Wednesday, May 25, 2011

પાવલીનું પ્રમોશન.


પાવલીનું પ્રમોશન.

" નિર્દોષ રૂપિયો કેવો આખો હતો? 
પાવલી ગણાયો તે, પાખંડી થતાંજ..!!

પાવલી=(કટાક્ષમાં) બુદ્ધિહીન, કમઅક્કલ.                                                                                    

======

"કેમ દવેભાઈ, તમને શું લાગે છે? આ બાબા રામદેવજી આમરણાંત  અનશન પર ઉતરવાના છે, તે રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો રદ કરાવશે?" નોટો રદ થવાના ભયથી થથરતા એક મિત્રએ મને પૂછ્યું. 

" ખબર નહીં, પણ એ વાત ચોક્કસ છેકે, અન્ના હજારેના આંદોલનની માફક, યોગગુરુ બાબા રામદેવજી સાથે, સરકાર જલદી સમાધાન તો નહીં જ કરે..!!" મોં ઠાવકું રાખીને, મેં જવાબ આપ્યો.

મિત્રને સમજ ન પડી," કેમ એમ કહો છો?"

મેં, તેમને વિસ્તારપૂર્વક, સમજાવ્યું," જુવો, અન્ના હજારે, કદાચ સાચા અર્થમાં,ભ્રષ્ટાચાર બાબતે ચિંતિત હતા, ઉપરાંત તેમની ઉંમરને જોતાં, તે વધારે દિવસ ઉપવાસ ખેંચે તેવી,તેમની તબિયત પણ ન જ ગણાય..!! વળી તે સમયે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પર આ આંદોલનની વિપરીત અસર થાય તેવો ડર પણ હતો..!! 

જ્યારે હવે, બાબા રામદેવજીના અનશન આંદોલનને એક તો જાણે, સરકાર ગંભીરતાથી લેતી જ નથી? વળી બાબાના અનશનથી વિશ્વ સમક્ષ આપણી યોગ વિદ્યાની સિદ્ધિ સાબિત કરવા, સરકાર પાસે કેટલો સરસ મોકો છે...!! એ..ય..ને, બાબાજી પોતેજ યોગગુરુ હોવાથી, યોગવિદ્યાના તપના બળે, જાહેરમાં, મફતિયા મિડિયાના કૅમેરાની કડક કસોટી વચ્ચે,  દસ-વીસ-ચારસો વીસ દિવસ કેપછી બીજા સો વર્ષ સુધી, યોગીબાબા શ્રીરામદેવજી જંતર-મંતર પર સરકારની પૂંછડી મંતરતાં-આમળતાં, આમરણાંત ઉપવાસ પર બેસીને વર્લ્ડ રેકર્ડમાં નામ નોંધાવે, દેશ માટે તે નાની-સૂની સિદ્ધિ ગણાય?"

જોકે,મારી વાતને સમજ્યા વગર જ  મિત્રએ ઉમેર્યું," આપણા ગુજરાતના પેલા તબીબી વિજ્ઞાન માટે પડકાર જેવા, છેલ્લા બોત્તેર વર્ષથી અન્ન-જળ વગર જીવતા, અંબાજીના ચુંદડીવાળા માડી-શ્રીપ્રહલાદ જાનીની માફક?"

મેં અકળાઈને કહ્યું,"યા..ર, તમે તેમની સરખામણી પરમપૂજ્ય યોગગુરુબાબા શ્રીરામદેવજી સાથે ના કરો..!! ક્યાં રાજા ભોજ અને ક્યાં..!! યોગગુરૂ બાબા તો બાબા જ છે, તેમની તોલે કોઈ ન આવે..!! એમ તો, હરિયાણાના ઉચના ખુર્દ ગામની એક સ્ત્રી, છેલ્લા દસ વર્ષથી અન્ન વગર જીવે છે કોઈ એનું નામ પણ જાણે છે?"

મિત્રએ કહ્યું," પણ આપણી ગાડી આડે પાટે ચઢી ગઈ, ૫૦૦-૧૦૦૦ની નોટો રદ થશે કે નહીં?"

કંટાળા સાથે, મોટું બગાસું ખાતાં-ખાતાં, મેં કહ્યું," અત્યારે તો સરકારે, ત્રીસ જૂન ૨૦૧૧થી ચલણમાંથી પાવલી રદ કરવાનું એલાન કર્યું છે?"

પોતાની ગંભીર વાતને, હું આમ હસવામાં કાઢી નાંખતો હોઈશ, તેવો વહેમ પડતાં મિત્ર બબડતા બબડતા ચાલતા થયા.

પરંતુ, મારા મગજમાં, રદ થઈ ગયેલી પાવલીઓ ઓગાળીને બનાવેલી નાની હથોડી જાણેકે જોરથી અથડાતી ના હોય, તેમ `પાવલી-પાવલી-પાવલી` શબ્દ વારંવાર પડઘાવા લાગ્યો..!!

મને રહી રહીને એકજ સવાલ મનમાં સતાવ્યા કરે છે,પાવલી રદ કરીને સરકારે પાવલીનું પ્રમોશન કર્યું કહેવાય કે પાવલીનું પતન?

જોકે,ચંપકકાકા કહે છેકે, "પાવલીનું પ્રમોશન શેનું? પહેલાં તું મને એ કહેકે, અત્યારે પાવલીમાં આવે છે શું? શાક-બકાલાંવાળો પાવલીનાં લીલાં ધાણા-મરચાં આપવાનીય ના પાડી દે છે. ખરેખર તો કાળા નાણાંને નાથવા, સરકારે મોટી નોટોને અચાનક રદ કરવાની જરૂર નથી લાગતી? શ્રીઅન્ના હજારેજીએ પાવલી રદ કરાવવા ભૂખ હડતાલ કરી હતી? આતો સરકાર પાસે ૫૦૦ અને ૧૦૦૦ની મોટી નોટો રદ કરાવવા બાબા રામદેવજીએ આમરણાંત ઉપવાસનું એલાન કર્યું તો, તેમના ઉપવાસ શરૂ થાય, તે પહેલાં જ પાવલી રદ કરવાનું વળતું એલાન કરીને, સરકારે બાબા રામદેવજીને સંકેત કર્યોકે, તમારા આંદોલનની હેસિયત, સરકારને મન `પાવલી` જેટલી જ છે? તારે ન માનવું હોય તો ન માન પરંતુ, પાવલીનું આ તો પતન જ થયું કહેવાય..!!"

છોડો..યાર,ચંપકકાકા કાયમ આવી અવળવાણી જ ઉચ્ચારે છે. મને તો લાગે છે કે,સરકારે પાવલીનું પ્રમોશન કરીને બહુ ડહાપણનું કામ કર્યું છે કારણકે, અમેરિકા અને પાકિસ્તાનની આડોડાઈ સામે, આપણી ચૂંટેલી કેન્દ્ર સરકારે, અત્યાર સુધી ઉઠાવેલાં કે નહીં ઉઠાવેલાં, ઘણા બધાં પગલાં વિરુદ્ધ કંટાળીને, દેશની પ્રજામાંથી, ફાટીને ઘૂમાડે ગયેલા કેટલાક લોકો, `આખા રૂપિયા જેવા અડીખમ નેતાઓની` સરકારને,`પાવલી સરકાર-પાવલી સરકાર` કહીને ચીડવતા હોવાથી, (પાવલી?) સરકારે હારી-થાકીને, ચલણમાંથી છેવટે `પાવલી` જ નાબૂદ કરી નાખી..!!

લ્યો લેતા જાવ, હે ફાટીને ઘૂમાડે ગયેલા ચિબાવલા અને ચાંપલાં પ્રજાજનો? હવે ચલણમાં જ્યાં પાવલી જ ન હોય ત્યાં, સરકારને `પાવલી સરકાર` કેવીરીતે કહેશો? વળી `રામજી જૂઠ ન બુલવાયે`, જૂવોને રદ કરેલી બધી પાવલીઓ ભેગી કરી, તેને ઓગાળીને, તે જ ધાતુમાંથી એક આખો અખંડિત રૂપિયો (એટલેકે એક પાખંડી નેતા?) બનાવશે, એટલે આમ જોવા જાવ તો પાવલીનું પ્રમોશન રૂપિયામાં (નેતામાં?) થયું ગણાય કે ના ગણાય?

પ્રખ્યાત ફ્રેંચ કલા સંરક્ષક લેડી(૧૬૯૬-૧૭૮૦.), મેરી એન ડી વિચી.ના કથન મુજબ,

"અંતર કેટલું છે તે મહત્વનું નથી,પરંતુ તે અંતર કાપવા પ્રથમ પગલું ભરવું તે જ મુશ્કેલ હોય છે.-The distance dosen`t matter; it is only the first step that is difficult."

આપણા મૂર્ધન્ય પ્રખર સાહિત્યકાર શ્રીનરસિંહરાવ દિવેટીઆસાહેબે પણ કૈંક આવું જ કહ્યું છે, 

"ડગમગતો પગ રાખ તું સ્થિર; દૂર નજર છો ન જાય; દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,મારે એક ડગલું બસ થાય." 

શ્રીઅન્ના હજારે,બાબા રામદેવજી સહિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કરનારા દરેકજણે સમજવું જોઈએ કે, નાનકડી પાવલી થી મોટી એક હજારની નોટો રદ કરવાનું લાં..બુ જણાતું અંતર કાપવા માટે,પાવલી રદ કરીને, સરકારે મુશ્કેલ જણાતું પહેલું ડગલું જ્યારે બહાદુરીપૂર્વક ઉઠાવીજ લીધું છે ત્યારે, સરકારની નિષ્ઠા પર શંકા કરી હજુપણ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ  આંદોલન જારી રાખવું તે યોગ્ય ન કહેવાય..!!

એક મિત્ર કહે છે," હવે ભિખારીઓને હાશ થશે..!!"

આસપાસ નજર કરીને મેં તેમને ચેતવ્યા,"યાર,જરા ધ્યાન થી..!! નેતાઓને આપણાથી ભિખારીનું ઉપનામ ન અપાય?"

મિત્ર કહે,"નેતાઓની વાત નથી કરતો. હું તો મંદિરની બહાર બેસતા સાચા ભિખારીઓની વાત કરું છું. તેમને કોઈ  પાવલી ભીખમાં આપે ત્યારે તેમને અપમાન જેવું લાગતું હતું."

મિત્રની વાત સાવ સાચી છે,એક વાર, હું ને ચંપકકાકા, પ્રમાણમાં મોંઘી કહેવાય તેવી એક હોટલમાં, ચ્હા-નાસ્તો કરવા ગયા. પ્લેઇટમાં આવેલું બીલ ચૂકવ્યા પછી, ચંપકકાકા એ પરત આવેલા છુટ્ટાં પૈસામાંથી,વેઇટરની ટીપ માટે પાવલી રહેવા દઈ બાકીના તમામ પૈસા ખીસામાં મૂક્યા. આ જોઈને પહેલાં તો વેઇટર ભડક્યો, તે પછી વેઇટરે ચંપકકાકા સામે તિરસ્કારના ભાવભર્યો વિકૃત ચહેરો કરીને, ચંપકકાકાના હાથમાં પાવલી પાછી પકડાવી દીધી હતી..!! થોડીવાર તો મને પણ બહુ શરમ આવી.જોકે,ચંપકકાકાએ  શરમ વગર પાવલી પોતાના ખીસામાં મૂકી પણ દીધી...!!

ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું કે, ભિખારી હોય, વેઇટર હોય,વેપારી હોય કે નાનું બાળક હોય,હવે પાવલી એટલી બધી `પવિત્ર` થઈ ગઈ છે કે તેને કોઈ પોતાનો `અપવિત્ર` હાથ અડકાડવા માગતું નથી..!! 

સાલું, આમ તો પાવલીનું પતન હોય કે પ્રમોશન, એ જે હોય તે? 

પરંતુ, દેશની આઝાદી બાદ અસલ પાવલીનો જે દબદબો હતો, તે આજે પણ મારાથી ભૂલી શકાતો નથી..!!

આહા..હા..હા..!! સન-૧૯૬૦ બાદ એક દિવસ, રસ્તે રઝળતી, એક નધણિયાતી પાવલી મને મળી અને પછી, તેને વટાવીને ચારેક દિવસ સુધી, મેં જે જલસા કર્યા હતા તે આજે પણ યાદ કરું છું તો, મારું હૈયું ખુશીથી ગદગદ થઈ જાય છે..!! 

જિંદગીમાં પહેલીવાર, સિંધીની દુકાને વેચાતો અને તે જમાનામાં `જંગલી હૂણ-અનાર્ય` લોકોનો ગણાતો ખોરાક જેવોકે, મીઠા પાઉં-બિસ્કિટ-નાનખટાઈ-ચોકલેટનો સ્વાદ, આજે પણ મારા મોંઢામાં એવો ને એવો છે..!! આજે પણ, એવું બધું ખાઈએ ખરા, પરંતુ સ્વાદ? ઠીક હવે મારા ભાઈ,પેલી મફતિયા પાવલી જેવો નહીં..!!

અમારું ઘર સોની ફળિયાની બાજુમાં આવેલું તેથી ઘણીવાર હું અમારા સોની ભાઈબંધને ત્યાં રમવા જતો, ત્યારે ઘણીબધી પાવલીઓને એક ધાતુની પટ્ટી પર રેણ કરીને, મારા સોની ભાઈબંધના બાપા, નાની-નાની કન્યાઓના માથામાં, વાળમાં ભરવવાના બક્કલ બનાવતા, તે જોઈને મને ઘણું આશ્ચર્ય થતું..!! ખરા છે આના બાપા,એમનું ખસી ગયું છે કે શું? આટલી બધી કિમતી પાવલીઓમાંથી સિંધીની દુકાનથી મીઠા પાઉં-બિસ્કિટ-નાનખટાઈ-ચોકલેટ જેવી કેટલી બધી ખાદ્યચીજ આવે..!!

અમને વરસો અગાઉ નિશાળમાં શીખવતાકે, ખેડૂત જગતનો તાત કહેવાય, પણ આજકાલ બાપાને કોણ પૂછે જ છે? આ રિવાજ પાળવા જ, જગતના તાતને પૂછ્યા વગર સરકારે ચાર આની રદ કરી તેથી, આ જગતના તાત ને હવે થોડી તકલીફ પડવાની કારણકે, તેઓ પોતાનો પાક કેટલા આની ઊતર્યો તેનો અડસટ્ટો હવે કેવી રીતે કાઢશે તે મહાન પ્રશ્ન હવે સતાવશે ખરો..!!

જોકે, ખેડૂત ઉપરાંત અત્યારે જેમને માન્યતા મળી છે અને સજાતીય સગવડિયાં લગ્નો કરે છે,તેવા `ગૅ સમાજ` અને/અથવા `કિન્નર સમાજ`ના શારીરિક ચાલ-ચલન;હાલન-ડોલન શંકાસ્પદ હોય તેને આખું ગામ `પાવલીછાપ` કહેતું. હું નાનો તેથી મને આ શબ્દનો અર્થ બહુ સમજાતો નહીં. પરંતુ એક દિવસ સમજાઈ ગયો..!!

થયું એવું કે, અમારા ફળિયામાં ખાધેપીધે સુખી ઘરનો, દેખાવે ઉંચો પહોળો, લાલ ટમેટા જેવો તંદુરસ્ત, મોટો આશરે પંદરેક વર્ષનો છોકરો,જે અમને કાયમ બહુ ડરાવતો. તેણે ક્રિકેટ રમતી વખતે અમારી નાનકડી વાનર સેના માંહેના એક વાનરને ધક્કો મારી પાડી નાખ્યો. આખી વાનરસેનાને ગુસ્સો આવતાં અમે બધાં નાનાં બાળકોએ ભેગા થઈ તેને ટપલીદાવ કરી, છેવટે તેના બંને પગ ખેંચી ભોંયભેગો કરી નાખ્યો.

તે દિવસે,અત્યાર સુધી અમારી સામે ખોટી બહાદુરી મારતા આ છોકરાએ, જમીનસરસા પડ્યા પછી, તેની મમ્મીના નામની બૂમ પાડીને જે ભેંકડો તાણ્યો, તે જોઈને ત્યારથી તેને અમે બધા `પાવલીછાપ-પાવલીછાપ` કહી ચીડવવા લાગ્યા.

જોકે, તેના એક મિત્રએ કહ્યું,"ઘણીબધી કીડીઓ ભેગી થઈને એક લાંબા સાપને ખેંચી જતી હોય છે.તારે આટલા બધાં નાનાં છોકરાંઓ સાથે ઝઘડવાની શી જરૂર હતી? તારી મર્દાનગીની બાંધી મૂઠી ખૂલી ગઈને..!!"

મને લાગે છે, શ્રીઅન્ના હજારે ના પગલે ચાલીને, પરમપૂજ્ય યોગગુરુ બાબા શ્રીરામદેવજી પણ પોતાની બાંધી મૂઠી ખોલવા તત્પર થયા છે તેવું સાબિત ન થાય તો સારું, નહીંતર એક ઉચ્ચ ઉદ્દેશાત્મક આંદોલન ભોંયભેગું થઈ જવા સંભવ છે?

જોકે, આ લેખના મથાળે, `પાવલી=કમઅક્કલ` અર્થ અગાઉથી જ સ્પષ્ટ કર્યો હોવાથી આપણે અહીં `પાવલીછાપ`નો અર્થ એજ કરવો ઘટે.

મને ખબર છે હુંગમે તેટલી સ્પષ્ટતા કરું પણ, વિદ્વાન પરંતુ કેટલાક અવળચંડા પાઠકમિત્રો મારી સ્પષ્ટતાને ધ્યાનમાં લેવાના નથી જ નથી..!!

ચંપકકાકા મને કહે છે," કેટલાય યુગોથી આપણે સાચા-ખોટા બાવાઓ સમક્ષ સાષ્ટાંગ દંડવત્ તાણીને,તે બધાયને માથે ચડાવી મૂક્યા છે, તે જ રીતે  કેટલાય ડાકુ-પિંઢારાઓને નેતાઓનો દરજ્જો આપી,ચૂંટીને સત્તા સોંપી છે, હવે તેમની તરફેણમાં કે વિરુદ્ધમાં લેખ લખ કે લવારા કર શું ફેર પડે છે? સાચી `પાવલી` તો આપણે બધાજ છીએ, જે વર્ષોથી અન્યાય સહન કરતા આવ્યા છે અને એટલેજ જેમ સરકાર પાવલીનો દેહ (સિક્કો) ભલે ઓગાળી નાંખે, કોઈને કોઈ પ્રકારે પાવલીનો આત્મા આપણા સહુમાં અમર રહેવાનો છે..!!"


મિત્રો, મને પહેલીવાર ચંપકકાકાની વાતમાં દમ હોય તેમ લાગે છે અને તેથીજ શ્રીગનીસાહેબની ક્ષમાયાચના સાથે, તેઓની સુપ્રસિદ્ધ પંક્તિ આજે હું, રદ થઈ રહેલી પાવલીને દુખતા હ્યદયે અર્પણ કરું છું,

`જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે `ગની`, 
હોય ના પાવલીને(વ્યક્તિ) એનું નામ બોલાયા કરે..!!"

આવો બકવાસ લેખ વાંચ્યા પછી, આવો ફાલતુ લેખ લખવા બદલ, મારા દિમાગની, મારી ખોવાઈ ગયેલી ચારઆની (પાવલી) શોધવા કોઈ મદદ કરશે..પ્લીઝ?"

માર્કંડ દવે.તાઃ-૨૫-૦૫-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.