Saturday, January 16, 2010

ગર્ભપાત

ગર્ભપાત Abortion

માડી,કવેળા જનમ દીઘો ? કશોક ત્રાસ વર્તાય છે..!!
માડી,અકાળે દફન કીધો ? મારો શ્વાસ રુંધાય છે..!!
=================================

પ્રિય મિત્રો,

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં, ફૂટપાથ ઉપર પડી રહેતી,સાવ મેંલી ઘેલી, એક પાગલ સ્ત્રી ઉપર,રાતના અંધારે,કોઈ વાસનાભૂખ્યા રાક્ષસે,બળાત્કાર કર્યો. પરિણામે તે પાગલ સ્ત્રી ગર્ભવતી થઈ.

આશરે,ત્રણ માસ બાદ,જે તે વિસ્તારની, કેટલીક સેવાભાવી બહેનોનું ધ્યાન પડતાં,તેને સરકારી દવાખાનામાં,દાખલ કરી.પોલીસે અજાણ્યા શખ્સ સામે F.I.R. દાખલ કરી, ખાસ કિસ્સામાં અદાલતને વિનંતી કરીને,પાગલ સ્ત્રીના ગર્ભપાતની મંજૂરી મેળવી.ડૉક્ટરે તે મૂજબની દવાઓ આપવાનું શરુ કર્યું.સહુ કોઈ હોસ્પિટલમાં તેનું પુરતું ધ્યાન રાખવા લાગ્યા.

આ પાગલ સ્ત્રીને તેનામાં પાંગરતા એક નાના દેહના અસ્તિત્વની,જાણે ભાળ થઈ ગઈ હોય, તેમ પેટમાંના બાળભ્રૂણ સાથે તે વાતો કરવા લાગી.ઈશ્વરનું કરવું,તે પેલા બાળભ્રૂણને ગર્ભમાં વાચા ફૂટી. હ્યદયના કાનથી સાંભળેલો, આ રહ્યું એ કોમળ-નિર્દોષ ભ્રૂણનું દર્દનાક બયાન.

" માડી,તું તો મારા જન્મથી કાંઈ બહુ ખૂશ છેને ? કોણ હતો એ જાલિમ હવસખોર રાક્ષસ,જેણે તને ચૂંથી નાંખી. મને જગતમાં આવવા દે ને..!! માઁ,તને ખબર નથી, એં..!! પછી હું એની ખબર લઈ નાંખીશ,હા..આ..!! તને ડૉક્ટર કશું નહીં કહે,પણ હું ખાનગીમાં તને કહી દઉં, તારા ઉદરથી, દીકરી નહીં, દીકરો જન્મવાનો છે. હા હું દીકરો થઈને જન્મ લેવાનો છું.

હેં મા, તું ગાંડી છે? આ...!! હમણાં તારી ખબર કાઢવા બે બહેનો આવેલાં,તે કોણ હતાં ? એમને કહી દેજે,હવેથી તને ગાંડી ના કહે. મને તો બહુજ ગુસ્સો આવ્યો. મારી માઁ અને ગાંડી? જો માઁ જો, એ બંને બહેનો પાછી આવી લાગે છે..!! સાથે પોલીસ અને ડૉક્ટર પણ હોય, તેમ લાગે છે..!! આપણે એ જાય પછી વાત કરીશું. હાઁકે?"
પોલીસ જમાદાર(ડૉક્ટરને),"સર, કેમ લાગે છે ? કૉર્ટનો હુકમ તો મળી ગયો છે,પણ આ ઓરતને જીવનું જોખમ તો નથીને?મારે કૉર્ટને રીપોર્ટ આપવો પડશે."

ડૉક્ટર," નથીંગ ટુ વરી.ઍબોર્શનની દવાઓ શરુ કરી દીધી છે,લગભગ અડતાલીસ ,વધારેમાં વધારે બોંતેર કલાકમાં રીઝલ્ટ આવી જશે."

એક બહેન(પોલીસ જમાદારને)," સાહેબ, ઍબોર્શન પતે અને અહીંથી રજા મળે પછી, એને શહેરની મૅંન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાના હુકમ પણ કોર્ટમાંથી કરાવી દેજો.પછી આ નરાધમ કોણ હતો ? કોઈ ભાળ મળી?"

જમાદાર," હજુ પકડાયો નથી,પણ ત્રણેક રખડેલ દારુડીયાઓને રાઉન્ડ-અપ કર્યા છે,આરોપી જલ્દી હાથમાં આવી જશે.ક્યાં સંતાશે?"

એક બહેન(ગાંડીને)," બહેન, તારું નામ ? આ તારા હાથમાં શું છે? અરે..!! મને જોવા દે ? નહીં લઈ લઉં. અરે વાહ..!! તારા રુમાલ અને કાગળમાંથી રમકડું બનાવ્યું છે? કોના માટે ? તારે માટે જ્યૂસ લાવી છું,પીવું છે? જો જો,કેવી ખૂશ થઈ ગઈ..!!"

(બધાં જાય છે.)

" માઁ ઓ..., મારી માઁ, આ બધાં બોલ્યાં,તે તેં સાંભળ્યું, માઁ, મારી વાત સાંભળે છેને? ચાલ આપણે અહીથી ભાગી જઈએ. તને ખબર છે,આ લોકો મને અકાળે દફનાવવાની તૈયારીઓ કરે છે..!! માઁ, આ તો ગર્ભપાતની વાત કરતા હતા.તને સમજ ના પડી? આ બહેન કહેતાં હતાં,તેં કાગળ અને ચીંથરાંમાંથી મારા માટે રમકડાની ઢીંગલી બનાવી છે ? પણ મારે હવે શું કામની? જોકે, માઁ મને મારા પૂર્વજન્મનાં ખરાબ કામનો બદલો મળી રહ્યો છે..!! તને ખબર નથી,પણ મને પૂર્વજન્મ યાદ છે. ગયા જન્મે હું એક સુપ્રસિદ્ધ ધનાઢ્ય ગાયનેક સ્ત્રી ડૉક્ટર હતી.આજ શહેરમાં મારી નામાંકિત હૉસ્પિટલ હજૂ દર્દીઓથી ઉભરાય છે.

તે સમયે કાયદાની ઐસી કી તૈસી કરીને,મેં મોં માગ્યા રુપિયા લઈ, કેટલાયને ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરી આપી, અનેક માસૂમ દીકરીઓને,જન્મતાં પહેલાં જ દફનાવી દીધી હતી,હવે મારાં કુકર્મોનું ફળ ભોગવ્યા વગર છૂટકોજ નથી,પણ માઁ તું તો સાવ નાના બાળક જેવી માસૂમ છે.તું જો ભગવાનને પ્રાર્થના કરીને, મારા બધા ગુન્હા એકવાર માફ કરાવી દઈશ તો, હું ખાત્રી આપું છુંકે, હવે પછી આ જ્ન્મમાં, મારા પૂર્વજન્મનાં, બધાં પાપ ધોઈ નાંખી,નવેસરથી એવાં સરસ કામ કરીશ કે, તને મારા માટે ગર્વ થાય..!!

માઁ, હવે મારું ભાન ગુમાવવાની અવસ્થા આવી ગઈ છે,મેં ગયા જન્મે જે " Emcredyl કે Rivanol " દવાના ઉપયોગથી (!!) , કેટલાય જીવને અકાળે દફનાવી દીધા,તેજ દવાઓ આજે મારા દફન થવાનું કારણ બની રહી છે.હવે ફરી મને ભાન આવે કે ન આવે ? તારી સાથે ફરી સંવાદ થાય કે ના થાય ? હું તારા કોઠામાંથી જતાં-જતાં એક સારા કામની તને ખાત્રી આપું છુંકે, ગર્ભપાત થયા પછી,મારા વિયોગના આઘાતથી, તું ગાંડીમાંથી સાજી થવાની છે.

હું હજી ગર્ભમાં છું ને...!! એટલે મને વિધાતાના લેખ સાફ સાફ વંચાય છે. ચાલ માઁ અ....લ....વિ....દા.!! જેવી ઈશ્વરની મ...ર...જી...!!"

===================

દોસ્તો, આતો એક સત્ય ઘટનાનો, ધારી લીધેલો કાલ્પનિક સંવાદ છે.સ્ત્રીભ્રૂણના વિનાશના કડક કાયદાની સાથે-સાથે, કેવળ ઐયાશીના કારણે કરાવાતાં, ઍબોર્શનમાં ઘટાડો કરવા હજૂ કડક કાયદાની જરુર હોય તેમ આપને લાગે છે?

ચાલો,આજે આપણે ગર્ભપાત વિષે જાણવા જેવી વાતો કરીએ.

આપણા ગર્ભપાત ના કાયદા (Medical Termination of Pregnancy Act)

ગર્ભપાતની પ્રક્રિયાનો દુરઉપયોગ અટકાવી,સમાજમાં નર-નારીનુંપ્રમાણ,જાતીય સ્વૈરવિહાર,અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા દરેક દેશમાં,"The Medical Termination of Pregnancy Act "અમલમાં મુકેલા છે.ધાકધમકી-દબાણ,પ્રલોભન વિગેરે દ્વારા,કોઈની મરજી વિરુદ્ધ કરાવાતા ગર્ભપાત માટે આપણા દેશમાં પણ,સન ૧૯૭૧ માં સંસદ દ્વારા " ઍન ઈંન્ડિયન મૅડિકલ ટર્મીનેશન ઑફ પ્રેગ્નન્સી( MTP ACT)" ઘડાયો, જે તા.૧ એપ્રિલ ૧૯૭૨થી અમલમાં આવ્યો.સન ૧૯૭૫માં તેમાંની કેટલીક વિષમતાઓને દૂર કરવા સુધારા કરાયા.

કાયદા અનુસાર ઍબોર્શનની વ્યાખ્યા.

ગર્ભાશયમાંથી અવિકસિત ગર્ભનો અંત લાવવાની પ્રક્રિયા,તે ગર્ભપાત.

આ કાયદા અનુસાર, ગર્ભપાત માત્ર ને માત્ર ,ગર્ભવતી સ્ત્રીને ગંભીર રોગ,જેવાકે,હ્યદયરોગ, બ્લડપ્રેશર, ગર્ભાવસ્થા દરમિયાન કાબૂ બહારની ઉલ્ટીઓ, સ્તન કૅન્સર, વારસાગત ડાયાબીટીસ, વાઈ,પાગલપન, બળાત્કાર અને ગર્ભને ગંભીર નુકશાન, જેવા વિપરીત અને ગર્ભવતી સ્ત્રી માટે, જીવલેણ ગણાતા સંજોગોમાંજ, ક્વૉલિફાઈડ ગાયનોકૉલોજીસ્ટ દ્વારા, સરકાર માન્ય ક્લિનીક અને હોસ્પિટલ્સમાં જ, ગર્ભપાત કાયદેસર કરાવી શકાય છે.

જોકે, આ કાયદા વિષે સમાજના તમામ વર્ગ,ધર્મમાં,તેની નૈતિકતા માટે, અનેક પ્રકારના,વાદવિવાદ અને મતમતાંતર પ્રવર્તે છે.આ અંગે જીવન ને જન્મનો અધિકાર અને ગર્ભવતી માતાની ઈચ્છાઓ- માનવ અધિકાર,જેવા અનેક પ્રશ્નોના જવાબ હજુપણ વણઉકલ્યા છે.સહુથી વધારે ગર્ભપાત કરનાર દેશ અમેરિકામાં,ગર્ભપાત વિરોધી ચળવળને કારણે, ૧૯૯૬ થી ૨૦૦૩ દરમિયાન ૮% નો ઘટાડો નોંધાયો હતો.

ગર્ભપાત માટે સમય

ગર્ભ ધારણ કર્યા પછી,આશરે બાવીસ અઠવાડિયાં સુધી ગર્ભપાત કરાવી શકાય છે,કારણકે સ્વસ્થ બાળક્નો જન્મ, લગભગ ૩૭ અઠવાડિયાંના સમયમાં, થાય છે. સાડત્રીસ અઠવાડિયાં કરતાં વહેલી થયેલી,પ્રસૂતિને "Premature Birth- કસુવાવડ", જ્યારે બાવીસ અઠવાડિયાં દરમિયાન ગર્ભપાતને, " Stillborn" કહે છે.
મોટાભાગે ગર્ભધારણના છેલ્લા,માસિક અટકાવ બાદ ૧૦ અઠવાડિયાં સુધી, આપોઆપ ગર્ભપાત,"Miscarriage." થવાની સંભાવના ૫૦% સુધી જોવા મળી છે.

આવી સ્થિતિને ટાળવા ગર્ભ પરીક્ષણ માટે," Sonography અને Amniocentesis",નામની પદ્ધતિ પ્રચલિત છે. આ પરીક્ષણથી ગર્ભની સ્થિતિ અને જાતિ ( He or -She) પણ જાણી શકાય છે.જોકે આપણા પુરુષપ્રધાન સમાજમાં,પરીક્ષણ બાદ, દીકરી પ્રત્યે અણગમો,દહેજપ્રથા,દીકરા દ્વારા અગ્નિદાહપ્રથા, જેવી અનેક ખોટી પરંપરા અને રીવાજોના કારર્ણે, ગર્ભવતી સ્ત્રીની મરજી વિરુદ્ધ,ધાકધમકી-દબાણથી ગર્ભપાત કરાવવાનું દૂષણ શરુ થયું. તેમાં કેટલાક લાલચી-સ્વાર્થી ડોક્ટર્સ પણ સામેલ થવાથી,ફક્ત રુપિયા ૫૦૦ નું મૂડીરોકાણ કરી સોનોગ્રાફી દ્વારા દીકરીના ગર્ભને પાડી નાંખી, રુપિયા ૫૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦થી વધુ નું દહેજ બચાવવાનું કેટલાક લોકોને એવું તો ફાવી ગયુંકે,છેવટે, કાયદા દ્વારા જાતિ પરિક્ષણ કે તેની જાહેરાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

કાયદા દ્વારા જાતિ પરિક્ષણ કે તેની જાહેરાત ઉપર,આવોજ પ્રતિબંધ ચીન,તાઈવાન,સાઉથ કૉરિયામાં પણ અમલમાં છે.
જાતિ પરિક્ષણ કરી,દીકરીના ભ્રૂણને ઉગતોજ પાડી નાંખવાને કારણે, સમાજના કેટલાક વિભાગમાં -વિસ્તારમાં, નર અને નારીની વસ્તીનું પ્રમાણ ચિંતાજનક રીતે,ખોરવાઈ ગયું છે.રીપબ્લીક ઓફ ચાઈનામાં,વસ્તીનો વિસ્ફોટ ડામવા માટે સન-૧૯૭૯માં એક જ બાળકની પોલિસી અમલમાં આવી,ત્યારે ગર્ભ પરીક્ષણ દ્વારા, નારીભ્રૂણને બદલે ફક્ત નરભૂણને જન્મ આપવાનું વલણ સમાજમાં ફેલાતાં,૨૦૦૨ સુધીમાં,ચીનમાં નર-નારીનું પ્રમાણ ૧૧૭ : ૧૦૦ થઈ ગયું.ચીનના `Gungdong` અને `Hainan` જેવા, કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં તો,સન ૨૦૦૩ માં, નારીના ૧૦૦ ના પ્રમાણ સામે નરનું પ્રમાણ ૧૩૦ થઈ ગયું હતું.

સ્ત્રીભૂણ ગર્ભપાત અને ધર્મો

મહાભારતમાં ભીમ દ્વારા,તેમના કૂળમાં, દીકરીનો જન્મ નથાય તે માટે ભલે વરદાન માંગવામાં આવ્યું હોય પરંતુ હવે આધુનિક યુગમાં, હિંદુ ધર્મમાં સ્ત્રીભ્રૂણના ગર્ભપાતના પ્રમાણમાં ઘણોજ સુધારો જોવા મળે છે.કેન્દ્ર તથા રાજ્યસરકારોએ અપનાવેલું આક્રમક વલણ પણ પરિણામલક્ષી સાબિત થયું છે.

જોકે,ઈસ્લામમાં તો કોઈપણ જાતિના ગર્ભપાતની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.આ અંગે "Dr A. Majid Katme (MBBCh, DPM) ;Muslim Coordinator, SPUC;Pro-life, pro-family Muslim Campaigner (UK/UN);T: 07944 240 622 E-mail address: muslims@spuc.org.uk; વેબસાઈટ http://www.spuc.org.uk/about/muslim- division/prohibit" દ્વારા ખાસ અભિયાન ચલાવાય છે.
કેટલીક રુઢીચૂસ્ત પરંપરાઓને કારણે,પારસી કમ્યૂનિટી પણ અસ્તિત્વ સામે લડાઈ લડે છે.

તહેવારો અને ગર્ભપાત-પ્રમાણ

તહેવારોનો આનંદ ઘણીવાર,કેટલાંક માતાપિતા માટે,ચિંતા અને દુઃખનું કારણ બની રહે છે. ચાહે ૩૧ - ડિસેમ્બરની મોડીરાત સુધીની ઉજવણી હોય કેપછી નવરાત્રીની નવલી નવરાત હોય,જ્યાં યૌવન પર પાબંદી લગાવી પણ ના શકાય અને તેઓનું સતત ધ્યાન પણ રાખી ના શકાય,તેવા સંજોગોમાં,મૂક્તસહચારના વાતાવરણમાં, કેટલીક યૌવન સહજ ભૂલને કારણે અંતે ગર્ભપાત જેવા અંતિમ પગલાં લેવાં પડે તેવી નોબત કેટલાય કુટુંબોને, તહેવાર વિત્યા બાદ આવી હોવાના સમાચાર આપણે મિડીયામાં અવારનવાર વાંચતા-સાંભળતા-નિહાળતા હોઈએ છે.

પોતાની જાતમાં રહેલા દૂર્ગુણરુપી રાક્ષસને જીતવાના પર્વને, આપણે આજ રાક્ષસના વિજયપર્વમાં ફેરવી નાંખીએ તે,કેટલું વ્યાજબી છે? જોકે કેટલાંય સ્વયંશિસ્ત પાળતાં, યુવક-યુવતીઓ,પવિત્ર આનંદના તહેવારને ઉપહાસ ન બનવા દઈને,દૂર્ગુણરુપી આ રાક્ષસને પરાજીત કરવામાં સફળ રહે છે, તેની પણ નોંધ લેવી રહી.

છેલ્લા બે વર્ષથી હિંદુ જનજાગૃતિ સમિતિ અને સનાતન સંસ્થા, આવા પવિત્ર તહેવારોને દૂષિત થતા અટકાવવા પ્રયત્નશીલ થઈ છે,પરંતુ તે પુરતું નથી આ માટે,આવી બાબતો પ્રત્યે સંવેદનશીલ તમામે પ્રયત્ન કરવો જ રહ્યો.

ટીનઍજ સેક્સ ઍજ્યુકેશન અને ગર્ભપાત.

સફળ જીવન જીવવાની રીતથી સાવ અજાણ એવાં સગીર વયનાં વયસ્કોને,સેક્સ ઍજ્યુકેશન પ્રદાન કરવા અંગે સમજમાં ઘણા મતમતાંતર પ્રવર્તે છે.ખરેખર તો સેક્સ ઍજ્યુકેશનથી સગીર માહિતગાર તો થાય છે જ, સાથેજ નાની વયમાં,યૌવન સહજ આકર્ષણના કારણે, ભોગવવાં પડતાં દુષ્પરિણામોથી પણ બચી શકે છે.

ભારતમાં ટીનઍજ ઍબોર્શન માટે,માતાપિતા કે વાલીની સંમતિના કાયદા ઘણાજ કડક છે. સગીર વયમાં કરાવાતો ગર્ભપાત સરળ નથી હોતો,અલ્પવિકસિત ગર્ભાશય કે શારીરિક સક્ષમતા ઓછી હોવાના કારણે ઘણીવાર સગીરાને જાનનું જોખમ ઉભું થઈ શકે છે.

આજકાલની ટીવી-સિરિયલ્સમાં આ પ્રકારનાં કથાનકો,જેમાં નાની ઉંમરની સગીરા પોતાના ગર્ભમાં ઉછરતા બાળકને,ગર્ભપાત દ્વારા ગુમાવવા ઈન્કાર કરે છે..!! જેવા સીન ભલે સિરિયલ્સના TRP વધારવામાં સહાય કરતા હોય,પરંતુ વાસ્તવિક જીવનમાં, `કુંવારી માતા`ને ઉપહાસભરી નજરે જોવામાં આવતી સામાજીક પરંપરાના વાતાવરણમાં, ઉભા થતા સંવેદનશીલ-દુઃખદાયક પ્રશ્નોના ઉત્તર મળવા અતિ કઠીન છે. `બાલિકાબધુ` સિરિયલની `સુજ્ઞા` ને `શ્યામે` તેના ગર્ભ સાથે સ્વીકારી, તેવા વિરલા યુવકો-પ્રેમીઓ, બધી સગીરાને વાસ્તવિક જીવનમાં મળે,તેવી ઉદારતા આપણા સમાજમાં હજૂ પ્રવર્તતી નથી, તે એક હકિકત છે.

જે દેશોએ સેક્સ ઍજ્યુકેશન વેળાસર અમલમાં મૂક્યું છે,ત્યાં જાગૃતિ વધી છે,જોકે હવે તો HIV-AIDS જેવા અસાધ્ય રોગથી બચવા પણ, સેક્સ ઍજ્યુકેશન જરુરી છે.જીવનમાં સત્ય બોલવા,અધર્મ ન આચરવા,પોતાના ભવિષ્યને સુરક્ષીત કરવા ભણતરને મહત્વ આપવા,માતાપિતા, ગુરુજનોનું માન જાળવવા જેવી બાબતો જો,સગીરાવસ્થામાં શીખવા લાયક હોયતો, સેક્સ ઍજ્યુકેશન તરફ સુગ રાખવાથી ભાવિ પેઢીને,ભરપાઈ ન થઈ શકે તેવું, નુકશાન થવાની સંભાવના હોય તેવું આપને નથી લાગતું?

માર્કંડ દવે.તા.૧૨-૦૧-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.