Wednesday, December 8, 2010

અવિરત કનડગત

અવિરત કનડગત

" यस्मिन रूष्टे भयं नास्ति तुष्टे नैव धनाડડगमः।
  निग्रहोડनुग्रहो  नास्ति स  रूष्टः  किं करिष्यति॥" -चाणक्य


અર્થાતઃ- "જેની નારાજગી નપુંસક છે, જેની પ્રસન્નતા દરિદ્ર છે, જેનામાં દંડ કરવાનું સામર્થ્ય નથી અને જે કોઈને ઉપયોગી થઈ શકતો નથી, તેવા રાજાના ગુસ્સાથી ડરવાની કોઈ જરૂર નથી." - ચાણક્ય.

=======

પ્રિય મિત્રો,

પવિત્ર ગંગાકિનારે બનારસના ઘાટ પર, આરતી ટાણે, વારાણસીમાં, આતંકવાદનું ગૂમડું  ફરીથી દૂઝ્યું છે.
પ્રશ્ન એ છેકે,  હવે શું?

ચાલો, તૈયાર થઈ જાવ, આપણા કાનને નવેસરથી પકવવા માટે, ન્યૂઝ ચેનલો પર, ઘટના પ્રત્યે બનાવટી શોક પ્રગટ કરતાં, કહેવાતા લોકપ્રિય  નેતાઓનાં, સોગિયાં ડાચાંમાંથી, આપણું માથું ચઢાવતાં,એનાં એજ ચવાઈને કૂચ્ચો થઈ ગયેલા  સુફિયાણાં  સ્ટેટમેન્ટ્સનો  મારો શરૂ થઈ જશે..!!

* જનતાને સંયમ અને ધીરજ રાખવા અપીલ છે.

* આતંકવાદને પહોંચી વળવા દેશ સક્ષમ છે.

* આતંકવાદને કોઈ ધર્મ કે રંગ નથી હોતો.

* માર્ગ ભૂલેલા આપણાજ દેશના નવજવાનોને મૂખ્ય ધરામાં લાવવાના પ્રયત્ન કરવામાં આવશે.

* આ ઘટનામાં ઘાયલ થયેલાને રૂ.----------, મૃતકોને રૂ.------------,વળતર અપાશે.

* આ ઘટનાને અંજામ આપનાર ગુન્હેગારોને કોઈપણ સંજોગોમાં માફ નહીં કરાય.

* આ ઘટના પાછળ પાકિસ્તાનની I.S.I. સંસ્થાનો હાથ છે...વિગેરે..વિગેરે..વિગેરે..!!

મિત્રો, આપણા દેશની આ તે કેવી વિટંબણા છે..!!

* ચીન ,અક્સાઇ ચીનમાં ઘૂસણખોરી કરે?અરુણાચલ પર પોતાનો દાવો નોંધાવી આપણા વડાપ્રધાનની મુલાકાતનો વિરોધ કરે?

* કાશ્મીરીઓ માટે વિઝાના નિયમ પોતાના બનાવે?હવે,કાશ્મીરને પોતાના નકશાઓમાં અલગ દેશ તરીકે દર્શાવે?

* આપણી સરહદ ઓળંગી ત્યાંના રહેવાસીઓને બેશરમી,બેરહેમીથી લૂંટી જાય,મારી જાય?

* આપણા અન્ય પડોશી દેશોને મદદના થોડા ટૂકડા(શ્વાનભાગ) નાંખી,આપણી વિરુધ્ધ ઉશ્કેરે?

* મુંબઇ, વારાણસી જેવા આતંકવાદી હુમલા? અને છતાં,અને છતાંય,આપણા ઉદ્યોગોને બંધ થવાની અણી પર લાવી દઇ,સાવ ગામના ઉતાર જેવો,"યૂઝ એન્ડ થ્રો" જેવો બીનજરુરી,બીનઉપયોગી,સસ્તો માલ(કચરો?) આપણા દેશને કચરો સંઘરવાનું ગોડાઉન સમજી ઠાલવે જાય?(આપણે હોંશે-હોંશે ખરીદીએ?)

* અને આપણે ત્યાંથી અમૂલ્ય હુંડિયામણ(આશરે વાર્ષિક પચાસ અબજ રુપિયા?) પોતાના દેશમાં ભેગું કરી,તેનો ઉપયોગ આપણા વિરુધ્ધ શસ્ત્રસરંજામના વિકાસ માટે વાપરે?

મિત્રો, આપણે આ ગંભીર બાબતો વિષે કેટલું જાણીએ છે?


* આપણી સરહદ ઉપર હજુ કેટલી વાડ બનાવવાની બાકી છે?

* સમુદ્રી સુરક્ષા કેટલી મજબૂત થઇ?

* બાંગ્લાદેશથી કેટલા ઘુસણખોર,કેટલી લાંચ આપી ઘૂસ્યા?

* નેપાળથી કેટલી નકલી કરન્સી(ચાઇના મેડ?)ઘૂસી?

* આટલાં વર્ષોમાં કાશ્મીરના નાગરિકોને અબજો રુપિયાની મદદ પછી,કેટલાનું હ્યદય પરિવર્તન થયું?

* આજે ત્યાં લોકમત લેવાય,તો ભારતને કેટલા લોકો પોતાનો દેશ માનવા તૈયાર છે?(ચૂંટણીનો હવાલો ના આપશો,હું કાશ્મીરી પંડીત સહિત,૧૦૦% લોકમતની વાત કરું છું.)

મિત્રો, બસ, આપણે આજ કામ કરવાનાં છે? આપણને કદીક મનમાંય પ્રશ્ન થાય છે?

* ચેનલોમાં શું આવે છે? આઝાદી બાદ નવા પેદા થયેલા સવાયા  રાજા-મહારાજાઓના આદર્શ ભ્રષ્ટાચારી કૌંભાંડોની ચાસણી નીતરતી વાર્તાઓ?

* નેતાઓના સોગિયાં મોંઢામાંથી,નીકળતી બકવાસ સમી, મત માટે લાલસાભરી, એકમેક સામે ઝેર ઓકતી વાણી?

* બાળકોને ગાળાગાળી શીખવતા રીયાલીટી કાર્યક્રમો?

* પરદેશના કાર્યક્રમોની બેઠી નકલ કરી આપણું મનોરંજન કરવાના દયનીય,મરણીયા પ્રયાસો?

* સસ્તી પ્રસિધ્ધિ ભૂખ્યા બાબાઓ અને લેસ્બીયન-હોમો-સેક્સ-લીવઈન રીલેશનશીપની સંભાવના(શઠતા?) દર્શાવતા,ચર્ચા કરતા,લોકોની અદાલતના નામે,નફ્ફટ કાર્યક્રમો?ફાટીને ધૂમાડે ગયેલી રાખીનુ શું થશે?

* ગરીબોની ઝૂપડીમાં કોણ,કેટલા દિવસ રોકાયું?

* મહંમદ અલી ઝીણાનું મકાન ખરેખર કોનું કહેવાય?

* આતંકવાદી કસાબને જન્મ દિને કૅક મળ્યો કે નહીં? તેને સજા મળશે કે નહીં?

* અસ્મિત-સારા-વિણા મલિક-ચાઁદ-ફિઝા,જૂલી-બટૂકનાથો ની રમ્ય પ્રણયકથાઓ? શું આપણે આમાં રચ્યાપચ્યા રહીશું?

મિત્રો, તો પછી આ બધી કનડગતનો, અંત ક્યારે, કેવી રીતે, કોણ લાવશે?  શાસ્ત્રકથન  અનુસાર,

क्षमिणं बलिन साधुर्मन्यते दुर्जनोऽन्यथा।
दुरुक॒तमप्यतः साधोः क्षमयेत॒ दुर्जनस्य न॥


અર્થાત-સજ્જનો ક્ષમાશીલ મનુષ્યોને બળવાન અને દુષ્ટ લોકો ક્ષમાશીલ મનુષ્યોને નિર્બળ માને છે.આવો ક્રમ હોઇ સજ્જનોનાં મહેણાં સહેવાં,પણ દુષ્ટોનાં કવેણનો ઉચિત જવાબ આપવો.


ખરેખર તો આજે આપણે, અમેરિકાની દાદાગીરી,અંગ્રેજોની અક્કલ,જાપાનનો દેશપ્રેમ,ઇઝરાઇલની હિંમ્મત,સાઉદી આરબની અમીરી,ચીનની લુચ્ચાઇ,શ્રીલંકાની મક્કમતાના ગુણ,તાકીદે અપનાવવાની જરુર છે.ઇતિહાસના કાપુરુષોને આમ પણ નવી પેઢી યાદ રાખવાનું પસંદ નથી કરતી.આ નેતાઓનાં ટોળાંને એમના અસલી ધંધે વળગાડી..!!આપણા દેશને, આજે  બિરબલ જેવા અનેક બુધ્ધિશાળી,કોઠાડાહ્યા વઝીરોની તાતી જરુર છે.જે જરુર પડે, દેશની રક્ષા કાજે યુધ્ધમાં પોતાનો પ્રાણ ન્યોછાવર કરી દે.આખોય દેશ વીર ભગતસિંહ,સાવરકર,ચંદ્રશેખર આઝાદના આદર્શને ભૂલ્યો નથી.

દેશપ્રેમી વીર જવાંમર્દ યુવાન નેતાઓને (નહેરૂ-ગાંધી વંશવાદ ન ચાલે.) દેશની ધૂરા સોંપવાની જરુર છે,અને આ કામ બીજા કોઇએ નહી આપણે જ કરવું પડશે.આ બધું સરકારી વિદુષકોનાં ટોળાંઓથી સંભાળી શકાય તેમ નથી.આ બધાતો આપણા હાથી જેવા વિશાળ દેશને ટૂકડે-ટૂકડે વેચી દેશે,ત્યારે કાંઇ નહીંતો હાથીના અંકુશ માટે પણ લડતા-ઝગડતા દેખાશે. (विक्रीते करिणि किं अंङ्कुशे विवादः।) કોઇપણ ખુદ્દાર બાપ દીકરાને માટે મોટી સંપત્તિ ના મૂકે તો ચાલે,પણ બાકી દેવું તો નથી જ મૂકતો.જૂના પ્રશ્નોનું દેવું, ચક્રવૃદ્ધિ દરની ગતિથી ચઢતું જાય છે.

આતંકવાદના દૂઝતા ગૂમડાની સમસ્યા  હલ થવાને બદલે વકરતી,વધતી જાય છે, જૂના પ્રશ્નોને ઉકેલવા,આઝાદી મળ્યાને  ૬૦+ વર્ષ વીત્યાં તે હજી ઓછાં પડતાં હોય તો,ખામી આપણામાં છે..પરંતુ,હજું એટલું મોડું થયું નથી, દેશ ઉધ્ધારલક્ષી નીતિ ઘડવાની જરુર છે.

જ્યારે સમગ્ર દેશની અડધો-અડધ જનતા સવાર-સાંજના રોટલા-પાણીને માટે તડપતી હોય (આમાં હિંદુ-મુસ્લીમ-શીખ-ઈસાઈ બધા આવી ગયા.) ત્યારે, તેમને અન્ય સુખ-સુવિધાને બદલે, કેવળ મોતના ભયને ઢાંકવા કફનનાં ચીથરાં મળે, કેટલાક ધર્મઝનૂની આતંકવાદીઓ દેશની શાંતિને હણવા, નિંદનીય ઘટનાઓને અંજામ આપી ગણતરીપૂર્વક અલગ-અલગ ધર્મના લોકોની લાગણી બહેકાવે ત્યારે, તેમનો મલિન મકસદ પાર પાડવા સિવાય અન્ય કોઈજ હેતુ ન હોઈ શકે, તે બાબત સાવ આનું બાળક પણ સમજે છે.

ત્યારે, આજે અત્યંત દુઃખતા હ્યદયે,  સ્વરચિત એક ગીત, અત્રે રજુ કરવાનું મન થાય છે.

કદાચ, આ ગીતનું દર્દ કોઈ રહ્યાસહ્યા દેશભક્ત નેતાના આત્માને સ્પર્શે અને દેશને તેના સ્વરૂપે નવા શ્રીકૃષ્ણાવતારરૂપે કોઈ ઉદ્ધારક મળે..!!

દોહ્યલું જીવતર (ગીત)

કેવી   સ્થિતિમાં  જીવે છે આ લોક, 

કદીક હસે, કદીક રડે  છે આ લોક..!!
રાખે ગાલ રાતા તમાચો લગાવી, 
ઊંઘમાંય  ડૂસકાં ભરે છે આ લોક..!!

૧.
દુધ  ઘીનો સંગમ  વહે  જાણે  શમણે, 

મળે દુઃધ ચાંગળું જો, રડતા રતનને તો,
ગોકુલનો  ઉત્સવ  મનાવે છે  આ લોક,  
કદીક   હસે,  કદીક  રડે  છે  આ  લોક..!!

૨.
તપતી એ ધરતીને પગપગમાં છાલાં, 

રસ્તે   રઝળતા   બળબળતા રસાલા,
જૂતાંનેય હવે તો  શરમાવે છે આ લોક, 
કદીક   હસે,  કદીક  રડે   છે  આ  લોક..!!

૩.
દુઃખ  કેરા  થીંગડે  વીતી જાય જીવન ,

પહેરવા  મળે  જો, એક   ઉતર્યું  કફન,
તેદિ` ઈદ-દિવાળી મનાવે છે આ લોક, 
કદીક   હસે, કદીક  રડે  છે  આ  લોક..!!

૪.
મળતું  કાંઈ સહેજે  તે માણે હરખાઈ, 

સંતોષમાં   રીઝતી  આ   માણસાઈ,
વિધાતાનેય  કદીક રડાવે છે આ લોક,
કદીક   હસે,  કદીક  રડે   છે  આ  લોક..!!

મિત્રો, મને ક્ષમા કરશો. અત્યંત દુઃખને કારણે મારામાં આજે તો, પ્રતિભાવની અપેક્ષા ધર્યાનાય હોશ બાકી નથી..!!

માર્કંડ દવે. તાઃ ૦૭-ડીસેમ્બર ૨૦૧૦.

1 comment:

  1. આ દેશના હૃદયમાં આજે ચાણક્ય શું માત્ર એક યાદ જ છે?
    હિંદુઓના પવિત્ર સ્થાનો પર અવાર-નવાર હુમલા... કનેક્શન પાકિસ્તાનનું છે એવા સમાચાર રૂટીનની જેમ જ. આપે બહુ સાચી વાત કરી છે, માર્કંડભાઇ. આતંકવાદનું ગૂમડું દૂઝ્યા જ કરે છે. સતત એક કેન્સરની જેમ. કેન્સર જેવો મહારોગ હોય તો તેની દવા પણ તે મુજબ કરવી રહી.- ચાણક્યના નીતિશાસ્ત્રની ભવ્યતાની ચર્ચા આ દેશ કરે. આત્મા પરમાત્માની સૂફીયાણી વાતો કરે આ દેશ. આ દેશ વિકાસના નામે શું શું ચલાવી લે છે? જે પાકિસ્તાન સરેરાશ છ માસે આ દેશને હચમચાવી મુકે છે; તે દેશની વીણા મલિકની નગ્નતાને, સંસ્કૃતિના આદાન-પ્રદાન સ્વરૂપે(કેવું રૂપાળુ નામ),આયાત કરવામાં આ દેશને કોઇ ખચકાટ નથી. આખો દેશ એ નગ્નતામાં ગુલ છે... માર્કંડભાઇએ હૃદયની જે વ્યથાને વાચા આપી છે તે આ દેશની વાચા બને તો જ કંઇ થશે...આ વિષય પર ‘એક બળતરા અને ચચરાટ..’Pl. visit: http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:363101

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.