Tuesday, September 13, 2011

આંસુની છાલક (ગીત)

આંસુની છાલક (ગીત)

કોઈ આંસુની છાલક મારો, કે મારી આંખને ભરાયો ડૂમો.
કોઈ દુઃખના દરિયા ઉલેચો, કે મારી આંખનો સુકાયો કૂવો.

અંતરા-૧.

તું સૂરજ મધ્યાહ્નનો પ્રિયે, હું છું તિમિર નિશા.
વેરણ થઈને,ઝંખ્યા કરતી, તવ મિલન દિશા.
કોઈ તિમિર ઉજાસે ભરો,કે મારી આંખને ભરાયો ડૂમો.
કોઈ દુઃખના દરિયા ઉલેચો, કે મારી આંખનો સુકાયો કૂવો.

અંતરા-૨.

તું નીંદર, નિરાંતની પ્રિયે, હું બળબળતી ચિતા.
કારણ થઈને રગરગ ડસતી,ભડભડતી ચિંતા.
કોઈ ચપટીમાં ચિંતાને ચોળો,કે મારી આંખને ભરાયો ડૂમો.
કોઈ દુઃખના દરિયા ઉલેચો, કે મારી આંખનો સુકાયો કૂવો.

અંતરા-૩.

તું મોંઘી મહેલાત પ્રિયેને, હું  ખંડેર બિસમાર.
ભગ્ન થઈને શમણે નડતી,વણથંભી વણઝાર.
કોઈ ભાંગ્યાના ભેરુ ધાજો,કે મારી આંખને ભરાયો ડૂમો.
કોઈ દુઃખના દરિયા ઉલેચો, કે મારી આંખનો સુકાયો કૂવો.

અંતરા-૪.

તું તસતસતું સ્મિત પ્રિયેને, હું છું રુદન ચોધાર.
આંસુ થઈને ભીંજવે અવની,અરણ્યરુદનની ઘાર.
કોઈ આંસુને દેજો દિલાસો,કે મારી આંખને ભરાયો ડૂમો.
કોઈ દુઃખના દરિયા ઉલેચો, કે મારી આંખનો સુકાયો કૂવો.

કોઈ આંસુની છાલક મારો, કે મારી આંખને ભરાયો ડૂમો.
કોઈ દુઃખના દરિયા ઉલેચો, કે મારી આંખનો સુકાયો કૂવો.  

માર્કંડ દવે.તા-૧૩-૦૯-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.