Sunday, January 17, 2010

મહામૌનના દ્રષ્ટા -પરમપૂજ્ય સ્વામીશ્રીનંદકિશોરજી.

મહામૌનના દ્રષ્ટા -પરમપૂજ્ય સ્વામીશ્રીનંદકિશોરજી.

નામઃ-પરમપૂજ્ય સ્વામીશ્રીનંદકિશોરજી

જન્મઃ-ચૈત્ર - સુદ રામનવમી સં. ૧૯૫૩.

નિર્વાણઃ- ચૈત્ર વદ અગિયારસ સં.૨૦૨૪.

તપ સ્થાનઃ- શ્રીરણછોડરાય આશ્રમ,
ગામ વેમાર.સમલાયા.ગુજરાત.

પુસ્તક-પ્રસાદ.
૧.ગીતામૃત ભાગ ૧-૨.
૨.આનંદમયજીવનનું રહસ્ય.
૩.સહજ પરમાર્થ.
૪.મહામૌન.તથા અન્ય અગણિત.

વધારે વિગત માટે સંપર્ક.
શ્રીબાલકૃષ્ણ દવે.
વડોદરા.
ફોન-૦૨૬૫ - ૨૪૮૫૫૪૮.

=============================

પ્રિય મિત્રો,

दुर्लभो विषयत्यागो दुर्लभम॒ तत्व दर्शनम ।
दुर्लभा सहजावस्था सदगुरोः करुणां बिना ॥

અર્થાતઃ- સાચા સંત સદગુરુના આશીર્વાદ અને કરુણા(કૃપા) વિના,સંસારના વિષયનો ત્યાગ કરવો દુર્લભ છે,
બ્રહ્મતત્વનું દર્શન દુર્લભ છે.આનંદમય જીવન જીવવા,સહજાવસ્થા પણ અતિ દુર્લભ છે.

એ પણ સાચું છેકે, `બીના હરિકૃપા મીલે નહીં સંતાઃ।`

પોતાના,આશ્રમોની બાજૂમાં આવેલી,સરકારી કે અન્ય ગરીબ - લાચાર -અભણ ખેડૂતની જમીન ઉપર અતિક્રમણ કરીને,
પછી ખાલી કરવા ગલ્લાંતલ્લાં,દાદાગીરી કરતા મેલાં - નીર -આશા - રામો ? થી સાવ વિપરીત,
( નિરાશારામ ?)

આજીવન સાચા અર્થમાં, બ્રહ્મચારી,પૂજ્ય સ્વામીશ્રીનંદકિશોરજી એ પોતાને મળેલી બાપીકી ખેતીની જમીન પોતાના ગુરુશ્રીને દાનમાં લખી આપી.
એમના ગુરુ એમના કરતાંય વધારે નિસ્પૃહી, તે આ જમીન, ડાકોર શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટને ભેટ આપી દીધી.
એટલું જ નહીં, જીવ્યા ત્યાં સુધી, નિસ્પૃહ ભાવથી, ખેતીની ઉપજ નો દાણે -દાણો ડાકોર મંદિરમાં પહોંચાડવા લાગ્યા,

આમ ઘણા વર્ષો સુધી ચાલ્યું, ત્યારબાદ સ્વામી શ્રીનંદકિશોરજી નિર્વાણ પામ્યા,
ત્યારે ડાકોર મંદિરના ટ્રસ્ટને, જમીન ઘણી જ દૂર હોવાથી, વહિવટી મુશ્કેલીઓ પડવાથી,
વેમાર સમલાયાની આ જમીન, મંદિરના ટ્રસ્ટીઓએ, ત્યાં કાયમી રહેતા પરિવારોના નામે કરી દીધી.

નવાઈની વાત તો એ છેકે, સ્વામી શ્રીનંદકિશોરજીના કોઈ ઉત્તરાધિકારી નથી.

તેઓશ્રીએ કોઈ ટ્રસ્ટ બનાવેલ નથી.તેઓશ્રી નિર્વાણ પામ્યા, ત્યારે કોઈ રોકડ રકમ હાથ ઉપર ન હતી.

તેમનું આજીવન કોઈ બેંક ખાતું ન હતું,તેથી કોઈ મિલ્કત સંચય થઈ નથી.

તેઓએ ક્યારેય કોઈની પાસે કાંઈ માંગ્યું નથી,જેનો હું સાક્ષી છું.

છતાંય આશ્રમમાં પાંચ સાધક આવે કે,અચાનક પાંચસો સાધક આવે,ક્યારેય કોઈ ભૂખ્યું સુતું ન હતું.

સ્વામીશ્રીનંદકિશોરજી નિર્વાણ પામ્યા બાદ, આ જમીન ઉપર,તેઓનું સમાધિસ્થાન,સુંદર સ્મૃતિ મંદિર,
મહામૌન યોગ માટે આવતા સાધક મુમુક્ષોને રહેવા.જમવાની સગવડ ]
(જોકે મફત કોઈ જમતું નથી,દરેક મુમુક્ષુ યથાશક્તિ દાન કરે છે.)
તથા ભગવાન શ્રીમનમોહનજી, શ્રીરણછોડજીનું નાનું સાવ સાદું,મંદિર શોભે છે.

સાચા સંત તપસ્વીનાં તપ-આંદોલન આજે પણ વાતાવરણમાં,અનુભવાય છે.

હવે,સમગ્ર ગુજરાતના,ફક્ત કેટલાક સાધક મુમુક્ષુઓ દર ગુરુ પુર્ણિમાએ ભેગા મળી,પૂ.સ્વામીજી નું ગુરુઋણ યાદ કરી,
પોતાના ખર્ચે,આનંદ-ઓચ્છવ કરે છે.,અને ત્યારે તેમની નિશ્રામાં,રાત્રીના નિરવ,પરમ શાંતિના અલૌકિક વાતાવરણમાં,
કેટલાક નિસ્પૃહી,નિર્લોભી, નામાંકિત શાસ્ત્રીય ગાયક-વાદક-સાધકોની સ્વરલહેરી માણવા લાયક હોય છે.

મિત્રો,આ અગાઉ એક વાર્તા `તથાસ્તુ`,મેં આપની સમક્ષ રજૂ કરી હતી.જેમાં એક સાંસારિક અવસ્થામાં જીવન ગુજારતા,
સમર્થ અકિંચનધારી,કથાકારની દીકરી ના લગ્ન સમયે મુંબઈના એક શેઠ દ્વારા,છેક છેલ્લી ક્ષણોમાં,
માંમેરા સ્વરુપે લગ્ન ઉપયોગી તમામ સામગ્રી,જેમાં દીકરીની ઈચ્છા અનુસાર, કાનની બુટ્ટીઓ,
અને ગીતાજીનો ગુટકો પણ સામેલ હોય છે.ઈશ્વરકૃપા તથા જે ગુરુજીએ સાચા હ્યદયથી `તથાસ્તુ` કહ્યું,
અને ખૂદ ભગવાનને શામળીયો શેઠ બનીને આવવું પડ્યું..!!
તે `તથાસ્તુ` કહેનાર સંત બીજા કોઈ નહીં,પરંતુ વિગતે ઉપર જણાવેલ,પ.પૂજ્ય સ્વામી શ્રીનંદકિશોરજી હતા.
અને મારું સદભાગ્ય તે,આ અદ્વિતિય,અલૌકિક, ઘટનાના સાક્ષી બનવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું.

આવા સાચા,નિસ્પૃહી,આત્મજ્ઞાની સંતનું જ `તથાસ્તુ` ફળે. બાકી તો.....!! ઠીક મારા ભાઈ..!!

===================================================================

`તથાસ્તુ` ( કથા - સાર )

હરીભરી વસંતના મદભર્યા,આલ્હાદક વાતાવરણમાં,સોળે કળાએ એક પોયણી ખીલી,નમણી,નાજુક,
જોતાંવેંત વહાલ ઉભરાઇ આવે તેવી કન્યા.હા,એનું નામ પણ પોયણી.પિતા ઓમકારનાથ,એક નામાંકિત ભજનિક
અને માતા રુચા,એક સંસ્કારી ગૃહિણી.પોયણી એમનું એકમાત્ર ચીંથરે વિંટ્યું રતન.કુટુંબ માત્ર ત્રણજણ નું,
પણ સંગીત શીખવા આવતા શિષ્યગણ થી ઘર સદાયે ભર્યું ભર્યું લાગતું................

પૂજ્ય ગુરુજીના કથનને પથ્થરની લકીર માની,બીજે દિવસે વહેલી સવારે,ઓમકારનાથે,
પૂ.ગુરુજીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા, ના એમણે કાંઇ માગ્યું, ના પૂજ્ય નંદબાબાએ કાંઇ આપ્યું,
ગુરુજીએ મનમાં ફક્ત "તથાસ્તુ" કહ્યું.

બપોર ઢળતાં જ ઓમકારનાથ ના આંગણે બબ્બે ટ્રક ભરીને લગ્નનો સામાન ઠલવાઇ ગયો,
જેમાં એક દિકરી ના લગ્નપ્રસંગે અપાય તેવી તમામ વસ્તુ,જેવીકે,ઘરેણાં,વાસણ,સૂટકેશ,સાડીઓ,તિજોરી,ગાદલાં,પલંગ,
અને ના જાણે બીજું શું શું!!! સાથે મુંબઇના,૮૨ વર્ષના,એક વડીલ શેઠનો પત્ર,

"આદરણીય ઓમકારભાઇ,આપ મને ભુલી ગયા હશો.આપે મારા બંગલે,પાંચ વર્ષ અગાઉ,
પૂજ્ય શ્રીમદ્ ભાગવત પારાયણ પ્રસંગે,દસ દિવસ સુધી ભજનાનંદ પિરસ્યો હતો,
આપના અકિંચનવ્રત ને કારણે આપે કશું માગ્યું નહીં,મેં કશું આપ્યું નહીં.
મને દીકરી પોયણીના લગ્નની ગઇકાલે ખબર મળતાં જ,ઘણી ઉતાવળે આ તુચ્છ ભેંટ મોકલી છે,
જે સ્વીકારી,મને ઉપકૃત કરશોજી,દિકરીને મારા આશીર્વાદ.આપનો સદૈવ ઋણી,........"

સજળ થયેલાં નેત્રોએ,ઓમકારનાથને,શેઠના નામ નીજગ્યાએ,જાણે શામળ`શા શેઠ વંચાયું.
શામળીયાની હાજરી વર્તાતી હતી.ઉપસ્થિત સર્વે ના કંઠે ડૂમો ભરાયો,

નવાઇ તો એ વાત ની હતી કે,
સામાન માં કાન ની બે સુંદર બૂટ્ટીઓ અને ગીતાજીનો ગૂટકો પણ હતો.
"તથાસ્તુ"
આટલું અસરદાર હોઇ શકે? સાચા સંત હ્યદય માટે કદાચ..હા..!

=============================================

મિત્રો, આ સાથે પૂ.સ્વામીશ્રીનંદકિશોરજીની કેટલીક ઉપદેશ-ચિંતન કણિકાઓ રજૂ કરું છું,આશા છે,આપને ઉપયોગી લાગશે.

૧.મનુષ્ય જન્મ દુર્લભ છે,તે ફરીને મળશે, એવી આશા રાખી, આવતા જન્મે પરમાર્થ સાધન કરીશું, એમ માનવું એ ભ્રમણા છે.

૨. મહાપાપી અને સંસારમાં ફસાયેલાને પણ મુક્તિ મળી શકે તેમ છે જ.

૩.બ્રહ્મનિષ્ઠ સદગુરુ દ્વારા બરાબર સમજીને વર્તીએ તો,અઘરો જણાતો પરમાર્થ પણ સરળ બને છે.

૪.ભગવાન માતાપિતા છે.આપણે એમના શરણે રહીએ તો આપણો ઉદ્ધાર ચોક્કસ છે.ભગવાનની કૃપા સ્વાભાવિક,સહજ,અકારણ અને નિરપેક્ષ છે.

૫.પરમાર્થ પ્રાપ્તિ, એ પ્રથમ કર્તવ્ય છે,વ્યવહારની ચિંતા કરવાની જરુર નથી,એ તો પ્રારબ્ધ મુજબ નિયત થયેલ છે.તેથી તે થઈને જ રહેશે.

૬.આત્મનિષ્ઠા - ભગવદનિષ્ઠા દ્વારા આ જન્મે જ પરમાર્થ પ્રાપ્તિ.

૭.પરમાર્થ સરળ અને સહજ છે.

૮.
જ્ઞાનઃ- હું પોતે સતચિત આનંદ સ્વરુપ આત્મા જ છું,આનંદ માટે કશાની જરુર નથી.

ભક્તિઃ- ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ અને તેથી નિશ્ચિંતતા.

કર્મઃ- કર્મના સાચા કર્તા ભગવાન જ છે.તેથી `नाहं कर्ता हरिः कर्ता।` ભાવ ધરવો.

યોગઃ- `सर्व धर्मान परित्यज्य मामेकम शरणं व्रज।` નું પ્રત્યક્ષ આચરણ તે મહામૌન.

મહામૌન એટલે નિર્વિચાર સ્થિતિ.

મહામૌન વાચાતીત જપ,મનસાતીત ધ્યાન,મુક પ્રાર્થના, અને પરાપૂજા છે.

એમાં સીધું આત્મદર્શન અને ભગવાન જોડે સીધો પરિચય છે.

આ સાધનાતીત સાધન હોઈ ભગવાનની વાણી સંભળાય છે અને અંતર્જ્ઞાન પ્રાપ્તિ થાય છે.

સહજમૌન એ જ સહજાવસ્થા છે..

મિત્રો, હું સાવ સરળ શબ્દોમાં સમજાવવાનો નમ્ર પ્રયાસ કરું તો એમ કહેવાય કે,
આપણે આ આનંદને પ્રાપ્ત કરવા સંસારને છોડવાની જરુર નથી.
વ્યવહારમાં રહી સંપૂર્ણ જીવન આનંદમય રહે, કર્મ કરવા છતાં તેનું બંધનના થાય.
જ્ઞાનયોગ અને ભક્તિયોગ સિદ્ધિ થાય. તે જ છે` આનંદમય જીવનનું રહસ્ય`.


આપ ચિંતામુક્ત,આનંદ સાથે જીવનની પ્રત્યેક ક્ષણને પરમ શાંતિ સાથે ગાળવા માંગતા હોય તો,
આપ જ્યાં હોવ ત્યાં,મહામૌનના યોગ દ્વારા આ સ્થિતિને પ્રાપ્ત કરી શકો છો.
મહામૌનની અત્યાર સુધીમાં અસંખ્ય શિબિર, નર્મદામૈયાના રમણીય તટ ઉપર થયેલ છે,
જેમાં અનેક સાધકોએ ભાગ લઈ જીવન સાર્થક કરેલ છે.

મનને નાથવું અઘરું છે.પણ મહામૌન નો યોગ એને સાવ સરળ બનાવી દે છે.
આ જાત અનુભવ છે,અને હા,તેને માટે મહામૌનને, સમજવાની જરુર છે.

આ લેખ વાંચી લીધો હોય તો,અત્યારે જ આપના મનને વિચારશૂન્ય,નિર્વિચાર થવાનો હુકમ આપી જુવો,
પછી મહામૌન - મનની વિચાર વગરની સ્થિતિ માટે આ યોગની અગત્યતા સમજાશે.

મન આપના કહ્યામાં આવી જાય તો, આપ એની પાસે ધાર્યું કરાવી શકો.

શરુમાં અઘરું લાગશે, પણ અશક્ય નથી.

મિત્રો,વધારે વિગત ઉપર જણાવેલ સંપર્ક - ફોન ઉપર મેળવી શકશો.

માર્કંડ દવે.તા.૦૭-૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.