રે માસી,તારી કરમ-કહાણી..!!
" રે માસી, કેવી તારી, કરમ કહાણી..!!
ભરખી ગૈ મોંઘવારી, ભરમ જવાની..!!"
===========
પ્રિય મિત્રો,
મોંઘવારીબહેનના, શેતાન નામના ભાઈ સાથે ફોન પર, એક વાતોડિયા,પણ કાચા-પાકાં બહેરાં માસીબાનો રોંગ લેન્ડ લાઈન નંબર લાગી ગયો પછી જો થઈ છે?
નોંધઃ છેલ્લે રમૂજી ઑડીયો ડાઉનલૉડ કરવાનું ભૂલતા નહીં.
===========
"એલાવ, તમે કોણ છો?"
" હું? હું શેતાનસિંગ, જરા મોંઘવારીબહેનને ફોન આપોને?"
" શેતાનસિંગ? મોંઘવારીબહેન? આતે કેવાં નામ?"
" હવે ફઈએ પાડ્યાં તે રાખ્યાં..!! હો..હો..હો..હો..હો."
" ભૈ, તમે હસ્યા તે પરમાણે જાણે..કે તમારુ નામ તો બરાબર, પણ બહેનનું નામ મોંઘવારી?"
" એનું નામ મોંઘી છે, પણ ભાઈઓને ખર્ચો બહુ કરાવે છેને? એટલે બધા એને મોંઘવારી કહે છે..!!"
" તે, હેં શેતાન ભૈ, તમારે મોંઘવારી..સૉરી મોંઘીબહેનનું શું કામ છે?"
" આ એની દીકરીનું લગન છે, તે એની ભાભી જોડે સાડીઓ લેવા જવાનું હતું એટલે, મોંઘી હોય તો એને આપોને?"
" ભૈ, આ હાડીઓ તો અમારા જીગ્નેસના લગનનીય લાવવાની છે,પણ આ તમારા કાકા કોઈનું હોંભળે તારેને?"
" માસી, તમે મોંઘીને ફોન આપશો?"
" આ ગયા વખતે, એક વરહ પહેલાંજ અમારા મોટા છોકરાના લગનમાં ધાર્યા કરતા વધારે ખરચ થઈ ગયું, તમેજ કો` ઉપરાઉપરી ખર્ચા પોસાય?"
" ના પોસાય, માસી કોઈને ના પોસાય? મોંઘવારીને તમે બોલાવી?"
" ભોગ લાગ્યા છે, તે હું મોંઘવારીને બોલાવું? મારા બોલાવે થોડીજ આવે છે? આખી પ્રજા એનાથી ત્રાસી ગઈ છે..!!"
" માસી, હું મારી બહેન-મોંઘીની વાત કરું છું. ઘરમાં બીજું કોઈ હોયતો તેને ફોન આપશો?"
" કેમ ભૈ, અત્તારમાં બપોરે તો ઘરમાં બીજું કોણ હોય? તમારે શું કામ હતું?"
" માસી કહ્યુંને, લગનની સાડીઓ ખરીદવા જવાનું છે?"
" અરે,હા..!! તમે કહ્યું`તું, જોને આ ઉંમર થઈ તે ઘડી પહેલાંનુંય યાદ નથી રહેતું, શું કરવું?"
" માસી, મારે મોડું..થા..ય...છે....એ..!!"
" હા ભૈ, તમારા કાકાનેય સવારે ઉઠવામાં રોજ મોડું થઈ જાય, એમને ઉઠાડવાની લાયમાં મારી ચાય ઠરી જાય છે હું કરવું..!!"
" મા..સી, મોંઘવારીને....!!"
" હા ભૈ, મોંઘવારીતો કારમી છે, આ ચ્હાના પડીકાંય જોને, કેટલાં મોંઘા? રૂ.૧૪૦/-ની ૫૦૦ ગ્રામ, આવું તે કોઈ દિ` ભાળ્યું?"
" માસી, મા...સી, મા...આ....સી, મોં-ઘ-વા-રી-ને બો...લા...વો..!!"
" હેં ભૈ, આ મોંઘવારી તમારાથી નાની કે મોટી?"
" અ..રે, મા...સી, મારાથી મોટી બ..સ, હવે તો એને બોલાવો?"
" ખરું ભૈ, મોંઘવારી નાની ન હોય, તે તો કાયમ મોટીજ હોયને, હુંય ભૂંડી કંઈ હમજી નૈં, ખરી છુંને?"
" હે ભગવાન..!! કોણ છે..યાર, આ ડોશીથી મારો કોઈ ઉદ્ધાર કરેતો સારૂં?"
" હાવ હાચું કહ્યું ભૈ, આ કારમી મોંઘવારીમાં અમારો શાક-બકાલાંવાળો છેને તે, એકદિ`નુંય ઉધાર નથી રાખતો.,કોને કહેવું?"
" એ ડોસી, હવે તું મોંઘવારીને બોલાવે છે...કે..પ..છી?"
" અમારા જોશી હારા છે, હોં ભૈ, મહુરત જોવામાં બહુ હારા છે, બાજુમાંજ રહે છે,બોલાવી લાવું?"
" અરે, યા..ર ? માસી, મોંઘીને આપો.મોં...ઘીને આ..પો?"
" ભૈ, ડાલ્ડા ભાવતું નથી,ને દેશી ઘી પોહાતું નથી ને, હવેતો પચતુંય નથી, હું કરવું બોલો?"
શેતાન ( પોતાની પત્નીને)," માથે શું ઉભી છે? આ ડોસી, મોંઘીબહેનને બોલાવતી નથીને, એની કરમ-કહાણી ભૈડ્યા કરે છે, માસી, આ કયો, `X X X X X X`.., ફોન નંબર છે ?"
" ના ભ..ઈ, આતો `Z Z Z Z Z Z Z`.., નંબર છે..!!"
જોરથી રિસિવર પછાડતાં," આ નવરી ડોસીએ તો શેતાનને ય થકવી નાંખ્યો..!! હે ભગવાન, આવી માસીઓથી મને બચાવ..!!"
દોસ્તો, આખોય સંવાદ વાંચી નાંખ્યો, લ્યો ત્યારે હવે આ ઑડીયો માણી જુઓ, પણ જોજો હસતા નહીં..., બહેરી માસીના કાને અવાજ અથડાશે..!!
માસીની કરમ કહાણી (ડાઉનલૉડ લિંક)
http://www.4shared.com/audio/ssqb6-PN/Masi_ni_karamkathani.html
Subscribe to:
Post Comments (Atom)
Saras punch lagavya che monghvari par.
ReplyDelete:)