Thursday, January 12, 2012

કચ્છ એટલેકે...કચ્છ, કચ્છી, કચ્છીયત.






" શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત,
વરસારે વાગડ ભલો ને મુંજો કચ્‍છડો બારો માસ..!!"
======

પ્રિય મિત્રો,

જ્યાં કદી સૂરજ આથમતો નથી તેવો દેશ તે, યુનાઈટેડ કિંગ્ડમ. આવા મહાન સામ્રાજ્યવાદી દેશનું પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાન તે,ઑક્સર્ડ યુનિવર્સિટી. આ યુનિવર્સિટીમાં કચ્છ-ગુજરાત-હિંદુસ્તાનનો એક જવાંમર્દ  દેશપ્રેમી વિદ્યાર્થી અભ્યાસ કરે. એવામાં,આ જગપ્રસિદ્ધ સંસ્થાની મુલાકાતે, ઇંગ્લૅન્ડના તે સમયના વડાપ્રધાન મિસ્ટર ગ્લેડ્‍સ્ટન આવ્યા અને મુલાકાત દરમિયાન, અત્યંત અભિમાનપૂર્વક, કચ્છના આ દેશપ્રેમી યુવાન વિદ્યાર્થીને સવાલ કર્યો," કેમ..!! અમારા અંગ્રેજોના શાસનમાં ભારતના લોકો અત્યંત સુખી છેને?"

સામ્રાજયવાદને પોષતા, ગુલામીને મજબૂત કરતા, આવા અણગમતા સવાલને સાંભળી કચ્છના આ દેશપ્રેમી જુવાનનું લોહી ઊકળી ઊઠ્યું અને ઇંગ્લૅન્ડના વડાપ્રધાન મિસ્ટર ગ્લેડ્‍સ્ટનને વળતો સણસણતો જવાબ આપી દીધો," યસ,સર..!! અમારા કેટલાક રાજાઓ અને નવાબોના જુલમથી અમને છુટકારો અવશ્ય મળ્યો છે પરંતુ, તેઓ અમારા પેટ પર લાત ક્યારેય મારતા ન હતા, જ્યારે આપ અમારું સર્વસ્વ ધન, આપના દેશમાં ઢસડી લાવો છો અને આપના શાસનમાં અમારી પ્રજા ભૂખે મરે છે."

બ્રિટિશ સામ્રાજયના,સર્વોચ્ચ પદાસિન વ્યક્તિને,તે જ સમયે, તેના મોંઢા પર સત્ય બાબત સાફસાફ સુણાવી દઈ,તેમના અભિમાનના લીરેલીરા ઊડાડતો આ જવાબ આપનાર જવાંમર્દ હતા,માંડવી-કચ્છ/ગુજરાત ખાતે તારીખ- ૦૮-૧૦-૧૮૫૭ના રોજ જન્મેલા, આપણા દેશના  સંસ્કૃતના પ્રકાંડ પંડિત, સ્વાતંત્ર્યસેનાની આદરણીય શ્રીશ્યામજી કૃષ્ણવર્મા.

" કચ્છડો ખેલે ખલકમેં,જીં મહાસાગર મેં મચ્છ,
  જત  હિકડો  કચ્છી વસે, ઉત ડીંવાડીં  કચ્છ." 
- દુલેરાય કારાણી

ઉપર વર્ણવેલા પ્રસંગને સાર્થક કરતા હોય તેમ, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ  કચ્છ મુલાકાત દરમ્યાન તે સમયના રાજવી શ્રીખેંગારજી સાથે થયેલી કેટલીક ગેરસમજની સ્પષ્ટતા કરતાં, `કચ્છ, કચ્છી, કચ્છીયત`  વિષયક  નોંધેલા વિચારો પણ, કચ્છનું  કાયમી ગૌરવ સ્થાપિત કરનારા છે.  સ્વતંત્ર ભારતની કેન્દ્ર સરકાર દ્વારા, નોર્વે દેશના પ્રથમ એલચી તરીકે નિમાયેલા તથા કચ્છપ્રદેશના અંતિમ રાજવી શ્રીમદનસિંહજીએ તેઓશ્રીના `વતનનો વાર્તાલાપ` નામના સ્મરણયાત્રા-પુસ્તકમાં નોંધ્યું છેકે, "તા.૨૧ ઑક્ટોબર ૧૯૨૫ના રોજ પૂજ્યમહાત્મા ગાંધીબાપુનું કચ્છમાં આગમન થયું હતું.મારા દાદા કચ્છના મહારાવ શ્રીખેંગારજી સાથેની પૂ.બાપુની રૂબરૂ મુલાકાત થઈ હતી તથા તેના પ્રભાવરૂપે, પૂ.બાપુએ પોતાના વડપણ હેઠળ પ્રગટ થતા સાપ્તાહિક`નવજીવન`ના તા.૧૫-નવેમ્બર.૧૯૨૫ ના અંકમાં કચ્છની મુલાકાત અંગે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતુંકે, કચ્છની મુલાકાતને, હું મારી જિંદગીનો એક કિંમતી અનુભવ ગણું છું. કચ્છના મારા પ્રવાસને સારું મને આજે ખુશાલી સિવાય બીજી લાગણી જ નથી.મારે સારું આનંદની વાત હતી કે, કચ્છી ભાઈઓની પાસેથી મને,મારાં કાર્યોમાં ઉદાર દિલથી મદદ મળેલી છે."

આમ, આપણી ગરવી ગુજરાતના ગૌરવવંત ઇતિહાસનો એક અણમોલ અનંત અધ્યાય એટલે કચ્છપ્રદેશ. તેજ પ્રકારે ગુજરાતની પ્રજાની કોઠાડાહ્યાગીરીનો  અનંત ખમીરવંતો પર્યાય તે કચ્છી પ્રજાજન..!!

કચ્છ એટલેકે..!!

`કચ્છ` શબ્દનો સંસ્કૃતમાં અર્થ,`બેટ` થાય છે. આશરે ૬૦૦ કરોડ વર્ષ અગાઉ પૃથ્વીની ઉત્પત્તિ થઈ,ત્યારબાદ આશરે ૧૮ કરોડ વર્ષ પહેલાં, કચ્છની જમીન પણ દરિયાની બહાર આવવાની શરૂઆત થઈ. શરૂઆતમાં કચ્છનો મુખ્ય ભૂ-ભાગ અને ત્યારબાદ કેટલાક ટાપુઓ બહાર આવ્યા.અંતે, આશરે પાંચ હજાર વર્ષ પૂર્વ, વર્તમાન કચ્છનો વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો.

કચ્છની સંસ્કૃતિ અનેક સદીઓ પુરાણી છે. કચ્છના પુરાતન ઉત્ખનન દરમ્યાન મળી આવેલા આલેખ દ્વારા વિશ્વાસપાત્ર અનુમાન થયેલ છેકે, ઈ.સ.ના આરંભ (ઈ.સ. ૭૮.) આસપાસની ગ્રીસ તરફથી આવેલી એક પ્રજા, `શક` દ્વારા પ્રચલિત કરેલો 'શાલિવાહન' રાજાના નામનો ગણાતો એક શક સંવત્સર (ભારતના રાષ્ટ્રીય સંવત તરીકે સ્વીકૃત-પ્રચલિત.),  જેતે સમયના ક્ષેત્રપોના, કચ્છમાંથી મળી આવેલા લેખોના આધારે થયો હતો,જે બાબતને કચ્છપ્રદેશ માટે ભારતીય ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં આ પ્રદેશનું અદ્વિતીય પ્રદાન ગણાય છે. જોકે, કચ્છમાં વિક્રમ સંવતનો પ્રસાર ખાસ કરીને સોલંકીઓના શાસનકાળ દરમિયાન થયો, જેની વિશેષતા એ છેકે,કચ્છી વિક્રમ સંવતનું નવું વર્ષ અષાઢાદિ ગણાય છે તથા તે ગુજરાતના અન્ય વિસ્તારો કરતાં, ચાર માસ વહેલું શરૂ થાય છે.

ભારતના સ્વાતંત્ર્ય પૂર્વ, લગભગ ૪૦૦ વર્ષ સુધી એક જ રાજવી પરિવાર, જાડેજા કુળની કચ્છ પર આણ પ્રવર્તમાન હતી, તેમ કહી શકાય. આખરે, ગુજરાતના પનોતાં પુત્ર શ્રીસરદાર વલ્લભભાઈના કુશળ પ્રયાસને કારણે કચ્છ, એક જૂન ૧૯૪૮ના દિવસે કેન્દ્ર સરકારના ભાગ તરીકે હિંદ સંઘ રાજ્યમાં સ્વેચ્છાએ જોડાઈ ગયું. જોકે, કચ્છમાં વરુણદેવની ઓછી તથા અનિયમિત કૃપા (ફક્ત પંદર થી પચ્ચીસ ઇંચ.) અને તેથીજ કાયમી દુષ્કાળ જેવી સ્થિતિને કારણે, આ રાજવીઓનું શાસન પણ લોખંડના ચણા ચાવવા જેવું કઠિન રહ્યું હતું કદાચ, આથી  સ્વાતંત્ર્યપૂર્વથી જ, કચ્છી પ્રજાજનને, આવી કઠિન ભૌગોલિક પરિસ્થિતિએ, ખડતલ, સાહસી, સેવાભાવી તથા માણસાઈથી હર્યોભર્યો બનવામાં મદદ કરી..!! શ્રીકુંદનલાલ ધોળકિયાના પુસ્તક,`શ્રુતિ અને સ્મૃતિ`, પ્રમાણે કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદય સન-૧૮૭૧માં થયો હતો તથા તેની પ્રથમ બંધારણીય ચૂંટણી ૧૯૪૫માં યોજાઈ જેમાં, ભુજ,અંજાર,મુન્દ્રા,માંડવી,ભચાઉ,રાપર અને જખૌ એમ, કુલ સાત નગરસભાની રચના કરવામાં આવી. સન-૧૯૪૭માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ, કચ્છને `ક` વર્ગ (`C` CLASS) ના રાજ્યનો દરજ્જો અપાયો. સન-૧૯૫૦માં ભુજ,માંડવી, અંજાર અને મુન્દ્રાને મ્યુનિ.કૉર્પોરેશનનો દરજ્જો અર્પી પુખ્ત મતાધિકારના ધોરણે પ્રથમ ચૂંટણી કરવામાં આવી.

સન-૧૯૫૬ની પહેલી નવેમ્બરે, કચ્છને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયું તથા દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થઈ.જોકે, ફક્ત આશરે અઢી વર્ષ બાદ ફરીથી, સન-૧૯૬૦ની પહેલી મે ના રોજ મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને કચ્છને ગુજરાત રાજ્યમાં એક જિલ્લા તરીકે સમાવી લેવામાં આવ્યું. હાલમાં કચ્છ જિલ્લામાં,ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, ભચાઉ, રાપર, ગાંધીધામ, નખત્રાણા, અબડાસા તથા લખપત મળીને, કુલ-૧૦ તાલુકા છે. જેમાં કુલ સાત નગરપાલિકાઓ, ૧૪૯ તાલુકા પંચાયત તથા ૬૧૩ ગ્રામ પંચાયતના કુશળ વહીવટ દ્વારા કચ્છનો સતત વિકાસ થઈ રહ્યો છે.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના કચ્છી લડવૈયા.

મિત્રો, દેશની આઝાદીના જંગમાં પણ કચ્છી માડુએ ક્યારેય પાછી પાની કરી નહતી. પૂજ્યગાંધીબાપુની (તા.૧૨ માર્ચ- ૫ એપ્રિલ ૧૯૩૦.)ઐતિહાસિક દાંડીકૂચમાં કચ્છના શ્રીજયંતીભાઈ પારેખ, શ્રીજેઠાલાલ રૂપારેલ, શ્રીડુંગરશીભાઈ, શ્રીનારાણજીભાઈ ઠક્કર, શ્રીપૃથ્વીરાજભાઈ આશર,શ્રીમગનભાઈ વોરા,શ્રીમાધવજીભાઈ ઠક્કર જેવા મહાનુભવોએ, માત્ર અઢાર વર્ષથી ચાલીસ વર્ષની વયે, ઉમંગભેર ભાગ લીધો હતો, આ ઉપરાંત,પૂ.બાપુની સવિનય કાનૂનભંગ લડતમાં (સન-૧૯૩૦) મુંબઈ ખાતે આઝાદ મેદાનમાં અંગ્રેજ સરકારે કરેલા કાતિલ ગોળીબારમાં, મૂળે ખોંભડી-તા.નખત્રાણાના યુવાન વીર શ્રીવિઠ્ઠલદાસ વલ્લભદાસ ચંદન શહીદીને વર્યા અને મુંબઈ ખાતે પ્રથમ શહીદીનું બહુમાન પામ્યા હતા.

આજ પ્રકારે, આઝાદીની ચળવળ, `અંગ્રેજો પાછા જાવ` તથા `કરેંગે યા મરેંગે`, દરમ્યાન, તા.૨૨ ઑક્ટોબર.૧૯૨૬ના રોજ `કચ્છી પ્રજાકીય પરિષદ`ની સ્થાપના કરવામાં આવી હતી. આ ચળવળમાં, ભદ્રેશ્વર-તા.મુન્દ્રા-કચ્છના કચ્છી સ્વાતંત્ર્યસેનાની શ્રીયુસુફ મહેરઅલીને ચળવળમાં ભાગ લેવા બદલ જેલવાસ થયો હતો. મૂલ્યનિષ્ઠ ગાંધીવાદી નેતા શ્રીમાવજીભાઈ વેદે, શ્રીગિજુભાઈ બધેકા, શ્રીરતુભાઈ અદાણી, શ્રીઇસ્માઈલ નાગોરી, શ્રીકાસમશાહ દર્દ, જાહેરજીવનના આદરવંતા અગ્રણી શ્રીગુલાબશંકર ધોળકિયા જેવા મહાનુભવોની સાથે કસમ સે કદમ મિલાવીને, સાહસિક કચ્છી મહિલાઓ જેમકે, સુશ્રીરમીબહેન રણછોડદાસ, સુશ્રીમોતીબહેન મૂળજીભાઈ વકીલ, સુશ્રીજ્યોત્સનાબહેન ફૂલશંકર પટ્ટણી, સુશ્રીબાબીબહેન મૂળજીભાઈ દયાળ ઉપરાંત, સુશ્રીરસીલાબહેન પટ્ટણી, સુશ્રીલક્ષ્મીબહેન સૂરજી, સુશ્રીસાવિત્રીબહેન કંસારા, સુશ્રી ઇન્દુબહેન અડવાણી, સુશ્રીમુદ્રિકાબહેન અંજારિયા, સુશ્રીગોદાવરીબહેન ઠક્કર જેવી અનેક સાહસિક દેશપ્રેમી કચ્છી નારી પણ સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાઈ હતી. આ ઉપરાંત,ઘણા કચ્છી પત્રકાર મિત્રો જેમકે, શ્રીદયારામ દેપાળા(કચ્છી સમાચાર-કચ્છી ઢોલ.),શ્રીચત્રભુજ ભટ્ટ(કચ્છી.)શ્રીરવજીભાઈ શાહ(કચ્છ કેસરી.),શ્રીપ્રાણલાલ શાહ(જાગૃત કચ્છ.) તથા શ્રીછગનલાલ મહેતા (કચ્છ વર્તમાન) એ પણ સ્વાત્રંત્ર્યની ચળવળમાં તેજાબી કલમી સહકાર અર્પીને દેશને ગુલામીમુક્ત કરાવવામાં સિંહફાળો આપ્યો તે કેમેય વિસારાય તેમ નથી જ નથી.

અત્રે, એ પણ નોંધનીય છેકે, આઝાદી બાદ જન્મેલી આધુનિક પેઢી દ્વારા, પોતાના બંધારણીય હક્ક માટે ઝઝૂમવાનું, ભ્રષ્ટાચાર નાબૂદી, સામાજિક કુરિવાજ સામે લડવાનું તથા સમાજના વિકાસને રૂંધતા પરિબળોને માત કરવાનું વલણ, વર્તમાન સમયમાં પણ જારી છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

કચ્છ એટલેકે ગુજરાતી અસ્મિતાનું કાયમી સરનામું.

કચ્છ એટલેકે, સમૃદ્ધિ, શિક્ષણ, સામર્થ્ય, હસ્તકલા તથા સાહિત્યિક રસિકતાનો પ્રદેશ અને કચ્છી માડુ એટલેકે, વીરતા,વ્યવસ્થા, નૈતિકતા, મુત્સદ્દીગીરીનો અદ્ભુત સમન્વય..!! કચ્છના,આહિર, રબારી, રજપૂત,જત,સોઢા,બન્નીયારો જેવી વિવિધ કોમની આગવી શૈલીની હસ્તકલાની વાત જ શી કરવી..!! કચ્છના મોચીભરત,બત્રીભરત,મહાજનભરત,આહિરભરત, કણબીભરત,રબારીભરતની શૈલીમાં સાંકળી,આંટીઆળા લપેટા, ટાંકા, આભલાની કલા જગવિખ્યાત છે. બન્નીની મુસ્લિમ બહેનોના કુશળ હાથે સર્જન પામેલી, જીવંત પશુ-પક્ષીઓની હસ્તભરત કલાકૃતિઓ કોઈ કુશળ શિલ્પીના ટાંકણામાંથી સર્જાયેલ અદ્ભુત પ્રતિમા સમાન દીપી ઊઠે છે. આ ઉપરાંત,લોકજીવનમાં રોજરોજને ઉપયોગી એવી ગૃહસજાવટની કલાકૃતિઓ, ગૃહવપરાશ માટે રાચરચીલાં તથા વસ્ત્ર કે આભૂષણ નિર્માણમાં કચ્છને વિશિષ્ટ કલાનું ઈશ્વરી વરદાન પ્રાપ્ત થયેલું છે. શહેરીજીવનના કોલાહલથી દૂર, કચ્છના અંતરિયાળ ગામડાંઓના શાંત અને નિતાંત સત્યાત્માના ઝળાંહળાં નૂરને, અનેક પ્રકારના ભાતીગળ રંગોમાં ઢાળીને, નિરાંતની કોમલતા અને હાથની કુશળતાના સંગમ દ્વારા, જે કચ્છી કલાકૃતિઓ નિર્મિત થાય છે,તેનું કેટલીક પસંદગીની પંક્તિમાં વર્ણન કરવું અશક્ય છે..!! સન-૧૯૬૯માં કચ્છના ભુજોડી ગામે, કચ્છની કળાને સમર્થન કાજે `શ્રુજન` નામની બળુકી સંસ્થાનાં સ્થાપક શ્રીમતીચંદાબહેન શ્રોફ કહે છેકે," આવતીકાલના વિચારે હવે શ્રુજન સંસ્થા કચ્છના ભરતકામના ઉત્કૃષ્ટ નમૂનાઓનું એક મ્યુઝિયમ નિર્માણ કરી રહી છે જેનું નામ,`લીવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર` છે. કદાચ નવી પેઢીને આ સંગ્રહસ્થાન નિહાળીને પ્રેરણા મળે અને આ કલા ક્યારેય સ્થગિતતાને ન પામે..!!"

ટૂંકમાં, પોતાની,લોકભરત,લીંપણકળા, ટેરાકોટા કુંભકારી, ચિત્રકલા,શિલ્પકલા તથા લુહારી-સુથારીકામના સુભગ સમન્વય દ્વારા રચાયેલા અવાઢ, શરા, ટેકણ ઝરૂખા, કલાત્મક બારી-બારણાં,છંદાવેલ-કુંભ-હાથી-ઘોડા કોતરેલી બારસાખ, ઉપરાંત અમર સાહિત્ય રચનાઓ, સંગીત, સંસ્કૃતિ તથા અનેકવિધ વ્યવસાયથી, દેશ-વિદેશમાં સમગ્ર કચ્છ પંથક સહિત, ગુજરાત તથા ભારતનો ડંકો વગાડનાર કચ્છીભાઈ-બહેનો અનેકાનેક સરપાવના અધિકારી છે.

કચ્છ એટલેકે, પ્રવાસનનું અણમોલ નજરાણું.

આમ જુઓતો, કુદરત પણ જાણે કસોટી કરતી હોય તેમ, આ વિસ્તારમાં આવેલા, સન-૧૬ જૂન ૧૮૧૯ના પ્રથમ કારમા ભૂકંપ જેણે સિધું નદીને પાકિસ્તાન બાજુ વાળી દીધી હતી, સન-૧૯૫૬ ની તારીખ ૨૧ જુલાઈના બીજા ભૂકંપ તથા સન-૨૦૦૧ ની તારીખ ૨૬ મી જાન્યુઆરીએ આવેલા ત્રીજા ભયાનક ભૂકંપના આઘાત છતાં, ઈશ્વરે પણ કચ્છની ખમીરવંતી સંસ્કૃતિનું સન્માન કરવા કાજે, કચ્છને જાપાની સમુરાઈ યોદ્ધાઓની માફલ નવુંજ જોમ બક્ષીને નવેસરથી આ આઘાતને અવસરમાં પલટાવવાનું સામર્થ્ય બક્ષ્યું છે. કદાચ, આથીજ ઈશ્વરે, કચ્છના ધોળાવીરા ખાતે સ્થિત, આશરે પાંચહજાર વર્ષ પુરાણી હડપ્પન સંસ્કૃતિના અવશેષને ઊની આંચ પણ આવવા નથી દીધી. જીહા..તે પ્રાચીન અવશેષ આજેપણ અડીખમ ટકી શક્યા છે. જગવિખ્યાત આર્કિટેક મિસ્ટર ડેવિડ કાર્ડોસના મતાનુસાર ધોળાવીરાના સ્થાપત્ય તેની સ્થિતિસ્થાપકતાના ગુણને કારણે ભયાનક ભૂકંપનો સામનો કરી શક્યા છે. આવીજ સ્થિતિસ્થાપકતા પ્રેમાળ કચ્છી માડુમાં પણ જોવા મળે છે. કચ્છમાં અનેક વર્ષોના વસવાટ બાદ, સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલા, આપણા પ્યારા ગઝલ સમ્રાટ આદરણીય શ્રીઅમૃત `ઘાયલ` પોતાની આગવી શૈલીમાં  કચ્છ પ્રેમ વ્યક્ત કરે છે..કે..,
" ભાંભરું તો`ય ભીંજવે ભાવે, મિઠ્ઠી બોલી બોલતું આવે,
તાણ કરીને જાય રે તાણી, વાહ રે ભાઈ કચ્છનું પાણી..!!"
આમેય, કચ્છની મહેમાનગતી બાબતે કચ્છી માડુ દ્વારા, સંસ્કૃતના, ` समत्वं   करोति   सा   संस्कृति ।` સૂત્રને બરાબર આત્મસાત કર્યું  હોય  તેમ  ભાસે  છે, તેથીજ કચ્છની અનેક ભૌગોલિક અક્ષમતા હોવા છતાં ભગવાને કચ્છને છુટ્ટાં હાથે કુદરતી ખાણ-ખનીજ-નાનું મોટું રણ તથા નાના ડુંગરની હારમાળાનું નૈસર્ગિક સૌંદર્ય બક્ષ્યું છે..!!

* અદ્ભુત કોતરણીથી શોભતું, કેરાનું શિવમંદિર * હબાય ડુંગર પાસે,અજંતાના શિલ્પોની પ્રતિકૃતિ સમાન સૂર્યમંદિર-કોટાયનું શિવમંદિર.* કંથકોટનું સ્થાપત્ય.*પુંઅરેશ્વરનું શિવમંદિર.* સોળથંભી મસ્જિદ-ભદ્રેશ્વર. ઉપરાંત, નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢ, જેસલતોરલની સમાધિ,કેરા મંદિર, હાજીપીર, ભદ્રેશ્વર વસઈ જૈન તીર્થધામ, હમીરસર તળાવ,કચ્છ મ્યુઝિયમ, આયના મહેલ,ભૂજિયો કિલ્લો, દોલતપરના શિલાલેખ, ધીણોધર, ભુજની લખપતજીની કલાત્મક છતરડી,ભુવડ-શિવમંદિર, અબડાસા-પંચતીર્થી, મહમદ પન્નીની મસ્જિદ,બન્નીનું પક્ષીઅભયારણ્ય, નાનું-મોટું રણ-રણોત્સવ જેવાં, અનેક જોવા-માણવા લાયક સ્થળોના આકર્ષણને કારણે, પ્રવાસનક્ષેત્રે પણ, કચ્છની ધરતી, પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓથી સદૈવ ધમધમતી રહે છે. જાણીતા ઇતિહાસકાર-લેખક શ્રીદોલત ભટ્ટના મતાનુસાર," ઇતિહાસ અંકિત કચ્છની કસુંબલ ધરતીએ અનેક આક્રમણો ખાળ્યાં અને ટાળ્યાં છે. જવાંમર્દી અને સમર્પણ આ ઘરતીની આગવી ઓળખ છે."

કચ્છ એટલેકે, સાહિત્ય-સંગીતની સદા વહેતી સરવાણી.

કચ્છના રાજવી ઇતિહાસ પ્રમાણે,માજી રાજવી શ્રીમહારાવ પહેલાથી માંડીને અંતિમ શાસક રાજવી શ્રીમદનસિંહજી સુધીના રાજવીઓએ કચ્છમાં સાહિત્ય-સંગીત-શિલ્પકલા જગતને હંમેશા પોષ્યું અને પોરસ્યું હતું તેમ ઇતિહાસકાર નોંધે છે. સ્વ.કવિ શ્રીજીવરામ અજરામર ગોર દ્વારા પ્રકાશિત `ગુજરાતી` સાપ્તાહિકના સન-૧૯૧૧ના દીપોત્સવી અંકમાં કચ્છના રાજવી મહારાવ લખપતજીની સાહિત્યિક કૃતિઓની ચર્ચા કરીને,આ સાહિત્ય પ્રેમી રાજવીના સાહિત્ય પ્રેમની સાચી ઓળખ  સમગ્ર પ્રજાજનોને, પ્રકાશકે કરાવી હતી. આવા સાહિત્ય રસિક રાજવીઓની છત્રછાયાને કારણે જ,ખીમજી હીરજી કાયાણી (`કચ્છાધિપતિ પ્રત્યે વિજ્ઞપ્તિ`-પુસ્તક), ચત્રભુજ ભટ્ટ, કાંતિપ્રસાદ અંતાણી,ગોકુળદાસ ખીમજી,ગુલાબશંકર ધોળકિયા,રસિકલાલ જોષી,જમનાદાસ ગાંધી,પ્રાણલાલ મહેતા,સંત દેવાસાહેબ,સંતબિહારીદાસજી,સંત ઇશ્વરરામ,કવિ કેશવજી, કવિ રાઘવજી, કવિ નિરંજનજી, પ્રસિદ્ધ નવલકથાકાર નારાયણ વિસતજી, સંગીતકાર પંડિત પરિમલજી, સિંધીભાઈ શ્રીપ્રતાપજી, જેવા અનેક વિદ્વાન સાહિત્યકાર મહાનુભવશ્રીએ, અણમોલ સાહિત્ય-સંગીત-સત્સંગ દ્વારા, કચ્છી માડુ કાજે, કર્મ-ધર્મની અનેરી કેડીઓ કંડારીને કચ્છની ધરતીનો વિશ્વમાં ડંકો વગાડ્યો. કચ્છના સુપ્રસિદ્ધ વાર્તાકાર શ્રીજયંત ખત્રી(૧૯૦૯-૧૯૬૮), અનેક પુસ્તકના રચયિતા તથા પંડિત શ્રી નહેરૂજીના સમયે કેન્દ્રના આયોજન મંત્રી શ્રીકે.ટી.શાહ( ૧૮૮૮-૧૯૫૩)ના જીવન ચરિત્ર દ્વારા, કચ્છના પનોતા પુત્રોનો પરિચય મળી રહે છે. આ અંગે વધુ વિગતે, ડૉ.શ્રીગોવર્ધન વર્મા અને ડૉ.સુશ્રીભાવનાબહેન મહેતા રચિત,"કચ્છના જ્યોતિર્ધરો" નામક પુસ્તકમાં, લોકકથાઓના નાયક લાખો ફૂલાણી,દાનવંતા જગડુશા, વીર સાધક ધોરમનાથ, વૈજ્ઞાનિક શ્રીજયકૃષ્ણ ઇન્દ્રજી, સંસ્કૃતના પ્રકાંડ પંડિત ક્રાંતિવીર શ્રીશ્યામજી કૃષ્ણ વર્મા, ગુજરાતી સાહિત્યનું આદરણીય નામ શ્રીહાજી મહમ્મદ અલ્લારખિયા ઉપરાંત,સંત મેકરણદાદા,મહારાવ લખપતજી,રામસિંહ માલમ,ફત્તેહમામદ જમાદાર,સુંદરજી સોદાગર જેવાં કચ્છનાં વિરલ વ્યક્તિત્વનાં અદ્ભુત રેખાચિત્ર આલેખાયાં છે.

કચ્છપ્રદેશના કુલ ૪૫,૬૫૨ ચો.કિ.મી.ના કચ્છવિસ્તારમાં આશરે સત્તર લાખ જેટલી વસ્તીમાં બાવન ટકા સાક્ષરતા સાથે, કચ્છ જિલ્લાના, દસ તાલુકાનાં ૧૦૦૦ ગામોમાં મહદ્‍ અંશે ગુજરાતી, સિંધી તથા કચ્છી ભાષા પ્રાધાન્ય ધરાવે છે. કચ્છીભાષાનો ઉગમકાળ ઇ.સ.૧૦૭૦ ને ૧૨૦૦ની મધ્યનો મનાય છે.સંસ્કૃતમાંથી પ્રાકૃત રૂપ ધારણ કરતી આર્યાવર્તની ભાષા એજ કચ્છી ભાષાની જનની હોય તેમ મનાય છે.સંસ્કૃતમાં, " ऋणं कृत्वा धृतं पीवेत्‍ ।" જે કચ્છીમાં,"रिणुंकजेत रूखो कुला खाजे?" અર્થાત- "ઉધાર લેવું તો,ચોપડ્યા વિના શું કામ ખાવું?"
આજ પ્રમાણે,"ધરમ પિંગલો આય."-ધરમ પાંગળો છે.
"રૂત ખરઈ થીયે કીં જમાર પીરઈ ન થીંયે?"- મોસમ રૂઠે તેથી કાંઈ જન્મારો ન બગડે..!!"
આથીજ કહેછેકે, " उमेध  मन  में  एतरी,  कच्छ  थीये   आभाध..!!  कच्छी बोली जुग़  जीये, कच्छी  करीयें  याध..!!"

આ જોતાંતો, કચ્છીભાષાને પ્રેમ કરનાર વિદ્વાન મિત્રોએ, શ્રીપ્રતાપરાય ત્રિવેદી રચિત,"બૃહદ કચ્છી શબ્દકોશ(ખંડ-૧ તથા ખંડ-૨)" પોતાના પુસ્તકાલયમાં વસાવવા જેવા છે. કચ્છી પ્રાચીન સાહિત્યમાં,લોકકથા,લોકવાર્તા,લોકનાટકો, જેવી ગદ્યરચના તથા દુહા,બેત,કાફી,પિરોલી,લોકગીત, સલોકા, બાલગીત, હાલરડાં,પાર(મરશિયા),લગ્નગીતનો અણમોલ ખજાનો ધરબાયેલો છે.જેને આદ્ય કચ્છી સંશોધક શ્રીજીવરામ અજરામર ગોર (૧૮૯૩) તથા શ્રીફરામજી બસનજી માસ્ટર દ્વારા સર્વપ્રથમ સન-૧૮૭૨માં,"કચ્છી વાતો અને પ્રેમકથાઓ" સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યો. અર્વાચીન સાહિત્યમાં, શ્રીદુલેરાય કાલાણીએ ઉર્મિકાવ્યો,ગીત-ગઝલનું રૂપ બાંધ્યું તથા કચ્છીભાષામાં સાહિત્ય સર્જન ઉપરાંત, સંશોધન,સંપાદનનું ઐતિહાસિક કાર્ય સુપેરે કર્યું છે. કચ્છને પોતાની ભાષામાં આગવું સામયિક પ્રદાન કરનારા કુંજલજી કુંણકાર (અશ્ક-તંત્રી-શ્રીમાધવ જોષી.)ને પણ,અત્રે યાદ કરવા ઘટે.

કચ્છી માડુ તરીકે, સંગીત જગતમાં તો કચ્છના સર્વોચ્ચ સ્થાને, સન-૧૯૭૩માં,બીનાકા ગીતમાલામાં ટોપ રહેલું તથા સર્વશ્રેષ્ઠ ગીતનો ફિલ્મફેર ઍવોર્ડ મેળવી ચૂકેલું સુંદર ભાવવાહી ગીત,"મેરા જીવન કોરા કાગઝ.."ના સંગીતકાર તથા આપણા દેશની લગભગ સવાસો ફિલ્મોમાં પોતાના સંગીતનો જાદુ રેલાવનાર કચ્છી માડુ પદ્મશ્રીકલ્યાણજીભાઈ તથા પદ્મશ્રીઆણંદજીભાઈને ભારતભરમાં કોણ નહીં ઓળખતું હોય..!! સંગીતના આ બંને જાદુગરોએ પણ ગુજરાતના સુશ્રીદિપાલી સોમૈયા જેવા અનેક ગાયિકા-ગાયકને જાહેર મંચ પ્રદાન કરીને,પોતાના વતનનું ૠણ ચૂકવવામાં પણ લગીરે પાછી પાની નથી કરી.

અંતે, કચ્છના સાહિત્યમાં શબ્દગૂંથણી, વિવિધ ભાવરંગછટા, સૂર,તાલ, અને લયબદ્ધ ઢાળની ચતુરાઈભરી લાક્ષણિકતાએ કચ્છની ધરાને, કેવળ જમીનનો ટુકડો ન રહેવા દેતાં, ભાવ-ભૂમિમાં પરિવર્તિત કરી છે.આમેય, કચ્છી લગ્ન પ્રસંગે,વેવાઈને જમણ પીરસતાં પહેલાં કન્યાપક્ષની નારી,`હેમારઈ` (સમસ્યા-ઉખાણું) પૂછીને વેવાઈની હોશિયારીનું માપ કાઢે છે..!!

" રાજા છાય જંધાણી કચ્છ ડેસમેં, 
તેંજો ધ્રૂસકો સુજાનૂં હાલાર હેમારીનાં ગુણ કેજો, 
વેઆંઈ ચતુરાઈયું હોય તો ચઈ ડેજો,
નઈં તો થાસે મેડાવામાં ઘીસી માણ રાજ..રાજ હેમારીના..!!"

વેવાઈ જ્યારે માથું ખંજવાળી જવાબ નથી વાળી શકતા ત્યારે,કન્યાપક્ષની નારી જવાબ આપે છેકે, "મેઘની ગાજવીજ."

કચ્છની ભાવપૂર્ણ ધરતીની આ ચતુરાઈભરી મહેમાનનવાજી તથા લાક્ષણિકતાને સાર્થક કરતા હોય તેમ, જગતના કોઈ પણ ખૂણે વસતાં કચ્છીભાઈ-બહેન, વતનને આજેય વીસર્યાં નથી. તેથીજ અનેક પ્રકારની કુદરતી આપદા વચ્ચે પણ વતનનો સાદ પડતાં જ, આ કચ્છી માડુ, વતનમાં `ભામાશા` તથા શેઠ શામળશાનું રૂપ ધરી, મેઘની ગાજવીજ સાથે, વિપદામાં આવેલા સ્વજનો પર અનરાધાર વરસવા કાજે, વગર આમંત્રણે, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા દોડી જાય છે. કદાચ, સાચા અર્થમાં  આનેજ કહેવાય, કચ્છ-કચ્છી અને કચ્છીયત..!! આ એક મહાસાગર જેટલી વિશાળ નામી-અનામી,`કચ્છીયત`ને એક લેખની નાનકડી ગાગરમાં સમાવવા માટે  આ લેખકની કલમ ટૂંકી પડતી લાગે તો, તે બાબત આ લેખકની મર્યાદા છે તેમ સમજીને, આપણા ગુજરાતનો કચ્છપ્રદેશ-કચ્છી માડુ તથા તેની કચ્છીયત, નિર્વિઘ્ને સદાય અમર રહે તેવી ઇશ્વર પ્રાર્થનાસહ.."कच्छ  कच्छी  कच्छीयत,  मुंझी  मातृभुमि  के  नमन..!!"- અસ્તુ.

માર્કંડ દવે.તા.૨૭-૧૨-૨૦૧૧.

3 comments:

  1. કચ્છ વિશે એક ગીત:
    http://vmtailor.com/archives/582

    ReplyDelete
  2. ધન્યવાદ માર્કન્ડભાઈ
    ખૂબ સરસ, સાચવી રાખવા જેવો લેખ.

    પ્રવીણ શાસ્ત્રી.

    ReplyDelete
  3. કચ્છની કેફીયતને આટલા લાઘવમાં સમાવવાનું અતિ મુશ્કેલ કામ શ્રી માર્કંડભાઇએ કર્યું છે.
    સૈકાઓ સુધી કચ્છ ભારતના સામાન્ય પ્રવાહથી ઓછો જોડાયેલો ગણાયો છે. તેનો દેશ કે વિદેશ સાથેનો સંપર્ક કચ્છ્ની બહાર વસેલા કચ્છીઓ થકી અને તે પૂરતો મર્યાદીત ગણાતો હતો.
    ગુજરાત રાજ્યની રચના થઇ તે પછીથી કચ્છનું ગુજરાત ને દેશના અન્ય ભાગો સાથેનું ભૌતિક અંતર રેલવૅ અને રૉડ્સની તેમ જ સંદેશા વ્યવહારની સુધરતી જતી સગવડોને કારણે ઓછું જણાતું થયું છે.
    ૧૯૬૫ની આસપાસ કંડલા બંદરની શરૂઆત અને તે પછીથી તેના વિકાસને કારણે ઉત્તર ભારતસાથેના વધવા લાગેલ વ્યપારિક વ્યવહારોને કારણે ગાંધીધામમાં કેટલાય ઉત્તર ભારતીયોએ કુટુંબ સાથે વસવાનું ચાલું કર્યું. આજે ગાંધીધામમાં મૂળ ગાંધીધામના વતનીઓથી વધારે વસતી ગાંધીધામમાં આ રીતે વ્યાવસાયિક કારણોથી આવેલ ભારતીયોની ત્રીજી ચોથી પેઢીની છે.
    તે જ રીતે ૨૦૦૧ના ભૂકંપ પછીથી વેગ પકડેલ ઔદ્યોગિકરણે સંદેશ વ્યવહારની માળખાંકીય સેવાઓમાં થયેલા અંગદ કુદકા જેવા સુધારાઓ અને કુશળ કારીગર અને કર્મચારી વર્ગની સમગ્ર ભારતમાંથી થયેલી ભરતીને કારણે કચ્છની સાસ્કૃતિક તાસીરમાં બે અલગ પ્રવાહો દ્રષ્ટિગોચર થઇ રહ્યા છે. સમયાંતરે આ રીતે કચ્છ ભૌગોલિક દ્રષ્ટિએ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ દેશના સામાન્ય પ્રવાહથી વધારે નજદીક આવશે.
    કચ્છીયતના આ ફેરફારોને પણ ઇતિહાસને ચોપડે નોંધવાનું કાર્ય આ દ્રષ્ટિએ મહત્વનું બની રહેશે.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.