Saturday, January 23, 2010

ભૂકંપ.

ભૂકંપ.

મારો બ્લોગઃ-

પ્રિય મિત્રો,

તા.૨૬ જાન્યુઆરી ૨૦૦૧, સમય સવારના આઠ કલાકનો.મારી શાળામાં વહેલા ઘ્વજવંદનના કાર્યક્રમ બાદ,ભગવાન શ્રીસત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. કથા કરનારા મહારાજે,આવીને કથાનો પ્રારંભ,કરવાની જાણ કરી,કેટલાક આમંત્રિત મહેમાનો સાથે, શાળાનો સઘળો સ્ટાફ આવીને કથાશ્રવણ-ભક્તિ માટે પાથરણા ઉપર બેઠો.

અચાનક, એટલામાં જ, ધરા ભયંકર અવાજ સાથે હાલકડોલક થવા લાગી,સર્વે જન વિચાર.શૂન્ય થઈ ગયા. ક્યાં જવું? શું કરવું? કોઈને કશી સમજ પડતી ન હતી.સહુ કોઈ ગભરાટના માર્યા દોડાદોડી કરવા લાગ્યા.થોડીવારમાં ધરતી ધ્રૂજતી બંધ થઈ ગઈ,જોકે હજી સુધી,ધરતીકંપની ભયાનકતા વિષે,કોઈને વિસ્તારથી જાણ થઈ નહતી,વળી આવા સંજોગોમાં,હ્યદયને, ઈશ્વર નામ સ્મરણથી મોટો દિલાસો બીજો કયો હોઈ શકે,તેથી `show must go on`,ન્યાયે શ્રીસત્યનારાયણની કથા, છેવટે કેવળ પારાયણ સ્વરુપે, પતાવી.

જોકે,ત્યાં સુધીમાં તો શહેરના વિવિધ વિસ્તારોમાંથી,કારમો આધાત લાગે તેવી જાનહાની અને બચાવ કાર્યની દોડાદોડીનાં દશ્યો ટીવી પર દર્શાવવાં શરુ થઈ ગયાં હોવાથી, દરેકને પોતાના કુટુંબનું શું થયું હશે..!! તેની ચિંતા, સ્વાભાવીકપણે સતાવવા લાગી હતી. ચિંતાતુર વદન સાથે,કથાનો પ્રસાદ લઈ બધા ઝડપથી ઘર ભેગા થયા.

હું પણ,સેવકભાઈને જરુરી સૂચના આપી,ઘર ભણી રવાના થયો. ઘેર પહોંચતાં જ ટીવીની સામે બેસી,ન્યૂઝ ચેનલ પર આવતા સમાચાર જોવા બેસી ગયો.

અચાનક મારા મોબાઈલની રીંગ રણકી,કોઈ બાળક,કરુણ અવાજ સાથે રુદન, કરતું હોય તેમ સંભળાયું,મેં તેને સાંત્વન આપવા પ્રયત્ન કર્યો અને આસપાસ કોઈ મોટી વ્યક્તિ હાજર હોય તો તેમને ફોન આપવા જણાવ્યું,હવે એક નાની દીકરીનો અવાજ સંભળાયો,"મોટાસાહેબ,મને બહુ બીક લાગે છે.મારાં મમ્મી-પપ્પા,બહાર ગયાં છે,અમે બંને ભાઈ બહેન ઘરમાં એકલાં છે." અને ફોન કપાઈ ગયો.

મને ખ્યાલ આવી ગયો કે મારા કોઈ ઓળખીતા વાલીશ્રીનાં બાળકોનો આ ફોન હતો,જેઓ ઘરમાં એકલા હોવાથી,ગભરાઈને,ડાયરીમાંથી મારો નંબર હાથ લાગ્યો,તે નેંબર ઉપર તેઓએ ફોન કર્યો હતો.ત્યારબાદ, મેં મોબાઈલમાં હાઈલાઈટ થયેલા નંબર ઉપર,ફોન કરવા ઘણો પ્રયત્ન કર્યો,પણ જાણે સઘળા ફોન ઠપ થઈ ગયા હોય તેમ,કોઈના ફોન હવે લાગતા જ ન હતા.શું કરુ? શું કરુ?

પરંતુ, હવે આ બાળકો કોણ હતાં,તે એક રહસ્ય જેવું થઈ ગયું..!! શાળાના આશરે ત્રણ હજાર વાલીશ્રીઓના, લેન્ડ લાઈનના નંબરની મને સ્મૃતિ ક્યાંથી હોય? મને ચિંતા થવા લાગી.શું મારી શાળાનાં,એ વિદ્યાર્થીઓનું ઘર ભાંગી ગયું હશે? આ બાળકો તેમના ઘરમાં,કોઈ ઈજાગ્રસ્ત હાલતમાં તો નહીં હોયને..!!

હું શું કરું? કોને કહી આ બાળકોની ભાળ મેળવું ?.હ્યદય ઉપર દબાણ વધવા લાગ્યું, હું ટીવીના સમાચારને પડતા મૂકીને,મારી ડાયરી ફંફોસવા લાગ્યો.રખે ને કોઈનો નંબર હાથ લાગે અને હું આ બાળકો સુધી પહોંચી શકું..!!

આખરે કોઈ ઉપાય ન સુઝતાં,હતાશ થઈને બેઠો હતો, ત્યાંજ નજીકની સોસાયટીમાં વસતા એક વાલીમિત્ર મને રુબરુ મળવા આવ્યા, તેમનાંજ બાળકોએ મને ફોન કર્યો, તે જાણી, મને ચિંતા ન થાય તે માટે, પોતાનું મકાન અને બાળકો હેમખેમ હોવાના સમાચાર મને આપવા, રુબરુ આવ્યા હતા.

મારા મનને હવે શાંતિ થઈ.

ભૂકંપ પછીના આફ્ટર શૉકના આંચકા સહન કરતાં-કરતાં, એક માસ સુધી ભૂકંપ અંગેના દારુણ સમાચારો ટીવી ઉપર જોઈને,હવે તો સ્વપ્નમાં, હું પણ જાણે કોઈ મકાનના કાટમાળ નીચે ફસાઈ ગયો હોઉં અને ગૂંગળાતો હોઉં..!! તેમ બિહામણી અનુભૂતિ થવા લાગી.

અંતે, કચ્છની એક શાળાના કાટમાળને,જે.સી.બી. મશીન, દ્વારા હટાવવાનાં,ન્યૂઝ ચેનલ પર,આવતાં દ્રશ્યો જોતાં અચાનક,જે.સી.બી.ના આગળના પાવડામાં, કાટમાળ સાથે, શાળાના ગણવેશ પહેરેલા,એક નાના વિદ્યાર્થીની ધૂળમિશ્રિત લાશ નીકળી,તે જોઈને,સતત એક માસથી,ટીવી પર,સતત ભૂકંપનાં દ્રશ્ય ડર્યા વગર જોનારો હું, આ દ્રશ્ય જોઈને હિંમત હારી ગયો.મેં તે દિવસથી ટીવી સામે બેસવાનું સાવ છોડી દીધું.

મિત્રો,કોઈ માને કે ના માને..!! એક માસ પછી મને ખાત્રી થઈ ગઈકે, ભૂકંપના કંપન સમયે,શાળામાં શ્રીસત્યનારાયણ ભગવાનની આરાધનાને કારણે કે,અન્ય કોઈ ઈશ્વરીય આશિષને કારણે, મારી શાળાના સમગ્ર સ્ટાફ અને ત્રણહજાર જેટલા વાલીગણમાંથી, કોઈનીપણ જાનમાલ -મિલકતને, સહેજપણ નુકશાન થયું ન હતું.

આ યોગાનુયોગ હોઈ શકે.પરંતુ, મારા માટે આ યોગાનુયોગ સુખદ કે દુઃખદ તે હું આજસુધી નક્કી નથી કરી શક્યો.

ભારતના પ્રજાસત્તાક દિનના ૫૧મા વર્ષની ઉજવણી જેવા,આનંદના પ્રસંગે, ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ સવારે આઠને છેંત્તાલીસ મિનિટે,ભૂજથી ૨૩.૬ ડિગ્રી ઉત્તર અને ૬૯.૮ ડીગ્રી પશ્ચિમે આવેલા,૭.૬ થી ૮.૧ ની તીવ્રતાના વિનાશકારી,ભૂકંપમાં કુલ ૪,૦૦,૦૦૦ મકાનો નાશ પામ્યાં હતાં,આશરે ૨૦,૦૦૦ કરતાંવધારે નાગરિકો માર્યા ગયા હતા અને ૧,૬૭,૦૦૦ નાગરિકો ઘાયલ થયા હતા.

ભૂકંપના ઍપીસેન્ટરથી માત્ર વીસ કિલોમીટર દૂર,તે સમયના કલેકટર શ્રીઅનિલ મૂકીમના તાબા હેઠલ આવેલા, ભૂજમાં સહુથી વધારે નુકશાન થયું હતું,ત્યાં એક પણ મકાન સાબૂત બચ્યું નહતું અને આખા ગુજરાતમાં સહુથી વધારે જાનહાની, ૧૨,૨૨૦ એકલા ભૂજમાં થઈ હતી.કચ્છ જીલ્લામાં ૭૫% મકાનોને સમારી ન શકાય તેવું નુકશાન થયું હતું.

આ વિનાશકારી ભૂકંપે, ભૂજ પાસેના, ઍપી સેન્ટરથી, ૭૦૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા,લગભગ ૨૧ જીલ્લાઓને ઝપટમાં લઈ કુલ-૬,૦૦,૦૦૦ માણસોને ઘરબાર વગરના કરી નાંખ્યા હતા.

જોકે,સહુના સહિયારા અથાક પ્રયત્નોથી,આ ૨૬ જાન્યુઆરી ૨૦૧૦ નજીક છે ત્યારે, ગુજરાત એના ખમીર પ્રમાણે ફરીથી આ આધાતમાંથી બેઠું થઈ જઈને,વિકાસના માર્ગ પર ડગ ભરી ચૂક્યું છે,પણ દુઃખદ સ્મૄતિ એમ જલદી વિસરાતી નથી.

કૅરેબીયન રાષ્ટ્રોના હૈતીમાં તાજેતરમાં તા.૧૨ જાન્યુઆરીના રોજ આવેલા ૭.૦ ની તીવ્રતાના, ભયાનક ભૂકંપે ફરીથી, આપણી દુઃખદ યાદના, અંગારાને તેજ કર્યા છે.

મને આજે એમ થાય છેકે, મારા શ્રીસત્યનારાણ ભગવાને,તે દિવસે, પોતાની કૃપાનો વિસ્તાર, ૭૦૦ કિલોમીટર વિસ્તાર્યો હોત તો..!!

માર્કંડ દવે.તા.૨૩-૦૧-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.