Friday, January 15, 2010

હીરોગીરી-વિલનગીરી

સ્ટેજના રમૂજી-કડવા મીઠા અનુભવ શ્રેણી-૧

પ્રિય મિત્રો,

દરેક કલાકારના જીવનમાં સ્ટેજ ઉપર લાઇવ પરફોર્મન્સ દરમિયાન કડવા-મીઠા રમૂજી-ગંભીર પ્રસંગો બનતા હોય છે,
આટલા વર્ષોના મારા સ્ટેજના કેટલાક આવાજ અનુભવને આપની સાથે વહેંચવાનો આનંદ માણવા આપની રજામંદી ચાહું છું.
જોકે,આ અનુભવને,ઇશ્વરકૃપાથી,મેં ખૂબ ખેલદિલીથી,હકારાત્મક રીતે લીધા છે.સ્ટેજના રમૂજી-કડવા મીઠા અનુભવ શ્રેણી-૧
આશા છે આપને જરુર ગમશે.આપના પ્રતિભાવ મારી સંજીવની છે.

"હીરોગીરી-વિલનગીરી."

મિત્રો,એકવાર ૧૯૭૦માં અમદાવાદના ટાઉનહૉલમાં એક મિત્રની ભલામણને કારણે,મેં લાગણીવશ થઇને, એક સાવ ઉગતા નાટ્યલેખક-અભિનેતા-નિર્દેશક-નિર્માતાના(જીહા,ઑલ ઇન વનભાઇ) નાટકમાં સંગીત સેવા આપવાનું સ્વીકાર્યું.

નાટ્યલેખક-અભિનેતા-નિર્દેશક-નિર્માતાએ,આજ નાટકના,કેટલાક શૉ ગામડાંના નાના સ્ટેજ પર ભોળા ઑડીયન્સ વચ્ચે ,નાના પાયે કરી જોઇને,ચકાસી જોયા પછી અમદાવાદના ટાઉનહૉલમાં,પ્રથમવાર શહેરી ઑડિયન્સ વચ્ચે,કોઇ સામાજીક સંસ્થાને આખો શૉ મફતના ભાવે,વેચીને નાટકને,ચકાસી જોવાનું સાહસ કર્યું હતું.

રાત્રીના ૯ થી ૧૨ નો શૉ રાખ્યો હતો.પ્રથમવાર શહેરમા નાટક રજૂ થતું હોવાથી તમામ કલાકારોમાં અસીમ ઉત્સાહનો જાણે સંચાર થયો હોય તેમ,સ્ટેજનો પડદો બંધ હોવાથી,સ્ટેજ ઉપર વારાફરતી જઈને જરુર કરતાં વધારે જોશ દાખવી પોતાના રૉલનું રીહર્સલ કરી આવતા હતા.ઑલ ઇન વન ભાઇ તો આ સાહસથી,એટલા બધા ઉત્તેજીત હતા કે,મારી સાથે એમણે હાથ મિલાવ્યો,ત્યારે પણ એમનું તન ઉત્તેજનામાં ધ્રુજતું હોય,તેમ મને લાગ્યું,એ ભાઈ તો વળી ૮ વાગ્યાથી,કારણ વગર પડદો આઘો કરીને ઑડીયન્સ અંદર આવ્યું કે નહીં,તે જોવામાં લાગી ગયા હતા,વધુ પડતી અધીરાઇને લીધે,એક બે વાર તો તેઓ,મૅકઅપ કરેલા ગુલાબી ટામેટા જેવા ચહેરા સાથે,ટાઉનહૉલના બહારના કંપાઉંન્ડમાં પણ લટાર મારી શૉ પૅક થશે કે નહીં? તે જોઇ આવ્યા.

છેવટે આપણા ભારતીય સમય અને પરંપરા અનુસાર રાત્રે આશરે પોણા દસવાગે આખોય હૉલ લોકોથી ભરાઇ ગયા બાદ દ્વિઅંકી નાટકનો પ્રથમ અંક શરુ થયો,ત્યારે હું પણ મારા બીજા સાજિંદા સાથીદારો સાથે સ્ટેજના એક ખૂણે ગોઠવાઇ ગયો હતો.નાટક ની કથા સામાજીક દૂષણ દહેજપ્રથા ઉપર આધારિત હતી,તેથીજ તેમાં સંવાદો પણ જાનદાર હતા,એમ મારે ચોક્કસ માનવું પડે.એમાંય પાછો યોગ્ય સ્થાને કરેલો કૉમેડીનો વઘાર ઑડીયન્સને પેટ પકડીને હસાવવા મજબૂર કરતો હતો.અમને પણ હાસ્ય,કરુણ,ગંભીર વિગેરે રસને સંગીતમાં ઢાળીને પિરસવામાં ખૂબ આનંદ આવ્યો.

નાટકના પ્રથમ અંકની સફળતા એવી અસરકારક રહીકે..!! નાટકના બે અંકની વચ્ચેના અવકાશમાં(ઈંટરવલમાં)નાટક માણવા આવેલા,અન્ય કેટલીક,સામાજીક સંસ્થાના હોદ્દેદારો,પ્રમૂખો દ્વારા નાટકના બીજા કેટલાક શૉનું પણ બુકિંગ થઈ ગયું.આપણા ઑલ ઇન વન અભિનેતાભાઇના ઉત્સાહની હવે કોઇ સીમા ના રહી.બીજો અંક શરુ થવાની ત્રીજી બૅલ રણકતાંજ નાટકનો બીજો અને આખરી અંક શરુ થયો,પણ હવેજ ખરી કઠણાઇ શરુ થઈ.

બીજા અંકની કથા મુજબ,વધુ દહેજની લાલચે,સાસરીયાં દ્વારા અપાતા ત્રાસથી કંટાળી,ઘરની વહુએ આપઘાત કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હોવાથી,વહુનું બયાન લઈ,વહુને સતાવનાર વિલન જેવાં સાસુ સસરા તથા પતિની ઘરપકડ કરી તેમની ઉલટતપાસ કરતા,પોલિસ ઇંસ્પેક્ટરના રૉલમાં આપણા ઑલ ઇન વન હીરોભાઇ એવા તો જામ્યા..!! કે,એમના પ્રત્યેક સંવાદ ઉપર આખોએ હૉલ તાળીઓના ગડગડાટથી ગૂંજવા લાગ્યો.
બસ....બસ....બસ....હવે નાટકની ચરમસીમા આવી ગઈ,મને બીક લાગીકે આપણા ઑલ ઇન વન હીરો અતિશય ઉત્તેજનાને કારણે કોઇ ભૂલ ના કરે તો સારું.
પણ કમનસીબે મારી શંકા સાચી પડી.

વિલનને સંવાદોથી બરાબર ઠમઠોરીને તાળીઓના ગડગડાટ ઉસેટવાની લ્હાયમાં,અગાઉથી નક્કી કરેલી સ્ક્રીપ્ટના સંવાદ આપણા હીરો વારંવાર ભૂલી જવા લાગ્યા,સમયસૂચકતા વાપરી નેપથ્યમાંથી,એક આજ્ઞાંકિત પ્રોમ્પ્ટર નાટકની ઑરીજીનલ સ્ક્રીપ્ટ લઇને,હીરોને સંવાદ યાદ અપાવવાના નેક કામે લાગી ગયો.જોકે એ ઉપાય થોડો સમય જ કામ આવ્યો.ખરેખર તો આપણા હીરો એવા તો ઉત્તેજનામાં આવી ગયા હતા કે,એમના સોળે કળાએ ખીલી ઉઠેલા અભિનયમાં,એમને પ્રોપ્મ્ટીંગ દ્વારા મળતા સંવાદો હવે વિઘ્નરુપ લાગવા લાગ્યા.હીરોને નાનમ લાગવાથી એમણે પ્રોમ્પ્ટીંગ કરનારાને અવગણીને,એ પોતેજ ઑન ધ સ્પોટ નવા સંવાદ બનાવીને રજૂ કરવા લાગ્યા.એ કારણે,પ્રોમ્પ્ટરને એમ લાગ્યુંકે મારા ધીમા અવાજે બોલેલા સંવાદ હીરોને સંભળાતા નહી હોય..!! એટલે તેણે પડદા પાછળ ઘણા મોટેથી પ્રોમ્પ્ટીંગ શરુ કર્યું,

બસ પછી તો પુછવુંજ શું..!!

હીરોને પ્રોમ્પ્ટરનો અવાજ ખલેલ પહોંચાડતો હોવાથી,તેણે વળી પ્રોમ્પ્ટર કરતાંય મોટેથી પોતાના આગવા નવા સંવાદ બોલવાનું શરું કર્યું,જોકે,આ બધામાં, વિલનનો અભિનય કરતા લોકો ડખામાં પડીને મુંઝાયાકે,રિહર્સલ કર્યા વગર,સાવ અજાણ્યા નવા સંવાદનો ઉત્તર કેવા સંવાદથી આપવો? થોડીવાર પછી તો કોણ શું બોલે છે? તેનીજ ખબર ના રહી.નિર્દેશકના ડરથી,તથા અસમંજસમાં પડી જવાથી,વિલન હવે હીરોના ડાયલોગ બોલવા લાગ્યા.

નાટકમાં છબરડા વળતા જોઇ,આટલા ગંભીર સીન ઉપર પણ,ઑડિયન્સ હસવા લાગ્યું.

હીરો ચાલુ નાટકે વિલનની ભૂલ કેવીરીતે સુધારવી એની ચિંતામાં પડ્યો.આપઘાત કરીને,મરવા પડેલી,(હીરોની માનીતી હિરોઇન???) વહુએ, સ્ટ્રેચર પર સુતાં સુતાં,આ બધો ફજેતો જોયો,તેથી તેણે મરવાનું માંડી વાળી સ્ટ્રેચર પરથી ઉતરી જઈ,વિલન કલાકારોની સામે,હાસ્યાસ્પદ મૂદ્રામાં,હાથ પગ અને આંખોના ઇશારા દ્વારા,એમની ભૂલ સુધારવાના નિષ્ફળ પ્રયત્નો શરુ કર્યા.દહેજના ત્રાસથી કંટાળીને આપઘાત કરવા તૈયાર થયેલી વહુને,આમ અચાનક આટલા ગંભીર સીનમાંથી કૉમેડી સીન કરતી જોઇ..!!ઑડિયન્સે ઉપહાસપૂર્વક જોરદાર તાળીઓ પાડી.અમારા સંગીતના સાજિંદાઓને કેવું સંગીત આપવું?(કરુણ કે હાસ્યરસ?) તેની સમજ ના પડતાં બધાએ કંટાળી જઇને સંગીત વગાડવું જ બંધ કર્યું.

બસ....હીરોનો પિત્તો હવે છટકી ગયો,તેના મનમાં બેસી ગયુંકે, આ આખાએ નાટકનું સત્યાનાશ,પેલા વધારે પડતા ડાહ્યા,પ્રોમ્પ્ટરને લીધે થયું છે,એટલે હીરોએ પ્રોમ્પ્ટર જ્યાં બેઠો હતો તે,પાછળના પડદા પાસે જઇને,મોટેથી ત્રાડ નાંખતાં,પ્રોમ્પ્ટરને કહ્યું,"એ...ઇ.બસ,તું હવે મૂંગો મરીશ ? સ્ક્રીપ્ટને નાંખ ચૂલામાં,હું તો મારા બનાવેલા સંવાદ જ બોલીશ."

આખાએ હૉલમાં સોપો પડી ગયો,ક્ષણ-એકની શાંતિ બાદ,જેમતેમ કરીને બધાએ નાટક પતાવ્યું,ત્યાં સુધીમાં તો લગભગ આખોય હૉલ ખાલી થઇ ચૂક્યો હતો.
અભિમાની હીરોએ નાટકના નિયમ તોડ્યા હતા,તેના હાથે સ્ટેજનુ અપમાન થયું હતું.આખુંએ નાટક રમણભમણ થઈ ગયું હતું..મને `આનંદ` ફીલ્મનો સંવાદ યાદ આવી ગયો,"હમસબ તો ઇસ રંગમંચ કી કઠપૂતલીયાઁ હૈ,જહાઁપનાહ,જીનકી ડોર ઉપરવાલે કે હાથોં મેં હૈં."

જોકે,હું ઘણીવાર આ ઘટનાને વાગોળતાં ચિંતન કરું છું,તો મને એમ લાગે છેકે,આપણે બધા,આ અભિમાની હીરોનુંજ દરરોજ અનુકરણ કરીએ છીએ.

૧.આપણે ભૂલી જઈએ છેકે,જગતના અસલી હીરો એવા ભગવાને, કર્મના હિસાબો પ્રમાણે,આપણા જીવનનો રૉલ,સંવાદો બધુંજ નક્કી કરીનેજ,જગતના સ્ટેજ ઉપર આપણને મોકલ્યા છે.
૨. કામ,ક્રોધ,લોભ,મોહમાયાવશ થઇને આપણે જ્યારે સ્ક્રીપ્ટ બહારના સંવાદ જાતે બનાવીને બોલીએ છીએ,
૩.ત્યારે,આત્માના અવાજ રુપે,ભગવાન સાચા સંવાદનું પ્રોમ્પ્ટીંગ કરી, માર્ગદર્શન આપે જ છે,
૪.પરંતુ આપણે આત્માના અવાજનેય, "એ...ઇ.બસ તું હવે મૂંગો મરીશ ? તારી સ્ક્રિપ્ટને નાંખ ચૂલામાં,હું તો મારા બનાવેલા સંવાદ જ બોલીશ`"
કહીને,આત્માના અવાજને,અભિમાનપૂર્વક અવગણી,પછી જગતના વિલનોના હાથે પરાસ્ત થઇએ છીએ.

મિત્રો,`પડોશન` ફીલ્મના મહેમૂદની માફક,આત્માના અવાજ (પ્રોમ્પ્ટર)સાથે,"યે ક્યા ઘોડા ચતુર-ઘોડા ચતુર લગા રખ્ખા હૈ? યા ઘોડા બોલો,યા ચતુર બોલો."
જેવી સંવાદ-કૂકડી(કે સંતાકૂકડી?) કરવામાં મઝા નથી.

આજેજ,ભગવાનને પણ મહેમૂદની માફક,ખોંખારીને કહી દો,"તુમકો હમ છોડેગા નહીંજી,હમ સ્ક્રીપ્ટ સે ભટકેગા નહીંજી,હમ સ્ક્રીપ્ટ પકડકે ચલેગાજી."

માર્કંડ દવે.તા.૨૭-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.