Friday, January 15, 2010

આંખનેય ડૂમો ભરાયો

વહાલા મિત્રો,

શ્રીબડે ગુલામ અલી ખાંસાહેબ ની,મશહૂર ઠૂમરી ,"યાદ પિયાકી સતાયે,"નો ઓડિયો આસ્વાદ લેતાં અગાઉ,
આપને આ પ્રેમપત્રના શબ્દે-શબ્દના આસ્વાદમાં તરબોળ થવા ખાસ ભલામણ છે,

આપના મનની ક્ષિતિજને આરપાર,રુંવે-રુંવે,રોમાંચનો પછી જે નશો છવાશે..!!

આપ જાતે જ અનુભવ કરી જુઓ.

માર્કંડ દવે

પ્રિય પ્રિયતમા,

એક સ્વપ્નસમી સરસરી ક્ષણોનું વરદાન આપીને,
મારી આ ક્ષણભંગુર જિંદગીની નિર્મમ મજાક ઉડાવી,
પ્રિયે,તું શીદ ને ચાલી નીકળી?
શું એકલતાનું દુઃખ તનેય સતાવતું નથી?

પ્રેમ અગ્નિની અગનઝાળે,હું અંગ-અંગ તરસ્યો અંગારો થયો,
તારા મોહ-સહવાસની શારડીથી આપણા પ્રેમને મેં કાળજે કોર્યો,
પ્રિયે,એજ કાળજે છળનો ફરી કારમો ઘા?
વળી,બળબળતો કાતિલ મલમ?આવી ક્રૂરતા તું કેવી રીતે કરી શકે?

મને યાદ છે,આ મન મરકટના મલકાટ વચ્ચે,
તુજ સંગ વીતેલા મદમસ્ત મટકાળા સમયને મેં આકંઠ ભર્યો હતો.
પ્રિયે,સમયના એજ લોલકને તેં અટકાવ્યું?
સંગ-સંગ આ જીવ-લોલક પણ અટકશે,તેં જરાય ન વિચાર્યું?

મને ખબર છે,જગતના કાળમીંઢ પાષાણ હ્યદયના ખડકોની ભીતર,
લાગણીનો સાદ પડઘાઇ-પડઘાઇને મુજ સમીપ પરત ફરશે,
પ્રિયે,મને એજ લાગણીના દોરે તેં લટકાવ્યો?
તુજ સંગ ચપટી જીવ્યો,હવે તુજ વિરહમાં ખોબો ભરીને મરું?

તુજ વિણ હવે તો વ્યર્થ આ હાલક-ડોલક જન્મારાના પલકારે,
નિશ્ચિંત થયેલી આ નિશ્ચેતન બંધ પાંપણની નિંદરને,
પ્રિયે,આંસુની છાલક મારી તું ઢંઢોળીશ?
હૈયું હૈયાફાટ રુંવે છે,આંખનેય ડૂમો ભરાયો છે.

પ્રિય,આંખ ચૂવે-ના-ચૂવે,જગત જુવે-ના-જુવે,વિરહ રુવે-ના-રુવે.
મારો આર્તનાદ સૂણી,તારા અચાનક આગમનની,મને હજી એક આશા છે,
બસ એકવાર,ફક્ત એકવાર,પ્રિયે તું આવીશ?

શ્રીબડે ગુલામ અલી ખાંસાહેબ ની,મશહૂર ઠૂમરી "યાદ પિયાકી સતાયે" રજૂ કરું છું,ડાઉનલૉડ કરવા ભલામણ છે
http://www.4shared.com/file/139900604/fc661f00/YAD_PIYA_KI-BADE_GULAM_ALI.html

માર્કંડ દવે.તા.૧૩-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.