Tuesday, February 9, 2010

ચડ્ડી સંભાલ તોહરી

ચડ્ડી સંભાલ તોહરી, ખીચીં-ખીંચી જાયેરે ?

" ઈજ્જતનો ફાલુદો તારો, તીતર-વીખર ભળતો રે..!!
લિજ્જત થૈ, ઈર્ષાળુ જોને, ભીતર-ભીતર બળતો રે..!!"

===================================

પ્રિય મિત્રો,

" न खलु अक्षिदुःखितः अभिमुखे दीपशिखां सहते । "

અર્થાતઃ- આંખોની પીડાવાળો માણસ સામે દીવાની જ્યોતને સહન કરી શકતો નથી.

`વિક્રમોર્વશીયમ્ ` - મહાકવિ કાલિદાસ.

ચડ્ડી ઉતાર અભિયાન

આમતો " ચડ્ડી ઉતાર અભિયાન" એટલે કોઈની ઈજ્જતનો ફાલુદો કરવો, કોઈને ઉતારી પાડવો, કોઈને જાહેરમાં ટકાનો કરી નાંખવો, વિગેરે,વિગેરે. પરંતુ, તેને " કોઈની મજાક કરવી " તેમ અર્થમાં, ના સમજવું. મજાક કરવામાં એક મર્યાદા, એક હદ બાંધેલી હોય છે, જ્યારે,`ચડ્ડી ઉતારવી` શબ્દ. પોતેજ હદ તોડનારો છે.

ટૂંકમાં, મર્યાદા તોડીને, `નાગાઈ`ની હદે કરવામાં આવતી મજાક એટલે `ચડ્ડી ઉતાર અભિયાન..!!`

સન - ૧૯૭૦ના સમય સુધી, રેડીયોનું પણ આટલું બધું ચલણ નહીં,( ટી.વી.? નૉ.-વૅ - બૉય.) તેથી ઓટલા પરિષદમાં, મહિલાઓ ભેગી થઈને, ભલભલા, કહેવાતા માંધાતા- ( સ્ત્રી.-માંધાતીઓ?) ની " ચડ્ડી ઉતાર અભિયાન " ની ચર્ચામાં પ્રવૃત્ત થતી.જેમાં આસપાસના આખાયે પંથકના, સારાનરસા સમાચારો, મીઠું,મરચું. મસાલો, ભભરાવીને, ક્યાંથી, ક્યાંય સુધી પહોંચી જતા.ઘણીવાર તો મૂળ સમાચારનું સ્વરૂપ પણ બદલાઈ જતું.

"अपृष्टो नैव कथयेद गृहकृत्यं तु कं प्रति।
बहवार्थाल्पाक्षरं कुर्यात्‌ सल्लापं कार्यसाधकम्‌ ॥ "

અર્થાતઃ- ઘણા માણસોને પોતાના ઘરની કે પોતાની અંગત વાતો કરવાની ટેવ હોય છે, પોતાના ઘર કે કાર્યની અંગત વાતો કોઈ પૂછે તો જ કહેવાય, વગર પૂછે કોઈને ન કહેવી. હંમેશાં અર્થપૂર્ણ,સંક્ષિપ્ત અને કાર્ય સિદ્ધ કરનારા ટૂંકા જવાબો આપવાની ટેવ પાડવી.

ચડ્ડી ઉતાર અભિયાન અને આપણે.

સન - ૧૯૫૮માં, હું તો સાવ નાનો, તેથી બૈંરામંડળની ઓટલા પરિષદની વાતોમાં, " આટલા નાના બાળકને, બૈંરાની વાતોમાં શી સમજ પડે..!!" તેમ માનીને, મારી હાજરીનો, કોઈ મહિલા, ક્યારેય વિરોધ ન કરતા.

આ મહિલાઓ, કેટલીક ખાનગી સેક્સી વાતો , ઈશારાથી અથવાતો ` અ સ્મ- ચ સ્મ- મ સ્મ- ક સ્મ `, જેવી ભાષામાં, વાત કરીને જ, ખીખિયાટા કરવાની મઝા માણી લેતી. ( કેટલી ઉસ્તાદ હોય છે મહિલાઓ નહીં...!! નાનાં બાળકને છેતરાય ? )

આવી શૃંગાર અને વીરરસથી ભરેલી વાતચીતનો દોર શરૂ થતાંજ, તે વાત, કદાચ લાં...બી ચાલે તો...!! આમ જાણીને, કેટલીય મહિલાઓ, લધુશંકા પતાવી નિરાંત કરી આવતી,તો કેટલીય મહિલાઓ ઉભડક બેઠી હોય, તે આસન બદલીને નિરાંતે, પલાંઠો મારીને, આતુરતાપૂર્વક કાન સરવા કરીને બેસી જતી.

હું ય, જાણે કશુંજ ના સમજતો હોવાનો ડોળ કરીને, મારા કાન સરવા કરી લેતો..!!

આમતો, સરખી ચડ્ડી પહેરતાંય ના આવડે, તેવી મારી ઉંમર..!! એટલે, આ પંચાતીયા બૈરાંઓની બધી ખાનગી પંચાતમાં તો, મને બહુ સમજ ના પડે..!!

પરંતુ, તે મહિલાઓની, વાતોની મધ્યે, જો બાળવાર્તા જેવી કોઈ રસાળ વાત આવે તો, હું ધ્યાનથી સાંભળતો, બાદમાં બ..રા..બ્બર વાગોળતો અને પછી બીજા બધાં મોટાંઓની જેમજ, સાંભળેલી વાતની અંદર, મીઠું,મરચું. મસાલો, ભભરાવીને, નાનાં બાળકોની ઓટલા પરિષદ ભરાય ત્યારે, બીજા બાળકોના કરતાં, હું, વધારે, જ્ઞાની - સાહિત્યકાર હોઉં, તેવો દંભ કરતો. ( હજી એ એવો જ છું..!!)

" Don`t tell your troubles to other most of them don`t care a hang and the rest are damn glad of it. "

- Robert schauffer.

આ જ્ઞાની - સાહિત્યકારે (??..હી..હી..હી..!!) બાળપણમાં, સાંભળેલી, આપણા આજના લેખને અનુરૂપ, આવીજ એક વાત મને યાદ આવે છે.

મને બરાબર યાદ છે, મારી, છ કે સાત વર્ષની ઉંમરના ગાળા દરમિયાન, એક દિવસ, અમારે ઘેર, એક ત્યક્તા બહેન આવ્યાં હતાં. તેઓ અમારા ગામની પાસેનાજ, અન્ય નાનકડા ગામમાં રહેતા હતા.

થોડીવારમાંજ, સાદાસીધા વાર્તાલાપ અને તે ત્યક્તા બહેનની, સાસરીની નિંદારસથી ભરપૂર, કૂથલીએ, તેના કરૂણ રસમાંથી, આ બહેનને, હેરાન કરતાં સાસરિયાં, અને તેના ઉત્તરમાં વિલન સાસરિયાં, સાથે,આ ત્યક્તા બહેન કેવીરીતે વર્તતાં..?? તેવા વીરરસથી ભરેલા,પ્રસંગોની ચર્ચા શરૂ થઈ.

બ...સ..!! તેજ વખતે મને, વિલન સાંસરિયાંઓને સામે હેરાન કરી, એક ભારતીય, સશક્ત નારીના પરાક્રમો જાણવા-માણવાનો રસ અત્યંત જાગૃત થયો.

આ ત્યક્તા બહેનના કહેવા મૂજબ, તેમના પતિ, સાવ એટલે કે સાવ જ માવડીયા હતા. ઘરમાં તેમની માતા કહે તેજ થાય, હવે આ બહેનનું પિયર સુખી, તેથી તેમને પિયરથી અવારનવાર સાડીથી લઈને, બધી ચીજવસ્તુઓની મદદ મળે.

પરંતુ, આ વસ્તુઓ, સાસરીના ઘરમાં આવે તેટલે તેનો કબજો, આ બહેનનાં માથાભારે સાસુ, લઈ લેતાં અને પછી પોતાની દીકરીઓને (નણંદોને) મોકલાવી દેતાં. દીકરીનું ઘર ના ભાંગે તેથી, આ બહેનના, પિયરના લોકો બધું જાણે, પણ ખાનદાની દાખવીને કશું બોલતાં નહીં.

જોકે, સાંસરિયાંના આવા ત્રાસના જવાબમાં, આ બહેને પિયરમાંથી, વસ્તુઓ લાવવાનુંજ બંધ કર્યું તેથી, તેની સાસુ વિફર્યાં. પોતાના કહ્યાગરા દીકરાને કહીને, આ બહેનને એક સારી સાડી અપાવવાનું ય બંધ કરી દીધું.

આ બહેન, પોતાના પતિ પાસે સાડી કે સ્ત્રી ઉપયોગી અન્ય વસ્ત્રોની માંગણી કરે ત્યારે, તેનો પતિ તેની માતાને કહે અને સાસુ, આ બહેનને રોકડું પરખાવી દેતા, " તારા બાપને કહે,લાવી આપે..!!"

આ બહેને, જરૂરી ચીજવસ્તુઓ માટે, વધારે દબાણ કરવાનું શરૂ કર્યું ત્યારે, માથાભારે સાસુએ, કામવાળીને રજા આપી દઈને, ગામના બજાર સોંસરવા થઈને, ગામના બીજા છેડે આવેલા, આવેલા તળાવના કાંઠે આવેલા, કુવા પર પાણી ભરવા અને કપડાં ધોવાનું, કામવાળીનું કામ, તેમની પાસે લેવા માંડ્યું.

આ બહેનને, કુવા પર પાણી ભરવા અને કપડાં ધોવા માટે, સાવ ફાટેલા લૂગડાં પહેરીને, ગામ લોકોના દેખતાં, જવું આવવું પડતું હતું, છતાં,પેલા મા-દીકરાના (સાસુ અને પતિ) પેટનું પાણી પણ હાલતું ન હતું.

છેવટે એક દિવસ, પોતાનાં સાસુ અને પતિને પાઠ ભણાવવા, આ બહેને ઘરમાં ,બંડ પોકારીને, ફાટેલી સાડી - બ્લાઉઝને, બદલે, પતિનો શર્ટ અને ઘૂંટણ સુધી લાંબી આવે તેવી, પુરૂષો ની અંડરવેર, ( લાલ-લીલા પટ્ટાવાળી, નાડાવાળી ચડ્ડી ) પહેરીને, માથે, દેગડો લઈને ગામના બજાર,મધ્યેથી,તળાવના કુવા પર, પાણી ભરવા જવા નીકળ્યાં.

આખા ગામમાં હાહાકાર મચી ગયો..ગામના શાણા માણસો એ શરમથી અને બીજી જાગૃત મહિલાઓએ ક્રોધથી,આ બહેનનો પક્ષ લઈ, તેમના સાસુ અને પતિને ઠપકો આપ્યો. પણ તે વિલન લોકોને મન તો, જાણેકે,સાવ પથ્થર પર પાણી?

જોકે, કોઈકે, આ બહેનની, આટલી બધી ખરાબ દશાની જાણ, પિયરમાં,તેમના ભાઈઓને કરી દીધી.

હવે પિયરમાં, બધાની,ધીરજનો અંત આવી ગયો. આ બહેનના ભાઈઓ,તેમના મિત્રો સાથે,જીપ ભરીને આવ્યા અને તેના પતિને,માર મારીને ,આ બહેનને લઈને ઘર ભેગા થયા, તે આજની ઘડીને કાલનો દિ`, તે દિવસથી. આ બહેન પર, ત્યક્તાનું લૅબલ લાગી ગયું.

( જોકે, થોડા સમય અગાઉ,પતિના ત્રાસને કારણે,રાજકોટનાં બહેને, આવીજ રીતે, `UNDERWEAR`,પહેરીને ભર બજારે પરેડ કરી,તે ટીવી ન્યૂઝ ચેનલો પર આવેલું.)

ટી.વી. - ફિલ્મોમાં, ચડ્ડી ઉતાર અભિયાન

શ્રીઅમિતાભ બચ્ચનજી દ્વારા થોડા સમય પહેલાંજ, `બીગબૉસ-૩` નો કાર્યક્રમ પૂર્ણ થયો હતો. જેમાં એક પ્રતિસ્પર્ધી તરીકે, `સ્ટેન્ડ - અપ કૉમેડી શૉ` માં નેતા, અભિનેતા, અભિનેત્રી, મિડીયા તથા સામાન્ય નર-નારીની, મન ફાવે તેવી મજાક કરી, રોટલો રળી ખાનાર, કૉમેડિયન શ્રીરાજુ શ્રીવાસ્તવ પણ હતા.

ભલાભલાની મજાક ઉડાવીને,તેમની `ચડ્ડી ખેંચનાર` રાજુભાઈની, સ્વીમીંગ પુલ પાસે, આજ શૉની ચૂલબૂલી અભિનેત્રી, પ્રતિસ્પર્ધી, કું. શમીતા શેટ્ટી અને શ્રીમતી તનાઝ બખ્તિયારે અને અદિતીએ, ખરેખર સાચા અર્થમાં,ચડ્ડી ખેંચીને તેમની ભદ્દી મજાક (??) કરી હતી.જેનું પ્રસારણ રોકવા માટે, ભારત સરકારની, ઈંન્ફરમેશન અને બ્રોડકાસ્ટીંગ મિનિસ્ટરીએ,પાંચ દિવસની,શોર્ટ શૉકોઝ નોટીસ ફટકારીને, ચેનલ પાસે આ અશ્લીલ દ્રશ્ય ઍડીટ કરાવ્યું હતું.

જોકે, આપણા દેશમાં,આવી નોટીસને કાર્યક્રમ નિર્માતાઓ,ચેનલો ઘોળીને પી જાય છે તે અલગ બાબત છે.સન-૨૦૦૪ થી અત્યાર સુધીમાં, I & B, તરફથી,અલગ-લગ ચેનલ્સ અને કાર્યક્રમ નિર્માતાઓને, લગભગ ૩૦૦ નોટીસ આપી છે,જેમાંના મોટાભાગના કાર્યક્રમો, સરકાર કોઈ પગલાં લે ત્યાં સુધીમાં,પૂર્ણ થઈ જાય છે અથવા તો બંધ થઈ જાય છે.

આવોજ એક કિસ્સો, `U.K. Big Brother` ની આઠમી સીરીઝમાં, બન્યો હતો. આ શૉમાં, નોર્થ લંડન પરગણાના, જાણીતા મોડૅલ,` Zachary Sami "Ziggy" Lichman` (જન્મ. ૫.ફેબ્રુ.૧૯૮૧) પ્રતિસ્પર્ધી,શૉ શરૂ થયાના ત્રીજા દિવસથી, તેમાં દાખલ થયા હતા. યોગાનુયોગ આજ શૉમાં, તેમની ગર્લફ્રેંડ, નામે `Chanelle` પણ હાજર હતી. આ બંનેએ તો વળી,આપણા કરતાં બે ડગલાં આગળ વધીને, પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર, તા-૧૯ જૂન ૨૦૦૭ના રોજ,આ શૉમાં, ખૂલ્લેઆમ જાતીયસુખ પણ માણ્યું હતું.

આજ શૉ ના ૨૪ પ્રતિસ્પર્ધીઓમાંની,કેટલીક નટખટ કુંવારીકાઓ એ, (??) ,ત્યાંના સ્વીમીંગપુલ ઉપર, `ઝીગ્ગીભાઈ`ની ચડ્ડી ખરેખર,ખેંચી હતી.આ દોડાદોડીનો વીડીયો,` YOU TUBE` પર હાલ પણ મોજૂદ છે. આ શૉના વિજેતા,`Brian Belo` થયા હતા.

આપણી ફિલ્મોમાં, `રાજાબાબુ` ફિલ્મમાં શક્તિકપૂર,લગભગ આખી ફિલ્મમાં,નાડું લટકતી,ચડ્ડી પહેરીને ગોવિંદાની પાછળ-પાછળ ફરે છે.આ ઉપરાંત જૂની ફિલ્મોના, આગા,ધૂમાલ,મૂકરી,કેસ્ટો મુખરજી,મહેમૂદ,અસરાની જેવા કેટલાય હાસ્ય કલાકારો આ ચડ્ડી ઉતાર અભિયાનની કથાઓથી,પૈસેટકે સુખી થયા છે.

તાજેતરમાં જ, આવેલી મુન્નાભાઈની ફિલ્મ-સીરીઝમાં તથા `થ્રી ઈડીયટ`,ફિલ્મમાં કૉલેજમાં રૅગીંગના બહાને, `ચડ્ડી ખેંચ`નાં (વરવાં?) દ્રશ્યો, સામેલ કરાયાં છે. જોકે, કદાચ આવાં દ્રશ્યોની પ્રેરણા,બૉય‌સ હૉસ્ટેલ્સ અને ગર્લ્સ હોસ્ટેલ્સમાંથી ફિલ્મોવાળાને મળે છેકે, ફિલ્મોમાંથી, વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે? તે ચર્ચાનો વિષય છે.

પરંતુ,`થ્રી ઈડીયટ`,ફિલ્મમાં, જૂલ્મી મૅન્ટોર વિષ્ણુ સહસ્ત્રબુદ્ધે ( બોમન ઈરાની )ની પ્રશંસા કરતી વખતે, `ચમત્કાર`ની જગ્યાએ, `બળાત્કાર` શબ્દ ગોઠવીને, બોમન ઈરાનીની જે `ચડ્ડી ખેંચીં છે`, તેનો જવાબ નથી..!! સશક્ત કલાકારોએ ઉમદા અભિનય કરી,આ સીનને જીવંત બનાવી દીધો છે.

ગુજરાતી - ચડ્ડી ઉતાર અભિયાન

આપણા લાડીલા C.M. શ્રીમોદીસાહેબ,પોતાના ભાષણોમાં, પોતાના તમામ વિરોધીઓને, ખુલાસો કરવાનાં ફાંફાં પડે તેવીરીતે, તેમની `ચૂટકી` લઈ, ચડ્ડી ખેંચવામાં ઉસ્તાદ છે,તે કોણ નથી જાણતું..!!

હાલમાં આ બધાજ,શ્રીમોદી, વિરોધીઓ,પોતાની ચડ્ડીઓ ફરી ના ખેંચાય, તેનું ધ્યાન રાખવાના, નિષ્ફળ પ્રયાસો કરતા જણાય છે? કેટલાક તો દિલ્હીથી આવેલી, સેકન્ડ હેન્ડ ચડ્ડીઓ પહેરવા, ખેંચાખેંચ કરીને, અંદરોઅંદર ઝઘડતા જોવા મળે છે?

આ ઉપરાંત, આપણી ભાષાના, લોકવાણીના ડાયરાના,શ્રીશાહબુદ્દીનભાઈ જેવા,અનેક જાણીતા હાસ્ય કલાકારો, શ્રીવિનોદ ભટ્ટસાહેબ, શ્રીતારક મહેતા, શ્રીબકુલ ત્રિપાઠી, જેવા નામી-અનામી અનેક હાસ્ય લેખકો, અનેક હાસ્યરસ કવિઓએ, ગુજરાતી સાહિત્યમાં, કેટલાયની ચડ્ડી ખેંચીને,પ્રજા સમક્ષ, તેમની અસલિયત જાહેર કરવામાં, અનન્ય યોગદાન આપ્યું છે.

આપણી ગુજરાતી સિરિયલ્સ અને ફિલ્મો,હવે થોડા સુધારા સાથે,પોતાની ચડ્ડી ખેંચાતી બચાવવા,મરણિયા પ્રયાસો કરતી જણાય છે. જોકે,પ્રેક્ષકો શાણા હોવાથી,તેમને જલ્સા છે. સામે ગુજરાતી સિરિયલ્સ કે ફિલ્મવાળા ચડ્ડી ખેંચવા ઉભેલા જણાયતો, આપણે, ( હાથમાં રીમોટ લઈને ચેનલ ) રસ્તોજ બદલી નાંખીએ છીએ.

વ્યવસાયિક - સાંસારિક - ચડ્ડી ઉતાર અભિયાન અને હાસ્યરસ.

પાડોશીઃ- " મિં.ગુપ્તા, આપની પત્નીને, આજે એક અપ્રાપ્ય ફૉટો, અખબારવાળાને વેચીને, રૂપિયા પાંચ લાખ મળ્યા."

મિ.ગુપ્તાઃ- 'વૅરી નાઈસ..!!",

પાડોશીઃ-" પરંતુ, એ ફૉટો, તમારો અને તમારી સુંદર સેક્રેટરીના પ્રેમાલાપનો હતો...!!"
====

ડૉક્ટરઃ- (દર્દીને)," તમે હવે માત્ર ચોવીસ કલાકના મહેમાન છો."

દર્દીઃ-" કશો,વાંધો નહીં, મારી પાસે હજી ચોવીસ કલાક તો છે ને?"

ડૉક્ટરઃ-' પણ, મારે આ સમાચાર તમને ,ગઈકાલે આપવાના રહી ગયા હતા..!!"
====

વકીલઃ- ( અસીલને ) " આજ સુધી હું ક્યારેય હાર્યો નથી"

અસીલઃ- "લો સાહેબ, તમારી એક લાખ રૂપિયા ફી, મારી ફાંસી રદ કરાવવાનો કેસ, તમારે જ લડવાનો છે."

વકીલઃ-" સારૂં થયું, તમે મારી ઉપર વિશ્વાસ મૂક્યો. બધાને હું બતાવી દઈશ કે, પહેલાજ કૅસમાં હું જીતીને બતાવું છુંકે નહી ?"
====

પ્રોફેસરઃ- ( બારીની બહાર જોતા, વિદ્યાર્થીને)," તમે કૉલેજમાં શા માટે આવો છો?"

વિદ્યાર્થીઃ-" સર વિદ્યા મેળવવા."

પ્રોફેસરઃ-" તો બારી બહાર શું જોયા કરો છો?"

વિદ્યાર્થીઃ-" પણ સર,એ હજુ આવી નથી..!!"
====

મૂખ્યમંત્રી લાલુજી, મેન્ટલ હોસ્પિટલની મુલાકાતે ગયા. ત્યાં એક સાજા થવા આવેલા, શાંત બેઠેલા દર્દીએ, તેમની પાસે વિવેકપૂર્વક સિગારેટ માંગી.

સાજા થયેલા દર્દીને જોઈને ,લાલુજીને ઘણોજ આનંદ થયો. તેમણે તે દર્દીને,સિગારેટનું આખું પૅકેટ ભેટ આપ્યું.

પેલા દર્દીએ બધીજ સિગારેટ તોડી, તેમાંથી બધીજ તમાકુ, પોતાના માથા ઉપર મૂકી, તમાકુને,લાઈટરથી સળગાવી.

અને લાલુજીને પૂછ્યું, " સાહેબ, હુક્કો પીશો ?"
====

ગાય-ભેંસનો વહેપારી પોતાના, બાર વર્ષના દીકરાને, ગાય ભેંસ કેવીરીતે પરખ કરીને ખરીદવી ? તે વેપારની કળા શીખવી રહ્યો હતો.

" જો દીકરા, પહેલાં, ગાયની પાછળથી તપાસ શરૂ કરવી.પૂછડી હાથમાં લઈ પંપાળવી, બાદમાં,ગાયના આંચળ તપાસવા, ત્યારબાદ, તેના મોં પાસે આપણો ચહેરો લઈ જઈ સુંઘી જોવું, જો કોઈ રોગ જેવું ના લાગે તોજ, ગાય ખરીદવી, નહીંતર પૈસા પડી ગયા સમજો..!!"

બીજા દિવસે આ દીકરો, દોડતો બાપા પાસે આવ્યો અને બોલ્યો," બાપુ,બાપુ., જલ્દી ચાલો, મારી મોટી બહેનને કોઈ ખરીદવા આવ્યો લાગે છે..!!"

====

દોસ્તોં, હવે આ લેખમાં, એક શૉરૂમ શરૂ કરાય તેટલી, ઘણાની ચડ્ડીઓ ખેંચાઈ ગઈ, હું તો આ ચાલ્યો.

દુનિયામાં, ડગલે ને પગલે, ચડ્ડી ખેંચનારાઓની જમાતથી, ભગવાન તમને કાયમ બચાવે, તેવી શુભેચ્છાસહ.

માર્કંડ દવે. તા.૦૮-૦૨-૨૦૧૦.

3 comments:

 1. " ચડ્ડી ઉતાર અભિયાન" સોલીડ રહ્યું ... સાલુ તમારુ મગજ ક્યાનુ ક્યા ડોકીયા કરી આવે છે...સરખી ચડ્ડી પહેરતાંય ના આવડે, તેવી તમારી ઉંમર થી જ આ કલાકારીગીરી વસાવી છે...બીજા કરતાં તમે વધારે જ્ઞાની - સાહિત્યકાર છો જ એમા શંકાને સ્થાન નથી... ત્યક્તા બહેન ની વાત મજાની લાગી... મોદીસાહેબ ચડ્ડી ખેંચવામાં ઉસ્તાદ છે અને તે જરુરી પણ છે... ખુબ ખુબ ધન્યવાદ...

  સંજય થોરાત

  ReplyDelete
 2. " ચડ્ડી ઉતાર અભિયાન" સોલીડ રહ્યું ... સાલુ તમારુ મગજ ક્યાનુ ક્યા ડોકીયા કરી આવે છે...સરખી ચડ્ડી પહેરતાંય ના આવડે, તેવી તમારી ઉંમર થી જ આ કલાકારીગીરી વસાવી છે...બીજા કરતાં તમે વધારે જ્ઞાની - સાહિત્યકાર છો જ એમા શંકાને સ્થાન નથી... ત્યક્તા બહેન ની વાત મજાની લાગી... મોદીસાહેબ ચડ્ડી ખેંચવામાં ઉસ્તાદ છે અને તે જરુરી પણ છે... ખુબ ખુબ ધન્યવાદ...

  સંજય થોરાત

  ReplyDelete
 3. " ચડ્ડી ઉતાર અભિયાન" સોલીડ રહ્યું ... સાલુ તમારુ મગજ ક્યાનુ ક્યા ડોકીયા કરી આવે છે...સરખી ચડ્ડી પહેરતાંય ના આવડે, તેવી તમારી ઉંમર થી જ આ કલાકારીગીરી વસાવી છે...બીજા કરતાં તમે વધારે જ્ઞાની - સાહિત્યકાર છો જ એમા શંકાને સ્થાન નથી... ત્યક્તા બહેન ની વાત મજાની લાગી... મોદીસાહેબ ચડ્ડી ખેંચવામાં ઉસ્તાદ છે અને તે જરુરી પણ છે... ખુબ ખુબ ધન્યવાદ...

  સંજય થોરાત

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.