્રીરામદેવજીને સવાલ કરી રહ્યા છે," આપણી સરકારે આવું અશક્ય ઓપરેશન પાર પાડ્યું, તે બાબતે આપને શું કહેવું છે?" 

જવાબમાં, પોતાના પેટની આગળના ભાગને પાછળની છેક કરોડરજ્જુ સુધી ધકેલી, પેટને ગોળ-ગોળ ફેરવી, શ્રીરજત શર્માને ગોળ-ગોળ ઉત્તર પાઠવતાં બાબાજી કહે છે,"દેખિયે, હમારા લક્ષ્ય તો અભી ભી પુરા નહીં હુઆ ના..!! દાઉદ તો દેશમેં આ ગયા,પર ઉસકી મદદસે ઇન ભ્રષ્ટ નેતાઓંકે, ફોરેનમેં જમા કિયે ગયે,સાડા ચાર હ..જા..ર કરોડ રુપયા અભી દેશમેં વાપસ લાના બાકી હૈ?"

જોકે, આ તરફ વળી એક ચેનલ પર, ન્યૂઝ સંવાદદાતાને, શ્રીશરદ પવારજી કહી રહ્યા છે," જુઓ કોઈ ભલે કહેતા હોયકે, મોંઘવારી બાબતે હું ભવિષ્યવેત્તા નથી તેમ બોલ્યો હતો પરંતુ,આપણા દેશના કમાન્ડોને,દાઉદને જીવતો પકડવાની પ્રેરણા,પાકિસ્તાનને વર્લ્ડકપ સેમીફાયનલમાં હરાવીને,અમારા ક્રિકેટની ધોની આણી મંડલીએ જ આપી છે, મને આનંદ છે,મારી આ ભવિષ્યવાણી સાચી પડી છે..!!" 

આટલા બધા લોકોની વચ્ચે કેટલાક, રડ્યા ખડ્યા સ્થાનિક નેતાઓ(?) તો વળી, આ બાબતનો સઘળો જશ, શ્રીમતીસોનિયા ગાંધી તથા યુવરાજ શ્રીરાહુલ ગાંધીના સબળ નેતૃત્વને, આપી રહ્યા છે. 

શંકર ભગવાનની ડોકીમાં લપેટેલા નાગ ની માફક, ગળામાં કારણ વગર મફલર લપેટીને, અત્યંત ગંભીર ચહેરો ધારણ કરીને, કૉંગ્રેસના કદાવર નેતા શ્રીદિગ્વીજય સિંહ, કોઈપણ નપુંસકની મર્દાનગી જાગી ઉઠે તેવો આશાવાદ વ્યક્ત કરતાં, શૌર્યવંત બયાન કરી રહ્યા છે," પાકિસ્તાનની સંસદમાં તેમના પ્રધાનમંત્રી શ્રીયુસુફ રજા ગિલાનીએ બયાન આપ્યું છેકે, આદરણીય મરહૂમ શહીદ શ્રીઓસામાજી બિનજી લાદેનજીને આતંકવાદી બનાવનાર અમેરિકા પોતેજ છે? આથી જો આવતી ચૂંટણીમાં કૉંગ્રેસ દ્વારા સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ, દેશનું નેતૃત્વ શ્રીરાહુલ ગાંધીના યુવા હાથમાં આવે તો, આપણે અમેરિકાને પણ આતંકવાદી દેશ જાહેર કરીને, ત્યાં પણ કમાન્ડો ઑપરેશન કરીને, વિશ્વના સહુથી મોટા આતંકવાદી, અમેરિકન પ્રેસિડન્ટ ઓબામાને પણ જીવતા પકડી લાવવા પ્રતિબદ્ધ છે..!!"

નહેરૂ-ગાંધી પરિવારના પરમ ચાહક એવા એક પત્રકાર મિત્રનું તો ત્યાં સુધી કહેવું છેકે," શ્રીરાહુલજીએ, જેરીતે ઉત્તર પ્રદેશમાં, મૂખ્યમંત્રી સુશ્રીમાયાવતીજીને ધોળા દહાડે તારા ગણાવવા, રાતના અંધારામાં,  ભટ્ટા-પરસૌલ ગામમાં, માત્ર એક મોટર સાયકલ પર એકલા ઘૂસી જઈ,` Geronimo IKEA પ્રકારનું વિશેષ લેન્ડ ઓપરેશન`નું સાહસ પાર પાડ્યું તે જોતાં તો, તેઓ એકલા હાથે એક મોટર સાયકલ પર,તેમના ગણ્યાગાંઠા કમાન્ડો સાથે જઈને, પાકિસ્તાનમાંથી દાઉદ અને બીજા આતંકવાદીઓને,જાતે પકડી શકવાની સાહસ ક્ષમતા ધરાવે છે?

એ જે હોય તે પણ, હવે તો મને પાકી ખાત્રી છેકે, હવે ચીન પણ આપણાથી ડરી જઈને, જમ્મુ કાશ્મીરને અલગ દેશ તરીકે,તેમના નકશામાં દર્શાવવાનું બંધ કરી,જમ્મુ કાશ્મીરના નાગરિકોને અલગ પાસપોર્ટ આપતાં, આજ પછી સો વાર વિચારશે? તેણે આપણી ઉત્તરી બોર્ડર પર બાંધેલા તમામ માર્ગ, આપણને વગર માંગે આપી દેશે, અને આપણી બોર્ડરની આસપાસ કોઈ પણ પ્રકારની સળીઓ કરવાનું સદંતર બંધ કરી દેશે? 

આખોય દેશ વીર ભગતસિંહ,સાવરકર,ચંદ્રશેખર આઝાદના આદર્શને ફરી પુનર્જીવિત કરશે,આપણા દેશનું યુવાધન, આજથી નવેસરથી ચાર્જ થઈ, દેશની રક્ષા કાજે યુદ્ધમાં પોતાનો પ્રાણ ન્યોછાવર કરી દેવાની ભાવના કેળવશે..!!

હવેથી, આવા દેશપ્રેમી વીર જવાંમર્દ યુવાન નેતાઓને, અમેરિકાની દાદાગીરી, અંગ્રેજોની અક્કલ, જાપાનનો દેશપ્રેમ, ઇઝરાઇલની હિમ્મત, સાઉદી આરબની અમીરી, ચીનની લુચ્ચાઈ, શ્રીલંકાની મક્કમતાના ગુણ તાકીદે અપનાવવાની સલાહ આપીને, આપણા બુઢ્ઢા શાસનકર્તાઓ, દેશની ધુરા નવયુવાનોને સોંપી દઈ, પોતે સ્વૈચ્છિક ખૂણો પાળીને,પોતાના જીવનકાલ દરમિયાન થયેલા કડવા-મીઠા અનુભવનાં, અમૂલ્ય (?) સંસ્મરણોનાં પુસ્તકો લખવા બેસી જશે..!!

આટલુંજ નહીં, આ દેશપ્રેમી વીર જવાંમર્દ યુવાન નેતાઓના હાથમાં દેશનું સુકાન આવતાંજ, તેઓ, અત્યાર સુધીમાં પકડાયેલા તમામ આતંકવાદી દાઉદ, અફઝલ ગુરુ, અજમલ કસાબ તથા અન્ય તમામ દેશદ્રોહી વિરુદ્ધ, આપણા દેશ વિરુદ્ધ કાવતરું અને અઘોષિત યુદ્ધના આરોપસર, સૈનિક કોર્ટમાં શીઘ્ર કાર્યવાહી કરી, તેમને ગણતરીના દિવસોમાં દેહાંત દંડની સજા ફરમાવી, તરતજ  તે સજાનો અમલ કરાવશે..!!

જોકે,અત્યારે તો મને ડર એકજ બાબતનો છે,આપના દેશમાં ઠેર-ઠેર રેડ ઍલર્ટ હોવા છતાં,આપણા પર ખીજનું માર્યું પાકિસ્તાન, જો આપણી ઉપર પરમાણુ બૉંબ સાથે હુમલો કરે તો...!!

અરે..!! આ શેનો અવાજ છે? પાકિસ્તાને હુમલો કર્યો જ લાગે છે, અત્યારે ઘરમાં ઓરડામાં દોડીને સંતાઈ જવા દે, ભા..ઈ...!! જાન બચી તો લાખો પાયે?"

=======

"દવેભાઈ..ઓ...દવેભાઈ, આ ઓટલા પર છાપું અને કાગળનો ઢગલો મૂકીને ક્યાં ગયા? આ તમારા નક્કામા કાગળ, રખડેલ ગધેડા ખાઈ રહ્યા છે..!!"

દોસ્તો, સામેના ઘરના ઓટલા પર ઉભા રહી, ચંપકકાકા ફરીથી મને જોરથી બુમો પાડીને બોલાવી રહ્યા હતા, મારું દિવાસ્વપ્ન ભંગ થયું ત્યારે નરી આંખે, મેં નિહાળ્યુંકે,મારી સોસાયટી પર, પાકિસ્તાને પરમાણું હુમલો નહોતો કર્યો પરંતુ, બહાર રોડ પર કોઈના લગ્નના વરઘોડામાં મોટા ધડાકા સાથે, બૉંબ ફૂટી રહ્યા હતા..!!

ઉપરાંત, અખબાર અને નક્કામા કાગળના કેટલાક બચેલા અવશેષ સિવાય,મારા ઓટલા પર  બાકી કશું બચ્યું નહતું. મારી પત્નીએ મને ફાડવા આપેલા કાગળના બંડલમાં, તેને સેન્ટ છાંટીને મારા મોકલેલા વરસો જુના પ્રેમપત્રોનું બંડલ પણ હતું, જેને રખડેલ ગધેડા આરામથી ચાવી રહ્યા હતા, આ જોઈને મને ઘણું દુઃખ થયું..!!

મારા જેવા અતિ જ્ઞાની (?), સમર્થ વિદ્વાન સાહિત્યકારના(?) અદ્વિતીય, અલૌકિક, અદ્ભુત પ્રેમની અભિવ્યક્તિ સમા, પ્રેમપત્રો, જેમાંથી હજી ઉડી ગયેલા સેન્ટની વધી ઘટી સુગંધ આવતી હતી, તેની છેલ્લે સાવ આવી ગદર્ભ-મલોત્સર્ગતિ..!! કુદરતનો આ તે કાંઈ ન્યાય કહેવાય? હવે આ ગધેડાઓ દ્વારા સેન્ટ છાંટેલા મારા પ્રેમપત્રોની સવાર થતાં-થતાં તો નરકાવાસાદ્ગતિ...!!

અભાગિયો એવો હું, હવે આનાથી આગળ વિચારી ન શક્યો, છોડો,બનવા કાળ હતું તે બની ગયું..!!

સાલું, આ ગદર્ભ ઘટનાને આમ જો સરખાવા જઈએ તો, આપણે પણ `લાચારી`નું સેન્ટ છાંટીને, વરસોથી પાકિસ્તાનને, તેને ત્યાં ચાલતા આતંકવાદી અડ્ડા બંધ કરાવવા તથા દાઉદ સહિતના, આપણા મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓને આપણને સોંપવા પાઠવેલા પ્રેમપત્રોને (લીસ્ટ?), પાકિસ્તાનના અત્યાર સુધીના તમામ સત્તાધીશ ગદર્ભરાજ પણ ધરાર ચાવી જ ગયા છેને..!! વળી આ પાકિસ્તાની ગદર્ભરાજ પ્રેમપત્ર ખાઈ ગયા પછી, રસીદ રૂપે ઓડકાર પણ નથી ખાતા, તે ઘણીજ નવાઈ લાગે તેવી બાબત છે..!! 

આમ તો, જનતાએ મન મનાવવું હોય તો મનાવાયકે રૂઝવૅલ્ટ કાંઈ ખોટું થોડો જ બોલતો હશેકે..!!

" No one can make you feel inferior without your consent."

- ELEANOR ROOSEVELT (1884-1962).U.S.Writer & Lecturer.

જોકે, મને એક વાતની મનમાં ઘણી જ ખુશી છે,પાકિસ્તાનને પછાડવાનું દિવાસ્વપ્ન, આજે મને એકલાને આવ્યું છે, કાલે ઉઠીને બીજાને આવશે, પછી ત્રીજાને, પછી ચોથાને આવશે, પછી બાકીના તમામ દેશવાસીઓને અને સહુથી છેલ્લે, પાકિસ્તાનને પછાડવાનું દિવાસ્વપ્ન, આપણા વડાપ્રધાનને (?) આવશે..!!  ત્યારબાદ તો, જોઈ લેજો એ ભાયડાના ભડાકા..!! 

જે દા`ડે આપણી કેન્દ્ર સરકારનું છટક્યુંને? તે દા`ડે પછી યાતો પાકિસ્તાન-અમેરિકા નહીં યાતો આતંકવાદ નહીં..!! આપણે આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાનને, તેના ગુરૂ ઘંટાલ આતંકવાદી દેશ અમેરિકાને અને/અથવા તો તેમના પેદા કરેલા આતંકવાદીઓને હરગિજ છોડવાના નથી..!! 

(એ બધા હાથમાં જ્યારે આવશે ત્યારે અને તો..ઓ..ઓ જ?)   

કારણકે, કુશળ રાજનીતિજ્ઞ ચાણક્યની માફક અમે પણ માનીએ છેકે,

"हस्ती अंकुशमात्रेण वाजी हस्तेन ताड्यते।
श्रृङ्गी लगुडहस्तेन खड्गहस्तेन दुर्जनः॥" - ચાણક્ય.

અર્થાત્- "હાથીને અંકુશથી,ઘોડાને ચાબૂકથી અને પશુને ડંડાથી વશમાં કરી શકાય છે,પરંતુ દુષ્ટ વ્યક્તિથી છુટકારો મેળવવા તેનો સંહાર જ કરવો પડે છે."

બાય ધ વૅ બૉસ, આપ શું માનો છો?

માર્કંડ દવે.તાઃ-૧૩-૦૫-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.