Friday, January 15, 2010

શિકારી

શિકારી

Click to view the full digital publication online
Read વાર્તા - `શિકારી` - માર્કંડ દવે.
Self Publishing with YUDU

નોંધઃ- આ વાર્તાને આપ ઑડિયો સ્વરૂપમાં ઉપરની લિંક પર માણી,ડાઉનલૉડ કરી શકો છો.
========
શિકારી
એક નાનકડું પક્ષી,વિશાળકાય વિમાનને ભોંયભેગું કરી દે,એક નાનકડી કીડી વિશાળકાય હાથીને ભ્રમિત કરી દે અને મનના કોઇક ખૂણે જાગેલો એક નાનકડો વિકાર આખેઆખા માણસને પતનની ખાઈમાં ધકેલી દે.


છેલ્લા કેટલાય દિવસથી શિકારીને તેનો નવો શિકાર હાથ લાગ્યો ન હતો.એક નશાખોર બંધાણીના તરફડાટ કરતાંય વધારે બેચેની,એને વાસના અને વિકારના નશાની સતાવી રહી હતી.કેટલાય દિવસથી ગરમાગરમ થયેલું લોહી,હવે નસોમાં એટલું બધું ગરમ થઇ દોડતું હતું કે?...ગમે ત્યારે ઉભરો આવવાની તૈયારી હતી. હાક્..થૂં, રસ્તા ઉપર તે અશ્લીલ કડવાશભર્યું થૂંક્યો.

નાનપણથી જ નાનકડા ૧૨ બાય ૧૫ ફૂટના એક કમરાના કાયમી રહેઠાણમાં,પોતાના સુઈ જવાની પણ રાહ જોયા વગર,યુવાન તાજા પરણેલાં,મોટાભાઇ-ભાભીના ધમ્માચકડીના ખેલને પહેલાં કૂતુહલવશ,પછી આદતવશ થઈ,બંધ આંખે નીહાળીને તે મોટો થયો હતો.તેની વાસનાભરી હરકતોની ફરીયાદ,તેની હાઇસ્કૂલના આચાર્યએ જ્યારે મોટાભાઇને વારંવાર કરી ત્યારે અધૂરા અભ્યાસે ઉઠાડી લઇ,સડેલાં રિંગણ-બટાટાની માફક શહેરમાં ફેંકી દઇ,એક કારખાનામાં એમણે તેને મજૂરીએ વળગાડી દીધો.કારખાનાના કંપાઉંડમાં જ અલાયદા વિશાળ પ્લોટમાં બનાવેલા બંગલામાં શેઠ રહેતા,ત્યાંજ ખૂણાની નાની સરખી ઓરડીમાં પડ્યા રહેવાનું,શરીર તૂટી જાય ત્યાં સુધી કામ કરવાનું અને શેઠાણી દયા ખાઈ વધ્યુંઘટ્યું જે આપે તે ખાવાનું.રાત્રે સપનામાં સતાવતા,ધમ્માચકડીના ખેલ તેને ઉંઘવા ના દે તો પછી!! તો પછી!!

એક દિવસ સહનશક્તિની હદ આવી જતાં,શેઠની ગાળના બદલામાં હાથમાં હતું તે ઓજાર એમના માથામાં છુટ્ટું મારી જે ભાગ્યો તે આજની ઘડીને કાલનો દિ`. આ ગામમાં છુપો આશરો લીધે સાત વરસ થઈ ગયાં.આ ગામે તેને નોકરી,છોકરી બધું આપ્યું.આજે તે ક્યાં દુઃખી છે? છોડને યાર,આ બધી જુની વાતો.

સાંજના સાડા છ વાગ્યા હશે,હાક્..થૂં, રસ્તા ઉપર ફરી બમણું જોર કરી તે થૂંક્યો.અચાનક તેની ગરમ નજર ગામની નિર્જન ગલીમાં,ઉતાવળે પગલે ઘેર જતી ૧૪-૧૫ વર્ષની છોકરી પર પડી.અતિશય ઉત્તેજનાથી તેનું શરીર ધખી ઉઠ્યું.લગભગ દોડતા પગલે તે છોકરીની પાછળ લગોલગ પહોંચી ગયો.

ભડભાંખરે કોઈએ,ગામની યુવા મહિલા સરપંચ કલ્પનાબહેનને જાણ કરી.નિર્જન ગલીના ભાંગેલા ઘર પાસે ગામલોકો ભેગા થઇ ગયા.મહિલા સરપંચે પોલીસ બોલાવી.ગામના મંદિરના પૂજારી રામદાસની દિકરી મંદિરાને કોઈ નરાધમે બેરહેમીથી ચૂંથી નાંખી હતી.જોકે તે હજુ બેભાન અવસ્થામાં,અસહ્ય દર્દથી કણસતી હોવાથી ઝડપથી,પોલીસે તેને નજીક જીલ્લાની મોટી સરકારી સિવિલ હોસ્પિટલમાં ભરતી કરી દીધી,મંદિરા કારમા આઘાતથી ગૂંગી થઇ ગઇ હતી.જીલ્લાપોલીસવડાએ હૉસ્પિટલ સત્તાવાળાઓને મંદિરાની સારવારની તાકીદ કરી,

થોડા દિવસ પહેલાં ગામમાં રખડતી પાગલ યુવતી અને આજે મંદિરા,ગામમાં બળાત્કારનો આ બીજો બનાવ હતો. સહુને એમ લાગ્યુંકે,હવે કોઇની બહેન દીકરી સલામત નથી.ગ્રામપંચાયત,જીલ્લાપંચાયતની ચૂંટણી સાવ નજીક હતી,તેથી મહિલામંડળો,માનવ અધિકારપંચ,વિરોધ પક્ષ અને સહુથી વધારેતો ગામનાં જાગૃત મહિલા સરપંચ કલ્પનાબહેન અને તેમના સેવાભાવી પતિ ચેતનભાઇની ઉગ્ર રજુઆતને કારણે,રાજ્યના ગૃહમંત્રી,જીલ્લાપોલીસવડા અને અન્ય અધિકારીઓએ,આજે પંચાયતની કચેરીએ મીટિંગ રાખવી પડી.ચેતનભાઇએ,ગામલોકોના રોષનો પડધો પાડતા હોય તેમ,જીલ્લાપોલીસવડાને જ્યારે કહ્યુંકે,"તમારી બહેન  દીકરી સાથે બળાત્કાર થયો હોતતો ક્યારનોય નરાધમ પકડાઈ ગયો હોત.", ત્યારેતો વાતાવરણ તંગ થઇ ગયું.ગૃહમંત્રીએ વચ્ચે પડી પંદર દિવસમાંજ ગુન્હેગારને ઝબ્બે કરવાની ખાત્રી આપી.

મંદિરાને હોસ્પિટલેથી રજા તો મળી,પણ તેની વાચા હણાઈ ગઈ હતી.પિતાની પ્રેમાળ સલાહ થી મંદિરાએ ભગવાનની સેવામાં મન પરોવ્યું.મીટિંગને એક માસ થયો,જોકે,પોલીસ હજુ હવામાં જ હથિયાર વિંઝતી હતી,પરિણામ હજુપણ શૂન્ય હતું.પોલીસવડાના માનવા મુજબ,ક્યાંતો શિકારીએ ગામ છોડી દીધું અથવા તે વધારે પડતો ચાલાક હતો.પરંતુ,તેમને ખાત્રી હતીકે,શિકારીના મનમાં પડેલો વાસનાનો કીડો,તેને ઝાઝા દિવસ સંતાવા નહીં દે.

અને ખરેખર બન્યું પણ એમજ,ગામની બહાર આવેલા મંદિરની નિર્જન વાડીમાં,ભગવાન માટે ફૂલ વિણવા આવેલી ગૂંગી મંદિરાને,સાવ સરળ શિકાર સમજી,શિકારીએ ફરી ઝડપી પાડી.પરંતુ,આજે ભગવાન મંદિરાની સાથે હતા,ફરી એજ વેદના અને આઘાતના ભયથી મંદિરાના કંઠમાંથી એવીતે મરણતોલ ચીસ નીકળી,કે આજુબાજુ ખેતરમાં કામ કરતા લોકો તરત દોડી આવ્યા.શિકારી તારની વાડ ઠેકી મૂઠીઓ વાળીને ભાગ્યો.રસ્તામાંજ આંતરી લઈ,પોલીસના જવાને તેને ઝબ્બે કર્યો ત્યારે તેને જોઇ સહુ દંગ થઇ ગયા.

એ નરાધમ શિકારી બીજો કોઈ નહીં પણ મહિલા સરપંચનો પતિ ચેતન હતો.

સરપંચ તરીકેની થકવી નાંખતી જવાબદારીઓના ભારથી લદાયેલી કલ્પના,ચેતનથી વિમૂખ થઇ હતી.ચેતનના અચેતન મનમાં ધરબાઈ ગયેલો, ભાઈ ભાભીની ધિંગામસ્તીના ખેલનો,વાસનાનો કીડો,છેલ્લા છ માસથી ફરી જાગૃત થયો હતો.આ કીડો,સ્વપ્નના કૉશેટાનું કૉચલું તોડી,દરરોજ ચેતનને સતાવતો હોવાથી તે આવું ધૃણાસ્પદ કામ કરી બેઠો.જાણકારોના મત મુજબ,આ એક સાયકિક કેસ હતો.

નૈતિક જવાબદારી સમજી સરપંચ કલ્પનાબહેને રાજીનામું આપ્યું તથા ત્રણ વર્ષના નાના દીકરાને સાથે લઈ, ભારે નિઃસાસા સાથે, શરમને કારણે ગામ છોડીને,  પિયરની વાટ પકડી.ચેતન પર કૉર્ટની કાર્યવાહી ચાલે છે. ચેતનના મનના ખૂણે જાગેલા એક નાના વિકારે ત્રણ સ્ત્રીઓના સ્વમાન અને એક ભર્યાભાદર્યા કુટુંબને પતનની ખાઈમાં ધકેલી દીધું છે.

આપને શું લાગે છે?ચેતનના પતન માટે મોટાભાઈ અને ભાભી કેટલા જવાબદારછે?

માર્કંડ દવે.અમદાવાદ.તાઃ૧૭-૦૭-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.