Thursday, July 15, 2010

શયનખંડે સૂર્યાગ્નિ..!!

શયનખંડે સૂર્યાગ્નિ..!!


" પાપનું ઓશીકું કરીને, સુવા મથું હું..!!
  પગલૂછણીયે  પૂન્ય,  ઠેકવા મથું હું..!!"


" A good wife is one who serves her husband in the morning like a mother does, loves him in the day like a sister does and pleases him like a prostitute in the night.

`Chanakya Niti`"


નોધઃ- આ પત્ર કથા, સમાજની, કેટલીક એવી, ફૂવડ નારીઓને અર્પણ, જેમને મન પુરૂષ એ, ચાવી આપેલું  રમકડું છે. જેણે કુટુંબને તોડવાના, પાપનાં ઓશીકાં બનાવી, પૂન્યને પગલૂછણીયે, સ્થાન આપ્યું છે. આ  કથા, રહી રહીને, સઘળું લૂટાયા પછી, પગલૂછણીયે પૂન્ય શોધવા મથતી,એક નારીએ  કરેલી, નિખાલસ કબૂલાતની, વ્યથા-કથા છે..!!

=======

પ્રિય આસવ,

આજે મને, તારાથી અલગ થયે, બરાબર દસ દિવસ થયા છે. આ દસ દિવસ દરમિયાન, ગાઢ ચિંતન કરતાં-કરતાં કેટલુંક સત્ય લાધ્યું છે. સાથેજ, આજે તે સત્યને, તારી સમક્ષ, ખૂલ્લા મનથી  સ્વીકારવાની ઈચ્છા, મારા મનમાં, જોર પકડી રહી છે.

પરંતુ, મને ખબર છે, મેં અત્યાર સુધી, આયાસ-પ્રયાસપૂર્ણ, ઉદ્ધતાઈપૂર્વક કરેલી, મારી ભૂલોને, તું  માફ નહીં જ કરે અને માફ કરે તોય, હવે  ઘણુંજ મોડું થઈ ગયું છે.

પણ,  પશ્ચાતાપરૂપે  આજે , તને એક તૂચ્છ  રમકડું સમજીને, ક્રૂરતાપૂર્વક, તારા જીવન સાથે,  મેં  કરેલી તમામ રમતનો,   હું  જાતેજ પર્દાફાશ કરવા ઈચ્છું છું.

તારી સાથે કૉલેજમાં, હું અભ્યાસ કરતી હતી ત્યારે, આપણા બંનેના વર્ગ એકજ હતા. શરૂઆતમાં, મને  તું સાવ બોચીયા જેવો લાગેલો.

પણ મારા ઘરના તમામ  સભ્યોએ, અદીઠપણે મારામાં, રોપેલા, ધનાઢ્ય,  ભોટ અને  કહ્યાગરા ભાવિ પતિ અંગેના ખ્યાલ  તથા  કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, તરત લગ્ન કરવાની, મારાં ઘરનાં,  સહુની ઉતાવળે, મને તારામાં, ધનાઢ્ય,  ભોટ અને મારા ભાવિ કહ્યાગરા કંથનાં દર્શન થતાંજ, મેં તને પટાવવાનો પ્રયાસ, સમજણપૂર્વક શરૂ કર્યો.

જોકે, સાવ અરસિક લાગતો તું, મારાં ગણતરીપૂર્વક કરેલાં, લટુડાં-પટુડાં પાસે કેવીરીતે નમી પડ્યો, તેનું આજેય મારી બહેનપણીઓને આશ્ચર્ય છે..!! પેલી ઈર્ષાળુ નેત્રાએ તો, મને પૂછ્યું`તુંય ખરું," યાર, તેં  કેવી  રીતે પટ્ટી પાડી દીધી?"

આમતો, ત્યારેય, હું  કાંઈ  એવી  રૂપવંતી ન હતી (આજે તો, સહેજપણ નહીં..!!) , છતાંય,  તું  કાંઈ  સમજે તે  પહેલાં, T.Y.Bcom.ની ફાયનલ એક્ઝામ, અગાઉ, આપણા પરિચય, પ્રેમ (??), અને ગાઢ સાનિધ્યના,   માત્ર પંદર  દિવસના,  સમયગાળામાંતો, આપણા  લગ્નના કાયદેસરના સર્ટીફીકેટ  સાથે, તારા ઘરના, વિરોધને અવગણીને, તારા ઘરમાં, તારી સાથે, નવી નવેલી નવવધુ બનીને,  હું પ્રવેશી ચૂકી હતી.

તારી અને તારા ઘરનાં તમામ સભ્યોની અનેક વિનંતી છતાં, T.Y.Bcom.ની ફાયનલ એક્ઝામ, મેં ન જ આપી.

કૉલેજમાં આવીને, સુખ-શાંતિથી, જિંદગી પસાર થાય, તેવો ભરથાર શોધવાનો, મારો હેતુ પુરો થઈ ગયો હતો  મારે હવે  કોઈ ડીગ્રીની જરુર ન હતી.

લગ્ન પછી, મને હનીમૂન માટે લઈ જવાને બદલે, તું   એક્ઝામ આપવા રોકાયો તેય, મને  પસંદ નહતું પડ્યું. છતાંય  મારા તે મનોભાવ  તું   કળે, તે પહેલાં હનીમૂનની, તે સેક્સી ક્ષણોને,મેં  સામે ચાલીને કરેલા, અહીં લખી ન શકાય તેવાં, કામસૂત્રીય, જાતીય ખેલાસનના, મોહપાશમાં બાંધીને, તને મારી પાછળ એવોતો, ઘેલો બનાવી દીધોકે, તું હવે મારા સિવાય, બીજું કાંઈ નિહાળી-વિચારી ન શકે..!!   


 ` Kill the CAT, on first night and rule for ever..!!`  તે ન્યાયે,  હનીમૂનથી પરત ફર્યા બાદ, તારી નાની બહેન સાથે, સહેજ અમસ્તી, ચડભડ થતાંજ, મારા અપમાન થયાના મૂદ્દે,  મારી આંખેજ જોતો અને મારા મોહપાશમાં બંધાયેલા, તેં  પણ  મારોજ  પક્ષ  લીધો  અને તું  કામ પર ચાલ્યો ગયો.

બસ પછીતો, તારા મળેલા સાથને, કારણે, મારી હિંમત વધી જતાં, અપમાનના  મૂદ્દાને ચગાવીને,  ` મારા આપઘાતી મૃત્યુ માટે, તારા  ઘરનાં સર્વે જવાબદાર હોવાની`, સ્યૂસાઈડ નોટ` જાહેરમાંજ લખીને, બજારમાંથી ટીક-ટ્વેંન્ટી,  ઝેરી દવાની બોટલ લાવીને, મોંઢે લગાવી, બધાનાં દેખતાં, ઝેરી દવા પીવાનું એવુંતો નાટક કર્યું કે, ગભરાઈ ગયેલાં, ઘરનાં બધાંજ ભેગા મળીને, મને મનાવવાં લાગ્યાં.

છેવટે,   નણંદ અને સાસુએ, મારી સમક્ષ હાથ જોડીને, માફી માંગી ત્યારે,  સહુના ઉપર ઉપકાર કરતી હોઉં તેમ, મેં  આખા તમાશાને પડતો મૂક્યો.

લગ્ન પછીના પહેલાજ માસમાં,  મેં  બતાવેલા, ` Kill the CAT ` વાળા, તે  પિશાચી પરચાને જોઈને,  ઘરનાં બધાં સદસ્ય, ડઘાઈને, એવાંતો હેબતાઈ ગયાં? કે,  મને કામ બતાવવાનું તો દૂર, મારી નજર  સામેથી પસાર થવાનું પણ ટાળવા લાગ્યાં.

જોકે, એક હસતા રમતા ઘરમાં, ચોવીસ કલાકનું આવું, ટેન્સન તારા મા-બાપથી, સહન ન થતાં, બીજાજ મહિને, આપણા  નદીપાર આવેલા, બોપલના બીજા બંગલામાં, આપણને  રાજીખૂશીથી અલગ કરતા હોવાનું જાહેર કરી, ઘરવટો અપાયો.

જોકે, મને લાગે છે તે દિવસે, તું અને  બાકીનાં સર્વે થોડાં દુઃખી હતા, પણ મને તો જે જોઈતું હતું તે, એકાંત અને સ્વતંત્રતા મળતી હોવાથી, હું ઘણીજ ખૂશ હતી.

આપણે અલગ રહેવા ગયા બાદ, છ જ માસમાં, સગાંવહાલાં પાસે,  તારો સંસાર વ્યર્થ ગયાનો અફસોસ કરતાં-કરતાં, તારાં મા-બાપ,  ગુજરી ગયાં.

તારા મોટાભાઈ, ધંધો સાચવી  ન  શક્યા અને એક વખત જાહોજલાલી ધરાવતું તારુ કુટુંબ દેવામાં ડૂબી ગયું.

આજ દરમિયાન, લગ્નના સવા વર્ષે, આપણે ત્યાં દીકરી મેઘા નો જન્મ થયો. નાંણાની રેલમછેલમાં, મોટો થયેલો તું ,આવક વગર, અચાનક ટેન્સનમાં રહેવા લાગ્યો.

જોકે, તને કામધંધા વગરનો  જોઈને, ભારતભરમાં,  ટૂર ઍન્ડ ટ્રાવેલ્સનો  ધંધો કરતા, તારા  એક મિત્રએ તેના  ધંધામાં, તને  મહેનતનો ભાગીદાર બનાવ્યો. જેથી આવક શરૂ થતાંજ, આપણી ગાડી ફરીથી પાટે ચઢી ગઈ.

આખાય ભારતનાં પર્યટનસ્થળે, જતી લક્ઝરી બસ સાથે, વ્યવસ્થા માટે તું  જતો હોવાથી, હું હવે એકલી બેફામપણે, કોઈની રોકટોક વગર, મંદિર અને દેવદર્શનના બહાને, મને ફાવે ત્યાં, મિત્રો સાથે રખડવા લાગી.

આમતો, તને, લગ્નનાં છેક, પંદર વર્ષે, તારી અને તારા કુટુંબની દુર્દશાનું કારણ હુંજ છું, તે રહી-રહીને સમજાયું, પણ હવે ` બિલાડીને મારવાનો મોકો` તું ખોઈ બેઠો હતો.

એકાદ બે વાર મારી સાથે ઝઘડો કરીને, તેં મને સુધારવાનો, દબાવવાનો, મારવાનો પ્રયત્ન કર્યો તો, અડધી રાતે, મેં ય સામે, જોરજોરથી બરાડા પાડી, અશ્લીલ ગાળો  બોલીને, તને  એક લાફો મારી દીધો.બોપલ જેવા પૉશ વિસ્તારમાં, આપણા બંગલામાં, યોજાયેલા તમાશાએ, લોકોને ભેગા કર્યા. 

હવે  બધુંજ  સમજતી, બાર વર્ષની થયેલી મેઘા, ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડવા લાગી,  તે સાથેજ, આબરૂ જવાની બીકે, તું સાવ ચૂપ થઈ ગયો. આ બનાવ બાદ, મેં તને ક્યારેય હસતાં જોયો નથી.

આપણી વચ્ચે, અવારનવાર થતા  ઝઘડાની જાણ થતાં, તારી ગેરહાજરીમાં, તારું ઉપરાણું લઈને, મને દબડાવવા આવેલા,   સ્વભાવના જરા ભારાડી અને ક્રોધી  તારા સહુથી નાના,  મામાને  તો, મેં  અશ્લીલ ગાળો દઈ, મારા પર `રૅપ` કરવાનું આળ ચઢાવવાની ધમકી આપતાં,  તેય નીચી મૂંડીએ ચાલતા થયા.

ત્યારબાદ તો , તારાં ઘરનાં બધાંયને, તારા માટે અત્યંત લાગણી હોવા છતાં, તારું  દુઃખ સાંભળવા માટે પણ, કતરાવા લાગ્યાં. જોકે, આખાય ભારતનું ભ્રમણ કરવામાંથી, ઉંચો ન આવતો તું,  તારા અવ્યક્ત દુઃખને ભૂલવા, લક્ઝરી બસના ડ્રાયવર-કંડક્ટર સાથે બેસીને ક્યારે, શરાબ પીતો થયો, તેની કોઈને જાણ નથી.

આજે, આપણા લગ્નના ઓગણીસમા વર્ષે,  શરાબે તેનો રંગ બતાવી દીધો છે.

મારાથી છૂટવાકે, મને સજા આપવાનો નિર્ધાર કરીને, ચૂપ રહીને,  લિવર કૅન્સરનો મહારોગ, તેં સામેથી નોંતરી લીધો છે.

લોહીની ઉલ્ટીઓ થતાં તથા તારું પેટ ફૂટબોલ જેવું, ઢમઢોલ થતાં,  તને દસ દિવસથી  હૉસ્પિટલમાં દાખલ કર્યો છે.      

તેં હોસ્પિટલના સત્તાવાળાઓને, કડક સૂચના આપી હોવાથી,  `હું તારી પત્ની છું`,  તેમ કહેવા છતાં, તે લોકો મને અંદર આવવા નથી દેતા.

જોકે વોર્ડબૉય દ્વારા મને  જાણ થઈકે, તારી સ્થિતિ ઘણીજ ગંભીર છે.  તું આવતીકાલની સવાર ભાળે તોય ઘણું..!!

તારાં ઘરનાં બધાં સદસ્ય હૉસ્પિટલના દરવાજા પાસે, ટોળે વળ્યા છે, પણ મારી સાથે કોઈ વાત કરવા તૈયાર નથી. તેમનાં સાવ નાનાં બાળકો પણ નહીં.

મને આજે મારાં તમામ કૃત્ય પર ખૂબ પસ્તાવો થાય છે. આસવ, મારે તને જીવતો જોવો છે.

તું જેમ કહે તેમ કરવા, હું તૈયાર છું. તુ જઈશ તો મારાથી જિંદગીનો જંગ એકલો નહીં લડી શકાય.

મને મારાં કર્મોની સજા અહીંજ મળી ગઈ છે. તારી આંખ બંધ થતા પહેલાં, જો  તું મને  માફ  કરે તો, મને ખૂદ ઈશ્વરે માફ કરી તેવું, મન મનાવીશ...!!


જોકે, તારી નજર દીકરીને મળવા તડપે છે. તેવું મને વોર્ડબૉયે કહ્યું, પણ હું લાચાર છું.

મને   માત્ર એકવાર અંદર મળવા બોલાવ, મારે તને  હજી એક માઠા સમાચાર આપવા છે.

કૉલેજમાં અભ્યાસ કરતી, આપણી એક માત્ર દીકરી મેઘા,   ત્રણ માસના ગર્ભધારણ સાથે, ઍઈડ્સ થી પીડાય છે.


અહીં એકઠાં થયેલાં, સગાંવહાલાંને  આ બાબત જાણ ન થાય તેથી, મેઘાને હું તારી અંતિમ મુલાકાત અને દર્શન માટે લાવી નથી શકી
.

તારા અને ખાસ કરીને હું, એક માઁ એ, સંસ્કારી ઉછેર બાબતે, દરકાર ન   કરવાને  કારણેજ આ હોનારત સર્જાઈ છે, તેમ મારે આંખમાં આંસુ સાથે કબૂલાત કરવી છે.

મારા આસવ, અંતિમ શ્વાસ ત્યજે  તે  પહેલાં, તને મળવા, એકવાર મને તું  અંદર આવવા દઈશ?


એજ, લિ.

તારી લાચાર  મંદિરા.

========

તા.ક.  મિત્રો, આ કથા સત્ય ઘટના હોઈ શકે ?   કદાચ, હા..!!    પણ   હવે   શું????

========

માર્કંડ દવે. તાઃ૧૫ -જુલાઈ - ૨૦૧૦.

3 comments:

 1. Rajul Shah

  આ પત્ર કથા, સમાજની, કેટલીક એવી, ફૂવડ નારીઓને અર્પણ, જેમને મન પુરૂષ એ, ચાવી આપેલું રમકડું છે. જેણે કુટુંબને તોડવાના, પાપનાં ઓશીકાં બનાવી, પૂન્યને પગલૂછણીયે, સ્થાન આપ્યું છે. આ કથા, રહી રહીને, સઘળું લૂટાયા પછી, પગલૂછણીયે પૂન્ય શોધવા મથતી,એક નારીએ કરેલી, નિખાલસ કબૂલાતની, વ્યથા-કથા છે..!!

  કે પછી

  એકતા કપૂરની સિરીયલના કોઇ કેરેક્ટરની વાત છે આ? તે સિવાય આજ સુધી તો આટલી હદે જાય તેવી કોઇ સ્ત્રી જોઇ કે સાંભળી નથી.

  ReplyDelete
 2. Markand Dave
  to Rajul Shah

  Reply

  આદરણીય સુશ્રીરાજુલબહેન,

  મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છેકે, વડોદરાના એક કુટુંબમાં બનેલી આ સત્ય ઘટના છે,

  જેમાં આ બહેનને મારી હાજરીમાં, અશ્લીલ ગાળો બોલતાં, મેં અને મારા જમાઈએ,જાતે સાંભળ્યાં છે

  સત્ય કડવું પણ હોય છે અને પચાવવું કઠીન પણ.

  ઈશ્વરને પ્રાર્થના કરું છુંકે, આવું સત્ય લખવું જ ન પડે અને લખવું પડે તો, તેને પ્રમાણની જરૂર ન પડે.

  આપનો આભાર.

  માર્કંડ દવે.

  ReplyDelete
 3. Rajul Shah

  શ્રી માર્કન્ડભાઇ
  ,
  સોરી, મારો ઇરાદો તમારી વાતને ખોટી ઠરવવાનો નહતો પણ અંદરથી આવી વાત સ્વીકારવા મન તૈયાર નહોતુ.

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.