Saturday, January 16, 2010

જ્ઞાનપ્રકાશનું ફાનસ.

જ્ઞાનપ્રકાશનું ફાનસ.

પ્રિય મિત્રો,

સમગ્ર વિશ્વને,આપણા સહુ વતી, મૅરી ક્રિસમસ અને નવા વર્ષની અઢળક શુભેચ્છાઓ.

આપણા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં, વર્ષો અગાઉ એક પાઠ આવતો હતો.

એકવાર એક અંધારી રાતે, એક માણસ ફાનસ લઈને,ગામના કાચા રસ્તે થી, પોતાને ઘેર જતો હતો. તે માણસ પોતે લાકડીના ટેકે, રસ્તામાં સાવધાનીથી ધીરે ધીરે આગળ વધતો હતો. નવાઈ એ વાતની હતીકે, તેના હાથમાં સળગતું ફાનસ હતુ ..!! પરંતુ, તે માણસ બંને આંખે અંધ હતો. રસ્તે જનારા અન્ય તમામને,આ દ્રશ્ય જોઈને નવાઈ લાગતી હતી, આખરે એક નવયુવાન ની જીજ્ઞાસાએ જોર મારતાં, સળગતું ફાનસ લઈને ચાલતા આ માણસને, તેણે ઉભો રાખીને ,પુછી જ લીધું," બાબા, તમને તો દેખાતું નથી. અંધ છો, તો પછી આખા રસ્તે ફાનસનો પ્રકાશ પડે કે ન પડે,તમને શું ફેર પડે છે ? ફાનસનું વજન શા માટે ઉંચકીને ચાલો છો, તમારે ફાનસની શી જરુર?"

પેલા અંધ માણસે જવાબ આપ્યો," ભાઈ,તમારી વાત સાચી છે,મારે ફાનસની શી જરુર? પરંતુ આ ફાનસ નું અજવાળું, દેખતા માણસ માટે છે."

યુવકે પુછ્યું,"દેખતા માટે ફાનસ ?"

પેલા અંધ માણસે ખુલાસો કર્યો," રસ્તે અંધારું હોય તો, મારી સામેથી આવતો, કોઈ દેખતો માણસ મને અથડાઈ જાય અને હું પડી જાઉં, તો પણ જોયા વગર, મને જ ઠપકો આપેકે, કેમ અથડાય છે ? દેખાતું નથી..!! આંધળો છે?"
.
કેટલી સચોટ વાત...!! કેવો જમાનો છે...!! પ્રજ્ઞાચક્ષુઓને, દેખતા માણસના માર્ગદર્શન માટે, ફાનસની જરુર પડે..!!

સાચુંતો એ છેકે, આપણા દેશને આઝાદી મળે ૬૦+ વર્ષ થયાં છતાં,ભૌતિક સગવડની રીતે, દેશના ઘણા પછાત વિસ્તારોમાં, આજે પણ ફાનસ અને લૅમ્પ દ્વારા અભ્યાસ કરીને, ઘણાં ગરીબ પરિવારોનાં બાળકો, ડૉક્ટર,ઍન્જિનીયર, આઈ.એસ; આઈ.પી.એસ. થવાનાં સ્વપ્ન સેવે છે.

આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રીલાલબહાદુર શાસ્ત્રી સહિત ઘણા સન્માનનીય નેતાઓ ,તેનાં સચોટ ઉદાહરણ છે. આજે પણ સુશ્રીકિરણ બેદીજી અને હાઈકૉર્ટ-સુપ્રિમકૉર્ટના ઘણા સન્માનનીય જજસાહેબો,ફાનસના પ્રકાશે અભ્યાસ કરી,જેતે પદ સુધી પહોંચ્યા છે.

બધી ભૌતિક સુખસગવડ હોવા છતાં, માતાપિતાના માથે પડેલા અને મનની આંખે અંધ અને સમજશક્તિમાં પ્રજ્ઞાચક્ષુ હોય તેવા, અનેક માનવીઓને આપણે ફાનસ વગરના પ્રજ્ઞાચક્ષુ કહીશું ?

( ફાનસની વ્યાખ્યા શું? )

આ લેખ, ફાનસ વિષે, લખવાનો સહેજ પણ ઈરાદો નથી, છતાંય ઉલ્લેખ થયો છે તો, તેનો ઈતિહાસ જરા જાણી લઈએ.

ફાનસઃ- હાથમાં કે અન્ય રીતે એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જઈ શકાય તેવા,આસપાસના મોટા વિસ્તારને અજવાળતા,સાધનને ફાનસ ( Lantern, Lamp) કહે છે.

બીલકુલ સાદી યાંત્રીક યુક્તિ દ્વારા તૈયાર કરવામાં આવેલા લૅમ્પથી શરુ કરીને, આજે તો અનેક આકાર, સજાવટ, તથા કિંમતમાં આધુનિક ટેકનોલોજી ધરાવતા લૅમ્પ્સ, ઝૂમ્મર બજારમાં મળે છે. જે સહુના ઘરની શોભા અને સગવડ બંને વધારે છે.જોકે પર્યાવરણવાદીઓને આવા કુદરતી બળતણ ઉપર નભતા ફાનસ,કે લૅમ્પ પસંદ ન આવે,તે સ્વાભાવિક છે,કારણકે,તે જીવન ઉપયોગી ઑક્સીજનનો વપરાશ કરી બદલામાં,ઝેરી કાર્બન મૉનૉક્સાઈડ હવામાં છોડે છે.

આપણી જૂની કથાઓમાં અલાદ્દીન અને તેના જાદુઈ ચિરાગની વાર્તા ખૂબ પ્રખ્યાત છે. અમેરિકામાં કેરોસિનથી ચાલતો `મૅન્ટલ લૅમ્પ`સહુ પ્રથમ આજ નામ એટલેકે,` અલાદ્દીન મૅન્ટલ લૅમ્પ કંપની`એ બજારમાં મૂક્યો હતો.આ કથાઓ વાંચીને નાનપણમાં, અમને પણ, ક્યાંકથી, આવો લૅમ્પ મળી જાય અને તેમાંથી જિન નીકળી, અમારું સ્કૂલ-હોમવર્ક, ચપટી વગાડતાં,કરી આપે, તેવી અદમ્ય ઈચ્છા થતી.

હવે તો આધુનિક ટેકનોલોજીને કારણે, સાવ કીડી-મંકોડાથી પણ, નાની સાઈઝની, લાંબી આવરદા ધરાવતી બૅટરી-સૅલ વગેરેને કારણે,હાથવગાં કૅલ્યુલેટર,બાળકો માટે, કદાચ અસલ જિન કરતાંય વધારે ઝડપથી, પળવારમાં,સ્કૂલનું હોમવર્ક સરળ કરી આપે છે.

સૉલારના ઉપયોગથી ચાલતાં પ્રકાશ માટેનાં, ઉપકરણો દિવસે દિવસે સસ્તાં થતાં,સાવ પછાત વિસ્તારોને પણ આધુનિક જિન નો લાભ મળતો થયો છે.
`ધી લાઈટ અપ વર્લ્ડ ફાઉન્ડેશન`,(LUTW) દ્વારા , `નહી નફો-નહી નુકશાન`ના ધોરણે, અત્યાર સુધીમાં વિશ્વના, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સહિત, આશરે ૨૬ દેશોનાં ૧૪૦૦૦ ઘરોમાં, સૉલાર-લાઈટની સવલત પુરી પાડી છે. આ બાળકો,અભ્યાસ કરતી વખતે, હવે કમ સે કમ, ફાનસનો, ઝેરી કાર્બન મૉનૉક્સાઈડ શ્વાસમાં લેતાં નથી.

કુદરતે આપણને સૂર્ય જેવું, ૧,૩૯૨,૦૦૦ કિલોમીટર્સ વ્યાસ (લગભગ ૧૦૯ પૃથ્વી સમાય તેટલું મોટું ) અને સપાટી ઉપર ૯,૯૧૦ ફૅરનહીટ(૫,૫૧૦ સેન્ટીગ્રેડ) તાપમાન ધરાવતું ,જગતનું સર્વોચ્ચ,વિશાળ, ફાનસ ભેંટ આપેલું છે,તે બદલ આપણે કુદરતનો આભાર માનવો રહ્યો. આપણી પૃથ્વીથી આશરે ૧૪૯.૬ લાખ કિ.મીટર દૂર હોવા છતાં,તે દરરોજ સવારે અચૂક ઉગે છે.આપણે તેની શક્તિનો પુરતો ઉપયોગ કરવાના તંત્ર-ટેકનિકને વિકસાવી શક્યા નથી તે આપણું દુર્ભાગ્ય છે. આને આપણા જ્ઞાન પ્રકાશની ખામી કહી શકાય?

( જ્ઞાનપ્રકાશનું ફાનસ..!! )

આપણો આજનો લેખ, જ્ઞાનરુપી પ્રકાશ રેલાવતા, એક નાનકડા ફાનસના, અજવાળાથી વધારે ભલે ન હોય,પરંતુ, તેનું મહત્વ ઓછું ન આંકી શકાય તેમ,મારું નમ્રપણે માનવું છે.

ॐ भूर्भुवः स्वः ॐ तत्स वितुर्वरेण्यं भर्गो देवस्य धी महि धियो यो नः प्रचोदयात ॐ ॥

" ॐ भूः = પૃથ્વી, भृवः પૃથ્વીનો ઉપરનો ભાગ, स्वः =સ્વર્ગલોક, આ પ્રમાણે ત્રણેય લોકના સર્જક સવિતા- સૂર્ય દેવતાના તે સર્વોર્કૃષ્ટ તેજનું અમે ધ્યાન ધરીએ છીએ,જે અમારી બુદ્ધિને (સદવિચાર અને સતકર્મની) પ્રેરણા કરો."

( ઑક્સફર્ડ ડિક્સનેરીમાં દર્શાવ્યા મૂજબ, જ્ઞાન ( Knowledge ) ની વ્યાખ્યા )

"Knowledge is defined by the Oxford English Dictionary as
(i) expertise, and skills acquired by a person through experience or education; the theoretical or practical understanding of a subject,
(ii) what is known in a particular field or in total; facts and information or
(iii) awareness or familiarity gained by experience of a fact or situation."

વિખ્યાત તત્વજ્ઞાની પ્લૅટોના માનવા મૂજબ, જ્ઞાન એટલે, "justified true belief (a statement must be justified, true, and believed) ".જોકે, આજના યુગમાં,હવે તો જ્ઞાનને પણ વિવિધ પુરાવા તથા સત્યની કસોટીની ઍરણ પર ચઢીને ટીપાવું પડે છે.

જ્ઞાનની વ્યાખ્યાની ચિકાશમાં વધારે પડ્યા વગર આપણે, જીવનમાં તેની અનિવાર્ય,અગત્યતા સ્વીકારીએ તે વધારે જરુરી છે.
આપણા કાને પડતું,એક કાયમી વાક્ય છે,"જ્ઞાનને કોઈ સિમાડા નથી હોતા." બીલકુલ સત્ય છે,પરંતુ એ માટે, આપણા મનમાં, જ્ઞાનપ્રાપ્તિ માટે, અસીમ ભૂખ ઉઘાડવી જરુરી છે.

જ્ઞાનપ્રાપ્તિ,કોઈ એકનો ઈજારો નથી.માનવી સિવાયનાં,સાવ અક્કલ વગરનાં ગણાતાં,સર્વ પ્રાણીઓ પાસે કૂદરતી આફત,હોનારત,ભયને પારખવાનું જે જ્ઞાન છે,તેની પાસે આપણું જ્ઞાન હજી પાણી ભરે છે.

એમ કહેવાય છેકે, ભગવાન એક અંગ છીનવી લે છે,તેની અન્ય ખૂબી છઠ્ઠી ઈંન્દ્રીય (સિક્સ્થ સૅન્સ) જાગૃત કરી આપે છે.

૧૯૬૯માં મને ફ્લ્યૂટ (બાંસૂરી) શીખવવા એક પ્રજ્ઞાચક્ષુ ગુરુજી આવતા હતા.જ્યારે તેઓ સહુ પ્રથમ મારે ત્યાં આવ્યા ત્યારે, હું તેઓને લેવા બસસ્ટેન્ડ પર ગયો. મારે ઘેર આવ્યા પછી, પરત જતી વખતે, મેં, તેઓને, બીજા દિવસે આવવાનો સમય પુછ્યો તો, તેઓએ મને બસસ્ટેન્ડ પર લેવા આવવાની ના પાડી દીધી.
બીજા દિવસે હું ચિંતામાં હતોકે, ગુરુજી એકલા કેવી રીતે મારે ત્યાં આવશે? ત્યાંતો તેઓ સમયસર, છેક ઘરના દરવાજે આવી પહોંચ્યા.મને ઘણી નવાઈ લાગી..!! પુછતાં તેઓએ જણાવ્યુંકે, તેઓએ, મારી સાથે આવતી વખતે, વાતવાતમાં, મારા ઘર સુધીના વળાંકોનું માપ, પોતાનાં પગલાં ગણીને, યાદ કરી લીધું હતું. કોઈક કારણસર ગુરુજીએ મારું ટ્યુશન બંધ કરવું પડ્યું. અમારી છેલ્લી મુલાકાતને, પણ આશરે ત્રણ વર્ષ થઈ ગયાં.

આશરે ત્રણ વર્ષ બાદ, એક દિવસ, ગુરુજી મારા વિસ્તારમાં કામ અંગે કોઈને ત્યાં આવ્યા, ત્યારે તેઓ, મને યાદ કરી,મળવા માટે અચાનક, એકલા જ ઘેર આવી પહોંચ્યા.તેઓને મારા ઘર સુધીનાં ગણેલાં પગલાં હજી યાદ હતાં.જોકે મને નવાઈ તો ત્યારે થઈ,જ્યારે તેઓએ ચા પીતાં-પીતાં મને પુછ્યું," દવે ભાઈ, નવાં કપરકાબી લીધાં છે?" છેવટે મને આશ્ચર્યમાં પડેલો અનુભવીને તેમણે ખુલાસો કર્યો,"ત્રણ વર્ષ અગાઉ ચા પીતો હતો,તે કપને પકડવાનું હેન્ડલ (કપનો- કાનો) ,ગોળ હતું,જ્યારે આજે તે ચપટું છે."

હાલમાં, ગુજરાતમાં નવસારી ખાતે, ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૫ મું અધિવેશન ખૂલ્લૂ મૂકાયું,તે પ્રસંગે,મેગ્સેસે ઍવોર્ડ વિજેતા,બંગાળનાં સમર્થ લેખિકા, મહાશ્વેતાદેવીએ, જ્ઞાનની પરબ,સાવ છેવાડાના માનવી,દરિદ્રનારાયણની ભાષામાં શરુ કરવાનું સૂચન કર્યું જેના ઉપર ચિતન કરવા સાથેજ,તે આવકાર્ય પણ છે. નવી પેઢીને ગુજરાતી ભાષામાં રસ લેતા કરવા કેટલાંક રચનાત્મક સૂચનો પણ થયાં.

" Eduction is simply the soul of a society as it passes from one generation to another." G.K.CHESTERTON (1874-1936) British Writer.

આશા રાખીએકે, ગુજરાતી સાહિત્ય પરિષદના સમાપન સમારોહ બાદ,આ સૂચનોને વિસારે પાડી દેવામાં નહીં આવે..!!

છેલ્લે, ૨૦૦૯નું વર્ષ ગુજરાત અને ગુજરાતીઓ માટે, કેટલાક દુઃખદ બનાવોને બાદ કરતાં,નોંધપાત્ર રીતે,સમૃદ્ધિ અને પ્રગતિકારક રહ્યું છે.

ચાલો,આપણે સહુ ૨૦૧૦ ના નવા વર્ષને,ઉમળકાભેર આવકારતાં,જ્ઞાનપ્રાપ્તિના પ્રકાશપૂંજમાં,વધારે નહીંતો, છેવટે ફાનસ થઈને ,દેખતા છતાં ખોટામાર્ગે ભટકતા, પ્રજ્ઞાચક્ષુઓને સાચો માર્ગ બતાવવાના પૂન્યકાર્યમાં લાગી જઈએ.

ફરીથી, સમગ્ર વિશ્વને,આપણા સહુ વતી, મૅરી ક્રિસમસ અને નવા વર્ષની અઢળક શુભેચ્છાઓ.

માર્કંડ દવે. તા.૨૫-૧૨-૨૦૦૯.No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.