Thursday, March 11, 2010

" તે તો એજ હતા..!! "

" તે તો  એજ હતા..!! "

" વરી, લઢી, રડી, સંગે, જેના,  તેતો એજ હતા,
 ગયા, સગડ   ના મળે, જેના,  તેતો  એજ હતા."

==========

પ્રિય મિત્રો,

જિંદગીમાં, ક્યારેક આપણા હાથે થયેલ,કોઈને અન્યાય કે ગુન્હાનો ભાવ, ઘણીવાર મનમાં એવો તો ઘર કરી જાય છેકે,તેને કારણે આપણો અંતરાત્મા આપણને સતત ડંખે છે. આજે સમાચારપત્રોમાં, આવાજ એક સમાચાર ઘ્યાન ખેંચે છે.

સાઉદી અરેબિયાના, ૩૮ વર્ષના, યાહ્યા અલ- અસ્મરી નામના યુવાને, માનવ અધિકાર સમાજની ઑફિસે જઈ, પશ્ચાતાપ કરતાં જણાવ્યુંકે, " તેનાથી ૨૧ વર્ષ પહેલાં, કાર ડ્રાઈવ કરતી વેળાએ, કાબૂ બહારની પરિસ્થિતિમાં, રસ્તો ક્રોસ કરતાં, બે નાનકડાં બાળકોમાંથી,એક બાળકને કચડી નાંખી, ડરના માર્યા ભાગી જવાનો અપરાધ થયો હતો.જે અપરાધભાવ, તેને સતત સતાવતો હોવાથી, આજે તે બનાવના ૨૧ વર્ષ બાદ,પોતે કરેલા અપરાધની કબુલાત કરે છે."

યાહ્યા અલ- અસ્મરી નામના યુવાન દ્વારા, શું બન્યું છે?  તેતો મહત્વનું છેજ, પણ તેનાથી પણ મહત્વની બાબત, તેના જાગૃત અંતરાત્માનાના દબાણ અંગેની છે. આવા દબાણ તો સહુ કોઈને  થાય છે,પરંતુ, આ સ્વાર્થી જગતમાં, અંતરાત્માના દબાણ પાસે, નમી જઈને, સાચા હ્યદયથી, પ્રાયશ્ચિત કરનારા કેટલા?

આપણા, આજની કથાનાયિકા, મધુબહેનની વાત પણ કાંઈક આવીજ છે. તેમને પણ છેલ્લાં ૨૧ વર્ષથી, મનમાં એક વસવસો છે,જે અંતરાત્મામાં સતત ડંખ્યા કરે છે. જે  માધવ સાથે તે વર્યાં, લઢ્યાં, રડ્યાં..!! તેજ માધવ ના સગડ છેલ્લા ૨૧ વર્ષથી કોઈને મળતા નથી. ચાલો,તમને હું, માંડીને વાત કરું.

આજથી બરાબર ૨૩ વર્ષ પહેલાં, આ જ દિવસે, માધવને પરણીને મધુએ, આ બંગલામાં, પગ મૂક્યો ત્યારે, માધવ અને મધુ સહિત આખોય પરિવાર આનંદના મહાસાગરમાં, જાણે હિલ્લોળા લેતો હતો. તેમાંય જ્યારે યોગાનુયોગ, તેમની પ્રથમ લગ્નગાંઠના, આ શુભદિને જ ,કુમાર નામના સુંદર દીકરાનો જન્મ થયો ત્યારે તો, જાણે માધવ-મધુના સંસારને, ઈશ્વરના અસીમ આશિર્વાદ મળ્યા હોય તેમ બંનેએ અનુભવ્યું હતું.

જોકે, ` એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી`, તે ન્યાયે, દીકરો કુમાર એક વર્ષનો થવા આવ્યો ત્યારે, ભોજન પીરસવા જેવી, સાવ નાની વાતમાં, માધવને મધુ પર ગુસ્સો આવી ગયો. ઉશ્કેરાટમાં, થાળી પછાડીને, માધવ ઊભા થઈ જતાં માધવ અને મધુએ પોતાના મન પર કાબૂ ગુમાવીને,એકમેકને ના કહેવાના શબ્દ કહી નાંખ્યા. તેમાંય જ્યારે માધવે મધુને ગુસ્સામાં કહ્યુંકે, " હું તને ના કહું તો બીજા કોને કહું? "

ત્યા.....રે..!!

રડતા નાનકડા કુમારને શાંત રાખવાની પીડામાં,શંકાશીલ સ્વભાવની, મધુના હોઠ પરથી અયોગ્ય શબ્દ નીકળી ગયા," હું  આ નાનકડા  કુમારને  સાચવુંકે,તમને ?  શોધી લો, બીજી  કોઈ સગલીને, જે માત્ર તમને પીરસવાની જ સેવા કર્યા કરે..!!"

શંકાશીલ મધુનાં આ નઠારાં વેણ, માધવના હ્યદયને આરપાર ચીરી ગયાં. એક ક્ષણના આઘાત બાદ, અવળું ફરીને પારણામાં,નાના દીકરા  કુમારને સુવડાવવા મથતી, પત્ની મધુની સામે એક નજર પણ કર્યા વગર, માધવ પહેરેલા, કપડે  બંગલાની બહાર ગયા, તે   ગ....યા...!! આજે  તે  બનાવને  બરાબર  ૨૧  વર્ષ  થયાં છે..!!

પરિવારજનોને, માધવના ગુમ થયાની જાણ થતાંજ, સહુ કોઈ દોડી આવ્યા. પરંતુ, પરિવાર પાસે, માધવ અને પોતાની વચ્ચે, થયેલી ચડભડ અને મનદુઃખભરી બોલાચાલીનો ઉલ્લેખ કરવાની, મધુની હિંમત ના ચાલી.

પરિવારજનો એમ સમજ્યાકે, ` ધંધાના ગમે તે કોઈ ટેન્શનના કારણે, આવા પલાયનનું,  કાયરતાપૂર્ણ કૃત્ય માધવે આચર્યું છે.`

બધા પરિવારજનો દ્વારા, ઘણોજ સંતાપ ,ઘણીજ તપાસ, ઘણીજ શોધખોળ, રઝળપાટ છતા, માધવ   ન  પછી ક્યારેય કોઈની નજરે ના ચઢ્યા. જાણે હવામાં ઓગળી ગયા હોય તેમ માધવ ગાયબ થઈ ગયા હતા.

કોઈ કહેતું હતું, માધવે બીજાં લગ્ન કરી લીધાં હતાં.કોઈ કહે, માધવને સાધુના રુપમાં કોઈ મંદિરમાં જોયો હતો. થોડા દિવસ, લોકમૂખે જાતજાતની, દયા,અનુકંપા અને નિંદાભરી ચર્ચા બાદ, ધીરે ધીરે  મધુ  સિવાય  બાકીના, સર્વેએ આવી પડેલી આપદાને સ્વીકારી લીધી હોય તેમ, સહુ  કોઈ  પોતપોતાના રોજિંદા વ્યવહારમાં, વ્યસ્ત થઈ ગયા.

જોકે, માધવના ખાસ મિત્ર, નીરવ અને તેની પત્ની નિશાએ, મધુ અને નાનકડા કુમારનો સાથ ના છોડ્યો.તેમની હુંફને કારણેજ, મધુને કે દીકરા કુમારને, પૈસેટકે સહેજ પણ વાંધો ના આવ્યો.

માધવે ધંધાની જમાવટ બરાબર કરી હતી, વળી તેમાં માણસો પણ પેઢીઓ જૂના હોવાથી વફાદાર હતા.સમય પસાર થતાંજ,  મધુએ વાસ્તવિકતાને સ્વીકારીને, કુમારને, મોટો કરવા, ભણાવીગણાવીને ધંધો સંભાળવાને લાયક બનાવવામાં, પોતાની જાતને વ્યસ્ત કરીને, પોતાના શંકાશીલ સ્વભાવને કારણે, જીવનમાં ઉઠેલા ઝંઝાવાતને શાંત કરવાની કોશિશ કરી અને તેમાં સફળ પણ થઈ..!!

પરંતુ, મધુ પોતાના હ્યદયના એક ખૂણે,અવારનવાર ઉઠતા, પશ્ચાતાપના તોફાનને ક્યારેય નાથી ના શકી. દરરોજ રાત્રે, એકાંતમાં, પથારીમાં સુતાં વેંત તેને બાજૂમાં, માધવનો ખાલીપો  સાલતો હતો. પોતાના એક કવેણે, પોતાના શાંત જીવનમાં મચાવેલા, હાહાકારની યાદ આવતાંજ, મધુની રાતની ઊંઘ વેરણછેરણ થઈ જતી હતી.

દરરોજ, ઊંઘમાંથી ઝબકીને જાગી જઈ, મધુ, જાણે માધવે આવીને, દરવાજો  ખખડાવ્યો  હોય  તેમ, ઠાલા ભણકારા વાગતાં, માધવને જોવા, તે દરવાજે દોડી જતી છેવટે નિરાશ મન તથા કકળતા આત્મા સાથે રડતી આંખે પથારીમાં પડતું નાંખતી.

ક્યારેક તો પોતાના વાંક નો બોજ મન અને અંતરાત્મા ઉપર એટલો બધો હાવી થઈ જતોકે, મધુને લાગતું તે હવે પાગલ થઈ જશે...!!

જોકે, આજે માધવ-મધુના બંગલે આનંદનો અવસર હતો.હવે યુવાન કુમારને માટે, પરિવારના કેટલાક વડીલોના પ્રયત્નને કારણે, માધવના ભાગેડુ ભૂતકાળને અવગણીને, એક સુંદર કન્યા નામે  ક્ષિતિજાનું  માગું સ્વીકાર કરીને, કુમારની આજે ક્ષિતિજા સાથે  સગાઈની વિધિ નક્કી કરી હતી.

બંગલામાં મહેમાનોની અવરજવર સવારથીજ શરુ થઈ ગઈ હતી. નાનાં બાળકોની ધમાલ અને  પરિવારના સભ્યોની, ઠઠ્ઠામશ્કરીના કોલાહલ વચ્ચે, પણ મધુની, અશ્રુથી છલકાવા મથતી, નજર વારંવાર બંગલાના દરવાજે ચોંટી જતી હતી.

ઈશ્વર કરેને, માધવ તેને માફ કરીને આટલા વર્ષેય, પોતાના વહાલા દીકરા કુમારની  સગાઈના શુભપ્રસંગે, કદાચ કોઈપણ સ્વરુપ ધરીને આવી ચઢે અને બીજા કોઈ માધવને બહારથીજ ઓળખ્યા વગર વિદાય કરી દે  તો...?

મધુના અંતર આત્માના પશ્ચાતાપી કકળાટને, જાણે ઈશ્વરે સાંભળ્યો હોય તેમ, માધવના ખબર તો આવ્યા, પરંતુ  આવ્યા ન આવ્યા બરાબર..!!

માધવનો મિત્ર નીરવ અને નિશા, બંને પોતાને ત્યાંથી કાર લઈને કુમારના સગાઈના પ્રસંગમાં આવવા, પોતાના બંગલાના ગેટ ની બહાર હજુ નીકળવા જાય ત્યાં તો, લઘરવઘર કપડાં પહેરેલો, કેટલાય દિવસથી નાહ્યાધોયા વગરનો હોય તેવો, માથાના વાળ અને છેક છાતી સુધી વધારેલી દાઢી, ધરાવતો,માધવ, પોતાના જીગરી મિત્રના નામનો દર્દનાક ઉચ્ચાર કરીને, નીરવની કારના બૉનેટ પર ઢળી પડ્યો.

નીરવે કાર ઊભી રાખીને, પોતાના પરમ મિત્રને, અવાજ પરથીજ ઓળખી કાઢીને, ભોંય પર પડતો અટકાવવા, જ્યાં સહારો આપીને બાથમાં લીધો,તો નીરવને માધવનું તન  તાવથી ધગધગતું, તપતું હોય તેમ લાગ્યું. નિશાને, પરત બંગલામાં મોકલીને, મધુને ફૉન કરી, માધવ મળી આવ્યાના સમાચાર આપવા જણાવી, માધવને કારમાં સુવાડી દઈને,નીરવે કાર, હોસ્પિટલ તરફ દોડાવી મૂકી.

પરિવારનાં બધાજ લોકો, સમાચાર મળતાંજ, હોસ્પિટલમાં દોડી આવ્યા, મધુએ રડતી આંખે જ્યારે ,માધવને  નિહાળવાનો પ્રયત્ન કર્યો, ત્યારે  માધવના  દેદાર જોઈને  મધુને  પોતાની જાત પર ખૂબ શરમ  આવી.ભલે કોઈને જાણ ન હોય,પરંતુ માધવની આવી અવદશાની જવાબદાર, તે પોતે અને પોતાની હાડકા વગરની જીભ હતી.

બેભાન અવસ્થામાં, પડેલા  માધવને ચેક કરીને, ડોક્ટરે નીરવને જણાવ્યુંકે, વર્ષોથી  સિરહોસિસ ઓફ લિવરના કૅન્સરથી પીડાતા અને  છેલ્લા સ્ટેજમાં  પહોંચી ગયેલા, માધવના જીવનની હવે અંતિમ ક્ષણો હતી. જો હાલમાં કરેલી સારવારથી થોડીવારમાં તેને ભાન ન આવે તો,પછી તે  કૉમામાં સરી પડવાનો ભય હતો.

આ સમાચાર મધુએ જાણતાંજ, તેને કારમો આઘાત લાગ્યો. મધુનું શરીર એકદમ વળ ખાઈને, ધડામ્‍ કરીને, જમીન પર પટકાયું. ડોક્ટરે  મધુને તરતજ, બીજા બેડ પર લઈને, સારવાર શરુ કરી. પણ તેની મૂર્છા ના વળી,જોકે, તે આવી અર્ધબેભાન  અવસ્થામાં પણ, માધવને ઉદ્દેશીને, પોતાને માફ કરવાની વિનંતી કરતી હોય તેમ લવારી કરતી હતી.

કુમાર અને બીજા પરિવારજનોને શું કરવું સમજાતું નહતું, કુમાર વર્ષો બાદ મળી આવેલા પિતાને સંભાળે કે પોતાની વહાલસોયી માઁ ને ? એટલામાંજ, માધવ્ને જાણે ભાન આવતું હોય તેવા સમાચાર મળતાં, કુમાર માતા પાસે, નિશા આન્ટીને ઊભાં રાખીને, ક્ષિતિજાને લઈને, માધવ પાસે દોડ્યો.

માધવે આંખ ખોલી, પાસે ઊભેલા મિત્ર નીરજના, વગર જણાવે જ દીકરા કુમારને ઓળખી લીધો, નીરવે, કુમારની સગાઈ  ક્ષિતિજાની સાથે, કર્યાના સમાચાર, માધવને આપ્યા. કુમાર - ક્ષિતિજાએ, માધવના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા.

છેવટે આંખમાંથી, ગાલ પર સરેલાં, બે બુંદ સાથે, માધવનો પીડાથી ચહેરાઈ ગયેલો ચહેરો, મધુને શોધતો હોય તેમ,  હવે તેની રુમના દરવાજા તરફ, તેણે ફેરવ્યો અને અચાનક સ્થિર આંખો સાથે, એકતરફ ઢળી પડ્યો.

નાનો માધવ ૨૧ વર્ષ સુધી, ભિખારીની જેમ, કોઈ તેના ભાણામાં, પીરસવા આવે તેની રાહ જોઈને  કમોતે, મોટા માધવના શરણમાં પહોંચી ગયો હતો.

જોકે,માધવના ગયા પછી, છેક ચાર કલાક પછી, મધુને ભાન આવ્યું પણ, તે કોઈ કામનું નહતું. કારણકે, મધુ હવે, તેનો મોટાભાગનો સમય, બંગલાના દરવાજે જ, માધવની રાહ જોવામાં, ચિત્તભ્રમની દશામાં ગાળે છે..!!

અને રસ્તે જતા આવતાં તમામને,    " એકવાર આવ્યો હતો, તે તો એજ હતો..!! ભાઈ, મારા માધવને ક્યાંય જોયો ? " તેવા સવાલ કર્યા કરે છે. કુમાર- ક્ષિતિજા, નીરવ-નિશા, લાચાર છે. સમય તેની સ્વાભાવીક ગતિથી વહે છે.       

શંકાશીલ જીભ ક્યારે કેવાં, નઠારાં કામ કરી નાંખે છે..!!

આપને શું લાગે છે, જીભને હાડકું હોત તો આમ થાત?

માર્કંડ દવે. તા.૧૧-૦૩-૨૦૧૦.

3 comments:

 1. અતિશય વખાણવા યોગ્ય કથા કહી સર, અને સાઉદી અરેબિયાના, ૩૮ વર્ષના, યાહ્યા અલ- અસ્મરી નામના યુવાનને પરમેશ્વર પામી લીધો અને ભારતની કરોડો મધુ ગાંડી થઈ ને ભટ્ક્યાજ કરે છે ભારતમાં એના જવાબદાર કોણ સાહેબ?

  ReplyDelete
 2. માર્કંડ સર,
  અમુક વસ્તુઓ સમય અને સંજોગો ના લીધે પણ થઇ જતી હોય છે, ક્યારેક આપણાં પર આપણો જ કાબુ નથી રહેતો. દુખ એજ વાતનું થાય છે કે વસ્તુ બની ગયા પછી એને સ્વીકારીને એ વલણ સુધારવાના પ્રયત્નો પણ થાય છે પણ એ જોવા માટે જેના કારણે સુધારા થઇ રહ્યા છે એ વ્યક્તિ ક્યારેય પાછુ વળીને જોતી નથી.

  - કુમાર શાહ

  ReplyDelete
 3. સરસ વાત છે પણ ફક્ત મદુનો દોષ ના કાઢી શકાય
  ..સપના

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.