Sunday, April 11, 2010

ઉદાસ આકાશ.

ઉદાસ આકાશ.

"સાર જીવન કેરો છે, લેવી  એક - મેકની  સંભાળ,
 આમતો બધે ચાલે છે,હું મારું - તું તારું સંભાળ..!!"


========


"પપ્પા, મમ્મીને દવાખાને થી બોલાવી લો, મારે નાનો ભઈલો નથી જોઈતો, એં..!! એને ઘેર લાવશોને તો હું એને ઉંચકીને બહાર ફેંકી દઈશ." સાડા ચાર વર્ષનો આકાશ, બે દિવસથી, ઉદાસ થઈને ફરતો હતો, મમ્મી છેલ્લા ચાર-પાંચ દિવસથી ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી.પપ્પા કોઈ દોડાદોડીંમાં હતા. બા અને દાદા પાસે આકાશને રોજ સૂઈ જવું પડતું હતું.

બા અને દાદાની `ઉંદર સાત પૂંછડીયો`ની એકની એક વાર્તા સાંભળીને, આકાશ બોર થઈ ગયો હતો." સાલી, આ તે કોઈ જિંદગી છે? જેને પૂછો તે કહે છે, હવે તારો વારો ગયો, તું મોટો થઈ ગયો.તારી જગ્યાએ નાનો ભઈલો આવશે.તારે તેની સારસંભાળ રાખવાની."

છેવટે, આજે તો પપ્પા સાથે જવાની આકાશે જીદ કરી અને પપ્પાએ તેને,"તારા માટે એક નાનો ભઈલો લઈને આવું છું." તેમ કહ્યું તો બે દિવસથી ઉદાસીના ડૂંગરમાંથી, રોષનો,આક્રોશનો બોંબ ધડાકો થયો,""પપ્પા, મમ્મીને દવાખાને થી બોલાવી લો, મારે નાનો ભઈલો નથી જોઈતો, એં..!! એને ઘેર લાવશોને..!! તો હું એને ઉંચકીને બહાર ફેંકી દઈશ."

જોકે, પપ્પા તો આકાશની વાત સાંભળી ન સાંભળી કરીને,ઉતાવળે હોસ્પિટલ,જઈને તાજા જન્મેલા બીજા ભાઈલાને અને તેની મમ્મીને (પત્નીને) લેવા ચાલતા થયા પણ, આકાશ પાસે ઉભેલાં, બા અને દાદા, આકાશની વાત સાંભળીને, આઘાત સાથે અવાચક થઈ ગયાં. આકાશ રોષ સાથે, હાથમાં રહેલું,અડધું ખાધેલું બિસ્કીટ ભોંય પર ફેંકીને, અંદરના રૂમમાં ચાલ્યો ગયો.

ઉદાસ અને રડતા આકાશને, તેનાં દાદીએ,પ્રેમથી સમજાવવાની,પટાવવાની કોશિશ કરી જોઈ,પણ પરિણામ શૂન્ય.છેવટે આકાશ રોજની માફક, રડતો રડતો સૂઈ ગયો.

અચાનક ઘરમાં કોલાહલ થતાંજ આકાશ,એકદમ, સફાળો બેઠો થયો ત્યારે કોઈ સાવ અજાણ્યા ભઈલાને, લઈને તેની મમ્મી, ઘરમાં હાજર થઈ ગઈ હતી. બા દાદા,પપ્પા અને બીજા બધાં, તેની મમ્મીને આસપાસ ટોળે વળીને, કશુંક અષ્ટમપષ્ટમ બબડતાં હતાં. જોકે આકાશને એટલી તો ખબર પડી જ ગઈકે, આ ઘરમાં અત્યાર સુધી તેની જ વાતો કરતાં, આ બધાંએ રાતોરાત પાટલી બદલી નાંખી હતી,અત્યારે તેમને પોતાની સામે જોવાની પણ નવરાશ નહતી.

આકાશને ફરીથી ખૂબ ગુસ્સો આવ્યો,"આ બધું પેલા, `માન ના માન,મૈં તેરા મહેમાનની`, માફક ટપકી પડેલા, નવા ભઈલાને લીધેજ થઈ રહ્યું છે. જો લાગ મળશે ને? તો એને આ ઘરમાંથી હું ચોક્કસ ભગાડી મૂકીશ..!!" આકાશે અત્યંત રોષથી,મૂઠ્ઠીઓ વાળી.

એટલામાંજ, કેટલાય દિવસે ઘેર આવેલી મમ્મીની નજર, રુમના દરવાજે એકલા ઊભેલા,આકાશ પર પડી.મમ્મીએ તેના કાયમી હેતભર્યા અવાજમાં, આકાશને પોતાની પાસે બોલાવ્યો.

આકાશને મનમાં થયું,`મારા દુશ્મન ભઈલાની હાજરીમાં, મમ્મી પાસે જવું કે ન જવું?` છેવટે મમ્મીનો પ્રેમભર્યો અવાજ જીતી ગયો. આકાશ દોડીને, મમ્મીને વળગી પડી રડવા લાગ્યો.આટલા દિવસની ઉદાસી,હતાશા,રોષ અને ક્રોધે આંખ વાટે બહાર આવવાનો રસ્તો શોધી લીધો હતો.

આકાશને રડતો જોઈને, મમ્મી પણ રડવા લાગી," જો બેટા, હું તો ઘેર આવી ગઈને..!! છાનો રહી જા.હવે તને મૂકીને હું કશે જ નહીં જઉં બસ.મારો ડાહ્યો દીકરો છેને..!! જો તારો નાનો ભઈલો આવ્યો છે.તું એનો મોટો ભાઈ છે.આજથી તારે એનું ઘ્યાન રાખવાનું, ભઈલો રડેને તો જો,આ ઘોડિયાની દોરી ખેંચીને,તારે તેને રડતો છાનો રાખવાનો."

આકાશને ફરીથી ગુસ્સો આવ્યો.તે મમ્મી પાસેથી દૂર ખસીને, મમ્મીની બાજૂમાં,પોતાને સૂવાની જગ્યા પર સૂતેલા, દુશ્મન ભઈલાને,કતરાતી નજરે જોવા લાગ્યો. `આ મમ્મીય સામેની, દુશ્મનની પાટલીમાં બેસી ગઈ છે? જો, આજે બધાં આઘાંપાછાં થાયને તો,આજેજ આ નવા ભઈલાને ઘરની બહાર ફેંકી દઈશ."

આકાશ રુમની બહાર નીકળી ગયો જાણે દુશ્મન ભઈલાનો પડછાયોય તેને ખપતો નહોય...!!

એટલામાં, બહાર ગયેલો આકાશ, ફરીથી દુઃખનો માર્યો જોરથી રડવા લાગ્યો. આકાશના સુખદુઃખના સાથી એવાં,બા-દાદા તરતજ બહાર,આકાશ પાસે દોડી આવ્યાં.દાદાને જોઈને, આકાશ દોડીને, દાદાના પગ પર વળગી પડી,રડવા લાગ્યો.આકાશે રડતાં-રડતાં દાદા અને બાને જે સમજાવ્યું તથા દાદા અને બા એ, બંગલાના દરવાજા પાસે દોડી જઈને, જે જોયું તેનાથી તેમને પણ ઘણુંજ દુઃખ થયું.

બંગલાના દરવાજા પાસેની બખોલમાં, સોસાયટીની એક કૂતરીએ, નાનાં નાનાં, સુંદર મઝાનાં ચાર ગલૂડીયાંને, થોડા દિવસ પહેલાંજ જન્મ આપ્યો હતો. જેમાં ત્રણ ગલૂડીયાં કાળાં અને એક બ્રાઉન કલરનું હતું. આકાશને, બ્રાઉન કલરનું આ ગલૂડીયું ખૂબ વહાલું હતું,પરંતુ અત્યારે રસ્તાપર કોઈ કારવાળાએ તેને કચડી નાંખવાથી, તે લોહીલૂહાણ હાલતમાં, તરફડતું પડ્યું હતું.

આકાશને, પોતાના પ્રિય ગલૂડીયાને તરફડતું,મરવા પડેલું જોઈને, ઘણોજ આઘાત લાગ્યો. અચાનક તે દાદાના પગ છોડીને, અંદરના રુમમાં દોડ્યો અને તેની મમ્મીની બાજૂમાં, સૂઈ ગયેલા, દુશ્મન  ભઈલાના ગાલે,નાનકડા હાથ ફેરવીને વહાલભરી નજર સાથે રડવા લાગ્યો." ભઈલા,તને હું બહાર નહી ફેંકી દઉં.એં..!!બહાર તો કારવાળા, બધાને કચડી નાંખે છે."

અચાનક હાથનો સ્પર્શ થવાથી, જાગી ગયેલો, નાનકડો ભઈલો, જાણે દુશ્મનમાંથી, દોસ્ત બનેલા,મોટાભાઈને ઓળખી ગયો હોય તેમ, જાગીને, આંસુ સારતા, આકાશ સામે ટગર ટગર જોવા લાગ્યો. જોકે તે જોઈને આકાશ, મમ્મી-પપ્પા,દાદા-બા બધાંને એવો ભાસ થયોકે, જાણે, ચાર જ દિવસનો ભઈલો, આકાશ સામે જોઈને પહેલી વાર મલક્યો હોય...!!

નવો ભઈલો મલક્યો હોય કે ના મલક્યો હોય,પણ આકાશ ઉદાસી ખંખેરીને, તેના પહેલાંના અસલી મૂડ પ્રમાણે હસતો રમતો થઈ ગયો તેય કાંઈ ઓછું હતું..!!

માર્કંડ દવે.તા.૧૧-૦૪-૨૦૧૦. 

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.