Friday, July 9, 2010

ઉઘાડપગો આખલો.

ઉઘાડપગો આખલો.

" લક્ષ્મીજીની  કૃપા,તેય કલમ કસબી પર ? બને નહી..યા..ર..!!  સરસ્વતીતો,  ફાકામસ્તીનાં દેવી હતાંને ?"

============

પ્રિય મિત્રો,

જુના સમયમાં, ભલે ઘણા બધા કલમના કસબીઓએ, કલમને,  "હવેથી તારે ખોળે છઉં..!!",  જાહેર કરીને, કલમના સહારે, ફાકામસ્તીમાં, દિવસો પસાર કર્યા હોય.

હવે તેવું નથી. હવે સરસ્વતીજી અને લક્ષ્મીજી વચ્ચે, સમાધાન, સુલેહ, સંપ થયો હોય તેમ, કમ્યુનિકેશન સંસાધનો નો વ્યાપ વધતાં, આવા કલમ - કસબીઓ, બે પાંદડે થયેલા જણાય છે.

જાણે સમગ્ર દેશવ્યાપી રોગરાળો ફાટી નીકળ્યો હોય તેમ, દરરોજ સંખ્યાબંધ, દૈનિકીયાં, સવારિયા, બપોરિયા,  સાંધ્યિયાં, અઠવાડિક, પખવાડિક, માસિક ચોપાનિયાં,   ઉપરાંત સેટેલાઈટથી, દ્રશ્ય-શ્રાવ્ય જગતમાં ક્રાંતિ લાવીને, નંબર વન બનવાનાં સ્વપ્ન જોતી, બનાવટી ન્યૂઝ  અને આગવા, પણ ઉરાંગઉટાંગ જેવા, વ્યુઝ દર્શાવતી ચેનલોનો પાર નથી રહ્યો.

તમે લવાજમ ન ભર્યું હોય, છતાંય ઘરના આંગણે ` ઉકળાટ, કકળાટ કે આજની મોંકાણ` જેવાં નામ ધરાવતું,  બે-ચાર પાનાંનું, કોઈ ચોપાનિયું કે પછી,  રિમોટમાં પણ સમાય નહીં તેટલી, નવી સમાચાર ચેનલ, વગર માંગે, માથે મારવામાં આવે  છે.

હવે આ બધાને, સમાચારનો સતત ખોરાક તથા તેને રાતદિવસ, રાંધી આપનારા, નિષ્ણાત પત્રકાર રસોઈયા મિત્રો જોઈએ...!! પણ લાવવા ક્યાંથી ?

આથી, જે   ફાવ્યો   તે   વખણાયો અને   ના   ફાવ્યો    તે,  આવી  બધી  સમાચાર  સંસ્થાઓમાં, ગમેતેમ   કરીને, ઘૂસણખોરી કરી, ખોટા - સાચા , સદોષ - નિર્દોષ, એવા   તમામ   લોકોને  અડફટે  લેતા, ઉઘાડપગા આખલાની માફક,  બધાનાં  તોડપાણી   કરવા,  પીળા  પત્રકારત્વના  માર્ગે,  શિંગડાં  ઉલાળતો, ઉભી બજારે દોડ્યો?  

મને એક મિત્રએ પૂછ્યું, " તારે કોઈ તંત્રીની ઓળખાણ છે? " 

મેં પૂછ્યું, " કેમ..!! કવિતા, વાર્તા, શું છપાવવું છે તારે?"

મિત્ર કહે," કશું નહીં, મારે પત્રકારનું કાર્ડ જોઈએ છે..!!"

" પત્રકારનું કાર્ડ? તારે પત્રકાર બનીને શું કામ છે?  અત્યારે છે તેટલા, પત્રકારો ઓછા છે?  " મેં સામે પ્રશ્ન કર્યો.

" કામ તો, ખાસ કશું નથી. મારો એક  વિરોધી બહુ ફાટ્યો છે, તેને છાપે ચડાવવો છે? આમેય, સરકારી કચેરીમાં, અધિકારીના ટેબલ પર, પત્રકારનું  આઈ કાર્ડ  ફેંકીએ  તો, આપણો વટ પડે ને, કામ જલ્દી થાય..!! "    મિત્રએ, વિસ્તારપૂર્વક, ખુલાસો કર્યો.

કોઈ  વિરોધીને, સીધાદોર કરવાની,  દાદ-ખાજ-ખરજવા જેવી,  તે  મિત્રને ઉપડેલી  ખંજવાળ પર, મારે  અફસોસ કરવો કે દયા ખાવી..!! તે મને સમજાયું નહી,  છેવટે, "  તું કશાય   કામનો   નથી,"   કહી,  તે    મિત્ર,  રોષભેર,  ચાલતો  થયો.

આમ  જોવા  જઈએ તો, આપણા  ગુજરાતમાં  (અને  દેશમાં  પણ?)  કૂતરાને  ભગાડવા, પથ્થર લેવા, વાંકા વળો તો, કેટલાય   સંતો - મહંતો; લેખકો-કવિઓ (મારા સહિત.); રાજકારણીઓ  અને પત્રકારોનાં   માથાં   હાથમાં   આવે?

મને  એક  ભાઈ  કહે ," સમાજના લોકો,  સાવ નફ્ફટ - નાગા માણસોથી  ના બીવે   તેટલા, અન્ય ત્રણ વ્યવસાયીઓથી બીવે..!!"

પછી, મારી આંખમાં, પ્રશ્નાર્થ જોઈ, તેમણે ખુલાસો કર્યો. " એક તો  લેખક-કવિશ્રી,   સ્થળ કાળ જોયા વગર,  નવી રચના સંભળાવવાની તાલાવેલી, તે રોકી ના શકે ? ( શ્રોતાનો અણગમો અવગણીને?) 

બીજા વ્યવસાયી, તે   વીમા  એજન્ટો,  કોઈના લગ્નમાં બેઠો હોય તોય,  વરઘોડિયાંને  સમજાવવા  જાયકે," ભાઈ, વીમો   ઉતરાવોને, તમે મરશોતો આટલા રૂપિયા મળશે ને, તમારી પત્ની મરે તો આટલા?" 

અને ત્રીજા  પત્રકારો, જ્યાં બેસે ત્યાં, કાન સરવા કરીને જ બેસે,  છાપવા જેવું, ન  છાપવા  જેવું,  કાને  પડે  તે   સાથેજ, મીઠું - મરચું - મસાલો ઉમેરીને,  એવું તે રજનું ગજ કરી નાંખે કે,  ક્યાં તો  તમારે  કારણ  વગર,  જાહેર  ખુલાસા  કરવા પડે   અથવા તો    કોઈ  તમારો   તોડપાણી  કરી જાય? "

જોકે, આપણે, એ   ભાઈની  વાત  સાથે  સંમત  હોઈએ કે  ન  હોઈએ, તેથી  કરીને  કશો  ફરક  પડતો  નથી...!!  દુનિયા આપણી મરજી મુજબ, થોડીજ ચાલે છે?
પણ તેમની વાત  તો, વિચારવા  જેવી  ખરી...!!

પત્રકારત્વ ચાહે, પ્રિન્ટ  હોયકે  સેટેલાઈટનું, પણ  `ગામ હોય ત્યાં, ............વાડો  હોયજ..!! ` તે કહેવત અનુસાર, આ જવાબદાર અને અનિવાર્ય રીતે, સમાજ ઉપયોગી, પવિત્ર વ્યવસાયમાં, આવાં ભાંગફોડિયાં તત્વો  ઘૂસી ગયાં છે?

પત્રકારત્વની ભાષામાં, આવી ભાંગફોડિયા, ઉપદ્રવી,  પત્રકારિતાને,` Yellow   journalism ` કહે છે.

` Yellow   journalism ` , `પીળું પત્રકારત્વ`, એટલે શું?

`પીળું પત્રકારત્વ` એટલે,  પોતાનો  વેપાર  વધારવાની  લ્હાયમાં, સત્ય  સમાચારોને, મારી  મચડીને, ખોટી  રીતે, સનસનાટીભર્યા, ઘ્યાનાકર્ષક  બનાવવા અને નૈતિકતાનું  ઉલંઘન  કરીને, પોતાના પવિત્ર વ્યવસાય  સાથે દગો કરવો.

Frank Luther Mott (April 4, 1886 - October 23, 1964 ),  ` ફ્રેંક લુથર મૉટ્ટ`- અમેરિકન ઈતિહાસકાર, પત્રકાર અને પ્રોફેસર, Simpson College, Indianola, Iowa, તથા વીસ વર્ષ સુધી, The head of the Journalilsm department at the University of Iowa (UI)  હતા.

આ પીઢ પત્રકારના મત અનુસાર, પીળા પત્રકારત્વનાં, પાંચ મહત્વનાં લક્ષણ હોય છે.
 
૧.  મોટા અક્ષરોમાં, રજનું ગજ કરતી, ભડકાવનારી હૅડલાઈન્સ,

૨.  અતિશયોક્તિ ગણાય તેવી, તસ્વીરો, ઈમેજ અને ડ્રોઈંગ્સની ભરમાર.

૩. ઉપજાવી કાઢેલી મુલાકાતના, બનાવટી અહેવાલ, ગેરમાર્ગે દોરતી હેડલાઈન્સ, અસત્ય ઉદાહરણ અને કહેવાતા વિષય નિષ્ણાતના, બોગસ, આધારહીન તારણોની લેવાતી સહાય.

૪. રજાઓ અને વિશેષાંક પૂર્તિઓના નામે, તણાવ વધારતા, કથાનક  તથા લેખનો મારો.

૫. ધર્મ, સમાજ, સરકાર અને લાચાર વ્યક્તિ - વ્યક્તિ વચ્ચે, ભડકાવતા,  બેફિકરાઈપણે, બીનઉપયોગી, નાટ્યાત્મકરીતે રજુ થતા, અહેવાલોની ભરમાર.

સન- ૧૯૭૦..!! (સાલ બરાબર યાદ નથી.) માં, એકવાર પ્રાર્થના સમાજ હૉલ, ખમાસા, અમદાવાદ. ખાતે, એક સંગીત કાર્યક્રમના, રિહર્સલમાં પડેલા, ચા-નાસ્તાના અવકાશ દરમિયાન, અચાનક, આદરણીય  શ્રીશેખાદમભાઈ  આબુવાલા  આવી  ચઢ્યા.

બાદમાં, સંગીતનું   રિહર્સલ  એક  બાજુએ  રહ્યું  અને  તેઓની  સાથે,  હું  અને  સંગીતકાર  શ્રીરમેશભાઈ રાજપ્રિય,  શ્રીશેખાદમભાઈના જ, એક  ગીતના સ્વરાંકનના કામે લાગ્યા. આ દરમિયાન,  શ્રીશેખાદમભાઈનો, ગીતના શબ્દોના, શુદ્ધ ઉચ્ચાર કરવાનો આગ્રહ, મારા હ્યદયને સ્પર્શી ગયો.

આજે મને સમજાય છે કે,  શબ્દના શુદ્ધ ઉચ્ચારના, આગ્રહી એવા, શ્રીશેખાદમભાઈ જેવા સાચા   પત્રકાર મિત્રોને કારણેજ, હજુ સમાચાર માધ્યમનો મહિમા, યથાવત છે.

શબ્દને  અને  તેના  સંદર્ભને, મારી મચડીને, પોતાને અનુકુળ કરનાર, પીળા પત્રકારત્વને નાથવા, આવા દ્રઢાગ્રહી પત્રકારોની આજે ખોટ વર્તાય છે?

સન- ૧૮૯૫ થી ૧૮૯૮ ની મધ્યે, અમેરિકાના, Joseph Pulitzer ના,` ન્યૂયોર્ક હૅરલ્ડ` તથા William Randolph Hearst ના ` ન્યૂયોર્ક જરનલ`, વચ્ચે, સર્ક્યુલેશનની હોડ ચાલી. બંને અખબારોએ, પોતાના અખબારોનું સર્ક્યુલેશન વધારવા, મનઘડંત, સનસનાટીભર્યા,   સમાચારનો  મારો  ચલાવ્યો.

આ  બંને અખબારોએ, શરૂ કરેલા, વરવા,  સનસનાટીભર્યા, સમાચાર  યુદ્ધની  ઠેકડી  ઉડાડવા, ` ન્યૂયોર્ક પ્રેસ` દ્વારા,  સન- ૧૮૯૭માં,  "yellow  kid  journalism " ના હેડિંગ સાથે, લોકપ્રિય  કૉમિક  સ્ટ્રીપ  શરૂ  કરવામાં આવી, જેને  કાળક્રમે, `પીળા પત્રકારત્વ` ના નામથી ઓળખવામાં આવી. 

તે સમયે પણ, વધુને વધુ સંખ્યામાં, અખબાર વેચવા, આકર્ષક ચિત્રો, રમતજગત, હરિફાઈ, રહસ્ય કથાઓ અને બીજું ઘણું બધું પિરસવામાં આવતું.

એટલું ઓછું હોય તેમ, સાવ ઓછી કિંમતે, આઠ કે બાર, જેટલાં વધારે પાનાંનું મનોરંજન આપવાનાં, ગતકડાં પણ અમલમાં મૂકી જોવાયાં હતાં.

આપણા ગુજરાતમાં પણ, એક અખબાર બીજા કરતાં, સર્ક્યુલેશનમાં આગળ વધવા, જાતજાત ને ભાતભાતનાં ગતકડાં અમલમાં મૂકીને, અનેક જાતની, મફત ભેટની, લાલચ આપતાં, અખબારમાં છાપેલા ફોર્મમાં, કાપલાં ચોટાડતા કરી, ખાસ કરીને બહેનોને, દરરોજ  ધંધે  લગાડે  છે.

( પછી આપેલી ભેટ ખરાબ હોય કે, શરૂઆતમાં માસિક ધોરણને બદલે બે-ત્રણ માસ સુધીનો સમયગાળો  વધાર્યા પછી, તેઓ, બહેનોની ગાળોય ખાય..!! ક્યાં સાંભળવા જવું છે?)

જોકે, તેવા પત્રકારત્વ - ગતકડાંને આપણે શું કહીશુ?

સત્યને દંભના વાઘા પહેરાવીને, રજુ કરતા પીળા પત્રકારત્વનું ભાવી ક્યારેય ઉજળું નથી હોતું. આવા પત્રકારોની, સમાજમાં કોડીનીય કિંમત હોતી નથી.

ભલા માણસ..!! તમારાજ ખોટા સમાચાર ઉપજાવીને, તમનેજ બ્લેકમેઈલ કરનાર, ઈસ્ટમેનકલર પત્રકાર કોને વહાલો લાગે?

હા, એ વાત ખરીકે, સમાજમાં સાવ ખોટા આચરણ આચરીને, અનૈતિક કાર્યો કરનારે, તે કાર્યોના સમાચારને દબાવી દેવા આપેલી, લાંચની રકમથી, આવા વ્યવસાયીઓના, ઘરનું ગાડું ગબડ્યા કરે..!! પણ તે સુખી તો નથીજ હોતા.

આવા ચાળે ચઢેલા, પત્રકારોને,પોતાની પ્રતિષ્ઠા ન બગડે તેથી,  મોટા નામાંકિત, અગ્રણી અખબારો, સંઘરતા ન હોવાના કારણે, આગળ દર્શાવ્યું તેમ, છેવટે પોતાનુંજ, બે-ચાર પાનાંનું, નાનું ચોપાનિયું  શરૂં કરી, જાતેજ, તંત્રીપદે નિયુક્ત થઈ, પોતાની બ્લેકમેઈલની, દુકાન ધમધોકાર ચાલુ રાખવાના પ્રયત્નમાં  આ વ્યવસાયી લાગેલા રહે છે?

સ્થાનિક લેવલના કેટલાક ,પીળા પત્વકારત્વના ચાળે ચઢેલા, પત્રકારો  સિવાય ,  શશી   થરૂર જેવા બોલકણા રાજકારણી / પત્રકારોએ પણ,  પૂજ્ય મહાત્મા ગાંધીજી, શ્રીજવાહરલાલ નહેરૂ અને અન્ય આદરણીય નેતાઓએ, અગાઉ અન્ય સંદર્ભ માટે કરેલાં વિધાનોને, પોતાની અનુકુળતા પ્રમાણે,  ફેરફાર કરીને, મનફાવે તેમ,  ટાંકવાથી, ઉભા થયેલા વિવાદ હજી સાવ તાજા જ છે. ( લિંકઃ- http://tharoor.in/press/icwa-statement-by-dr-shashi-tharoor/ )

પ્રિન્ટ મીડિયા બાદ, લોકપ્રિય થયેલા ટીવીના માધ્યમે, પીળા પત્રકારત્વને, ઘણી ઉંચાઈ પર લાવીને મૂકી દીધું. શરૂઆતમાં માત્ર દુરદર્શનમાં, નિર્દોષ લાગતું, સાત્વિક પ્રસારણ  રજુ  થતું.

તેના સ્થાને, ધીરે ધીરે અનુભવ  વિહોણા, પણ અસ્ખલિત અંગ્રેજી બોલતા, પત્રકારોની  ફોજે, લાઈવ કવરેજ અને બ્રેકિંગ ન્યૂઝના હેડિંગથી,  મલ્ટિમીડિયાનાં, અનેક નવાં સોફ્ટવૅરની મદદથી, ન્યૂઝ ચેનલના અધિકારીઓની મરજી મુજબ,  કેવળ, ટી.આર.પી;  સ્ટારડમ  અને  ચેનલના વેપારી હિતને ધ્યાનમાં રાખીને,  સનસનાટીભર્યા ન્યૂઝ, તૈયાર કરવાનું શરૂ કર્યું.

વળી, આ ન્યુઝ સ્ટુડિયોમાં, ન્યૂઝને અનુરૂપ, સ્ટોક મ્યૂઝિક અને  રૉ સ્ટોક વિડીયો ક્લિપિંગનો મનફાવે તેવો, સંદર્ભ ન હોય છતાં પણ, ફાઈનલ ઍડિટીંગમાં ઉમેરો કરીને,  વ્યુઅર્સને ગેરમાર્ગે દોરી, પીળા પત્રકારત્વને, ગગનચૂંબી ઉંચાઈએ પહોંચાડી દીધું.

આવા લોકો, સમાજને, સરકારને,  અરે..!!  મિડીયા ટ્રાયલ ચલાવીને, નામદાર કૉર્ટમાં ચાલતી, વિવિધ સબજ્યુડીસ મૅટરને પણ, પ્રભાવિત કરવાના પ્રયત્ન કરવા લાગ્યા.

આ ઉપરાંત,  ટીવીનું, પીળું પત્રકારત્વ, ખતરનાક એટલા માટે છેકે,  માણસ આજનું અખબાર વાંચીને, પસ્તીમાં આપે છે, જ્યારે ટીવીના, એક ના એક,  બોગસ ન્યૂઝ,  બ્રેકિંગ  ન્યૂઝના  નામે,   અવિરત,  ચોવીસે કલાક,  દર અડધા કલાકે, ટેલિકાસ્ટ  કરીને, ગૉબલ્સના  ભ્રામક  પ્રચારની  વ્યાખ્યાની  માફક, સત્યને  આંખે પાટા બાંધવામાં આવે છે.

આ વાતને સમજવા, એકજ ઉદાહરણ પુરતું છે. તાજેતરમાં  આંધ્રના  મૂખ્યમંત્રી શ્રીવાય.એસ. રાજશેખર રેડ્ડીના, હૅલિકૉપ્ટર અકસ્માતમાં થયેલા, દુઃખદ અવસાનના  સમાચારો રજુ કરવામાં, પોતાની ન્યૂઝ ચેનલ પાછળ ન રહી જાય તે કારણે, પીળા પત્રકારત્વના રોગથી ગ્રસિત, કેટલીક  ન્યૂઝ ચેનલ્સએ, ચાર માસ જુના, રશિયન ટેબ્લોઈડમાં, પ્રકાશિત થયેલા, ચકાસ્યા વગરના, તથ્યોવાળા રિપોર્ટને ટાંકીને, દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો.

હૈદ્રાબાદના, સાયન્સ, આરોગ્ય અને રાજકિય  ઍનાલિસ્ટ અને વરિષ્ઠ પત્રકાર શ્રીસઈદ અકબરે, Syer Akbar (born. 20 September 1965), અત્યંત દુઃખ સાથે નોંધ્યુંકે,
( લિંકઃ- http://syedakbarindia.blogspot.com/2010/01/tvs-take-yellow-journalism-to-new.html )

The so-called expose on the death of late chief minister YS Rajasekhar Reddy, telecast by some TV news channels, is nothing short of yellow journalism, to say the least. They simply picked up an unverified report published four months ago in a Russian tabloid, known for its  sensationalism, and telecast it as if the investigating agencies back home  in India had unraveled the mystery behind the crash of the helicopter carrying Rajasekhar Reddy and his aides.


Worse. There was no disclaimer either. The TV channels added credence to their “exclusive reports” and “breaking news” by showing select portions of the Russian tabloid, while hiding the portions not convenient to them.


The real estate boom in Hyderabad and surrounding Ranga Reddy district made several people billionaires overnight. A few of them with questionable background invested in the electronic media to cover up their past and continue with their dubious activities. The current slump in the real estate sector has forced them to find alternative means of revenue: sensationalism and yellow journalism.

દુઃખની બાબત એ હતીકે, આ રિપોર્ટના કેટલાક મનપસંદ અંશ સિવાયનો, બાકીનો રિપોર્ટ, ઉજાગર કરવામાં નહ્તો આવ્યો. આ ચેનલ્સના ટી.આર.પી.માં તે સમયે, અકલ્પનિય ઉછાળો જરૂર આવ્યો. પણ તે દિવસે, એક નેતાના મોતનો, મલાજો ના સચવાયો..!!

થોડા સમય અગાઉ, આવીજ મેન્ટાલિટી ધરાવતા એક પત્રકાર મિત્રને, કોઈનો તોડપાણી કરતા રોકીને, આ સામે સરકારે કોઈ પગલાં લેવાં જોઈએ અથવા જનજાગૃતિ માટે, કલમ  કસબીઓએ, અભિયાન ચલાવવું જોઈએ, તેમ મેં સૂચવ્યું, તો તેઓ મારા પર ભડક્યા,

" કશું નહીં થાય, આમજ ચાલશે..!!" તેમણે શ્રદ્ધાપૂર્વક કહ્યું," તમારે મધપૂડામાં, હાથ નાંખીને, મધમાંખીઓને, છંછેડવી હોય તો છંછેડી જુઓ."

મને ખબર છે, સાચા દિલથી, પોતાની ઉત્તમ કલમના કસબથી, આ વ્યવસાયમાં, આવેલા, સ્વ.શ્રીશેખાદમભાઈ જેવા કેટલાય નામાંકિત પત્રકાર મિત્રોને, ઉઘાડપગા આખલાઓની, આવી જમાત ગમતી નથી.


આવા સાચા પત્રકાર મિત્રોને નમ્ર વિનંતીકે, પીળા પત્રકારત્વમાં માનતા મિત્રોની લીટી, ભૂંસીને નાની કરવાને બદલે, તેમના વિરૂદ્ધ, તેમના અસત્યને ઉઘાડું પાડીને, આપણી લીટી મોટી કરવાના યજ્ઞમાં, યથાશક્તિ આહુતિ જરૂર આપજો.

આમેય, પૂજ્ય બાપુએ, ગુલામી માનસના,પીળા કમળાના રોગને, જડમૂળથી નાબૂદ કર્યો તો, પીળુ પત્રકારત્વ તો શી વિસાતમાં છે? ખરૂંને ?

માર્કંડ દવેઃ- તાઃ ૦૯ જુલાઈ ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.