Thursday, December 30, 2010

આપણેતો ભૈ, મોબાઈલ જેવા..!!

આપણેતો ભૈ, મોબાઈલ જેવા..!!

" કદીક અહીં,  કદીક તહીં, આપણે તો ભૈ મોબાઈલ જેવા..!!
  કોઈદિ` તારા, કોઈદિ` તેના, અમે તો ભૈ મોબાઈલ જેવા..!!"


=========

પ્રિય મિત્રો,

એકજ ફળીયામાં લગભગ એકસાથેજ જન્મેલા અને અત્યારે પ્રોઢાવસ્થાએ પહોંચેલા, મારા બે મિત્રો અચાનક મને રસ્તામાં મળી ગયા. સહુએ  સાથે ચ્હાપાણી કર્યા  બાદ જતાં-જતાં એક મિત્ર બોલ્યો," આપણેતો ભૈ મોબાઈલ જેવા છે, ફરી મળીશું ક્યારેક ..!!"

બીજા મિત્રને મેં પૂછ્યું," આ  મોબાઈલ જેવા, એટલે શું?"

ઉત્તર મળ્યો," છોડને યાર, આપણે કેટલા ટકા?"

જોકે, `મોબાઈલ જેવા એટલે?` તે સવાલનો જવાબ ન મળે ત્યાં સુધી,મને તો ચેન પડે તેમ ન હ્તું.

ઘેર જઈને વાઈફને પૂછ્યું," હમણાં, એક જણ મને કહેકે, અમે તો મોબાઈલ જેવા, એટલેશું?"

પત્નીએ સામે સવાલ કર્યો, " કોણ હતી એ?"

"  હતી નહીં?  `હતો`..હતો. આપણીજ જ્ઞાતિનો, બાળપણનો મારો મિત્ર હતો."

"  એનું નામ?"

" અરે..!! તું  ના ઓળખે, બહુ વર્ષે એ મળ્યો."

" તે  મોબાઈલ રાખે છે?"

" ક..દા..ચ, હા..!! હાથમાં હતો ખરો..!!"

"  નંબર ના લીધો?"

"  વિઝિટીંગ કાર્ડ આપ્યું છે ખરું..!!"

" તો, પૂછી લોને?"

"  મિત્ર મોબાઈલ જેવો કેમ છે, એવું તે પૂછાતું હશેકે?"

"ના, ના, મારી ભત્રીજી માટે  જ્ઞાતિમાં, તેના ધ્યાનમાં કોઈ ઢંગનો મુરતિયો હોય તો, જરા પૂછોને..!!"

"છોડ  યાર, તુંય તે, લે આ કાર્ડ, તુંજ રાખ..!!"

પત્નીએ મારી સમસ્યાને વધારે વકરાવી તે મને ગમ્યું નહીં,વળી  મોબાઈલની સમસ્યા ઉપરથી, મુરતિયાની સમસ્યા ઉપર વિચારાંતર થવાની મારી સહેજપણ ઈચ્છા નહતી તેથી હું ચૂપ થઈ ગયો. જોકે, મનમાં  લીધેલી વાતને અડધી મૂકવી નહીં, તેવી ટેવને કારણે હું ફરીથી વિચારે ચઢી ગયો.

આ  મિત્ર પોતાને જો  મોબાઈલ ફૉન જેવો ગણતો હોય તો, શું તેને જુના મોડલનો મોબાઈલ ગણવો? પરંતુ અમે જન્મ્યા ત્યારેતો, મોબાઈલનું એકપણ મોડલ ક્યાં બહાર પડ્યું હતું, તો પછી?  તે સમયે  મોબાઈલનાં એકપણ મોડલ ભલેને બહાર ન પડ્યાં હોય, પણ નરસૈંયાએ જેમ ગાયું છેકે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ ભલે જુજવાં, અંતે તો હેમનું હેમજ (સોનું) હોય છે. તે સાવ સાચું માની લઈએ તો, તે મિત્રને મોબાઈલનું જુનું મોડલ માની શકાય?  તે રાત્રે, માણસ = મોબાઈલના (?) ગહન ચિંતનાત્મક વિચારોએ મારી ઉંઘ વેરણ કરીને, પથારીમાં આખી રાત આમતેમ પડખાં ઘસાવ્યાં.

સવારે કાંકરિયા મોર્નિંગ વૉક સમયે,  આધ્યાત્મિક લેખો લખતા, પ્રખર સાહિત્યકાર - ચિંતકશ્રીને આ સવાલ કર્યો તો. તેમણે, કાંકરિયાના હજીય ઝોકાં ખાતાં નીર સામે, ત્રાટક કરતી સ્થિર દ્રષ્ટી રાખીને, મને સમજ આપી." તમારા મિત્રનો આત્મા, ખરેખર ગતજન્મના કોઈ સંતનો હોવો જોઈએ..!!"

"કેમ?"

" આપણા આદ્ય જગદગુરુ શ્રીશંકરાચાર્યજીએ કહ્યું છેકે," જગતમાં બ્રહ્મ એકજ છે, હું  જ બ્રહ્મ છું. "

"એટલે?"

" એટલે એમકે, જેમ મોબાઈલનાં નિત્ય નવાં મૉડલ બહાર પડે,પરંતુ તેનું કાર્ય એકમેક સાથે, સંવાદના વહન દ્વારા સર્વને  સંકળાયેલા રાખવાનું હોય છે, તેજ પ્રકારે માનવ પણ મોબાઈલ સમાન છે, કારણકે એકજ સમયે તે માતા-પિતા-બંધુ-સખા-પતિ-પત્ની-શેઠ-નોકર જેવા રૂપ ભલે ધારણ કરતો હોય,પણ મોબાઈલની માફકજ તે સર્વ સાથે એકજ સમયે અલગ અલગ સંવાદ સાધતો હોય છે, સમજાયું..!!"

ચહેરા પર  નકારાત્મક ભાવ ધારણ કરી, `હકાર`માં ડોકી હલાવીને ત્યાંથી, મેં ચાલતી પકડી. જોકે, આ  આધ્યાત્મિક ચિંતકશ્રીનું લૉજીક સાંભળીને,  હવે કોઈયનેય પૂછ્યા વગર, આ સવાલનો  ઉત્તર જાતેજ મેળવવાનો મેં  નિશ્ચય કર્યો, તે સાથેજ મને જાણેકે, અસીમ જ્ઞાન લાધ્યું.

મને થયું, પેલો મિત્ર (માણસ) સાચેજ મોબાઈલ જેવો જ હોવો જોઈએ કારણકે,

* મોબાઈલમાં ક્યારેક રોંગ નંબર લાગી જાય તેમ ઘણા માણસો આપણને વર્ષો પછી અચાનક, અણધાર્યા, બીનજરૂરી નથી ભટકાઈ જતા?

* મોબાઈલની માફક, માનવ પણ  સ્વભાવથી  હરતા-ફરતારામ જેવો નથી શું?

* મોબાઈલ  નંબરની માફકજ માણસ, આર્થિક, સામાજીક કારણોસર સ્થળાતર કરી, ઍડ્રેસ બદલતો જ રહે છેને?

* મોબાઈલમાં ક્યારેક વાયરસ પેસી જાય તેમ માણસમાંય શેતાન નામનો વાયરસ નથી હોતો?

* મોબાઈલની ફૉન ડિરેક્ટરી નથી છપાયેલી હોતી,તેથીજ માણસે વિઝિટીંગ કાર્ડમાં નંબર છાપવો પડે છેને?

* કોઈની વાત ન ગમેતો,અધૂરી વાતચીતે મોબાઈલ કટ કરાય છે તેજરીતે, ન ફાવેતો માણસ બીજા સાથે સબંધ કાપી જ નાંખે છેને?

* જુની જનરેશનના મોબાઈલના મૉડલને કૂતરાંય નથી સૂંઘતાં, તેજરીતે ઘરડા માણસોની, જનરેશન ગેપના નામે અવગણના નથી કરાતી?

* મોબાઈલમાં અનેક વિન્ડો, અને વળી તેમાં અનેક વિન્ડોની માફક માણસ જાતના મનમાં પણ અનેક વિન્ડો એવી હોય છે, જ્યાં કોઈ પહોંચી શકતું નથી?

દોસ્તો, હવે માણસ = મોબાઈલ સમસ્યા અંગે આપ સહુ વિદ્વાન મિત્રો આગળ  વિશેષ  વિચારજો, અત્યારે હું આ લેખને આગળ વધારું છું..!!

મને લાગે છેકે માણસ, મોબાઈલ જેવો હશેકે નહીં, તે ભલે વિવાદનો વિષય હોય પણ મોબાઈલ, માણસ જેવો છે તે બાબત તો સર્વથા સત્યજ હોવી જોઈએ કારણકે,

* જેમ માણસને ખોટી જગ્યાએ, ખોટી વાતમાં, ડબડબ અને બકવાસ કરી, કોઈની આબરૂ લેવાની આદત હોય છે તેજ પ્રકારે, મોબાઈલ ગમે ત્યારે રણકીને (પત્નીની હાજરીમાં, પ્રેમિકાની ટોકરી વાગીને)  ક્ષોભ ઉત્પન્ન કરાવી, કોઈને બેઆબરૂ કરી નાંખે છે.

* જેમ માણસમાં અમીર-ગરીબનો ભેદ હોય છે, તેમ મોબાઈલમાં મોંઘા અને સસ્તાં મોડલધારક પરથી, ગરીબ અમીર  માનવસબંધ બંધાય છે.

* જેમ માણસ `અભી બોલા અભી ફોક` કરે છે તેજ પ્રમાણે, મોબાઈલ, `આજે આ કંપની તો કાલે બીજી કંપની, આજે આ નંબર તો કાલે બીજો નંબર` બદલ્યા કરે છે.

* જેમ માણસ કાંચિડાની માફક રંગ બદલે છે, તેમ મોબાઈલ પણ અનેક જાતના રંગના વાઘા ચઢાવીને લોકોને છેતરી શકે છે.

* જેમ માણસનું ખીસું વારંવાર ખાલી થઈ જાય છે તેમ, મોબાઈલનું પણ બેલેન્સ વારંવાર ખાલી થઈ જાય છે.અને અંતે,

* માણસ અને મોબાઈલ બંનેની બેટરીની આવરદા વિધાતાએ નક્કી કરી હોય તેટલીજ હોય છે, પછીતો`રામ બોલો ભાઈ રામ..!!

જોકે, આ સંસારની ભીડમાં કોઈપણ માણસ પોતાની ઈચ્છાથી ખોવાઈ શકે છે, જ્યારે મોબાઈલ, માણસના ભુલકણા સ્વભાવ અને ઉઠાવગીર સદગૃહસ્થ- મિત્રોના સહકારથી ખોવાઈ જવાની, રમૂજ (..!!)  કરાવતી લક્ઝરી માણી શકે છે. 

મારા એક મિત્રના વૃદ્ધ માતાપિતા ગામડે એકલા રહેછે, તેઓની પચાસમી (સ્વર્ણિમજયંતિ) લગ્નગાંઠે, આ  મિત્રએ તેમને એક મોબાઈલ ભેટ આપ્યો. આ બાબત મારા ધ્યાનમાં આવી તો મિત્ર પાસે મેં ઘણોજ  હરખ વ્યક્ત કર્યો, " સારું  થયું, લેન્ડલાઈનનાં ઠેકાણાં નથી, હવે બા-બાપાના સાજા માંદે, તમારે તરત વાતચીત તો થશે?"

મિત્રએ કહ્યું, " તેતો ખરું,પણ આ તો આખું  ગામ બાપાને ટોકતું હતું, તમારો છોકરો એટલુંય કમાતો નથી કે, તમને એક મોબાઈલ અપાવી શકે? એટલે બાપા માટે મારે તાબડતોબ મોબાઈલ ખરીદવો પડ્યો..!!"

જોકે, મારી વાત જાણેકે સાચી પડતી હોય તેમ, તે મિત્રના વૃદ્ધ બાપાને, આંતરડામાં કોઈ ઈન્ફેક્શન થઈને સડો દુઝવા લાગતાં, મોબાઈલ કામ લાગ્યો અને દીકરાએ બાપાને તાબડતોબ નજીકના નાના શહેરની નાની હોસ્પિટલમાં દાખલ કર્યા,

ડૉક્ટરે  પૂંઠમાંથી કેમેરો નાંખી, જોઈ, તપાસી, આંતરડાના સડેલા ભાગનું ઓપરેશન કર્યું. સફળ ઑપરેશન થઈ ગયા બાદ  , હું  ને મારા મિત્ર, તેમના વૃદ્ધ બાપા પાસે, તેમને વોર્ડમાં શીફ્ટ કરવા, હજી  તો ઉભા હતા, ત્યાંજ ડોક્ટરે, પોતાનો મોંઘો સ્લીમ મોબાઈલ ખોવાયાની `ઈમરજન્સી` નર્સ  સમક્ષ  જાહેર કરી.

મને મનમાં ફાળ પડી,`તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા` સિરિયલમાં, જેઠાલાલના પડોશી, સેક્રેટરી ભીંડે, ભૂલથી સીસોટી ગળી જાય છે,જે તેમના ગળામાં ફસાઈ જાય છે, બરાબર તે પ્રકારેજ, આ ડૉક્ટર આંતરડાના ઓપરેશન સમયે મોબાઈલ અંદર શરીરમાં ભૂલી ગયાકે શું? હા,યાર..!! ઘણા ભૂલકણા ડૉક્ટર ઑપરેશન સમયે પોતાનાં ઓજાર, કાંડા ઘડિયાળ, વીટીંઓ અને ન જાણે શું  નું શુંય ખોઈ નાંખતા હોય છે..!! કદાચ આ દાદાની પૂંઠમાં...તો..!! અચાનક કોઈનો ફોન ડૉક્ટર પર આવશે તો?

હું અને મારો મિત્ર પેલા ઘરડા બાપાને ફરીથી,ઑપરેશન ખોલવા પૂંઠભેર  સુવડાવવા પડશે, તેમ ધારી લઈને, બાપાની પાસે પહોંચી ગયા.જોકે, ડૉક્ટરને સારીપેઠે ઓળખતી નર્સે, તરત ઉપાય બતાવ્યો, "  સર, મારા મોબાઈલ પરથી તમારો મોબાઈલ જોડું છું,  રીંગ વાગશે એટલે તરતજ  મોબાઈલ મળી જશે?" એમ કહીને નર્સે પોતાનો મોબાઈલ કાઢી ડોક્ટરનો નંબર જોડ્યો.

પરંતુ, ડૉક્ટરે નિરાશાજનક સ્વરે કહ્યું," રીંગ ક્યાંથી વાગશે? ઑપરેશન સમયે ડીસ્ટર્બ ન થવાય તેથી મોબાઈલ વાઈબ્રેટર મૉડ પર રાખ્યો હતો..!!"

હવે અમે  હથિયાર હેઠાં મૂકી દીધાં, નર્સને પૂછ્યું," હવે શું? બાપાને અંદર વાઈબ્રેટ  થાયતો આપણને કેવીરીતે જાણ થશે? ફરી ઑપરેશન કરશોકે શું?" 

પરંતુ, નર્સ કાંઈ બોલે તે પહેલાંજ,  વોર્ડબોયે ડૉક્ટરનો મોબાઈલ શોધી આપ્યો તેથી, અમારા કરતાં નર્સને વધારે નિરાંત થઈ હોય તેમ મને લાગ્યું.

જોકે, અત્યંત તાણમાં આવી  જવાથી અકળાયેલા, મારા મિત્ર ખીજભર્યા સ્વરે બબડ્યા," એવો ગુસ્સો આવે છે..જાણે..કે, આ ભૂલકણા ડૉક્ટરના માથાના વાળ ખેંચી કાઢું? આવો  સ્લીમ મોબાઈલ રાખવાની શી જરૂર?" મને થયું, મિત્રનો ગુસ્સો વ્યાજબી હતો પણ તેમનો  મનોરથ ગેરવ્યાજબી હતો કારણકે,  ડૉક્ટર ટાલિયા હતા અને તેથીજ તેમને મોંઘો મોબાઈલ પોસાય તેમ હતું.

કદાચ, મિત્રને પેલા પ્રચલિત સંસ્કૃત સુભાષિતની જાણ નહીં હોય,  "खल्वाटो निर्धनः क्वचित।" અર્થાત- ટાલિયા કોઈકજ નિર્ધન હોય છે. આમતો, હવે શાકભાજીવાળી - શેરી વાળનારી,જુનાં કપડાંના બદલામાં વાસણ આપનારી પણ મોબાઈલ રાખે છે, તેથી તે અમીર હશે તેમ કહેવું યોગ્ય ગણાય? અને ટાલિયો કોકજ નિર્ધન હોય તો બહેનોને મોટાભાગે લાંબાવાળ હોય છે તેથી તે સહુથી વધારે ધનવાન કહેવાય? અરે,ઘણા માણસોતો  ઈન કમીંગ માટે એક, મફત SMS કરવા માટે બીજો તથા આઉટગોઈંગ માટે ત્રીજો, એમ ત્રણ-ત્રણ મોબાઈલ રાખતા હોય છે. શું તેઓ ત્રેવડા ધનવાન ગણાય? બહુ વિચાર કરવાને કારણે મને  જરા   ચક્કર આવતા હોય તેમ લાગ્યું, જે નર્સે જોઈ જતાં, સહારો આપીને મને બાંકડે બેસાડ્યો.  બસ, એટલામાં, પેલા મિત્રના સગા ભાઈને, બાપાનું ઑપરેશન થયાની જાણ થતાં, તેઓ આવી પહોંચ્યા. મિત્રએ તેના ભાઈને મોડા આવવા બદલ દબડાવ્યો, તો તેણે પોતાનો મોબાઈલ નંબર બદલ્યો હોવાનું બહાનું કાઢ્યું. જોકે, મિત્રની રજા લઈ હું  ઘેર જવા નીકળ્યો ત્યારે પણ મારા વિચારોનું ચકરડું તો ચાલુજ હતું.

મને થાય છેકે, તમામ મોબાઈલધારકને,  કંપની બદલાય તોપણ, પોતાનો નંબર એનો એજ રાખવાની સગવડ તાજેતરમાં  મળી છે, પરંતુ એક કાયદો પસાર કરીને, દરેક વ્યક્તિના રાષ્ટ્રિય ઓળખના આઈડેન્ટિફીકેશન નંબરનેજ, કાયમી  મોબાઈલ નંબર તરીકે જાહેર કરી શકાય? સાલું, કોઈ ખોટા બહાનાં તો ન કાઢે?

માણસ = મોબાઈલની કથા સાંભળીને, એક ભાઈ મને કહે," તોપછી લેન્ડલાઈનનો તો હવે કોઈ ક્લાસ જ નહીં ગણવાનોને?" મેં કહ્યું, "નિરાશ ન થતા, લેન્ડલાઈનનો જમાનો પણ એક દિવસ જરૂર પાછો આવશે." જોકે, મારું સાંત્વન તેમના ગળે ન ઉતર્યું હોય તેમ તેમણે દલીલ કરી," દહેજમાં સસરા, મોબાઈલ ભેટ આપી શકે, લેન્ડલાઈન કોઈ થોડાજ ભેટમાં લેશે?" લેન્ડલાઈનનું ડબલું મોબાઈલના પ્રમાણમાં ઘણુંજ  મોટું હોય છે, લગ્ન હોય કે દહેજ, આજકાલ મોટાં મહાકાય ડબલાં કોણ પસંદ કરે છે?  ઘણા માણસો શરીરે ખૂબ  મહાકાય હોય છતાંય મોબાઈલનો પીસ સાવ સ્લીમ શોધતા હોય છે. બહેનો તો જાણે સ્લીમ મોબાઈલનો આગ્રહ રાખે તે સમજાય તેવું છેકે તેમને પતિ અને મોબાઈલને  પોતાના કબજામાં, છાતીસરસો રાખવો પડે છે..!!

ઘણા  પુરૂષો મોબાઈલને  શર્ટના ઉપરના ગજવામાં રાખતા હોય છે ત્યારે મોબાઈલના માઈક્રો તરંગ  હાર્ટ માટે નુકશાનકારક છે તેમ  ડૉક્ટરો ડરાવે છે, અને  જ્યારે  તેઓ પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખે તો, પરમપૂજ્ય શ્રીનાનાપાટેકર મહારાજ, નપુંસક થઈ જવાનો ડર બતાવે છે. યાદ નથી? " એક મચ્છર આદમીકો તાબોટા પાડતા કરી દેતા હૈ?" 

મોબાઈલ = મચ્છર? હા સાહેબ, મોબાઈલ પણ આપણા કાન પાસે મચ્છરની જેમ, અત્ર-તત્ર-સર્વત્ર, રાત દિવસ ગણગણ્યાજ કરે છેને..!! આમતો, વિચારવા જેવું છેકે, પ્લાસ્ટિક બેગ્સ તથા અન્ય પ્લાસ્ટિક પ્રોડક્ટ ઘરતી પર પ્રદૂષણ કરે છે, તો  પ્લાસ્ટિક સાવ આપણા કાન પાસે ગણગણાટ કરવા લાગે તો શું થાય?

ઘણા માણસો ખરેખર મોબાઈલની કૉન્ફરન્સ સુવિધા જેવા હોય છે, આવતાંની સાથેજ, બે વ્યક્તિ વચ્ચે શું વાત ચાલે છે તેનો તંતુ  કુશળતાપૂર્વક પકડી લઈને, તરતજ  સમગ્ર  કૉન્ફરન્સનું સઘળું સંચાલન પોતાના કરકમલગત કરી લે છે.

મોટાતો મોટા, સાવ નાનાં બાળકોને પણ મોબાઈલ ઑપરેટ કરતાં અત્યંત ઝડપથી  આવડી જાય છે, જોકે તેમની સમજ હજુ સરખા પ્રમાણમાં વિકસિત થઈ ન હોવાથી કોઈવાર, તેઓ જુલિયન અસાંજની માફક વિકિલિક્સ-વિકિલિક્સ રમીને, પપ્પા-મમ્મી, કાકા-કાકી કે મામા-માસીનો ભાંડો બધાની વચ્ચે, જાહેરમાં  ફોડી નાંખતા હોય છે,  "માસી, આ લો તમારો ફોન, કોઈ છોકરો તમને, `આઈ લવ યુ` કહે છે..!!"

વધુમાં,`સારા કામમાં સો વિધ્ન`, તે ન્યાયે, ટ્રાફિક પોલીસવાળાભાઈઓ પણ, વહેતી ગંગામાં હાથ ધોવા અધીરા બનીને, ચાલુ કારમાં મોબાઈલ પર ગુસપુસ કરતા કારચાલકને કારણ   વગર દંડે છે. કેમ ભાઈ, કારચાલકને પોતાને અથડાઈ જવાનો ડર નહીં લાગતો હોય, તે કાંઈ નાદાન થોડોજ હોય છે? હા, બાઈક પર, કોઈ વાંકી ડોકી કરીને, મોબાઈલ વાપરતો હોય તેની વાત અલગ છે, કારણ તેને વાંકી ડોકીને કારણે આખો રોડ ત્રાંસો (આડો) દેખાવાની શક્યતા હોય છે ખરી..!!

એકવાર ફાફડાની કઢી (ચટણી) મારા મોબાઈલ પર ઢોળાતાં, મોબાઈલ પર ઢોળાયેલી કઢીને સાફ કરવા, નળ નીચે  મોબાઈલ રાખીને મેં  પાણીથી ધોઈને  મોબાઈલ સાફ કર્યો હતો, તે  જાત અનુભવને આધારે હું ખાત્રીપૂર્વક  કહી શકું છુંકે, માણસ = મોબાઈલ સૂત્રમાં એક તફાવત છે, માણસનો વપરાશ વધારવા, તેને દરરોજ કમસેકમ એકવારતો નહાવું જ પડે   છે, જ્યારે મોબાઈલનો વપરાશ વધારવા તેને, પાણી કે અન્ય કોઈપણ પ્રવાહી માત્રથી દૂર રાખવો પડે છે.

આપણી માણસ જાતમાં, સામ-દામ-દંડ-ભેદ નીતિ દ્વારા, બીજાને ઠંડા કલેજે, ટૂકડે-ટૂકડે મારી નાખવાનો રિવાજ છે, મોબાઈલ પણ, માઈક્રો તરંગોના છૂપા આક્રમણ, બકવાસ SMS - MMSનો અવિરત મારો કરીને, માણસને  ઠંડા કલેજે, ટૂકડે-ટૂકડે મારી નાખવાનો  રિવાજ નિષ્ઠાપૂર્વક  પાળે છે. ઘણા માણસોની નજરજ ખાપરાકોડિયા અથવા ચબરાક જાસૂસ જેવી હોય છે. મોબાઈલમાં પણ સ્પાય કેમેરાની નજર બેસાડેલી હોય છે, જેનાથી ભલભલાની બદમાશી પકડાઈ જાય છે તથા કોઈની સાથે બદમાશીના MMS પણ તૈયાર કરી શકાય છે.

કેટલાક મોબાઈલપ્રેમી ભાવિ લગ્નવાંછિત કુમાર-કન્યા તો વળી, એકમેકને મોબાઈલ પકડવા તથા વાપરવાની ખોટી સ્ટાઈલને કારણે રીજેક્ટ કરી દેતા જોવા મળે છે.લગ્નવાંછિત  કુમાર એમ  વિચારેકે, " જેને બરાબર મોબાઈલ વાપરતાં નથી આવડતું તેને ઘર સાચવતાં કે રસોઈ બનાવતાં કેમ આવડશે?" જ્યારે લગ્નવાંછિત  કન્યાઓ એમ વિચારેકે, "જે ડફોળને મોબાઈલ સરખો પકડતાં આવડતું નથી, તે ભવિષ્યમાં અમારાં બાળકોને કેવીરીતે તેડીને રમાડશે?" 

જોકે, એકવાર એંગેજમેન્ટ તૂટવાથી, લગભગ સાડીસાતવાર રીજેક્ટ થયેલા. એક કુમારે ગુસ્સામાં `દ્રાક્ષ ખાટી હોવાના` દ્રષ્ટાંતની માફક તારણ કાઢ્યું છેકે,  "પત્ની અને  મોબાઈલ  હાથી જેવા હોય છે, દૂરથી જોવા ગમે પણ પાળવા પોસાય નહીં." તેથીજ એક પરણેલા ભાઈ મને કહે છેકે, " કોઈ ભીડભાડવાળા બજારમાં જઈએ ત્યારે બીલ મારે ચૂકવવાનાં હોવાથી, ભૂલથી (કોની ભૂલ?) જો પત્ની વિખૂટી પડી જાય તો,  મારા મોબાઈલમાં તરતજ  હું  કવરેજ ઍરિયા બદલી નાંખું છું, એકમેકને શોધવામાં, જેટલી ખરીદી ઓછી થાય તેટલો નફો..!!"  આવા પતિઓ ખરીદીની સંમતિ આપે, એટલેકે પેન વાપરવા આપે તો, પેનનું ઢાંકણું ( એટલે  કેટલી ખરીદી કરવા દેવી તે બાબત) પોતાની પાસે રાખે, જેથી કમસેકમ પેનમાં શાહી (પૈસા) વપરાતી બચી જાય.

ઘણા નિરાશાવાદી કહેશે ગ્લાસ અડધો ખાલી છે, આશાવાદી કહેશે ગ્લાસ અડધો ભરેલો છે, એટલીવારમાં તકવાદી તે ગ્લાસનું પાણી પી જશે..!! આપે નોંધ્યુંછે? અત્યારે આધુનિક મૂક્ત વિચારધારા ધરાવતા યુવક-યુવતીઓ (બધા નહીં,હોં..!!) જે ઝડપથી બોયફ્રેંડ-ગર્લફ્રેંડની અદલાબદલી કરે છે તેનાથીય વધારે ઝડપથી, એક મોબાઈલથી ઉબાઈ જતાં, આ લોકો  એકમેકના મોબાઈલ બદલતા જોવા મળે છે. જોકે  છેવટે, આવા સ્વૈરવિહારી બોયફ્રેંડના જીવનમાં એક સમય એવો આવે છેકે, સાવ મડદાલ થઈ ગયેલી, ઉંમરલાયક પ્રેમિકામાંય આવા ટારઝનોને પોતાની નવી અંડરવૅઅરનું નવું  ચામડું દેખાય છે. બોયફ્રેંડ - ગર્લફ્રેંડને કોઈ ચોરી જતું નથી, પણ મોબાઈલ ચોરાય છે ખરા, આવું બને ત્યારે શાણા માણસો પોલીસમાં તરતજ F.I.R. નોંધાવી દેતા હોય છે, કોઈ આતંકવાદીના હાથમાં મોબાઈલ પહોંચી જાય તો?

પરણેલાય ઓછા નથી હોતા, તેઓ તો વળી દ્રઢતાપૂર્વક માનતા હોય છેકે, બે બિંદુઓ વચ્ચેનો ટૂંકો રસ્તો ક્યારેય તૈયાર નથી હોતો, કારણકે રસ્તો બાંધવાની ભાંજગડમાં સામેનું બિંદુ બદલાઈ જતું હોય છે. તેથીજ  પોતાના પતિ કે પત્ની અને પ્રેમી કે પ્રેમિકા વચ્ચે, સમતોલ વ્યવહાર કુશળતા જાળવી શકતા, ઘણા  ઉચ્ચ કોટિના કુશળ કલાકાર કસબી પ્રેમીઓતો વળી,પોતાના મોબાઈલમાં, પ્રેમી કે પ્રેમિકાનો મોબાઈલ  નંબર, પતિ કે પત્નીથી કેવીરીતે છૂપાવીને સેવ કરવો?  તે બાબતે મોંઘીદાટ ફીવાળા ટ્યુશન ક્લાસીસ ચલાવી શકે, તેટલી હોશિયારી ધરાવતા જોવા મળે છે.જોકે આ સંસ્કાર કળિયુગમાં જન્મજાત હોઈ શકે તેમ, નાના હોય ત્યારે રમકડાના મોબાઈલ દ્વારા, પપ્પા  જાણે મમ્મી સાથે વાત કરતા હોય તેવી, ઍક્ટિંગ કરવા કામ લાગે, મોટા થયા બાદ સાચા મોબાઈલ થી પત્ની અને પ્રેમિકા સાથે ઍક્ટિંગ કરવા માટે..!! ઉપરાંત, માણસ કેટલો સ્વાર્થી હોય છે? પોતે રવિવારે રજા પાળે છે, પણ આવા છૂપાં કામ કરવા માટે, મોટાભાગે મોબાઈલને રવિવારે પણ રજા આપતો નથી..!!

આપણા શાસ્ત્રોમાં પુરૂષજાતને ભ્રમરજાત સાથે સરખાવાય છે તથા નારીજાતને પુષ્પ સાથે. જોકે, એ બાબત અલગ છેકે, પુષ્પની સાથે કાંટા પણ હોય છે તેજરીતે કોઈને નારીજાતિના સ્વભાવનો સાચો પરિચય જોઈતો હોય તો તેઓને મોબાઈલ પર વાત કરતાં સાંભળો..!! આ એકજ જાતિ એવી કુશળ છેકે, રોંગ નંબરમાં પણ ખાસ્સો સમય વાતચીત કરી શકે છે. જોકે, આ આખોય લેખ માણસ = મોબાઈલના વિષય પર છે તેથી, કોઈ એક જાતિ વિશેષ પર વધારે તર્ક કરવા યોગ્ય ન કહેવાય.

આમ પણ અત્યારે મારા મોબાઈલ પર કોઈનો મેસેજ આવ્યો છે જેમાં લખ્યું છેકે, "  Long Time Ago.... Only  idiots  used.... to read  my SMS And Today, The  history  continues..."

મિત્રો, આપ ચિંતા ન કરતા, હું આ મેસેજ કોઈને ફોરવર્ડ કરવાનો નથી. આપ આ લેખને ફરીથી માણવો હોય તો માણી શકો છો. `લેખ એટલે લેખ`, તેને કોઈ SMS નહીં જ કહે, પાકી ગેરંટી,બસ..!!

માર્કંડ દવે. તા. ૩૦ ડીસેમ્બર ૨૦૧૦.
========================

2 comments:

 1. નર્સ ને રાહત થઇ... (કેમ ડોક્ટર સાહેબ ના ફોન હવે આવશે એટલે ;) )

  ઘણું બધું વિચારી નાખ્યું તમે આ મોબાઈલ ના લેખ માં આખો લેખ તો નથી વાંચી શક્યો..બીજા ભાગ નો હવે કાલે વારો.

  જેમ માનસ માં સંસ્કારો ડાઉનલોડ કરી શકાય તેમ મોબાઈલ માં રીંગ ડાઉનલોડ કરી શકાય !!
  માધવ મેજિક બ્લોગ

  ReplyDelete
 2. દવેસાહેબ, પેન વાળું ઉદાહરણ ખુબ ગમ્યું. તે બહાને મોટા ખર્ચા થી બચી શકાય છે.

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.