Tuesday, September 27, 2011

નવરા(ત્રી=ખાણી-પીણી-મસ્તી)


નવરા(ત્રી=ખાણી-પીણી-મસ્તી)

પ્રિય મિત્રો,

या देवी सर्वभुतेषु शांतीरूपेण   संस्थिताः।
या देवी सर्वभूतेषु शक्तिरूपेण  संस्थिताः।
या देवी सर्वभूतेषु मातृरूपेण    संस्थिताः।नमस्तस्यै,नमस्तस्यै,नमस्तस्यै,नमोनमः॥

જગતજનની, સર્વસુખદાયિની, માઁ જગદંબાનું, અનેરું શક્તિ-ભક્તિ, આનંદ પર્વ, સાવ ઢૂંકડું આવી પહોંચ્યું છે.ચાલો, આજે આપણે, નવરાત્રીના નવલા નવ દિવસના મહિમાની, થોડીક વાતો કરીશું..!!

જોકે, ઘણીવાર તો ઘણા મિત્રોને ખરેખર એ પ્રશ્ન  થાયછેકે, દર વર્ષે, નવરાત્રીમાં, લખલૂંટ ખર્ચ કરતા, ખેલૈયાઓમાંથી , 'નવરાત્રીનો મહિમા' અને 'ગરબો', શબ્દનો, સાચો અર્થ, કેટલાકને જ્ઞાત હશે?

`ગરબો`, શબ્દનો મૂળ અર્થ.

`ગરબો`, શબ્દનો મૂળ અર્થ, `કુંભના ગર્ભમાં (ઘડામાં) પ્રગટાવેલો દીપ`, થાય છે. તેથીજ, રાસ ગરબાના કાર્યક્રમમાં, માતાજીની છબી અથવા મૂર્તિની, સ્થાપના સાથેજ, ભીતર અખંડ પ્રગટે તેવો, દીપ પ્રગટાવીને મૂકેલા,  કાંણાવાળા કુંભની સ્થાપના કરવામાં આવે છે અને તેને `ગરબો` કહે છે.

ગરબા રમવાની પદ્ધતિ પરથી તેની અલગ ઓળખ સ્થાપિત થયેલી છે, જેમકે, દાંડિયા રાસ, એક તાલી, ત્રણ તાલી, ખંજરી-મંજિરા ડાન્સ, દીવા નૃત્ય (જેમાં ૧૦૦૧ દીવાની આરતી પણ થાય છે..!!) ,ટીપની નૃત્ય, તલવાર ડાન્સ, બેડાં ડાન્સ, થાળી ડાન્સ, છત્રી ડાન્સ, કેવળ આઠ ખેલૈયા રમે તે 'અઠંગો' અને સોળ ખેલૈયા રમે તેને 'સોલંગો' ડાન્સ કહે છે..!! વર્તમાન ૨૦૧૦ના ગરબા ક્લાસિસમાં, વળી હિપહોપ,સાલસા, જાઝ, વિગેરે વિદેશી નૃત્ય શીખવવાનું ચલણ જોરમાં છે?

ગુજરાતની ઓળખ  સમાન, રાસ-ગરબાએ , છેલ્લા કેટલાક દસકાઓથી, આખાય ભારત જ નહીં, વિદેશમાં વસતા ગુજરાતીઓના ઉલ્લાસ અને ઉત્સાહને કારણે, લૉસ એન્જેલેસ (USA), લંડન, લૅસેસ્ટર અને બર્મિંગહામ ( UK ), ન્યૂ સાઉથ વૅલ્સ, સિડની, મૅલબૉર્ન, બ્રિસબૅન અને પર્થ (ઑસ્ટ્રેલિયા), દુબાઈ કન્ટ્રી ક્લબ હૉટેલ ( Dubai - UAE) , જેવા  સાવ  અલગ જ સંસ્કૃતિની ઓળખ ધરાવતાં સ્થળ - કાળ - દેશની, સંગીત-નૃત્યપ્રેમી જનતાને પણ, આપણા રાસ-ગરબાનું ઘેલું લગાડ્યું છે.

અમદાવાદની પોળમાં યોજાતા 'શેરીગરબા'નો, આજે વર્ષો પછી પણ એવોજ ચાર્મ જળવાઈ રહ્યો છે. સાથેજ અત્યંત જોશ અને ઉમંગ ભરેલા,પાવન સ્થળ, પોશીના(સાબરકાંઠા), બાલારામ, અંબાજી, પાવાગઢ તથા સૌરાષ્ટ્રના કચ્છ-ભૂજ  વિસ્તારના, અદ્વિતિય દાંડિયા - રાસનું તો પૂછવુંજ શું? આવા  રાસ-ગ્રુપને તો, પોતાની કળા રજુ કરવા, ખાસ વિદેશમાં પણ, સાદર આમંત્રણ મળે છે..!!

સર્વને વિદિત છેકે, સન- ૧૯૭૦ ના, દશકની શરૂઆત સુધી, નવરાત્રી મહોત્સવ, પોતાની પોળ, શેરી, મહોલ્લા, કે બેચાર સોસાયટીના રહીશો  ભેગા મળી, જરૂર પુરતી  રકમનું   ઉઘરાણું (દાન) એકઠું  કરીને, રંગેચંગે ઉજવતા. જેમાં દરરોજ રિસેસ દરમિયાન ચ્હા-કોફી કે નાસ્તાનો પણ પ્રબંધ રહેતો, ક્યારેક વળી આશ્ચર્યરૂપે, કોઈ દાતા તરફથી, તમામ ખેલૈયાઓને, પ્લાસ્ટીકની સસ્તી વસ્તુઓથી લઈને સ્ટીલના મોંઘા વાસણ સુધીની, લહાણી પણ વહેંચાતી હતી..!! 

મિત્રો,અમદાવાદની પોળની એક ખાસિયત એ પણ છેકે, અહીં આપને આખી દુનિયા ફરો તો પણ જે નમૂના ન જોવા મળે તેવા થોડાક હટેલા,ફાટેલા,ભટકેલા પરંતુ છતાંય સ્વભાવે સેવાભાવી તેવા કેટલાક ભાઈ-બહેનો જરૂર મળી આવશે...!!

આવા ખાસ-મ-ખાસ પોળવાસીઓ નવરાત્રી જેવા કોઈ તહેવાર ન હોય ત્યારે, પોળના દરેક ઘરના સભ્યોની એક બૂમ પડે દોડી જઈને, શાકભાજી લાવવાથી માંડીને અનાજ દળાવવા સુધીનાં કામ કરી આપતા જોવા મળે..!! બદલામાં દરેક ઘરમાંથી તેને પ્રેમપૂર્વક ચ્હાપાણી નાસ્તો તથા જમવા સુધીનો મીઠો આવકારો મળે..!! એટલુંજ નહીં, આવા નમૂનાઓ, જો કોઈ મદિરા પ્રેમી પોળવાસીનું કામ કરે ત્યારે, એકાદ બે પેગ તેને પણ `ON THE ROCKS` સીપ કરવા મળે? જોકે ત્યાર બાદ, પોળના નાકે, આવા ઉ(મ)દ્યમી સેવાભાવીની, બધા યુવકો  ઠઠ્ઠા-મશ્કરી ઉડાડે તે વળી અલગ કહાની છે..!!  

આતો ઠીક પરંતુ, નવરા(ત્રી)ના આગમન સાથેજ આવા સેવાભાવી નમૂનાને પોળના ચોકની મધ્યમાં સવારથીજ તાલેમાલે તૈયાર કરીને, માતાજીના સ્થાનક તથા મંચ સહિતની તમામ જવાબદારી સોંપવામાં આવતી..!! 

હદ તો ત્યારે થતીકે. સાંજના છએક વાગતાં આવા સ્થાયી જનરેટરમાં જરૂર કરતાં વધારે પેટ્રોલ (મદ્ય-ઈંધણ) ભરીને તેને સ્ટેજ પર બેસાડી, આવડે તેવી રીતે માતાજીની આરતીની ઊછરામણીનું એનાઉન્સમેન્ટ કરવા બેસાડી દેવાતા..!! 

જોકે, આવા સ્થાયી જનરેટરમાં જરૂર કરતાં વધારે ઈંધણ ભરાઈ ગયું હોવાથી તે પોળના દરેક `માઈભક્તો`ને ચીસો પાડતા અવાજે, ` માતાજીની આરતી, એકહજાર.. એકવાર... બેવાર... અઢીવાર...પોણાત્રણવાર..!!` એમ બરાડીને, સાંજના છથી રાત્રિના દસ વાગ્યા સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા..!! આ લાઉડસ્પીકરના કાન  ફોડી નાંખતા અવાજથી પોળમાં જોકે ભાગ્યેજ વિરોધ થતો. 

હા, પોળના રહીશોનાં નાના બાળકોમાંથી કોઈ મંચ પાસે ધમાચકડી મચાવી જો, માતાજીના સ્થાનક અથવા તો માઇકમાં મોં નાંખીને, એનાઉન્સમેન્ટ કરવાના પોતાના એકમેવ હક્ક પર તરાપ મારવાની કોશિશ કરે ત્યારે આ   ઉ(મ)દ્યમી જનરેટરમાંથી, બ્લાસ્ટ થતા અવાજે, ગંદી ગાળોનો ધોધ માઇક દ્વારા લાઉડસ્પીકરમાં સંભળાતો તેવા સમયે, જેતે બાળકના પરિવાર દ્વારા થોડોઘણો વાંધો-વિરોધ-ઝઘડો ઉભો કરાતો, પણ પાછો કોઈની મધ્યસ્થી દ્વારા જલદી શમી પણ જતો..!!   

આ પ્રકારે પોળમાં નવરાત્રી દરમિયાન દરરોજ, આવ ફરજપરસ્ત, સક્ષમ જનરેટરો, રાત્રિના દસ વાગતાં-વાગતાંતો, પોતાના (મદ્ય)  ઈંધણદાતાની આંખના ઈશારે,` માતાજીની આરતી...છેલ્લીવાર..એક હજારમાં ગઈ...ઈ..ઈ..ઈ..!!` ની મરણિયા ચીસ સાથે જેતે દિવસની આરતી ઊછરામણીને બીજા દિવસ સુધી વિરામ આપે અને આખા વર્ષમાં માત્રને માત્ર નવરાત્રીના નવદિવસ માટેજ, ભક્તિ ભેખ ધરનારા કોઈ સૂરા-બેસૂરા મનાતા માઈભક્ત પોતાના સાજિંદા સાથે મંચસ્થ થઈ સવારના ત્રણ-ચાર વાગ્યા સુધી, `આગે ઊં ઔર પીછે પૂં` નીકળે તેવા ઘોઘરા સાદે, પોળવાસીઓની સેવામાં યથાશક્તિ યોગદાન આપી,ભરપેટ ફાફડાભાઈ-જલેબીબાઈ ઝાપટીને,પોતાનું પરિશ્રમીક મેળવી, સવારે ચારવાગે, ખભે ઢોલકાં-પેટી લટકાવીને, પોતપોતાના રસ્તે દાંડે પડતા જોવા મળે..!!   

આપણા દેશના વિભિન્ન રાજ્યોનાં પરંપરાગત લોકનૃત્ય અંગે, જાણવા જોગઃ- 

જેમકે, ગુજરાત- રાસ-ગરબા. ઉપરાંત,  મહારાષ્ટ્ર અને ગોવા - લાવણી ;   છત્તીસગઢ- પન્થી નૃત્ય ;બિહાર- કર્મા/મુન્ડા નૃત્ય ; અરૂણાચલ પ્રદેશ- બર્ડોછમ નૃત્ય ; આંન્ધ્રપ્રદેશ -થપેટ્ટા ગુલ્લુ નૃત્ય ; રાજસ્થાન- હરિયાણા -ઘૂમ્મર નૃત્ય ; ઑરિસ્સા - ટાઈગર નૃત્ય ; વૅસ્ટ બંગાળ- ગંભીરા અને અલ્કપ નૃત્ય ; ત્રિપુરા - હોજગીરી નૃત્ય ; તામિલનાડુ - કામાન્દી અને થેરૂ કુથુ નૃત્ય ; સિક્કિમ - સિન્ઘીછમ નૃત્ય ; પંજાબ - ભાંગડા નૃત્ય ; પોંડીચેરી -ગરડી નૃત્ય ; નાગાલેન્ડ - ચન્ગલૉ નૃત્ય ; મિઝોરમ - ચેરૉ ડાન્સ ; મણિપુર - થન્ગતા અને ડોલચોલમ નૃત્ય ; મધ્ય પ્રદેશ - ચાર્કુલા અને જવારા નૃત્ય ; લક્ષ્યદ્વિપ - લાવા નૃત્ય ; કાશ્મીર - ડુમ્હાલ નૃત્ય ; કર્ણાટક - યક્ષગણા અને ડોલ્લુ કુનિથા નૃત્ય ; હિમાચલ પ્રદેશ - કિન્નરી નટી અને નંગેન ન્રુત્ય,  જેવાં અનેક મનમોહક લોક નૃત્યનું, 

નવરાત્રી અંગે કરાતા સાચા-ખોટા આક્ષેપો, ( તથ્ય અને તારણ )

શું આપને આ આક્ષેપમાં તથ્ય લાગે છે કે, આ કારમી મોંઘવારીમાં, સતત, આથિક તંગીમાં જીવનનિર્વાહ કરતા, ઘણા બધા, માતા-પિતાને, નવરાત્રી નજીક આવે ત્યારે પોતાના સંતાન માટે, `ગરબા ક્લાસીસ`, નવ દિવસ માટે, નવ અલગ ચણીયાચોળી અથવા કાનુડાના ડ્રેસ, અવનવી ડીઝાઈનનાં ઑક્સીડાઈઝનાં નકલી ઘરેણાં, ગરબાના સ્થળે, મોંઘોદાટ પ્રવેશ પાસ,   આવવા જવાનો   અને   ખાણીપીણીનો ખર્ચ ગણીને, સંતાન   દીઠ,   નવ-દસ   દિવસનો   કુલ    ખર્ચ, ` . ૫૦૦૦/- થી લઈને  `. ૫૦,૦૦૦/- અને ક્યારેક તો, તેથી પણ વધારે રકમની જોગવાઈ, કરવાની ફરજ પડે છે?

જોકે, આજકાલ તો, નવરાત્રીના રંગમાં,અન્ય કોઈથી સહેજપણ  નીચા ન દેખાઈ જવાય તે માટે, જેમનાં ખીસ્સાં ખાસ ગરમાગરમ, હોય છે, તેવાં ભાઈઓ અને બહેનો માટે, હાટડીઓ, નવરાત્રીના મહિનાઓ અગાઉથીજ મંડાઈ જાય છે. જેમાં, બહેનો માટે, ચણીયા ચોળીમાં સજાવેલા રંગબેરંગી મણકા, નાના શંખ,કૉડી,છીપલાં, આભલાં (mirror)  અને ભારે પ્રમાણમાં ઍમ્બ્રોયડરી વર્ક કરેલું હોય છે. આર્ટીફીસીયલ ઘરેણાંમાં, ઑક્સૉડાઈઝ  મેટલનાં ઝૂમખા, નેકલેસ, ભાતભાતની બિન્દી, બાજુબંધ, ચૂડા, કંગન, કમરબંધ, પાયલ, પગમાં અવનવી મોજડીઓ, રોજ નવી ઓઢણીઓની, એકમેકથી ચઢી જાય તેવી, વિવિધતા જોવા મળે છે. 

જ્યારે, ભાઈઓ માટે, કફની-પાયજામા, કેડીયાં, નાના કુર્તા, જાતજાતની બાંધણીમાંથી બનાવેલા પાઘડી, ફેંટા, ઘરેણામાં રબારી સ્ટાઈલનાં કડાં તથા વિવિધ રંગની મોજડીઓની વિવિધ શ્રેણી પસંદગી માટે હાજર હોય છે. 

જોકે, નવરાત્રી બાદ ઍબોર્શન અને જાતીય રોગના દર્દીઓમાં, અપ્રતિમ વધારો થવાના આક્ષપોથી અકળાયેલા, એક મિત્ર કહે," મહિષાસુરમર્દિની, માઁ દુર્ગા-ચંડિકાએ, તેમના પર કુદ્રષ્ટિ કરનારા, માઁસ-મદિરાનું સેવન કરનારા, રાક્ષસવૃત્તિ ધરાવતા, મહિષાસુરનો વધ કર્યો તો, પછી, તેજ માતાની ભક્તિ અને તપ કરવાના પાવન દિવસોમાં, રણચંડી, માઁચંડિકાના સાક્ષાતરૂપ સમી, ગરબે ઘૂમતી આ, કન્યાઓ, નવરાત્રીની નવરાત  દરમિયાન, પોતાની મજાક-મશ્કરી કે લાજ લૂંટવાની કોશિશનો મલિન ઈરાદો ધરાવતા, કળીયુગી રાક્ષસોનો વધ કરવાનું તો દૂર, તેમનો વિરોધ પણ નથી કરી શકતી?" 

સાલું..!! વાત તો વિચારવા જેવી છે. આવા પાવન પર્વમાં, આ પ્રકારના, `સેક્સ્યુઅલ હેરેસમેન્ટ`થી પીડાતી, દરેક ભારતીય કન્યાઓએ, આ પ્રશ્નનો જવાબ મેળવવા, પોતાના અંતર મનમાં, ખોજ કરવી જોઈએ? 

માની લઈએકે, આપણી ગુજ્જુ કન્યાઓ નવરાત્રી દરમિયાન હજુ પોતાને, સેક્સની લપસણી લાલચમાંથી બચાવી જાણે છે..!!  પરંતુ, શું મુંબઈની આશરે, ૫૦,૦૦૦ બારબાળાઓ, નવરાત્રીના સમયગાળામાં, ગુજરાતમાં નવરાત્રીના બહાને,  નૃત્ય કરવા ( લટકાઝટકા?)  થનગની રહી છે? જો આ સત્ય હોય તો, આપણા ગુજ્જુ યુવાનો, તેમના સેક્સી લટકાઝટકાઓના આકર્ષણમાંથી બચી શકશેકે કેમ, તે એક અતિ ગંભીર સવાલ છે? 

ગુજરાતમાં, પોતાની સોસાયટીના રહીશો પુરતું, નવરાત્રી મહોત્સવનું આયોજન કરતાં,કેટલાક સુપ્રસિધ્ધ સ્થાનિક મંડળોના, આયોજનકર્તાઓએ તો, આવા  બધા આક્ષેપોથી પીછો છોડાવવા, નવરાત્રીનું આયોજન  કરવાનુંજ  બંધ  કરી  દીધું છે. પણ તેથી શું?

આ તો એવી વાત થઈકે, પોતાના ઘરમાં,  પ્રેમી સાથે રોમાન્સ કરતી દીકરીને નિહાળીને, ફરીથી તેમ ન બને તે માટે, જે  સોફાસેટ પર રોમાન્સ થતો હતો, તે સોફા વેચીને, કાયમી નિરાંત અનુભવી? આમ કરવાથી તો , યુવાધન, સાવ અજાણી, અસલામત જગ્યાએ, નવરાત્રી માણવા, જવા નહીં પ્રેરાય?

UNICEF - Gujarat ના સર્વે પ્રમાણે, "Among the estimated 5.1 million people living with HIV/AIDS in India, 15% are children under 15 years of age."

જોકે, કેટલાક ઉદાર મતવાદી વિશ્લેષકો અને યુવાઓના મત અનુસાર," ૧૮ વર્ષની પૂખ્ત વયે પહોંચેલી વ્યક્તિને, તેના ભલાબૂરાનું જ્ઞાન હોય છે જ..!! આજના આધુનિક યુગમાં જન્મેલાં, કુમાર,કન્યા, એટલાં તો સ્માર્ટ છેજકે, તેઓ જે કાર્ય કરે તેમાં પુરતી સાવચેતી જાળવી શકે...!! તેથીજ, તેમને કોઈ બાબતે, પરાણે આપવામાં આવતો ઉપદેશ, તે હંમેશા, એક કાન થી બીજા કાનમાંથી કાઢી નાંખતા હોય છે, તો તેવા સંભાષણ કે ઉપદેશનો ફાયદો શું?"

એક  યુવાન કૉલેજ કન્યા મને કહે," અંકલ, આવા આક્ષેપોમાં કોઈ દમ નથી. કોઈ યુવા કપલને, રોમાન્સ કરવોજ હોય તો, આડા દિવસે, અમે બધા મનફાવે ત્યાં ફરતાજ હોઈએ છેને, અમને કોણ રોકવા આવે છે?"

પરંતુ, મારી બહેન..!! આમાં કોઈ ઉપદેશ આપવાનો સવાલ જ નથી. જેને જે કરવું હોયતે, ભલે કાયમ, ગમે તે કરેને? પરંતુ, નવરાત્રીના બહાના હેઠળ?

 * જે કુમાર કે કન્યા, જાતીયતાની બાબતમાં અજ્ઞાન હોય,  * ઉપરાંત જેમની, આવાં ધૃણિત કાર્ય પ્રત્યે, નામરજી હોય, 

* જેમને છેતરીને નિર્દોષ પીણાં પીવાના બહાને ડ્રગ્સ ભેળવી,લાચાર, અભાનાવસ્થાનો લાભ લેવાતો હોય, 

* જેમની લજ્જા-શીલ કે મર્યાદા ભંગ થાય તેવા ગંદા ઈશારા કે ચેનચાળા કોઈ કરે, તે ગમતી વાત નહોય,

* જે આ રીતે, પોતાની પર થયેલા, અત્યાચારી બળાત્કારને સાંખી લેવા ન માંગતા હોય, 

તેવા સર્વ યુવા કુમાર-કન્યાઓને માટે, આવી કફોડી અને પોતાના સ્વમાનભંગ જેવી, હીણપતભરી પરિસ્થિતિથી બચવા માટે, શું સાવધાની રાખવી જોઈએ અથવા તેની વિરુદ્ધ કાયદામાં કઈ જોગવાઈઓ કરેલી છે તેનું જ્ઞાન આપવું, ઉપદેશ  આપ્યો,  કેવી રીતે કહી શકાય?

" While a murderer destroys the physical frame of the victim, a rapist degrades and defiles the soul of a helpless female."

As observed by Justice Arjit Pasayat. (Hon'ble Dr. Justice Arijit Pasayat ; Born on 10.5.1944; Appointed as Judge , Supreme Court of India on 19-10-2001; Retired on 10-05-2009)

જોકે, નીચે જણાવેલ, કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા સહેલું નથી..!!

* શું નવરાત્રી દરમિયાન,તમારો ડ્રેસ સેક્સી અને વ્યવહાર, કોઈ દિલફેંફ મજનુને, તમારા વિષે, ખોટા સંકેત આપે તેવો છે? 

* શું નવરાત્રી દરમિયાન, આકસ્મિક થયેલ મિત્ર, પુરતા પરિચય વગરજ, તમને સીધીજ લગ્નની લાલચ આપે છે?

* શું, નવરાત્રી દરમિયાન, ગુજરાતની મોટાભાગની હૉટલ-લૉજ હાઉસફુલ રહે છે?

* શું આ ગાળા દરમિયાન, કંડોમ્સ અને કૉન્ટ્રાસેપ્ટિવ પીલ્સનું  વેચાણ  ૩૦%  જેટલું  વધી  જાય  છે? 

* શું  જેમને નવરાત્રીની આસ્થા સાથે, કોઈજ લેવાદેવા નથી, તેવા હિંદુ સિવાયની, અન્ય તમામ કોમના, માઁસાહારી, વિધર્મી યુવકો, તમારી સાથે  મૈત્રી કરીને, ટ્રેડીશનલ ડ્રેસમાં, તમારા ગ્રુપ સાથે, ગરબે રમવા આવવા માટે, સફળ-નિષ્ફળ, પ્રયત્ન કરે છે?

* શું કોઈ ચોરીછૂપીથી, મૉબાઈલ અથવા અન્ય હેન્ડી કૅમેરાથી, તમારા ફોટા અથવા વીડીયો ક્લીપ ઉતારવાનો પ્રયત્ન કરે છે?

નવરાત્રીપર્વને સલામતીપૂર્વક માણવા, આટલું જરૂર કરો. 

* જગતજનની,રણચંડી  માઁ ભવાનીના જપતપ માટે યોજાતા, ગરબામાં ભાગ લેતી વેળાએ, રોડ રોમિયોની અભદ્ર કૉમેન્ટ પ્રત્યે, તમારો મિજાજ પણ, માઁ ચંડિકા જેવો, ઉગ્ર, 'ZERO TOLERANCE'નો  રાખો.

* કોઈપણ પ્રકારનું વ્યસન કરનારાકે, ફ્રેન્ડશીપ કરવાના બહાને, અગાઉ અન્ય સાથે, શારીરિક છૂટછાટ લઈ ચૂકેલા હોય તેવા, ખેલૈયા ગ્રુપ કે કપલથી, બને તેટલા છેટાજ રહો. શક્ય હોય તો તમને, જેના પર વિશ્વાસ હોય તેવા સગાસબંધી અને  મિત્રોનું,પોતાનું જ અલગ ગ્રુપ બનાવો.

* કોઈ બદઈરાદો ધરાવતા હોય તેવા, ' One night stand ' નો આનંદ ભોગવવામાં માનનારા અથવા અજાણ્યા ખેલૈયાના હાથે, કોઈજાતનું પીણું કે નાસ્તો લેવાનું ટાળો. તમારી છઠ્ઠી ઈંન્દ્રીયનો મહત્તમ ઉપયોગ કરો.

* ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં, તમારો આત્મવિશ્વાસ નબળો પડવા ન દેશો.યાદ રાખો 'સેક્સ મૅનિયાક' સ્વભાવે, હંમેશા બીકણ હોય છે.

* તમારા ગ્રુપ સાથે, કારણ વગર કરાયેલા ટંટા-ઝઘડા જેવી, કોઈપણ સ્થિતિમાં, કોઈ અજુગતું સમાધાન સ્વીકારવાને બદલે, સીધાજ, પોલીસની સહાય મેળવો.

* તમારી સાથે આવેલા તમામ મિત્ર, તમારી સલાહ ન માનીને, વ્યસન કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય અને તમે સાવ એકલા પડી જાવ તો, તેમની રાહ જોઈને, ત્યાં રોકાવાને બદલે, સહેજપણ  વિલંબ કર્યા વગર, ઘર ભેગા થઈ જાવ.

* ગુજરાતમાં, ગરબાનો સમય માત્ર રાત્રીના ૧૨ વાગ્યા સુધીનો છે, ત્યારબાદ મોડી રાત સુધી, આડાઅવળા ફરવાને બદલે, સમય વિત્યે ઘેર પહોંચીને, આરામ કરવાનું રાખો.

* નવરાત્રીના, દર ત્રીજા દિવસે, ઘેર વહેલા પહોંચી,ઉજાગરા ભરેલા, થાકેલા શરીરને, પાકી ઊંઘ ખેંચી નાંખીને, પુરતો આરામ આપો.

* ચરબીયુક્ત ભારે ખોરાકને બદલે, હલકો ખોરાક અને પાણી કે છાશ જેવું, કુદરતી પ્રવાહી, શક્ય તેટલું વધારે લો. હદ બહાર તરસ લાગે ત્યાં સુધી, પાણી પીવાની રાહ ન જુવો. વચ્ચે-વચ્ચે થોડું પાણી પીતા રહો. બહારના જંકફૂડની ક્વૉલીટીની ખાત્રી કર્યા વગર, તેનો ચટાકો હરગીજ ન કરશો. શક્ય હોય તો ઘરનો બનાવેલો નાસ્તો સાથે રાખો.

* ઝડપથી થકવીને, ડીહાઈડ્રેશન કરે તેવા, અતિશય સજાવટવાળા, ભારે ડાન્સ ડ્રેસ પહેરવાનું ટાળો. કોઈની વિકૃતિને લલચાવે, તેવા શરીરનાં અંગપ્રદર્શન કરતા ડ્રેસ પહેરવાનું ટાળો. આમેય પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર,ગરબાના સ્થળે પ્રવેશ માટે, જીન્સ, જર્સી, ટીશર્ટ તથા સ્કર્ટ  જેવા વસ્ત્રોને, અભદ્ર (indecent dresses) ની શ્રેણીમાં ગણવામાં આવે છે, તેથી સાદો ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને જવાનો આગ્રહ રાખો.

* ગરબે ઘૂમતાં, સહેજપણ થાક અનુભવાયતો, ભીડ ભરેલી જગ્યાએ, થોડોક વિરામ કરી લો. હૉટલ,લૉજ,ફાર્મ હાઉસ  જેવા એકાંત સ્થળ પર, આરામ કરવાના આમંત્રણને, શરમ વગર, વિવેકપૂર્વક પાછું ઠેલો.

* આખરે શરીરની પણ  એક મર્યાદા છે. હાથ-પગના સ્નાયુઓની ઈજા કે અસહ્ય દર્દથી રાહત મેળવવા,  'Ibuprofen', જેવી વેદનાપરિહારક ગોળીઓ, (તબીબની સલાહ લઈનેજ)  હાથવગી રાખો. 

* ગરબાના સ્થળે,પહોંચતાંજ સલામતી માટે, ગોઠવેલા સિક્યુરીટી પર્સન્સ, બાઉન્સર્સ અને ખાનગી ડ્રેસમાં ગોઠવાયેલા, પુરુષ અને સ્ત્રી પોલીસ કર્મચારીઓ, ક્યા-ક્યા  સ્થળે ગોઠવાયેલા છે..!! તે અવશ્ય ચેક કરી લો.

* બૉમ્બ  બ્લાસ્ટ અને દંગા-ધમાલ જેવી ઈમરજન્સીમાં, ઝડપથી બહાર જવા, સહુથી નજીકના ગેટની તપાસ કરી લો.

નવરાત્રીના પાવન પર્વ દરમિયાન,અસામાજીક તત્વો દ્વારા થતી, નિર્દોષ મહિલા ખેલૈયાની. જાતીય સતામણી, રંજાડ અને બળાત્કાર જેવા, જઘન્ય કુકૃત્યને, રોકવા ( Provisions of the Indian Pena Code.) ભારતીય દંડ સહિતાની અગત્યની જોગવાઈઓ પર એક નજર નાંખીશું? 

* Indian Penai Code Section.509 તથા Indian Penal Code ના under Sections.294.4 અનુસાર, કોઈપણ સ્ત્રીની લજ્જા,શીલ કે મર્યાદાનું અપમાન થાય અથવા જાતીય સતામણી  થાય તે પ્રમાણે, જાહેરમાં અયોગ્ય વર્તન કરનાર વ્યક્તિ, જેમકે- દ્વીઅર્થી ગીત ગાવું, અભદ્ર ભાષાપ્રયોગ, ચેનચાળાકે ઈશારા કરવા, ખરાબ ઈરાદાને અનુરૂપ કોઈ ચીજવસ્તુ(object) દર્શાવવવી અને/અથવા નારીના એકાંતના હક્કનો ભંગ થાય, તેવી વર્તણુંકને, કાયદા અનુસાર ગુન્હો ઠેરાવી, તેમ વર્તનારને, એક વર્ષ સુધીની કેદ અને / અથવા દંડ, બંને  સજાને પાત્ર થઈ શકે છે 

* Indian Penal Code ની સેક્સન ૩૭૫ અનુસાર,`બળાત્કાર`ની વ્યાખ્યા મુજબ,નીચે જણાવેલા, છ સંજોગોમાંથી, કોઈપણ એક પરિસ્થિતિમાં આચરવામાં આવેલા,જાતીય સમાગમના કૃત્યને, `બળાત્કાર`નો ગુન્હો ગણી શકાય.

૧. બળાત્કારનો ભોગ બનનારની, મરજી વિરૂદ્ધ આચરેલું કૃત્ય. 

૨.  બળાત્કારનો ભોગ બનનારની, સંમતિ મેળવ્યા વગર આચરેલું કૃત્ય.

૩. બળાત્કારનો ભોગ બનનારની, મોત અથવા ઈજા પામવાના ડર સાથે,ધાકધમકીથી 
મેળવવામાં આવેલી સંમતિ ના સંજોગોમાં.

૪. બળાત્કારનો ભોગ બનનારનો, પોતે, પતિ ન હોવાનું જાણવા છતાં, લગ્નની લાલચ આપીને મેળવવામાં આવેલી સંમતિ 

૫.બળાત્કારનો ભોગ બનનારની, મનઃસ્થિતિ કાબૂમાં ન હોય અથવા કોઈ નશો,કેફ, કે આવેશમાં આવીને અથવા બીનતંદુરસ્ત પદ્ધતિથી બેવકૂફ બનાવીને, અથવા આ કૃત્યનાં પરિણામ સમજવાને અસમર્થ મનઃસ્થિતિના સંજોગો ઉભા કરીને મેળવાયેલી સંમતિ.

૬. બળાત્કારનો ભોગ બનનારની ઉંમર, જો સોળ વર્ષ કે તેથી ઓછી હોય તો તેની સંમતિ હોય કે અસંમતિ હોય તો પણ તેને બળાત્કાર ગણી શકાય. 

"The law of rape is not just a few sentences. It is a whole book, which has clearly demarcated chapters and cannot be read selectively. We cannot read the preamble and suddenly reach the last chapter and claim to have understood and applied  it."                                                              

-   Kiran Bedi.  ( Kiran Bedi - Born 9 June 1949  ; Ex. Director General, BPR&D 

(Bureau of Police Research and Development), Ministry of Home Affairs. She retired from the IPS in December, 2007.) 

સત્ય તો એજ છેકે, જાણે કાલનો સૂર્ય જોવાનું ભાગ્યમાં લખ્યું જ નથી તેમ સમજીને, `આજની ઘડી રળિયામણી રે લોલ`,ની માફક, બેફિકરાઈભર્યા, સ્વચ્છંદતા ભરેલા, મૂક્ત  વાતાવરણમાં, ઘોંઘાટથી ભરેલા, અતિશય ખર્ચાળ, અનેક વ્યસનને તથા અનેક જીવલેણ રોગને આમંત્રણ આપતા, જાહેર તહેવારોની ઉજવણી, કાયદાના પાલકો અને સમાજ માટે, દિવસે-દિવસે ઘાતક પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા હોય તેમ, કોઈને લાગતું હોય તો, નવાઈ પામવા જેવી બાબત નથી જ નથી..!!

બાકીતો, જેમને મન નવરાત્રી એટલે, પોતાનું સ્વમાન ખોઈને, પોતાના જીવનને જોખમમાં મૂકી, આખાય કુટુંબને શરમજનક સ્થિતિમાં મૂકી, બેશરમીથી આઝાદી ભોગવવી, તેમ અર્થ થતો હોય તેવા, માર્ગ ભૂલ્યા તમામ ખેલૈયાઓને, સુધારવા ની કવાયત એટલે..!!

બળદને દોહીને, દૂધ પીવાની આશા રાખવા જેવી, નિરર્થક કવાયત છે, તેમ આપને નથી લાગતું?

માર્કંડ દવે. તા. ૨૭- ૦૯-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.