Tuesday, July 5, 2011

બ્લૉગર = દ્રૌપદી?


બ્લૉગર = દ્રૌપદી?
સૌજન્ય-ગૂગલ


"બ્લૉગર ભૂખ્યો નથી,બ્લૉગર તરસ્યો નથી,બ્લૉગર આંબા ડાળે,મીઠી-મધુરી-પાકી કેરી જોઈ લાળ ટપકાવતો,એ..ય..ને અત્યંત હરખાય..!!"

======

પ્રિય મિત્રો,

આપણા ગુજરાતમાં પ્રવર્તમાન ધાર્મિક જુવાળ માટે, અતિશયોક્તિ અલંકારનો સદુપયોગ કરીને, વ્યંગાત્મક પંક્તિ દ્વારા, હંમેશા એમ કહેવામાં આવે છેકે, સમગ્ર ગુજરાતમાં એટલા બધા ભગત(?) છેકે, ભસતા કૂતરાને મારવા માટે, પથ્થર શોધવા તમે વાંકા વળો તો, તમારા હાથમાં, પથ્થરને બદલે, ભગતનું માથું જ હાથમાં આવે..!! (સાચું હોય તો, ભોગ ભગવાનના, કદાચ, એજ દાવના કે લાગના છે, ભગવાન..!!)

અત્યારે,નેટજગતમાં,બ્લૉગર્સની જમાત માટે, પણ આવીજ સ્થિતિ પ્રવર્તી રહી હોય તેમ ભાસે છે?

બ્લૉગર્સ એટલે કોણ? 

* સમાજ અને પ્રકાશક-તંત્રીઓ દ્વારા, કાયદેસરની માન્યતા પ્રાપ્ત કર્યા વિનાનો કવિ-લેખક? 

* કેપછી, એક પ્રકારનો વ્હિસલ-બ્લૉઅર? 

* કેપછી, પોતાના કુટુંબથી ત્યજી દેવાતાં,રોજનો ભાવનાત્મક-ઊભરો ઠાલવતો દુઃખીયારો? 

* કેપછી, પોતાના લેખન કાર્યની,પોતાની હયાતીમાં જ કદર થશે તે આશાએ, કી-બોર્ડ-માઉસના હથિયાર સાથે અવિરત શબ્દ-યુદ્ધ કરતો એક લડવૈયો?

સાલું...છે..ને,ચક્કર આવી જાય તેવી ગંભીર સમસ્યા? 

બ્લૉગર કોણ છે? જવાબમાં, અમારા ચંપકકાકા કહે છે," ભઈલા, તેં ઉપર દર્શાવ્યું તેમાંનું એકપણ ઉપનામ, બ્લૉગરને લાગુ પડતું નથી. મારા મતે તો, બ્લૉગર-દ્રૌપદી સમાન છે, પોતાના (પાંડવ?) પરિવાર દ્વારા, જેને રજસ્વલા નિવૃત્તાવસ્થાને કારણે અછૂત અવસ્થામાં, એકલી-અટૂલી ત્યજી દેવાતાં, તેની વ્યથા ન સહેવાતાં, અત્યંત દુઃખી મનથી, પોતાના બ્લૉગ પર વ્યક્ત કરેલા, તે વ્યથા-વૃતાંતના ચીરહરણને અટકાવવા કાજે, બ્લૉગજગત, પ્રિન્ટજગત તથા મીડિયાજગતના અનેક દુઃશાસન (કૌરવો?) વિરુદ્ધ, પોતાની સહાયતા કાજે, ઊંટની માફક ડોક ઊંચી કરીને, કોઈ કૃષ્ણને પ્રગટ થવા,સતત આજીજી કરતી પૌરાણિક દ્રૌપદીનો અર્વાચીન અવતાર, આ બ્લૉગર છે..!!"

ચંપકકાકાએ એક જ શ્વાસે,અટક્યા વગર, આક્રોશ છુપાવવાના નિષ્ફળ પ્રયત્ન સાથે, વ્યક્ત કરેલી, આ વાતમાં આપને દમ હોય તેમ લાગે છે?

મને તો લાગે છે પણ, સાથે-સાથે એક પ્રશ્ન પણ મૂંઝવે છેકે, બ્લૉગજગત, પ્રિન્ટજગત તથા મીડિયાજગતના અનેક દુઃશાસન (કૌરવો?), આ નધણીયાતી દ્રૌપદીના વ્યથા-કથા-વૃતાંતનું ચીરહરણ કરવાનો બેશરમ ઉદ્યમ શામાટે કરતા હશે?

વળી, આ બ્લૉગર અર્થાત્ દ્રૌપદીનું ચીરહરણ, બ્લૉગજગત, પ્રિન્ટજગત તથા મીડિયાજગતના અનેક દુઃશાસન (કૌરવો?) એટલી કુશળતાથી કરે છેકે, તે બચારીને કોઈ સમદુઃખીયણ બ્લૉગર-દ્રૌપદી નંબર-૨,૩,૪ કેપછી નં.૫, જાણ કરેકે,"હાય..હા...ય, દ્રૌપદીબહેન, તમારી સાડીતો મેં ફલાણા-ઢીંકણા શોરૂમમાં લટકાવેલી જોઈ..!!" 

આ દ્રૌપદી-બાપડીને ત્યારેજ, પોતાની સાડી ઊતરી ગયાનું ભાન થાય?

વ્યંગની ભાષાને બાજુ પર રાખીને,જો આગળ વધીએ તો, બ્લૉગર એ પણ એક પ્રકારે કવિ લેખક જ કહેવાય. કોઈપણ બ્લૉગર દ્વારા લખાયેલી કેટલીય રચનાઓ, તેને જાણ કરી, સંમતિ મેળવી, તેને સંપૂર્ણ ક્રેડિટ આપવા સાથે, કોઈ સ્થળે તે ફરીથી રજૂ થાય તે આવકારદાયક બાબત છે. વળી, આ લેખ પસંદ આવવાથી કોઈ પણ જાહેર માધ્યમમાં જેતે રચનાકારની સંમતિથી તેમની રચનાને, કોઈપણ નાણાકીય પુરસ્કાર આપ્યા વગર જ પ્રગટ કરવા સામે પણ કોઈને વાંધો ન હોઈ શકે..!!

પરંતુ, લેખકની જાણ બહાર, તેને કોઈપણ શ્રેય, પુરસ્કાર કે વળતર આપ્યા વિના તેની રચનાને, અઢળક જાહેરાત તથા અન્ય આર્થિક, બૌદ્ધિક, સામાજિક લાભ-નફો રળતા હોય તેવા, બ્લૉગજગત, પ્રિન્ટજગત તથા મીડિયાજગતના જાણીતા માંધાતા દ્વારા, જેતે કવિ-લેખક બ્લૉગરની રચનાને બારોબાર પ્રગટ કરવામાં આવે, તે સામે વાંધો અવશ્ય ઉઠાવવો જ જોઈએ? 

જોકે, એક મતાનુસાર, અઢળક નફો રળતી આવી પ્રકાશક સંસ્થાઓએ, જેતે બ્લૉગરની રચનાના ઉપયોગ સામે, તેને કમ સે કમ એટલી રકમનો પુરસ્કાર તો અવશ્ય ચૂકવવો જ જોઈએ, જેથી (ભલેને ગુજરીબજારમાંથી?) તે નવા સંદર્ભ-ગ્રંથો ખરીદી શકે અથવા પોતાના કૉમ્પ્યૂટરનું  ઇન્ટરનેટ કનેક્શન બીલ - લાઈટ બીલ ભરી શકે..!!

અઢળક જાહેરાત તથા અન્ય આર્થિક, બૌદ્ધિક, સામાજિક લાભ-નફો રળતા હોય તેવા, બ્લૉગ જગત, પ્રિન્ટ જગત તથા મીડિયા જગતના કેટલાક જાણીતા માંધાતાઓનું કહેવું છેકે, બ્લૉગર વળી કયા દિવસે પોતાનું મૌલિક કહેવાય તેવું લખતો હોય છે..!! અગાઉ પ્રગટ થઈ ચૂકેલા અનેક સંદર્ભ-ગ્રંથો, વિક્કી પિડીયા તથા અન્ય માહિતી-સ્રોતમાંથી વીણેલ માલ, સારી રીતે ગોઠવીને જ તો, બ્લૉગિંગ કરાય છે, તો પછી અગાઉ પ્રગટ થયેલા માલનું વળતર, બ્લૉગર્સને શું કામ આપવાનું?

આ શોષણખોર કૌરવોની આવી દલીલ આપના ગળે ઊતરે છે? 

મને તો સાવ વ્યર્થ લાગે છે..!! બ્લૉગર્સ જમાતમાં, આજની તારીખે, કેટલાક જાણીતા,અપાર પ્રસિદ્ધિને વરેલા, કેટલાક સિદ્ધહસ્ત કવિ-લેખકો-સમીક્ષક-વિવેચકો, પોતાની અગાઉ ન છપાયેલી અથવા છપાયેલી અનેક રચનાઓને,પોતાના બ્લૉગ પર,નવેસરથી પોસ્ટ કરે છે, શું તે સહુ રચનાકાર મહાનુભવ  ઉપરની વ્યર્થ દલીલ સાથે સંમત થશે?

માનોકે, આવા માત્ર અને માત્ર કલમજીવી રચનાકારોને યોગ્ય વળતર ન મળે તો, તેઓએ પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે, નવરાત્રિમાં ચણિયા-ચોળી, ઉતરાણમાં પતંગ-દોરી,ઊંધિયું-જલેબી અથવા દિવાળીમાં ફટાકડાનો સાઇડ-બિઝનેસ કરવો?

આપણા ગુજરાતી ફિલ્મ જગતમાં, એકવાર આ લેખકના દેખતાં, એક નવાસવા ઊગતા કલાકારે, એક ગુજરાતી ફિલ્મમાં પાણી-પૂરીના ખૂમચાવાળા તરીકે, એક દ્ગશ્યમાં રૂપેરી પરદે દેખાઈને ધન્ય-ધન્ય થઈ જવા માટે, એક શોષણખોર ડાયરેક્ટરને રૂ.૧૦,૦૦૦/ ચૂકવ્યા હતા..!! 

પોતાની જાણ સાથે અથવા અજાણપણે, પોતાની રચનાને કોઈ માધ્યમમાં સ્થાન મળવા બદલ, આપણા બ્લૉગ જગતના કેટલા સાચા કલાકારો આ પ્રકારે ધન્યતા અનુભવતા હશે? 

કેપછી, આવા કૌરવોનો આભાર માનીને, પોતાનું મન મનાવતા હશેકે,
" હા..શ..!! મારી રચનાનો ઉપયોગ કરી મને ધન્ય-ધન્ય કરવા કાજે, આ કૌરવોએ ફક્ત મારી સાડીજ ખેંચી છેને..!! મારા તન પરથી મારા અન્ય વસ્ત્રો તો,( રુ.૧૦,૦૦૦/ની કિંમતના) નથી ઉતાર્યાંને? મારી રચના તેમના માધ્યમમાં પ્રગટ કરવા, કમસે કમ મારી પાસે, સામેથી તો કોઈ રકમ નથી માંગીને..!!"

શક્ય છેકે, આવી વિચારસરણી ધરાવતી બ્લૉગર-દ્રૌપદી એવી આશામાં,અત્યંત હર્ષભેર દુઃશાસનને પોતાનું ચીરહરણ કરવા દેતી હશેકે, આવા પ્રતિષ્ઠિત માધ્યમના વગદાર સાહિત્યકારો(?) પાસેથી ક્યારેક અન્ય અલભ્ય લાભ મેળવી લેશું,તેય એક પ્રકારનું અમૂલ્ય વળતર જ છેને..!!

હકીકતતો એ છેકે, અઢળક આર્થિક, બૌદ્ધિક, સામાજિક લાભ-નફો રળતા હોય તેવા, બ્લૉગ જગત, પ્રિન્ટ જગત તથા મીડિયા જગતના કેટલાક જાણીતા શોષણખોર માંધાતા એ બાબત, સારી પેઠે જાણી ચૂક્યા છેકે, આજની અર્વાચીન બ્લૉગર-દ્રૌપદી પોતાના ચીરહરણની ફરિયાદ કોઈ કૃષ્ણને કરવાની હેસિયત ધરાવતી નથી અને ધરાવતી હોય તો, કોઈ કામણગારો-કૃષ્ણ તેમની લાજ બચાવવા, આ હળાહળ કલયુગમાં પ્રગટ થવાનો નથી..!!

બસ, હવે કોઈને જરૂર એક પ્રશ્ન થશેકે,મારી કોઈ રચનાનું ચીરહરણ થયું હશે તેથી, અકળાઈને આવો લેખ મેં ઢસડી નાંખ્યો? ના...ભાઈ..ના..!!

આતો, હમણાં મેં વાંચ્યુંકે, પ્રસિદ્ધ નિર્દેશક શ્રીઈન્દરકુમારની, તાજી સિક્વલ, હિન્દી ફિલ્મ- `ડબલ ધમાલ`માં, આજથી છ વર્ષ પૂર્વે, કૉમેડી ચેમ્પ્યિયનના એક ઍપિસોડમાં, સુપ્રસિદ્ધ સ્ટેન્ડ-અપ કૉમેડિયન શ્રીરાજુ શ્રીવાસ્તવ દ્વારા રજૂ કરાયેલ, `ડોન કી સત્સંગ સભા`ને જેમની તેમ, કલાકાર શ્રીસતીષ કૌશિકજી પર ફિલ્માવી છે? 

એટલુંજ નહીં, નિર્દેશક પાસે શ્રીરાજુએ તેમની સંમતિ મેળવ્યા વિના, ઉપયોગમાં લેવામાં આવેલી આઈટમ અંગે, સખ્ત વિરોધ નોંધાવતાં, નિર્દેશક તરફથી, નફ્ફટ જવાબ મળ્યો," અ..રે,..યા..ર, મને તે કૉમેડી આઈટમ ગમી ગઈ, તેથી તેનો ઉપયોગ કર્યો..!! એમાં શું બગડી ગયું?" 

( નોંધ-આ ફિલ્મનો નિર્માણ ખર્ચ આશરે રૂ.૩૫ કરોડ,જ્યારે ફક્ત પ્રથમ સપ્તાહની કમાણી આશરે રૂ.૪૦.૨૫ કરોડ છે.)

લો.કરો વાત..!!

મિત્રો, શ્રીરાજુ શ્રીવાત્સવજીએ હવે શું કરવું જોઈએ? કોઈ વિદ્વાન પાઠક મિત્ર જણાવશે?

એક નવાઈની નોંધ- 

દિલ્હીના શ્રીલક્ષ્મણ રાવ, (ઉપરની છબી) હિન્દી- ભવનના ઝાંપા બહાર, ચ્હા વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે..!! તેમની રોજની આવક માત્ર રૂ.૧૫૦-૨૦૦/- જેટલી છે.

જોકે,નવાઈ છે, તેઓએ છેલ્લા ૩૭ વર્ષમાં લોકોને ચ્હા પિવડાવતા-પિવડાવતા,આશરે ૨૦ પુસ્તકો લખ્યાં છે,જેને કોઈ પ્રકાશક ન મળવાથી, તે પુસ્તકોનું જાતે પ્રકાશન કર્યું છે.

આ પુસ્તકોમાંથી એક,`રેણુ` નામની નવલકથા, આપણા દેશના પ્રથમ નાગરિક,વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલજીને ખૂબ પસંદ આવતાં, તેઓએ ચ્હાવાળા લેખક શ્રીલક્ષ્મણ રાવને, પંદર મિનિટની ખાસ મુલાકાત આપીને તેમની અઢળક પ્રશંસા કરી છે.

આપણા દેશના પ્રથમ નાગરિક,વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલજીને,લેખકની કૃતિ ખૂબ પસંદ આવતાં, તેઓએ ચ્હાવાળા લેખક શ્રીલક્ષ્મણ રાવને, પંદર મિનિટની ખાસ મુલાકાત આપવાને કારણે, લેખક શ્રીલક્ષ્મણ રાવને દેશમાં લેખક તરીકે માન્યતા મળી છે તેમ કહી શકાય?

Source - VIDEO-

http://www.youtube.com/watch?v=-gRAqdepRk4




જોકે, બધાનું એવું નસીબ ક્યાંથી? કેમ બૉસ, ખરુંને?

માર્કંડ દવે.તારીખ-૦૫-૦૭-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.