Wednesday, October 26, 2011

નવવર્ષપ્રભાતનો કિરણપ્રકાશ.ભાગ-૨.




નવવર્ષપ્રભાતનો કિરણપ્રકાશ.ભાગ-૨.


" न खलु अक्षिदुःखितः अभिमुखे दीपशिखां सहते । "



અર્થાત્- આંખોની પીડાવાળો માણસ સામે, દીવાની જ્યોતને સહન કરી શકતો નથી. -`વિક્રમોર્વશીયમ્ ` - મહાકવિ કાલિદાસ.


 પ્રિય મિત્રો, 

દીપાવલીના  આલેખ અંગેના વિચારોની, અર્ધતંદ્રાવસ્થામાં, ગત રાત્રે, કેટલાક આદરણીય મહાનુભાવ આવીને, એમના વિ.સ.૨૦૬૮ના નવા વર્ષના સંકલ્પ, મને કાનમાં કહી ગયા છે. તેઓએ તમને કહેવાની મને ના પાડી છે,પરંતુ મારા પેટમાં હવે વધુ સમય ટકી શકે તેમ નથી, કોને ખબર..!! એમાંથી કદાચ આપને પણ કોઈ સંકલ્પ અનુસરવા જેવો લાગે?


* આદરણીય શ્રીમતીસોનિયા ગાંધી,


" હવેથી મારા દીકરા રાહુલને દેશભ્રમણ કરવા દઈશ નહીં, છતાંય કરશે તો, એક દિવસના માત્ર  રૂપિયા-૨૬/- ખર્ચતાં તેને રોકીશ નહીં."


( આમેય, દીકરો હવે મો...ટ્ટો થઈ ગયો છે.)


* આદરણીય શ્રી રાહુલ ગાંધી.


"મમ્મીની ઇચ્છાને માન આપી, હવેથી હું ભારતભ્રમણ કરીશ નહીં, જો કરીશ તો રાત્રીનિવાસ, મલ્ટીમિલિયોનરના ઝૂંપડે કરીને માત્ર રૂ.૨૬માં મારો નિર્વાહ કરી બતાવીશ."


( હવે મલ્ટીમિલિયોનરનો વારો...!! તમે માઠું ના લગાડો..તમારે ત્યાંપણ આવીશ.)


* આદરણીય શ્રીમનમોહનજી.


"હવેથી આતંકવાદના મુદ્દે, પાકિસ્તાનને સાવ ધીમા અવાજે ડરાવીશ નહીં, જો ધીમા અવાજે બોલું તો...તો..એક મિનિટ..ટાઈમ પ્લીઝ..મારે પૂછવું પડશે?"


( આમેય અહીં દેશમાં, મારો અવાજ કૅબિનેટમાં જ, કોણ સાંભળે છે?)


* આદરણીય શ્રીચિદંબરમજી,


" આખું નવું વર્ષ, હું મૌન પાળીશ, હું નથી ઈચ્છતોકે, મારા ભૂલકણા સ્વભાવની ખામી, ગિનિઝ વર્લ્ડ રેકૉર્ડ બુકમાં નોંધાય..!!"


( ઘણું કહી ચૂક્યો...!! વધારે બોલવામાં હવે જોખમ છે.)


* આદરણીય શ્રીદિગ્વિજયસિંહજી,


"ભારતમાં ફેલાઈ રહેલા,`ભગવા તથા ભ્રષ્ટાચાર વિરોધી આતંકવાદ`ને હું છોડીશ નહીં, છતાંય એ આતંકી ઘા જો પાકશે તો,મારી બધી મિલકત વેચી દઈને પણ, તેનો બરાબર ઇલાજ કરીશ"


( `આદરણીય શ્રીઓસામાજી બીન લાદેનજી` છાપ મલમ, થોડીવાર તો બળશે...હોં...ભા...ઈ.)


* આદરણીય શ્રીનરેન્દ્રભાઈ મોદીજી.


" ન્યૂઝ ટી.વી.વાળા મને પી.એમ.ની ખુરશી તરફ દોડતો બતાવે છે, કિંતુ, મને તો ગુજરાતની છ કરોડની જનતા જે કહેશે તેમ જ હું કરીશ."

(લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ, જેવું કોણ કરે?)


* આદરણીય(???) શ્રી અમે પોતે કવિ-લેખકો.


" હવેથી આવું આડુંઅવળું કશું અમે, લખીશું નહીં. જો લખવું પડશે તો, કોઈનાય બાપની સાડાબારી રાખીશું નહીં."


( કોઈના બાપને વહાલો ગણવા કરતાં, આપ સહુની જેમ દેશપ્રેમ અમને વધારે વહાલો છે, અમારી પાસે એ દેશદાઝ જ તો, આવું બધું લખાવે છે..!!)


ઝનૂની દેશદાઝ જાગવાનું અમારી પાસે મજબૂત કારણ પણ છે. મોગલ બાદશાહ જહાંગીરે કાશ્મીરનું અપ્રતિમ સૌંદર્ય નિહાળીને સહસા કહ્યું હતુંકે,


" गर फिरदौस बर रू-ए-जमीं अस्त | हमीं अस्तो हमीं अस्तो हमीं अस्त | "  

( 'धरती पर अगर जन्नत कहीं है तो वह यहीं है, यहीं है, यहीं है।') - मुग़ल बादशाह जहांगीर


જોકે,  કાશ્મીર સહિત, સમગ્ર દેશની હાલની વણસેલી સ્થિતિ જોતાં તથા વારંવાર થતા આતંકી બૉમ્બ વિસ્ફોટને કારણે, દેશની કાળી સડકોને શોણિત મિશ્રિત, લાલ રંગથી રંગાયેલી જોતાં, એમ કહેવાનું દિલ થાય  છેકે,


 " ગર શોણિતવર્ણ -એ -દોજખ  રુ -એ - જ઼મીઁ  અસ્ત, હમીં અસ્તો,  હમીં અસ્તો, હમીં અસ્ત ।" 


( ઘરતી પર અગર  રુધિર જેવું લાલ નર્ક,  કોઈ જગ્યાએ છે તો તે, અહીંજ છે, અહીંજ છે, અહીંજ છે.) 


મિત્રો, એક જાણીતી કહેવત અનુસાર,, " પેટનો બળ્યો, ગામ બાળે..!!" આપણા ઘરમાં શુભપ્રસંગ હોય ત્યારે, જમણવારની આઈટમ અને તેમાં જોઈતા કરિયાણાનું લિસ્ટ બનાવવા, કોઈ દિવસ ભૂખ્યા માણસને બેસાડવો નહીં,સરખું ભોજન ન કર્યું હોય તેવો માણસ, હંમેશા, ૫૦૦ માણસની જગ્યાએ, લિસ્ટ ૮૦૦ કે ૧૦૦૦ માણસનું જ બનાવશે..!! વાત તો સાચી છે, જમીને લિસ્ટ બનાવવા બેઠેલો માણસ, પોતે ધરાયેલો હોવાથી, કાચી સામગ્રીમાં, ઘણો કાપ મૂકીને, લિસ્ટ બનાવે, તે સ્વાભાવિક છે.


પરંતુ, ઘણા  પ્રજાજનોને એ સવાલ સતાવે છેકે, આપણા દેશના, આપણી ક્ષુધાપૂર્તિ કાજે, આપણે ચૂટેલા `રાજાઓ`નું પેટ (ક્ષુધા) એવું તો કેટલું વિશાળ છેકે, લાખો-કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા છતાં ભરાતું જ નથી, સદૈવ ખાલીને ખાલી જ ભાસે છે..!! 


જયપુરના પ્રસિદ્ધ કવિશ્રીવરૂણજીના વ્યંગ કાવ્યની પંક્તિ કહે છેકે, ` मौजूदा सरकार के राज में, गधे भी  पंजीरी   खाए । `, वरुण चतुर्वेदीजी - जयपुर । ) 


આ પંજરી ખાઉ પ્રાણીઓને કારણેજ, આપણા દેશની સમગ્ર જનતા જેના આતંકથી ત્રાહિમામ છે તેવા, મોંઘવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ જેવા રાક્ષસનો વિનાશ થવાને સ્થાને, આ રાક્ષસોનો ત્રાસ સમગ્ર વિ.સં-૨૦૬૬-૬૭ દરમિયાન, સરકારી ઉદાસીનતા તથા અસમર્થતાને કારણે અસહ્ય વકરી ગયો છેતે, સર્વવિદિત બાબત છે. દેશના કોઈપણ સમજદાર નાગરિક, આ પ્રકારની, સમાજને નુકશાન કરતી કોઈપણ પ્રવૃત્તિનું સમર્થન કયારેય ન કરે અને તેથી, આવા પ્રબુદ્ધ નાગરિકોના પ્રેમભર્યા આગ્રહવશ, આ પ્રકારના લેખ દ્વારા, આપણા સહુના સહિયારા પ્રયાસથી, આપણા અંતરના અંધારે અટવાતા કેટલાક અસ્પષ્ટ ખ્યાલ, ધારણાઓના અંધારિયા ઓરડામાં, વિ.સં.૨૦૬૮ના નવવર્ષના નવપ્રભાતે,એક દ્રઢ સંકલ્પ દ્વારા, સર્વ દેશવાસીઓના અંતરમનમાં, જ્ઞાન પ્રકાશ રેલાવવાનો એક નમ્ર પ્રયાસ, આપણાથી અવશ્ય કરી શકાય. મહાત્મા શ્રીગાંધીબાપૂના,અણમોલ પ્રાણના બલિદાનના ભોગે પ્રાપ્ત થયેલી, મહામૂલ્ય આઝાદીની, આપણા મનમાં, કાંઈક તો કિંમત હશેજને?


જોકે, કેવળ જ્ઞાનની વાતો દ્વારા લોક ઉદ્ધાર નહીં, પરંતુ જ્ઞાનના આચરણથી જ જીવન ઊજાળીએ, જે પ્રકારે આદરણીય સંત શ્રીએકનાથજીએ, ભગવાન શ્રીરામેશ્વર મહાદેવના જલાભિષેક કાજે ગંગાજળ  ભરેલા ઘડાનું સઘળું, ગંગાજળ, મરવા પડેલા, એક તરસ્યા ગધેડાને પાઈ દીધું હતું, સત્ય જ્ઞાનાચાર આનેજ કહેવાય.


આચાર એટલે, વર્તન-આચરણ. માતાના ગર્ભમાંથી,જન્મ બાદ પ્રથમ આચરણ, નવજાત શીશુનું રુદન, છે તેમ કહી શકાય. આચરણના નવ પ્રકાર છે: શ્રૌતાચાર, સ્માર્તાચાર, તાંત્રિકાચાર, શિષ્ટાચાર, કુલાચાર, જ્ઞાત્યાચાર, જાત્યાચાર, દેશાચાર અને લોકાચાર. આ તમામ આચરણના ફાયદા-ગેરફાયદા સુપેરે જાણનાર વ્યક્તિ,` ભણેલો સાથે જ, ગણેલો છે.` તેમ કહી શકાય.


`ભણતર સાથે ગણતર`ની જરૂર હોવાના સમર્થનમાં, મહાન ગ્રીક ફિલૉસૉફર ઍરિસ્ટોટલ કહે છેકે, `વ્યવહારીક શાણપણને કેળવીનેજ, સાચું સુખ મેળવી શકાય` - Aristotle (384 BC – 322 BC)


ખરેખર તો, આપણે આવું સત્ય જ્ઞાનાચરણ સામર્થ્ય પ્રાપ્ત કરવા કાજે, આપણા દરેક વિચાર અને તેમાંથી ઉદ્ભવતા શબ્દને, સ્વસ્થ, સ્વત્વ (સ્વયં) નિરીક્ષણ - Self  Inspection ની કઠોર પરીક્ષામાંથી પસાર કરવા, મજબૂર કરવો જોઈએ. વિ.સ.૨૦૬૮ના નવા વર્ષમાં, આપણા  જીવનમાં, વિપરીત સમય, સંજોગ, પૂર્વગ્રહ જેવા, આધિ-વ્યાધિ-ઉપાધિ તથા આપણને ભવિષ્યની અજ્ઞાનતાના, અંધારિયા માર્ગ પર, મૂંઝવણભર્યા સંજોગોમાં, જે અસહ્ય તકલીફ પડવાની છે, તે  સર્વના ઉકેલ માટે,આવો સરળ, મનોવૈજ્ઞાનિક, પ્રૅક્ટિકલ અનુભવ, બીજો કયો હોઈ શકે?


વિ.સં.૨૦૬૮ના નવલા વર્ષે ધર્મયુદ્ધઆરંભનો સંકલ્પ. (પંચજન્ય શંખનાદ?)


મહાભારતના મહાગ્રંથમાં, કૌરવ-પાંડવ વચ્ચેના, ધર્મયુદ્ધ સમયે, સુપ્રસિધ્ધ પંચજન્ય શંખનો ઉલ્લેખ થયો છે. અઢાર દિવસ ચાલેલા આ યુદ્ધમાં, યુદ્ધની શરૂઆત, આ જ પંચજન્યના ધ્વનિ (ઉદ્ઘોષ) સાથે થતી હતી.એમ કહેવાય છેકે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવતો આ શંખધ્વનિ, સમગ્ર ત્રિલોકમાં સંભળાતો હતો.


વિ.સં.૨૦૬૭ના અંત ભાગમાં જ, ગાંધીવાદી નેતા શ્રીઅણ્ણા હજારેજી તથા તેમના સહકાર્યકર્તાઓએ, ભ્રષ્ટાચાર નિર્મૂલન અભિયાન છેડીને, `જનલોકપાલ બીલ`ના અમલીકરણ માટે, જે અહિંસક ધર્મયુદ્ધનો પંચજન્ય શંખનાદ કર્યો તથા સમગ્ર દેશમાં, તેને જે પ્રકારે વિશાળ જનસમર્થન પ્રાપ્ત થયું, તે નિહાળી એમ અવશ્ય આશા રાખી શકાયકે, વિ.સ.૨૦૬૮ના નવા વર્ષમાં, દેશની જનતાને આ અહિંસક ધર્મયુદ્ધની અસરકારકતાને કારણે, મોંઘવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ જેવા રાક્ષસને નાથવામાં મહદ અંશે સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. આખોય દેશ વીર ભગતસિંહ, સાવરકર, ચંદ્રશેખર આઝાદના આદર્શને ફરી પુનર્જીવિત કરશે, આપણા દેશનું યુવાધન, નવા વર્ષના સંકલ્પરૂપે નવેસરથી ચાર્જ થઈ, દેશની રક્ષા કાજે અહિંસક રાષ્ટ્રધર્મયુદ્ધમાં પોતાનો પ્રાણ ન્યોછાવર કરી દેવાની ભાવના કેળવશે..!!


"हस्ती अंकुशमात्रेण वाजी हस्तेन ताड्यते।
श्रृङ्गी लगुडहस्तेन खड्गहस्तेन दुर्जनः॥" - ચાણક્ય.


અર્થાત્- "હાથીને અંકુશથી,ઘોડાને ચાબૂકથી અને પશુને ડંડાથી વશમાં કરી શકાય છે,પરંતુ દુષ્ટ વ્યક્તિથી છુટકારો મેળવવા તેનો સંહાર જ કરવો પડે છે."


ચાલો, આપણે પણ વિ.સ.૨૦૬૮ના નવવર્ષમાં સમાજને વિનાશ તરફ દોરી જતી આસુરી શક્તિઓ (લપોડશંખ) સામે અસલી પંચજન્ય શંખનાદ કરીને,રાષ્ટ્રધર્મયુદ્ધમાં સત્યનો સાથ આપીએ. તેની શરૂઆત આપણા પોતાની જાતસુધારણા દ્વારા કરીએ. 


જોકે, આપને થશેકે, આ `લપોડશંખ` કઈ બલા છે? આપણા સમાજમાં,સાવ લબાડ અને બોલીને ફરી જનારા માણસો માટે `લપોડશંખ` શબ્દપ્રયોગ કરાય છે. જે આપણા દેશના વર્તમાન કેટલાક અહંકારી ભ્રષ્ટનેતાગણ પર બરાબર ફીટ બેસે છે..!! આપણા આ કેટલાક ભ્રષ્ટ નેતાઓને, પ્રજાએ પોતાની મનોકામના પૂર્ણ કરવા, સત્તાનો એક દૈવી શંખ પ્રેમથી ભેટ આપ્યો છે, પરંતુ, જે પ્રકારે નેતાઓ પાંચ વર્ષે ફક્ત એક જ વાર, પ્રજાને મોં બતાવે, જાહેર ભાષણમાં કેટલાય વાયદા-વચન આપી અને પછી પાળતી વેળાએ લબાડવેડા કરે,તેવા લોકોને આપણે `લપોડશંખ` નહીંતો બીજું શું કહીશું?


આમ તો, `લપોડશંખ` શબ્દ એક જૂની લોકકથા ઉપરથી આવેલો છે. એક નગરશેઠની સેવાથી ખુશ થઈને, એક ફરતારામ સિદ્ધ સાધુએ, તેને ઇચ્છીત વરદાન આપતો, દૈવી શંખ ભેટ આપ્યો. પરંતુ, નગરશેઠે પોતાને ફાયદો થાય તે માટે, બીજાનું બૂરું કરવા માટે શંખને આદેશ કર્યો. જોકે, શંખ તો નગરશેઠ કહે, તેનાથી બધું ઊંધું વર્તવા લાગ્યો. છેવટે, કંટાળીને નગરશેઠે શંખને જ સીધો સવાલ કર્યોકે,"ભાઈ, હું કહું છું, એના કરતાં તું ઊંધું કામ કેમ કરે છે?" 


શંખે શાંતિથી જવાબ આપ્યો," તું નગરશેઠ હોવા છતાં, તારું જનકલ્યાણનું કર્તવ્ય ભૂલીને, પ્રજાનું બૂરું ઇચ્છે છે એટલેકે, તું લબાડ છે તો પછી, તારા ઉપયોગ પૂરતો, હું પણ દૈવીશંખ નહીં, `લપોડશંખ` છું."


જે પ્રકારે, આપણા દેશના વૉટ ભૂખ્યા કેટલાક રાજકારણીઓ (નગરશઠ?) પડોશી દેશમાંથી, ઘાતક હથિયારો સાથે, તદ્દન ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને, અનેક નિર્દોષ નાગરિકોના જાનમાલનું બેધડક નુકશાન કરનારા, આતંકી અજમલ કસાબ, સંસદભવન પર આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અફઝલ ગુરુ જેવા ઘાતકી આતંકીને સંરક્ષણ આપી, પ્રજાના પરસેવાની કમાણીમાંથી, તેમની ફાઈવસ્ટાર સરભરા કરી, તેમને ઓછી સજા થાય અથવા સજામાં શક્ય તેટલો વિલંબ થાય તેમ, અસંદિગ્ધપણે વર્તીને, સામાજિક ન્યાયની સ્થાપનામાં જે રીતે ઠાગાઠૈયા કરે છે તે જોતાં, આવા કેટલાક (નગરશઠ) નેતાઓને`  `લપોડશંખ`નું ઉપનામ વિના સંકોચ અર્પણ કરી શકાય?


આજ પ્રકારે, આજકાલ, કેટલીક ન્યૂઝચેનલના પત્રકાર મિત્રોને, પોતે સમાજના સર્વ લોકોના રખેવાળ કે હામી હોવાનો ખ્યાલ મનમાં સળવળતાં, જાણે કૂથલીનો અવર્ણનીય, નિંદાનંદ માણ્યાનો સંતોષ પ્રાપ્ત થતો હોય તેમ, છાશવારે સમયની ખાનાપૂર્તિ કરવા અને સનસનાટી જગાવવા, `BREAKING NEWS` ના નામે જાહેરમાં, રીપીટ ટૅલીકાસ્ટ દ્વારા, જોવા જેવા, ન જોવા જેવા, કોઈને કોઈ રાજકીય પક્ષ દ્વારા સ્પૉન્સર્ડ કરાયેલા,તમામ સમાચાર વારંવાર પ્રસારિત કરીને, આપણા માથે પરાણે ઠોકે  છે? આવા લોકો, સમાજને, સરકારને,અરે..!!  મિડીયા ટ્રાયલ ચલાવીને, નામદાર કોર્ટમાં ચાલતી, વિવિધ સબજ્યુડીસ મૅટરને પણ, પ્રભાવિત કરવાના પ્રયત્ન કરવા લાગ્યા છે? આ ઉપરાંત,  પ્રિન્ટ-ટીવીનું, પીળું પત્રકારત્વ, એટલા માટે ખતરનાક છેકે,  માણસ આજનું અખબાર વાંચીને, પસ્તીમાં આપી છુટકારો મેળવી લે છે, જ્યારે  બ્રેકિંગ  ન્યૂઝના  નામે, ટીવીમાં એક ના એક  બોગસ ન્યૂઝ, અવિરત,  દર અડધા કલાકે, ચોવીસ કલાક,  ટેલિકાસ્ટ  કરીને, ગૉબલ્સના  ભ્રામક  પ્રચારની  વ્યાખ્યાની  માફક, સત્યને  આંખે પાટા બાંધવામાં આવે છે. શું સમાજના, ખાસ કરીને,  દરેક સ્વસ્થ વિચારક, વિદ્વાન વાચક, ચેનલ વ્યૂઅરના ગમા-અણગમાને ધ્યાને લઈને,  શું પીરસવું? કેટલી માત્રામાં પીરસવું? કેટલીવાર પીરસવું? અને પીરસતાં પહેલાં પોતે પીરસેલ સ્ટોરીના કન્ટેન્ટ અંગે, સ્વસ્થ, સ્વત્વ (સ્વયં) નિરીક્ષણ - Self  Inspection, તેઓએ કર્યું છે ખરું?   


જોકે, એ બાબતને ધ્યાને લેતાં તો, ભારતમાં ઘણાખરા અપ્રામાણિક રાજકારણીઓ, કેટલાક ભ્રષ્ટ સરકારીબાબુઓ, કેટલાક બેઈમાન મિલાવટખોર-સંગ્રહખોર વેપારીઓ, કેટલાક લેભાગુ તબીબો,કેટલાક `સૉ કોલ્ડ` વંઠેલા સંત, સાધુ, ઓલિયા, ફકીર, પાદરી કેપછી, ગુજરાતની જનતાની સતત બદબોઈ કરતી, `SO CALLED  NGO`s`ના બહાને નકારાત્મક પબ્લિસિટી દ્વારા, સતત સમાચારમાં રહેવા, હવાતિયાં મારતા કેટલાક કહેવાતા સામાજિક કાર્યકર્તાઓ, કેટલાક નકલી ન્યાયવિશારદ ઍડવોકેટ્‍સ, નકલી શિક્ષણશાસ્ત્રીઓ, કેટલીય ન્યૂઝચેનલના કેટલાક અહંકારી પત્રકાર, ચેનલ્સ માલિક અને અન્ય આવા તમામ (નગરશઠ) લોકો, `લપોડશંખ`નું ઉપનામ મેળવવાને લાયક હોય તેમ આપને નથી લાગતું ?


જે દેશની કુલ વસ્તીમાંથી અડધો-અડધ ગરીબ પ્રજા,  સવાર-સાંજના રોટલા-પાણીને માટે તડપતી હોય ( આમાં હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ બધા આવી ગયા.) ત્યારે, તેમને અન્ય સુખ-સુવિધાને બદલે, કેવળ મોતના ભયને ઢાંકવા આતંકી કફનનાં ચીથરાં મળે, કેટલાક ધર્મઝનૂની આતંકવાદી દેશની શાંતિને હણવા, નિંદનીય ઘટનાઓને અંજામ આપી ગણતરીપૂર્વક અલગ-અલગ ધર્મના લોકોની લાગણી બહેકાવે ત્યારે, આવા કેટલાક `લપોડશંખ` ભેગા મળી, તેમનો મલિન મકસદ પાર પાડવા સિવાય અન્ય કોઈજ હેતુ ન હોઈ શકે, તે બાબત સાવ નાનું બાળક પણ સમજે છે..!!


ચાલો, નવલા વર્ષ નવપ્રભાતના કિરણપ્રકાશે, દ્રઢ સંકલ્પ કરીએકે, ઉપર દર્શાવેલા સમગ્ર વર્ગમાં, જ્યારે હજુપણ સ્વચ્છ અને વ્યવસાયની પવિત્રતાને જાળવી, સરકારના કાન આમળી શકે, તેવા કટાક્ષરૂપી બાણ છોડવાની તાકાત ધરાવતા, સારા પત્રકાર, વિદ્વાનો, ચિંતકોની ફોજ છે, જે ધારેતો વિશાળ વૈચારિક આંદોલન દ્વારા, દેશને નવનિર્માણના માર્ગે દોરી જઈ, આવા લપોડશંખોને  આકુળ વ્યાકુળ  કરી શકે તેમ છે ત્યારે, આવા બાકી રહેલા કેટલાક પ્રામાણિક, સત્યનિષ્ઠ, દેશપ્રેમી લોકોનો સાથ અને સહકાર મેળવી, આપણી ભાવિ પેઢીના ભવિષ્યને અંધકારમય બનાવવા કટિબદ્ધ થયેલા, આદરણીય શ્રીગટોરગચ્છજીના માનસપુત્ર સમાન, આવા તમામ આસુરી અનિષ્ટોને, જડમૂળથી ઊખાડી ફેંકવા, નવા વર્ષમાં આપણે આપણી સમસ્ત તાકાત અજમાવીશું?





http://markandraydave.blogspot.com/2011/10/blog-post_25.html


 નવવર્ષપ્રભાતનો કિરણપ્રકાશ. અંતિમ ભાગ-૩. 

http://markandraydave.blogspot.com/2011/10/blog-post_27.html


માર્કંડ દવે. તા.૨૫-૧૦-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.