Tuesday, January 19, 2010

વિસરાતી વાર્તા-૭.(મા બાપ), વિસ્તરતી વાર્તા-૭.( નગુણો પથરો )

વિસરાતી વાર્તા-૭.(મા બાપ), વિસ્તરતી વાર્તા-૭.( નગુણો પથરો )

વિસરાતી વાર્તા (માબાપ)

જે પહાડના શિખરમાંથી ધુમાડો,બળતા પથરા ને ઊનો ઓગળેલો રસ કોઈ વેળાએ ઘણા જોરથી નીકળે છે,તેને જ્વાળામુખી એટલે બળતો પહાડ કહે છે.
યુરોપ ખંડના એક દેશમાં, ઘણાંએક વરસ ઉપર એવા એક પહાડમાંથી જોરદાર ધડાકો થયો ને ધગધગતો રસ તેની ચોતરફથી સડસડ કરતો ઉતર્યો.

તેથી આખા ગામનાં ગામ નાશ પામ્યાં.અંગારા અને રાખ ઊડવાથી આકાશ ભરાઈ ગયું.
તે વેળાએ આસપાસના ગામના લોકો પોતાની મોઘી મોઘી જણસો સાથે લઈને નાઠા.

તેમાં બે યુવાન ભાઈ હતા,તે પોતાની પીઠ પર જુદી તરેહની દોલત ઊંચકીને દોડ્યા.
એ દોલત એવી હતીકે બીજા કશા ઊપાયથી ફરી મળે નહી.

એ દોલત તેમનાં માબાપ હતાં.તેમને કાંધે બેસાડીને તેઓ નાઠા.

એ બે જણનું આચરણ જોઈને લોકો ઘણું આશ્ચર્ય પામ્યા.જોકે,જે રસ્તે તેઓ ગયા તે રસ્તે પરમેશ્વરના કરવાથી એવું બન્યું કે, આસપાસનું સર્વ બળી ગયું ;
પણ ઊનો રસ (લાવા) તે રસ્તે આવ્યો નહીં તેથી તેમની આસપાસનો બધોજ વિસ્તાર, લીલો ને લીલો જ રહ્યો.

ત્યાંના લોકો અજ્ઞાની હતા પણ તેમનાં મન પવિત્ર હતાં,તેથી તેમણે પેલા બે છોકરાઓના પુણ્યને લીધે ઈશ્વરી ચમત્કારથી આ જગા ઊગરી
તે દહાડેથી` ભક્તિમાનનું ક્ષેત્ર` એવું તે ઠેકાણાનું નામ પાડ્યું.

ઉપસંહારઃ- જગતમાં બધી કિંમતી ચીજ ફરી મળશે,પણ માબાપ ફરી નહીં મળે.માબાપથી અણમોલ જણસ જગતમાં કાંઈ નથી.

======================

વિસ્તરતી વાર્તા-.( નગુણો પથરો )

નફરતની ઢાલ લઈ ને, ફરને તું તારે`!

પ્રેમની તેગ તપાવી છે, મેં તુજ કાજે.

====================

" તમારે મારી કોઈ વાતમાં ટકટકારો કરવાની જરુર નથી સમજ્યા ને ? છાનાંમાનાં ભગવાનું નામ લો અથવા જગતમાંથી હવે ટળો,ક્યાં સુધી મિલ્કત ઉપર નાગની જેમ ફેણ માંડીને બેસી રહેશો ?" લાડમાં ફાટીને ધુમાડે ગયેલો (૨૨ વરસનો !!) `નાનકો` મૌન ઘરડાં માબાપને દબડાવતો હતો.

ઘરના, ત્રણ ભાઈઓમાં સહુથી નાના દીકરાનું નામ, તો જોકે, મૌન હતું, પણ તે કડવું બોલી બધાને મૌન કરી દેવામાં એક્કો હતો.
આખો દિવસ ભાઈબંધો સાથે આવારાગર્દી કરવી,રખડ્યા કરવું અને કોઈ શિખામણ આપે તો,તેનું મોંઢું તોડી લેવું, બસ આજ તેનો ધંધો હતો.

જોકે,મૌનના બંને મોટાભાઈ, બાપાના ધંધામાં સારી રીતે પલોટાઈને,સંયુંક્ત કુટુંબમાં સહુની જરુરિયાતોનું, સારીપેઠે ધ્યાન રાખતા હતા,
તેથી જ ઘરનો કકળાટ ઘરમાં ઢંકાઈ જતો હતો.

પણ આજેતો ગામમાં ફજેતો થાય તેમ,મૌન જીદે ભરાયો હતો,તેના કોઈ `કરું કંપની` જેવા આવારા ભાઈબંધે, નવો ધંધો શરુ કરવા, મૌનને ભાગીદારીની લાલચ આપી હતી.

ધંધામાં ભાગીદારી શરુ કરવા, પચાસહજાર રૂપિયા ઘેરથી લઈ આવવાનું મૌનને કહ્યું હતું, મોટા બંને ભાઇઓ,મૌનના તે આવારા મિત્રને સારીપેઠે ઓળખતા હતા.તેઓને જાણ હતીકે, મૌનના પૈસા પાણીમાં પડી જવાના હતા.

મૌને આદતનુસાર બૂમબરાડા પાડી, બધાને જેમતેમ સંભળાવી, મોટાભાઈઓ સાથે ગાળાગાળી કરી, માબાપની આબરુ સાવ ટકા ની કરીને,સાંજ સુધીમાં તો, છેવટે પચાસ હજાર રૂપિયા પડાવે છૂટકો કર્યો.

એટલુંજ નહીં, મૌનને બધાએ ઘણોજ વારવા છતાં, ફરીથી ઘરમાં પગ ન મૂકવાની પતિજ્ઞા લઈને, તે ઘરનાં તમામને, ગાળો બોલતો-બોલતો ચાલતો થયો.

ફક્ત પંદર દિવસમાંજ પેલા આવારા ભાઈબંધે પોત પ્રકાશ્યું, પચાસહજાર રૂપિયા તો, ચટણીની માફક જોતજોતામાં વપરાઈ ગયા.ધંધો શરુ કરવાનાં કોઈજ એંધાણ દેખાતાં નહતાં, તેથી મૌને, ભાઈબંધ પાસે પોતે આપેલા રૂપિયાનો હિસાબ માંગ્યો તો,તે ભાઈબંધે જાહેરમાં રોડ વચ્ચે, મૌન સાથે બાથંબાથી કરી ઝઘડો કર્યો.

બંને વચ્ચે ગાળાગાળી સાથે ઝઘડો વધી જતાં,છેવટે મૌનના હાથે ના બનવાનું બની ગયું,ચાકુ લઈને મૌનને મારવા દોડેલા ભાઈબંધથી,
પોતાનો જીવ, બચાવવા જતાં, મૌને તેનાજ ચાકુથી, તે ભાઈબંધની છાતીમાં, હ્યદય પર વાર કરતાં, તેના ભાઈબંધનું પ્રાણપંખેરું સ્થળ પર જ ઉડી ગયું.

પોલીસે આવીને કાયદેસરની કાર્યવાહી કરી.મૌનની સ્થળ પરથી જ ધરપકડ કરી.મૌનથી ખૂનનો અપરાધ થયો હતો,
જોકે સાક્ષીઓએ આપેલા, સત્ય બયાનને કારણે,પોતાનો જીવ બચાવવા જતાં,અજાણતાં અપરાધ થયાની કલમો પોલીસે લગાવી.
હાલ અદાલતમાં કેસ ચાલે છે.

જેલમાં, મૌનને મળવા માબાપ જાય ત્યારે, આઘાત અને શરમને કારણે, મૌન હવે સાવ મૌન રહે છે.

પણ એનું અંતરમન મૌન તોડીને ચિત્કારે છે કે, શા માટે તેણે પોતાના ક્રોધના લાવારસને કાબૂ ન કર્યો,
જેના વહેવાથી પોતાના જીવનની સુખ શાંતિની લીલી વાડી બળીને ખાક થઈ ગઈ.

જોકે, મૌનને એટલી શાંતિ હતી કે, માતાપિતાની સેવાને સમર્પિત, બંને મોટાભાઈઓએ, પોતાના માબાપ સહિત સમગ્ર કુટુંબને, પોતાની ગેરવર્તણૂકના ધગધગતા લાવારસના પ્રકોપમાંથી, ઊગારી લેતાં, ઘરની લીલી વાડી હેમખેમ હતી.

પોતાની ખરાબ દશા માટે આંસુ સારતાં માબાપ, મોનને હવે રહી-રહીને,એક અમૂલ્ય જણસ સમા લાગવા લાગ્યાં.

ઉપસંહારઃ- જગતમાં બધી કિંમતી ચીજ ફરી મળશે,પણ માબાપ ફરી નહીં મળે.માબાપથી અણમોલ જણસ જગતમાં કાંઈ નથી.

માર્કંડ દવે.તા.૧૯-૦૧-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.