Friday, January 15, 2010

બરબાદી

બરબાદી

કૉલેજના પ્રથમ જ દિવસે,આમ્રમંજરીની મંદમંદ મીઠીમધ સુગંધસમી,સુગંધાએ,રાગ ના જીવનમાં જ્યારે મંથર ગતિએ પ્રવેશ કર્યો,ત્યારે રાગ ના દિલમાં જાણે વસંત લહેરાવા લાગી.એક સપ્તાહના ટૂંકા પરિચયમાં તો જાણે રાગ અને સુગંઘા એકમેકના માટેજ સર્જાયાં હોય તેવી લાગણી બંનેના દિલમાં જન્મી.

સુગંઘા હતી પણ એવી,શરમની મૂર્તિને,ઇશ્વરે એવા દિલથી ધડી હતીકે,ખાનદાન ગણાતા પ્રોફેસર પણ,શરમ નેવે મૂકી,ત્રાંસી નજરથી સુગંધાના રુપનું રસપાન ઘટક ઘટક પીતા,છતાંય ધરાતા નહતા.
રાગ એક સામાન્ય દેખાવનો પણ વખત આવે,દસજણને ભારે પડે એવો,સ્નાયુબધ્ધ શરીર ધરાવતો રમતવીર હતો.એટલેજ,કદાચ કૉલેજમાં બીનજરુરી આંટા મારતા,ફાલતુ ટપોરીઓની પહોંચથી સુગંધા જોજનો દૂર હતી.

એકમાસના ગાળામાં તો પરિચય ઘર સુધી પહોંચી ગયો.સબંધોની આપ-લે માં જાણવા મળ્યું કે,સુગંધા એક વેપારીની સુખી ઘરની એકની એક દિકરી હતી.માતાનું દેહાવસાન ઘણા સમય પહેલાં થયું હોવાથી,તે માતાના પ્રેમને તરસી ગઇ હતી.એટલેજ રાગના મમ્મીએ તેના વિષે જાણ્યું ત્યારથી સુગંધા માટે,પોતાની સગી દિકરી હોય તેવો ભાવ,વાણી ને વ્યવહારમાં જાગ્રત થયો.

આમ તો કોલેજની પાછળનીજ એક શાળામાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી રાગ ની એક્માત્ર નાની બહેન નેહા સાથે પણ સુગંધાની મૈત્રી જામી ગઈ.બંનેના કુટુંબની મૌન સંમતિને કારણે રાગ-સુગંધાની "Friendship" ક્યારે પ્રેમમાં પલટાઈ ગઈ,તેની બંનેને જાણ પણ ન રહી. પ્રેમનાં સ્વચ્છ, ખુલ્લા આસમાનમાં મુક્ત પંખીની જેમ બંને ઉડી રહ્યા હતા.

પ્રથમ સત્રના અંતે પરીક્ષાની તૈયારીના કારણે રાગ અને સુગંધાએ અભ્યાસમાં ધ્યાન પરોવ્યું.મન સહેજપણ ઢીલું ન પડે તથા અભ્યાસમાં વિક્ષેપ ન પડે તેથી ભદ્રકાળી મંદિરમાં જઈ,પુરા એક માસ માટે એકમેકને ન મળવાનું વચન રાગે સુગંધા પાસે લેવડાવ્યું.સુગંધા,રાગ ની કુટુંબ પ્રત્યેની જવાબદારી સારી પેઠે સમજતી હતી. બંનેનો આ ત્યાગ રંગ લાવી રહ્યો હતો.પરીક્ષાના તમામ પેપર ખુબ સારી રીતે સંપન્ન થઇ રહ્યા હતા.બંનેની પવિત્ર પ્રેમકથાને જાણનાર અધ્યાપક્ગણ પણ પેપર તપાસી બંનેને ખાનગીમાં શાબાશી આપતા હતા.

પરીક્ષા પૂર્ણ થઇ,થોડો થાક ઓગળી રાગ સુગંધાએ બીજા દિવસે નવી ફિલ્મ જોવાનો પ્લાન નક્કી કર્યો. રાગ સુગંધા એક માસના વિરહની પળોની તમામ ખોટને મન ભરીને વસુલ કરવાના મનસુબા ઘડી રહ્યા હતા.આજે રાગ ખૂબ આનંદિત હતો. ફિલ્મની કડીઓ ગણગણતો તે, તદ્દન નવા ટીશર્ટ અને જીન્સ પેન્ટમાં,ટેન્સન ફ્રી થઇ, સુગંધાને મળવા તૈયાર થઇ,તલપાપડ થઇ રહ્યો હતો એવામાં ઘરનો ફોન રણક્યો. ટ્રીન .......ટ્રીન......., રાગે ફોન ઉપાડી "હેલ્લો" કહ્યું પછી ફોને ઉપર જે સાંભળવા મળ્યું તે ઘણું ગંભીર હતું.તેના ચહેરા ઉપરથી લોહી ઉડી ગયું.

મમ્મી, પપ્પાને પહેરેલા કપડાએજ, રિક્ષા માં લઇને રાગ સિવિલ હોસ્પિટલ દોડ્યો. આઈ.સી.યુ. વોર્ડમાં નેહાને દાખલ કરી હતી, પોલીસ ઇન્સ્પેક્ટરએ વિગતે વાત કરતાંજ રાગના મમ્મી બેહોશ થઇ ઢળી પડ્યા.રાગના પપ્પા તેમને સંભાળવામાં પડ્યા.

રાગ ની કોલેજના કેટલાક નાલાયક, વંઠેલ, ટપોરી છોકરાઓએ નેહાને ધોળા દિવસે જબરજસ્તી કારમાં ઉઠાવી જઈ, ક્રુરતાપૂર્વક બળાત્કાર કર્યો હતો,નેહાને એ નરાધમોએ એટલી હદ સુધી ચુંથી નાખી,શરીરને ઈજા પહોચાડી હતી કે,તેનો જીવ જોખમમાં હતો.

આટલું ધ્રુણાસ્પદ બદકામ કર્યા પછી,કારમાંથી નેહાને રોડ પર ફેંકીને કાર ભાગી રહી હતી ત્યારે નજરે જોનાર સાક્ષીએ કારના નોંધેલા નંબરના આધારે,કાર અને ચાર ટપોરીઓ ગણતરીના કલાકમાંજ, પોલીસના હાથમાં આવી ગયા હતા.આવા થું - થું કરવા જેવા,બળાત્કાર ઉપરાંત નાલાયક ટપોરીઓના મોબાઈલમાંથી આ ધ્રુણાસ્પદ કામની અશ્લીલ વિડીઓ કલીપ પણ મળી આવી હતી.નેહાની બુમાબુમને કારણે ડરના માર્યા,ચાર ટપોરીમાંથી એક જણે નેહાને તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડી હતી.

બપોર થતા સુધીમાં તો રાગ ની વહાલસોઈ બહેને અતિશય લોહી વહી જવાથી ઓપરેશન ટેબલ ઉપરજ દમ તોડી દીધો.રાગ અને તેના મમ્મી,પપ્પા પર જાણે આસમાન તૂટી પડ્યું.એક હસતુંરમતું કુટુંબ દુઃખના દરિયામાં ડૂબી ગયુંહતું. સુગંધાને એના પપ્પા હોસ્પીટલે દોડી આવ્યા હતા,પણ કોણ! કોને! કેવી રીતે!આશ્વાસન આપે? શબ્દ મળતા ન હતા.

પોલીસ કાર્યવાહીમાં સાંજ પડી ગઈ,પોસ્ટમોર્ટમ બાદ નેહાના મૃતદેહને સોસાયટીમાં લાવ્યા ત્યારે સમગ્ર વિસ્તારના રાંધ્યા ધાન રઝળી પડ્યા.પોતે એક સશક્ત એથલીટ હોવા છતાં બહેનને બચાવી ન શક્યાનો અપરાધભાવ રાગના મનને કોરી ખાતો હતો.શૂન્યમનસ્ક ભાવ સાથે રાગ કાર્ય કરતો હતો,એને ખબર ન હતીકે વિધાતાએ તેની કુંડળીમાં હજુ શું શું લખ્યું છે!

બીજા દિવસની સવાર રાગને માટે ફરી કાળમુખી બની ઉગી, રાગની મમ્મીએ બદનામી ના ડરથી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.એક ખૂણામાં ઉભી રહી ચોધાર આંસુએ રડતી સુગંધાએ આજે બીજી વખત સગી માંને ગુમાવી હતી. ટપોરીઓ પરના રાગના ગુસ્સાને કેવી રીતે કાબુમાં રાખવો,તે એકઠા થયેલા મિત્રો અને સગાંવહાલાની સમજમાં આવતું ન હતું.

જરા, કહોને આવી ધ્રુણાસ્પદ ઘટનાઓ ક્યારે અટકશે?સમાજ,ખાસ કરીને યુવાધન,આવનારી પેઢીને નવી રાહ ચિંધશે?

માર્કંડ દવે.અમદાવાદ.તાઃ૧૫-૦૭-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.