Saturday, January 16, 2010

પોલીસ સ્ટેશન

કેટલાક નોંધપાત્ર સમાચાર.તા.૦૫-૧૧-૨૦૦૯.(ગુરુવાર)

૧.સાલ હોસ્પિટલ-અમદાવાદ,સામે નવા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઉદઘાટન પ્રસંગે,
ગૃહરાજ્યમંત્રીશ્રી અમિતભાઇ શાહે જણાવ્યુંકે,"લોકો ભલે નિંદા કરે,પરંતું મને પોલીસ પર ગર્વ છે.
અમદાવાદની ૫૦ લાખ કરતાં વધુ વસ્તીની,કરોડોની સંપત્તિની,સુરક્ષા માત્ર ૮૦૦૦ પોલીસકર્મીઓ કરી રહ્યા છે."

૨.નવા ઉદઘાટન કરેલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા અંધજનમંડળ ચારરસ્તા પાસે,
એક દારુડિયા યુવકને ગાળ નહી બોલવાનું કહેતાં,તેણે એક ટ્રાફિક કૉન્સ્ટેબલની જાહેરમાં જ ધોલાઇ કરી.

૩.નવા ઉદઘાટન થયેલા,વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં,પહેલી જ ફરિયાદ,પોલીસને માર માર્યાની આવતાં,
આવી અપશુકન થાય તેવી,ફરિયાદ નોંધવાનું ટાળી,ખુદ પોલીસે જ માર ખાનાર કૉન્સ્ટેબલ અને દારુડિયા યુવક વચ્ચે સમાધાન ના પ્રયાસ હાથ ધર્યા હતા.
________________

પ્રિય મિત્રો,

ઉપરોક્ત સમાચાર વાંચીને ઘણા બધાને હસવું કે ગુસ્સો કરવો તેની સમજ નહી પડે.
કારણકે,સમાચાર રમુજી લાગતા હોવા છતાં,તેની પાછળનો મર્મ ખૂબ ગૂઢ અને ગંભીર છે.

અમદાવાદનો કુલ વિસ્તાર-૮૭૦૦ સ્ક્વેઅર કિ.મી.છે,કુલ ૧૦ તાલુકા અને ૬૮૩ ગામ મળીને,કુલ વસ્તી-૪૮,૦૧,૮૦૦ છે.જેમાં આશરે ૮૦૦૦ પોલીસકર્મીઓ(અધિકારી વર્ગ સહિત)પોતાના સામાજીક જીવનના ભોગે ,આપણા સુખચેન,શાંતિ માટે ખડે પગે,રાઉન્ડ ધ ક્લૉક તૈનાત રહે છે.આપણા છાશવારે આવતા તહેવારોનો આનંદ,પરિવાર સહિત સુખચેન,શાંતિથી ઉઠાવતા હોઇએ તો,તેનું શ્રેય આ ફોર્સને ફાળે જાય છે.પોલીસનું મુખ્ય કામ જ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું,પ્રજાની માલમિલકતનું રક્ષણ કરવાનું હોય છે,સદીઓ પહેલાં,યુરોપમાં શાસકો,શાહુકારો અને શ્રીમંતો,પોતાના અંગત ગુલામો પાસે પોલીસફૉર્સ જેવું કામ લેતા હતા.હાલમાં પોલીસની દશા,પ્રજાના સેવકોના રુપાળા નામથી પેદા થયેલા,નવા શાસકોના અંગત ગુલામો જેવી જ છે.સદીઓ અને દસકાઓ જૂના,ઉધઇ ખાઇ ગયેલા મેન્યુઅલ,બાવા આદમના જમાનાની રાયફલ-ગન,ભંગાર વાહનો, થકવી નાંખતા કામના કલાકો,જેવી અનેક વિટંબણાઓને કારણે પોલીસ ફૉર્સની અસરકારકતા ઉપર પણ ગંભીર અસર પડે છે.

જગતમાં પ્રથમ ૧૭૦૫માં છેક,૧૭ મી અને ૧૮ મી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાન્સમાં,કાયદાનિષ્ણાત `Nicolas Delamare` દ્વારા "Treatise on the Police"(પોલીસ વિષયક ગ્રંથ) બહાર પડ્યો.આજ સમયગાળામાં જર્મનીમાં,"Science of Police"નામનો ગ્રંથ પણ પોલીસ મેન્યુઅલ માટે,સૈદ્ધાંતિક ધારા–વિધિ નિર્માણનો આધારભૂત ગ્રંથ ગણાય છે.જેના આધારે આજે,પશ્ચિમના દેશોનું પોલીસફોર્સ વિશ્વમાં,સહુથી વધુ આધુનિક સંસાધનો ધરાવતું દળ ગણાય છે,જે અપાર સફળતા સાથે,પ્રજાના જાનમાલ,મિલકતના રક્ષણ કરવા સાથે,સખ્તાઇથી કાયદાનું શાસન સ્થાપિત કરે છે,તે ઉપરાંત,ગુન્હા શોધ-તપાસ, વાહનવ્યવહાર નિયમન,ભીડભાડ નિયંત્રણ અને પ્રજાની સલામતીની અથાક સેવામાં લાગેલું દળ ગણાય છે.પોલીસમાં યુનિફોર્મ પોલીસ,વહીવટી પોલીસ,પેટ્રોલીંગપોલીસ,ડીટેક્ટીવ પોલીસ,ટ્રાફીક પોલીસ,ક્રાઇમ પ્રિવેન્સન પોલીસ જેવા વિભાગ હોય છે.વિશ્વના મોટાભાગના દેશ "International Criminal Police Organization (Interpol)" ના સભ્ય છે,જે આંતર રાષ્ટ્રિય ગુન્હાખોરી ડામવામાં પરસ્પરના સહકારથી એકબીજાને મદદરુપ થાય છે.આ ઉપરાંત સન ૧૯૪૬ થી કાર્યરત," United Nations Security Council (UNSC),"દ્વારા પણ વિશ્વમાં શાંતિના પ્રયાસો કરવામાં આવે છે.

ખેર,આ તો વિશ્વભરની પોલીસની માહિતિ આપણે ઉડતી નજરે મેળવી,પણ આપણા દેશની પોલીસની વાત ફરી કરીએ તો,કેટલાક પોલીસ કર્મીઓ ઉપર, આરોપીની જાન જાય ત્યાં સુધી ટૉર્ચર કરવાના,નકલી ઍન્કાઉન્ટરમાં ગોળીએ દેવાના,ભ્રષ્ટાચારના,તથા વિવિધ વર્ગો-જાતિ વચ્ચે ભેદભાવ કરવાના આક્ષેપો,અવારનવાર થતા રહે છે,જેથી તેની શાખને પણ બટ્ટો લાગે છે.જોકે,ન્યાય ખાતર કહેવું પડે કે,ફરજ પ્રત્યે નિષ્ઠાવાન ઘણાબધાપોલીસમેન અને તેમના અધિકારીઓએ, પોતાના જાનની પણ પરવા કર્યા વગર,અનેક આતંકવાદી હુમલાઓમાં,અનન્ય બહાદુરીના ઉમદા,અનુકરણીય ઉદાહરણ પણ પુરા પાડ્યા છે.

મને મારા કાર્યકાળ(કદાચ ૧૯૯૫માં.) દરમિયાન બનેલો એક બનાવ યાદ આવે છે.એકવાર મારી શાળામાં,મારા કાર્યાલયમાં,સાદો ડ્રેસ ધારણ કરેલા,બે પોલીસમેન હાંફળા-ફાંફળા ઘૂસી આવ્યા.આવતામાં જ,શાળા બાજુ દોડીને આવેલી બે વિદ્યાર્થીનીઓ વિષે વિગત માંગી,મેં બનાવની વિગત પુછી તો જાણવા મળ્યુંકે, શાળાની બહાર રોડ ઉપર,સફેદ ગણવેશ પહેરેલી બે વિદ્યાર્થીનીઓને,બે-ત્રણ રોડ-રોમિયો હેરાન કરતા હતા,તે જોઇ તે મજનૂઓને આ બે પોલીસમેને પડકારતાં,પેલા માથાભારે રોડ-રોમિયો,આમાંના એક ઓછી હાઇટ ધરાવતા પોલીસમેનને માર મારી ભાગી છૂટ્યા હતા.આ બધી ધમાલમાં કન્યાઓ પણ ગભરાઇને,અમારી શાળાની ગલીમાં પેસી ગઈ હતી,મજનૂઓના હાથે,પોલીસે માર ખાધો તે
જાણી મને દુઃખ થયું,પણ મેં એમને સમજાવ્યું કે અમારી શાળાનો ગણવેશ સફેદ નથી.બંન્ને પોલીસમેન બીજી શાળામાં તપાસ કરવા ચાલ્યા ગયા.

આ સિલસિલો આજે પણ જારી છે,ઉપરના અખબારી અહેવાલમાં જો તથ્ય હોય તો,વસ્ત્રાપુરના નવા પોલીસ સ્ટેશનમાં,પોલીસે માર ખાધાની પ્રથમ FIR નોંધાય,કેવળ તેને અપશુકનીયાળ સમજીને,પેલા માર ખાધેલા પોલીસમેનને,દારુડિયા આરોપી સાથે,સમાધાન(!!!) કરવાની સલાહ અપાય તે,બાબત ગળે ઉતરે તેવી નથી,સિવાયકે પોલીસમેનને માર મારનાર દારુડિયો,પોલીસને હપ્તા પહોંચાડનાર,કમાઉ દીકરો હોય..?.કમાઉ દીકરાની તો ગાળ પણ ઘી ની નાળ લાગે..!!એ જે હોયતે,પણ આવા સમાચારોથી પોલીસફોર્સની આબરુ તો ઘટેજ છે,પણ સાથે સાથે,અન્ય માથાભારે,બાપના પૈસે લીલાલહેર કરતા નબીરાઓના મનમાંથી કાયદાનો ડર ઓછો થાય છે.

હમણાંથી,બાપાશ્રીએ અપાવેલાં,મોંઘાદાટ વાહનો,જાહેર રોડ ઉપર અત્યંત સ્પીડમાં હંકારવાનો ક્રેઝ નવયુવાનોને વળગ્યો છે,આવાજ એક અમીર બાપના,છકેલા નબીરાએ એક પોલીસમેનને કેવીરીતે બેવકૂફ બનાવ્યો..!! તેનો એક કિસ્સો માણવા જેવો છે.બંને વચ્ચે જે વાર્તાલાપ થયો તે રમૂજ ઉપજાવે તેવો છે.

આવાજ એક યુવાનને પીછો કરીને એક પોલીસમેને પકડી,સ્પીડમાં ગાડી ચલાવવાના આરોપ બદલ,રોડની સાઇડમાં ઉભો રાખી લાયસન્સ તપાસવા માંગ્યું.

પોલીસમેન-"લાયસન્સ બતાવો."

આરોપી યુવાન-"લાયસન્સ તો નથી,ક્યારનુંય ઍક્સ્પાયર્ડ થઇ ગયું છે,"

પોલીસમેન-"તો પછી ગાડીના અસલ પેપર્સ બતાવો."

આરોપી યુવાન-"સાહેબ,આ મારી ગાડી નથી,ચોરીની છે."

પોલીસમેન-"શું વાત કરો છો..!!બહાર આવો,ગાડીની તલાસી લેવી પડશે."

આરોપી યુવાન-"સાહેબ,તલાસી લેવી હોયતો લો,પણ હું જાતે જ કહી દઉં છુંકે,ગાડીની ડીકીમાં,આ ગાડીના માલિકની
લાશ છે."

પોલીસમેન-"અરે..!!ગાડીના માલિકને તેં મારી નાંખ્યો?"

આરોપી યુવાન-"હા સાહેબ, એ પિસ્તોલ પણ ગ્લૉવ બોક્ષમાં પડી છે."

હવે પોલીસમેનને લાગ્યુંકે,આ મારો કેસ નથી,ઓફિસરને જાણ કરવી પડશે.તેણે ગાડીની ચાવી કાઢી લઇ,આરોપી યુવાનને બીજા એક પોલીસમેનને ભળાવી,દૂર ઉભેલા ઓફિસરને આ ગંભીર આરોપ-ઘટનાની જાણ કરી.પોલીસમેને જાણ કર્યા પ્રમાણે,ઓફિસરે આવતાંજ ,આખી ગાડી તપાસી પણ કશું મળ્યું નહીં.

પોલીસ ઓફિસર-"આ તમારી ગાડી છે?"

આરોપી યુવાન-"હા,સાહેબ, આ રહ્યાં પેપર્સ,આ રહ્યું લાયસન્સ."

પોલીસ ઓફિસર-(મૂંઝાઇને.)"જો તમારી પાસે કાયદેસર બધાંજ પેપર્સ છે,તો પછી આ પોલીસમેને એમ કેમ કહ્યું કે,તમારી પાસે લીગલ ડૉક્યુમેન્ટ્સ નથી,એટલું જ નહીં,આ ગાડીની તમે ચોરી કરી,તેના માલિકને તમોએ મારી નાંખી,તેની લાશ ડૅકીમાં સંતાડી છે ? એ પિસ્તોલ પણ ગ્લૉવબોક્ષમાં સંતાડી છે?"

આરોપી યુવાન-"એવું કાંઇ નથી સાહેબ,તો પછી આ લાંચિયા,જુઠ્ઠા,પોલીસમેને એમ પણ જણાવ્યું હશેકે, મને ઓવર સ્પીડના ગુન્હાને કારણે રોકવામાં આવ્યો છે?"

પોલીસ ઓફિસર-"યસ,ઍક્ઝેટલી..!! એની વૅ,સોરી,તમે જઇ શકો છો."

પછી પેલા ઓફિસરે,આરોપી પોલીસમેનનો કેટલા રુપિયા દંડ કર્યો,તેની ચોખવટ હજી બાકી છે,પરંતુ ઠપકો તો જરુર મળ્યો હશે.

પોલીસફોર્સ વિષયક બાબતો પર એક આખો મહાગ્રંથ લખી શકાય,તેટલી વિગતો મારી પાસે છે,પણ પોલીસફોર્સની નવલકથાઓ પરથી બનેલી ફિલ્મોએ ફિલ્મજગતને અઢળક નાંણાં કમાવી આપ્યાં છે.અંગ્રેજીમાં તો `પોલીસ ઍકેડેમી`માં ટ્રેઇનીંગના છબરડાઓ ઉપર માણવા લાયક ફિલ્મની આખી સિરીઝ બની છે.આપણી હીન્દી ફિલ્મોમાં આદરણીય કલાકાર શ્રીઇફ્તેખારજી તથા શ્રીજગદીશરાજે ,ગીનીઝ બુકમાં વર્લ્ડરેકૉર્ડ નોંધી શકાય,તેટલી વાર,પોલીસ ઓફિસરના રોલ કરેલા છે.

ફિલ્મોમાં,પોલીસ ઓફિસરના પાત્રમાં,આપણા લાડીલા,`સ્ટાર ઓફ ધ મિલેનિયમ` શ્રીઅમિતાભ બચ્ચનજીને "જંજીર" ફિલ્મથી,સહુથી વધારે નોંધપાત્ર ફાયદો,એવો તો થયોકે,ખુરશીને લાત મારીને,ઇન્સ્પેક્ટર અમિતાભજી દ્વારા દ્વારા બોલાયેલો પેલો ચોટદાર સંવાદ,"યે પુલીસસ્ટેશન હૈ,તુમ્હારે બાપ ઘર નહીં,જબતક બૈઠને કો ના કહા જાય,ખડે રહો."આજે પણ ફિલ્મરસિયાઓની જીભના ટેરવે છે.આજ પ્રમાણે સમર્થ કલાકાર શ્રી નાનાપાટેકર નો"અબ તક છપ્પન"નો રોલ પણ જાનદાર છે.જોકે,આવા ફરજપરસ્ત,નિષ્ઠાવાન પોલીસઓફિસરના રોલ કરી નાણાંની ટંકશાળ પાડનારા અભિનેતા,જેવા અસલી જિંદગીમાં,ફરજપરસ્ત,નિષ્ઠાવાન પોલીસઓફિસરની,બધા ભેગા થઇ,કેવી ફિલમ ઉતારે છે? તે કોઇથી અજાણ્યું નથી.

ખેર,હું હવે એટલુંજ કહી આ લેખનું સમાપન કરુંકે,ભલે બધા કહેતા હોય,"પોલીસવાલોં કી ના દોસ્તી અચ્છી,ના દુશ્મની અચ્છી..!!"

પરંતુ,ખરેખર વખત આવે ત્યારે,મિત્ર તરીકે વર્તતા પોલીસ ભાઇ-બહેનોની આ ફોર્સને સહેજ પણ ઓછી આંકી શકાય તેમ નથી.મને યાદ છે ૧૯૭૦ થી ૧૯૮૦ ના દશકમાં (સાલ યાદ નથી) સમગ્ર પોલીસ ફોર્સે બે દિવસની હડતાળ પાડી હતી,ત્યારે અમદાવાદમાં,જાહેર રોડ ઉપર,અસામાજીક તત્વોનાં કારનામાં સમાજની,આંખ ઉઘાડે અને થથરાવી મુકે તેવાં હતાં.

બૉસ,રજાઇ જેવો,જાડો ડ્રેસ પહેરી,ઉનાળાની,કાળઝાળ(૪૫ ડિગ્રી) ગરમીમાં,ભર બપોરે,ટ્રાફીક નિયમનમાં સહાય કરવા કોઇ પોલીસમેન સાથે,બે કલાક ઉભા રહેજો.સમાજસેવાની,આકરી તપશ્ચર્યા કોને કહેવાય તે તાપમાં તપ્યા પછી ખબર પડી જશે.હવેથી,પોલીસમેન ઉપર હાથ ઉગામનાર,કાયદાનો ભંગ કરનાર કે રોડ ઉપર સ્પીડ ડ્રાઇવ કરનાર નબીરાઓને,નજીવો દંડ કરી છોડી,દેવાને બદલે,રાજેશખન્નાને,જુની "દુશ્મન"ફિલ્મમાં,જજ શ્રીરહેમાને કરેલી વ્યવહારુ સજાની જેમ,ટ્રાફીકનિયમનમાં સહાય કરવાની સજા કરે,તેવા જજસાહેબને,આપણે શોધી કાઢીએ,તો કેવું સારું..!!

ચાલો ત્યારે, એવા જજસાહેબને શોધવાના પ્રયત્નોમાં મને સાથ આપશો ? કે પછી,પોલીસને બોલાવું?

માર્કંડ દવે.તા.૦૬-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.