Saturday, September 25, 2010

પ્રિયતમા નિષ્ફળતા ..!!

પ્રિયતમા નિષ્ફળતા ..!!


 " તારા રોમે રોમના  રોમાંચમાં, સર્વત્ર ફરી વળ્યો,
  બોલ, નવાઈ છેને? મને, `હું` જ, ક્યાંય ના મળ્યો..!!"


========

" મારી વહાલી, અતિ પ્રિય નિષ્ફળતા,

હી..હી..હી..હી..!! શ્વાસ હેઠો બેસવા દે જરા, ઉભી તો રહે, હું  કેમ હસ્યો, તે  કહું છું..!!

મને હસવું એટલે આવે છેકે, જેમજેમ લોકોને તું મળતી જાય છે, તેમતેમ લોકો તને ધિક્કારે છે?  શું કામ ભાઈ?

એક તો ઉંધાં કામ કરનારાને ત્યાં, તારી ઈચ્છા ન હોય તોય, તારે પધરામણી કરવી પડે, તે વખતે પોતાની ભૂલ કબૂલ કરીને, તારી  આગતાસ્વાગતા કરવાને બદલે, તે લોકો તેને ધુત્કારે-ધિક્કારે, તે વળી ક્યાં નો ન્યાય?  ખરા છે, આ લોકો પણ..!!

હા, તારી બહેન `સફળતા તેમને ઘેર પધરામણી કરે, ત્યારે સાવ નાના થી મોટાં, બધાંય  હરખાઈ જઈને,  કેવાં ઠેકડા મારવા લાગે છે..!!

તારી બહેન `સફળતા`, પણ ખરી છે યાર,  તેને તો વળી, પોતાના (સફળતાના) માનમાં, આવા  આછકલાઈવેડા જાણે ના ગમતા હોય ને? તેમ કેટલીકવાર તો,  જેવી આવે તેવી, તરતજ પાછી ચાલી જાય છે..!! કદાચ, પોતાને જોઈને, ઠેકડા મારતા વાંદરાઓની તેને ચીઢ હશે?

સફળતાને આંગણે આવેલી જોઈને, કેટલાકને તો, બોચીએ આંખો પહોંચી જાય છે. તે જોઈને, પોતાની સામે નહીં જોવા બદલ, તારી બહેન `સફળતા`ને, એટલું બધું માઠું લાગે છેકે, તે અભાગિયાના આંગણેથીજ, તે પાછી વળી જાય છે, અને પછી ના છૂટકે તારે તે ઘરમાં, અનિચ્છાએ પ્રવેશ કરવો પડે છે?

બોલ હવે તુંજ કહે, તને આવેલી જોઈને, આ બધા બેવફૂકો રડવા બેસે તોપછી, મને હસવું આવે કે ના આવે..!! આવે જ ને?  જોકે, તને જોઈને, આમ રડનારા મૂર્ખાઓને મારે તો  એટલુંજ  કહેવું છેકે, તને અને તારી બહેન `સફળતા` બંને નો આદર કરતાં જરા શીખે.

એં..!! સફળતા સાથે લગ્ન કરવાની ઈચ્છા થતી હોયને તો, તેની બહેન (ભાવિ સાળી..!!) નિષ્ફળતાને પણ માન આપવું પડે. પોતાની ખરેખર સાળીને જોઈ,  આ બધા મૂર્ખાઓ, તરત લટુડાં-પટુડાં નથી કરવા લાગતા?

જો સફળતાને સાચો  પ્રેમ કરતા હોયને તો પછી, તેને મળતી વખતે, પ્રેમીને અને પ્રેમિકાના રોમેરોમમાં ઉત્પન્ન થયેલા રોમાંચમાં, સર્વત્ર ફરી વળીએ, ત્યારે બંને બહેનોને, એક  સિક્કાનીજ બે અભિન્ન બાજુઓ સમજીને, આપણો   `હું`  એવો તો ઓગળી જવો જોઈએકે, જાતે-પોતે શોધવા ફરેને, તોય શોધ્યો ના જડે..!!

પ્રિય નિષ્ફળતા, તને સારું લાગે તેવી, એક વાત કહું, મારા આદર્શવાદી, ચિંતક, આજીવન શિક્ષક પિતા,પરીક્ષામાં નાપાસ થનારા દરેકને, કાયમ કહેતાકે," એ લોકોને, (શાળામંડળ) પરીક્ષા લેવાની ટેવ પડી ગઈ છે તો, આપણે પરીક્ષા આપવાની ટેવ પાડવાની, નાપાસ થઈએ તો, બીજા વર્ષે, ટેવ મુજબ, તે લોકો પરીક્ષા લેવાના જ છેને, આપી દેવાની?

જોકે, મારા બાપાની વાત, બીજા નિષ્ફળ લોકો કેટલી સમજ્યા હશે તે તો, તે લોકો જાણે..!! મેં તો, તે શીખામણને, કાયમી ગાંઠે બાંધી છે તેથીજ, મારો `હુ` , તમે બંન્ને બહેનોના સાનિધ્યમાં, એવો ઓગળી ગયો છેકે, હવે, મારા  `હું` ને  શોધવાની, મને ઈચ્છા પણ નથી થતી.

છેલ્લે, તારા મનને, ગમે તેવી વાત કરું, મારી નિષ્ફળતા પ્રિયતમા, તું  મને બહુ ગમે છે  કારણકે, મારા જીવનમાં, જ્યારેજ્યારે તું  ભાવિ સાળી બનીને  આવીને,  ત્યારેત્યારે, તારી બહેન સફળતાને, ગમે તેમ કરીને પૈણવાનું, મને બમણા જોરથી પૈણ  ઉપડ્યું છે..!!

વહાલી, થોડું લખ્યું, ઝાઝું વાંચજે અને મારા રોમેરોમમાં બંને બહેનો, મારા `હું`ની માફક જ ઓગળી જજો.

આમેય, જો નટખટ `નિષ્ફળતા` સાળી રાજી તો, ક્યા કરે વાસી `સફળતા` ઘરવાળી..!!

લિખિતંગ,

બંને બહેનો વચ્ચે બેલેંસ રાખવા મથતો પણ, 
ખાનગીમાં એકલો તારો ને એકમાત્ર તારો જ,


બજાણિયો નટેશ્વર,  `હું` "

==========

પ્રિય મિત્રો,

ઉપરના કાલ્પનિક પત્રને જરાય, ગંભીરતાથી  ન લેશો. કારણ? આપ સર્વે વિદ્વાન ચિંતકશ્રી, આ  બાબતના સમર્થક છો, ત્યારેજ તો, જીવનમાં સફળત્તમ શિખરે બિરાજો છો..!!

આ વર્ષે, ધોરણ- ૧૨માં, મારા એક મિત્રની દીકરી નાપાસ થઈ. તેના ઘરમાં જાણેકે, માતમ છવાઈ ગયો. અનાયાસે તેમના ઘેર, હું જઈ ચઢ્યો. મને આ ભારે વાતાવરણ, જરાય ગમ્યું નહીં.

મારા પ્રત્યે થોડો આદર ધરાવતા, આ દીકરીના માતા-પિતાને મેં સમજાવ્યા," જુવો, આ નિષ્ફળતાની તો ઉજવણી કરવી જોઈએ..!!"

મારું ખસી તો નથી ગયુંને? તે જાણવા, મિત્રએ મારી સામે, શંકાની નજરે જોયું. જોકે મેં તેમને વિસ્તારથી સમજાવ્યું, " જો તમારે આ દીકરીને, સફળતા પચાવતાં શીખવું હોય, તો નિષ્ફળતાની ઉજવણી કરવાની ટેવ પાડવા, આજે તેની ઉજવણી કરવી જોઈએ."  છતાંય તેમને કશીજ  સમજ ના પડી.

જોકે, મારા અતિશય આગ્રહને વશ થઈ, (મારા ખર્ચે..!!)  મિત્ર તેમનાં પત્ની અને નાપાસ થયેલી દીકરીને, હું  સારામાં સારી રેસ્ટોરન્ટમાં લઈ ગયો અને તેમની સાંજ સુધરી ગઈ. આજે તે દીકરી અમેરિકામાં, ખૂબ સારો બિઝનેસ કરી રહી છે, તે કદાચ નિષ્ફળતાની ઉજવણીની ટેવ  કાયમી પાડી હોવાને કારણે હોઈ શકે?

મારા એક મિત્ર હતાશ થઈને, મને કહે," તમને ખબર છે, સાલું, જે કામમાં, હું હાથ નાંખું છું, તેમાં મને  નિષ્ફળતાજ  મળે છે.ક્યારેક તો મને લાગે છેકે, હું નથી આસમાનમાં, નથી ધરતી પર, મારી દશા ત્રિશંકુ જેવી થઈ ગઈ છે. હવે તો, દુનિયા હસશે, તે ડરથી નવું કામ હાથ પર ધરતાંય બીક લાગે છે."

મને સવાલ થાય  છે, આવી સ્થિતિમાંથી કોણ પસાર નહીં  થયું હોય? વધારે ચિંતન કરતાં, મને  મારા મિત્રએ આપેલો, ત્રિશંકુનો દાખલો  યાદ આવી ગયો.

સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુળના અરુણ રાજાના પૌત્ર અને નિબંધન રાજાના જ્યેષ્ઠ પુત્રને (મૂળ નામ સત્યવ્રત) હતું. ત્રિશંકુને સદેહે સ્વર્ગમાં જવાની ઇચ્છા થઈ. આથી તેણે યજ્ઞ કર્યો. પણ ઇંદ્ર અને બીજા દેવતાઓના વિરોધથી તે સ્વર્ગે જઈ ન શક્યો.

રામાયણમાં લખ્યું છે કે, સદેહે સ્વર્ગમાં પહોંચવાની કામનાથી ત્રિશંકુએ પોતાના ગુરુ વસિષ્ઠને યજ્ઞ કરવાની પ્રાર્થના કરી. તેમણે પ્રાર્થના ન સ્વીકારી અને  ગુરુએ તેને  સમજાવ્યુંકે, સ્વર્ગ-નર્ક બધું અહીંજ ધરતી પર, આપણા શરીરમાંજ છે. પછી તે વસિષ્ઠના પુત્રો પાસે ગયો. તેમણે પણ વાત ન માની; ઊલટું તેઓએ શાપ દીધો કે, `તું ચાંડાલ થઈ જા.`

આથી સત્યવ્રત, ચાંડાલ થઈને, ગાયત્રીમંત્રના રચયિતા, મહર્ષિ  વિશ્વામિત્રને શરણે ગયો વિશ્વામિત્રે ઘણા ઋષિઓને બોલાવી તેઓને યજ્ઞ કરવા કહ્યું.

ઋષિઓએ વિશ્વામિત્ર ઋષિના કોપના ભયથી યજ્ઞનો આરંભ કર્યો. તેમાં વિશ્વામિત્ર પ્રધાનાચાર્ય બન્યા. જ્યારે વિશ્વામિત્રે દેવતાઓને હવિર્ભાઘ આપવા ઇચ્છ્યું ત્યારે કોઈ દેવતા ન આવ્યા. આથી વિશ્વામિત્ર બહુ ખિજાયા અને કેવળ પોતાના તપના બળે ત્રિશંકુને સદેહે સ્વર્ગમાં મોકલી દીધો.

જોકે, ઇંદ્રએ તેને મૃત્યુલોકમાં પાછો ધકેલ્યો. ત્રિશંકુ જ્યારે ઊંધે મસ્તકે નીચે પડવા લાગ્યો ત્યારે વિશ્વામિત્રે તેને, પોતાના તપના બળે, આકાશમાં રોકી દીધો અને ગુસ્સે થઈને દક્ષિણ તરફ બીજા સપ્તર્ષિ તથા નક્ષત્રોની રચના કરવી શરૂ કરી.

બધા દેવતાઓ ભયભીત થઈ વિશ્વામિત્ર પાસે ગયા. વિશ્વામિત્રે કહ્યું કે,` ત્રિશંકુને સશરીરે સ્વર્ગે મોકલવાની મેં પ્રતિજ્ઞા કરી છે, માટે તે જ્યાં છે ત્યાં તે રહેશે.` દેવતાઓએ તેમની વાત સ્વીકારી. ત્યારથી ત્રિશંકુ આકાશમાં ઊંધે માથે, લટકે છે અને નક્ષત્રો તેની પ્રદક્ષિણા કરે છે.

રાશિચક્ર અથવા નક્ષત્રચક્રની ગોળાર્ધમાં આવેલો એક તારાસમુદાય; સ્વસ્તિક; `સધર્ન ક્રૉસ.` તેનો આકાર ત્રિશૂળ જેવો છે. તેમાં ચાર તારા છે. આ તારામંડળ વિષુવાંશ ૧૭૫ થી ૧૯૦ અને દક્ષિણ ક્રાંત્યંશ ૫૫ થી ૬૫માં આવેલું છે. તેનો નીચેનો સૌથી પ્રકાશિત તારો ત્રિશંકુ ઊંધે માથે લટકતો દેખાય છે. તે તારાથી આપણા ઉપર પ્રકાશ આવતાં ૬૫ વર્ષનું ચક્ર લાગે છે. (સંદર્ભ-ગુજરાતી લૅક્સીકૉન)

જોકે, ઉપરના ઉદાહરણ પરથી, એમ કહેવાયકે, આપણે  પણ સદેહે સ્વર્ગ જવા જેવી, અશક્ય લાગતી મહેચ્છાઓને પાર પાડવા, સફળતાની મહેચ્છા રાખવી હોય તો, બ્રહ્મર્ષિ શ્રી વિશ્વામિત્ર જેવું, ઘોર તપ અને તેમના જેવા  કર્મનિષ્ઠ-યજ્ઞાચાર્ય બનવાની તૈયારી રાખવી પડે, બે-ચાર નિષ્ફળતાથી ડરવું ના જોઈએ.

યાદ રાખીએકે, દુનિયામાં નિષ્ફળ તેજ થાય છેકે, જે દેવદારના વૃક્ષની માફક, વૈચારિક દ્રઢતામાં, હળવાફુલ હોય છે. દેવદારનાં વૃક્ષ સાવ પાસે-પાસે ઉગતાં હોવાથી અને તે વજનમાં હલકાં હોવાથી, પરસ્પર ઘસાઈને  ઘર્ષણથી, જંગલમાં દવ લાગતાં, પોતાના વાંકે, પોતેજ નાશ પામે છે..!!

આતો એવી વાત થઈકે, માણસ નિષ્ફળ જવાના ઈરાદામાં કાયમ સફળતા પ્રાપ્ત કરે, તો`કે, કેમ નહીં?

પોતાની નિષ્ફળતાઓમાંથી, કોઈજ પદાર્થપાઠ ન શીખનાર તમામ માણસો, નિષ્ફળ જવાના ઈરાદામાં, અચૂક સફળતા પ્રાપ્ત કરતા હોય છે..!!

આત્મવિશ્વાસનો અભાવ (નિષ્ફળ જવાનો ડર),  ડરને ભગાવીને, તમારા લક્ષ્ય અને સ્વપ્નની સફળતામાં વિશ્વાસ રાખો.

પોતે સફળતા મેળવવાની લાયકાત ધરાવતા નથી, તેવી, મનમાં દ્રઢ થઈ ગયેલી ગ્રંથી.
( પોતાના હ્યદયના ઉંડાણમાંથી જવાબ મેળવીને,આ ગ્રંથીને દૂર કરો, આપના હ્યદયમાંથીજ સફળ થવાનો અને લક્ષ્ય પ્રાપ્ત કરવાનો માર્ગ મળશે.)

મને, કૉલેજમાં અભ્યાસ કરતા, એક વિધ્યાર્થીએ પૂછ્યું," સાહેબ, કાર્ય એટલે શું?

મેં  તેને, સરળ વાક્યમાં સમજાવ્યું, " કોઈ લાભ, વિકાસ અને / અથવા સેવા માટે, હંગામી / કાયમી ધોરણે હાથ ધરાયેલા, દરેક પ્રયત્નને કાર્ય કહે છે."

તેણે આગળ પૂછ્યું, " માનવી નિષ્ફળ કેમ જાય છે?"

મેં કહ્યું," બેટા, તેનાં તો ઘણાં કારણ છે, પણ કેટલાંક નોંધવા જેવાં છે. સાંભળ..!! * સમય મર્યાદામાં, કાર્ય પૂર્ણ ન થાય. * નિર્ધારિત બજેટમાં કાર્ય પૂર્ણ ન થાય. * કાર્યપદ્ધતિનાં, નિર્ધારિત ધારાધોરણ ની જાળવણી પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું હોય.* નિરુદ્દેશ્ય જીવન, * ભણતર- જ્ઞાનનો અભાવ * યોગ્ય સ્વયં શિસ્ત નો અભાવ * લાસરિયાપણું અથવા આળસ * કાર્ય પરત્વે દૃઢતાપૂર્વક મંડી રહેવાનો અભાવ *  નકારાત્મક વિચારસરણી * જોખમ ન લેવાનું વલણ * અયોગ્ય સહકાર્યકરોનું ચયન * જવાબદારીની ખોટી વહેંચણી * પ્રયત્નોમાં, પ્રામાણિકતાનો અભાવ. "

મારા  જવાબથી કદાચ, તે  વિધ્યાર્થીના મનનું સમાધાન થયુંજ હશે?

પરંતુ, એક પ્રશ્ન સહુને સતાવે છેકે, તો  પછી, નિષ્ફળતાને આંગણે આવકારી શકાય તે માટેનાં, અગત્યનાં પરિબળો કયાં છે?

*યોગ્ય પ્લાનિંગ કર્યા વગરજ હાથ ધરવામાં આવતું કાર્ય.
* પૂર્ણ તન્મયતા વગર હાથ ધરવામાં, આવતું કાર્ય.
* કાર્ય પૂર્ણ કરવા જરૂર કરતાં, વધારે સમય મર્યાદા નક્કી કરવાથી, જાગતી-નડતી બેદરકારી.
* જે કાર્ય કરવાની જરૂરજ નથી અથવા સાવ સામાન્ય અગત્યતા છે તેવું કાર્ય હાથ ધરવાથી.
* ધીમેધીમે વિકાસ કરવાની મંદ ઈચ્છા. આત્મવિશ્વાસના અભાવભર્યું દૃષ્ટિબિંદુ.
* સમયની સાથે, કાર્ય અને તેની પદ્ધતિમાં, ફેરફાર કરવાની ઉદાસિનતા.
* પૂર્ણ  થયેલા  કાર્યની કડક ચકાસણીને બદલે, ચકાસણી સાવ નબળા માપદંડથી થાય.
* અભણ અને બીનઅનુભવી પ્રોજેક્ટ મેનેજર્સની નીમણુંક
* નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવામાં, નિષ્ફળતા
* નબળી લીડરશીપ
* અપૂરતી તૈયારી સાથે શરૂ કરેલું કાર્ય
* પોતાના સ્વભાવ, સંસ્કૃતિ અને સિદ્ધાંતો વિરૂદ્ધ, હાથ ધરેલું કાર્ય.
* કાર્યના આયોજનકાર, કાર્ય કરનાર અને કાર્યને આખરી અંજામ આપનાર વચ્ચે, તાલમેલનો અભાવ.
* અપૂરતી અથવા અયોગ્ય કાર્યપદ્ધતિ
* કાર્યના વિકાસ  અને પ્રગતિને સતત સુધારવા માટે, જરૂર કરતાં ઓછો, અપૂરતો સંવાદ.

નિષ્ફળતાને ઓળખવા માટેનો માત્રા અથવા ગુણ ગ્રાફ.

* તમામ પ્રયત્ન અને સમય-નાણાં અપવ્યય,બગાડ, નુકસાન થાય.
* આખો પ્રયત્નજ અલગ દિશામાં કરવામાં આવ્યો હોય.
* આખો  પ્રયત્નજ, કાર્યની જરૂરિયાતની,  સમયમર્યાદાની સીમા વટાવી ગયો હોય,જેથી બીનઉપયોગી થઈ જાય
* કાર્યની ગુણવત્તા એટલી ખરાબ હોય કે તે જરૂરિયાત માટે બીનજરૂરી બની ગઈ હોય.
* કાર્યમાં ઉર્જા,સમય કે નાણાંનો એટલો બગાડ થયો હોયકે, આર્થિકરીતે તે કાર્ય પાંગરી જ ન શકે.

પોતાની જાતને પ્રશ્ન પછવાની તૈયારી છે?

હું કેમ નિષ્ફળ જાઉં છું? મારા જીવનમાં એવું શું બન્યું છે? આ જવાબ હું ક્યાંથી અને કેવીરીતે મેળવી શકું? મારી અત્યારની હાલતમાં હું સુધારો લાવી શકીશ? તે માટે કોની મદદ લઉં અને ક્યાં જાઉં?

નિષ્ફળતાના ખ્યાલને કેવીરીતે ટાળવા?

* કાર્ય શરૂ અને અંત કરવાનો સમય નક્કી કરો.
* માપસરનું બજેટ નક્કી કરો.
* બજેટમાં વધ-ધટની શક્યતા નક્કી કરો
* લક્ષ્યાંક અને કાર્ય પૂર્ણતાને વળગી રહો.
* કાર્યમાં મદદકર્તાઓની લાભમાં અપેક્ષા અને મદદ અંગેની તૈયારીને ધ્યાને રાખો.
* કાર્યની ગુણવત્તાના માપદંડ નક્કી કરવા અને તેને માપવાની પદ્ધતિ નક્કી કરવી
* બીજા સહકાર્યકરોના મંતવ્યને, શાંતિથી સાંભળવા જેટલુંય  માન આપો,શક્ય છે તે તમારી અપેક્ષા કરતાં,વધુ સારો રસ્તો બતાવે?
* નિષ્ફળ જવાનો ડર સ્વાભાવીક લક્ષણ છે, તેને તમારા મન પર હાઁવી ન થવા દો
* સફળતાને આડે આવતી તમામ ભૂલને, નવેસરથી સુધારો,બીજાની મૂર્ખાઈને કારણે થતી, ભૂલોથી, તમારી જાતનું નુકશાન સહન ના કરશો
* પરિણામો પરત્વે, વાસ્તવવાદી બનો, જે કાર્યથી તમને કોઈ લાભ ન જ થવાનું નક્કીજ હોય તેની પાછળ,ભોળપણ દાખવી, ગેરમાર્ગે દોરાઈ, વર્ષો બરબાદ ન કરો.
* જેમને તમારી દરકાર નહોય તેમને, તમારા મનની ખાનગી બાબત ન કહેશો, તેમને મન આ બાબતો, વ્યર્થનાં રોદણાંથી વધારે કાંઈ નથી હોતી.
* પાછળની નિષ્ફળતાને, મૂરખની માફક, તેને  ગળે વળગાડીને ન ફરશો. આગળ વધો, પાછળની કડવી યાદ પાછળ ત્યજી દો.
* નિષ્ફળ જવાનાં કારણોની જવાબદારી સ્વીકારતાં ખચકાશો નહીં
* ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની તકેદારી જરૂર રાખશો, પરંતુ તે માટે નવેસરથી, માની ન શકાય તેવાં નવાં અશક્ય  વચન અને અશક્ય લક્ષ્ય ના નક્કી કરશો, જે તમારાજ માથા પરથી, બમ્પર પસાર થઈ જાય.
* સમય મહાન છે તે દુઃખ આપે છે અને તેજ જખમને રૂઝવે છે. ભૂલોને મોટા પહાડ જેવી ગણવી કે રાઈના દાણા સમાન ગણીને, અવગણવી તે, તમારાજ હાથમાં છે.
* કોઈ ગેબી મદદગાર, આસમાનમાંથી ઉતરીને તમારી બધીજ નિષ્ફળતાને સફળતામાં, ફેરવી, સઘળું કુશળક્ષેમ કરી આપશે, તેમ વિચારીને તમારી જાતને જ છેતરશો નહીં
* તમારી નિષ્ફળતા માટે અન્ય કોઈને દોષ દેશો નહીં. જિંદગીને ડરાવશો નહીં, ડર જીવલેણ રોગ છે. નવેસરથી કામે લાગી આગળ વધવાથીજ, આ રોગ નાબુદ થાય છે.

વીસમી સદીનો મહાન અમેરિકન કલાકાર, ટી.સી.કૉલમેન કહે છે,
" Your ability to move past failure and embrace success   results  from  your  inspired energy  and  your  Upward  Action."


ભગવાન શ્રીકૃષ્ણએ, એટલેજ કહ્યું છેકે," જય-પરાજય, સફળતા-નિષ્ફળતા જેવાં, ફળની આશા કર્યા વગરજ, મેં તને સોંપેલું કાર્ય, સદનીતિ અને સદનિષ્ઠાથી કરતો રહે."

આપણું જીવન ક્રિકેટની રમત જેવું છે, જેમાં સામા છેડેથી, પારખી ન  શકાય તેવા, ગુગલી કે બૉડીલાઈન બાઉન્સર બૉલનો મારો, સતત થયા કરે છે. બતાવો જોઈએ, આપણા જીવનની લાં...બી ઈનીંગમાં,   કયો બૅટ્સમેન,  દરેક બૉલે સિક્સર મારી શકે છે અથવા તો ક્યારેય આઉટ નથી થતો?

બસ, ઉંધું ઘાલીને, નિષ્ફળતા નામની સાળીને, ખાનગીમાં પ્રેમ કરતા રહો.  કારણકે, આખી દુનિયામાં સફળતાજ એકમાત્ર એવી ઉદારમતવાદી  ઘરવાળી છે, જે તેની બહેન નિષ્ફળતાને દિલથી  પ્રેમ કરનાર પર, અનરાધાર વરસી પડે છે.

મારા એક મિત્રને, આ લેખ વાંચી સંભળાવ્યો તો, મને બગાસું ખાતાં-ખાતાં કહે," શું યાર આમ ઉંધું ઉંધું લખો છો..!! બધાને  સમજાય તેવું લખોને?"

આ મિત્રની વાત સાંભળી, તેઓ કાયમ કેમ નિષ્ફળ જાય છે?  તે મને તો, સમજાઈ ગયું.


બૉસ, આપને કાંઈ સમજાયું?


માર્કંડ દવે.તાઃ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૦.

1 comment:

  1. a very fine intresting & useful artical i like very much.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.