Friday, January 15, 2010

ઘરડાઘર

ઘરડાઘર


સમાજે ઘડેલા નિયમો ના વિવિધ પડાવ ઉપર,મુકામ કરતાં-કરતાં,જીવનની લાંબી સફરમાં,માનવ જ્યારે,પોતાની વૃદ્ધાવસ્થા ના અંતિમ મુકામે એટલે કે,નિવૃત્તિ પછી ના આનંદ ને પામવાના મુકામે આવે ત્યારે તેના સ્વપ્ન,બાળમાનસ જેવા આનંદાશ્ચર્યથી ભરપુર હોય છે.


આવીજ લાગણીઓ સાથે,સ્વભાવે પ્રમાણિક એવા નટવરભાઈ ,એક લાં...બી સફર બાદ નિવૃત્તિ ના આનંદમય સ્વપ્નના મહાસાગરમાં તરી રહ્યા હતા.બેંક મેનેજરની લાંબી કારકિર્દી પછી, એમના ભવ્ય વિદાય સમારંભમાં થી તેઓ,આજે,પોતાની એકમાત્ર દીકરી પાયલ અને પુત્રવત જમાઈ રુદ્રાક્ષ ની કાર માં ઘરે પરત ફરી રહ્યા હતા.ચલણ,કેશ અને લેઝર ના ખડકાયેલા ભાર માં થી વર્ષો સુધી દબાયેલા નટવરભાઈ,નાનું બાળક જાણે બહારની દુનિયા પ્રથમવાર નિહાળતું હોય તેમ,કારની બહાર જોઈ રહ્યા હતા.


શિક્ષક પિતાના સંતાન એવા,નટવરભાઈ તેમની પત્ની સુલભાના ત્યાગ અને સમર્પણ ને વિસરી શકતા ન હતા,પત્ની ની સૂઝ બુઝ ના કારણેજ ,સાવ એક રૂમ રસોડા નો ઘરસંસાર,અનેક સુખ સગવડો થી ભરેલા પોશ એરિયા ગણાય તેવા વિસ્તારમાં "નિરાંત" નામના વિશાળ બંગલામાં ફેરવાઈ ગયો હતો,પોતાની એક ની એક દીકરી પાયલના લગ્ન રુદ્રાક્ષ સાથે ત્રણ વર્ષ પહેલાં રંગે ચંગે પતી થયા હતા અને હવે તો છેલ્લા એક વર્ષ થી રૂપકડો,સુંદર નાનો મંથન,દાદા દાદી ના ખોળા માં કાલીઘેલી ભાષા માં સવાલ નો મારો ચલાવી રહ્યો હતો.નટવરભાઈ એ ઈશ્વર નો આભાર માન્યો.એની પાસે હવે આનાથી વધારે બીજું શું માંગવું ?


નિવૃત્તિના ત્રણ માસ ક્યાં વીતી ગયા!! ખબર પણ ના રહી,જુના મિત્રો ને મળવા નો સિલસિલો,ગામડે જુના ઘર નું સમારકામ,પાંચેક વીઘા ખેતી ની વારસાઈ જમીન સંભાળતા,ખેડૂતના બાજરાના રોટલાને શાક નો આનંદ,હવે તો આનંદ નો ઓડકાર ગળા સુધી આવી ગયો હતો.બેંક માં થી બાકી નીકળતો પગાર,ગ્રેજ્યુઈટી,ફંડ,ક્રેડીટ સોસાયટી વગેરે મળી અધધ....કહી શકાય,એવી રકમ ને,સાલસ સ્વભાવના દીકરી જમાઈ ના કહેવાથી,કાયમી માસિક આવક થાય તે રીતે ઇન્વેસ્ટ કરી નિરાંત કરી દીધી હતી.હવે તો લોકો નટવરભાઈ,સુલભાબહેન ના પ્રસન્ન દામ્પત્ય અને નિવૃત્તિ ની,ઈર્ષા કરવા પ્રેરાય તેવો સુખ નો મહાસાગર લહેરાતો હતો.


અચાનક એક દિવસ ગામડે થી નટવરભાઈ ને,તેમના લંગોટિયા પરમ મિત્ર, વિજયભાઈ નો ફોન આવ્યો,તેમણે વિગતે વાત કરવા તાકીદે ગામડે બોલાવ્યા હતા.નાનપણ માં શાળા માં અલપઝલપ મુલાકાત ની મૈત્રી,નિવૃત્તિ પછી ફરી થી મજબુત થઇ હોવાથી ગયા વગર છૂટકો ન હતો,બીજે દિવસે સવારે તેઓ ગામડે પહોંચ્યા. વિજયભાઈ ને મળવા તેમના ઘરે પહોચ્યા તો, બની ગયેલી ઘટના ની વિગતો જાણી,નટવરભાઈ અત્યંત આઘાત સાથે દુઃખ માં સરી પડ્યા.ગમે તેમ તોય સાથે ભણતા લંગોટિયા મિત્રનો પ્રશ્ન હતો.વાત જાણે એમ હતી કે,વિજયભાઈ ના એકના એક દીકરાએ,માથાભારે વહુની ચઢવણી થી,વિજયભાઈ અને તેમના પત્ની પ્રતિભાબહેન ને,૬૦+ની ઉંમરે,ઝગડો કરી,પહેરેલા કપડે,ઘરની બહાર હાંકી કાઢ્યા હતા,છતે દીકરા-વહુએ,તેઓ ગામના ચોરા પાસે આવેલા અંબાજીમાતા ના મંદિર ની ધર્મશાળા માં,આશરો લઇ,નિ:સહાય,લાચાર,દયાજનક હાલત માં પડ્યા હતા.ટેન્શન ને કારણે બંનેની તબિયત પણ લથડી ગઈ હતી.


વિજયભાઈ ના દિકરા ને મળી સમજાવવા નો પ્રયત્ન કરવા નો પણ અર્થ ન હતો,કારણકે,તે ગામમાં માથાભારે બુટલેગર તરીકે નામચીન હતો.વળી વિજયભાઈએ ભોળાભાવે તમામ મિલકત,પોતાની પત્ની પ્રતિભાબહેન ના નામે કરવાને બદલે,દિકરા ના નામે કરી દીધી હતી,તેથી કાનૂની દાવ પેચમાં પણ વર્ષો નીકળી જાય તેમ હતું.દિકરા ની ધાક ને લીધે ગામ માં કોઈ મદદ કરવા પણ તૈયાર ન હતું.પોતાના પરમ મિત્ર અને તેની પત્ની ને આવી દયાજનક સ્થિતિ માં રહેવા દઈ,ખાલી આશ્વાસન આપી નીકળી જવું તે પણ માનવતા અને મિત્રધર્મ ને લાજે તેવું, નટવરભાઈ ના મન માં વસતા,છેવટે તેઓ તેમને વડોદરા પોતાને ત્યાં,થોડા દિવસ માટે લઇ આવ્યા.પરંતુ,થોડા દિવસ માંજ,તેમની નિવૃત્તિ પછીની પ્રાયવસીની ગાડી માં પંક્ચર પડ્યું હોય તેમ લાગ્યું.વિજયભાઈ અને પ્રતિભાબહેન ના વધુ પડતા બોલાકણા અને ટૂંકા જીવ ના સ્વભાવ સાથે,તેમના શાંત સ્વભાવ નો,મેળ ના પડ્યો તે ના જ પડ્યો.જમાઈ રુદ્રાક્ષ એ વ્યવહારુ ઉકેલ દર્શાવ્યો,"બાપુજી આપણે એમ કરીએ તો,તમે કહેતા હોય તો,એક સેવાભાવી સંસ્થા દ્વારા સંચાલિત વાનપ્રસ્થાશ્રમ માં હું મારા ઓળખીતા ને વાત કરી જોઉં.ત્યાં મફત તબીબી સારવાર ને જમવા ની વ્યવસ્થા ઉપરાંત ખાસ કિસ્સા માં વિજયભાઈ ને અલગ રૂમ ની વ્યવસ્થા કરી આપશે.તમે વિજયભાઈ ને પૂછી જુઓ."નટવરભાઈ એ,વિજયભાઈ ને,ડરતાં-ડરતાં વાત કરતાં,તેમણે પણ તૈયારી દર્શાવી અને ઘરડા ઘર માં બીજે જ દિવસે અલગ રૂમ ની વ્યવસ્થા સાથે વિજયભાઈ અને પ્રતિભાબહેન નું ઠેકાણું પડી ગયું.


નટવરભાઈ અને સુલભાબહેન અગાઉ થી નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ચાર-ધામની યાત્રા એ એકમાસ ના લાંબા પ્રવાસે રવાના થયા.યાત્રાધામ ના વિવિધ મંદિરો માં,સજોડે દર્શન કરી નટવરભાઈ દરરોજ ધન્યતા અનુભવી રહ્યા હતા.એક માસનો આનંદદાયક યાત્રા પ્રવાસ પૂરો થવા આવ્યો.મંથન ને યાદ કરી તેને જોવા અધીરા થયેલાં દાદા-દાદી એ છેવટે વડોદરા ના સ્ટેશન પર પગ મુક્યો ત્યારે મંથને પણ સામે વહાલની વર્ષા થી બંને ને ભીંજવી દીધાં.


સવારે ડાઈનીંગ ટેબલ પર,ચા-નાસ્તો કરતાં-કરતાં,નટવરભાઈ એ,વિજયભાઈ ના સમાચાર પૂછ્યા ત્યારે રુદ્રાક્ષ એ પાયલ ની સામે જોયું,પાયલની સમંતિ મળતાં,જે જાણવા મળ્યું તે દિલ હચમચાવી દે તેવું હતું.રુદ્રાક્ષે કહ્યું,"પપ્પા,તમારા ગયા પછી ચોથા દિવસ થી જ,ઘરડાઘરના મેનેજર-ટ્રસ્ટી દ્વારા,વિજયભાઈ અને પ્રતિભાબહેન ની, ફરિયાદ મને મળવા લાગી હતી.સંસ્થા ના નિયમો નું સરેઆમ ઉલ્લંઘન રોજ નો ક્રમ હતો.તબિયત ખરાબ હોવા છતાં બહાર થી,ગમે તેવો,નાસ્તો લાવી ખાવો તથા પછી પેટ બગડતાં,કપડા માં જ હાજત થઇ જાય અને ત્યાં ના કર્મચારી ધોવા ની ના પાડવા લાગ્યા ત્યારે તેમને ફાવે તેમ દબડાવે,જમતી વખતે પણ પ્રમાણભાન ન રહે,સ્વભાવ મુજબ બોલવા માં પણ,વધારે પડતું બોલે,હદ તો ત્યારે થઇ કે,પ્રતિભાબહેન દિકરા ને યાદ કરીને,રડ્યાં ત્યારે ઘરડા ઘર ના બાકી ના વિધવા બહેનો ની સામે હાથ કરી ને વિજયભાઇ એ જાહેર માં એમ કહ્યું કે,"તું આ બધા ની જેમ હજી વિધવા તો નથી થઇ ગઈ ને,હું બાર વરસ નો હજી બેઠો છું."

મેનેજરે આ અંગે વિજયભાઇ ને ટકોર કરતાં,એને,પોતાના બુટલેગર દિકરા ની ધાક બતાવી,દમ મારવા લાગ્યા ત્યારે મેનેજરે,મારા ૫ર દબાણ કરી,તેમની વ્યવસ્થા અન્યત્ર કરી લેવા જણાવ્યું.યાત્રામાં ખલેલ ન પહોંચે,તેથી મેં તમને કશી વાત કર્યા વગર,વિજયભાઈ અને પ્રતિભાબહેન ને બીજા ઘરડા ઘરમાં શિફ્ટ કર્યા છે,પણ ત્યાં ય ઝાઝા દિવસ એ બંને ટકે તેમ લાગતું નથી,હવે શું કરીશું પપ્પા?"

આ પ્રશ્ન નો જવાબ નટવરભાઈ આજે પણ શોધે છે.મન માં ઉઠેલા બીજા,એક પ્રશ્ન નો જવાબ પણ એમની પાસે નથી કે,

ઘરડાઘર માં વેઈટિંગ લીસ્ટ,એકલા દિકરા અને વહુ ના વાંકે જ લાંબુ થતું હશે?

માર્કંડ દવે.અમદાવાદ.તાઃ૦૭-૦૭-૨૦૦૯

1 comment:

  1. I was just searching for the term "ઘરડા ઘર" and came to ur post. This term touched deep inside my heart and it is a curse to our society.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.