Sunday, October 2, 2011

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજી- નમ્ર શ્રદ્ધાંજલી




સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજી- નમ્ર શ્રદ્ધાંજલી 




" આપણે ડાબી કે જમણી બાજુ પણ જોવાની જરૂર નથી. આપણો માર્ગ સાવ સીધો અને સાફ છે અને તે છે - સમગ્ર દુનિયાના, તમામ દેશ સાથે અમન અને ભાઈચારા ની નીતિ જાળવી, દેશની ભીતર સર્વ કોઈ માટે, સંપૂર્ણ આઝાદી અને પ્રગતિની વિચારધારાને અનુરુપ, સમાજવાદી લોકશાહીની સ્થાપના કરવી." 

- દેશના ત્રીજા વડાપ્રધાનપદના સોગંદવિધિ  બાદ, દેશના પ્રજાજનોને પ્રથમવાર સંબોધતાં,આદરણીય સ્વ.શ્રીલાલબહાદુર શાસ્ત્રીજી 

==========

પ્રિય મિત્રો,

આપણા દેશને, ઍનાકૉન્ડા અજગરની માફક  ભરડો લેતી, અનેક સમસ્યાઓના ઘેરાવા વચ્ચે, આપણા દેશના એક મહાન,  લોકપ્રિય મહાનાયકની જન્મતિથિપર્વ, તારીખઃ ૨ -ઑક્ટોબર ૨૦૧૧ના રોજ, ચીલાચાલુ, પરંપરાગત, રીતરિવાજ પાળતા હોય તેમ, કેટલાક સરકારીબાબુઓની, પરાણે ઉભી કરાયેલી હાજરીની ગવાહી હેઠળ,આ મહાનાયકની પ્રતિમાઓને, હારતોરા કરીને ઉજવાઈ જશે અને આપણે, કદાચ તેની નોંધ પણ નહીં લઈએ?

કોણ છે આ મહાનાયક..!!  તે છે, આપણા આઝાદ દેશના, `ભારતરત્ન`, ત્રીજા વડાપ્રધાન, આદરણીય સ્વ.શ્રીલાલબહાદુર શાસ્ત્રીજી. 

હમણાંજ થોડા સમય પહેલાં,મને એક પત્રકાર મિત્રએ સવાલ કર્યોકે, " બોમ્બે ટાઈમ્સના એક  સમાચાર મુજબ, નિર્માતા-અભિનેતા શ્રીમનોજકુમારની સ્ક્રીપ્ટના આધારે, આપણો ચોક્લેટી હીરો, મિસ્ટર પરફ્રેક્શનીસ્ટ, આમીરખાન, શ્રીલાલબહાદુર શાસ્ત્રીજીના જીવન પર એક ફીલ્મ નિર્માણ કરવાના છે, જેમાં શ્રી શાસ્ત્રીજીનો રૉલ, આમીરખાન પોતેજ કરવાના  છે? તમે શું માનો છો?"

મેં શાંતિથી જવાબ આપ્યો," જો આ સમાચાર સાચા હોયતો, આ વર્ષની તે સુપરડુપર હીટ કૉમેડી ફીલ્મ ગણાશે..!! કારણકે, મહાનાયક શ્રીલાલબહાદુર શાસ્ત્રીજીનો રૉલ નિભાવવા માટે  તથા શ્રીશાસ્ત્રીજીના  વ્યક્તિત્વને, સાંગોપાંગ  ચરિતાર્થ કરવા માટે, પરફેક્ટનીસ્ટ આમીરખાને, તેમની કાયામાં પ્રવેશવું પડે..!! આમીરખાનને પરકાયા પ્રવેશવિદ્યા આવડે છે?"

માતા- શ્રીમતી રામદુલારીદેવી અને પિતા- શ્રીશ્રદ્ધાપ્રસાદને ત્યાં,વારાણસીથી સાત માઈલ દુર, મુગલસરાઈની રેર્લ્વે કૉલોનીના એક નાનકડા, અત્યંત ગરીબ,હિંદુ કુટુંબમાં, તા; ૨ ઑક્ટોબર ૧૯૦૪ ના રોજ, શ્રીલાલબહાદુર શ્રીવાસ્તવ ઉર્ફે લાલબહાદુર શાસ્ત્રીજીનો જન્મ થયો હતો.પિતાનું અવસાન બાળપણમાંજ થઈ જવાથી, શ્રી શાસ્ત્રીજીનું બાળપણ, મોસાળમાં, તેમના નાનાજી શ્રીહજારીલાલની પ્રેમાળ છત્રછાયા હેઠળ થયું. શારીરિક દેખાવમાં સાવ વામન જણાતા શ્રીશાસ્ત્રીજીમાં,જન્મથીજ,  નિખાલસતા, હિંમત,પરગજુપણું, સ્વમાનનાં લક્ષણનાં બીજાકુંર ફૂટ્યા હતા, જેને ધર્મભીરુ, સંસ્કારી વડીલોએ, સદવિચારોના સિંચનથી દ્રઢ  કર્યાં.

વારાણસીની `હરિશ્ચન્દ્ર હાઈસ્કૂલ`માં, વિધ્યાર્થી હતા ત્યારેજ, સ્વરાજ મેળવવા હવાતિયાં મારતી જનતાને,`સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે` નો નારો શ્રીલોકમાન્ય બાલ ગંગાધર તિલકજીએ આપ્યો, ત્યારે સન-૧૯૧૫માં, પૂજ્યગાંધીબાપૂની વારાણસી મુલાકાત દરમિયાન, તેમના વિચારોથી પ્રભાવિત થઈ, શ્રી શાસ્ત્રીજીએ આઝાદીના મહાસંકલ્પ  યજ્ઞમાં ઝંપલાવી દીધું. સન-૧૯૨૭માં, તેઓનાં, લલિતાદેવી સાથેનાં લગ્ન થયાં અને જાણે તેમનું આઝાદીનું સ્વપ્ન સાકાર કરવાનું ઝનૂન બેવડાઈ ગયું.

જોકે, આજેતો નવી પેઢીના, યુવક-યુવતીઓ,આ મહાનાયક, વિષે કેટલું જાણે છે અથવા તેમના માટે શું મત ધરાવે છે, તે એક ચર્ચાનો વિષય છે? પરંતુ,  જુની પેઢીના ઘણા વિદ્વાન લોકો, સ્વ.શ્રીલાલબહાદુર શાસ્ત્રીજીના સ્પષ્ટ અને નિર્ભિક વિચારોના,આજે પણ કટ્ટર સમર્થક છે. આપને પ્રશ્ન  થશે શામાટે? તો, આ રહ્યો જવાબ..!!

ભારતના ઈતિહાસમાં તાઃ ૨૭ મે ૧૯૬૪નો ગોઝારો દિવસ સદાય કરૂણભરી યાદગારી સાથે નોંધાયો.તીનમૂર્તિભવનથી, ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રીજવાહરલાલ નહેરૂના નિધનના સમાચાર વહેતા થયા. ભારતની જનતામાં એક સવાલ દરેકના મુખેથી પૂછાવા લાગ્યો, " નહેરૂ પછી કોણ?" 

છેવટે, જવાબમાં, ભારતની બાગડોર, ઉત્તરપ્રદેશના પૂર્વમૂખ્યમંત્રી, પૂર્વકૅબીનેટમંત્રી, દેખાવે વામન પણ વિચારે વિરાટ એવા, શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીના હાથમાં સોંપાવાનો નિર્ણય,કોંગ્રેસમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો. શ્રીનહેરૂજીના નિધન સમયે, ભારતની પરિસ્થિતિ અત્યંત જટીલ સમસ્યાઓથી ઘેરાયેલી હતી.

જોકે, તા; ૯ જુન ૧૯૬૪થી તાઃ ૧૧ - જુન ૧૯૬૬ના, આશરે માત્ર બેજ વર્ષના, અલ્પકાલિન વડાપ્રધાનપદના, સમયગાળામાં,સ્વંશ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ, સન- ૧૯૬૫માં પાકિસ્તાન દ્વારા આરંભાયેલા યુદ્ધમાં, તેના દાંત ખાટા કરીને, તે  સમયના, અત્યંત વિદ્વાન રાષ્ટ્રપતિ સર્વપલ્લી શ્રી રાધાકૃશ્નનજી સહિત,સમગ્ર દેશની જનતાના હ્યદયમાં, નેશનલ હીરો, તરીકેનું કાયમી સ્થાન પ્રાપ્ત કર્યું. 

આ યુદ્ધ દરમિયાન, શ્રીશાસ્ત્રીજીનો પાકિસ્તાનને જવાબ હતોકે,  'Force will be met with force.' તેઓએ આપણા દેશના સૈન્યના વડાને આગેકૂચના મર્દાનગીભર્યા હુકમ કર્યા. ૧૫ ઑગસ્ટ ૧૯૬૫ના સ્વાતંત્ર્યપર્વના દિને, દેશવાસીઓને સંબોધીને, શ્રીશાસ્ત્રીજીએ, પાકિસ્તાનને ડરથી ધૄજાવી દે તેવી સિંહગર્જના કરી, "It does not matter if we are destroyed. We will fight to the last to maintain the high honor of the Indian nation and its flag."

ચીન દ્વારા પાકિસ્તાનને મદદ કરવા, સાવ જૂઠ્ઠા બહાના હેઠળ, આપણા  પર ચીન સરહદે હુમલો કરવાની ધમકી આપીને ડરાવવાના સમાચાર મળતાંજ, લુચ્ચા ચીની ડ્રેગનને પણ, શ્રીશાસ્ત્રીજીએ ચોખ્ખું સુણાવી દીધું," ચાઈના પણ આપણને  બિવડાવી નહીં શકે." આ સાંભળતાંજ, ચાઈનાના હાથ પણ હેઠા પડ્યા હતા. તાઃ ૧૭ સપ્ટેમ્બર ૧૯૬૫ નારોજ, પાર્લામેન્ટમાં શ્રી શાસ્ત્રીજીએ બયાન આપ્યુંકે, "China's allegation is untrue. If China attacks India it is our firm resolve to fight for our freedom. The might of China will not deter us from defending our territorial integrity."

પાકિસ્તાન ઑક્યુપાઈડ કાશ્મીર સહિત,પાકિસ્તાનના ઘણા વિશાળ પ્રદેશ પર કબજો કરી લીધા પછી, યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી. જોકે, `સિક્યુરીટી કાઉન્સીલ ઑફ યુનાઈટેડ નેશન્સ ઑર્ગેનાઈઝેશન` ના પ્રયત્નથી, સૉવિયેટ સુપ્રિમો કૉસિજિનના, આમંત્રણને માન આપી, તાસ્કંદ ખાતે, પ્રખ્યાત`તાસ્કંદ કરાર` થયો જેમાં, પાકિસ્તાનને, દોસ્તીની એક તક આપવા માટે, જુની લાઈન ઑફ કન્ટ્રોલને માન્ય રાખીને, જીતેલો, કબજે કરેલો તમામ પ્રદેશ, પાકિસ્તાનને પરત કરી, તાઃ૧૦ -જાન્યુઆરી, ૧૯૬૬ના  રોજ, યુદ્ધ સમાપ્તિની વિધિવત ઘોષણા કરવામાં આવી. 

પરંતુ, અત્યંત સંવેદનશીલ શ્રીશાસ્ત્રીજીનું હ્યદય અચાનક તેજ રાત્રે દગો દઈ ગયું અને ૬૧ વર્ષની ઉંમરે, એક ગંભીર હ્યદયરોગના હુમલાએ, તેઓનો પ્રાણ હરી લીધો. આખોય દેશ કારમા આઘાતથી, આક્રંદ કરી ઉઠ્યો. તેમનાં આખરી દર્શન કરવા માટે, દીલ્હીમાં, જાણે આખું ભારત ઉમટી પડ્યું. 

વિદ્વાન રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડૉ. શ્રીરાધાકૃશ્નનજીએ દુઃખી હ્યદયે, શ્રીશાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પતાં ," Quiet, unostentatious but determined nationalist." તરીકે ઓળખાવ્યા. જ્યારે શ્રીમતીઈંન્દીરા ગાંધીએ, તેમને,"A true soldier of the congress – a fighter for peace among men, for human liberation and progress." તરીકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

હાલમાંજ, કાશ્મીરના વકરી ગયેલા, હિંસક ગુમડા પર મલમ લગાવવા,  ત્યાંની પ્રજાનાં, બિડાયેલાં દિલનાં દ્વાર ઉઘાડવા,આપણી યુ.પી.એ. સરકાર ફાંફે ચઢી છે ત્યારે, એક સવાલ થાય છેકે, તેમાંના કેટલાકને, કાશ્મીર સમસ્યાને ઉકેલવા, સ્વ. શ્રી શાસ્ત્રીજીએ ઉચ્ચારેલા, સ્પષ્ટ વિચારો યાદ હશે?

કાશ્મીરને હાથવગું કરવાના નાપાક ઈરાદા સાથે, પાકિસ્તાને આદરેલા, સન-૧૯૬૫ના ઈંડો-પાક યુદ્ધમાં પાકિસ્તાનને ભૂંડી  રીતે પરાજીત કર્યા બાદ, ભારતની ઉજ્જવળ પરંપરા અને સંસ્કૃતિને શોભે, છતાં ઈરાદાની મક્કમતાને બરકરાર રાખીને, સ્વ.શ્રીલાલબહાદુર શાસ્ત્રીજીએ વ્યક્ત કરેલા વિચારો, આજેપણ આપણને કામ લાગે તેવા નથી શું? સ્વ.શ્રીલાલબહાદુર શાસ્ત્રીજીએ, દેશની ઉન્નતિ કાજે  ઉચ્ચારેલા, કેટલાક શબ્દતો, તેમના વિષે કાંઈ નહીં અથવા અલ્પ માહિતી ધરાવતા, આજના યુવાઓ માટે પણ પ્રેરણાદાયક છે.

* " ભારત ચાહે છેકે, શાંતિમય સહઅસ્તિત્વની માન્યતા, સમગ્ર દુનિયામાં ફેલાય. શાંતિમય સહઅસ્તિત્વની માન્યતા`જીવો અને જીવવા દો`ની સર્વસંમત નીતિનો સ્વીકાર. તે માટે, તે બંને દેશ વચ્ચે, મતભેદ કેટલા ઊંડા છે? તેઓ કેવી આર્થિક કે રાજકીય વિચારસરણીમાં વિશ્વાસ ધરાવે છે? તે બંને  વચ્ચે મતભેદ ઊભા કરતો  વાદવિવાદ કેટલો તીવ્ર કે આવેશાત્મક છે? જેવી બાબતોને  વચ્ચે લાવ્યા વગર, સમાધાનકારી વલણ અપનાવીને, તંદુરસ્ત, વિશ્વાસ અને શાંતિના વાતાવરણમાં, બંને દેશો વચ્ચે, વાતચીત દ્વારા ઉકેલ મેળવવાની ભારતની નીતિ રહી છે. ."

* આપણે ભારતનો ખરેખર વિકાસ ચાહતા હોઈએ તો, આપણે વધારેને વધારે સ્વદેશી ટેકનીશ્યન્સ, ઍન્જિનિયર્સ અને સાયન્સિસ્ટને પેદા કરવા પડશે.

* આપણે, સ્વચ્છ, કાર્યક્ષમ, વિવિધતાલક્ષી, સંવેદનશીલ અને જવાબદાર  શાસનપ્રણાલી વિકસાવવા પ્રત્યે ધ્યાન કેંદ્રિત કરવું જોઈશે.

* કોઈ થોડાઘણાના ભાગે, વિપુલ સંપત્તિની વહેંચણીને બદલે, દેશના છેવાડાના માનવ સુધીના સુખ કાજે ઝઝૂમવાની તૈયારી કરવી પડશે.

* આપણા દેશમાં, આજની સહુથી મોટી સમસ્યા ગરીબી સાથેનો જંગ છે. ગરીબીને હરાવવાના સામુહિક પ્રયત્નમાં સહુએ લાગી જવું જોઈશે.

* " આપણા દેશના, નવયુવક અને યુવતીઓને મારી અપીલ છેકે, ભારતના ઉત્થાન અને  એકતા માટે, તેઓ પોતાનામાં, ગુણવત્તાસભર ચારિત્ર્ય અને દેશભક્તિ સાથે, સ્વયં શિસ્તની ભાવનાને, ભારોભાર વિકસાવે."

મિત્રો, ભારતનું દુર્ભાગ્ય છેકે, એક રેલ્વે અકસ્માત થતાંજ, નૈતિક જવાબદારી સ્વીકારીને, પોતાના રેલ્વેમંત્રીપદેથી રાજીનામું આપી શકે તેવા શ્રીશાસ્ત્રીજી જેવા, નિસ્પૃહી, નિર્મોહી નેતાઓ, હવે અવતાર જ ધારણ કરતા નથી..!!

આપણને ચિંતા કરાવે તેવો, અણઘડ, ભ્રષ્ટાચારયુક્ત વહીવટ કરતા, આ  " U.P.A.= ઉધાર પંચાતિયા ઍસોસિયેશન"ના ભ્રષ્ટ,કૌભાંડી તથા ઘમંડી અને સ્વાર્થી નેતાઓને  ભવિષ્યમાં આપણે, કઈ કચરાપેટીમાં નાંખીશું?  કારણકે, આ તો પરમાણું કચરાથીય, વધારે હાનિકારક હોય તેમ આપને નથી લાગતું?

માર્કંડ દવે. તાઃ૦૨-૧૦-૨૦૧૧.

1 comment:

  1. Dear Mr. Dave,

    Today I was just searching on internet few good things about Mr. Lal Bahadur Shashtri and I came across your blog. I do not write but I love literature and reading. I am really impressed by your writing skills and I shall further devote time reading your other articles as well. My tributes to Indian Leader, Lal Bahadur Shashtri and honour for people like you who still acknowledge their efforts.

    Dr. Ravindra Joshi

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.