Thursday, October 7, 2010

છોકરું છાનું રાખી જુવો..!!

બૅબી, Pl. stop crying..!!

છોકરું છાનું રાખી જુવો..!!


" કંટાળે છે શીદને,  સૂણી  પોકાર, ઉવાં ઉવાં?
   કદીક, તેંય ન`તો કર્યો લલકાર,ઉવાં ઉવાં?"


========

પ્રિય મિત્રો,


આપના હ્યદય  પર હાથ મૂકીને, સાચુંજ બોલજો, આપનામાંથી કેટલા મહાનુભવે, કદ કાઠીમાં સાવ નાનાં પરતું, જોરદાર ભેંકડો તાણતાં, નવજાત છોકરાંઓને, છાનાં રાખવાનો મહા - અનુભવ  લીધો  છે? કદાચ, ઘણા ઓછા મહાનુભવોએ..!!

એકવાર, મારા એક મિત્રના, પ્રથમ બાળક(દીકરા)ના જન્મના, અભિનંદન આપવા, સવાર-સવારમાં,તેઓના ઘેર, હું પહોંચી ગયો.

જોયું તો, આશરે બે માસનો, નવજાત દીકરો, આખી રાત સતત રડવાને કારણે, દીકરાને છાનો રાખવાની ગડમથલમાં, ઉજાગરાને કારણે,  મારા મિત્ર અને તેની પત્ની, બંનેનાં મોઢાં, સાવ લેવાઈ ગયાં હતાં. જોકે, તેઓના ઘેર  હું  પહોંચ્યો ત્યારે,  તેને `રડતો છાનો રાખવાની દવા` લેવા,તે બંનેજણ, બાળકને લઈને હૉસ્પિટલમાં જવાની તૈયારી  કરતા હતા..!! આટલી નાની વાતમાં, હૉસ્પિટલમાં દોડી જવાને બદલે આસપાસ કોઈ, ઉંમરલાયક  અનુભવી માજી હોયતો, તેમની સલાહ લેવા, મેં તેઓને  જણાવ્યું, મારા મિત્ર તરતજ, બાજુમાંજ  રહેતાં, ૬૦ વર્ષની વયનાં, એક  માજીને   બોલાવી લાવ્યા.

માજીએ, પેલા નવજાત બાળકના, પેટને તપાસી, હિંગ વિગેરે લગાવીને, કોણ- જાણે શું હાથ ફેરવ્યોકે, બાળક, ઘસઘસાટ ઊંઘી ગયું..!!  મારા મિત્ર અને તેની પત્નીને, હવે થોડી  હાશ થઈ..!! ત્યાંથી પરત ફરતી વખતે,  મિત્રને  ને મેં સલાહ આપી. " તમારાં ઘરડાં બા ને, થોડા દિવસ, ગામડેથી અહીં બોલાવી લો, તમારું બાળક, ઝાઝુ રડ્યા વગરજ, જોતજોતામાં,  ચપટી વગાડતાંજ,   (બે આંગળીથી ચપટી વગાડતાં) આમ મોટું થઈ જશે..!!"

મારા મિત્રએ, ઉજાગરાથી થાકેલી-હારેલી આંખ અને અત્યંત ઉદાસ ચહેરે, તેઓની પત્ની તરફ, ઠપકાભરી નજરે જોયું. કદાચ, સાસુને બોલાવવા સામે, તેમનાં પત્નીને, કોઈ વાંધો હોય તેમ, મને લાગ્યું, ..!! મિત્રને વધારે ભોંઠા પાડ્યા વગર, ઘસઘસાટ ઊંઘતા બાળકના પારણામાં, આશીર્વાદનું કવર, મૂકીને, મેં ત્યાંથી ચાલતી પકડી.

રસ્તામાં મને વિચાર આવ્યોકે, આજકાલ, સંયુક્ત કુટુંબપ્રથા ભાંગી પડતાં, હવે `નવજાત છોકરાંઓ`ને છાનાં રાખવાની, આવી સમસ્યા, આવા કેટલાક, `નવજાત- માતાપિતાઓને (?)` સતાવતી હશે?

મને એક કાકા કહે," છોકરાં છાનાં રાખવાની અપ્રતિમ કળાના, અકાળે થયેલા વિનાશ પાછળ,  `અમે બે અને અમારાં બે` નો, ફૅમીલી પ્લાનિંગ ડીપાર્ટમેન્ટનો, સરકારી હાથ હોય તેમ, તમને લાગે છે?"

મારી નજરમાં પ્રશ્નાર્થ જોઈ, કાકાએજ ખુલાસો કર્યો," જુઓને, પહેલાના જમાનામાં આઠ-દસ બાળકોનો રિવાજ હતો  ત્યારે, ઘણીવાર તો, મોટા દીકરાની વહુ તથા તેની સાસુ (માઁ), બંને એકસાથેજ, સુવાવડ માટે, સરકારી હૉસ્પિટલમાં ભરતી થતાં અને  એકસાથે બે નવજાતને ગૃહપ્રવેશ કરાવતાં. વળી આ બંનેને એક માસનું, લાબું સૂતક લાગતું તેથી, ઘરનાં નાનેથી મોટાં, બધાંજ સદસ્ય, બાકીનાં નાનાં ભાઈબહેનને, નવડાવવાથી લઈને, જમાડવા, સુવડાવવા સુધીની જવાબદારી હોંશેહોંશે નિભાવતા..!! હવે તો, એક કે બે બાળક હોવા છતાં, છોકરાં છાનાં રાખવાની, નવરાશજ કોને છે?

કાકાની વાત, મને તો સાચી લાગે છે..!! આપનેય નથી લાગતુંકે, સમાજે, `અમે બે અને અમારાં બે`ની નીતિ અપનાવ્યા બાદ, આપણે સહુ થોડા  એકલપેટુડા, સ્વાર્થી અને લાગણીહીન થવા લાગ્યા છે?

જુના જમાનામાં, મારવાડ બાજુની જણાતી, વણઝારા કોમની ઘણી બાઈઓ, જેના બાળકના, રડવાથી ચહેરો ખરડાયો હોય અને નાકમાંથી વહેતી ચીકાશ છેક, ગાલ સુધી ચોટી હોય તેવાં મોંઢા પર, બણબણતી માંખો સાથે, કાંખમાં તેડેલા બાળકને લઈને, ઘેર-ઘેર ભીખ માંગતી જોવા મળતી. વળી સફળતા મેળવવા, તે મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું કરતી, " ઓ...બુન ; ઓ....બા, મારા સોકરાંવને, અમે ભિખારી માન્યું સે, ભૈ`સાબ..!! કોંય પૈહા, ખાવું, કપડા-બપડાં આલજો...ઓ, માઈબાપ..!!"  આ ટ્રીક, મોટાભાગે  કામ કરી જતી અને  ઘરમાંની યજમાન બહેનો, પેલા અતિથિ,  ભિખારી બાઈના, છોકરાના મોંઢા સામું જોઈને, દયાથી પ્રેરાઈને, દાનધર્મનો મોકો ક્યારેય ચૂકતી નહીં.

જોકે, હવે તો, દરેક સ્થળે, આવા ભિખારીઓને ગેટમાં ન પ્રવેશવા દેવાની સૂચનાનું પાલન, ગેટ પર ઉભેલો વૉચમેન, ક્રૂરતાપૂર્વક કરતો જોવા મળે છે..!!

કદાચ, તેથીજ આવી બાઈઓ, શહેરના ચારરસ્તે લાલ સિગ્નલ થતાંજ, થોભેલી કારવાળા ભાઈઓની કારના  બંધ કાચ પર, બેકારમાં,  હાથ ઠપકારતી જોવા મળે છે. કેટલીક ભિખારણો તો  વળી, રડકણાં, નાનાં, ગરીબ બાળકોને, બીજેથી ભાડેથી લાવીને, દરેક ચારરસ્તે, પોતાનાં સગાવહાલાંને ગોઠવીને, નવીજ, `ભિક્ષા-વાટકા બ્રાન્ચ` પણ, ખોલતા જોવા મળે છે..!!

આપે નોંધ્યું હશે, ખાધેપીધે સુખી હોય તેવા ઘણા સારા સુખીસંપન્ન  ઘરમાં, ભણેલાગણેલા માતાપિતા પણ, જન્મ થતાંજ રડતી વખતે, ભૂરા રંગના. થઈ જતા, નવજાત શિશુને, એક વર્ષથી લઈને, દસ વર્ષ સુધી, ભિખારી માનવાની માનતા રાખતા જોવા મળે છે..!! આને અંધશ્રદ્ધા ના  કહેવાય?

જોકે, આમાં મોટાભાગે, પોતાના ભિખારી ભાણીયાને ભીખ આપવામાં, ગુસ્સે થયેલી મામી પાસે, તેનો મામો   રહેમની ભીખ માંગતો થઈ જાય છે? ઉપરાંત, મામાની આપેલી ભિક્ષાનું ખાઈ-પી,  પહેરી-ઓઢીને, મોટા થયેલા કેટલાય ભાણીયા, દાનવીર મામાનેજ, ક્યારેક `મામા` બનાવીને, પાછલી જિંદગીમાં તેમને, ભીખ માંગતા કરી મૂકતા હોય છે..!!

અંધશ્રદ્ધાની વાત કાઢી છેતો, નવજાત શિશુ, અતિશય રડે ત્યારે, તાત્કાલિક ઉપાય તરીકે, તેની માઁ, પોતાના બાળકના માથે મીઠુ, સાકર કે મરચાં,  જેવી કોઈ વસ્તુ,  બાળકના ફરતી ઉતારીને, તેને બૂરી બલાઓની, બૂરી નજરથી બચાવવા, નજર ઉતારવાનો ટૂચકો કરતી હોવાની પ્રથા છે. આપણા દેશની, આશરે એકસોત્રીસ કરોડની વસ્તીમાં, ઘણા ઓછા નરબંકા કે નારીબંકીઓ મળશે, જેમની બાળપણમાં, એકપણ વાર, એક યા બીજા રીતરિવાજથી, નજર ઉતારી ના હોય..!!  `મિસ્ટર-મિસિસ શર્મા ઈલાહાબાદવાલે`, જેવી સિરિયલમાં તો, મિસિસ શર્મા, વાતવાતમાં મિસ્ટર શર્માને, બૂરી નજરથી બચાવવા, પોતાનાં નયનોના કાજળથી, મિ.શર્માના કાન નીચે, કાળું ટપકું કરે છે..!!

જોકે, બાળક શા માટે રડે છે? તે જાણ્યા વગર, તેના આવા અર્થહીન  ઉપાય કરવાનો, કોઈ અર્થ નથી હોતો. આવી સ્થિતિમાં, માતાપિતાએ,  હતાશ, અસહાય, અપરાધભાવ અનુભવી,  રડતા બાળકને છાનું રાખવાના, મૂર્ખામીભર્યા ઉપાય કરાવાને બદલે, તેના કારગર ઉપાય અપનાવવા જોઈએ.

રડતા બાળકને રડવા માટે, અણગમતી પરિસ્થિતિ, અજ્ઞાત ડરની લાગણી અને શરીરને અસુખ થાય તેવું, ભૂખ અને ઊંઘ, ભીનું ડાયપર જેવું, કોઈપણ  નાનું-મોટું કારણ, જવાબદાર હોઈ શકે છે. આજ કારણ છેકે, નાનું  બાળક, ઘણીવાર તો પોતાની માતાના તનની ગંધ અને પરિચિત, હુંફાળો ખોળો મળતાંજ, છાનું રહી, ઊંઘી જતું હોય છે.

બાળકને રડવાનાં, કેટલાંક સામાન્ય કારણો આ રહ્યાં.

* ભૂખ-તરસ લાગવાથી.  * ઠંડી અથવા ગરમી લાગવાથી. * પેશાબ અટકી જવાથી અથવા પથારી ભીની થવાથી. *  અપૂરતી  ઊંઘ, થાક અથવા ઊંઘવાનો સમય ચૂકી જવાથી. *  ડર અથવા ચોંકી જવાથી. * પેટમાં આફરો, ચૂંક, આંકડી આવવાથી. *  બાળકને દાંત આવવાના શરૂ થવાથી. * તાવ અથવા માથાનો દુઃખાવો થવાથી * એકલતા અથવા કંટાળાનો ભાવ સતાવવાથી. * બાળકને રમાડવા આવનારાના અથવા બીજા અસહ્યનીય ઘોંઘાટને કારણે. * તેને તેડવા અથવા બહારના વાતાવરણમાં ફરવા જવા માટે * કોઈ બાબતે, ચીડ અથવા અણગમો આવવાથી.

સાનફ્રાંન્સિસ્કોનાં, ટેલિફૉન ઍસિસ્ટન્સ ઈન લિવિંગ વીથ કિડ્સના ડાયરેક્ટર અનિતા મૉરાન, તો  વળી, ઉપર જણાવેલાં બધાંજ કારણોના ઉપાય અજમાવી જોયા છતાં, જો બાળક રડતું હોય તો, તેને સલામત જગ્યાએ એકલા ત્યજીને, રડવા દેવા સાથે, થોડી - થોડીવારે તેનું ધ્યાન રાખવાની સલાહ આપે છે..!! 

જોકે, કેટલાક ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સના મત અનુસાર,  દરેક બાળક દિવસના, બે થી ચાર કલાકના સમયગાળા માટે, એક યા બીજા કારણસર રડતુંજ હોય છે અને તેનું એકમાત્ર કારણ, તેની તકલીફ પરત્વે, સહુનું ધ્યાન દોરવાનુંજ હોય છે.

કેટલાક અવળચંડા અને જડભરત માતા-પિતા, રડતા બાળકના કકળાટથી કંટાળીને, ઘણીવાર તેને છાનું રાખવા, વધારે પડતું થપથપાવવું, હલાવવું, હવામાં ઉછાળવું અને ક્યારેક તો તેને અસહ્ય માર મારવા સુધીનાં, પરાક્રમ અજમાવી જોતા હોય છે, સરવાળે બાળક વધારે ચીડીયું, રડકણું અથવા હદ બહાર મારવાને કારણે કાયમી ખોડખાંપણ કે  મૃત્યુના મુખ સુધી પહોંચી ગયા હોવાના, અનેક ઉદાહરણ નોંધાયેલા છે.

એકવાર, એક  સામાજીક કલ્યાણના કાર્યક્રમ અંગે, એક શાળામાં, મારે જવાનું થયું હતું ત્યાં,  પ્રિ -પ્રાયમરી વિભાગમાં નોકરી કરતાં, એક શિક્ષિકાબહેનની લાયકાત જાણીને મને અત્યંત નવાઈ લાગી..!! આ બહેન M.A; Bed. M.Phil; PhD. થયેલાં હતાં, ઉપરાંત સ્ટેટ લેવલે,  સ્પોર્ટ્સમાં પણ, ઘણા ઈનામો મેળવ્યાં હતાં.

મને આશ્ચર્ય થતાં, તેમને પૂછ્યું, "બહેન, તમે તો, કૉલેજના પ્રોફેસર થવાને લાયક છો, પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અને તેમાંય પાછું, બાલમંદિરમાં શું કરો છો?"

બાલમંદિરમાં કાર્યરત, આ શિક્ષિકાબહેનને, સલામ મારવાનું મન થાય તેવો સરસ ઉત્તર, તેમણે  મને  આપ્યો," સર, હું એક વર્ષ માટે, સાવ નાનાં બાળકોને, રડતાં છાનાં રાખીને, શિક્ષણમાં રૂચી કેળવતાં, કેવીરીતે કરી શકાય, તેનો જાત અનુભવ મેળવવા આવી છું..!!"

વાહ..!! કેટલો સરસ ખ્યાલ..!!

કૉલેજના બધાજ પ્રોફેસરસાહેબો, આજરીતે, નાનાં બાળકોને, છાનાં રાખીને, અભ્યાસમાં રસરૂચી લેતાં જો કરી શકે, તો અને તોજ તેઓ, કૉલેજના તાસ બંક કરતા, નવયુવક -યુવતીઓને,  તેમના લૅક્ચરમાં આકર્ષી શકે?

ઘણાના મતે, આ વિચાર ખોટો નથી. ગુજરાત સરકાર, પોતાના કર્મચારીઓની બૅટરી ચાર્જ કરવા, કર્મયોગી તાલિમ શિબિર નથી યોજતી? બસ, તેજ પ્રમાણે, કૉલેજના પ્રોફેસર્સસાહેબોને, શૈક્ષણિક સત્રની શરૂઆતમાં (જુન થી ઑગસ્ટ), બાલમંદિરમાં, `રડ્યા વગર ભણો` વિષય પર લૅક્ચર આપવા મોકલવા જોઈએ..!!

આ નેક વિચાર, મેં એક પ્રોફેસરમિત્રને કહ્યો, તો તેઓએ ગભરાઈને સામે પછ્યૂં," અમારું લૅક્ચર અને તેય બાલમંદિરમાં?  સરકારી પરિપત્ર ક્યારે થયો? મારા ઘરમાં, મારૂં બાળક તો, મારાથી છાનું રાખી શકાતું નથી?"

જુન થી ઑગસ્ટ દરમિયાન, શાળામાં ન આવવા, રસ્તે ઢસડાતાં, પછડાતાં, રડતાં બાળકોને જોઈ, મારા એક સંચાલક મિત્રને, કોઈએ પૂછ્યું," સર, આટલી બધી રડારોડ અને  કકળાટ, તમને ગમે છે?"

તેમણે ઠાવકાઈથી, જવાબ આપ્યો," ભાઈ, હું તો ઈચ્છું છુંકે, આવો  રડવાનો અવાજ,  હજુ વધારેને વધારે વધતોજ જાય. કારણકે તોજ, મારી શાળામા સંખ્યા જળવાઈ રહેતાં, અમારી દરિદ્રતા અને દેશમાંથી નિરક્ષરતા નાબૂદ થાય..!!"

જોકે, અમારી સોસાયટીમાં રહેતા અને એક શાળામાં માધ્યમિક વિભાગમાં કાર્ય કરતા, શિક્ષકભાઈને ઘણીવાર, તેમના બંગલાના કંપાઉન્ડમાં, નાના બાળકને છાનું રાખવાના મરણતોલ છતાંય, સંનિષ્ઠ-નિષ્ફળ પ્રયત્નો કરતા જોઉં  છું, ત્યારે તેમના ગભરાટ સામે, આ પ્રોફેસરમિત્રનો ગભરાટ, મને સાવ વામણો ભાસે છે. 

આ શિક્ષકભાઈ, પોતાના ચહેરા પર, `બૂલ ફાઈટ`માં `બૂલે` ધારણ કરેલા રઘવાટના ભાવ  ધારણ કરીને, કંપાઉન્ડના આ છેડેથી પેલા છેડે, અત્યંત ઝડપથી, કારણ વગર, આંટા મારતા જાય અને બાળકને, એકજ વાક્ય બોલીને છાનો રાખવા મથે,

" ભાઈને છીછા કલાના- ભાઈને પીપા કલાના..!!" (ભાઈને છીછી કરાવું, ભાઈને પીપી કરાવું?)  જ્યારે, આ ભૂખ્યા ડાંસ જેવા રડતા `ભાઈ` (ડૉન?) માટે, તેની ફીડીંગ બૉટલ ભરી આપવા, દૂધ ઝડપથી ઠંડું થાય તે માટે, થાળીમાં દૂધ કાઢીને, ફૂંકો મારતાં, તેમનાં પત્ની રસોડામાં `અસ્ત - વ્યસ્ત` જોવા મળે..!!

આપ જાણો છો, ખરેખર તો ઘણીવાર, માતા-પિતાના વાંકના કારણેજ બાળક રડતુ હોય છે?

* બાળક બ્રેસ્ટફીડીંગ લેતું હોય તો, માતાએ અતિશય તીખો, તળેલો કે મસાલેદાર ખોરાક લેવાથી પણ, બાળકનું પેટ ખરાબ થવાથી રડતું હોય તેમ બને છે. આમ બને ત્યારે, થોડા દિવસ માતાએ સાદો ખોરાક લઈ, બાળકમાં થતા ફેરફાર નોંધવા જોઈએ.

* બાળકને ઘણા કલાકો સુધી, તેડીને, કોઈ રમાડ્યા કરે ત્યારે, તેને અપાર શ્રમને કારણે થાક લાગતો હોય છે. આમ થાય ત્યારે તેને, આરામદાયક સ્થિતિમાં સુવડાવી દેવું જોઈએ.

* બાળક, કૂકરની વ્હીસલ, નળ, પંખા કે મોટા અવાજે વાગતા સંગીત, જેવા અવાજથી ડરી જતું  હોય છે. તેને આ બધાજ અવાજથી દૂર, શાંત સ્થળે રાખો.

* બાળકને સમય પહેલાં, પારણાં કે  ઘોડીયાની આદત, એકદમ છોડાવવાના પ્રયત્ન  ન કરશો. તેને પડેલી કોઈપણ ટેવ, બાળક ધીરે-ધીરે ભૂલતું હોય છે.

* બાળકને A.C. રૂમમાં રાખતા હોયતો, તેના શરીરના તાપમાનને ધ્યાનમાં રાખીને, કુલિંગ રાખો,નહીંકે  તમારા શરીરને ધ્યાને રાખીને..!!

* શરદી,કફ,તાવ જેવી સ્થિતિમાં, બાળકને, કાનમાં સણકા અને દુઃખાવો થવાથી, બાળક કાન ખંજવાળે ત્યારે, તેના કાનમાં, જાતે ઘરગથ્થુ ઈલાજ કરવાને બદલે, ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટની સલાહ લઈ, તે પ્રિસ્ક્રાઈબ કરે તેજ, કંપનીનાં ટીપાં, કાનમાં નાંખવાં જોઈએ.

મારા, હાર્ટસ્પેશિયાલિસ્ટ ડૉક્ટરમિત્ર મને કહે," માણસ જ્યારથી ખડખડાટ હસવાનું તથા મનભરીને  રડવાનું ભૂલી ગયો છે ત્યારથી આ હાર્ટઍટેકનો જન્મ થયો છે..!!"

સાલું, વાત તો  વિચારવા જેવી છે..!! ખબર નહીં કેમ, (ખાસ કરીને પુરૂષો માટે?), મોટા થયા પછી રડવું   તે, જાણે  નામર્દાનગીનું કાર્ય ગણાય છે. લોકો શું કહેશે? તે ડરને કારણે, માણસ ગળા સુધી આવેલા, દુઃખના ડૂમાને કારણે આવેલાં  આંખનાં આંસુને, બહાર આવતા રોકીને, પોતાના હ્યદય પર ,એટલું જબરદસ્ત દબાણ ઉભું કરે છેકે, ઘણીવાર હ્યદય, તેનું કાર્ય વિસરીને, સાવ પાણીમાં બેસી જાય છે...!!

જરા યાદ કરીને, મને કોઈ કહેશે, શ્રીમતીઈદિરા ગાંધીના આકસ્મિક મૃત્યુ સમયે, તેઓની અંતિમ વિધિમાં, શ્રીરાજીવ ગાંધીને કોઈએ રડતા જોયા હતા?

જોકે, એમ પણ ચર્ચાય છેકે,  યુનોની અગત્યની વિદેશયાત્રાએથી, શ્રીઅટલબિહારી બાજપાઈજી, ભારત પરત ફર્યા ત્યારે,  શ્રીસંજય ગાંધી, વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, તેનો શોક વ્યક્ત કરવા, ઍરપોર્ટથી સીધાજ  સ્મશાન ખાતે, શ્રીમતીઈંદિરાજી સમક્ષ, પહોંચ્યા  ત્યારે, શ્રીમતીઈંદિરાજીએ, સ્મશાનમાં, શ્રીબાજપાઈજીના વિદેશયાત્રાના અહેવાલ અંગે ચર્ચા કરીને, સહુને વિસ્મયમાં મૂકી દીધા હતા?

એક માતા, જેના જુવાનજોધ દીકરાના અંતિમસંસ્કાર થઈ રહ્યા હોય ત્યારે, શોકગ્રસ્ત હાલતમાં, સ્મશાનમાંય, અન્ય વિષય પર ચર્ચા કરી શકે, તેવા વલણને શું કહેવાય? મનની મજબૂતાઈ કે દેશ પ્રત્યેની કર્મઠતા?  જનતાથી, પોતાની લાગણીના આવેગને છૂપાવવાથી શું સાબિત થઈ શકે? આટલા કારમા દુઃખદ પ્રસંગે, જો કોઈ મહાનુભવ, જાહેરમાં રડી પડે તો, તેને જનતા સ્વાભાવિક પ્રતિભાવ ન ગણી શકે?

જોકે, એમ કહેવાય છેકે, બાળપણમાં પડેલી રડવાની આદત, પુરુષો બદલી શકે છે પરંતુ, સ્ત્રીઓ પોતાનાં આંસુને ખાળી શકતી નથી..!!


આપે, અનેક ફીલ્મો-ટીવી સિરિયલ્સમાં અને વાસ્તવિક જિંદગીમાં પણ, પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ, તે હ્યદયભગ્ન પ્રેમિકાઓને ચોધાર આંસુએ રડતા જોઈ હશે.

આવી પ્રેમિકાઓને રડતી છાની રાખવા, છેલ્લા છ દાયકાથી કાર્યરત એવા, અમેરિકાના પ્રખ્યાત ગીતકાર-સંગીતકાર અને ગાયક રૉબર્ટ ઍલેન ઝિમર્મેન (હુલામણું નામ- Bob Dylan ) ના, સન-૧૯૭૮માં રિલિઝ થયેલા, `Street Legal` આલ્બમનું  "Baby, Stop Crying" ગીત હ્યદયસ્પર્શી છે. આ ગીતમાં સૅક્સોફોન, ઈલે.ગીટાર તથા કૉરસ નો ઉપયોગ ખૂબ સુંદર રીતે થયો છે.

(  રીગટૉન - લિંક- http://www.4shared.com/audio/b4JGWwBM/BABY_S_C_RINGTONE.html )

(  વિડીયો   લિંકઃ- http://www.youtube.com/watch?v=Yz_7qQD9ItQ&feature=related )
You been hurt so many times
And I know what you're thinking of
Well, I don't have to be no doctor, babe
To see that you're madly in love.

Baby, please stop crying, stop crying, stop crying
You know, I know the sun will always shine
So baby, please stop crying 'cause it's tearing up my mind. ( SONG - Bob Dylan )

अपनी रुसवाई तेरे नाम का चर्चा देखूँ, एक ज़रा शेर कहूँ और मैं क्या-क्या देखूँ, |
नींद आ जाये तो  क्या महफ़िलें बरपा देखूँ, आँख खुल जाये तो तन्हाई की सहरा देखूँ |
शाम भी हो गई धुँधला गई आँखें भी मेरी, भूलने वाले मैं कब तक तेरा रस्ता देखूँ |
सब ज़िदें उस की मैं पूरी करूँ हर बात सुनूँ, एक बच्चे की तरह से उसे हँसता देखूँ |  
( शायर- परवीन शाक़िर )

એક્વાર, એક ભાઈએ મને, રડમસ અવાજે, કહ્યું," સાલું, બાપ બનવાનું આટલું અઘરું હશે? ઑફિસેથી ઘેર જતાંજ, રડતા બાળકને, મારી પત્ની મારા હવાલે કરી દે છે. આનાકાની કરું તો, મને  કહે  છેકે, એક સુવાવડ વેઠી જુઓ, ખબર પડે? બોલો, હું શું કરું?"

આ ભાઈને શું જવાબ આપવો, તેની મને સમજ ના પડી, તેમનાં પત્ની, તેમને સુવાવડ વેઠવાનું કહે, તે તો  વ્યાજબી ન જ કહેવાય? એવા ટૉણા મરાતા હશે? બાળકતો ભગવાનનુંજ બીજું સ્વરૂપ છે.

જોકે, રડતા બાળકને છાનું રાખવામાં, ભગવાન ભાળી જનાર સર્વે માટે, ઉર્દુના મશહૂર શાયર જનાબ,  શ્રીનિદા ફાજ઼લીસાહેબ કહે છે.

" घर से मस्जिद है बहुत दूर चलो यूँ कर लें, किसी रोते हुए बच्चे को हँसाया जाये।"

મને એક પ્રશ્ન થાય છેકે, વાસ્તવિક જિંદગીમાં, પુરુષો સુવાવડ વેઠી  શકે કે નહીં? આ બાબત તો, ભગવાન જાણે અથવાતો વૈજ્ઞાનિકો જાણે..!!  પરંતુ, ફીલ્મી પરદે આવું બન્યું છે, ખરું..!!

ઑસ્ટ્રેલિયન-અમેરિકન બૉડીબિલ્ડર, ઍક્ટર, મૉડલ, બિઝનેસમેન, સૉલ્જર તથા  હાલમાં કૅલિફૉર્નિયાના ગવર્નર, લોહપુરૂષ ભાઈ શ્રીઆર્નોલ્ડ સ્ત્વાર્ઝનેગરે, સન- ૧૯૯૪ની અંગ્રેજી ફીલ્મ- `જુનિયર- Junior (1994)` માં, એક વૈજ્ઞાનિક મિત્રના, પરિક્ષણ માટે, ગર્ભધારણ કરીને બાકાયદા બેબીને, જન્મ આપ્યો હતો.

( Hindi Dubbed, Junior (1994) લિંક -  http://www.filmshowonline.net/videos/37740/ )

આપણા હીન્દી ફીલ્મોના, પ્રખ્યાત કૉમેડીયન, શ્રીમહેમૂદે પણ, `કુંવારા બાપ` ફીલ્મમાં, એક રઝળતા બાળકને, ઉછેરી તેને રડતું છાનું રાખવાના અથાગ પ્રયત્ન કર્યા હતા.

`કુંવારા બાપ` ફીલ્મના, એક દ્રશ્યમાં, રડતા બાળકને, મહેમૂદ છાનું રાખવાના તમામ પ્રયાસમાં નિષ્ફળ જાય છે, તેવામાં, જ્યારે ઉઘાડા બદન સાથે બેઠેલા મહેમૂદની છાતીએ, નિપલ પર, પેલા બાળકના હોઠ  અડી જતાં, બાળક છાનું  રહીને, સ્તનપાન કરવા લાગે છે..!!

આ..હા..હા..; બાળકના સ્તનપાનને કારણે, થતાં ગલગલિયાંને કારણે, ચહેરા પર બદલાતા હાવભાવને, જે બારીકાઈથી, મહેમૂદે પરદા પર દર્શાવ્યા છે, તે જોઈને આપણને જરૂર સમજાઈ જાયકે, જે ફીલ્મમાં મહેમૂદજી હોય તે ફીલ્મમાં, તે જમાનાના સુપરસ્ટાર્સ, કામ કરતાં, કેમ ગભરાતા હતા..!!

ખેર..!! આપણામાંથી કોઈ પુરૂષોએ, બાળકને રડતું છાનું રાખવા, મહેમૂદનો, સ્તનપાનનો  પ્રયોગ, અજમાવવા જેવો નથી..!!


શું  કેમ?

અરે ભાઈ, બાળકને છાનું રાખવા, આ પ્રયોગ કરતા હોયને, સાસુ-સાળી-સાળો કે અન્ય કોઈ જોઈ જાય તો શું કહે?


" હાય, હાય, અરે..!! જમાઈલાલ, આ શું? તમેય તે ખરા છો, આમ તે, છોકરાં છાનાં રખાતાં હશે?" 

માર્કંડ દવે. તા. ૦૭ ઑક્ટોબર ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.