Saturday, January 16, 2010

ત્રાગાંનો ત્રાસ - તાપ -સંતાપ.

ત્રાગાંનો ત્રાસ - તાપ -સંતાપ.

પ્રિય મિત્રો,

અક્બર બાદશાહ,બીરબલના હાજરજવાબી રમૂજીટૂચકાઓમાં એક જાણીતી કથા છેકે, શરતનાં નાણાં જીતવા એક ગરીબ પ્રજાજન, કડકડતી ઠંડીમાં, મહેલની સામેના સરોવરના ઠંડા પાણીમાં, આખી રાત, શરત અનુસાર ઉભો રહી, શરત જીતી જાય છે, છતાં અદેખા દરબારીઓની કાનભંભેરણીથી,બાદશાહ તેને દૂરથી મહેલના દીવાઓની ગરમી પ્રાપ્ત કરી,શરતનો ભંગ કરવાના, બહાના હેઠળ, જીતેલી રકમ આપતા નથી.

બીરબલને કાને વાત પહોંચતાં,ગરીબ પ્રજાજનને ન્યાય અપાવવા, તેઓ ત્રણ ઉંચા વાંસડા બાંધી,તે પર હાંડી લટકાવી,નીચે તાપણું કરી ખીચડી રાંધવાનું ત્રાગું કરે છે.પેલા ગરીબને ન્યાય મળે છે.

માનવજાતની ઉત્પત્તિ વેળાએ,કથા પ્રમાણે આદમ અને ઈવા વચ્ચે, ફળ ખાવા માટે કોણે કોની સાથે ત્રાગું કર્યું હશે...!! તેની તો મને જાણ નથી,પણ ત્રાગાં નો ઈતિહાસ ઘણો પ્રાચીન અને રસપ્રદ છે,તે નક્કી બાબત છે.

ત્રાગું એટલે ?

"બીજાની પાસેથી પોતાને ગમતું કાર્ય કાઢી લેવાને બળ નહિ વાપરતાં દયા ઉશ્કેરે અને સામાને હીણું લાગે એવું પોતે દુઃખ વેઠવું અથવા પોતાના જીવ ઉપર જોરાવરી કરવી તે; કર માફ કરાવવાને કે જુલમ અટકાવવાને માટે બાળકોને મારવાં કે પોતે પોતાની ઉપર જબરદસ્તી કરવી તે., આગળ જુલમી રાજાઓના વખતમાં રાજાના જુલ્મ કે અન્યાય સામે ભાટ અને ઘરડાં કે છોકરાં જીવ આપતાં તે ત્રાગું કહેવાતું. ભાટ લોકો ત્રાગું કરવામાં આગળ પડતા."

આપણી જૂની લોકકથાઓમાં,રામાયણ,મહાભારત,જેવા મહાગ્રંથોમાં પોતાની વાત મનાવવા માટે,જાત ઉપર જુલ્મ કરીને, ધાર્યું કરાવ્યું હોવાનાં ઘણાં ઉદાહરણ છે.પ્રાચીન રાજાઓના કાળમાં તો,આવા ત્રાગાંને જાહેર કરવા માટે અલગ કોપ ભવન નિર્માણ કરાતાં હતાં રામાયણમાં રાજા દશરથ પાસે ધાર્યું કરાવવા, રાણી કૈકેયીએ કોપ ભવનમાં પ્રસ્થાન કરીને ત્રાગું કરી,શ્રીરામને વનવાસ મોકલ્યા હોવાનું,તમામ લોકો જાણે છે.

ત્રાગાંના શસ્ત્ર `આમરણાંત ઉપવાસ` ના કુશળતાપૂર્વકના ઉપયોગ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીએ આપણા દેશને આઝાદી પણ અપાવી છે.જોકે, હવે આલિયા - માલિયા - ટાલિયા,કે રખડેલ લાલિયા નેતાઓને,પોતાના સ્વાર્થ માટે, ત્રાગાંના શસ્ત્ર `આમરણાંત ઉપવાસ` નો ઉપયોગ કરતા જોઈએ,ત્યારે આપણને ઘણી વાર આઝાદી મળ્યાનો અફસોસ કરવાનું મન થાય છે. આવા આમરણાંત ઉપવાસ, હવે એક ફારસથી વધારે ક્યારેય અસર કરતા નથી.ઘણીવાર તો આમરણાંત ઉપવાસીના ટેકેદારો જ,કોઈ નામાંકિત વ્યક્તિને આમંત્રણ આપી, ઝડપથી જ્યૂસ નો ગ્લાસ પીવડાવી દે છે.

અમદાવાદ.મ્યુનિસિપલ.કોર્પૉ.ની કચેરી સામે આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા એક મિત્ર એ દસ દિવસના ઉપવાસ છતાં, પોતે તંદુરસ્ત હોવાનું રહસ્ય બતાવ્યું. તે ભાઈ રાત્રે ઠંડીમાં માથે ચાદર ઓઢવાનું બહાનું કાઢી, કોઈએ ખાનગીમાં લાવી આપેલાં, ગુલાબજાંબું ગાલમાં દબાવી, ભૂખ હડતાલ કરતા હતા. ગુલાબજાંબું એટલા માટે કે, મોંઢામાં ઝડપથી ઓગળી જાય અને તેને ખાતાં અવાજ પણ ના થાય ?

આમ તો ત્રાગું કરીને પોતે પીડા સહન કરી ધાર્યું કરાવવું તે,સાયકૉલોજીસ્ટના મતે, માનસિક વિકૃતિનું લક્ષણ છે.
અમેરિકન સાયકિયાટ્રિક ઍસોસિએશન ના રિસર્ચ મુજબ," ત્રાગું એ,માનવ મનની,ઉદાસીને વ્યક્ત કરતો,એક પ્રકારનો માનસિક વિકાર છે."

આવો, અત્યંત આક્રમક, ક્રૂરતાભર્યો, બેમતલબ, માનસિક વિકાર,ઓછાવત્તા અંશે, બાળપણથી જ માનવ સ્વભાવ,વ્યવહારમાં હોય છે.

માનવજીવન અને ત્રાગું ? (આરંભ અને અંત )

માનવજીવનમાં ત્રાગું કરવાનો સ્વભાવ, માતાના ગર્ભમાં ભૃણને જીવ આવતાં જ આરંભ થઈ જાય છે..!!
પોતાની ઉપસ્થિતિનું જ્ઞાન કરાવવા, માતાને, ગર્ભસ્થ શિશુ દ્વારા, ગર્ભમાં મરાતી લાતો એ એક પ્રકારનું ત્રાગું કહી શકાય ?

નવજાત શિશુ, જન્મતાં જ રડીને પોતાની માંગણીઓ, દુઃખ વિગેરે ભાવ દર્શાવવાનું શરું કરે, તે પણ ત્રાગું જ છે.

ધીરજનો અભાવ,લાગણીઓની અભિવ્યક્તિ કરવાની અણઆવડત,વડીલોની આમાન્યા સામેનું સર્વમાન્ય, મૂક, છાનું, અસરદાર, હાથવગું શસ્ત્ર `ત્રાગું`,આગળ જતાં, વય વધતાં, છેવટે કાયમી ટેવમાં,માનસિક ગંભીર બિમારીમાં પરિણમે છે.

કેટલાક `HE`, ` SHE `,યુવા મિત્રો, પોતાની પસંદગીનો અભ્યાસ કરવા,પોતાના પ્રિય પાત્ર સાથે લગ્ન કરવા, સંયુક્ત કુટુંબમાંથી અલગ થવા, મિલકતમાં ભાગ પડાવવા, અગાઉના દગા, ફટકા, અપમાનનો બદલો લેવા,પોતાની સ્વભાવગત ઈર્ષાને સંતોષવા, જેવાં ઘણાં કારણોસર આ શસ્ત્રનો સફળ પ્રયોગ કરે છે.

પતિ-પત્ની ના સબંધમાં, ખટાશનું કારણ ત્રાગું જ છે. સેક્સ લાઈફના પ્રશ્નો, આર્થિક, ભૌતિક સુખસુવિધાના પ્રશ્નો, સંતાનના ઉછેરના પ્રશ્નો, એકમેકના કુટુંબીઓના માન-અપમાન ના પ્રશ્નો, જેવા અનેક પ્રશ્નોમાં, તેઓ ધીરજ ના અભાવે, ત્રાગાંનો શોર્ટકટ અજમાવવા પ્રેરાઈને, છૂટાછેડા અને ક્યારેક તો, આત્મહત્યા કરવા સુધી પ્રેરાય છે.

પોતે જીવનના તમામ યુધ્ધમાં સફળતા મેળવીને વિજ્યી થયા હોય, સમાજ સાથે નાગાઈ,નફ્ફટાઈ કરીને, અન્યનાં ત્રાગાંને ક્યારેય ગાંઠ્યા ના હોય તેવા,નિવૃત્ત થયેલા વડીલોની સમસ્યા તો વળી અલગ જ હોય છે. જ્યારે તેમને પાછલી નિવૃત્તિની અવસ્થામાં પત્નીકે સંતાનો તરફથી ઉપેક્ષા, થતી અનુભવાય ત્યારે, તેઓ નાની નાની વાતે માઠું લગાડીને, ભગવાનને કાલાવાલા કરી પોતાની પાસે,જલ્દી બોલાવી લેવા, વિનંતિ કરતા જોયાના પણ ઉદાહરણ ધ્યાનમાં આવે છે.

જાપાનમાં `હારાકિરી` (સ્વેચ્છીક મૃત્યુ )ની એક પ્રથા,ત્રાગાંનો જ એક પ્રકાર છે.મોટાભાગે વિશ્વના તમામ દેશ,તમામ ધર્મ,તમામ જાતિના,માનવ આવા ત્રાગાંના ત્રાસ -તાપ - સંતાપનો એકલદોકલ અથવા સામૂહિક ભોગ બનીને તેનાં અત્યંત માઠાં પરિણામો ભોગવી ચૂક્યા છે.

ત્રાગાંનો અંત તો મૃત્યુ સાથે આવે છે. મને એક પ્રશ્ન થાય છે, જેનો ઉત્તર કદાચ આપની પાસે હશે ?

આપણે મૃત્યું પામીએ તે પણ, ઈશ્વરના સાનિધ્યમાં ઝડપથી જવા માટેનું, એક પ્રકારનું ત્રાગું તો નથીને...??

ત્રાગું અને કાયદો.

તમામ દેશોમાં, ત્રાગાંને માનસિક વિકૃતિ ગણીને,ત્રાસની વિશાળ વ્યાખ્યામાં સમાવિષ્ટ કરી,ગુન્હાની માત્રા અને નાગરિકો ઉપર થતી અસરના પ્રમાણ,મુજબ કાનૂની દંડનું પ્રાવધાન કરેલું છે.જેમાં ચાઈલ્ડ એબ્યુઝ, હોમ વાયોલેન્સ, ટૅરરિઝમ અને અન્ય ઝીણામાં ઝીણી બાબતોને આવરી લેવાઈ છે.

જોકે,ઘણીવાર,કાનૂનના રખેવાળ દ્વારા જ ,ગુન્હો કબૂલ કરાવવા થર્ડ ડીગ્રી સુધી, પદ્ધતિઓ અજમાવતા હોવાના આક્ષેપો થાય છે.

વોશિંગ્ટન (D.C.)ના ચીફ ઓફ પોલીસ,રિચાર્ડ એચ.સાલ્વેસ્ટરે, પોલીસ દ્વારા આવા કિસ્સાઓમાં, ગુન્હેગારને, ડર, શરમ અને ગુન્હો કર્યાની લાગણી ઉત્પન્ન કરવા, અન્ય કેદીઓ ઉપર થર્ડ ડીગ્રી અજમાવી,એક પ્રકારે ત્રાગું કર્યાનું કબૂલ્યું છે,
તેમના મતે, સહુથી પહેલાં ગુન્હેગારની ફક્ત અટકાયત, ત્યારબાદ કસ્ટડી અને છેલ્લે ત્રાગું કરનારની માનસિક વિકૃતિની સામે સાયકૉલોજીકલ ટૉર્ચરની થર્ડ ડીગ્રી પદ્ધતિ અપનાવાય છે.

રોજિંદા ત્રાગાંનો સામનો કરવાના ઉપાયો.

જેમ દારુડીયો માણસ ઘણીવાર, થોડો જ નશો ચડતાં, હિંમત ભેગી કરીને સામેવાળા ઉપર મનની ભડાસ કાઢે છે, તેમ ત્રાગું કરનાર વ્યક્તિ, સામેવાળાની પ્રતિકાર શક્તિ,ત્રાગાંના ત્રાસથી, ઓછી થતી જોઈ, બમણા જોર થી ત્રાગાંની માત્રા વધારતી જાય છે.

મોટાભાગે, ત્રાગું કરીને, પોતાનું ધાર્યું કરાવવાની જીદ હોવાથી,ત્રાગાંમાં, બનાવટીપણા,નાટક અને કપટનો ભાવ અધિક હોય છે.તેથી જ કદાચ ત્રાગાં ઉપરથી કોઈની વિરુધ્ધ, ` ત્રાગડો (કપટ) રચવું`, તેવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે.

દરેકના જીવનમાં આવી સ્થિતિ પેદા થાય છે જ, ખાસ કરીને જે લોકો વધારે પડતા લાગણીશીલ,માયાળૂ,નરમ સ્વભાવના હોય, તેમનો લાભ લેવા માટે,ત્રાગાંનું હથિયાર લઈને હોશિયાર માણસો સદા,તૈયાર જ હોય છે.

આવી વિકટ સ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે કેટલાક ઉપાય નીચે દર્શાવ્યા છે.પોતાના જોખમે અજમાવી જોવા,,!!

૧. સૌ પ્રથમ તો, ત્રાગું કરનારના, ત્રાગાંના કારણના મૂળ સ્ત્રોત્રને શોધો.

૨. કારણનું મૂળ સ્ત્રોત્ર મળ્યા પછી,ત્રાગાંની ગંભીરતા સમજવા,મનને શાંત,સંયમમાં રાખો.

૩. ત્રાગું કરનારની માંગણીને નકારાત્મકને બદલે,હકારાત્મક ભાવથી મૂલવો.શક્ય છે તેની માંગણી વ્યાજબી હોય .!!

૪.બાબત બહુ ગંભીર ન હોય તો,ઝડપથી સમાધાનકારી વલણ અપનાવો.

૫.ત્રાગાંથી ચીઢાઈને,તેને સ્વમાન-અભિમાનનો પ્રશ્ન બનાવ્યા વગર,સામે બૂમબરાડા કરવા જેવું બેહૂદું વર્તન ના કરો.

૬. ત્રાગું કરનારને,આપ તેના શુભેચ્છક હોવાની ખાત્રી કરાવી,વિશ્વાસમાં લો.

૭. વાતચીત નો દોર ચલાવી,તેને પોતાની જાતને નુકશાન કરતાં રોકવાનો પ્રયત્ન કરો.

૮. ત્રાગું કરનાર વ્યક્તિ,શાંત થયા પછી,મક્કમતાથી,તેણે આમ કરીને,શિસ્તભંગ કર્યાનું જ્ઞાન કરાવો.

૯.શિસ્તબધ્ધ જીવન જીવનાર ઉપર,સમાજ વિશ્વાસ મૂકીને કેવી રીતે તેને સફળતા મેળવી આપે છે..!! તેનાં ઉદાહરણ આપો.

૧૦. આવા સમયે,ત્રાગાંની સામે સત્યથી મોટું અસરકારક કોઈ હથિયાર નથી.ત્રાગું કરનારને,અસત્ય કહીને સમજાવવાનો પ્રયત્ન ના કરશો.

૧૧. ત્રાગું કરનારને,તેની અગાઉની સારી બાબતોને યાદ કરાવી,તે બાબતોને બિરદાવો.

૧૨. દુનિયામાં તમામ વ્યક્તિને, ઈચ્છિત વસ્તું કાયમ મળે જ , તેવું તેમનું પ્રારબ્ધ હોતું નથી.કાયમ જીત મળતી નથી.તડકા પછી છાંયડો,સુખ પછી દુઃખ,તેમ જીતની સાથે હાર જોડાયેલી છે.આ વાત ત્રાગું કરનાર ને પ્રેમથી સમજાવો.

૧૩. અને છેલ્લે, ત્રાગું કરનારની સામે નકારાત્મક ભાવ છોડીને, ત્રાગું કરનાર વ્યક્તિની નજરથી, તેની વાત સમજવાનો પ્રયત્ન કરો.

મિત્રો, ત્રાગું એ માનસિક વિકૃતિ,દુઃખ અને હતાશામાંથી જન્મ લેતી એક ગંભીર બિમારી છે, ત્રાગાંને મેડિકલ, સાયકૉલોજીકલ ભાષામાં, `Obstinacy`, અથવા `Stubbornness`,કહે છે, આવી વ્યક્તિ ખરેખર તો,જીદ,ધીરજ અને સમજદારીનો અભાવ,અજ્ઞાનતા,નકારાત્મકતા,અતિશય લાડપ્યારમાં ઉછેર અથવા પ્રેમનો અભાવ, એકલતાની પીડા જેવી અનેક બાબતોને કારણે ત્રાગાંનો સહારો લેવા પ્રેરાય છે.યોગ્ય માનસચિકિત્સક દ્વારા સમયસરની સારવારથી આ રોગમાંથી કાયમી મુક્તિ મળી શકે છે.

વ્યક્તિ,સમાજ,દેશ અને દુનિયામાં,આ પ્રકારના દૂષિત રોગની ઉધઈને જો ઉગતી જ ડામી દેવામાં નહીં આવે તો, તે એક દિવસ વિશ્વયુધ્ધ જેવો ગંભીર ખતરો પેદા કરશે.

દા.ત. પાકિસ્તાને પ્રોત્સાહન આપીને ઉછેરેલું જેહાદી આતંકવાદ નામનું ત્રાગું,આપણને તો નડે જ છે,પરંતુ હવે પાકિસ્તાનને પોતાને પણ નડે છે,ત્યાં થતા બૉમ્બ ધડાકાથી મરતા, સેંકડો નિર્દોષ નાગરિકોનાં કરુણા ઉપજાવે તેવાં દ્રશ્યોથી પાકિસ્તાનને,ધડાકાસ્તાન કહેવાનું મન થાય તેટલી સ્થિતિ વણસી ગઈ છે.

"એકવાર લાલુજીએ દાવો કર્યો કે,તેઓની પાસે કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ છે,

તેથી કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનું કાર્ય વડાપ્રધાને તેમને સોંપ્યું.

એક જ બેઠકે, ભારત પાકિસ્તાનના સરહદી ઝઘડાનો ઉકેલ લાલુજીએ લાવી દીધો.તે જોઈ બધા મોંઢામાં આંગળાં નાંખી ગયા.

લાલુજીએ બેઠક દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિને એક જ ઓફર કરી," કાશ્મીર હમસે લેકર, આપકો,પાકિસ્તાન કી અવામ કો ખૂશ કરના હૈ ? ચલો મૈંને આપકો એક કે ઉપર એક ફ્રી કી ઑફર દી, આજ સે કાશ્મીર આપકા હુવા, સાથ મેં હમને આપકો હમારા બિહાર ભી ફ્રી મેં ગીફ્ટ કીયા..!!"

કાશ્મીર ઉપર પાકિસ્તાનનો હક્ક જતો કરવાના દસ્તાવેજ ઉપર, પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ, તરત હસ્તાક્ષર કરી દીધા."

હું ભગવાનને પ્રાર્થના કરું છું,સન - ૨૦૧૪ ની લોકસભામાં લાલુજી વડાપ્રધાન બને અને બિહાર દાનમાં આપવાના,ખતરનાક ત્રાગાંનો,ત્રાગડો રચી સફળતા મેળવી,ભારર્તીય ઉપખંડમાં કાયમી શાંતિ લાવ્યાનો જશ મેળવે ?

આપ શું કહો છે બૉસ, બિહાર દાનમાં આપવાનું ત્રાગું સફળ થઈ શકે છે ?

કદાચ, લાલુજી માટે બધું જ શક્ય છે.તેઓ ત્રાગાં કરી સફળતા મેળવવામાં નિષ્ણાત છે.

માર્કંડ દવે.તા.૦૮ -૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.