Friday, January 15, 2010

બોલ સખી

પ્રિય મિત્રો,

ગુજરાતની ધીંગી ધરાની તાસીર કૈંક ઔર છે.આ માનવીયુંના મેળે હેંધાય પંથકની માંયલી કોર પ્રેમની પરબું ઠેર-ઠેર મંડાયેલી છે.
હે......ય......ને હકડેઠઠ, હૈયે હૈયું ચંપાય એવા,દલડાંની લેવડદેવડની,પાછલા જનમની પ્રિત્યુંની,ને પ્રેમભરી આંખોની મસ્તીના લોકમેળાની
અહીં કમી નથી.આવાજ એક મેળામાં પાછલા જનમની પ્રિતની ઓળખાણ કાઢી,એક બળૂકા પ્રેમીએ અસ્સલ ગામઠી,કાલીઘેલી લોકબોલીમાં,
અને પ્રેમની પરબમાં,પ્રિતનું અમરત, ઘૂંટડે-ઘૂંટડે ધરાઈને પીવા પ્રિયાને ઈંજન આપ્યું.

એ...ઈ... હાલો,હાલો.ઈવડા ઈ પ્રેમી આપણ હંધાયને બરકે છે. હા....લો.....હવે આપણે હંધાય ઈ પરસંગના સાક્ષી થઈએ.

બોલ સખી.

સખી,તને મારા મનના મેળે જોતાંજ,હું પારખી ગયો,આ ...લે...લે...લે...તું તો મારા ગયા જનમની પ્રિત ગોઠડી..સખી..!!
આપણા અધુરા ઓરતા ને અધુરી પ્રિતની વારતા પુરી કરવા ઉપરવાળાએ તને,ફરી પાછી,ધરતી પર મોકલી દીધી છે.
તારી આંખના ઉલાળાએ મને ભરુંસોં બેહાડી દીધોકે,મારી પિછાણ તનેય થઈ ગઈ છે.આ વિધાતા કેવી રમત્યું કરે છે..!!

બોલ સખી,તું કહે તો તારા હાથોનું હું ખનન ખનન કંગન બનું,
બોલ સખી,તું કહે તો તારા પગનું હું ઝનન ઝનન ઝાંઝર બનું,
સખી,તું માગ..માગ.. માંગે તે હાજર કરું,

બોલ સખી,વહાલપની ચાદરુંના છાંયડા કરાવું ?
બોલ સખી,વાદળીની ઓથે ઓલ્યા તડકા છુપાવું ?
તું આવે તો,ધણણ ધણણ છપ્પર ફોડું.
સખી,તું માંગ..માંગ..માંગે તે હાજર કરું.

બોલ સખી,પ્રિત કેરાં ફુલ,તારા કાજે ચૂંટાવું ?
બોલ સખી,દલડાના દર્પણમાં તુજને મઢાવું ?
તું આવે તો, રણણ રણણ રણકાર કરું.
સખી,તું માંગ...માંગ...માંગે તે હાજર કરું.

બોલ સખી,ચુંદડીમાં તારી હું તારલા મઢાવું ?
બોલ સખી,આકાશી વિજ થી મારગ ઉજાળૂં ?
તું આવે તો,ઝરર ઝરર સાગર ભરું.
સખી,તું માગ..માંગ...માંગે તે હાજર કરું.

બોલ સખી,તું કહે તો તારા હાથોનું હું ખનન ખનન કંગન બનું,
બોલ સખી,તું કહે તો તારા પગનું હું ઝનન ઝનન ઝાંઝર બનું,
સખી,તું માગ..માગ.. માંગે તે હાજર કરું.

હે મારા પ્રિય સખા,તમારે કૈંક કહેવું છે ?

માર્કંડ દવે.તા.૨૬-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.