Sunday, February 7, 2010

" એક રાત - એક લાત "

" એક રાત - એક લાત "

" મૃગજળની વૈતરણી, હું તો,તરવા ચાલી.!!
પહાડ મધ્યે મારગ, હું કોતરવા ચાલી ?"
=============================


વડોદરાના, અલકાપુરી જેવા,પોશ વિસ્તારમાં આવેલા, વિશાળ બંગલામાં, ઉત્તરપ્રદેશના, એક નાના કસબામાંથી, ખરેખર માત્ર દોરી-લોટો લઈને, વડોદરા આવેલા એક ફૂટડા યુવાને, તેની મધઝરતી જુબાનની મદદથી, સુખ સમૃદ્ધિનો મહાસાગર, તેના આ બંગલારૂપી ગાગરમાં ભરી લીધો હતો.

હા..,તે અત્યંત મઝાના, તરવરિયા યુવાનનું, આખું નામ તો, પ્રેમકુમાર શિવચરણ યાદવ હતું. પણ સર્વે કોઈને માટે,તે માત્ર પ્રેમ હતો.તેના ઍક્સ્પોર્ટ-ઈંમ્પોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા, કેટલાય લોકો તેને માત્ર `પી.કે. `પણ કહેતા.

જોકે,પોતાની ઑફીસના પટાવાળા,જેવા સાવ નાના માણસથી લઈને, સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ સાથેના સંબંધો સુધી,બધાને જાણ હતીકે, વાતચીતમાં એકદમ પશ્ચિમી રંગે રંગાયેલો જણાતો,પ્રેમ વાસ્તવિક જિંદગીમાં, સાવ સીધો, સાદો, સિદ્ધાંતવાદી, વ્યસનમૂક્ત અને સમય આવે ત્યારે, સંબંધોની કદર કરી જાણે તેવો છે.કદાચ, આધ્યાત્મિક સંસ્કાર ધરાવતા, માતાપિતાના સંતાન હોવાના કારણે,નાણાંની રેલમછેલ હોવા છતાં, તેનામાં, સમાજમાં પ્રવર્તતી બદીઓ, સ્પર્શી નહતી.

પ્રેમે,સહુથી ડહાપણનું કામ એ કર્યું હતુંકે,તેના ધંધા સાથે જોડાયેલી કોઈજ વ્યક્તિને, તે પોતાના ઘર સાથે ,ઘરોબો કેળવવાની તક જ આપતો નહીં.

જોકે તેનું એક કારણ, એક વર્ષ અગાઉ જ બંગલામાં, કંકુપગલાં પાડીને આવેલી, તેની કાચની પૂતળી જેવી,અત્યંત સ્વરૂપવાન ગુજરાતી પત્ની મૃગયા પણ હતી. ધંધા સાથે જોડાયેલા કેટલાય માણસોની બહેકી ગયેલી આદતો સાથે કોઈ તેના ઘરને દૂષિત ના કરે, તેનું તે ખાસ ધ્યાન રાખતો. આમ કરવાથી તેનું જીવન પણ ચિંતા અને તણાવમૂક્ત રહેતું.

પ્રેમ, અવારનવાર ધંધાના કામ અંગે, દેશમાં અને પરદેશમાં પ્રવાસે જાય, ત્યારે,મૃગયાના અતિશય આગ્રહથીજ, યુંપી.થી, કાયમી પોતાની અને મૃગયા સાથે રહેવા બોલાવી લીધેલા, વૃદ્ધ માતાપિતા ધર્મ - ધ્યાન - સત્સંગમાં અને મૃગયા ચોવીસ કલાક,પ્રેમના ધ્યાનમાં મસ્ત રહેતી.

જોકે, આટલા મોટા બંગલામાં, મૃગયા અને માતાપિતા, માત્ર ત્રણજણની વસ્તી અને એકદમ નીરવ શાંતિ, ઘણીવાર પ્રેમનાં માતાપિતાને ખટકતી,પરંતુ પ્રેમ-મૃગયાના, લગ્નને હજી એકજ વર્ષ થયું હોવાથી,તેઓ, તેમના નાના બાળકની કિલકારીઓનો મીઠો શોરબકોર, બંગલામાં જલ્દી સાંભળાય તે માટે, ભગવાનને રાત-દિવસ, પ્રાર્થના કરીને, મનાવ્યા કરતા હતા.

આવાજ એક ધંધાકીય પ્રવાસે, પ્રેમ છેલ્લા પંદર દિવસથી, ચીન ગયો હતો. મૃગયાના આનંદનો આજે પાર નહતો, કારણ ?

મૃગયાના મનનો માણીગર પ્રેમ, ચીનનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને, કાલે સવારે ૮.૦૦ વાગે વડોદરા આવી પહોંચવાનો હતો.
આમેય કાલનો દિવસ,મૃગયા અને પ્રેમ માટે ખાસ દિવસ હતો, કારણકે, તે પ્રેમનો જન્મદિવસ હતો.

મૃગયાના મનમાં, પિયુને મળવાની અધીરાઈ, તેના વાણી વર્તનમાં પણ, સાફ જણાતી હતી.મૃગયા, વસંતઘેલા એક પતંગિયાની જેમ અહીં થી તહીં, જાણેકે, ઉડી રહી હતી. મૃગયાની ઈચ્છા, પ્રેમને,તેના જન્મદિને, એક સરપ્રાઈઝ ગીફ્ટ આપવાની હતી, આથી તે સાસુમાંની રજા લઈ, હમણાંજ સુપરમાર્કેટમાં ગીફ્ટ ખરીદવા નીકળી હતી.

મૃગયા હજી માર્કેટ પહોંચી પણ નહીં હોય ત્યાંજ,અચાનક,એક ટેક્ષી આવીને, પ્રેમના બંગલાના ગેટ પાસે આવીને ઉભી રહી. ટેક્ષીમાંથી એક સુંદર કામદેવના અવતાર જેવો, અત્યંત રૂપાળો , યુવાન ઉતર્યો. તદ્દન બેફિકરાઈભર્યું વ્યક્તિત્વ, અત્યંત મોંઘાં ગૉગલ્સ, ગળામાં જાડો, વજનદાર સોનાનો અછોડો અને આંગળીઓ ઉપર કિંમતી હીરાજડિત વીંટીઓનો અસબાબ દર્શાવતો હતોકે, આ યુવાન ઘણાજ અમીર પરિવારનો નબીરો હતો.

ટેક્ષી ડ્રાઈવરે, ડેકીમાંથી બે સૂટકેસ કાઢી અને પ્રેમના,બંગલાની બેલ વગાડી. બંગલાંના વરંડામા,હિંચકા પર બેઠેલાં, પ્રેમનાં મમ્મીએ, આંગતુક યુવાનને, પરંપરાગત, વિવેકી, આવકારો આપી,તેને બંગલાના વિશાળ બેઠકમાં દોરી ગયાં નોકરે આવીને પાણી આપ્યું.

થોડી વાતચીત દરમિયાન બાદ જ, પ્રેમના માતાપિતાએ, પ્રેમના આવેલા આ મિત્રની સાત પેઢીનો ઈતિહાસ પૂછી લીધો.

પ્રેમ સાથે, ધંધાના કારણે પરિચયમાં આવેલા આ યુવાનનું નામ - દેવ હતું.તેનો પણ પ્રેમની માફક, દિલ્હી ખાતે ,ઍક્સ્પોર્ટ-ઈંમ્પોર્ટનો જામી ગયેલો,વિશાળ ધંધો હતો. પૈસેટકે, તો તે પ્રેમ કરતાંય વધારે સુખી હતો. દેવ વડોદરા પ્રથમવાર આવ્યો હતો,તેથી બીજુંકાંઈ વિચાર્યા વગર,તે પ્રેમના બંગલે આવી ગયો હતો.

પ્રેમ આવતી કાલે વડોદરા આવી જાય,બાદમાં તેની સાથે ધંધાનું થોડું, સ્થાનિક કામ પતાવીને, મોડી રાત્રે બંન્ને ધંધાર્થી મિત્રો, દિલ્હી જવાના હતા.

જમાનાના ખાધેલ,પ્રેમનાં બા-બાપુજીને, ધર્મસંકટ જેવું લાગ્યું.પોતાના ઘેર આવી ગયેલા,મહેમાનને હવે હોટલમાં રહેવા જવાનું કેવીરીતે કહેવાય? પ્રેમે ,દેવ આવવાનો હોય તો અગાઉ ફૉન કરીને,જાણ કરી હોત, તો કમ સે કમ આવી પરિસ્થિતિ તો પેદા ના થાત? હવે શું કરવું ?

વૃદ્ધ દંપતી,આવી વિમાસણમાં હતાં,ત્યાંજ ,મૃગયા માર્કેટમાંથી પરત આવી ગઈ.

મૃગયાના સસરાએ, મૃગયાની ઓળખાણ,દેવ સાથે કરાવી ત્યારે દેવના ચહેરા ઉપર,અત્યંત સુંદર મૃગયાના સૌંદર્યનો જાદૂ એવો તો ચાલી ગયો હતોકે, તે મૃગયાએ, કરેલા `નમસ્તે`ના જવાબમાં, `નમસ્તે` કહેવાનુંજ ભૂલી ગયો.

જોકે,દેવને તરતજ પોતાના વામણા વર્તનનો ખ્યાલ આવી જતાં, તેણે હસીને સામે, મૃગયાને `ભાભી,નમસ્તે` કહ્યું.

થોડીજ વારમાં જમવાનો સમય થવાથી,`અતિથિ દેવો ભવ`ના ન્યાયે, દેવને આગ્રહ કરીને, જ્યારે મૃગયાએ જમાડ્યો, ત્યારે પ્રેમના નસીબ પર, દેવને જાણે પોતાના મનમાં, ઈર્ષાનો ભાવ જાગૃત થયો હોય તેમ લાગ્યું.

રાત્રે સુવાનો સમય થતાં, સાસુ સસરા, દેવને, કશોજ સંકોચ ન રાખવાનો અને જે જોઈએ તે માંગી લેવાનો વિવેક કરીને, પોતાના બેડરૂમમાં સૂવા માટે ચાલ્યા ગયા

સાસુ સસરાના રૂમની બાજુમાંજ, આવેલા વધારાના બેડરૂમમાં, દેવનો સામાન,નોકર પાસે તેમાં શીફ્ટ કરાવી આપી, બાથરૂમમાં, ટુવાલ અને સાબુ મૂકાવી,
બધી વ્યવસ્થા કરાવી આપીને, `ગુડનાઈટ` કહીને મૃગયા,બંગલાના ઉપરના માળે આવેલા, પોતાના બેડરૂમમાં સૂવા માટે ચાલી ગઈ.

રાત્રે સૂતા પહેલાં,બાથરૂમમાં ફ્રેશ થઈને, દેવ બેડ પર આડો પડ્યો, ત્યારે તેના મનમાંથી વારંવાર, સૌંદર્યની અપ્રતિમ, સંગેમરમરની મૂર્તિ સમી, મૃગયાના વિચારોને હાંકી કાઢવા છતાં, ફરી-ફરીને તેનાજ વિચારો, વિકારમાં ઝબોળાઈને, પગપેસારો કરવા લાગ્યા.

આખરે, આખા દિવસનો થાકેલો દેવ, બેડરૂમની લાઈટો અને દરવાજો બંધ કર્યા વગર ક્યારે, મૃગયાના સૌંદર્યના સ્વપ્નિલ અર્ધઘેનમાં, માં ડૂબી ગયો તેની, તેનેજ ભાળ ના રહી..!!

મૃગયા, પોતે લાવેલી ગીફ્ટ,પ્રેમને ગમશે કે,નહીં ? તેના વિચારો કરતી, સાડી બદલીને નાઈટી પહેરી, બેડ પર આડી પડી. પ્રેમના પંદર દિવસના લાં...બા વિરહને કારણે, મૃગયાની ઊંઘ વેરણ થઈ ગઈ હતી.

આમને આમ રાત્રીના બે વાગ્યા.મૃગયાને તરસ લાગતાં, તેને ખ્યાલ આવ્યોકે, દેવની વ્યવસ્થા કરવાની લ્હાયમાં, તે પોતેજ,પોતાના માટે, પાણીનો જગ લાવવાનું ભૂલી ગઈ હતી.

મૃગયા, પાણી લેવા માટે નીચે, કિચનમાં આવી, તો તેણે જોયુંકે, " દેવ તેના બેડ ઉપર ઘસઘસાટ ઊંઘે છે, અને બાથરૂમ તથા બેડરૂમની બધીજ લાઈટો, ભૂલથી બંધ કરવાની, રહી ગઈ લાગે છે."

દેવની ઊંઘમાં ખલેલ ના પહોંચે તેનું ધ્યાન રાખીને, મૃગયા, પહેલાં બાથરૂમની અને બાદમાં, બેડરૂમની બધી લાઈટો બંધ કરીને, જ્યાં બેડરૂમની બહાર જવા પાછી વળી ત્યાંતો, મૃગયાએ, પોતાની નાજુક કમરની આસપાસ, દેવના મજબૂત હાથની ભીંસ અનુભવી, દરવાજો બંધ થઈ ચૂક્યો હતો.

નાઈટલેમ્પના અજવાળે, મૃગયાએ જોયુંકે, દેવ નામના માનવમાં, બિહામણો લાગતો ,વિકારી દાનવ પ્રવેશી ચૂક્યો હતો.

દિલ્હીના, એક ઐયાશ, વિકારથી ભરેલા, યુવકે, નિર્દોષ વિશ્વાસ સાથે, લાઈટો બંધ કરવા આવતી, મૃગયાને જોઈને, જાગતા હોવા છતાં ઊંઘતા હોવાનો. ડોળ કરીને,પોતાના બદઈરાદાને પાર પાડવા માટે,તેને ઘેરી લીધી હતી.

દેવે, મૃગયાના હોઠ ઉપર, જબરજસ્તીથી ચુંબન કરવાનો પ્રયત્ન કર્યો. મૃગયાએ ચહેરો ફેરવી લેતાં, તેના મખમલી ગાલ ઉપર દેવના હોઠ ચંપાઈ ગયા.
મૃગયાના તનમાં,પરપુરુષના સ્પર્શની, ક્રોધની જ્વાળા અને દેવના તનમાં, કામાગ્નિની જ્વાળા, ભડભડ સળગવા લાગી.

મૃગયાને, દેવના, મોંઢામાંથી આવતી દુર્ગંધ થી ખ્યાલ આવી ગયોકે, દેવે, પોતાનાજ ઘરમાં, પોતે દિલ્હીથી, સાથે લાવેલો દારૂ પીધો હતો.પવિત્ર ચારિત્ર્ય ધરાવતી, મૃગયાને ઉલ્ટી જેવું થવા લાગ્યું.

જોકે,આઘાત અને ડરને કારણે મૌન થઈ ગયેલી, મૃગયાની પણ સંમતિ છે, તેમ માનીને,, દેવે મૃગયાની કમર પરની પકડ, થોડી ઢીલી કરીને, મૃગયાને, પલંગ પર જોરથી ધકેલી, આડી પાડી દીધી.

દેવની, મજબૂત રાક્ષસી, પકડમાંથી મૂક્ત થતાંજ, પલંગ પર ઢળી પડેલી મૃગયાના મનમાં, ક્ષણભરમાં, સેંકડો સવાલ ઘૂમરાવા લાગ્યા.

પરંતુ તેમાંનો એક સવાલ ખાસ મહત્વનો હતો.

સાસુ-સસરા પૂછશેકે, " બંઘ રૂમમાં,પોતે નાઈટી,પહેરેલી હાલતમાં,દેવ સાથે,રાતના બે વાગે, શું કરે છે ?"
તો..ઓ..ઓ ??

મૃગયા આજ કારણસર બૂમાબૂમ પણ, કરી શકે તેમ ન હતી. જોકે, " ભગવાન બધું જુવે છે ", તે ન્યાયે સાવ નાજુક, નમણી પણ નિર્બળ શરીરની, મૃગયાની અંદર, પોતાનું શિયળ બચાવવા, જાણે સાક્ષાત,માઁ દુર્ગાભવાનીનો પ્રવેશ થયો હોય તેમ, અચાનક જોર આવી ગયું.

મૃગયાને ભોગવવા, ઉંત્તેજનાથી મસ્ત થયેલો, દેવ નામનો દાનવ, અત્યારે, પોતે પહેરલું ટીશર્ટ કાઢી રહ્યો હતો અને તેથી, ઉંચા કરેલા હાથ સાથે, તેનો ચહેરો, ટીશર્ટ નીચે ઢંકાયેલો હતો.તે મૃગયાને જોઈ શકે તેમ નહતો.

મૃગયાએ, આ તકનો લાભ ઉઠાવીને, દેવના બે સાથળ વચ્ચે, ઉત્તેજિત થઈ ફેણ માંડીને બેઠેલો ભોરિંગ, પોતાને વિકારના વિષનો દંશ મારે,તે પહેલાંજ અત્યંત સ્ફૂર્તિ દાખવીને, જમણો પગ ઉંચો કરી, હતું તેટલું જોર પગમાં સમાવીને, દેવના ગુપ્તભાગ ઉપર એટલાતો બળપૂર્વક લાત મારી કે, દેવ ઉંચા કરેલા હાથ અને ટીશર્ટમાં અટવાયેલા માથા સાથે, છેક સામેની ભીતે, જઈને પછડાયો.

દેવ તેને ફરીથી ઝડપી પાડે, તે અગાઉજ, મૃગયા, લગભગ દોડતા પગલે, બેડરૂમની બહાર નીકળી ગઈ.

મૃગયાનો શિકાર થતાં-થતાં રહી ગયો હતો. વિકારનું કાતિલ ઝેર ધરાવતો, કૉબ્રા તેને અડકી પણ ન શક્યો.

દેવને, ફરી કોઈ તક ના મળે તેથી, બેડરૂમની બહાર નીકળી, હાંફતી-કાંપતી, ડરી ગયેલી, મૃગયાએ બેડરૂમનો દરવાજો, બહારથી આગળો વાસીને, બંધ કર્યો.

જોકે, બેડરૂમનો દરવાજો બંધ કરતાં, મ્રુગયાએ એટલું જરૂર જોયુંકે, માઁ દુર્ગાના આશીર્વાદથી પ્રાપ્ત થયેલા બળને કારણે, એક પવિત્ર નારીએ કરેલા, લાતના જોરદાર પ્રહારને કારણે, દેવ પોતાના બંને હાથ, બે સાથળ વચ્ચે, દબાવીને, પીડાતા ગુપ્તાંગને પકડી, ભોંય ઉપર, દર્દથી કણસતો, આળોટી રહ્યો હતો.

મૃગયા, તરતજ કિચન તરફ દોડી.તેણે પાણી પીને સ્વસ્થતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો અને તરતજ દોડીને ઉપરના માળે પોતાના બેડરૂમમાં જઈ, પલંગ પર, પડતું મૂકીને, અચાનક બની ગયેલી આ ભયંકર ઘટનાના આઘાતથી, ડૂસકાં ભરીને રડવા લાગી.

માઁ દુર્ગાએ, એક પતિવ્રતા નારીની લાજ બચાવી હતી.

છેવટે,છેક સવારના સાડા પાંચ વાગે, રડી-રડીને આંસુથી ખરડાઈ ગયેલા ચહેરા સાથે, મૃગયાની આંખ લાગી ગઈ, ત્યારે એક નાના બાળકની માફક, મૃગયાને ઊંઘમાંય ડૂસકાં નીકળીને, તેના શરીરમાં પગથી માથા સુધી ધૂજારી પસાર થતી જણાતી હતી.

સવારે સાત-સાડાસાતે ફરીથી બંગલામાં, કશોક અવાજ સંભળાતાં, મૃગયા સફાળી જાગીને,બાથરૂમમાં ફ્રેશ થવા દોડી ગઈ. પ્રેમના આગમનની,તૈયારી ચાલતી હતી. તેટલામાં નોકર, મૃગયાના બેડરૂમમાં કૉફી લઈને આવ્યો,તેણે જે જણાવ્યું તે મૃગયાને અપેક્ષિત જ હતું.

મૃગયા, કોઈ સવાલ કરે તે પહેલાંજ, નોકરે જણાવ્યું." મહેમાનની તબીયત રાત્રે અચાનક બગડી જતાં, આજે સવારે છ વાગે,મારી પાસે ટેક્ષી બોલાવડાવીને,તેઓ દિલ્હી જવા રવાના થઈ ગયા. બાએ મહેમાનને ચા-કૉફી માટે ઘણોજ આગ્રહ કર્યો,પણ તે તો નહાવા-ધોવા પણ રોકાયા નહીં."

મૃગયાના મનને હાશ થઈ ગઈ.તે ઉતાવળે-ઉતાવળે સ્નાનાદિક પતાવી, સીડી ઉતરીને, ભોંયતળીયે, બેઠકરૂમમાં પહોંચી ત્યારે,તેના મનનો માણીગર પ્રેમ,
બંગલાના પ્રવેશદ્વારમાંથી,અંદર પ્રવેશી રહ્યો હતો.

તેજ દિવસે, રાત્રીના, એકાંતમાં, મૃગયાએ, પ્રેમને, દેવ સાથે થયેલી આખીયે ભયાનક ઘટના નિખાલસપણે જણાવી દીધી, ત્યારે પ્રેમે, મૃગયાને વહાલથી,તસતસતાં ચુંબનથી, નવરાવીને એટલુંજ કહ્યું," એક પતિને,તેના જન્મદિવસે, એક પત્ની તેના અખંડ ચારિત્ર્યનો, સતીત્વનો ઉપહાર (સરપ્રાઈઝ ગીફ્ટ) આપે તેનાથી મહાન ભેટ બીજી કઈ હોઈ શકે, મને તારા જેવી પત્ની મળ્યાનું ગૌરવ અને આનંદ છે."

કોઈ પતિના જન્મદિવસે,કોઈ પત્ની દ્વારા,આ પ્રકારની ભેટથી મહાન બીજી કોઈ ભેટ,આપે ક્યાંય નિહાળી હોય અથવા આપના ધ્યાનમાં હોય તો, પ્લીઝ મને જરૂર જાણ કરજો...!!

માર્કંડ દવે. તા.૦૭-૦૨-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.