Saturday, September 4, 2010

છેલ્લી પરીક્ષા

છેલ્લી પરીક્ષા" નયન ઉઠાવો તો  થાય સવારને, નયન  ઝૂકાવો  તો  સાંજ..!!
  સમય   ભલે   સરતો    રહે,  શમણાં   શણગારો  જો  આજ..!!"


=================

કોણ જાણે કેમ, આજે નચિકેત ના મનમાં, ઉદ્વેગ,ગુસ્સો, અશાંતિ અને ઉદાસીના ભાવ એક સાથે ઉભરાઈ રહ્યા હતા.

" આ બધા તેમના મનમાં સમજે છે શું? લેખક-કવિ હોય એટલે યુવાનો માટે, ઈચ્છા પડે તેમ લખવાનું? આ બધા લખનારા કેવા છે? શા માટે લખે છે? ક્યાંતો યુવાનોને ઉપદેશ આપશે, ક્યાંતો તેમની ટીકા કરશે..!!" નચિકેતના બંને હાથની મુઠ્ઠીઓ, ગુસ્સામાં ભીંસાઈ ગઈ.

આપને પ્રશ્ન  થશે કે, `એવું  શું બન્યું છે? તે આટલી લાંબી પ્રસ્તાવના માંડી છે?` સારું, તો તમેય સાંભળો.

નચિકેત ફક્ત ૨૪ વર્ષનો તરવરાટભર્યો,સોહામણો સ્માર્ટ, બ્રાહ્મણ જ્ઞાતિનો યુવક છે.

કૉલેજના છેલ્લા વર્ષની, છેલ્લી પરીક્ષાનું, છેલ્લું પેપર આપીને, આજે કૉલેજની બહાર નીકળેલા  નચિકેત  તથા  તેના  શ્વાસોશ્વાસની સુગંધનું  કારણ  બની ગયેલી,કૉલેજની ક્લાસમેટ, અત્યંત સ્વરૂપવાન વણિક  કન્યા નર્તના, એ  બંનેનો, કૉલેજ  જીવનના સહાધ્યાયી તરીકે, આજે આખરી દિન હતો.

તેથીજ, નર્તનાની ઈચ્છા પ્રમાણે, નર્તનાને  લગ્ન માટે પ્રપોઝ કરવા, હ્યદયમાં ઉછળતા લાગણીના મહાસાગરને, મહામહેનતે કાબૂમાં રાખતો  નચિકેત, નર્તનાના આવવાની રાહ જોઈને, કૉલેજના ઝાંપે ઉભો  હતો. 

જોકે, તેવામાંજ નર્તનાની,  સાહેલી શ્વેતાએ, નચિકેતને, નર્તનાનો એક પત્ર આપીને, ફક્ત નર્તના કાજે જ ધડકવા જન્મેલા, નચિકેતના  દિલને,  એક અત્યંત આઘાતજનક આંચકો આપી દીધો.

નર્તનાએ  પત્રમાં, માત્ર ત્રણ જ વાક્ય  લખ્યાં હતાં," નચિકેત, સૉરી. આપણે કદાચ આજ પછી ક્યારેય નહીં મળી શકીએ. મને ભૂલીને નવું  જીવન શરૂ કરજે. મારી હાર્દિક શુભેચ્છાઓ..!! બા..ય..,બાય..!!"

કાયમ, કૉલેજમાંથી ગુલ્લી મારીને, નચિકેતની સાથે સહજીવન જીવવાના કૉલ આપતી રહેલી  નર્તનાએ, કૉલેજજીવનના, ત્રણ વર્ષ-ત્રણ વર્ષના હુંફાળા, પ્રેમાળ સહવાસની અણમોલ પળોનો, એક પત્રના,  ત્રણ વાક્ય  - માત્ર ત્રણ વાક્યથી, ઉપહાસ - ઠેકડી ઉડાડીને, પોતાને છેલ્લીવાર, રૂબરૂ મળવાની પણ દરકાર કર્યા વગર, નર્તના  ચાલતી થઈ? શા માટે?

તોપછી, તો પ..છી, નર્તનાએ, પોતાને ત્રણ વર્ષ સુધી, પ્રેમના ભ્રમમાં,  શા માટે રાખ્યો? પ્રેમના મહાસાગરના, ઉચાં ઉછળતાં મોજાં પર વિહરતો નચિકેત, અચાનક, અત્યંત પીડાની ગર્તામાં, જાણેકે ગરકાવ થઈ ગયો.

નચિકેત પાસે પોતાનાજ, મનમાં ઉઠેલા એકપણ  સવાલનો  જવાબ  ન  હતો. તેણે સાવ પડી ભાંગેલા, દર્દથી કણસતા, ભીતર આંસુ સારતા, ભગ્ન હ્યદયને, સંભાળવાનો  વ્યર્થ-ફોગટ પ્રયત્ન કરતાં, કૉલેજના ઝાંપા સામે, અર્ધ બીડાયેલી આંખે, છેલ્લી  વાર જોયું..!!

કૉલેજના  આ  જ ગેટ પાસે, બરાબર ત્રણ વર્ષ અગાઉ, નર્તના સાથે  થયેલી અણધારી  મુલાકાતે, નચિકેતનું સમગ્ર  જીવન બદલી નાંખ્યું હતું. શેરોશાયરી અને કાવ્યની શોખીન એવી નર્તનાને, ક્યારેક મૂડમાં આવી જઈને શાયરી કરી લેતા, નચિકેતનું,  એવુંતો વળગણ થઈ ગયુંકે, આખી કૉલેજના દિલફેંક યુવક-યુવતીઓ, અરે..!! કૉલેજના સ્ટાફ સુદ્ધાંને, થોડાજ મહિનામાં, વિદિત થઈ ગયુંકે, નર્તના અને નચિકેત, બંને એકમેક માટેજ સર્જાયાં છે. 

અચાનક પોતાની પાછળ, કોઈ કારનું હોર્ન  વાગતાં, નચિકેત  ભૂતમાંથી, વર્તમાનકાળમાં આવી ગયો.

હવે શું? નર્તનાએ, પોતાના પત્રમાં, માત્ર ત્રણ વાક્યમાં, દર્શાવેલી સ્પષ્ટ વાત બાદ, હવે  નર્તનાને મળવાનોકે, તેને મૉબ-રીંગ મારવાનો, કશો અર્થ ન હતો.!! 
જોકે, એકવાર રૂબરૂ મળીને ખુલાસો તો કરવોજ જોઈએ? પરંતુ, નર્તનાને મળ્યા  બાદ, મનના ઉંડે, હજુ ટકી રહેલો, આશાનો છેલ્લો તાંતણો પણ, તૂટી જાય તો?

નચિકેતે, લથડતા પગલે અને મનમાં ઉઠતા, ઉકેલવા મુશ્કેલ થઈ પડે તેવા, અનેક સવાલોની ગૂંચને વણતાં, જટિલ  જાળાં સાથે, ઘર ભણી, બાઈક હંકારી મૂકી.

પોતાની સોસાયટીના ગેટ પાસેજ, પપ્પાની કાર સામે મળી, નચિકેતને જોઈને, કાર ઉભી રાખી તેના પપ્પાએ, તેને વહાલ કર્યું, " સો..માય યંગ બૉય..!! છેલ્લું પેપર - છેલ્લી પરીક્ષા પતી ગઈને!! નાવ, એન્જોય યૉર લાઈફ...!! સાંજે મળીએ છે. બા..ય..!!"

ઘેર પહોંચ્યો, ત્યારે મમ્મી રસોડાના કામમાં વ્યસ્ત હતી. પાંચ મિનિટ,પોતાના સ્ટડીરૂમમા, ઉદ્વેગભરેલા મન સાથે, આંટાફેરા માર્યા બાદ, નચિકેત કંટાળ્યો.

"સાલ્લું, પોતાના જીવનમાં બની ગયેલી, આ ટ્રેજેડી, કોને કહીને, મન હળવું કરવું? " અચાનક, મમ્મી કશું પૂછે તે પહેલાંજ, નચિકેત દોડતા પગલે, ફરીથી બહાર આવ્યો અને બાઈક સ્ટાર્ટ કરીને, કૉલેજની હૉસ્ટેલમાં રહેતા, તેના એકમાત્ર, પ્રેમાળ દોસ્ત એકાંત પાસે જવા નીકળી ગયો.

" જો, નચિકેત, નર્તનાને તેની કોઈ લાચારી જરૂર નડતી હશે..!! નહીંતર તને મળ્યા વગર આમ અચાનક, બીજા કોઈના હાથે, પત્ર મોકલાવીને તે ચાલી જાય? વાતમાં માલ નથી યાર..!! જોકે, તું કહેતો હોય તો, હું અત્યારેજ તેને, તારી પાસે ખુલાસો કરવા, અહીં  હાજર કરી દઉં.  લાવ મને નર્તનાનું સરનામું આપ." નચિકેતની વાત શાંતિથી, સહાનુભૂતિપૂર્વક સાંભળીને, એકાંતે તેને સાચો  માર્ગ ચીંધ્યો.

જોકે, એકાંતની વાત પર ધ્યાન આપ્યા વગરજ, નચિકેતે સામે સવાલ કર્યો, " દોસ્ત તારું લેપટોપ,  હું  વાપરી શકું?"

નચિકેતની ડામાડોળ મનઃસ્થિતિને, પામી ગયેલા એકાંતે, લેપટોપને તેના તરફ સરકાવ્યું અને બંને માટે, નાસ્તો - કૉફી લેવા માટે, રૂમની બહાર ચાલ્યો ગયો.

નચિકેતે, પોતાની E-MAIL ID, ખોલીને, નર્તનાનો કોઈ મેઈલ આવ્યો હોય તો, ચેક કરવા, પ્રયત્ન કર્યો.

જોકે તેમાં નર્તનાના મેઈલને બદલે, કોઈ ફાલતુ લેખકની, સાવ ફાલતુ કથાનક ધરાવતી, આજના યુવક-યુવતીઓ ના ઍડવાન્સ થયેલા માનસનો ઉપહાસ કરતી હોય તેવી, એક લઘુવાર્તા, મેઈલમાં આવી હતી.

બીજું કાંઈ ન  સૂઝતાં,અત્યંત શૂન્યમનસ્કપણે, નચિકેતે તે લઘુવાર્તા પર ઝડપથી નજર ફેરવી.

વાર્તાના અંતમાં, પ્રણયભગ્ન થયેલા, વાર્તા નાયકના હોઠ પર, `તું નહીં ઓર સહી,ઓર નહીં ઓર સહી?` જેવો ડાયલોગ ચીપકાવેલો જોઈને, નચિકેતનો ગુસ્સો, આ ફાલતુ લેખક પર, ફાટી નીકળ્યો.

સવારથી અત્યાર સુધી, દબાવી રાખેલો, સઘળો ક્રોધ, યુવાન હ્યદયને ભાજીમૂળા સમજતા, આ લેખક પર ઉતારતો હોય તેમ, `REPLY`, બટન દબાવી, નચિકેત, આ લેખકની  જાણે ખબર લઈ નાંખતો હોય તેમ, સમગ્ર આક્રોશને, શબ્દ સ્વરૂપે,  ટાઈપ કરવા લાગ્યો.

" શ્રી........ભાઈ,

આપની લઘુવાર્તા વાંચી. આય`મ સૉરી ટૂ સૅ ધેટ..!! અમો સર્વે યુવાજગતને, આપ  મજાકના રૂપમાં લઈ, અમારા પ્રેમને પણ મજાક સમજતા હોય તેમ, આપના લખાણ પરથી લાગે છે...!!

આપે, આપની કથાના નાયકને, તરછોડી જતી નાયિકાને, રૂબરૂ એમ કહેતાં ટાંક્યો છેકે, `તું નહીં ઓર સહી,ઓર નહીં ઓર સહી?`, શા માટે?

શું આજકાલના યુવાનોનો પ્રેમ  સાચો ન હોઈ શકે? કૉલેજના છેલ્લા દિવસે, આજેજ મારી, નર્તના મને તરછોડીને, ચાલી ગઈ છે, તો શું મારે તેને ભૂલી જઈને, બીજીજ ક્ષણથી નવી પ્રેમિકા શોધવા નીકળવું?

કદાચ, ૧૦૦માંથી દસ, પ્રેમભગ્ન યુવાપ્રેમીઓ, આવી મૂક્ત વિચારધારા ધરાવતા હોય તેથી, બાકીના ૯૦ ને પણ એજ, બેફિકરાઈની જમાતના ગણી લેવાના?

આપે લખ્યું છેકે, અત્યારના યુવાઓ, સેક્સમાં રચ્યાપચ્યા રહેવા માટેજ, પ્રેમનાં નાટક કરે છે, જેમાં, `HE`  અને  `SHE` બંનેની મેન્ટાલીટી સરખીજ છે. આટલું કઠોર તારણ, આપે કેવીરીતે તારવ્યું?

સર,આપ યુવાન વયના છો  કે, ઉંમરલાયક તે મને ખબર નથી,  પરંતુ આપ લેખક છો અને આપને આપના વિચારો પ્રગટ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. તેજ પ્રમાણે, મારી વૈચારિક સ્વતંત્રતાના હક્ક મુજબ મારી વાત કરું તો,  મેં મારી નર્તનાને, ત્રણ વર્ષના ગાઢ સહવાસ દરમિયાન, સેક્સના રવાડે ચઢાવી, મારી હવસ સંતોષવાનો  હીન પ્રયાસ, ક્યારેય નથી કર્યો..!!

મારી, નર્તના મને મળે કે ન મળે?  પરંતુ કમસે કમ, અમે ઘણા બધા નચિકેત, તમે વર્ણન કરો છોને?  એવા, તકલાદી, તકવાદી, હવસખોર, બીલકુલ નથી.અમો મોટાભાગના  યુવાઓને મન, પ્રેમ હજી એક ઈબાદત છે અને રહેશે?"

જો, આપને મારી વાત સાચી લાગે તો, દિલગીરી વ્યક્ત કરવાનું સૌજન્ય આપે દાખવવું જોઈએ?

જોકે, આપનું દિલ દુઃભવવાનો મારો સહેજ પણ ઈરાદો નથી. આજેજ ઘટેલી ઘટનાએ, મારા મનને આળું કરી નાખ્યું હોવાથી, વધારે પડતું લખાઈ ગયું હોય તો પચાસ વાર, સૉરી..સોરી..સૉ...રી..!!"

મરવા વાંકે જીવતો,

ભગ્ન હ્યદયી નચિકેત."

===================

આ ફાલતુ  લેખકને મોકલવા, ટાઈપ કરેલા મેઈલને, ફરી વાંચવાની કે ગુસ્સામાં શું લખાઈ ગયું છે? તે જાણવાની પણ, દરકાર રાખ્યા વગરજ, નચિકેતે `SEND`, બટન  દબાવીને, પોતાના મનમાં પરમ શાંતિનો અનુભવ કર્યો.

એકાંત, નાસ્તો અને કૉફી લઈને, આવ્યો ત્યારબાદ તેને ન્યાય આપતાં, એકાંતના સમજાવવાથી, નચિકેતે, નર્તનાનો સંપર્ક કરવા, તેના મૉબાઈલ પર રીંગ મારી, પણ નર્તનાએ મોબાઈલ સ્વીચઑફ કરી દીધો હતો.

હવે,પોતાના પ્રેમના આખરી પરિણામને ભાગ્ય પર છોડીને, બંને મિત્રો, મન હળવું થાય તે માટે, મૂવી જોવા ચાલી નીકળ્યા.

જોકે, રૂપેરી પરદા પર, હીરો-હીરોઈનને કૉલેજ  કૅમ્પસના ગાર્ડનમાં, ગૂટરગૂં કરતાં જોઇ અને ત્યારબાદ સંજોગ નામના વિલનની ઍંન્ટ્રી થતાંજ, દુઃખી હ્યદય સાથે, અલગ થતાં પ્રેમીઓને જોઈ, નચિકેત રીતસર, મુંગું-મુંગું, રડી પડ્યો.

સાંજ પડવા આવી હતી. મૂવી પુરું થતાંજ, પોતાની રૂમ પર, આજે રાત્રે રોકાઈ જવાના, એકાંતના પ્રેમાળ આમંત્રણ છતાં, નચિકેતે બાઈકને ઘર ભણી, મારી મૂક્યું.

જોકે, ઘરમાં, પ્રવેશતાંજ એક આશ્ચર્ય તેની રાહ જોતું હતું. નચિકેતને મળવા,  આશરે  ૫૦ વર્ષની વયે પહોંચેલા કોઈ ભાઈ,  છેલ્લા અડધા કલાકથી, નચિકેતની રાહ જોઈને, તેને મળવા બેઠા હતા. તે  થાકીને, પરત જવાની તૈયારી કરતા હતા ત્યાંજ નચિકેત આવી પહોંચતાં તે ફરીથી રોકાઈ ગયા.

" મારું નામ  `...........ભાઈ` છે. આજે મને ઠપકો આપતો, આપનો મેઈલ મળ્યો. મારે થોડીક અંગત વાત કરવી છે. આપણે ક્યાંક એકાંતમાં  બેસી શકીએ?"  નચિકેતને મળવા આવેલા પેલા લેખક મહાશયે, નચિકેતને શાંતિથી સવાલ કર્યો.

નચિકેતને, પોતાની ભૂલનો, અહેસાસ થયો હોય તેમ, તેણે કહ્યું, " ઑહ...!! સૉરી સર, આજે મારું મગજ ઠેકાણે નહ્તું અને, હતાશાના આવેશમાં આવીને, મારાથી આડું અવળું કાંઈ  લખાઈ ગયું હશે? પણ મારા વિચારો પર, હું હજું મક્કમ છું. મારે મારા-મમ્મી પપ્પાથી કશું છુપાવવું નથી. આપ અહીંજ બધાની સામે મને, મારી ધૃષ્ટતા બદલ ઠપકો આપી શકો છો..!!" 

પેલા લેખક મહાશયે, નચિકેતની વાત પર ધ્યાન આપ્યા વગરજ, ફરી કહ્યું," નચિકેત, તમારો મેઈલ વાંચીને, તમે નર્તનાને સાચા દિલથી પ્રેમ કરો છો, તે બાબતે મને શંકા નથી. તમારે નર્તના સાથે લગ્ન કરવાં છે?"

આ અણધાર્યા,સીધા તાતા તીરની માફક આવેલા સવાલથી, નચિકેત એકદમ મૂંઝવણમાં મૂકાઈ ગયો," આપ? આપ નર્તનાના શું થાવ?"

જોકે, આ લેખક મહાશય જવાબ આપે તે પહેલાંજ,  નચિકેતનાં પપ્પા-મમ્મી એકસાથે બોલી ઉઠ્યાં," બેટા, આ લેખકશ્રી, નર્તનાના પિતા થાય  છે..!!"

અને પછી, `આ બધું શું ચાલી રહ્યું છે?` તે ન સમજી શકેલા, નચિકેત સામે નજર કર્યા વગર, રસોડા તરફ મોં કરીને, તેની મમ્મીએ સાદ કર્યો, " બેટા..!! કૉફી અને નાસ્તાને કેટલી વાર લાગશે?"

સ્તબ્ધ થઈને, પોતાના અત્યંત જોરથી ધડકતા હ્યદયને, પરાણે કાબૂમાં લેવા   મથતા, અનિકેતે, જ્યારે ચા-કૉફી અને નાસ્તાની પ્લેટની ટ્રે સાથે, બેઠકમાં,  નર્તનાને  પ્રવેશતી જોઈ, તો નચિકેત, અચાનક, બેધ્યાનપણેજ, પોતાની બેઠક પરથી, ઉભો થઈ ગયો.

નચિકેતનું, ડઘાઈ ગયેલું, બાઘાસ્વરૂપ જોઈને, તેના સિવાય, બાકીનાં સર્વે, ખડખડાટ હસી પડ્યાં.

ચ્હા-કૉફી,નાસ્તો કરતાં કરતાં, આ લેખક મહાશય ઉર્ફે ભાવિ સસરાએ, રહસ્યસ્ફોટ કર્યોકે, નચિકેતના પ્રેમની, છેલ્લી પરીક્ષા લેવા, નર્તનાએ, પોતે લખેલી એક લઘુવાર્તા,  પોતાના પપ્પાના  `E-MAIL ID`, પરથી નચિકેતને  મોકલી હતી.

જોકે, નર્તનાની થોડી ઈચ્છા, નચિકેતને હેરાન થતો જોવાની અને તે બહાને થોડીઘણી મજાક કરીને, તેનો  આનંદ  માણવાની પણ હતી.

થોડીવાર પછી, પોતાના સ્ટડીરૂમમાં, પોતાની વિશાળ ભુજાઓમાં, નર્તનાને જકડી લઈને, નચિકેતે તેને એકજ સવાલ કર્યો,

" નર્તન,  કહે તો ખરી..!! તારી આ છેલ્લી પ્રેમ પરીક્ષામાં, હું પાસ થયો કે નાપાસ?"

ત્યારે, નચિકેતના ખભેથી, ડોક ઉંચી કરીને, ફફડતા હોઠ અને ધડકતા હૈયે, જવાબ શોધવા મથતી,
નર્તનાનાં નયનને ઢળતાં નીહાળીને, અનેરી આશા સંગ ઉગેલી સંધ્યાકાળને પણ, કદાચ લગીર થોભી જવાનું મન થયું હોય તો નવાઈ નહીં..!!

માર્કંડ દવે.તા; ૦૪ સપ્ટેમ્બર,૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.