Friday, September 3, 2010

વાયરલ ફિવર, વાઈફને ફિઅર

Viral  Fever - Wife`s Fear.

વાયરલ ફિવર, વાઈફને ફિઅર

" લખલખે  જીવ, તો  માનજે,  ઈશ્કની  ખુમારી..!!     
  ધખધખે  મન,  તો  જાણજે,  ઈશ્કની  બીમારી..!!"


લખલખવું =  ચકચકવું; ઝળકવું ; તીવ્ર અભિલાષા થવી.
ધખધખવું =  મનમાં ને મનમાં ઊકળ્યા કરવું.

==============

પ્રિય મિત્રો,

અત્યારે સમગ્ર ગુજરાતમાં, ચોમાસું જામ્યું છે ત્યારે, તેની આડઅસરરૂપે, `અખિયાઁ મીલાકે`, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા ચિત્ર-વિચિત્ર નામ ધરાવતા રોગ ની સાથે, વાયરલ ફિવરે પણ માથું ઉઠાવ્યું છે.

આ વાયરલ ફિવરે, કોઈને પણ બક્ષ્યા નથી. આમતો એમ, કહે છેકે, `તાવ  આવે  સહુને, ના આવે  વહુને?`

જોકે, ઘરનાં અન્ય  સર્વે સદસ્યને, જાતજાતની બીમારી થઈ હોય, તેવામાં ઘરની વહુ, એટલેકે, પત્ની, એટલેકે વાઈફને ખરેખર તાવ આવ્યો હોય તોપણ, બધુંજ દુઃખ ભૂલીને, તેને  બધાની સેવામાં લાગવું પડે, તે એક જાતનો અન્યાય જ   કહેવાય..!!

મારા એક લેખક મિત્ર મને  કહે," યાર..!! લોકો એવું તે શું પાપ  કરે છે?  તે આટલા બધા માંદા પડે છે?"

મેં કહ્યું, " હોય શરીર છે, સાજુમાંદુ તો થયા કરે..!!"

લેખક મિત્રએ અકળાઈને મને કહ્યું," તે માંદા ભલેને પડે, મને શું વાંધો? પણ આ  તો, આવા સદૈવ  માંદલાઓની, ખબર કાઢવા જવાનું ચૂકી જવાય તો, પાછા વાંધો લે છે તેનું દુખ છે..!! હું તો, કોઈ દિવસ,  કોઈની પણ સાથે, એવો કોઈ વાંધો  ઉઠાવતો નથી."

મેં તેમને શાંત પાડતાં કહ્યું," પણ તમે માંદા ના પડો તેમાં, કોઈ શું કરે? સાજાની ખબર કાઢવા, કોઈ માણસ થોડાજ આવે?"

જોકે, કાગડો બેઠો અને ડાળ ભાંગી કે પછી, અચાનક, મને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ, ગમે તે થયું હોય..!!  પણ  બે દિવસ બાદ, આ બળાપો કાઢનાર લેખક મિત્રને, વાયરલ ફિવર આવતાં, સરકારી હૉસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર આવ્યા..!!

મને થયું, `મારે તેમની ખબર કાઢવા જરૂર જવું  જોઈએ`, હું ગયો પણ ખરો..!! પરંતુ  હૉસ્પિટલમાં જઈને, મેં જે  કાંઈ જોયું-જાણ્યું, તે હેરત પમાડે તેવું હતું..!!

સાવ સામાન્ય ટેબ્લેટથી, ઘેર બેઠા સાજા થઈ શકાય તેવી સામાન્ય તાવની  બીમારીમાંય, આ લેખક મિત્ર, સ્પેશિયલ ડિલક્સરૂમમાં, દાખલ થઈ ગયેલા..!! 

જોકે,  ડૉક્ટરસાહેબે, આ લેખક મહાશયને, બીજી કોઈ સારવારની જરૂરિયાત  ન  લાગતાં, ગ્લુકોઝનો એકાદ બાટલો ચઢાવી, રજા આપવાનું કહ્યું, તેથી આ લેખક મિત્રએ પોતાનો પરિચય આપી, ડૉક્ટરસાહેબને કહ્યું," સાહેબ, મારી સારવાર શ્રેષ્ઠ કરજો, તમે જાણતા નથી, આજે, તમારા આંગણે, એક સુપ્રસિદ્ધ લેખક, સારવાર અર્થે આવ્યા છે."

ડૉક્ટરસાહેબને જરા ખરાબ લાગ્યું હશે, તેથી તેમને કહ્યું," ચિંતા ન કરો,  રજા આપ્યા બાદ, ના કરે નારાયણ અને તમને  કાંઈ થઈ જશે તો, તમારું મરણોત્તર ચારિત્ર્ય પ્રમાણપત્ર,  હું લખી આપીશ, બસ?"

જોકે, ડૉક્ટરસાહેબ, આ મિત્રને દાખલ કરવા રાજી ન થયા તો, આ લેખક મિત્રએ , કોઈક ચક્કર ચલાવીને, એક મ્યુ.કૉર્પોરેટરશ્રીની લાગવગ લગાવીને,  ચોવીસ કલાકની મુદતનો, `મ્યુ. કૉર્પોરેટ સ્ટૅ`  મેળવી લીધો.

પરંતુ, પછી તો  જે  ફજેતી  થઈ  છે..!!

આ લેખક મિત્રએ,  ` પોતાને સ્પેશિયલ રૂમમાં, દાખલ કર્યા` ના  સમાચાર, લાગતાવળગતા સર્વેને પ્રસારિત કરવા,તેઓની ખબર કાઢવા આવેલા, મારા જેવા કેટલાયને, બધા ઓળખીતાઓના મોબાઈલ  નંબર્સ આપીને, `SMS`, કરવાના  ધંધે લગાડી દીધા..!!  

ફક્ત, એક અડધો કલાકમાંજ, સ્પેશિયલ ડિલક્સરૂમની બહાર,  ચહેરા પર, સાચા-ખોટા અભિનય કરતા ભાવ ધારણ કરીને, લેખકમિત્રની ખબર કાઢનારા વિઝિટર્સની લાઈન લાગી ગઈ..!! કોઈ ફૂલોનો બૂકે લઈને આવે તો કોઈ વળી પ્લાસ્ટિકના ઝભલાં ભરીને ફ્રૂટ લઈને આવે...!!

આટલી બધી ભીડ જામેલી જોઈને, પેલા `સો કૉલ્ડ`,બીમાર, લેખક મિત્ર, મારી સામે,` હમ ભી કીસીસે કમ નહીં?`, કહેતા હોય તેમ, બીમારીભર્યા ચહેરાને બદલે, વિજયપતાકા લહેરાવતા, મરક-મરક  મલકતા ચહેરે, મારી સામે  નજર કરે..!!

જોકે, મને તો, થોડીજ વારમાં, કંટાળો આવતાં અને ભીડ વધતાં, મેં આ  `સો કૉલ્ડ`, બીમાર, લેખક મિત્રની રજા લઈ, ત્યાંથી ચાલતી પકડી.

લગભગ પાંચ દિવસ બાદ, આ લેખક મહાશયની તબિયતની પૃછા કરવા, તેમને  ત્યાં, મેં, ફૉન કર્યો તો, મને આઘાત લાગે તેવા, સમાચાર જાણવા મળ્યા..!!

આ લેખક મહાશય, હજુપણ  સાજા ન હતા થયા અને તે હૉસ્પિટલના,  સ્પેશિયલ ડિલક્સરૂમમાં  જ  હતા?

મને ચિંતા થતાં, હું ફરીથી હૉસ્પિટલે પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યુંકે, હૉસ્પિટલમાં દાખલ થયાના પ્રથમ દિવસેજ, મારા ગયા પછી, આ લેખક મિત્રએ, તેમના જે સગાવહાલાં,સ્નેહી,મિત્રોને, `SMS`,દ્વારા,પોતે બીમાર હોવાની ખબર પહોંચાડી હતી..!! -  

તે સર્વે, આ  લેખક મિત્રની ખબર કાઢવા આવતા ગયા, તેમ તેમ, આ  બીમાર મિત્ર,  બધાજ મહેમાનો માટે, તે  સહુની આનાકાની છતાં, ગરમાગરમ ભજિયાં, ફાફડા, ગાંઠીયા, જલેબી,ફુલવડી, અથવા જે મહેમાન, નાસ્તો કરવાની ના કહે? તેમના માટે, ચ્હા, કૉફી, ઠંડા પીણાં  કે, આઈસક્રીમ વિગેરે, આગ્રહ કરી-કરીને મંગાવતા ગયા.

જોકે, આ `સો કૉલ્ડ`,બીમાર, લેખક મિત્રએ, આ બધું મંગાવીને, માત્ર મહેમાનોને ખવડાવ્યું-પીવડાવ્યું હોત તો,  ત્યાં સુધી કશો વાંધો  ન આવત?

પણ દરેક નાસ્તાની ડીશ અને આઈસ્ક્રીમની જ્યાફતમાંથી, ટેસ્ટ પુરતું ચાખવા જતાં, તે જ  દિવસે સાંજ સુધીમાં તો, આ અધકચરા વાયરલ ફિવરના શિકાર થયેલા, `સો કૉલ્ડ`,બીમાર, લેખક મિત્રને, ખરેખર, ભયંકર ઝાડા - ઊલટી( Loose motion,  vomiting ) શરૂ થઈ ગયા હતા અને  તેથીજ   હું  ત્યાં પહોંચ્યો ત્યારે, મેં જોયું કે, તેઓ  સાવ  નરમઘેંસ જેવા  થઈને  બેઠા  હતા..!!

આ  લેખક મિત્રએ, `પોતાની ખબર કાઢવા,  કેટલા લોકો આવે છે?` તે જાણવા કરેલો, મૂર્ખાઇભર્યો પ્રયોગ, બુમરેંગની માફક પાછો ફરીને, ખરેખર, તેમનીજ ખબર લઈ નાંખે તેવો, શારીરિક રીતે અત્યંત તકલીફદાયક અને આર્થિક રીતે  ઘણો જ  ભારે પડ્યો  હતો..!!

મિત્રો, મને વિચાર આવે છેકે, મ્યુ.કૉર્પોરેટરશ્રીની ભલામણથી, જે ડૉક્ટર મિત્રએ જરૂર ન હોવા છતાં, આ લેખકમિત્રને, `V.V.I.P.` સમજી, સ્પૅશિયલ ડિલક્સ રૂમ ફાળવી આપ્યો, તેમને માટે શું કહેવું?

જોકે, આ દુનિયામાં, બધે આમજ ચાલે છે? એમ કહેવાય છેકે, એક  ડૉક્ટર, પોતાની  પ્રેક્ટીસ ધમધોકાર, ધીકતી ન ચાલે ત્યાં સુધી,  આતુરતાપૂર્વક, દર્દીઓના આવવાની રાહ   જુવે છે.   બાદમાં, તેમની કૅબીનની બહાર, દર્દીઓ, `ડૉક્ટરસાહેબ, ક્યારે તપાસવા બોલાવે`, તેની આતુરતાપૂર્વક રાહ જુવે છે..!!

વાયરલ ફિવર માટે, નાનકડો `મલ્હાર` એમ કહે છેકે, " આ તાવના સાંભળતા, તાવ વિષે ઘસાતું બોલનારને, તાવ બમણા ઝનૂનથી પરેશાન કરે છે..!! ઉપરાંત,કડવી દવા પીવી પડે? નહીંતર, સારું-સારુ, ખાનારના શરીરમાં, તાવને વધારે ગમતું હોવાથી, તે આપણને જલ્દી છોડતો નથી."

આ વાયરલ ફિવર, આપણને પજવે તેનો વાંધો નહીં, પરંતુ તેને કારણે, જાતજાતના ટેસ્ટ અને પ્લાસ્ટીકની થેલી  ભરીને, દવાઓનાં પતાંકડાં અને સીરપની શીશીઓ ખાલી કરતાં-કરતાં, આપણું ખીસ્સું  ખાલી થઈ  જાય, તે કોઈને પણ ગમતી વાત નથી..!!

અમારા એક મિત્ર,તેમના ફૅમીલી ડૉક્ટર, લાંબું બીલ બનાવીને, પોતાને  કાયમ  છેતરે છે તેવી ફરીયાદ, મને કર્યા કરે તથા  મારી પાસે, તે બાબતે  બળાપો કાઢે..!!

છેવટે એક દિવસ કંટાળીને મેં, તે  મિત્રને સલાહ આપી," તમને જ્યારે બીલની રકમ વધારે લાગે ત્યારે, તમે   ડૉક્ટરસાહેબને સામી દલીલ કરતા હોય તો?"

પેલા મિત્રએ, ફિલૉસોફરની અદા સાથે, ગંભીર ચહેરે મને  કહ્યું, " એય કરી જોયું, પણ પછી હું એવા તારણ પર આવ્યો છુંકે, તબીબ પાસે બીલ ઘટાડવા, ક્યારેય દલીલ ન કરાય, નહીંતર તેઓ, બીજી બેચાર નવીજ,  બીમારી દર્શાવીને, નવું  બમણી રકમનું બીલ બનાવશે, જેને તમો પડકારી નહીં શકો..!! યાદ રહે, દર્દીના ખીસ્સા અને ડોક્ટરના બીલ, વચ્ચે થતા, વાદવિવાદમાં  જીત, હંમેશા ડૉક્ટરના ખીસ્સાની થાય છે..!!"

મને કાંઈ સમજ ન પડતાં, મેં ભોળાભાવે, તેમને. ફરીથી સલાહ આપી," એક કામ કરો..!! મૅડીક્લેમ ઉતરાવી લો. તમારે બીલ ચૂકવવાની ઝંઝટ જ નહીં. મૅડીક્લેમ એટલે, તમારી પોલીસી લઈને, તમો પહેલાં, વીમા  કંપનીને જીવતી રાખો અને તમે માંદા પડશો ત્યારે, વીમા કંપની તમને જીવતા રાખશે..!!"

મારા અજ્ઞાન પર, દયા ખાતા હોય, તેવા ચહેરે  મિત્રએ  મને  કહ્યું,"  એ  ઉતારીને ફાયદો શું?   મેં મૅડીક્લેમ પોલીસી લીધી છે, તેમાં સાવ નાના અક્ષરની પ્રિન્ટ મને ઉકલતી નથી, પરંતુ મને એટલો ભરોસો ચોક્કસ છેકે, મારા મર્યા પછી, હપ્તા ભરવાનું,  હું  જરૂર બંધ કરી શકીશ..!! યાદ રાખ, મૅડિક્લેમ એ પૅરશૂટની માફક છે. જેનો સમયસર, યોગ્ય સમયે ઉપયોગ ન કરાય તો, શક્ય છે, તેની ફરીથી, ક્યારેય જરૂર ન પડે..!!"

આજે,  મને જાણે, મારા મિત્રને  સમજાવવાનું ઝનૂન ચઢ્યું હોય તેમ, મેં ફરીથી તેમને સમજાવ્યા, " યાર..!! વીમો ઉતરાવીએ તો હપ્તા તો ભરવાજ પડેને?  બધા લોકો હપ્તા ભરતાજ હોય  છેને..!!"

પેલા મિત્રએ, ફરીથી ફિલૉસોફરની અદા સાથે, ગંભીર ચહેરે મને  કહ્યું, " મિત્ર, તું વીમાકંપનીઓની બદમાશીઓ વિષે અજ્ઞાન હોય તેમ લાગે છે..!! કોઈપણ પ્રકારનો જીવનવીમો એટલે, ઈન્કમટેક્સ ખાતાનો ફરજિયાત લાભ લેવો, જેથી તમારા મૃત્યુ સમયે, વીમા કંપની તમને, માલદાર હોવાનું ગૌરવ પ્રદાન કરી શકે..!! તેથી આગળ વીમાનું  કોઈજ  મહત્વ નથી..!!"

આ સાંભળીને મારું, સઘળું ઝનૂન ઓસરી ગયું..!!

આ મિત્રને વધારે સમજાવવાની મારી અંદર, હામ ન બચવાને કારણે, હું તેમનાથી છૂટો પડ્યો.

પણ મને ખાત્રી છે, આ ફિલૉસોફર મિત્રની, ખોટી લપ જેવી લાગતી, નિરર્થક દલીલ સહન કરવાનું મહેનતાણું પણ, તેમના ફૅમીલી ડૉક્ટરસાહેબના બીલમાં  ઉમેરાવાને કારણેજ,  ડૉક્ટરસાહેબનું બીલ વધી જતું હશે?

મને  ઘણીવાર વિચાર આવે છે, જેમના ઘરમાં, પિતા, માતા, પૂત્ર-પત્ની, બધાજ  ડૉક્ટર  હોય  ત્યાં, તેઓ કાયમ ગંભીર રહેતા હશેકે, રમૂજ પણ કરી શકતા હશે? તેઓ  એકબીજાની સારવાર, પોતેજ  કરતા હશેકે, બીજા પાસે સારવાર કરાવતા હશે?

આવાજ એક  પ્રખ્યાત,સફળ હાર્ટ સર્જન-ડૉક્ટરના પિતાએ, પોતાની હાર્ટસર્જરી, પોતાના પૂત્ર પાસે કરાવતાં તેને, ચેતવણી આપી," જો મારુ ઑપરેશન ફૅઈલ જશે, તો યાદ રાખજે, તારી માઁને, તારી વઢકણી પત્નીના, રોજના કંકાસને, તારે એકલા હાથે, સહન  કરવાનો વારો આવશે? જે, મારા  વગર, તું એકલો ક્યારેય સહન નહીં કરી શકે..!!"

જોયુંને?  કોણ કહે છે, બધા જ તબીબ કાયમ ગંભીર મુખમુદ્રા આખીને જીવે છે?
દર્દીને, કાયમ હસાવીને, લોટપોટ કરી, દવા વગરજ, અડધા  સાજા કરનાર, ડૉક્ટર મિત્રોનો, જગતમાં જોટો અને  તોટો નથી..!!

ચાલો, આવાજ એક હાસ્ય-રસિક તબીબ મિત્રને પૂછેલા, ગંભીર સવાલના, હળવાશભર્યા ઉત્તરને આપણે માણીએ.

* આપને વાયરલ ફિવર અને વાઈફમાં કોઈ સામ્ય લાગે છે?

હા, તે બંને ખીસ્સું ખાલી કરાવે છે. ઝડપથી ઓળખાતા નથી અને ઓળખાય તો કાબુમાં આવશે જ, તેવી કોઈ ગેરંટી નથી..!!

* પ્રેમીઓના પ્રેમપત્ર અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં શું તફાવત છે?

એક  પત્રવ્યવહાર ખાનગી  હોવાથી ભાગ્યેજ વાંચવા મળે, અને બીજો  જાહેર પત્રવ્યવહાર હોવા છતાં, ભાગ્યેજ વાંચી ( સમજી-ઉકેલી ) શકાય..!!

* વાયરલ ફિવર અને  ડૉક્ટરના બીલમાં શું તફાવત છે?

કશોજ નહીં..!!  એક, ક્રમશઃ ઘટે તેમતેમ, બીજું  ક્ર્મશઃ વધતું  જાય  છે..!!

*  દવા અને દર્દી વચ્ચે શું તફાવત છે?


દવા એક્સ્પાયરી ડેટ થતાંજ, બીન ઉપયોગી થાય છે, જ્યારે દર્દી એક્સ્પાયર થતાં સુધીમાં ડૉક્ટર માટે,` મરવા પડેલો  હાથી, સવા લાખ` નો સાબિત થાય છે..!!

* ઓપરેશન થીયેટરમાં, દર્દીના માથા ઉપર લાઈટનો, મોટો ગોળો, શું  કામ ઝગારા મારે છે?

 ક્લૉરોફોર્મથી, દર્દી બેહોશ થાય તે પહેલાં, તેને આર્થિક અને શારીરિક  રીતે ચીરતા, ડૉક્ટર અને નર્સને, મનભરીને, દર્દી જોઈ શકે, તે માટે..!!

* તાવમાં, બધું જમવાની છૂટ આપવા છતાં, ઘરનાં સર્વે, દર્દીને, ઢીલી ખીચડી જેવો હલકો ખોરાક શા માટે,પીરસે છે?

તાવ કંટાળીને, જલ્દી ભાગી જઈને, સારું ભોજન જમતા માનવીને ત્યાં, ચાલ્યો જાય તે માટે..!!

* નાનાં બાળકોની, બીમારી તરફ, બેધ્યાનપણું દાખવતાં, માતા-પિતાને, આપ કોઈ સંદેશ આપશો?

હા, તમારું બાળક, બીમાર પડે તો, સારી સારવાર કરાવી, તેને સારી  રીતે સાચવશો, તોજ તમારી વૃદ્ધાવસ્થાની બીમારીમાં, તે  તમને સાચવશે..!!

* ૧૦૦ વર્ષની વયે પહોંચવાનો ફાયદો શું?

૧૦૦ વર્ષની ઉમર જાણીનેજ, ડૉક્ટર વિઝીટે આવવાનો ઈન્કાર કરીને, દુર ભાગતા ફરે છે. જેથી પૈસા બચે, તે મોટો ફાયદો..!!

*  ડૉક્ટર ક્યારે રિટાયર્ડ  થાય છે?

ડૉક્ટરનું કાયમી પોસ્ટિંગ, પોસ્ટમૉર્ટમ રૂમમાં કરવામાં આવેને ત્યારે..!!

આમતો, આ હસમુખા તબીબ મિત્રએ, એક  રમૂજી  જોક  કહી, તે આપે પણ માણવા જેવી છે.

દર્દી (ડૉક્ટરને), "સાહેબ, મને રોજ કૈટરીના કૈફ સાથે, રોમાન્સ કરતો હોઉં, તેવાં સ્વપ્ન આવે છે, ગઈકાલે તો વાત છેક સગાઈ સુધી પહોંચી ગઈ હતી..!!"

ડૉક્ટર, " લો આ એક ટેબ્લેટ, સ્વપ્ન આવતાં બંધ થઈ જશે..!!"

દર્દી, " સાહેબ આજને બદલે, આ ટેબ્લેટ, કાલે લઉં તો ચાલે?  આજે રાત્રે,  કૈટરીના  કૈફે,  મારી સાથે, લગ્ન કરવાનું,  વચન આપ્યું છે..!!

જોકે, આપ માર્ક કરજો, હૉસ્પિટલમાં, વોર્ડબોયથી લઈને નર્સબહેનો સુધ્ધાં, પોતે  હાસ્યરસ પીતાં-પીતાં, બીજાને પણ પીવડાવીને, દુઃખી થતા જીવોની પીડા હળવી કરવાના સંનિષ્ઠ પ્રયાસ કરતા, ઘણીવાર જોવા મળે છે.  

એક ભાઈએ,  તાવથી ધખધખતા શરીરે, ડૉક્ટરસાહેબની ઍપોઈન્ટમેંટ મેળવવા,  ફૉન પર ઈન્કવાયરી કરી તો,  નર્સે જણાવ્યું," ડૉક્ટરસાહેબ, આરોગ્ય વિભાગની મીટીંગમાં વ્યસ્ત છે,  સાંજે  પરત  આવીને, તમને તપાસીને દવા આપશે, ચાલશેને..!!"

પેલા ભાઈથી ચીસ પડાઈ ગઈ, " છેક સાંજે? વહેલા નહીં થાય?  મને ખૂબ તાવ ચઢ્યો છે, સાંજ સુધીમાં તો, હું મરી જઈશ..!!"

નર્સે, ઠંડા કલેજે, જણાવ્યું, " કશો વાંધો નહીં. કાંઈ અજુગતું  બને તો, પ્લીઝ, તમારી પત્નીને જરા કહેજોને, ઍપોઈંન્ટમેંટ કેન્સલ કરવા ફૉન કરે..!!"

જોકે, આ હસમુખા  તબીબમિત્રને, "વાયરલ ફિવર અને નોરમલ ફિવર, એટલે શું?" એમ  સવાલ કરતાં તેઓએ, સહુને ઉપયોગી થાય તેવી માહિતી પણ આપી છે.

જાણવા જેવું - વાયરલ ફિવર અને નોરમલ ફિવર

* અચાનક મોસમના બદલાવાથી, વાતાવરણમાં, રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જંતુ ઝડપથી ફેલાય છે, જેને કારણે, ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓને, શરીરના દુઃખાવા સાથે, તાવ આવે છે. તેને વાયરલ ફિવર કહે છે.

* માનવ શરીરના, ૯૮.૬ ડીગ્રી (F) અથવા ૩૭ ડીગ્રી સેલ્સિયસ (C),ના સામાન્ય તાપમાનમાં, ૧ ડીગ્રી તાપમાન પણ વધે ત્યારે, તેને સામાન્ય તાવ આવ્યો છે તેમ કહી શકાય.

* તેજ પ્રમાણે, ૧૦૩ ડીગ્રી (F) અને તેનાથી ઉપર શરીરનું તાપમાન નોંધાય ત્યારે, `High fever` છે તેમ કહી શકાય.

* તાવ એ કોઈ રોગ નથી. આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને, વધારવાનું નેક કામ, તાવ કરે છે. શરીરને નુકશાન કરતા બેક્ટેરિયા અને વાયરસ,  તાવને કારણે, શરીરના વધેલા તાપમાનને કારણે, નાશ પામે છે.

* તાવનાં અલગ-અલગ લક્ષણ હોઈ શકે છે.આપણા મસ્તિષ્કમાં,શરીરના તાપમાનની વધઘટને, નિયમનમાં રાખવાની એક જાતની ખાસ વ્યવસ્થા હોય છે.જ્યારે તાવ આવે ત્યારે આ વ્યવસ્થા કાર્યરત થતાંજ, ઘણીવાર તાવમાં ઠંડી અનુભવાય છે.શરીરના આ  કંપનને કારણે ગરમી ઉત્પન્ન થવાથી, ઠંડી ઘટે છે અને શરીર ગરમ થઈને, પરસેવો વળવા લાગે છે.

* ગળું બાઝી જવાથી, ન્યુમૉનિયા, ફ્લ્યુ, શીતળા, ટિસ્યુને ઈજા, ગાંઠગુમડ અને કેન્સર જેવા અનેક અન્ય રોગને કારણે, તાવ આવતો હોય છે.

* તાવથી શરીરમાં, ડીહાઈડ્રેશન થતું હોય છે. ૧૦૬ ડીગ્રી કતાં વધારે તાવ, મગજને નુકશાન કરી, મૃત્યુને નોંતરી શકે છે.જોકે, ૧૦૬ ડીગ્રી તાવ સામાન્યપણ ભાગ્યેજ આવતો હોય છે.

* તાવ આવે ત્યારે ચામડી વાટે અને અન્ય પ્રકારે, શરીરમાં પાણીનો ઘટાડો થતો હોવાથી,દરરોજ કરતાં, શક્ય તેટલું વધારે, વારંવાર પ્રવાહી લેતા રહેવું જોઈએ.

* નિષ્ણાત ડૉક્ટરશ્રી ની સલાહ લઈને, `Acetaminophen`  અથવા `ibuprofen` લેવાથી તાવ ઉતરી જાય છે.વધારે તાવ હોય તો સારી હૉસ્પિટલમાં, ઈંન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઈ જવું વધારે હિતાવહ છે.

* તાવને અગાઉથીજ આવતો, મોટાભાગે રોકી શકાતો નથી. સાવ નાનાં બાળકોના તાવને અવગણવો નહીં જોઈએ.

* સહેજ તાવ જેવું લાગેકે, તરત, સારા થર્મૉમિટરથી, ટેમ્પરેચર ચેક કરી લેવું જોઈએ.

* વાયરલ ફિવર ખૂબ ચેપી અને  નાનાથી મોટી વય સુધીનામાં, વાયરસને કારણે, ઝડપથી ફેલાતો  હોય છે.

* વાયરલ ફિવર ૯૯ થી ૧૦૦ ડીગ્રી હોય તો લૉ-ગ્રેડ અને  ૧૦૨ ડીગ્રી અથવા તેથી વધારે હોય તેને `વૅરી હાઈ ફિવર` કહે છે.

* વાયરલ ફિવરનાં લક્ષણઃ- કફ-ઉધરસ, આંખ લાલ થવી, માથું દુઃખવું, સ્નાયુ જકડાઈને દુઃખવા, નાક બાઝવું, શરીરમાં ધ્રૂજારી અને અંગમાં થાક અનુભવવો તથા ગળામાં કાકડા પર સોજો આવવો. ચામડી પર ચકામાં ઉપસી આવવાં.
.
*વાયરલ ફિવરનાં કારણઃ- ૧. આવા દર્દીના, શ્વાસનો સંપર્ક, ખોરાક અથવા પીણાનો ઉપયોગ કરવાથી. ૨. આવા દર્દીને ચઢાવેલ લોહી અથવા નીડલ વાપરવાથી કે, જાતીય સમાગમ કરવાથી.  ૩. આખા વિસ્તારની હવા, આ વાયરસથી દૂષિત થવાથી.

* વાયરલ ફિવરની દવા જાતે ઘેર, પોતાની સમજ પ્રમાણે ન લેતાં, નિષ્ણાત તબીબની સલાહ અનુસાર લેવી જોઈએ.

* વાયરલ ફિવરથી ઝડપથી મૂક્તિ મેળવવા, ખૂબ પ્રવાહી ખોરાક અને સંપૂર્ણ આરામ (બેડ-રેસ્ટ) લેવો જરૂરી છે.

મિત્રો, આપણે, તાવની આખી રામાયણની કથા કરી પણ, આ કથાની મૂખ્ય નાયિકા, એટલેકે,  ઘરની વહુ અથવા આપણી પત્નીની (સહુની પોત-પોતાની..!!) કરમ કઠણાઈના અધ્યાય, વાંચવાના તો  રહી જ ગયા?

ચાલો, ત્યારે તેમનીય વાત કરી લઈએ..!!

મારા, એક વહુ ઘેલા, મિત્રને, પોતાની પત્ની વગર, એક દિવસ પણ ચાલે નહીં..!!

તેવામાં, તેમની પત્નીના પિયરમાં, એવા સંજોગ ઉભા  થયાકે, આ  મિત્રને   એકલા મૂકીને, તેમની પત્ની અઠવાડીયા માટે,  પિયર ચાલી ગઈ.  પેલા ભાઈને સરખી  ચ્હા, બનાવતાંય ન આવડે..!! જોકે, જમવાનું તો, પડોશમાં રહેતી,  પેલા  મારાં ભાભીની બહેનપણીને ત્યાંથી આવતું હતું, એટલે  ચિંતા  ન  હતી...!!

છતાંય, પેલા મિત્ર, પત્ની વગર,  બે દિવસમાંજ, કંટાળી ગયા અને   ગુસ્સે થઈ, અમારા જેવા મિત્રોનેય, વડચકાં  ભરવા લાગ્યા.

છેવટે મારી આદત મુજબ, મેં વળી ભોળાભાવે, તેમની પત્નીને, પિયરમાંથી,  તરતજ  પાછા બોલાવવાનો, અણમોલ  રસ્તો  બતાવ્યો..!!

મારી અમૂલ્ય  સલાહને અનુસરીને, પેલા વહુઘેલા  મિત્રએ, તે દિવસેજ  રાત્રે  પત્નીને, ફૉન  કર્યો.

" વહાલી, મને થોડો તાવ આવે છે, પણ તું ચિંતા ના કરીશ, હું દવા લઈ આવ્યો છું. તારી પડોશી  બહેનપણી, મારું સારું ધ્યાન રાખે છે. આજે  સવારેજ, મારું માથું બહુજ  દુઃખતું  હતું  તેથી, તેણે  એવું  સરસ  તેલ  ઘસી  આપીને, તારા  કરતાંય  સરસ રીતે, દબાવી આપ્યું  કે, મને  તરતજ  સારું  લાગ્યું..!!"

જોકે, આ જાણીને, સવાર થતાંજ, પેલા વહુઘેલા ભાઈનાં પત્ની, મારતી ગાડીએ, પિયરમાંથી,  પોતાના ઘેર પાછા આવી ગયાં. પેલા ભાઈએ, તરત ફૉન પર, મારી સલાહ અસરકારક થઈ  હોવાનો, હરખ પણ વ્યક્ત કર્યો.

પરંતું,રોજની માફક, તે દિવસે  સાંજે, હું તેમના ઘેર ગયો ત્યારે, મને  તેમના  ઘરનું વાતાવરણ, જરા વધારે પડતું, ગંભીર લાગ્યું.

મેં વળી, ભોળો ચહેરો રાખીને, ભાભીને જ પૂછ્યું," કેમ ભાભી ઉદાસ લાગો  છો?"

મારી સામે ગુસ્સાથી,  ભારે ચહેરો રાખી,કતરાતી નજરે, ભાભીએ મને, એટલુંજ કહ્યું," તમારા ભાઈબંધોને આવી અવળી, જુઠ્ઠુ બોલવાની સલાહ આપો  છો?"

મેં, ગભરાઈને, પેલા મિત્ર સામે જોયું. તે ડફોળે, લાડમાં ને લાડમાં, પોતાની પત્નીને,  ` પોતાને તાવ ન આવતો હોવાનું તથા મારી સલાહ મુજબ, આ  હરકત  કરી  હોવાનું`, જણાવી દીધું  હતું..!!

એ  પછી તો, સાલું...!! મને  જે  બાબતનો  ડર  હતો,  તેમ જ  થયું..!!  મને, મારી  ચ્હા, પાણી જેવી, સાવ ઓછા દૂધની પીવા મળી..!! ( ભોગ મારા..!!)

આ  બેવફા મિત્રને ત્યાંથી, મન વગર પીવડાવેલી, ફોગટની ચ્હા પીને, લટકી ગયેલા ચહેરે, હું  ઘેર આવ્યો, તો મને, તમારી ભાભીએ (મારી પત્નીએ), મારા  ઉતરી ગયેલા ચહેરાનું કારણ પૂછ્યું.

જોકે, મેં બારોબાર, ` મારી તબીયત ઠીક નથી..!!` તેમ કહ્યું તો તેણે, ચિંતાથી મારા કપાળ  પર, હાથ મૂક્યો.

મારા  મિત્રને જુઠ્ઠૂ બોલવા, પ્રેરણા આપવાની સજા સ્વરૂપે, મને ખરેખર વાયરલ ઈન્ફેક્શન થઈને તાવ ચઢ્યો હતો.

આ  તાવ રાત્રે  ઓછો  ન થતાં જ, હાઈ ફિવર જણાતાં,`વાઈફે` ખૂબ `ફિયર` પામીને, અમારા ઘર નજીક  આવેલી, હૉસ્પિટલમાં, મને   દાખલ  કર્યો,  પણ, એટલું જાણે ઓછું   હોય અને   હજીય, મારું  પાપ મને  નડતું  હોય તેમ, વહેલી સવાર સુધી, ઊંઘમાં મને  ભયંકર સ્વપ્ન આવતાં રહ્યાં. ...!! 

વાયરલ ફિવરના અત્યંત ભાર નીચે, સ્વપ્નમાં મને  એવો  ભાસ થયોકે, જાણે  હું,   યમરાજના  દરબારમાં, ચિત્રગુપ્તની સામે ઉભો છું.

ચિત્રગુપ્તે મને જોઈને, કહ્યું, " પહેલાં આ ચોપડામાં, તમારા પાપ-પૂન્યનો જમા-ઉધારનો હિસાબ જોવો પડશે..!! થોડીવાર બાજુમાં ઉભા  રહો."

થોડીવાર પછી ચિત્રગુપ્તે કહ્યું," પૃથ્વી પર, નાનીનાની, ક્ષુલ્લક બાબતે પણ, જુઠ્ઠુ બોલવાના ઘોર પાપ કર્યાની નોંધથી, તમારાં, જીવનનાં, આખાંને આખાં પાનાં ભરેલાં છે..!! તમે નિર્દોષ મિત્રોને, ખોટી સલાહ આપતા  હતા. તમને કાયમ,  આખા દુધની, ચ્હા પીવડાવતી ભાભીઓને, તમે પિયરથી વહેલી બોલાવડાવી લઈને, તેમનું મન દુઃભવતા હતા? તમે તમારા મનની, આવી ગંદકીને ક્યારેય, સાફ કરવાનો પ્રયત્ન જ નથી કર્યો? "

ચિત્રગુપ્તએ, તેના સેવકને હુકમ કર્યો," આ  જુઠ્ઠાબોલા માનવીને, આપણા નર્કની, કોઈપણ હોસ્પિટલના  વૉર્ડમાં, સફાઈનું તમાંમ કામ કરવાની સજા કરો."

ત્યાંતો, સવાર થતાંજ, મારી આંખ  ઉઘડી ગઈ અને જોયું તો, અમારા વોર્ડની સફાઈ બરાબર ન થવાથી, સ્ટાફ પર, મૂખ્ય  ડૉક્ટરસાહેબ  બુમાબુમ  કરી  રહ્યા  હતા  અને  આ  હાસ્યલેખના, મથાળે ઉલ્લેખ કરેલા ( Loose motion,  vomiting વાળા ) , મારા લેખક મિત્ર, મારી ખબર કાઢવા, મારા માટે ચ્હા લઈને આવ્યા હતા.

કોણ જાણે કેમ? તેમની નજરમાં, ચિત્રગુપ્તવાળો સવાલ, મને  ફરીથી વંચાયો,  " યાર..!! લોકો એવું તે શું પાપ  કરે છે?  તે આટલા બધા માંદા પડે છે?"
 
મિત્રો, આપની પત્ની પિયર જાય અને આપને એકલવાયું લાગે તોપણ, ઉપર જણાવેલ ઉપાય આપ ન અજમાવતા..પ્લીઝ..!!


આપને, મારા વાયરલ ફિવરના સોગન છે....ભા..ઈ..!!


માર્કંડ દવે. તાઃ ૦૩ સપ્ટેમ્બર ૨૦૧૦.

1 comment:

  1. shri markand dave,
    ,
    mane to laage chhe ke kharekhar aa try karvo joiye.... :p

    for your tip-
    [copyrights]markand dave... :p

    hahaha.....

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.