Saturday, January 16, 2010

ઘ-ઘરફ્રોડનો ઘ અને ધ-ધજાગરાનો ધ.

"કટાક્ષ"ઘ-ઘરફ્રોડનો ઘ અને ધ-ધજાગરાનો ધ. 

નોંધઃ-ઘણા ગુજરાતીને `ઘ` અને `ધ`માં તથા `ટ`-`ડ` વચ્ચે ભેદ નથી કરી શકતા, પરંતુ તેઓ અન્યના સાહિત્યને પોતાનું કરી નેટ પર ફરતું કરે છે તેવા સહુ `સાહિત્ય-કારોએ` આ વ્યંગને કેવળ હળવાશે અનુભવ કરવો,ગંભીરતાથી લેવો નહીં.બંધબેસતી પાઘડી પહેરવી નહીં.લાગણી દુઃભાયાના નામે મને પજવવો નહીં.ફરક સમજાવવા લેખમાં પૂરતા શબ્દો અર્થ સાથે આપ્યા છે,જે ભદ્રં-ભદ્ર પ્રકારના લાગે તો માફ કરશો.
દ્રશ્યઃ-ગામના ચોરા પાસે,ગામના નાગરિકો એકઠા થયા છે.

સરપંચ,પોલીસ ઇન્સ્પેક્ટર,શાહુકાર,કરડાકીભર્યા ચહેરા સાથે,તથા ધર્મિષ્ઠ પૂજારી,ગામના એકમાત્ર કવિ લેખક,શિક્ષકશ્રી,અને અન્ય મારા જેવા આલતું-ફાલતુ નાગરિકો ઓશિયાળા મોં કરી બેઠા છે..
(બધા એકબીજાનાં મોંઢા સામે જોઇ કાનમાં કૈંક કહેતા હોય તેમ જણાય છે,સરવાળે ઘોંઘાટભર્યું વાતાવરણ.)
સરપંચ,"સાંભળો,ભાઈઓ ઘોંઘાટ નહીં,શાંતિ જાળવો,આપણા ગામમાં હમણાંથી થતી ઘરફોડ ચોરીઓ (ઉઠાંતરી) રોકવા માટે પો.ઇં.સાહેબ આવ્યા છે,આપણે તેઓને શાંતિથી સાંભળીએ."

પો,ઇંસાહેબ,"ભાઈઓ,મને મળેલી ખબર મુજબ આ ચોરીઓમાં ગામના,(ઘરનાજ) કોઈ ફ્રોડનો હાથ છે.'ઘ'-ઘરફ્રોડનો `ઘ` અને 'ધ' ધજાગરાનો "ધ" નો,ફરક ખબર ન હોય એવાઓ ઉઠાંતરીના માલથી પોતાનાં,ઘર સજાવે છે."

(ફરી ઘોંઘાટ શરુ થાય છે,સરપંચ હાથ ઉંચો કરે છે,ઘોંઘાટ બંધ થઈ જાય છે.)

પો.ઇંસાહેબ,"આથી,હું આગળ કોઈ કડક કાર્યવાહી કરું તે પહેલાં,આપણા ગામના કવિ,લેખક, શિક્ષકશ્રીને હું વિનંતી કરીશ કે,તેઓ શક્ય એટલી સરળતાથી,'ઘ'-ઘરફ્રોડનો `ઘ` અને 'ધ' ધજાગરાનો "ધ", બંનેનો ફરક આપણને સમજાવે."

કવિ,લેખક,શિક્ષકશ્રી,પો.ઇં.સાહેબના હાથના ડંડા સામે જોઇ,ગભરાતા-ગભરાતા ઉભા થાય છે.
(ગામલોકો મોં પર હાથ રાખી ધીમું હસે છે.)

કવિ,લેખક,શિક્ષકશ્રી ,"આપ સહુનું સ્વાગત છે."

(ગામના મંદિરનો તબલચી ઊભો થયો.)

તબલચી,"સાહેબ,મારે સંધ્યાકાળે ભજનનો સમય થાય છે.સીધા સમ `ધ....આ..ધા` પર આવો તો સારું...!!!

ક,લે.શિ.,"સમજી ગયો,સમજી ગયો.ભાઈઓ,'ઘ'-ઘરફ્રોડનો `ઘ` અને 'ધ' ધજાગરાનો "ધ" નો,ફરક સમજાવવા માટે હું આપને ઉદાહરણ તરીકે આ ઘરફોડની રોજનીશીનું એક પાનું વાંચી સંભળાવું છું,જે મેં મારી કલ્પનાથી લખેલું છે."

પો.ઇં.સાહેબે નિરાંતે પગ ઉપર પગ ચઢાવ્યો.એ જોઇને,હું તથા ગામના લોકો પણ,જાણે કથાવાર્તા સાંભળવાની હોય તેમ,પલાંઠી મારી નિરાંતે બેઠા, કોણ જાણે કેમ..? પણ શાહુકારના ચહેરા ઉપર ઉતાવળ સાફ દેખાવા લાગી.

ક,લે.શિ.,"શીર્ષક છે...!! એક ઘરફોડની રોજ...ની....શી,,,ઇઇઇ,"
   
"..."હ..આ..ક..છી..ઇઇઇ," કોઇએ જોરથી એક છીંક ખાધી,અપશુકન થયા માની ધર્મિષ્ઠ પૂજારીએ મોઢું મચકોડ્યું.

કવિ,લેખક,શિક્ષકશ્રી,"એક ઘરફોડ કહે છે,

ભાઇ મારા, હું પણ મારું ઘર લઈને બેઠો છું,`ધર`(સંતોષ)રાખું,તે કેમ પાલવે?આમ તો મારું મન `ધડવા`(મોટી કોઠી) જેવું વિશાળ છે.મને ક્યારેક લાગે છે,હું `ધબેલા`ઓ(મૂરખાઓ)ના ગામમાં વસું છું,જેથી હવે મન ઘણીવાર `ધખી` જાય છે.કેટલાયના ઘરમાં `ધણ-ખૂંટ`(સાંઢ)ની માફક `ધખધખ` (ઉતાવળ) કરી `ધડબડ-ધડબડ`(દોડતાં) ફરી વળ્યો.ત્યારે મહામહેનતે હવે મારું ઘર પાંચ માણસમાં પુછાતું થયું છે. કેટલું ધ્યાન રાખવું પડે છે,ખબર છે? ભૂલથી પણ મારા કરતાં વધારે કોઈ બુધ્ધિમાન `ધડંગ-નડંગ`(નાગો-પૂગો) ભટકાઈ મારો `ધજાગરો`(ફજેતી) ના કરે તેનું ધ્યાન રાખવું પડે છે.હવે ઉઠાંતરી સાચવીને કરવી પડશે,નહીંતો એક`દિ ચોક્કસ કોઈ મારી સાથે `ધડતોડ`(કુસ્તીનો દાવ) અજમાવી,`ધડાપીટ`(કંકાસ) કરી,બધાને ભેગા કરી,મારી `ધટી`(લંગોટી) ઉતારી લેશે.

ભાઈ,જરા માંડ-માંડ મારા ઘરનો સમાજમાં `ધડો`(સમતોલપણું) થવા લાગ્યો હતો.અત્યારે તો અન્યના ઘરના `ધણી-રણી`(રખેવાળ) ઘણા ફૂટી નીકળ્યા છે.હમણાંથી તો જે ઘેર જાઉં છું ત્યાં,`ધકેલો`(ફોગટ ફેરો) થાય છે.`ધણી-રણી` મારી ઉપર `ધખણી`(ખિજાઈ) જાય છે. મારા ચોરેલા માલ માટે `ધડમચડ` (તાણા-તાણી) કરે છે. `ધવલ`(નિર્મળ) સ્વભાવના મૂળ ધણીને કશો વાંધો નથી હોતો, બીજા બધા `ધડિયાંગ`(ઢોલનો અવાજ) ઠોકે છે. સાલું હવે કોઈને `ધંતરવું`(છેતરવું) બહુ અઘરું થઈ ગયું છે. હાલ વધારે `ધરચી`(બળજબરી)થી મારા ઘર, જાતને `ધજ`(શ્રેષ્ઠ) સાબિત કરવા જઈશ તો...!!! કારણ વગર `ધખારી`(ઝીણો તાવ) ઘર કરી જશે.આપણે કાંઈ સાવ `ધનડ`(લઠ્ઠ માણસ)માણસ થોડા જ છીએ? આપણે લાગણીશીલ માણસ છીએ...!!` ધરકટ`(નીરોગી) રહીશું તો ઉઠાંતરી માટે ઘણાં રેઢાં ઘર મળી રહેશે.આ વાંચીને મને `ધડકણ`(બીકણ) સમજવાની ભૂલ ના કરતા.કોઈને મારા કૃત્યથી `ધડકાર`(મનદુઃખ) થાય તો મારો વાંક નથી,મારા ઘરને સતત સમૃદ્ધ રાખવાની `ધખના`(ઝંખના) ને કારણે હું આમ કરું છું,બીજાને આવું ના આવડે તો મારો વાંક થોડો ગણવાનો?"

કવિ,લેખક,શિક્ષકશ્રીએ,`ઘ`અને `ધ` નો,અમૂલ્ય જ્ઞાનયજ્ઞ અટકાવી,પાણીનો એક નાનો ઘૂંટડો ભર્યો.
(વચ્ચે,બીગબોસ-૩ જોનાર કોઈ શોખીન -"ડિસ ઍપિયર... ડિસ ઍપિયર....ડિસ ઍપિયર....ડિસ ઍપિયર".બોલ્યું,

પણ કવિ,લેખક,શિક્ષકશ્રીનું રોજનીશી વાંચનનું ઝનૂન ચરમસીમા ઉપર પહોંચી ગયું હોવાથી, ક,લે.શિ.ના કાને એ અવાજ પહોંચ્યો જ નહીં..!)

ક,લે.શિ, "અનુસંધાન થી હવે આગળ વધુ છું, ઘરફોડ કહે છે, ખેર હાલમાં સાવ નવરાશ હોવાથી આ રોજનીશી દ્વારા મારા દિલનો `ધમલો`(ઉકળાટ) કાઢવા બેઠો. જેને `ધરાર`(આપખુદી) કરવી હોય તે કરે...!! હું કોઈને `ધરાંધરાં`(ખુશામત) કરવા જવાનો નથી. હું કાંઈ `ધર્માદા`(ખેરાત) માંગવા થોડું જ જાઉં છું, ઉઠાંતરીમાં મહેનત કરવી પડે છે ભા....ઈ...!! હે ભગવાન..!!જેમને `ધર્માનુકૂલ`(ધર્મ અનુસાર ચાલવું) રહેવું હોય તે ભલે એવા નક્કામા ચાળે ચઢે...!!  ચા....લ, મારા જી...વ, મારા જેવા ઉચ્ચ કોટીના ઉઠાવગીરની કળાને `ધવાંસા`(જાળાં-બાવાં) જામી જાય તે પહેલાં, મારા મનનો, ઉઠાંતરી કેરો `ધવડો`(ખસખૂજલી) દૂર કરી આવું, હે સરસ્વતી માતા...!! મારી સહાય કરજે...!!"

લગભગ એક શ્વાસમાં"ઘ-ઘરફ્રોડનો ઘ અને ધ-ધજાગરાનો ધ"ના ફરકનું સમાપન કરી,તાળીઓના ગડગડાટની રાહ જોઇ, કવિ,લેખક,શિક્ષકશ્રીએ થાકને લીધે,આંખ બંધ કરી એક મિનિટનું મૌન પાળ્યું,
ત્યારે મેં જોયુંકે, પોલીસ ઇન્સ્પેક્ટરસાહેબ સહિત ગામના તમામ હાજર માણસોને ઘણા દિવસે મીઠી ઊંઘ આવી હોય, તેમ સહુ કોઈ નસકોરે ચઢ્યા હતા.

જોકે, સરપંચ જાગતા હતા પણ,એમના ચહેરા ઉપર,"ઘ-ઘરફ્રોડનો ઘ અને ધ-ધજાગરાનો ધ"ના ફરકને સમજ્યાના આનંદ કરતાં,"આ માસ્તરને ક્યાં બોલવા ઊભો કર્યો..??" એવો અફસોસ વધારે કળાતો હતો.
"ઘ-ઘરફ્રોડનો ઘ અને ધ-ધજાગરાનો ધ"ના ફરકને સમજ્યાના અઘોર પાપનું પ્રાયશ્ચિત કરવા, ગામના ધર્મિષ્ઠ પૂજારી અને તબલચી,મંદિરમાં ભગવાન પાસે આર્તનાદી ભજનો લલકારવા છટકી ગયા હતા. એટલામાં કૌતુક થયું, ધબાક થઈને જોરદાર અવાજ થતાં, બધા ભોંઠાં મોંઢે જાગ્યા ત્યારે, ગામના આબરૂદાર શાહુકાર, સફાળા જાગેલા પોલીસ ઇંન્સ્પેક્ટરસાહેબના પગમાં આળોટી, સઘળી ચોરી તેમના ઇશારે થતી હોવાનું કબૂલી રહ્યા હતા. પોલીસ ઇંન્સ્પેક્ટરસાહેબે મૂછ પર તાવ દઈ કવિ,લેખક,શિક્ષકશ્રી સામે આભારવશ નજર નાંખી,સભાને વિસર્જન કરી.

"ચાલો,અંત ભલા તો સબ ભલા."

ઘેર પાછા ફરતાં મેં ભોળાભાવે,કવિ,લેખક,શિક્ષકશ્રીને સવાલ કર્યો કે, "તે,,,હેં...સાહેબ,`વિનય`પૂર્વક કોઈને પણ ,ઘ-ઘરફ્રોડના ઘ અને ધ-ધજાગરાના ધ,નો ફરક સમજાવીએ તો બધાનાં હ્રદય પરિવર્તનની તમને `ખાત્રી` છે?"

એમણે તો કોઈ જવાબ ના આપ્યો, પણ આપણે ાઅજ પછી ક્યારેય ઉઠાંતરીનો માલ નહીં સંઘરવાનો સંકલ્પ જરૂર કરી શકીએ..!!

બૉસ,આપ મારી વાત સાથે સહમત થાવ છો?

માર્કંડ દવે.તાઃ૧૪-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.