Friday, January 15, 2010

મશ્કરી - ભવાઈ

વિસરાતી વાર્તા-૬ ( મશ્કરી ),વિસ્તરતી વાર્તા-૬ (ભવાઈ)

વિસરાતી વાર્તા-૬ ( મશ્કરી )

એક નદીના કિનારે, નાનકડું ગામ આવેલું હતું, જ્યારે નદીના સામા કિનારે નાનકડું નગર આવેલું હતું, ગામ અને નગરમાં જવા આવવા માત્ર હોડી-નાવ દ્વારા જ નદી ઓળંગીને, અવરજવર કરવી પડતી હતી.

આ ગામમાં,એક મશ્કરો રહેતો હતો. આખો દિવસ તે ગામના ચોરે બેસી,જતા-આવતા, નાના મોટાં, નર-નારી, ગરીબ-તવંગર બધાની ઠઠ્ઠા-મશ્કરી કર્યા કરતો હતો. ઘણા માણસોને તેનો આવો સ્વભાવ ગમતો નહીં,પણ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે ? તેથી કોઈ બોલતું નહીં.

આમ તો આ મશ્કરાની એક સરસ મઝાની લીલીછમ વાડી હતી. જેમાં મજૂરોએ ઉગાડેલાં શાકભાજીનું પોટલું બાંધીને, તે દરરોજ સવારે, હોડીમાં બેસી, નદી ઓળંગી, નદીને પાર આવેલા નગરમાં શાકભાજી વેચી, તેનાં નાણાંમાંથી જલ્સા કર્યા કરતો. વળી આવા માણસોના, નવરાધૂપ જેવા, ખોટી વાહ વાહ કરનારા, તાળી મિત્રો પણ ઘણા હોય, તેઓ તેને ઘણો જ પોરસ ચઢાવતા.

એક વાર મશ્કરો શાકભાજીનું પોટલું લઈ, નદીને સામે કિનારે આવેલા નગરમાં જવા નદીકિનારે પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો હોડી પહેલેથી જ ચિક્કાર થઈ ગઈ હતી. તે થોડોક મોડો પડ્યો હતો.

પેલા મશ્કરાએ પોતાને પણ બેસવા દેવા, હોડીવાળાને વિનંતી કરી.હોડીવાળા એ કહ્યું, " ભાઈ, હું તને, બીજા ફેરામાં લઈ જઈશ, અત્યારેતો આમાં એક ઊંટવાળો,પોતાનું ઊંટ લઈને બેઠો છે, તને બધાની મશ્કરી કરવાની ખરાબ આદત છે, તું કાંઈ કરે ને, જો ઊંટ ભડકે તો ? મારી હોડી ઉંધી વળી જાય..!!"

મશ્કરાને બહુ મોડું થતું હોવાથી, હોડીવાળાને તેણે ફરી વિનંતી કરી, છતાં હોડીવાળાએ તેને સાફ-સાફ ના પાડી.આ જોઈને, મશ્કરાએ ઊંટવાળાને વિનંતી કરી, " ભાઈ,હું જો ,સામે નગરના બજારમાં સમયસર જઈને શાકભાજી નહીં વેચું, તો મોડો પડતાં બજારમાં મારો માલ કોઈ નહી ખરીદે અને મારે શાકભાજી ઉકરડામાં, ફેંકી દેવાનો વારો આવશે. "

છેવટે ઊંટવાળાને મશ્કરા પર, દયા આવી ગઈ અને હોડીવાળાને,ભલામણ કરી, મશ્કરાને બેસવા દેવા કહ્યું.

હોડી ઉપડતાં જ પોતાના સ્વભાવ મૂજબ, મશ્કરાએ હોડીમાં બેઠેલા સહુની ઠઠ્ઠા-મશ્કરી કરવાનું શરુ કર્યું, આથી હોડીવાળો, મશ્કરા ઉપર ઘણો જ ગુસ્સે થયો અને મશ્કરાને ફરીથી પાછો કિનારે ઉતારવા, હોડી પાછી વાળવા લાગ્યો. મશ્કરાને પોતાની ભૂલ સમજાઈ ગઈ.તે ફરીથી હોડીવાળાને કરગરવા લાગ્યો.

આખરે હોડીમાં બેઠેલા બાકીના મુસાફરોએ તેના હાથ-પગ બાંધી, મોં ઉપર કપડું બાંધીને હોડીમાં બેસવાની રજા આપી.કોઈ ઉત્સાહી મુસાફરે મશ્કરાના હાથ-પગ બાંધી,મોં પર કપડું બાંધી, ઊટની બાજૂમાં,તેને બેસાડી દીધો. ગરજના માર્યા આ મશ્કરાએ બધું અપમાન સહન કરી લીધું, પરંતુ તે મનમાં ને મનમાં
બધા મુસાફર,ખાસ કરીને ઊંટવાળા અને તેના ઊંટને દોષી માનીને, તેના ઉપર મનમાં ગુસ્સે ભરાયો.

ઊંટની બાજૂમાં બેસાડેલા મશ્કરાએ છેવટે, મજાક કરીને બધાની સાથે, અપમાનનો બદલો લેવાનું નક્કી કરી, તેની પડખે પડેલી વાંસની એક નાની સળીને,પોતાના પીઠ પાછળ,બાંધેલા હાથે,કોઈ જુવે નહીં તેમ ઉપાડી, ઊંટની પૂંઠમાં જોરથી ખોસી દીધી.

બસ આરામથી હોડીમાં બેઠેલું ઊંટ તરતજ ભડકીને, એકદમ ઉભું થઈ ગયું. એ સાથે જ, બધા મુસાફરો ગભરાઈને ઉભા થઈ ગયા, હોડીનું સંતુલન બગડી જતાં, તે ઉંધી વળી ગઈ. હોડીવાળો, ઊંટવાળો, ઊંટ અને બાકીના મુસાફરો નદીના ઉંડા પાણીમાં પડી ગયા.

જોકે, બધા જ મુસાફરો તરત જ, તરતાં-તરતાં સામે કિનારે પહોંચી ગયા.જોકે, મશ્કરો બચી ના શક્યો.

મશ્કરાના હાથ-પગ અને મોં ઉપર કપડું બાંધેલું હોવાથી, તેણે નદીમાં ડૂબી જઈને છેવટે પોતાનો જીવ ખોયો.

ઉપસંહારઃ- જીવનમાં દરવખતે મજાક કરવાની આદત ક્યારેક, પોતાની જાત માટે જ નુકશાનકારક સાબિત થાય છે અને ત્યારે તેને કોઈ બચાવી શકતું નથી.

====================================

વિસ્તરતી વાર્તા-૬ (ભવાઈ)

મેડીકલ કૉલેજમાં પહેલા જ અઠવાડીયાથી, પંચમે પોતાની ચંચળ નજરને છૂટો દોર આપીને, સુંદરતાના પુજારી હોવાનો પરિચય,પોતાના નાનકડા પણ છેલબટાઉ યુવક મિત્રમંડળને કરાવી દીધો હતો. પંચમ હતો પણ કોઈ અંગ્રેજી ફિલ્મના હિરો જેવો, ઘૂંટાયેલો પૌરુષમય અવાજ, ચૂંબકીય આકર્ષણ ધરાવતી, સુંદર માંજરી આંખો, છ ફૂટ ચાર ઈંચની ઉંચાઈ, વિશાળ છાતી સાથે, કસરતી શરીર..!! કૉલેજ કન્યાઓને આકર્ષવા માટે શું ન હતું, તેની પાસે..!!

થોડા જ દિવસોમાં, પંચમના મિત્રમંડળના સભ્યો પાસે,પંચમની અનેક ગર્લફ્રેંન્ડ્સના, સંદેશવાહક તરીકે વર્તવા સિવાય અન્ય કોઈ કામ રહ્યું નહી.પંચમ મૅડીકલ કૉલેજની હોસ્ટેલમાં,અમીર બાપના પૈસે જલ્સાથી રહેતો અને તેના ચમચામંડળ જેવા મિત્રોને પણ વખત આવે જલ્સા કરાવતો. શરુઆતમાં તેની સાથે હરતા ફરતા, તેના કેટલાક સમજદાર મિત્રોએ,તેને અભ્યાસના મૂળ ઉદ્દેશ્યથી અલગ ભટકી રહ્યો, હોવાનું ધ્યાન દોર્યું, તો પંચમે તેમની સાથે એમ કહીને મિત્રતા તોડી નાંખીકે, "યુવાની મોજ-મસ્તી-મજાક માટે હોય છે, કૉલેજ લાઈફ ફરી નથી મળવાની, મને વગર દાણા નાંખે, છેક મારી હોસ્ટેલ સુધી શહીદ થવા, ગર્લફ્રેંડ સામેથી જ મળે છે,તેની તમને ઈર્ષા આવે છે,સા...ઓ..!!"

બે વર્ષમાં તો, પંચમ લેડી કિલર તરીકે પંકાઈ ગયો, આવા સોહામણા, આકર્ષક, અમીર બાપના નબીરા સાથે લગ્ન કરવાની લાલસા સાથે પોતાનું શરીર સોંપીને સર્વસ્વ ગુમાવનાર કૉલેજકન્યાઓ પંચમ તરફથી દગો મળતાં,હતાશામાં સરી પડી, મન મારીને ચૂપ રહેતી હતી.જોકે આને કારણે જ પંચમની હિંમત ખૂબ વધી ગઈ.

જોકે, આ બધામાં રેશ્મા અલગ માટીની નીકળી.પંચમ તેનાથી એટલો બધો નજીક હતોકે, હોસ્ટેલના તેના રુમની એક ચાવી પણ રેશ્મા પાસે કાયમ રહેતી હતી.
રેશ્માને જ્યારે ખાત્રી થઈ ગઈકે, પંચમ પોતાની સાથે લગ્ન નહી જ કરે, ત્યારે પંચમે પોતાનો અત્યાર સુધી દૂરઉપયોગ કર્યો,તે વાત રેશ્માના હ્યદયને તીરની જેમ વિંધીં ગઈ.

આજે ,પોતાની પાસેની ચાવીથી હૉસ્ટેલનો રુમ ખોલી,રેશ્મા પંચમના આવવાની રાહ જોતી હતી.આજે ફેંસલો કરવાનો દિવસ હતો. પંચમની રાહ જોતાં-જોતાં,રેશ્માનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતાં,તેણે આ અમીર બાપના બગડેલા શાહજાદાની સૂટકેસ ખોલી,તેમાં રહેલા મોંઘા શર્ટ,પેન્ટ,શૂટ ઉપર શેવિંગ-બ્લૅડ ચલાવી,પોતાની આશા-આકાંક્ષાઓ ના ઉડેલા લીરેલીરાની જેમ, પંચમનાં વસ્ત્રોના લીરેલીરા ઉડાડવાનું શરુ કર્યું. થોડીજ વારમાં એકપણ વસ્ત્ર પહેરવા લાયક ન રહ્યું.

તેટલામાં પંચમની બાજૂની રુમમાં રહેતા , પંચમના એક મિત્રએ, રેશ્માને ગુસ્સામાં જોતાંજ જાણ કરીકે, પંચમ કોઈની સાથે લોંગ ડ્રાઈવ પર ગયો હોવાથી રાત્રે ખૂબ મોડો પરત ફરશે.રાહ જોઈને કંટાળેલી રેશ્મા લીરેલીરા થયેલાં વસ્ત્રોના ઢગલાને, તેમ જ પડ્યાં રહેવા દઈ, કોઈક મક્કમ નિર્ણય સાથે,પંચમના રુમને તાળુ મારી હૉસ્ટૅલમાંથી નીકળી ગઈ. પંચમે રાત્રે આવીને રેશ્માના ગુસ્સાને,પોતાના મોંઘા વસ્ત્રો ઉપર ઉતારેલો જોયો,પણ તેના અતિશય આત્મવિશ્વાસે તેને સધિયારો આપ્યોકે, બીજા દિવસે તે જરુર રેશ્માને, ફરીથી સમજાવી લેશે.

જોકે,એવો દિવસ ફરી આવ્યોજ નહીં,બીજા દિવસે પંચમે, રેશ્માની ફ્રેંડને, પૂછતાં,રેશ્માએ અભ્યાસ અને કૉલેજ બંને અધૂરાં સેમેસ્ટરથી છોડ્યા હોવાનું જાણવા મળ્યું.પંચમના મનને શાંતિ થઈ ગઈ,"ચાલો,વગર પ્રયત્નએ એક બલા છૂટી. ફક્ત વસ્ત્રોનું જ નુકશાન થયું,તે તો સહન કરી લેવાશે,પણ સા...!! હતી મઝાની,ખેર હવે કોઈ નવી શોધવી પડશે..!!"

પંચમને વિજાતીય દોસ્તીની ક્યાં કમી હતી..!! થોડા જ દિવસમાં,એક મિત્રએ, કોઈ ઑફિસમાં સેક્રેટરીની જોબ કરતી,અન્ય એક અત્યંત રુપાળી કન્યા નંદા સાથે પંચમનો પરિચય કરાવ્યો અને પંચમને આ સબંધ વધારે માફક આવી ગયો.સાલું,કૉલેજમાં બદનામી થવાનો તો ડર નહીં.થોડા જ દિવસમાં નંદા પાસે પણ પંચમની હૉસ્ટેલના રુમની ચાવી આવી ગઈ,પંચમને કોણ જાણે કેમ પણ, કોઈજ આનાકાની વગર, શારીરિક સબંધ બાંધવા તૈયાર થઈ ગયેલી, આ કન્યા વધારે અનુભવી લાગી..!! પણ તેથી શું ફરક પડે છે..!! ઉપરથી પંચમને, નંદાના સાનિધ્યનો ચસ્કો લાગી જતાં,તે તેને વારંવાર હૉસ્ટેલના રુમ ઉપર આવવા આગ્રહ કરવા લાગ્યો.

આજે આ સબંધને એક માસ થઈ ગયો હતો અને તેની ઉજવણી ( ..!!) કરવા નંદા,તેની એક અત્યંત રુપાળી ફ્રેંન્ડ સાથે આવવાની હતી.અત્યંત રોમાંચ અને ઉત્તેજના ને કારણે, પંચમના તનમાં રહી-રહીને કંપન અનુભવાતું હતું.

એટલામાં નંદા તેની ફ્રેંડ સાથે આવી,પણ પંચમે તે બંનેને જોયાં,તે સાથેજ તેની બધીજ વિકારી ઉત્તેજના હવા બનીને ઉડી ગઈ,નંદા સાથે બીજી કોઈ નહીં પણ, પંચમના દગાથી વિફરેલી રેશ્મા આવી હતી. રેશ્માએ આવતાં જ,પંચમને એક જોરદાર તમાચો મારી દીધો.આ ધમાચકડીના અવાજથી હૉસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ પણ,પંચમના રુમમાં એકઠા થઈ ગયા.રેશ્માના કાંપતા હોઠ વચ્ચેથી સરી પડેલા,આક્રોશભર્યા,તરડાઈ ગયેલા અવાજે તે,સહુ સમજ્યા તે એમ હતું કે,

" નંદા કોઈ કંપનીમાં સેક્રેટરી ન હતી પણ, એક કૉલગર્લ હતી.જે પોતે પણ, આવાજ એક, રોડ-રોમિયોનો શિકાર બની આ ધંધામાં મજબૂરીથી આવી હતી.પંચમને પાઠ ભણાવવા,નંદા, વિફરેલી રેશ્મા અને પંચમના દગાનો ભોગ બનેલી,અન્ય ગર્લફ્રેંન્ડ્સે, ભેગા મળી,તેને બરાબર પાઠ ભણાવવાનું નક્કી કરી,આ કારસો ઘડ્યો હતો."

દિલફેંક પંચમનું દિલ ત્યારે સાવ હતાશાથી ઘેરાઈ ગયું, જ્યારે નંદાએ, તે પોતે, H.I.V.+ ની દર્દી હોવાનું, આટલી ભીડની વચ્ચે બિંદાસ કબૂલ કર્યું.

પંચમ કૉલેજ અને અભ્યાસ , અધૂરો છોડીને,તે દિવસથી અજ્ઞાતવાસમાં ચાલ્યો ગયો છે.તેના કોઈ મિત્રએ તેને ફરી જોયો નથી.

પણ માસૂમ કૉલેજકન્યાઓને,ફ્રેન્ડશીપના અને લગ્નના બહાને, શીયળ લૂંટી, મોજ-મસ્તી-મજાકનું સાધન ગણતા આવા દિલફેંક યુવાનો માટે આવા કિસ્સા લાલબત્તી સમાન હોય તેવું આપ માનો છો ?

હવે , બૉયફ્રેંડ-ગર્લફ્રેંડ બનાવવાની હોડની બદી, માધ્યમિક - ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની શાળાઓના, વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓ સુધી ફેલાઈ છે,તેને આપ સામાજીક દૂષણ માનો છો ?

ઉપસંહારઃ- જીવનમાં દરવખતે મોજ-મસ્તી-મજાક કરવાની આદત ક્યારેક, પોતાની જાત માટે જ નુકશાનકારક સાબિત થાય છે અને ત્યારે તેને કોઈ બચાવી શકતું નથી.

માર્કંડ દવે.તા.૨૨-૧૨-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.