Friday, January 15, 2010

શાકુંતલ્

શાકુંતલ્

લીલીછમ્ એક પળે,હ્ય્રદય ધબકારો ચૂકી જાય,આખું એ આકાશ ભરીને પ્રેમ નયનોમાં ઝળકે ત્યારે જાણવું કે,એક નદી,મહાસાગરના વિરહને ઓળંગી,અદ્વેતના રંગમાં ભળી જવા અધીરી થઇ છે.તેને સમય અને ઉંમરનો બાધ પણ નથી નડતો.

કોઇના ૨૦ વર્ષના લાંબા વિરહને ઓળંગવા અધીરી થયેલી,ઉંમરના ૪૪ મા વર્ષે પણ,બાવીસી ની સુંદરતાની,રમણીય મૂર્તિ સમી,કુમારી રમ્યા,લંડનથી મુંબઇની ફ્લાઇટમાં ઉડી રહી હતી.કુ.રમ્યા ઠાકોરલાલ શાહ,M.D.લાઇફ કેર ફાર્મા.લી.ના કરોડો પાઉંડના ટર્ન ઓવર ધરાવતા બિઝનેસની,હવે એકમાત્ર માલીક.ઉડતા વિમાન કરતાં,વધુ ઝડપથી દોડતા વિચારો,રમ્યાને ૨૦ વર્ષ પૂર્વના ભૂતકાળમાં ખેંચી ગયા.

સરકારી નોકરીમાં,કલેક્ટર જેવા ઉચ્ચ હોદ્દા પર,માન,મરતબો,મોભો,અને દબદબો ભોગવતા પિતા ઠાકોરલાલ શાહ,નિવૃત્તિના દ્વારે ઉભા હતા.U.K.માં સ્વબળે,પોતાનો બિઝનેસ જમાવી,ત્યાંનાજ કાયમી નિવાસી,પોતાના સ્વર્ગસ્થ મિત્રના પુત્ર,કર્ણની સાથે મોટી દિકરી,શ્વેતાનાં લગ્ન કરાવી નિરાંત અનુભવતા હતા.
લંડનમાં રહેતા,કર્ણ અને શ્વેતાના લગ્નને છ માસ થયા હતા ત્યારે,કૉમર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી રમ્યા,બે માસ પછી આવનારી પરીક્ષાની તૈયારી કરવામાં લાગી ગઇ હતી.પોતાની મુગ્ઘાવસ્થાના ત્રણ વર્ષ જુના,અતૂટ પ્રેમના પ્રતિક સમા,સોહામણા,માનસ ની મુલાકાતો પણ,એટલેજસ્તો એણે નહીંવત્ કરી દીધી હતી.માનસ એટલે,કામદેવની સાક્ષાત મૂર્તિ,માનસ એટલે,કેટલીય કૉલેજકન્યાઓ ના સ્વપ્નનો રાજકુમાર,પણ માનસ એટલે,માત્ર ને માત્ર રમ્યા ના હ્યદયનો સ્વામી!!!માનસ-રમ્યાની જોડીને,કૉલેજમાં,કામદેવને રતિ ની સાથે સરખાવાય તેમાં નવાઇ ન હતી,બંનેની જોડી એ ઉપમાને લાયક હતી.

હજુ આજે પણ,કૉલેજના વાર્ષિકોત્સવમાં ભજવાયેલા,"શાકુંતલ" નાટકના સંવાદ,રમ્યા ની જીભના ટેરવે છે."શાકુંતલ"નાટકના સફળ પ્રયોગ બાદ,દુષ્યંતના પાત્ર માટે માનસને તથા શકુંતલા ના પાત્ર માટે રમ્યા ને પ્રથમ પારિતોષિક મળ્યું,ત્યારે આખો એ હૉલ,અષાઢી મેઘગર્જનાની જેમ,તાળીઓ ના ગડગડાટથી ગુંજી ઉઠયો.

હવે નિવૃત્ત એવા,ઠાકોરલાલ અને રમ્યા વેકેશનમાં લંડન ફરવા જઈ રહ્યા હતા, એ દિવસે,માનસ ખુબ ઉદાસ હતો,"રમ્યા ? શાકુન્તલ નાટક આપણાં જીવનમાં સત્ય ઘટના રૂપે ભજવાઈ તો નહિ જાયને ? I miss you."

રમ્યા બોલી,"અરે!હું બસ આ ગઈ ને આ પછી આવી!સાવ રમ્યા ઘેલો છે તું !હવે કામદેવવાળું એક સ્માઈલ આપ જોઉં. I also miss you."

રમ્યા વિચારોમાંથી બહાર આવી,કોઈ નિહાળે નહિ એમ,ભીની પાંપણને રૂમાલથી સાફ કરી. માનસની શંકા ખરેખર સાચી ઠરી હતી,માનસ-રમ્યા ના જીવનમાં,"શકુંતલા" નાટક સાચેજ ભજવાઇ ગયું.

લંડન એરપોર્ટ પર ઠાકોરલાલ અને રમ્યાને રિસીવ કરવા આવતાં ગમખ્વાર, ભયંકર,કાર અકસ્માત માં કર્ણ અને સગર્ભા શ્વેતા,ઓળખી પણ ન શકાય તેવી હાલતમાં,મૃત્યુ પામ્યાં ત્યારે રમ્યા ની ફ્લાઈટ લંડનના એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી.કર્ણ ની કંપનીનો સ્ટાફ દોડી આવ્યો,પણ સહુ લાચાર હતા.દીકરી,શ્વેતા અને જમાઈ કર્ણના,અકાળ મૃત્યુના આઘાતે એક સપ્તાહ માંજ ,અત્યંત હાઈ બીપી ને કારણે,બ્રેઈન હેમરેજથી ઠાકોરલાલે પણ દીકરી જમાઈના મહામૃત્યુ માર્ગે પ્રયાણ કર્યું ત્યારે તો,રમ્યા ના માથે,જાણે આભ તૂટી પડ્યું.રાત દિવસ ની મહેનત,ત્યાગ અને મુંબઈના તમામ સંબંધોનું બલિદાન આપી, કર્ણ ની લાઈફ કેર ફાર્મા લી.ને છેલ્લા ૨૦ વર્ષમાં,રમ્યાએ કુશળ સંચાલનથી સફળતાના શિખરે પહોચાડી.

રમ્યાએ કર્ણ અને શ્વેતાના એક સ્વપ્નને તો પૂર્ણ કર્યું હતું પરંતુ !!હવે જીવનના ૪૨ માં વર્ષે,આ સુંદર રતિ રમ્યા, કામદેવના અવતાર સમા પોતાના માનસને મળવાનું સ્વપ્ન લઇ આજે મુંબઈ આવી રહી હતી. જોકે,તેના લાખ પ્રયાસ છતાં,માનસ ક્યાં ગાયબ થઇ ગયો હતો તેની જાણ રમ્યાને વરસો થી ન હતી.

મુંબઈ આવી રમ્યાએ પહેલું કામ માનસની શોધખોળ કરવાનું કર્યું.જુના સંપર્ક તાજા કરતાં તેને માનસ ના મિત્ર પાસેથી જાણવા મળ્યું કે,માનસ ને કાળ ની એવી લપડાકો પડી હતી કે તે જીવનમાં ફરી બેઠો ન થઇ શક્યો.માનસ ના પિતાએ ધંધામાં દેવાળું ફૂંક્યું,અને માનસને બે ટંક ખાવાના પણ સાંસાં થાય તેવી સ્થિતિ થઇ હતી.સગાંવહાલાં,મિત્રોએ મોં ફેરવી લેતાં માનસનું દિલ એવું ભાંગી ગયું કે તેણે,કોઈની દિકરી દુ:ખી ન થાય તેથી લગ્ન પણ ન કર્યાં.

ઘણી આનાકાની કર્યા પછી માનસ રમ્યાને મળવા રાજી થયો.ગોબરા,ગંધાતા ભીખારીઓ અને આમતેમ ભટકતા ફોટોગ્રાફરોના ત્રાસને સહન કરતી રમ્યા ગેટવે ઓફ ઈન્ડયા પાસે માનસ ની રાહ જોઈ ઉભી હતી.ત્યારેજ માનસ તેની સામે પ્રગટ થયો.શરીર જાણે હાડકાંનો માળો,બેસી ગયેલા ગાલ વાળો સાવ નિસ્તેજ ચહેરો,ભીખારીની સાથે ઉભો હોય તો દયા ખાઈને કોઈ રૂપિયો બે રૂપિયા ભીખારી સમજીને આપી દે એવો,રંગહીન માનસ તેની સામે ઉભો હતો.

રમ્યા નું દિલ સાવ તળીયે બેસી ગયું,"આ મારો માનસ?એક સમયનો મારો કામદેવ માનસ?" રમ્યા પાળી પર ધબાક દઈ બેસી પડી.કારમા આઘાત સાથે,વિચારોનું વાવાઝોડું એવું ઘેરી વળ્યું કે,રમ્યા માનસ સાથે સરખી વાત પણ ના કરી શકી.માનસનો સંપર્ક નંબર અને સરનામું મેળવી જ્યારે તે પોતાના નિવાસસ્થાને પહોંચી ત્યારે,એક માસ ના રોકાણ નું નક્કી કરીને મુંબઈ આવેલી,રમ્યાએ તુરંત પરત જવાનો ઈરાદો કર્યો.

માનસને જાણ કર્યા વગર રમ્યા આજે લંડન પરત જઈ રહી હતી.પણ ના જાણે કેમ? રમ્યા ને હ્યદયમાં કૈંક ડંખતું હતું.એરપોર્ટ જતાં કાર,સિગ્નલ પર રોકાઇ,રમ્યા એ જોયું,બંને પગ કપાએલા અપંગ ભીખારી પતિને,એક ભીખારણ ઠેલણગાડીમાં બેસાડી ધકેલી રહી હતી.છેવટે કાર એરપોર્ટ પહોંચી.

જોકે,એરપોર્ટ પર ઉભેલી રમ્યા ની આસપાસ રહીરહીને ત્રણ સવાલ ફેરફુંદડી ફરતા હતા.
"રમ્યા તેં માનસ ને સાચો પ્રેમ કર્યો હતો ?કે તું ફક્ત એના રૂપને ચાહતી હતી ?

માનસ ની બરબાદીનું એક કારણ એના,જીવનમાંથી રમ્યા ની થએલી બાદબાકી તો નથીને?" ત્રીજો અને અગત્યનો સવાલ,"માનસ ને બદલે રમ્યા,તારું રૂપ નષ્ટ થયું હોત તો!!એવી સ્થિતિમાં,માનસ,તારી સાથે આવો વર્તાવ કરત?"

અચાનક રમ્યાને પાછળથી "Mem,excuse me please" ની વિનંતી સંભળાઇ.રમ્યા એ ખસી જઇ માર્ગ આપ્યો.રમ્યા જેવીજ એક સુંદર સ્ત્રી,આતંકવાદ સામે લડતાં ઘાયલ થએલા સૈનિક પતિને,કાળજીપૂર્વક,સંભાળીને એરપોર્ટ પરથી હોસ્પિટલ લઇ જવામાં મદદ કરી રહી હતી.

પહેલાં સિગ્નલ પર અપંગ પતિની સંભાળ લેતી ભીખારણ અને હવે ઘાયલ સૈનિક પતિની સંભાળ લેતી પ્રેમાળ પત્ની? રમ્યા ને તેના ત્રણેય સવાલના જવાબ મળી ગયા,જાણે આ બંને દ્રશ્યથી રમ્યા ને બોધિસત્વનું જ્ઞાન લાધી ગયું.રમ્યા એ માનસ નો સંપર્ક નંબર શોધી તરત જોડ્યો.એરપોર્ટથી તરત કાર ફરી રમ્યાના નિવાસસ્થાન તરફ દોડી રહી હતી.

ફક્ત પંદર દિવસના જ ગાળામાં,ગણત્રીના મિત્રોની હાજરીમાં,લગ્નની તમામ કાનૂનીવિધી પતાવી,માનસને સાથે લઇ,રમ્યા લંડનના માર્ગે આકાશમાં ઉડી રહી હતી ત્યારે,પ્રેમની પળ ફરી લીલીછમ્ થઇ હતી,નદી મહાસાગરમાં ભળી ગઇ હતી અને સમયના બાધ વગર શકુંતલાને ,દુષ્યંત પાછો મળી ગયો હતો.

કદાચ,આનું નામ જ જિંદગી હશે!!!!

માર્કંડ દવે.અમદાવાદ.તાઃ૧૧-૦૭-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.