Saturday, September 11, 2010

બાઈસિકલ વિરૂદ્ધ કાર

Bicycle  versus Car

"બે જ પૈડાંની સાયકલનો  છે,  કેવો   ગજબનો  ખેલ..?"
 પેટ  ખાલીને,  શ્વાસ  ભરેલો, ભવનો અભરખો   મેલ..!!

=========

પ્રિય મિત્રો,

વીજળીઘર-લાલદરવાજા ચારરસ્તા પાસે, રેડ સિગ્નલ થવાથી, તમામ વાહન હકડેઠઠ, એકમેકને લગભગ અડી-અડીને ઉભા હતાં. તેવામાંજ  અચાનક ભીડના એક ખૂણે ઝઘડો શરૂ થયો, હું ત્યાંથી પસાર થતો હતો, મને કુતૂહલ જાગી ઉઠવાથી, તે તમાશો જોવા, હું  થોડીવાર થંભી ગયો.

જોયુંતો, વાહનોની ભારે ભીડમાં, એક સાયકલસવાર, નજીકમાં ઉભેલી નવીનક્કોર કાર પર, કોણીનો ટેકો દઈને  ઉભો રહ્યો, તેના કારણે, સાયકલનું પેડલ, કાર સાથે ઘસાયું. કારના દરવાજાના બહારના ભાગે, રંગ પર લાંબો, ઊંડો  લિસોટો પડીને, કારની બૉડીમાં, સાધારણ ગોબો પડવાથી, કારચાલકનો પિત્તો ખસી ગયો જે છેવટે ગાળાગાળી અને પછી હાથોહાથની લડાઈ સુધી પહોંચી ગયો.

જોકે, લીલો સિગ્નલ થતાંજ, પાછળ ઉભેલા વાહનોનાં, સતત વાગતાં હોર્નથી, કંટાળીને પેલો કારચાલક અને સાયકલ સવાર, બબડતા-બબડતા,પોતપોતાના રસ્તે પડ્યા.

વર્ષો અગાઉ નિહાળેલો, આ ઝઘડો, મને હજી યાદ રહેવાનું કારણ?   સરળ છે. પેલા ગુસ્સે થયેલા કાર ચાલકે, વાંકગુન્હામાં આવેલા સાયકલસવારને, 'યુ સ્ટુપીડ, સ્ટ્રીટ ડૉગ?', જેવી  ખરાબ ગાળ આપી હતી, તે મારા મનમાંથી, આજદિન સુધી, ખસી નથી..!! જોકે, તે કારચાલકે આવો ખરાબ શબ્દ, કયા સંદર્ભે કર્યો હશે, તેની મને હજુસુધી, સમજ  નથી પડી..!!

પરંતુ, આ  ગાળ પર,  મેં ઘણો  વિચાર કર્યો, ત્યારે મને, શેરીના કુતરા અને સાયકલ ચલાવનારાઓ વચ્ચે એકજ સામ્ય લાગ્યુંકે, આ સાયકલ સવારની માફકજ કુતરા પણ, આજુબાજુ ઘણીજ વિશાળ ઘરતી પથરાયેલી હોવા છતાં, આવીજ ચક્ચકતી કાર શોઘીને, તેનો પાછલો એક પગ અધ્ધર કરીને, કુતરાને લાગી હોય કે ન લાગી હોય, તેનો આશય શુભ હોય કે કારચાલકને ચીઢવવાનો હોય..!! પણ -

કારને જોતાંજ, પોતે કરેવા ધારેલા, અપ્રતિમ સાહસ માટે, અભિમાન, ઈર્ષા, શૂરવીરતા, કાર પ્રત્યે તિરસ્કાર, જેવા ના જાણે, કેટલાય એકસામટા ભાવ, પોતાના મુખ પર ધારણ કરીને, કારની આગળ પાછળનું પૈડું, શુદ્ધ ગંગાજળથી સીંચતો હોય તેમ, લઘુશંકાનું શુભકાર્ય, અત્યંત ઝડપથી આટોપી લઈ, વિજ્યી અદા સાથે, `કૅટવૉક`ની અદામાં, બંને કૂલા ઝુલાવતો-ઝુલાવતો ચાલતો થાય છે..!!

જોકે, પાછું, ખરેખર મેં નોંધ્યું છે, આવા સાચા શેરી કુતરાને, આજસુધી કોઈ `કાર`વાળા, `બેકાર` માનવે, ' સાલા, યુ સ્ટુપીડ, સ્ટ્રીટ બાયસિકલીસ્ટ?'ની ગાળ ભાંડી હોય  તેવું,  મને તો યાદ નથી..!!

મને વિચાર આવે છે,  આ નઠારી ગાળ બોલનારા, કારચાલકે, પોતે નાનો  હશે ત્યારે, ત્રણ પૈડાંની અને ત્યારબાદ  શાળાએ જવા માટે, બે પૈડાંની સાયકલનો, સાચેજ, ક્યારેય ઉપયોગ નહીં કર્યો હોય?

આપ સહુને યાદ હશે, ગરીબ હોયકે તવંગર, સેકન્ડહેન્ડ હોય કે નવી, ત્રણ પૈડાંની હોય કે બે પૈડાંની પણ, આપણે નાના હોય ત્યારે, બાળપણમાં સાયકલ ચલાવતાં શીખવાનો અને  ઘર પાસેના સલામત રસ્તા  પર, આપણને ઈજા  ન થાય તે કાજે, આપણી પાછળ, છકછકાવી હડીઓ કાઢીને, આપણને સાયકલ ચલાવતાં શીખવવાનો, મોટા સર્વ  કોઈ વડીલનો પરમ ઉત્સાહ, આજદિન સુધી, ભાગ્યેજ કોઈ ભૂલી શક્યું હશે..!!

મને યાદ છે, સન-૧૯૭૦ સુધી, ઠેરઠેર આવેલી સાયકલની દુકાનોમાં, એક કલાકના સમયગાળા માટે, દસ પૈસાથી લઈને એક રૂપિયા સુધીના ભાડાથી, શીખવા માટે, સાયકલ ભાડે મળતી હતી.(હજીય કદાચ, ભાડે મળતી હશે?)

હું આવી ભાડાની સાયકલ દ્વારાજ સાયકલ શીખ્યો છું. એ વાત અલગ છેકે, સાયકલનું ગવંડર (ગવર્નર) જકડીને પકડવા તથા સાથેજ  પોતાનું બેલેંસ જાળવવાની લ્હાયમાં, હું   અવારનવાર પૅડલ મારવાનુંજ  ભૂલી જતો,. જે કારણે સાયકલ એકદમ ધીમી પડી ઉભી રહી જવાથી, મારાથી ધડામ કરીને, ભોંયભેગા થઈ જવાતું.

જોકે, મારા કરતાં પાંચ વર્ષે મોટા, મારી માસીના દીકરાએ, મને સાયકલ, શીખવવા, " પ્રાણ જાય ( મારા,હોંકે..!!) પણ,  વચન ( તેનું.!!) ના જાય?" ની પ્રતિજ્ઞા સાથે, એક ઉપાય બતાવ્યો.  સહુથી પહેલાં, સાયકલનું  ગવર્નર અને બેલેન્સ સાચવતાં બરાબર આવડી ન જાય  ત્યાં સુધી, પૅડલ મારવાની જરૂર જ ના પડે..!! તેમ ઉપાય વિચારી, અમારા ગામના તળાવ પાસે આવેલા, ઉંચા ઢાળના, શીખર જેવા, છેક  ઉપરના છેડેથી, મને સાયકલ શીખવવાનો ઉદ્યમ, મારા સાયકલગુરુ, માસીના દીકરાએ, ભાડે સાયકલ લાવીને, નિષ્ઠાપૂર્વક  શરૂ  કર્યો.

જોકે, આટલા ઉંચા ઢાળ પરથી, મારી સાયકલને, પૅડલ માર્યા વગર રગડાવતાં, સવાર-સવારમાં, તળાવના કુવેથી પાણી ભરીને, માથા પર અને કેડમાં બેડાં ઉઠાવીને, ઢાળ ચઢીને આવતી, કેટલીય નિર્દોષ પાણીહારી સન્નારીઓ તથા  હાથમાં ખાલી ડબલું-લોટા લઈને, સવારે ગુરુશકા કરીને,  હળવા થવા નીકળેલા, કેટલાય હાજતવાંચ્છુંઓના, 'કુદરતી ઈરાદાઓ' પર, પાણી  (સૉરી..!! સાયકલ?)  ફેરવીને, તેમને, દેગડા,બેડાં-ઘડા અથવા  તો  ડબલાં કે લોટા સહિત ફંગોળ્યાં? પરિણામે, અમે બંને માસિયાઈ ભાઈઓએ કેટલીવાર, (ખાસ કરીને મેં..!!)  અણધાર્યા અકસ્માત પીડીતજનગણનો હસ્તપ્રસાદ ચાખ્યો?  તે યાદ રાખવા જેવી બાબત ન હોવાથી, આજે તો, મને  સહેજ પણ યાદ નથી..!! (તમારા સ..મ..ખાધા, બસ?)

જોકે, આખરે અમારો, આ ચતુરાઈભર્યો પ્રયોગ, મને સાયકલ શીખવામાં, ખૂબ ઉપયોગી થયો અને  મને સાચેજ સાયકલ આવડી ગઈ, જે બાબતની જાણ, મારા ઘરમાં સર્વે વડીલોને  થતાં, બધાએ મને ખૂબ-ખૂબ અભિનંદન આપ્યા હતા, તે આજે પણ યાદ છે.

પરંતુ, મને એક બાબત નથી સમજાતી, સાયકલ બાદ, સ્કુટર, મોટરસાયકલ અને છેવટે અનેક કંપનીની કાર ચલાવતાં હું શીખી ગયો, પણ નાનપણમાં, સાયકલ શીખતી વખતે જે રોમાંચ, આનંદ અને ઉત્સાહ અનુભવાતો હતો, તેવો અદમ્ય હ્યદયભાવ,  વયસ્ક થયા પછી, અન્ય વાહનો શીખવામાં કેમ નહીં આવ્યો હોય?

અત્યારે તો છાશવારે સમાચાર છપાય છેકે, કોઈ માલદાર, વગવાળા માણસના, નબીરા કે નબીરીએ, કાર ચલાવતાં, જાણેઅજાણે કરેલા કોઈ ગુન્હા સબબ, ટ્રાફીક પોલીસ, કૉન્સ્ટેબલે રોકીને, દંડની પહોંચ ફાડતાંજ, ફાટીને ધૂમાડે ગયેલા, વાહનચાલક કે  ચાલિકાએ,  નિરંકુશ બનીને, પોલીસમેનનેજ મારવા લીધો?
 ( એક તો ચોરી ઉપરથી સીનાજોરી..!! તે આનું નામ?)

જ્યારે, અગાઉના સમયમાંતો, સાયકલ ચલાવનાર સહુ, પોલીસથી ખૂબજ ડરતા હતા. પાછલા પૈડા ની ઉપર લાગેલા કૅરિયર પર બેઠેલો મિત્ર કે પત્ની, દૂરથી પોલીસમેનને જોઈ, ડબલસવારી કરતાં પકડાઈ  ન જવાય તેથી, પોલીસમેનની આમાન્યા જાળવવા, સાયકલ પરથી, દૂરથીજ નીચે ઉતરી જઈ, ચાલતા-ચાલતા, પોલીસમેનને ક્રોસ કરી આગળ ઉભા રહેતા. જ્યાંથી ફરીથી ડબલસવારી શરૂ થતી..!!

તેજ પ્રમાણે, આજકાલ કારની ફ્રન્ટ હૅડલાઈટ પર, એક સાઈડે, કાળી પટ્ટી મારવાનો નિયમ હોયકે પછી, રાત્રીના સામેના વાહનચાલકની આંખો ન અંજાઈ જાય તે માટે, ડીમર મારવાનો નિયમ હોય, કેપછી પાછળની બેકલાઈટ રાત્રે ચાલુ રાખવાનો નિયમ હોય, મોટાભાગના કાર ચાલક, આ નિયમોનું, હવે પાલન કરતા નથી અને પોલીસ પણ  તેમને ભાગ્યેજ પકડવાની તસ્દી લે છે..!!

પરંતુ, અગાઉ સાયકલ પર આગળના ભાગે જેને, પોસાય તેમણે ડાયનેમો-લાઈટ અને બાકીનાએ કેરોસીનથી સળગે તેવી દિવેટવાળો લેમ્પ પ્રગટાવીનેજ, રાત્રે બહાર નીકળવાનો નિયમ,અચૂક પાળવો પડતો, ઉપરાંત, સાયકલના પાછળના ભાગે,  એક  લાલચોળ રંગનું, પ્લાસ્ટિકનું ગોળ રીફ્લૅક્ટર લગાવવાનો નિયમ હતો. જે  તમામ નિયમનું પાલન, પોલીસ પણ અત્યંત કડકાઈથી કરાવતી હતી.

અમારા એક વડીલ તો પોતાની સાયકલને જીવની માફક સાચવતા. અમને, નાનાં બાળકોનેતો, તેમની સાયકલને હાથ પણ ન લગાવવા દેતા. તેથી નાના બાળકો, ભેગા મળી, તેમની સાયકલ ચોરાઈ જાયતો સારું..!! તેવી ભગવાનને પ્રાર્થના કરતા. છેવટે, એક દિવસ તે વડીલની સાયકલ ખરેખર ચોરાઈ ગઈ ત્યારે,મને ખૂબ દુઃખ થતાં, અમારી પ્રાર્થના ભગવાને, શા માટે માની લીધી? તે બાબતે, ભગવાન પર મને ઘણોજ ગુસ્સો આવ્યો હતો. પશ્ચાતાપરૂપે  હું,  તેમની સાથે, જિંદગીમાં પહેલીવાર, પોલીસ સ્ટેશને  ફરિયાદ લખાવવા ગયો  ત્યારે, પોલીસ સ્ટેશનમાં, સાયકલ ચોરોના, એટલા બધા ફૉટા ચોંટાડેલા હતાકે, તે  જોઈને મને, ખૂબ અચંબો થયેલો..!!

ત્યારબાદ, તે વડીલશ્રી નવી સાયકલ લાવ્યા અને તેઓ ઉપરના માળ (ફર્સ્ટ ફ્લૉર) પર  રહેતા હતા તેથી, નવી સાયકલ ફરી ચોરાઈ ન જાય તેમાટે, રોજ રાત્રે, એક દાદર ચઢાવીને, સાયકલને પોતાના ઉપરના રૂમમાં, તેનું  સીટલૉક અને સાંકળવાળું, વધારાનું તાળું લગાવીને મૂકતા હતા..!!  ત્યારે હું નાનો હોવાથી, મને એ પ્રશ્ન ઘણોજ સતાવતોકે, આ વડીલની, સાયકલને બદલે કાર ચોરાઈ હોત તો,  શું તેઓ, નવી ખરીદેલી કારને પણ, ઉપરના માળે મૂકવાનું સાહસ કરત?

અમારા ગામમાં, ૧૯૬૦ના દસકની શરૂઆતમાં, એક ભાઈએ, અન્ય જ્ઞાતિની કન્યા સાથે પ્રેમલગ્ન કરવાનું સાહસ કર્યું. એટલુંજ નહીં, તે ભાઈ વળી પાછા,પોતાની નવી પત્નીને, સાયકલના આગળના દાંડા (ડંડા) પર બેસાડીને, વટભેર આખા ગામમાં ફરવા નીકળતા, જે જોઈ અમે બગડી ન જઈએ, તે કાજે અમારા વડીલો, અમને બાળકોને, ઓટલા પરથી ઘરમાં ધકેલી દેતા..!!

જોકે, અમારા ગામનો, કોઈ ચોવટિયો, આ કપલને મોઢેં ટોકે  તો, પેલા ભાઈ નફ્ફટાઈપૂર્વક, તેનું મોંઢું તોડી લેતા," મારી સાયકલ છેને,  મારી બાયડી છે, ગમે ત્યાં બેસાડું, તારા બાપનું શું જાય છે?" અને ચોવટિયો, આ સાંભળીને ઘા ખાઈ જતો..!! તે સમયે, આ રીતે, પત્નીને સાવ હ્યદયસરસી રાખ્યાનો સંતોષ જેવોતેવો તો નહીંજ અનુભવાતો હોય, તે બાબત સાવ શંકારહિત છે..!! બીજા બે જ વર્ષ બાદ, આ સાહસિક ભાઈએ  તો, તેમનો દીકરો, એકાદ વર્ષનો થયો, ત્યારે તેના બેસવા માટે પણ, સાયકલના ગવર્નરના આગળના ભાગે, એક ખાસ લોખંડની જાળીવાળું પાજરું, વટભેર બેસાડાવેલું..!!

બોલો, હવે આપજ કહો, સાયકલના આગળના ડંડા પર બેસાડીને, પત્ની કે પ્રેમિકાને  ફેરવવાની જે મઝા આવે, તેવી મઝા, કારમાં, આપણી બાજુની સીટ પર બેસાડીને,પત્ની કે પ્રેમિકાને ફેરવવાની મઝા આવે? સાયકલના આગળના ડંડા પર બેસાડેલી પિયતમાનો, અછડતો સ્પર્શ અને તેના માથામાં નાખેલા ચમેલીના તેલની, સુગંધ મિશ્રિત હવાનો નશો, કારવાળા કરમ ફૂટલાઓના નસીબમાં ક્યાંથી?  કદાચ, આપણા દેશમાં, છૂટાછેડાનું પ્રમાણ આવા કોઈ કારણસર તો નહીં વધી ગયું હોયને?

સાયકલના, આગળના ડંડા પર બેસાડીને, ફરવાનો લાભ ફક્ત, પુરુષોનાજ નસીબમાં, હશે તેથી, બહેનો માટેતો આગળના ડંડા વગરનીજ, (સાડીની સગવડ માટે?) લેડિઝ  સાયકલ બનવા લાગી. તે સમયે, કેટલીક બહેનોને તો, લેડિઝ સાયકલને સ્ટેન્ડ પર ચઢાવવા માટેય, પુરુષની મદદ લેવી પડતી..!! તેવા સંજોગોમાં, કોઈ પુરુષને બીચારાને, આગળ બેસવું હોય તોય, તે બાપડો ક્યાં બેસે? કદાચ, સાયકલના પાછલા વ્હીલ પર લાગેલા, કૅરિયર પર બેસી શકે, પણ, પત્નીની પાછળ (??),  તેનું સ્વમાન ના ઘવાય?

દેશની આઝાદીના, સમયે સાયકલ જીવન જરૂરિયાતનું વાહન હતી અને કાર લક્ઝરી (વૈભવી) સાધન ગણાતું. હવે આઝાદી પ્રાપ્ત કર્યાના, લગભગ છ દસક વિત્યા બાદ, આપણા સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રીરતનતાતાજીએ, નેનૉ જેવી સસ્તી કાર બજારમાં મૂકીને, કારને જીવન જરૂરિયાતનું વાહન અને  જેઓ અમીર છે તેમના માટે, પોતાનું હૅલિકૉપ્ટર અથવા વિમાન હોવું તે, લક્ઝરી (વૈભવી) વાહન ગણાય, તેવી સ્થિતિ પેદા કરી છે?

આઝાદી પછીના સમયગાળા બાદ યોજાતી અનેક, ચૂંટણીઓમાં, દરેક પક્ષના કાર્યકરોથી લઈને, મોટા કદના નેતાઓ, સાયકલ પર ચૂંટણી પ્રચાર કરીને, પ્રજામાં સાદગી અને પેટ્રોલ,ડીઝલની કરકસરનો, સંદેશો પાઠવતા. જ્યારે હવે, દરેક પક્ષના મોટા કદના નેતાઓ, હૅલિકૉપ્ટર અને ચાર્ટર્ડ વિમાનની, આકાશી સફર દ્વારાજ, ઈલેક્શન કૅમ્પેઈન કરે છે, જ્યારે તેમના કાર્યકર્તાઓ, કારની નીચે પગ  મૂકવામાં પણ, નાનમ સમજે છે..!!

આમતો, મોટરસાયકલ અને કારની ખરીદી વધી હોવા છતાં હાલ  હજુપણ, આ સાયકલ, ઘણા ગરીબોની લક્ઝરી સવારીજ માત્ર નહીં પણ, રોજીરોટી  રળવાનું અણમોલ સાધન છે.

ચાહે તે, સાયકલને સ્ટેન્ડ પર ચઢાવીને,ચપ્પુ-છરી ઘસી આપનારો હોય, સાબુ- અગરબત્તી વેચનારો હોય, દુધ કે અખબાર પહોંચાડનાર ફેરીયો હોય, કે જીવન ઉપયોગી બીજી અનેક વસ્તુઓ, ઘેર બેઠાં, પહોંચાડનાર, વેપારી હોય..!! તમામને હજુપણ સાયકલ  પર, શ્વાસ ફુલાવીને, પૅડલ મારીને, સોસાયટી અને મહોલ્લે-મહોલ્લે, સ્વમાનની જિંદગી જીવવા, કુટુંબનું પેટ ભરવા,  ફરતા જોઈ શકાય છે. હવે તો સર્કસ પડી ભાગ્યાં છે, નહીંતર. સર્કસમાં, લાંબી ટૂંકી, નાની મોટી સાયકલનાં, કરતબ જોવાની, નાનામોટાં સહુને, ખૂબ મઝા આવતી હતી.

આપને જાણ હશેજ કે, અગાઉ  પોસ્ટમેન પણ સાયકલ પર ફરતા, જોકે, હવે તો તેમને પણ, પેટ્રોલથી ચાલતાં દ્વિચક્રી વાહન આપવામાં આવે છે. દીલ્હી, મુંબઈ, કલકતા, ચેનાઈ જેવાં મહાનગરમાં, પોલીસખાતાને, અનેક આધુનિક સુવિધા ધરાવતાં, તેજ ગતીથી દોડતાં વાહનો પુરાં પાડવા છતાં, આ મહાનગરોમાં ચોરી,લૂંટ, બળાત્કાર, ખૂન જેવી, સમાજ માટે ઘાતક ઘટનાઓનો ગ્રાફ, સતત વધતો જોઈએ છે ત્યારે, આપણે હસવું કે રડવું તેજ સમજાતું નથી, કારણકે, જુના જમાનામાં, આવી ઘટનાઓ, રોકવા પોલીસ પાસે,અત્યંત  ઘીમી ગતીથી દોડતી સાયકલો સિવાય, ભાગ્યેજ આધુનિક વાહન જોવા મળતું, છતાંય ગુન્હાખોરોનો, તે સમયે આટલો બધો ઉપદ્રવ ન હતો? કદાચ, હવે પોલીસની  નિયતની ગતિ મંદ પડ્યાનો વાંધો હશે?

સન- ૧૯૭૨ની, નિર્માતા, નિર્દેશક, લેખક અને હીરો મનોજકુમાર- નંદા-જયાભાદુરી અભિનીત, હિન્દી ફીલ્મ ' શોર',માં મનોજકુમાર, પોતાના દીકરાની એક અકસ્માતમાં વાચા હણાઈ જાય છે ત્યારે, તેનો ઈલાજ કરવા માટે, ઈનામની રકમ મેળવવા, જાહેરસ્થળે, અવિરત, રાત - દિવસ, સાયકલ ચલાવવાનું બીડું ઝડપે છે અને અંતે, તે ઈનામ મેળવીને, મુંગા દીકરાનો ઈલાજ કરાવી, તેને ફરીથી, બોલતો- ગીત ગાતો કરે છે.સગીતકાર-લક્ષ્મીકાંત-પ્યારેલાલના મધુર સંગીતથી મઢેલી, આ ફીલ્મનું એક ગીત "ઈક પ્યાર કા નગ્મા હૈ" ખૂબજ લોકપ્રિય થયું હતું.

આજ રીતે, અમારા ગામમાં પણ, એક અઠવાડિયા સુધી, અવિરત સાયકલ ચલાવી, તેના પરજ ખોરાક-પાણી લેતા તથા નહાતા-ધોતા, સાયકલવીરને, પોતાનું  કૌશલ્ય દર્શાવી, ગામલોકો પાસેથી ઈનામ મેળવી, કુટુંબનું  પેટ  ભરતા,બાળપણમાં મેં  જોયા છે.

ફીલ્મોનીજ વાત થાય છે ત્યારે, પહેલાંની જુની ફીલ્મોમાં તો પ્રેમમાં પડવું હોય તો, હીરો રાજેન્દ્રકુમારભાઈએ સહુથી પહેલાં,હીરોઈન વૈજયંતીમાલાબહેન સાથે, પોતપોતાની સાયકલને, એકમેક સાથે અથડાવીને, ફરજિયાત  ઝઘડવું પડે, બાદમાંજ પ્રેમ કે પ્રેમિકા હાથ લાગે..!!

પરંતુ, આનાથી સાવ વિપરીત, અત્યારની હિન્દી ફીલ્મોમાં, સૂમસામ રસ્તે ઉભી રહીને, ઊંધો અંગૂઠો બતાવતી, કોઈ હીરોઈન  સુંદરી  લીફ્ટ માંગે  તેને, હીરોભાઈ,  હોઠ પર હવસખોર જીભ ફેરવતાં-ફેરવતાં, અત્યંત સ્ટાઈલપૂર્વક આવકારીને, પોતાની કારમાં બેસાડે. વળી પાછું,  વિલનભાઈએ, હીરોની  કારમાં, નાગાસાકી અને હીરોશીમા, જેવો ટાઈમ બોમ્બ ફીટ કર્યો હોય અને તે ફાટે ત્યારે, આકાશે આંબતા ધૂમાડા સાથે, અગ્નિની ઝાળ ઉઠતી હોય  તોય, એકદમ  સ્વસ્થતાપૂર્વક, પેલી હીરોઈન સુંદરીને ખભે  ઉંચકીને, રજનીકાંત સ્ટાઈલમાં, હીરો પેલી સુંદરીને  બચાવી લે અને સીધાંજ, બંને પ્રેમી-પ્રેમીકા બની જાય?

ફીલ્મના હીરોની હોશિયારીને તડકે મૂકીને, સામાન્ય જીવન જીવતા કારચાલકોની વાત કરીએ તો, આજકાલ ઘણાને કાર ચલાવતાં આવડે છે,પણ તેના એકપણ ટાયરમાં પંક્ચર પડેતો, સ્પૅર વ્હીલ બદલતાંય ન આવડતું હોવાથી, તે માટે પણ મિકેનિક શોધવા નીકળવું પડે તેવા, કેટલાય કારચાલક મળી આવશે?

જ્યારે અગાઉ અને હાલ  પણ, કેટલાય સાયકલ શૂરવીર વિરલાઓ, ઘરમેળે મિકેનિક બનીને, આખેઆખી સાયકલને, સાવ છૂટી કરી,ખોલીને, ગ્રીસ-ઑઈલીંગ કરીને, પાછી  હતી તે કરતાંય વધારે, સારી ચાલે તેવી ફીટ કરી શકે છે..!!

જુના સમયમાં, બે સાયકલ સવાર, અકસ્માતે અથડાઈ જાય તો, બહુ-બહુતો, સાયકલ ચાલકના  હાથ પગ છોલાઈ જતા કે હૅર-ક્રેક ફૅક્ચર થતું, હવેના રઘવાટભર્યા, ફાસ્ટ યુગમાં, ૧૦૦ કિ.મી.ની, અપ્રતિમ ઝડપથી, શહેરની સાંકડી શેરીઓમાં, બે બાઈકચાલક, અથડાય છે ત્યારે, અથવા ૧૪૦-૧૫૦ કિ.મી.ની સ્પીડથી, ઍક્સપ્રેસ વૅ પર દોડતી બે કાર વચ્ચેનો અકસ્માત, મોટાભાગે જીવલેણ નીવડે છે.
 
ચાણક્યની રાજનીતિ કહે છેકે,"  મનુષ્યના આચરણથી તેના કુળની, તેની બોલીથી તેના દેશની, તેના આદરસત્કારથી પ્રેમનો અને શરીરને જોઈને આહાર-વિહારની જાણ થાય છે."


જાણેકે, ચાણક્યને સાચો ઠેરવવો, આપણું પરમ કર્તવ્ય હોય તેમ, આવા બાઈક-કાર અકસ્માત સમયે, અકસ્માતનો ભોગ બનનારની, તાત્કાલિક  મદદે, જો કોઈ દોડી આવતા હોય તોતે, મોટાભાગે રાહદારીઓ અથવા તુચ્છ ગણાતા સાયકલસવારજ, પ્રથમ મદદગાર સાબિત થાય છે..!! રસ્તે જતા અન્ય  કોઈ કારચાલક, તેમને મદદ કરવા ઉભા રહેતા હોય તેમ, ઘણું ઓછું જોવા મળે છે..!!  સામાન્યપણે, કારમાં ફરતા, કારચાલકનું શરીર, સાયકલચાલક જેવું મહેનતથી કસાયેલું નથી હોતું, તેથી તેનું મન પણ, પોતાની સામાજીક જવાબદારીઓ પરત્વે, માંદુ  રહે તે નવાઈ પામવા જેવી બાબત નથી..!!

ઘણા કારચાલક, પાછા હજારો રૂપિયાના ખર્ચે, પોતાના ઘરમાંજ જિમ્નેશિયમ ઉભું કરીને, એકજ સ્થળે ઊભી રાખીને, પૅડલ મારી શકાય, તથા કેટલાં પૅડલ વાગ્યાં તે ગણતરી, ડીજીટલ કાઉન્ટરમાં નોંધાય  તેવી, મોંઘીદાટ ઍક્સરસાઈઝ માટેજ, ખાસ બનાવેલી હોય તેવી  સાયકલ વસાવે છે?

જોકે, એમાં તેમનો વાંક નથી, જુના જમાનામાં, જાહેરમાં સાયકલ પર ફરવું, સાદગીનું પ્રતિક ગણાતું, જ્યારે આજના ભૌતિકવાદ, દેખાદેખી અને ધનસંપત્તિ, હોય તેના કરતાં અતિશય વધારે દેખાડવાના મોહયુગમાં, કોઈ અમીર, તંદુરસ્ત રહેવા, ભૂલથી પણ જો, જાહેરમાં  સાયકલ પર ફરતો દેખાય તો, પાર્ટી તૂટી ગઈ હોવાનું માનીને, તેની આર્થિક પરિસ્થિતિ દેવાળીયા કક્ષાએ પહોંચી ગઈ હોવાનું અનુમાન કરી,  સમાજમાં તેના દીકરા-દીકરીનાં લગ્ન માટે યોગ્ય સબંધ બાંધવા પર પણપ્રશ્નાર્થ લાગી શકે છે?

દેશવાસીઓને, આશ્વાસન આપે તેવી બાબત એ છેકે, ભારત સમગ્ર વિશ્વમાં,આજેપણ, સાયકલ ઉત્પાદનક્ષેત્રે,  ચીન પછી બીજા નંબરે છે.આપણા દેશમાં વાર્ષિક, ૧૨૦,૦૦૦૦૦૦ (12 million bicycles) સાયકલોનું ઉત્પાદન થાય છે, ઉપરાંત  વિશ્વના લગભગ ૫૦ દેશોમાં,  હીરો, ઍટલાસ, ઍવન વિગેરે બ્રાન્ડની સાયકલ અને તેના પાર્ટસનો, ઍક્સ્પોર્ટ બિઝનેસ રૂ. ૧૫૦ કરોડના વાર્ષક  ટર્નઑવરનો છે.  જ્યારે કારના વેચાણમાં, મારૂતી, ટાટા, હુન્ડાઈ, મહિન્દ્રા, જનરલ મોટર્સ, ટોયોટા, હૉન્દા, ફૉર્ડ, ફીઆટ, સ્કૉડા,હિન્દુસ્તાન મોટર્સ,ફૉર્સ મોટર્સ,મર્સિડિઝ બૅન્ઝ, બી.એમ.ડબલ્યુ; વી.ડબલ્યુ; ઔડી, આઈ.સી.એમ.એલ.(રિનો); નિશાન જેવી કંપનીઓની કારના, કુલ વેચાણ કરતાં, અલગ-અલગ પ્રકારની સાયકલોનું વેચાણ આશરે દસ ગણું વધારે છે.

જોકે, જે રીતે પેટ્રોલ,ડીઝલના ઉત્પાદન ઘટતું જાય છે અને વધતી કિંમત વધતી જાય છે, તે જોતાં ફરીથી, જુનો સાયકલ યુગ શરૂ થાય તો નવાઈ નહીં. આ દુનિયામાં બધુંજ શક્ય છે.

'શોર' ફીલ્મના ગીતના શબ્દોની માફક, કદાચ, સાયકલ, એક  દિવસ, કારને કહેશેકે, "જિંદગી ઔર કુછભી નહીં તેરી મેરી કહાની હૈ."

મિત્રો, સૌરાષ્ટ્રમાં, બ્રેક વગરની, ઘણી સાયકલમાં,હજી આગળ-પાછળના વ્હીલ પર લાગતા, પંખા (કવર) કાઢી નાંખીને, સાયકલની આગળની રીંગ (ટાયર) અને ચીપિયાની વચ્ચે, પગના જુતાંના સૉલને, બ્રેક મારવાના ઉપયોગમાં લઈને, સાયકલને ઉભી કરી દેવાય છે?

તો, ચાલો, લેખ લાંબો  થયો હોય તેમ લાગે છે,  એ...!! આ..વિચારોની વચ્ચે..!! લો, 'THE END`ના જુતાંને રાખીને, મેં ય લખવા પર બ્રેક મારી...!!

હાશ..!! સાયકલનો લેખ લખતાં, શ્વાસ ભરાઈ જવાથી, સાવ હાંફી ગયો..ભા...ઈ..!!


માર્કંડ દવે. તાઃ ૧૧- સપ્ટેમ્બર-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.