Tuesday, August 17, 2010

સંવાદ શ્રેણી - ૭ ` પાઈલ્સ.`

સંવાદ શ્રેણી - ૭ ` પાઈલ્સ.`



"  જીભ જ  કરાવે, આ નવાજુની..!!
   ખાય ભીમ  અને  જાય  શકુની..?"

==========

પ્રિય મિત્રો,

સંવાદ શ્રેણી - ૭ ના, આ લેખને, પાર્લામેન્ટના, આદરણીય (!!) સાંસદોના, મોંધવારી નડતી હોવાને કારણે,  કરાતા પગારવધારા સાથે, જોડવાનો કોઈએ પ્રયત્ન કરવો નહી. આ લેખ, તેવા ફાલતુ વિષય પર નથી.

આ લેખમાં,

જીભ = જનતા ; સ્વાદ = ભ્રષ્ટાચાર ૩૨ દાંત =સાંસદો ;    શ્વાસનળી = ભારતમાતા ;    અન્નનળી = રાષ્ટ્રપતિ ;    પેટ = મોંઘવારી ;   આંતરડાં = સંગ્રહખોરો ;   કમરના મણકા =  વિભિન્ન રાજ્ય  ;  પૂંઠ = આંતરિક અવ્યવસ્થા અને પાઈલ્સ = આતંકવાદ છે? તેમ માનવાની ગંભીર ભૂલ, કોઈએ  હરગિજ કરવી નહીં.

આ  લેખ લખતી વખતે, આવી કોઈજ સામ્યતા, અમારા મનમાં, નથી જ નથી.......!!

તો પછી, આપ પણ તેજ  પ્રમાણે, આ સંવાદને, એકમેક સાથે સાંકળી લેવાની ભૂલ નહીંજ કરો,  તેમ, આપ  વિદ્વાનોની  બુદ્ધિક્ષમતા પરના, મારા વિશ્વાસને કારણે, મને  લાગે છે...!!

પછી તો, કાંઈ એક સરખું ભાસે તો, યોગાનુયોગ માનવો..!! બંધબેસતી પાઘડી પહેરવી નહીં, બીજું તો શું કહું?

==========

જીભ - ( જીભ = જનતા? ના ભાઈ ના.)

" દાંત ભાઈ, તમને ,મારી એક નમ્ર વિનંતી છે..!!"

૩૨ દાંત (એક સાથે) ( ૩૨ દાંત =સાંસદો? ના ભાઈ ના.) -

" બોલને, બહેના..!! આ વખતે, રક્ષાબંધન પર, તારે ભેટમાં, મોંઘવારી-વધારો જોઈએ છે? કરાવી આપીશું બસ? બોલ બીજું કાંઈ..!!"

જીભ -

" ના ભાઈઓ ના..!! આ તો તમે, સ્વાદનો સ્વાદ માણવા, બરાબર  દબાવી-દબાવીને, જે મળે તે બધુંજ,  ચાવી-ચાવીને, ઓહિયાઁ કરી જાવ છો..!! તેમાં  જરા, મારું ધ્યાન  રાખવાની, તમને વિનંતી કરવી છે.

તમે તો મારા રક્ષક છો છતાંય, કાલે રાત્રેજ, તમે  મને, તમારી વચ્ચે દબાવીને, લોહીલુહાણ  કરી નાખી હતી, બસ, સવાર  થતાંજ  ભૂલી ગયા?"


સ્વાદ ( ખંધુ હસીને - સ્વગત) ( સ્વાદ = ભ્રષ્ટાચાર?  ના ભાઈ ના.)-


" લઢી મરો સાલાંઓ..!! તમે મરશો, પણ હું તો  દાંતે અને દાઢે એવો વળગ્યો છું,તે  કેમેય કરીને, ઉખડવાનો નથી?

દાંત -

" જો, બહેના..!! તું અમારો વાંક ના કાઢ. અમે તો નાનપણમાં, દુધિયા હતા ત્યારે, એક વાર સતા પરથી ઉતરી ગયા હતા. તેંજ અમને ફરીથી ઉગવામાં મદદ કરી હતી..!! માન્યામાં ન આવે તો, પૂછ આ તારી બહેનપણી, શ્વાસનળી- અન્નનળી બહેનને?"

શ્વાસનળી- ( શ્વાસનળી = ભારતમાતા? હા ભાઈ હા.)

" ભાઈ અને બહેનો..!! મારી તો તમને એકજ સલાહ છે, જ્યાં સુધી હું છું ત્યાં સુધીજ, તમે બધાં ચેતનવંતા રહેશો, માટે  એવું કોઈજ કામ ન કરશો જેથી, હું વગોવાઉં.

આપ સહુએ, જોયું હશે..!!  મને હરામના અન્નનો એક દાણો પણ ના ખપે. કાલે જોયું નહીં?  જીરા રાઈસનો એકજ  દાણો, ભૂલથી મારા તરફ આવી ગયો હતો..!! મેં તરતજ ઈમાનદારીથી, અંતરાશ (ઉધરસ) ખાઈને,  આ અન્નનળી બહેનને, પાછો નહતો આપ્યો?

અન્નનળી- ( અન્નનળી = રાષ્ટ્રપતિ? ના ભાઈ ના.)

" હાય..હાય..બા..!! મારું તો કોઈ નામ જ ન  લેતાં..!! મારી ફરજ હું બરાબર તટસ્થભાવથી, બજાવું જ છું. તમે બધાં, ઉપરથી જે કાંઈ મોકલો છે તે, કશી પડપૂછ વગરજ મંજુર કરીને, પેટભાઈ સુધી દરરોજ પહોંચાડી દઉં છું  કે  નહી?

ઘણીવાર તો મારી બાજુમાં આવેલા, મારા પડોશી હ્યદયભાઈ, મને `રબરસ્ટેમ્પ` કહે છે. (મોં  પર હાથરૂમાલ ઢાંકીને, રડમસ અવાજે) મારે તે કેટલાકની ટીકાઓ સાંભળવાની?  બળી આ જગ્યાને, બળ્યો આ અવતાર..!!"


પેટ - ( પેટ = મોંઘવારી? કદાચ, હા.)

" જીભ બહેન, તમે ખોટું ન લગાડતાં, આતો મારો હવે ઉલ્લેખ કર્યો છે, એટલે મારે જાહેર ખુલાસો કરવો જ પડશે...!!   આ સ્વાદભાઈ, જીભબહેન અને દાંતભાઈઓની બદમાશીને કારણેજ, ઑવરટાઈમ કરીને પણ, રાત દિવસ જોયા વગર,  મારે આગળ વધવું પડે છે..!!

સાલું, સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત, મને ય લાગુ પડે કે નહીં ? વધી વધીને  હવે, હું  ફાટું-ફાટું થવામાં છું, પછી `રોટી રમખાણ` થાય તો,  `પાપી પેટે` આ બધું કરાવ્યું તેમ, મને દોષ ના દેતાં..!!  ખબર છે? તમારે લીધે, આ આંતરડાંભાઈને પણ, કેટલી બધી તકલીફ પડે છે..!!"

આંતરડાં- ( આંતરડાં = સંગ્રહખોરો?  ના ભાઈ ના.)

" પેટભાઈ, અમારી ચિંતા તમે ન કરતા, અમે તમને કોઈ દિવસ ફરિયાદ કરી? તો પછી? અમને તો, સ્વાદભાઈ અને તમે આગળ વધો તેમાં, બહુ રસ છે, તોજ  અમે પણ અમારા નસીબમાં હોય તેટલો રસકસ ચૂસીએકે, નહીં? સમજતા નથી યાર..!!"

કમરના મણકા (સ્વગત) ( કમરના મણકા =  વિભિન્ન રાજ્ય? ના ભાઈ ના.)  -

" આ બબૂચકો, લઢવામાંથી જ ઉંચા નથી આવતા, તેમના પાપેજ, મારી પૂઠે, પાઈલ્સ  નામના  રાક્ષસ  હેરાન કરતા થયા છે? તેય તે ડફોળોને સમજાતું નથી લાગતું?

કેવા છે આ લોકો? આમની ચિંતા અને આગળના ભાગે, પેટના સતત વધારાથી, મારા બધાય મણકા પોતપોતાના સ્થાન પર સહિસલામત, એક સંપ રાખવા મુશ્કેલ થઈ ગયું છે..!!"

પૂઠ ( દયામણા ચહેરે) ( પૂંઠ = આંતરિક અવ્યવસ્થા? ના ભાઈ ના.) -

" તમારી વાત સાવ સાચી છે મણકાભાઈ, આ  આગળવાળા (પેટ) અને ઉપરવાળાએ (સ્વાદ,જીભ, દાંત, અન્નનળીએ), પાછળવાળી પૂંઠનો તો વિચાર જ નથી કર્યો..!!   

તેમના પાપે વકરેલા આ પાઈલ્સ કેટલું હેરાન કરે છે? તે, પાછું વળીને  જોવા, તેમને  થોડુંજ આવવું છે?"


પાઈલ્સ - ( પાઈલ્સ = બાહ્ય આતંકવાદ? હા ભાઈ હા.) 

" એ કઈ ટાયલીની, મારી વિરૂદ્ધ બોલી? ભૂલી ગઈ? હમણાંજ સીસકારો લેતાંય, ભૂલવાડી દીધી`તી તે? જરા, હખણી રહેતી હોય તો?

=========

લેખકોની પત્ની ( બાથરૂમનો દરવાજો ઠોકીને) -

" હેં ..!! કહું છું..!! આ સવાર-સવારમાં, બાથરૂમમાં તમને એક કલાક થયો..!! ક્યારનાય, અંદર ભરાઈને  શું કરો છો, ભૈ`સાબ ?  અરે..રે..!! બાથરૂમમાંય, લેપટોપ લઈને ગયા`તા ?  હે..રામ..!!"

આપણે લેખકો - ( ચિડાઈને )-

" તને જેમાં, ખબર ન પડે તેમાં,  શું કામ તું  ડાહી થાય છે?

તને ખબર છે? જેમ, યુદ્ધનું રિપોર્ટીંગ કરવા, બરખાદત્ત, યુદ્ધના મેદાન  સુધી જાય, તેજ પ્રમાણે મારે,`પાઈલ્સ` નો તાદ્રશ્ય -  વાસ્તવિક લેખ લખવો હોય તો, સાથે  લેપટોપ જોઈએ કે નહીં?  સાવ નાંખી દેવા જેવી, વાત કરે છે તે?"


લેખકોની  પત્ની (લાડ કરતાં) -

" ચિડાવ છો શું કામ? સવારના આ મદમસ્ત, વાછંટી, વરસાદી ઠંડા વાતાવરણમાં, ગરમાગરમ દાળવડાંના નાસ્તા સાથે, કાંદા, તળેલાં મરચાં આપું  કે, ટૉમેટો-ચી...લી સૉ...સ?"

" બાપરે, ફરી ચી..લી..? હાયરે.., આ પાઈલ્સ..!!"

==========


મિત્રો, આપની માફક મનેય, આ `પાપી પેટ`, અને `પાઈલ્સ` કનડે છે અને છતાંય...!! 

આ નફ્ફટ તમામ દાંત, અરસપરસ કકડીને, ભીડાઈને, તેની નોંધ પણ નથી લેતા..!!

મને વધારે શરમ તો, ત્યારે આવે છે  કે, આ બધા દાંત વચ્ચે, વસતી એકાદ ડહાપણની દાઢ પણ, કશુંજ કરતી નથી..!! તો  પછી, એય શું  કામની?

જોકે, મને ખાત્રી છે..!! હવે વકરેલા  આ  બત્રીસ લક્ષણા (..!!)  ૩૨  દાંતને, ફરીથી સત્તા પર આવવું, હશે તો પેટનું કદ ઘટાડેજ છૂટકો..!!  ફાંદને ફાટવા થોડી જ દેવાય, `રોટી રમખાણ`થી તો, ગમે તેવા અક્કડુ દાંતને ય, ગભરાવું પડે છે..!!

બાય ધ વૅ, બૉસ..!! આ  લેખમાં,આપ,  જો  કંઈ સમજ્યા હોય તો, મનેય સમજાવશો પ્લીઝ?

માર્કંડ દવે.તા; ૧૭ ઑગસ્ટ ૨૦૧૦.

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.