Thursday, February 10, 2011

આધુનિક બોધકથાઓ ભાગ- ૫

આધુનિક બોધકથાઓ ભાગ- ૫


વાયરે વહ્યા રે પ્રાણનાથ.

" વાયરે વહ્યા રે પ્રાણનાથ,કોને કહું મનની વાત?
   પ્રિયા હું, એ પ્રાણનાથ,કેમ કરી રહું તેની સાથ..!!"


=========

પ્રિયા-પ્રાણનાથ-નંબર-૧

" મારા પ્રાણનાથ મને ખબર છે,આજે પણ તમે ક્યો ખાસ દિવસ છે,તે ફરીથી ભૂલી જવાના છો..!!"

" અરે હોય કાંઈ, મારી પ્રિયા..!! આજે તું જોજે આ ભાયડાની યાદશક્તિની કમાલ..!!"

પ્રાણનાથને ઘરની બહાર કામધંધે ગયે હજીતો એકાદ કલાક પણ નહીં થયો હોયને, પ્રિયાને એક માણસ આવીને ખૂબ સુંદર ફૂલોનો બૂકે આપી ગયો.

બપોરના બે વાગ્યા હશેને એક ઝવેરી આવીને પ્રિયાને ખૂબ સુંદર કંગન આપી ગયો.

સાંજના છ વાગવા આવ્યા હશેને, એક શૉરૂમનો માણસ આવીને અત્યંત મોંઘીદાટ કિંમતી સાડી આપી ગયો.

અને છેવટે આ પ્રિયાના પ્રાણનાથ છેક મોડેથી, અડધી  રાત્રે ઘેર પધાર્યા ત્યારે,સાવ થાકેલા અને અત્યંત કંટાળેલા જણાયા.

આખો દિવસ પોતાને મળેલી કિંમતી ભેટને કારણે રાજીના રેડ થઈ ગયેલી પ્રિયાએ, પ્રાણનાથને લાડભર્યા અવાજે  અત્યંત થાકી જવાનું કારણ પૂછ્યું, ત્યારે પ્રાણનાથે જણાવ્યુંકે," અરે આજે આખો દિવસ ખૂબ દોડાદોડીમાં ગયો, એક બૂકેશોપવાળો, એક ઝવેરી અને એક સાડીના શોરૂમવાળો, મેં  કોઈજ સમાન ખરીદ્યો નહતો છતાં, મારી સાથે ઝઘડો કરીને બીલની રકમ લઈ ગયા..!!"

પ્રિયાએ ફરી લાડથી કહ્યું," મેં સવારે કહ્યું હતુંને, તમે ભૂલકણા છો.આ વેપારીઓએ બૂકે, કંગન અને સાડી, મને સમયસર પહોંચાડીનેજ તો બીલ વસૂલ કર્યું છે.મારી મેરેજ ઍનિવર્સરીમાં આટલી મોંઘી ભેટ?"

પ્રાણનાથ, " હેં..એં..એં," ઉચ્ચારી, ચોંકી જઈને ઉભા થઈ ગયા.

થોડીવાર બાદ પ્રિયા આઘીપાછી થતાં પ્રાણનાથ મોબાઈલ પર કોઈને મનાવતા હતા," ડાર્લિંગ, મારાથી ભૂલથી તારા સરનામાના કાર્ડને બદલે, મારા ઘરના સરનામાનું કાર્ડ અપાઈ ગયું હતું..!! તારો બર્થ ડૅ આવતીકાલે મનાવીશું બ..સ..?"

ઉપસંહાર - એકજ સમયે, પોતાનાં બે ઘરનાં વિઝિટીંગ કાર્ડ, એકજ ગજવામાં રાખવાની મૂર્ખાઈ કદાપી ન કરવી જોઈએ.

===========   

પ્રિયા-પ્રાણનાથ-નંબર-૨

સાવ સામાન્ય તાવમાંથી છેક, અંતિમ શ્વાસ સુધી પહોંચી ગયેલી,એક કર્કશા સ્વભાવની પ્રિયાએ પોતાને બચાવી લેવા પોતાના પ્રાણનાથને રીતસર આજીજી કરી.

આખી જિંદગી પ્રિયાની કચકચથી કંટાળેલા પ્રાણનાથે, પ્રિયાને બરાબર સારવાર ન મળતી હોય તેવી સરકારી હોસ્પિટલમાં દાખલ કરી દીધી અને પ્રિયા ન રહે ત્યારબાદની મુક્ત જિંદગીનાં સ્વપ્ન જોવા લાગ્યો.

પરંતુ, ઈશ્વરને કરવુંકે જે હોસ્પિટલમાં દર્દીઓનો મૃત્યુઆંક ઉંચો રહેતો હતો, ત્યાં થોડાકજ દિવસોની સારવાર બાદ, છેક મરવાની અણી પર આવેલી પ્રિયા એવીતો સાજી થઈ ગઈ કે, ત્યારબાદ પ્રિયાને બીજા આઠ વર્ષ સુધી શરદી-ઉધરસ સુદ્ધાં ન થઈ.

જોકે, ફરીથી ઈશ્વરને કરવું તે પ્રિયાને ફરીથી ખૂબ તાવ આવ્યો, પ્રાણનાથને લાગ્યું ભગવાને  છેક આઠ વર્ષે પોતાની સામે જોયું લાગે છે.

પ્રિયાની આજીજીને કારણે, પ્રાણનાથે ફરીથી પ્રિયાને એજ હોસ્પિટલમાં એવી આશાએ દાખલ કરીકે, પ્રિયા કદાચ ઉંચા મૃત્યુઆંકની ઝપટમાં આવી જાય, તો ફરીથી પોતાના જીવનમાં સુખનો સૂરજ ઉગે..!!

જોકે, પ્રાણનાથે આ વખતે તકેદારીરૂપે ડૉક્ટરસાહેબને, પોતાની પ્રિયાને આ બીમારીમાં જે જે દવાઓ આપવી પડે બાબત તે જાણી લઈને તે દવાઓ લેવાથી, પ્રિયાને  રીએક્શન થાય છે, તેમ ખોટું જણાવીને, તે દવાઓ નહીં આપવા માટે, લાંબુંલચક લીસ્ટ પકડાવી દીધું.

ડૉક્ટરે તકેદારીના પગલાંરૂપે તે દવા આપવાનું ટાળ્યું અને પ્રિયા વગર દવાએ સાજી થઈને આજેપણ પ્રાણનાથની દરરોજ ખબર લે છે.

ઉપસંહાર - દવાનાં લીસ્ટથી પ્રિયાઓ સાજી કે મરવા સુધીની માંદી મડે તેવું કાયમ હોતું નથી, ક્યારેક બદનસીબ જેવી પણ કોઈ ચીજ હોય છે તે સ્વીકારી લેવું જોઈએ.


=======

પ્રિયા-પ્રાણનાથ-નંબર-૩

પ્રાણનાથના આડાઅવળા ધંધાઓથી કંટાળીને પ્રિયા રીસાઈને પોતાના પિયર ચાલી ગઈ. પ્રાણનાથ તેને મનાવવા ગયા ત્યારે સાસુ-સસરાએ પણ પોતાની દીકરીને, પ્રાણનાથ સાથે પરત મોકલવાની ના પાડી, ખાલી હાથે પાછા રવાના કરી દીધા.

પ્રાણનાથ, પોતાની પ્રિયા વગર ઘરમાં જાતે બધું કામ કરીને કંટાળીને પાગલ જેવા થઈ ગયા. તેમની આવી દશા જોઈને છેવટે ના રહેવાતાં, તેમનો એક મિત્ર તેમને એક મનોચિકિત્સક પાસે લઈ ગયો.

મનોચિકિત્સકે સધિયારો બંધાવવા પ્રાણનાથને કહ્યું," આવી સ્થિતિમાં ગભરાઈ ન જવું, મારી પત્ની છેલ્લા બે વર્ષથી રીસાઈને પિયર જતી રહી છે સાથેજ મારી આવક બમણી થઈ ગઈ છે..!!"

પ્રાણનાથની સાથે આવેલા મિત્રએ પૂછ્યું," તે કેવીરીતે?"

મનોચિકિત્સકે કહ્યું," સાવ સિમ્પલ, મારી પત્નીના ગયા પછી તેને ભૂલી જવા, હું મારી જાતને, બમણો સમય મારા વ્યવસાયમાં ગળાડૂબ રાખું છું. તમારા મિત્રને પણ એવીજ સલાહ છે કે વધારે કામ કરો. બાય ધ વૅ.. આ ડીસ્ટર્બ થયેલા તમારા મિત્ર શું વ્યવસાય કરે છે?"

મિત્રએ જવાબ આપ્યો," સાહેબ, તે ધનિક સ્ત્રીઓને ઍન્ટરટેઈન કરવાનો વ્યવસાય કરે છે."

ઉપસંહાર- આવા અસાધારણ સંજોગોમાં, પ્રાણનાથે ક્યાંતો ધંધો બદલવો ક્યાંતો પ્રિયા..!!

==========

પ્રિયા-પ્રાણનાથ-નંબર-૪

પ્રાણનાથ, પોતાના અંગત મિત્ર પાસે, પોતાની સાથે બનેલી કમબખ્ત ઘટનાઓનાં રોદણાં રડી રહ્યો હતો.

" તને શું કહું યાર..!! મારી પાસે ખૂબ તગડું બેંક બેલેન્સ, મોંઘી કાર, પોશ ઍરીયામાં વિશાળ બંગલો, નોકર-ચાકર, પ્રેમાળ સુંદર સ્ત્રી, બધુંજ હાજરાહજૂર હતું પરંતુ હાય રે નસીબ..? એક ક્ષણમાંજ બધુંજ છીનવાઈ ગયું..!!"

મિત્રએ દિલાસો આપતા અવાજે પૂછ્યું," કેમ અચાનક શું થયું?"

એક મોટો નિસાસો નાંખીને પ્રાણનાથે જવાબ આપ્યો," આ બધુંજ ગઈકાલે મારી પત્ની પ્રિયાએ શોધી કાઢ્યું..!!"

ઉપસંહાર- તગડું બેંક બેલેન્સ, મોંઘી કાર, પોશ ઍરીયામાં વિશાળ બંગલો, નોકર-ચાકર, પ્રેમાળ સુંદર સ્ત્રી, બધુંજ હાજરાહજૂર રાખવું હોય તો પ્રિયાઓને પરણવું નહીં.

==========

" ANY COMMENTS "

માર્કંડ દવે. તા.૧૦-ફેબ્રુઆરી ૨૦૧૧.

==========

2 comments:

  1. અત્યાધુનિક બોધકથાઓ...પ્રિયા અને પતિ ની કથાઓ...ખુબ સરસ દવેકાકા.
    માધવ મેજિક બ્લોગ

    ReplyDelete
  2. વાસ્તવિક સંસારિક જીવનથી દૂર રહેવાની કોશીશ કરનાર પ્રાણનાથની સાથે અતુપ્ત જીજીવિષા વાળી પ્રિયાઓ માટે અસરકાર વાત.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.